ધર્મ VS અંધશ્રદ્ધા
‘ભગવાન ! આજે તને પાંચસોને એક ધરું છું...માનું છું કે દર વખતે માત્ર એકાવન હોય છે, પણ આજે તારી શરણે થયો છું. શરણની “કિંમત” વધારે હોય ને !’
‘હે ઈશ્વર ! જો હું દસમું પાસ થઇ જઈશ તો તને અસલી ઘીનાં લાડુ અપાવીશ !’
‘ઓહ ગોડ ! પ્લીઝ...પ્લીઝ...મને નોકરી અપાવીદેને...તને પૂરા ત્રણ ગ્રામ સોનું ચઢાવીશ, પણ પહેલા નોકરી અપાવ.’
***
ઉપર્યુક્ત ટુચકા-ટિપ્પણી આપણે ટીવી-સિરિયલ્સ કે ફિલ્મોમાં અવારનવાર સાંભળીયે છીએ. આ સિરિયલ્સ કે ફિલ્મ્સ વાસ્તવિક જીવનધોરણ પરથી ઇન્સ્પાયર્ડ(આધારિત) હોય છે! એટલે કે વાસ્તવિક જીવનમાં પણ આવા ટુચકા-ટિપ્પણી ઉલ્લેખનીય હોય એ સ્વાભાવિક જ છે!
ભગવાન તો જાણે આજનાં દરેક મનુષ્ય માટે અવિભાજ્ય અંગ છે! ૯૫% લોકો એ અંગને માત્ર ‘દુઃખ-વિપત્તિ’ સમયે જ વાપરે છે!
ધાર્મિક બાબત અંગે લખું છું તો સૌ પ્રથમ ‘ધર્મ’ અંગે આપણે દરેકે જાણવું જરૂરી છે. તો ‘ગીતા’માં ઉલ્લેખનીય છે કે ધર્મ એટલે હિન્દુ, મુસ્લિમ કે શીખ નહિ, પણ ધર્મ એટલે નિષ્ઠાપૂર્વકનું કામ. એ કામને જ માનવીએ સાચો ધર્મ સમજવો.
પણ આજે પરિસ્થિતિ વિપરિત માર્ગ સાંપડી રહી છે. ધર્મના ૧૦૦% માંથી આજે ૬૦% અંધશ્રદ્ધાએ છીનવી લીધા છે!
આવું કેમ ?
તો એનાં કેટલાક કારણો અહીં ઉપસ્થિત છે:
(૧) ભારત ગ્રામ્ય દેશ છે. મોટા ભાગનાં ગામડાંઓને કારણે ઓછા શિક્ષણદરે નિવાસિત લોકો આજે ધર્મને કંઈક બીજું જ સમજીને વિર્વાહ ચલાવે છે.
(૨) અમુક લોકો અન્ય લોકોને ધર્મની ખોટી વ્યાખ્યાઓ આપીને તેને ધર્મથી વિપરિત બનાવતાં હોય છે.
(૩) અમુક પૌરાણિક માન્યતાઓ કે જેનો શાસ્ત્રોમાં ક્યાંય ઉલ્લેખ જ ન હોય, તેનો વ્યવહારમાં ફાલતુ રીતે ઉપયોગ કરીને આજે ‘ધર્મ’ની વ્યાખ્યા જ બદલી નાખી છે !
જો તમે પરેશ રાવલની ‘ઓહ માય ગોડ’ ફિલ્મ જોઈ હોય તો તમને સાચી હકીકત સમજાશે. ફિલ્મમાં પોતાને ન્યાય મળતો ન હોવાથી પરેશ રાવલ ખુદ વકીલ થઈને, કંઈ કેટલા અંકોડા મેળવીને અંતે એ સાબિત કરી બતાવે છે કે ‘ભગવાન’ ખરેખર અસ્તિત્વ ધરાવે છે! ફિલ્મમાં પરેશની સાથેની ભગવાનની મુલાકાત, એના અનુભવો તથા રિયલ ફેક્ટ ખરેખર આપણા દિલની ધર્મ પ્રત્યેની લાગણી બદલી નાખે છે.
કોઈક કવિએ કહ્યું છે કે, “Men do not Worship God, but they use him.” (માણસ-આજનાં યુગમાં ભગવાનની પૂજા કરતો નથી, તેનો ઉપયોગ કરે છે!) છે ને વિચિત્ર વાત ! ધર્મ આજે અંદરથી ખોખલો થઇ જતો દેખાય છે. આ સ્થિતિમાં હું મારું મંતવ્ય નીચે પ્રમાણે આપું છું:
ધર્મ એ નિષ્ઠાપૂર્વકનું કામ છે. પછી તે ગમે તે કામ હોય ! પછી તે સુથારનું કામ હોય, મિલ-કારખાનામાં કાર્ય કરતાં મજૂરોનું કામ હોય કે પછી સેવાનું કામ હોય. પોતાના જે-તે કામમાં રચ્યા-પચ્યા રહો, એને એકદમ પૂર્ણ કરો અને પ્રમાણસર જશ ભોગવો ! ભગવાન-ઈશ્વરે આપણું સર્જન કર્યું છે આથી એને આપણા કર્મમાં સવિશેષ રસ હોય એ સ્વાભાવિક છે ! અને...તમે મહેનત-નિષ્ઠાપૂર્વક તમારું કામ કરો છો તો એનું પરિણામ તમારી પાસે જ હશે...એ ક્યાં જશે...? પણ પરિણામ સારું-માઠું બંને હોય ! સારા કર્મો સારા પરિણામ તરફ દોરે છે, જયારે દુષ્કર્મો તો માઠું વાવાઝોડું લઈને જ આવે છે - પરિણામ નક્કી કરનાર ઈશ્વર જ છે. તેથી જ પુરુષાર્થ અને ધર્મનો સમન્વય જ આપણને ઈશ્વરની એક જાતની અનુભૂતિ કરાવે છે – જે આપણા આત્મામાં વસે છે !
અને...પુરાતન શાસ્ત્રોની વિરુદ્ધ જઈને, ઉપજાવી કાઢેલી – ભ્રામક માન્યતાઓ એટલે અંધશ્રદ્ધા . ધર્મ અને અંધશ્રદ્ધાનાં ત્રાજવાના બે પલ્લામાંથી આજે અંધશ્રદ્ધાનું પલ્લું ભારે ભરખમ છે. આપણે ધર્મનું પલ્લું ભારે થઇ જાય એવું કાંઈક કરવું જોઈએ !
આપણે મંદિર જઈએ, મસ્જિદ જઈએ, ચર્ચ કે ગુરુદ્વારા જઈએ...ઇટ્સ ઓકે...ત્યાં સુધી બરાબર છે પણ, પેટીમાં પૈસા મૂકવામાં આવે છે ત્યારે હું “ના” કહું છું. અરે ભાઈ...જેણે આપણને પૈસા આપ્યા છે એને જ આપણે રિટર્ન ગિફ્ટમાં પૈસા પાછા આપીએ છીએ ! અદભુત ! ખુદ લક્ષ્મીજી (પૈસા) સામેથી આપણી પાસે આવે છે અને આપણે એને દાનપેટીમાં પધરાવી દઈએ છીએ ! તો આવું ના કરો. ભગવાનને પૈસાની વળી શી જરૂર ? એતો સૃષ્ટિનો માલિક છે...પણ એ જ પૈસા જો દાનપેટી માંથી ગરીબો પાસે જાય તો...? ગરીબજન સુખી રહેશે...આપણું કર્મ સાર્થક થશે અને ભગવાન તો સમદ્રષ્ટિયુક્ત છે. આપણા કર્મની સફળતા દ્વારા એ આપણા જીવનમાં ખુશી ભરવાનો જ છે.
જો પથ્થર પૂજવાથી દેવ મળે તો, પથ્થર તો કંઈ કેટલા રખડે છે- એને પૂજો અને ભગવાન બનાવી દો ! ભગવાનની મૂર્તિ પણ પથ્થર જ છે. એને મંદિરની ચાર દીવાલો વચ્ચે માત્ર પવિત્રતાના ભાવ સાથે રાખવામાં આવે છે. હકીકતમાં જેણે સૃષ્ટિનું સર્જન કર્યું છે એ કંઈ નાના-અમથા ચાર દીવાલો વચ્ચેનાં ગોખલામાં થોડી રહેશે ! સૃષ્ટિના માલિક હોવાને નાતે એ સૃષ્ટિના જ કણે-કણમાં રહેશે.
અમુક સમય પહેલા તો જીવની બલિ ચઢાવવાનો યુગ હતો – શરમજનક યુગ. ધર્મના ધતીંગ કરનારા સાધુ – બાવાઓ માણસની બલિ ચઢાવવા પર ઉતરી આવ્યા હતા. સમસ્યાઓનું નિવારણ ન થાય તો, ‘જીવની બલિ સ્વીકાર કર, હે ઈશ્વર...’ કહીને બલિના બકરા (જીવ)નું માથું ધડથી અલગ કરી દેવાતું ! આ ક્યાંનો ન્યાય છે !? જોકે હવે તો સાક્ષરતાનો યુગ આવતાં એ બધું બંધ થયું છે. અને મને – આપણને સૌને એનો આનંદ છે...
ભૂત-પિશાચના પ્રપંચપાશ, શાપ-અભિશાપ, કાળો જાદુ(Black Magic) વગેરે જેવી અંધશ્રદ્ધાઓ હજુ પણ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રસરેલી જોવા મળે છે. જો આ બધી અંધશ્રદ્ધાઓ ટૂંક સમયમાં જડમૂળથી નાશ નહીં પામે તો પરમાત્માનો પ્રકોપ આજની ‘ગ્લોબલ વોર્મિંગ’ની અસરને પણ પાછળ મૂકી દેશે...અને પ્રલયનું સર્જન થશે ! માટે આપણે આજથી જ પ્રતિજ્ઞા લઈએ કે આપણે દેશમાંથી બચી-કૂચી અંધશ્રદ્ધાને દૂર કરીએ અને સ્વતંત્ર ધર્મયુક્ત ભારતનું નિર્માણ કરીએ. વાત મોટી છે, પણ એ આપણો ધર્મ(ફરજ) છે. જો આ ધર્મને આપણે થોડે અંશે સફળ કરીશુ તો કદાચ પરમાત્મા આપણા કર્મને માં આપીને પોતાના પ્રકોપને પાણીનાં એક બુંદ જેટલો તો ઓછો કરશે....!!
***