Featured Books
શ્રેણી
શેયર કરો

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’ - 3

‘૯૧૬૬ અપ: ગુજરાતના રમખાણોનું અધૂરું સત્ય’

પ્રશાંત દયાળ

પ્રકરણ

હિંદુઓને લાગ્યું કે તે ક્યાં સુધી બાપડાં બની જીવશે ?

ગોધરાકાંડની ઘટનાના પછી ચોવીસ કલાકમાં હિન્દુઓના મનમાં અનેક ઉથલપાથલો થઈ હતી, કારણ કે તે આખી ઘટનાથી ખૂબ દુ:ખી હતા. તેમને એ વાતનું વિશેષ દુ:ખ હતું કે રાજ્યમાં કટ્ટર એવા હિંદુ મુખ્યમંત્રી હોવા છતાં આટલી મોટી ઘટના બની ગઈ અને સરકાર કંઈ કરી શકી નહીં. મને બરાબર યાદ છે કે અમદાવાદમાં તોફાનો ચાલતા હતા તે વખતે હું અને વિક્રમ વકીલ હરેન પંડયાને મળવા ગયા હતાં. હરેન પંડયા તે વખતે દુ:ખી હતા. જયારે તેમની સાથે ગોધરાકાંડની વાત નીકળી ત્યારે તેમણે જણાવ્યું કે, ‘તે રાત્રે એટલે કે ગોધરાની ઘટના બની તે રાત્રે તેમણે એક ટોચના નેતાને એવી સલાહ આપી હતી કે ગોધરામાં જે કંઈ બન્યું છે તેને કારણે હિંદુઓ નારાજ અને ગુસ્સામાં છે, જેથી હિંદુઓનો ગુસ્સો શાંત પડે તેવું આપણે કંઈ કરવું જોઈએ. કારણ કે હિન્દુઓના મનમાં એવી વાત ઠસી ગઈ છે કે સરકાર તેમનું રક્ષણ કરી શકે તેમ નથી. આ વાત તેમના મનમાંથી કાઢવી જરૂરી છે.જયારે ટોચના નેતાએ તેમના પાસે ઉકેલ માંગ્યો ત્યારે સલાહ આપી કે જેમણે ગોધરાકાંડનું સર્જન કર્યું છે તેમને તેની સજા મળવી જોઈએ અને તે પોતે કમાન્ડો સાથે ગોધરા જવા તૈયાર છે. જો આજે રાત્રે ગોધરા સ્ટેશનની સામે આવેલા સિગ્નલ ફળિયામાં ઓપરેશન કરવામાં આવે તો ગુનેગારને સજા મળશે, નહિતર ગોધરાના રોષનો ભોગ રાજ્યના અનેક મુસ્લિમોને જ બનવું પડશે. તેમની આ વાત તે નેતા માન્ય નહીં, કારણ કે તેમના મનમાં કંઈ જુદું જ ચાલતું હતું. આ વાત જયારે હરેન પંડયાએ અમને કરી ત્યારે તેમની આંખમાં આંસુ હતા. તેમણે કહ્યું કે મારી વાત માની હોત તો ગુલબર્ગ કે નરોડાના ગરીબ મુસ્લિમોને ગુસ્સાનો ભોગ બનવું પડયું ના હોત. ગરીબ મુસ્લિમોને મારવામાં કયા હિન્દુત્વની સેવા થઈ છે તેની મને ખબર નથી. આમ પહેલી વખત હરેનનું એક નવું વ્યક્તિત્વ મારી સામે આવ્યું, છતાં મને હજી સમજાતું નથી કે હરેન પંડ્યાને કટ્ટર હિંદુ સમજી તેમની હત્યા કરવામાં આવી હતી.

તા. ૨૮મીની સવારથી હિંદુ વિસ્તારમાં નાનાં-મોટાં ટોળા રસ્તા પર આવ્યા હતાં. જો કે તે બહુ મોટી સંખ્યામાં નહોતા. પાંચ-દસ માણસો જ હતા પણ તેમને પોલીસે નહીં ટોકતા તેમની સંખ્યામાં વધારો થવા લાગ્યો હતો. કેટલાંક સ્થળે પ્રામાણિક પોલીસ કોન્સ્ટેબલોએ ટોળાને રોકવાનો પ્રયત્ન કરતાં લોકો એ તેમને હિન્દુત્વની દુહાઈ આપી ખૂણામાં ચુપચાપ ઊભા રહેવાની સલાહ આપતા હતા. જો કે પોતાના આત્માનો અવાજ સાંભળી શકે તેવા કોન્સ્ટેબલોની સંખ્યા ઓછી હતી, કારણ કે તેમના ઉપરી અમલદારો ખાસ કરીને ઇન્સ્પેકટરો પણ આત્માનો અવાજ સાંભળવાને ધારાસભ્યોનો અવાજ સાંભળતા હતા. આ વખતે કોઈએ ક્યારેય કલ્પના પણ ના કરી હોય તેવા વિસ્તારમાં હિંદુઓ હજારોની સંખ્યામાં બહાર આવવા લાગ્યા હતા. અમદાવાદના સેટેલાઈટ, વસ્ત્રાપુર, નવરંગપુરા અને સી. જી. રોડ જેવા વિસ્તારમાં પણ સામાન્ય ઘટના બને ત્યારેમારા બાપને કેટલા ટકાની માનસિકતાવાળા હિંદુઓ પણ રસ્તા ઉપર હતા. ત્યાં સૌથી ઓછો પોલીસની હાજરી હતી, કારણ કે મોટાભાગની પોલીસને સંવેદનશીલ વિસ્તારોમાં મુકવામાં આવી હતી. આ ટોળાઓ કોઈ મુસ્લિમોને નિશાન બનાવી શકે તેવી શક્યતા તો ન હતી, કારણ કે આ વિસ્તારમાં મુસ્લિમ વસ્તી જ નથી. માત્ર નવરંગપુરામાં મુસ્લિમ સોસાયટી આવેલી છે, જ્યાં બે-ત્રણ સશસ્ત્ર પોલીસવાળા હતા. જો કે ત્યાં કેટલાક આઈ. પી. એસ. અધિકારી રહેતાં હોવાને કારણે વિશેષ બંદોબસ્ત હતો.

જ્યાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ રહે છે તેવા જજીસ બંગલાની બરાબર બાજુમાં મુસ્લિમોની હોટેલો આવેલી છે. ટોળા તેની આસપાસ એકઠા થયા હતા અને પહેલા પથ્થરમારાથી શરૂઆત થઈ હતી. જો કે જોતજોતામાં ટોળું હિંસક બન્યું અને એક પછી એક હોટલોને આગ ચાંપવા લાગ્યા. નજીકમાં જ આવેલી પોલીસચોકીમાં બે પોલીસવાળા હતા પણ તેમણે તમાશો જોવા સિવાય કંઈ કરવાનું ન હતું. જો કે આ ઘટના બની તેના કલાક પહેલા એડીશનલ પોલીસ કમિશનર શિવાનંદ ઝા ત્યાંથી નીકળ્યા હતા અને તેમની નજર પંદર-વીસ વ્યક્તિઓ સાથે જઈ રહેલા ધારાસભ્ય અમિત શાહ ઉપર પડી હતી. જેથી શિવાનંદ ઝાએ પોતાની કાર ઉભી રખાવી ધારાસભ્ય અમિત શાહને ચેતવણી આપી હતી કે તેઓ આ રીતે ટોળા સાથે ના ફરે તો સારું છે, કારણ કે જો આ વિસ્તારમાં કંઈ બનશે તો તેમની સામે પણ કાયદેસરના પગલા ભરવામાં આવશે. ત્યારે શિવાનંદ ઝાને ખબર ન હતી કે જેમને તે ચેતવણી આપી રહ્યા છે તે બહુ જલદી ગૃહરાજ્યમંત્રી બની જશે અને હોદ્દાની રૂએ તેમને એક દિવસ સલામી આપવી પડશે. શિવાનંદ ઝા હિંદુ-મુસ્લિમનો ભેદ પાડયા વગર પ્રમાણિકપણે ફરજ બજાવનાર અધિકારી હતા, જે વાત ઘણાને ખટકતી હતી. જો કે તેમના જેવા અધિકારીની સંખ્યા ઓછી હોવાને કારણે તોફાનો અટકાવવામાં તેમને ધારી સફળતા મળતી નહોતી, કારણ કે સ્થાનિક ઇન્સ્પેકટરોને ખબર હતી કે તેમના પોસ્ટિંગમાં ધારાસભ્યની વાતનું કેટલું વજન પડે છે.

સાડાદસ-અગિયાર થતા સેટેલાઈટ, નવરંગપુરા, પાલડી અને આશ્રમરોડ જેવા વિસ્તારોમાં વાત વણસી ચૂકી હતી. હિંદુઓ હજારોની સંખ્યામાં રસ્તા ઉપર આવી ગયા હતા અને મુસ્લિમોની હોટેલ અને દુકાનોને શોધી-શોધી નિશાન બનાવતા હતા. તક મળે ત્યાં કારમાં આવી દુકાનોમાં લૂંટ પણ ચલાવતા હતાં. જેના ઘરમાં એક કરતા વધારે કાર હોય તેવા શ્રીમંતો પણ આ લૂંટમાં સામેલ હતા. જો કે આ કઈ પ્રકારની માનસિકતા હતી તેની ખબર પડતી નથી. પશ્ચિમ અમદાવાદમાં મુસ્લિમોની ખાસ વસ્તી ન હતી પણ પાલડીમાં આવેલા ડીલાઈટ ફ્લેટને ટોળાઓએ ઘેરી લીધા હતા અને સતત પથ્થરમારો કરતા હતા. ટોળું ફ્લેટમાં પ્રવેશ કરવા માંગતું હતું પણ તેની આગળ લોખંડની મોટી જાળીઓ હતી, જે હજી તૂટી ન હોવાને કારણે હિન્દુઓનું ટોળું અંદર આવી શક્યું ન હતું. ટોળાએ ફ્લેટના નીચેના ભાગે આગ પણ ચાંપી દીધી હતી, જેના કારણે ફ્લેટમાં રહેલા મુસ્લિમો પારેવાની જેમ ફફડી રહ્યા હતા. તેઓ સતત પોલીસને મદદ માટે ફોન કરતા હતા, પરંતુ તેમને આઘાત ત્યારે લાગ્યો કે જે ટોળું તેમની ઉપર હુમલો કરવા માટે આવ્યું હતું તેમની વચ્ચે બે-ત્રણ પોલીસવાળા પણ હતા. પોલીસ ઇન્સ્પેકટરની જીપ ત્યાં આવતી અને જોઈને જતી રેહતી હતી પણ કોઈ તેમની મદદમાં નહોતું આવતું. ફાયરબ્રિગેડને ફોન કર્યા હતા પણ તે દિવસે ફાયર કંટ્રોલને એટલા સંદેશા મળતા હતા કે તેમની પાસેના વાહનો અને સ્ટાફ ખૂટી પડયો હતો. બપોર થતા આખું અમદાવાદ લગભગ ભડકે બળવા લાગ્યું હતું, જેના કારણે આગ ઓલવવા માટે પણ કોઈ આવતું નહોતું.

કંટ્રોલરૂમ દ્વારા સતત ડીલાઈટ ફ્લેટ અંગે વાયરલેસ ઉપર સંદેશાઓ આવતા હોવાથી પેટ્રોલિંગમાં રહેલા એડીશનલ કમિશનર શિવાનંદ ઝાને મામલો ગંભીર હોવાનો ખ્યાલ આવ્યો હતો. તેમણે કારણે તેમણે પોતાના ડેપ્યુટી કમિશનર વી. એમ. પારધીને ડીલાઈટ ફ્લેટ પર પહોંચવા માટે સૂચના આપી હતી અને પોતે પણ ત્યાં દોડી આવ્યા હતા. જો કે ત્યાં સુધી તે ફ્લેટમાં રહેતાં ડો. યુનુસ ભાવનગરીએ પોતાની પરવાનગીવાળી રિવોલ્વરમાંથી ગોળીબાર કરી પોતાનો તેમજ અન્ય મુસ્લિમોનો જીવ બચાવી લીધો હતો. શિવાનંદ અને પારધી ત્યાં પહોંચ્યા અને તેમને ટોળાઓ ભગાડી મુસ્લિમોને બચાવ્યા હતા.પણ દર વખતે બધી જગ્યાએ પહોંચી વળવું તેમના માટે શક્ય નહોતું. તેના કારણે કેટલાક મુસ્લિમોને જીવ ગુમાવવો પડયો હતો. તેમાં તોફાની તત્વો દ્વરા પાલડીની હોટેલ હંસઈનને આગ ચાંપવામાં આવી હતી ને ત્યાં ઉતરેલા મુસાફરનું આગને કારણે મોત નીપજ્યું હતું પણ પૂર્વ અમદાવાદની સરખામણીમાં પોલીસે ઘણી સારી કામ ગીરી કરી હતી. તેનું એક માત્ર કારણ શિવાનંદ ઝા અને વી. એમ. પાધરીના નેક ઈરાદા હતા.

પૂર્વ અમદાવાદમાં સવારની સ્થિતિ સામાન્ય હતી, કારણ કે ગોમતીપુર, અમરાઈવાડી, રખિયાલ ને બાપુનગરમાં પૂરતો બંદોબસ્ત મુકવામાં અવ્યો હતો; જયારે બાકીના વિસ્તારમાં ભૂતકાળની શાંતિને ધ્યાનમાં રાખી સંન્ય બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો. ૧૯૬૯નાં તોફાનોને બાદ કરતા મેઘાણીનગરમાં ક્યારેય કંઈ બન્યું નહોતું. ત્યાં આવેલી ગુલબર્ગ સોસાયટીની બહાર એક હથિયારધારી અને લાઠી સાથે પોલીસવાળા મુકવામાં આવ્યા હતા, કારણ કે આ સોસાયટીમાં મુસ્લિમો રહેતાં હતા. જેમાં કૉંગ્રેસના પૂર્વ સાંસદ અહેસાન જાફરીનું પણ મકાન આવેલું હતું. સોસાયટીની ચારે તરફ હિંદુ વસ્તી હતી. જો કે બધા એકબીજાથી પરિચિત હોવાને કારણે ચિંતાનું કોઈ કારણ નહોતું, તેમ છતાં પૂર્વ સાંસદ અહેસાન જાફરીના મનમાં ફડફડાટ હતો,. તેમને હતું કે કંઈ બનશે તેથી તેમણે વિનંતી પ્રમાણે મેઘાણીનગર પોલીસને જરૂરી સૂચના પણ આપી હતી, છતાં જાફરી વારંવાર પાંડેને ફોન કરી બંદોબસ્ત વધારવા માટે કેહતા હતાં. તેના કારણે પાંડેએ તે વિસ્તારનો હવાલો સંભાળતા જોઈન્ટ પોલીસ કમિશનર એમ. કે. ટંડનને ગુલબર્ગ સોસાયટી જવા માટે કહ્યું હતું. એમ. કે. ટંડન સવારે ગુલબર્ગ ગયા અને તેમણે અહેસાન જાફરીને સોસાયટીની બહાર બોલાવી તેમની સાથે વાત પણ કરી હતી. ટંડન તેમની કારમાં બેસી રહ્યા હતા. તેમણે જાફરીને ખાતરી આપી હતી કે ચિંતા કરવાનું કોઈ કારણ નથી કેમ કે બહાર પોલીસ છે. તેમજ તેમણે જાફરીને સોસાયટીનો લોખંડનો ઝાંપો અંદરથી બંધ કરી દેવા જણાવ્યું હતું. તે પ્રમાણે જાફરી એ ઝાંપો બંધ કરી દીધો હતો. મેઘાણીનગરનો ભૂતકાળ કોમી બનાવોમાં સારો કેહવાય તેવો હતો, તેથી પોલીસ ઇન્સ્પેકટર કે. જી. એરડા નિશ્ચિત હતાં. આવી જ સ્થિતિ નરોડા વિસ્તારની હતી. નરોડા પણ કોમી રીતે શાંત ગણાતો વિસ્તાર હતો પણ ભૌગોલિક દ્રષ્ટીએ બહુ મોટો વિસ્તાર છે. સ્વાભાવિક હતું કે તેના કારણે પોલીસની સંખ્યા ઓછી પડે તેમ હતી. નરોડાના પોલીસ ઇન્સ્પેકટર મૈસુરવાલાની છાપ સારા અધિકારી તરીકેની હતી. બન્ને કોમના લોકો તેમની ઉપર ભરોસો મુકતા હતા. તેમણે તા. ૨૭મીની રાત્રે મુસ્લિમ આગેવાનોની એક બેઠક બોલાવી હતી અને જરૂર પડયે પોલીસની મદદ આપવાની ખાતરી આપી હતી. જો કે મુસ્લિમ આગેવાનોને તેમના પડોશીઓ ઉપર ભરોસો હતો. તેમને ખાતરી હતી કે તેમને કોઈ પણ પ્રકારનું નુકસાન થવાનું નથી. નરોડા પાટિયા તરીકે ઓળખાતા વિસ્તારમાં મુસ્લિમોની મોટી વસાહત હતી પણ તે બધા મજૂરી કરી પેટ ભરનારા હતા. તેમને રામ અને રહીમના નામે લડનારા લોકો સાથે કંઈ ખાસ નિસબત ન હતી, કારણ કે તેમને રોજ ગરીબી સામે લડવાન હતું. છતાં પોલીસ ઇન્સ્પેકટર મૈસુરવાલાએ તેમના વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવ્યો હતો. તા. ૨૮મીની સવારે હિન્દુઓના ટોળા રસ્તા ઉપર આવ્યા હતાં પણ તેમનું પેહલું નિશાન મુસ્લિમોની હોટેલ હતી. ત્યાં એક હિંદુ એડવોકેટે મુસ્લિમની ભાગીદારીમાં એક હોટેલ બનાવી હતી, જેને સૌથી પહેલા ટોળાએ આગ ચાંપી પોતાનો ગુસ્સો પ્રદર્શિત કર્યો હતો. દરમિયાન બન્યું એવું કે નરોડા રોડ ઉપર એક ટ્રકચાલકે અકસ્માતમાં એક યુવાનને અડફેટે લઈ લીધો, જેના કારણે જોતજોતામાં આગની જેમ લોકોમાં વાત પ્રસરી કે મુસ્લિમે એક હિન્દુને કચડી માર્યો છે. જેના કારણે હજારો નહીં પણ લાખો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્ય હતા તેમ નજરે જોનાર લોકોનું કેહવું છે. હવે પોલીસના હાથમાં વાત રહી ન હતી, પરંતુ ત્યાં રેહનાર મુસ્લિમોને આશંકા નહોતી કે કંઈક બનશે. છતાં જે રીતે લાખો હિંદુઓ રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા તેને લઈને તે લોકો ડરી ગયા હતા તે વાત સાચી હતી. પૂર્વ અમદાવાદની સ્થિતિ બપોર સુધી તનાવપૂર્ણ હતી. અમદાવાદનો કોઈ વિસ્તાર એવો નહોતો કે રસ્તા ઉપર ટોળા ના હોય અને તેમને નાની-મોટી તોડફોડ, લૂંટ કે આગચંપી કરી ના હોય. તેના કારણે પોલીસ કંટ્રોલરૂમ કરતા વાયરલેસ સિસ્ટમ ઉપર માંથી અસર પડી હતી. પોલીસના તમામ વાહનો વાયરલેસથી સંકળાયેલા હોય છે પણ તે દિવસે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે તમામ પોલીસના વાહનો કંટ્રોલરૂમને વાયરલેસ ઉપર પોલીસ કુમક મોકલી આપવા જણાવતા હતાં. બધા જ પોલીસ વાહનો એ વાયરલેસનો ઉપયોગ શરૂ કરતાં તમામ ફ્રિકવન્સી જામ થવા લાગી હતી. જેના કારણે કંટ્રોલરૂમે તમામ પોલીસ સ્ટેશનોને તાકીદનો સંદેશો આપ્યો હતો. કોઇપણ પોલીસના વાહનોએ સંદેશો આપવા માટે વાયરલેસ સેટનો ઉપયોગ કરવો નહીં. કોઈ પણ પ્રકારની વાત કરવી હોઈ તો ફોન ઉપર કરવી, સેટ પર માત્ર મળતા સંદેશા સાંભળવા. પોલીસ કમિશનર કચેરીમાં રીઝર્વમાં રાખવામાં આવેલી એસ. આર. પી. ને પણ મોકલી દેવામાં આવી હતી. એક પણ વધારોનો માણસ કમિશનર કચેરીમાં નહોતો.

પોલીસ કમિશનર કચેરીથી માત્ર પાંચસો મિત્રના અંતરે જાણીતા શાયર વલી ગુજરાતીની દરગાહ આવેલી હતી. વલી ગુજરાતી ૧૭મી સદીના મહાન કવિ-સૂફીસંત હતા. જેમનું સાચું નામ શાહ મોહંમદ વલીઉલ્લાહ હતું અને તેમણે ઉર્દૂમાં ગઝલોની સૌથી પહેલી શરૂઆત કરી હતી. જેના કારણે તે આખા દેશમાં જાણીતા બન્યા હતા. તેના પર અનેક હિન્દીઓની પણ આસ્થા હતી પણ તે દિવસે શું થયું હતું ખબર નહી...વલી ગુજરાતીની દરગાહને તોફાનીઓએ નિશાન બનાવી અને જોતજોતામાં દરગાહને ઉખાડીને ફેંકી દીધી હતી. ત્યાંથી થોડેક દૂર અન્ડરપાસ પાસે મોતી મેનોર નામની હોટેલ આવેલી હતી, જેના માલિક મુસ્લિમ હતા. તેના કારણે હિન્દુઓનું ટોળું વારંવાર ત્યાં આવી જતું હતું. શાહીબાગના પોલીસ ઇન્સ્પેકટર એન. એન. પઠન હતા. તે સતત ટોળાને ભગાડી રહ્યા હતા પણ હોટેલની ભૌગોલિક પરિસ્થિતિ એવી હતી કે ટોળું બીજી તરફથી આવીને હોટેલ પર હુમલો કરતું હતું. હોટેલનો મુસ્લિમ સ્ટાફ જીવ બચાવવા માટે ધાબા ઉપર ચડી ગયો હતો, કારણ કે ટોળાઓએ નીચેના ભાગે આગ ચાંપી દીધી હતી અને જેની જવાળાઓ ઉપર સુધી જતી હતી. આ અંગે ફાયરબ્રિગેડને જાણ થતા બંબાઓ ત્યાં જવા તો નીકળ્યા પણ ટોળાઓ રસ્તા ઉપર આડાશ મૂકી તેમને આગળ જતા અટકાવતા હતાં. જેના કારણે બપોરના નીકળેલા બંબાઓ મોડી સાંજે હોટેલ સુધી જઈ શક્યા હતા. જો કે બંબાવાળા ત્યાં પહોંચ્યા ત્યારે ધાબા ઉપર રહેલા આઠ મુસ્લિમોને જીવતા બહાર કાઠવામાં સફળતા મળી હતી. જો કે આખા દિવસમાં ખરેખર ક્યાં શું બની રહ્યું છે અથવા શું બની ગયું છે તેની સાચી માહિતી પોલીસ પાસે કે તંત્ર પાસે પણ નહોતી. ઘટનાઓ તો બની જ રહી હતી, પરંતુ અફવાઓને કારણે નવી નવી ઘટનાઓ પણ આકાર લઈ રહી હતી. વર્ષો પછી અમદાવાદની પોલીસ લાચાર અને બેબસ બની ગઈ હતી. અમદાવાદ આટલું સળગશે તેની ધારણા કોઈને નહોતી.

નઈમ શેખ નરોડા પાટિયામાં રેહતો હતો અને આજુબાજુના વિસ્તારમાં બ્રેડ અને બિસ્કીટ વેચતો હતો. તે મુસ્લિમ હોવા છતાં તેમના તમામ ગ્રાહકો હિંદુઓ હતા. નઈમ તે દિવસે પણ સાઇકલ ઉપર બ્રેડનો ડબ્બો લઈ નીકળ્યો હતો. ખરેખર તેને તો ગોધરાકાંડની ખબર જ નહોતી. નઈમ તેના રોજના ક્રમ પ્રમાણે નીકળ્યો એટલે તેને કોઈકે કહ્યું કે, ‘આજે બંધનું એલાન છે.ત્યારે તેને ખબર પડી કે કંઈક ગરબડ છે. તેને કોઈકે સલાહ આપી એટલે તે પોતાના ઘરે પાછો આવી ગયો હતો. નઈમ આ જ વિસ્તારમાં મોટો થયો હોવાથી મુસ્લિમો કરતા હિંદુઓ વધારે ઓળખતા હતા, તેના કારણે તેને ડરવાનું કોઈ કારણ નહોતું. પણ તે ઘરે આવ્યો ત્યાર પછી તેને ડર લાગવા લાગ્યો હતો, કારણ કે તેના ઘરની આસપાસ હિન્દુઓનાં મોટાં ટોળાઓ હતાં અને તે મારો-કાપોની બૂમો પાડતાં હતાં. બાજુમાં આવેલી નૂરાની મસ્જિદ પાસે માહોલ ખાસ્સો ખરાબ હતો. થોડી વારમાં ભારે પથ્થરમારો અને સળગતા કાંકડા આવવા લાગ્યા હતા, એટલે નઈમને લાગ્યું કે હવે અહીં રેહવા જેવું નથી. તેના કારણે તે ઘરમાં રહેલા વૃદ્ધ માતા-પિતા, પત્ની અને બાળકો તેમજ બહેન-બનેવી અને તેમના બાળકો સાથે બાજુમાં આવેલી ગંગોત્રી સોસાયટી તરફ ભાગ્યો હતો, કારણ કે તે ત્યાં બધાને ઓળખતો હતો. તે જેવો ત્યાં પહોંચ્યો તેની સાથે જ સોસાયટીના લોકોએ તેને જોઇને દરવાજા બંધ કરી દીધા હતા. તેણે મદદ માટે બૂમ પાડતા કહ્યું કેહું તમારો બ્રેડવાળો,’ પરંતુ કોઈએ દરવાજા ખોલ્યા નહીં. બીજી તરફ તેમની પાચળ એક ટોળું લાગેલું હતું. નઇમે ફરી ભાગવાની શરૂઆત કરી. તે નજીકમાં આવેલા એસ. આર. પી. ક્વાર્ટર તરફ ભાગ્યો. તેને હતું કે એસ. આર. પી. વાળા તેમની મદદ કરશે પણ દરવાજા ઉપર રહેલા સંત્રીએ તેમને અંદર પ્રવેશતા અટકાવ્યા હતાં. તેમણે સંત્રીને ખૂબ કાકલૂદી કરી પણ તે માન્યો નહીં. એટલે તે બધાને લઈને ગોપીકુંજ સોસાયટી તરફ ભાગ્યો. ત્યાં એક પાણીની ટાંકી હતી, જ્યાં સાંતાવવાની જગ્યા હતી પણ તેને ટોળું જોઈ ગયું હતું. તે બધા એક ગલીમાં આવી ગયા હતાં, જ્યાં હવે આગળ દરવાજો બંધ થઈ જતો હતો અને પાછળ ટોળું હતું. નઈમ ટોળાને પોતાના સ્વજનો અને પોતાને બક્ષી દેવા હાથ જોડી વિનંતી કરતો હતો ત્યારે જ તેની ઉપર પેટ્રોલનો વરસાદ થયો. તે લોકો ઉભા હતા તેની બાજુના ધાબા ઉપરથી પેટ્રોલ ફેંકવામાં આવ્યું હતું. નીચે રહેલા લોકો કંઈ સમજે તે પહેલા સળગતા કાંકડા આવ્યા અને નઈમ સહીત બધા ભડભડ સળગવા લાગ્યા. નઈમની આંખ સામે તેનો પરિવારજનો સળગી રહ્યા હતા પણ તે લાચાર હતો, કારણ કે તે પોતે પણ સળગી રહ્યો હતો. ત્યાં થોડી વારમાં જ નઈમના ઘરની છ વ્યક્તિઓ સળગીને મૃત્યુ પામી હતી.

આવી જ સ્થિતિ નરોડા પાટિયા ખાતે રહેલી બેબીબાનુની હતી. તેને સવારે પોતાના બાળકોને સ્કૂલે જવા માટે તૈયાર કર્યા હતાં પણ બંધના એલાનની ખબર પડતાં તેણે તેમને સ્કૂલે મોકલ્યા નહોતા. એટલામાં ત્યાં ચિચિયારીઓ સંભળાઈ અને તેને લાગ્યું કે ટોળું તેના ઘર સુધી આવી જશે. તેના ઘરમાં તેના સાસુ-સસરા, દિયર-દેરાણી અને નાના બાળકો હતાં. બેબીબાનું પણ બધાને લઈ ગંગોત્રી સોસાયટી તરફ ભાગી હતી, કારણ કે તેને આશા હતી કે તેને ત્યાં મદદ મળશે. ત્યાં પણ તેને રસ્તામાં મળેલા એક પોલીસ કોન્સ્ટેબલે અલગ દિશામાં જવાની સૂચના આપી. તેણે પોલીસની વાત ઉપર ભરોસો મુક્યો પણ તે જે-જે દિશામાં ગઈ ટોળું તેમની પેહલેથી રાહ જોતું હતું અને ટોળાએ તેમને આંતર્યા. બેબીબાનુની દેરાણીને બહાર કાઢી તેના કપડા ફાડી નાખ્યા અને તેના ઉપર જાહેરમાં બળાત્કાર ગુજાર્યો હતો. તેના પતિને તલવારથી કાપી નાખ્યો હતો. બેબીબાનુની નજર સામે જ તેના ઘરના નાના-મોટા આઠની હત્યા કરી દેવામાં આવી હતી. બેબીબાનુએ ચીસો પાડીને કહ્યું હતું કે, ‘ગોધરાની સજા અમને શું કામ આપો છો ? જેમણે પાપ કર્યું છે તેમને સજા આપો.ત્યારે કોઈ સાંભળવા તૈયાર નહોતું, કારણ કે તે બધા ગોધરાનો બદલો જે તે મુસ્લિમ સામે મળે તેની પાસેથી વસૂલ કરવા માટે નીકળ્યા હતા. આમ સંખ્યાબંધ હત્યાનો દૌર ચાલ્યો હતો, જાણે કાયદો અને વ્યવસ્થાની હદ પૂરી થઈ ગઈ હતી. જો કે બધા હિંદુઓ ભાન ભૂલ્યા હતા તેવું પણ નહોતું. નરોડા બેંક ઓફ ઇન્ડિયાની ઉપર રહેતાં અંબાલાલ દવેએ જોયું કે મુસ્લિમો પોતાનો જીવ બચાવવામાં માટે દોડી રહ્યા છે અને તેમની પાછળ હિંદુઓનું મોટું ટોળું છે. એટલે અંબાલાલે તરત મુસ્લિમોને પોતાના ઘરમાં લઈ સંતાડી દીધા હતાં, જેમાં નાના બાળકો અને સત્રીઓ પણ હતી. જો કે તેમને ખબર હતી કે મુસ્લિમો અહીં હોવાની જાણ બહાર રહેલા હિન્દુઓને થશે તો તેમની ખેર નહોતી, છતાં તેમને માણસ તરીકેની પોતાની ફરજ અદા કરી. તેમણે સમયચુચકતા વાપરી પોતાના એક ભરવાડ મિત્રને જાણ કરી મદદ કરવા માટે જણાવ્યું હતું. આ ભરવાડ મિત્રને પોલીસમાં સારી ઓળખાણ હતી, એટલે થોડી વારમાં તે ભરવાડ બે-ચાર પોલીસ કોન્સ્ટેબલ સાથે આવ્યો અને તમામ મુસ્લિમોને સલામત સ્થળે લઈ ગયો હતો. આવી ઘટના મનને ટાઢક આપે તેવી હતી પણ કરોડો હિંદુઓમાં અંબાલાલ દવે ખૂબ ઓછા હતા.

આ વિસ્તારમાં ચાની કીટલી ચલાવતા નાનુંમીયા શેખની કીટલીને આગ ચાંપી દેવામાં આવી હતી અને તેમના ઘર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ તે બસો કરતા વધુ મુસ્લિમોને જીવ બચાવવા માટે નરોડા પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા હતાં, જેના કારણે તેમનો જીવ બચી ગયો હતો. રાતના બાર વાગે ત્યાં મદદનીશ પોલીસ કમિશનર રાણા આવી પહોંચતા તેમણે બધાને પોલીસરક્ષણ નીચે સલામત વિસ્તારમાં ખસેડયા હતા. બીજી તરફ રાત થતાં સુધી ગંગોત્રી સોસાયટીની આજુબાજુમાં સંખ્યાબંધ મૃતદેહો પડયા હતા. રાતના બાર વાગે પોલીસનો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો પણ ત્યારે મોડું થઈ ચૂક્યું હતું. હવે પોલીસે માત્ર લાશો ઉપાડવાની હતી. પોલીસના માણસો લાશો જોઈને પાછા જઈ રહ્યા હતા ત્યારે આગમા સળગી રહેલા નઈમે મદદ માટે બૂમ પડતા એક કોન્સ્ટેબલે કહ્યું, ‘હજી કોઈક જીવતો રહી ગયો હોય તેવું લાગે છે.જો કે તે જ પોલીસવાળા મૃતદેહોની ટ્રકમાં તેને હોસ્પિટલ લઈ ગયા હતા. આ અંગેની ખબર પોલીસ કમિશનર પી. સી. પાંડેને મોડી સાંજે મળતા તે બેચેન થઈ ગયા હતા. નરોડા પાટિયા વિસ્તારમાં સો કરતા વધારે લોકો મૃત્યુ પામ્યા હતા.

આવું જ મેઘાણીનગરમાં આવેલી ગુલબર્ગ સોસાયટીમાં પણ બન્યું હતું. સોસાયટીના બંગલા નંબર-૧૯મા રહેતાં પૂર્વ સાંસદ જાફરીને જોઈન્ટ પોલીસ કમિશનર એમ. કે. ટંડન ખાતરી આપીને ગયા હતા પણ સોસાયટીની બહારનો માહોલ બહુ સારો નહોતો. બાર વાગતા ટોળાએ તેમની સોસાયટીને ઘેરી પથ્થરમારો શરૂ કરી દીધો હતો. બહાર રહેલી પોલીસ ક્યા જતી રહી હતી તેની ખબર પડતી નહોતી. તે સતત ફોન કરી પોલીસને જ નહી પણ કૉંગ્રેસના નેતાઓ પાસે પણ મદદ માંગતા હતા. તેઓ ભાજપના નેતાઓને પણ ઓળખતા હોવાથી તેમને કાકલૂદીના સ્વરમાં ફોન કર્યા પણ તેમને ક્યાયથી મદદ મળી નહીં. સોસાયટીના ડરી ગયેલા મુસ્લિમો પણ તેમના ઘરમાં લપાઈ ગયા હતાં. બહારથી જે રીતે પથ્થરો આવી રહ્યા હતાં અને મારો-કાપોની બૂમો પડતી હતી તે જોતા ટોળું ગમે ત્યારે સોસાયટીમાં આવી જશે તેવું અહેસાન જાફરીને લાગ્યું હતું. તેના કારણે તેમણે પોતાના અને અન્ય લોકોના બચાવ માટે પોતાની બાર બોરની બંદૂક કાઢી, કારણ કે તેમની પાસે લાઇસન્સવાળી ગન હતી અને તેમણે તેમાંથી ટોળાને ભગાડવા માટે ગોળીબાર કરવો પડયો હતો.

***