વિદ્યા - National Story Competition HEMANT UPADHYAY દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિદ્યા - National Story Competition

વિદ્યા

હેમંત ઉપાધ્યાય

મોહનપુરા ગામ ના આ બગીચા માં સમીસાંજે અનેક વૃદ્ધ દંપતી ઓ નો મેળાવડો જામતો. નાનકડા ગામ ના વૃદ્ધ વ્યક્તિઓ માટે આ બગીચો સહુ ને મળવાનું અને આનંદ કરવાનું જાગૃત સ્થળ હતું. આખાય ગામ ના વિકાસ ના પગથીયા ઓ નું અહી ચણતર થતું. સામાજિક નિંદા, કુથલી થતા. તથા દેશ ના રાજકારણી ઓ ને અહીં થી સલાહ, આપતા નિવેદનો થતા. કહો કે --- આ બગીચો જ્ઞાન, અનુભવ, અને આવડત ધરાવતી વ્યક્તિ ઓ માટે જાહેર મંચ હતો. તો કેટલાય અભણ વ્યક્તિ ઓ માત્ર આ બધી વાતો સાંભળવા જ આવતાં. ગામ ની એકતા, વિકાસ, અને સાથ સહકાર ના પ્રતિક સમા આ બગીચા ને પંચાયતે ભલે વિદ્યા ઉદ્યાન નામ આપ્યું હોય પણ આ સીનીયરો એ એને “ સાંજ ની શાળા “ નામ આપેલું. સંધ્યા કાળ પછી લગભગ નવ વાગે બગીચા નો માળી કરસનદાસ બધા ને બહાર કાઢી તાળું મારતો. આ સમયે પણ આઠ દસ જણા ને તો પરાણે બહાર કાઢવા પડતા.

એક દિવસ ની આ વાત છે,. નિત્યક્રમ પ્રમાણે રાત ના પોણા નવ પછી કરસનદાસે આખાય બગીચા માં ફરી ને બધા ને ઘરે જવાની સુચના આપવા માંડી. બગીચા ના એક ખૂણા ના બાંકડા પર એણે ચારેક વર્ષ ની બાળકી ને જોઈ. પાસે જઈ ને વહાલ થી કહ્યું “ બેટા તું એકલી છું ? તારા માં બાપ ક્યાં છે ? તારી સાથે કેમ કોઈ દેખાતું નથી “ ચાલો હવે બગીચો બંધ થવાનો સમય થયો છે. બાળકી જાણે કશું જ સાંભળતી ના હોય તેમ એકીટસે કરસનદાસ સામે જોવા માંડી. કરસન દાસે બે ત્રણ વાર કહ્યું અને બાળકી નું નામ પુછ્યું, પણ કોઈ જવાબ નહીં. આજુબાજુ માં પણ કોઈ ને જોયા નહીં એટલે બુમ પાડી ને પેલા છેલ્લા ઘેર પાછા જતા આઠ દસ ચોદશીયા ઓ ને બોલાવ્યા. અને બાળકી વિષે જાણ કરી. બધા ને તો ખોરાક મળી ગયો. બાળકી ને ખુબ પૂછે પણ કોઈ જવાબ નહીં અને ચહેરા પર કોઈ ભાવ નહીં, ચિંતા નહીં અને રુદન પણ નહીં. એકપણ શબ્દ બોલે નહીં. અને એના માં બાપ પણ ક્યાંય દેખાય નહીં. ખુબ મથામણ ને અંતે જાણ્યું કે આ બાળકી બહેરી અને મૂંગી છે. કદાચ એના માં બાપ એને અહીં તરછોડી ને ચાલ્યા ગયા ના હોય ?

હવે આ બાળકી નું કરવું શું ? રામલાલ કહે પોલીસ ને જાણ કરો. જયંતીકાકા કહે પોલીસ શું કરશે ? બિચારી ને ભૂખી તરસી બેસાડી રાખશે. અહીં ગામ માં કોઈ અનાથાશ્રમ નથી કે બીજી કોઈ સંસ્થા નથી જે આવા બાળકો નો ખ્યાલ રાખે. પણ બધા નો એક જ સુર હતો કે ગામ ના પોલીસ પટેલ ને તો જાણ કરો. આ બાળકી ની દશા જોઈ ને ગામ ના વૃદ્ધ બ્રાહ્મણ દંપત્તિ શંકરલાલ અને સુમતી બ એ કહ્યું કે જે કરવું હોય તે પછી કરો પણ અત્યારે તો જો તમારા માં થી કોઈ આ બાળકી ને ઘેર લઇ જતા ના હો તો અમે એને અમારે ઘરે લઇ જઈએ અને કંઇક ખવડાવી ને રાત્રે રાખીએ. કાલે એના માં બાપ ની શોધ કરીશું. પોલીસ પટેલ ને જાણ કરી પણ બહાર ગામ હોવાથી આવે તેમ નથી તેવો સંદેશ આવ્યો.

ચાંપલા ચંપકલાલે સલાહ આપી. આમ કોઈ બાળકી ને ઘરે ના લઇ જવાય. અપહરણ નો કેસ થાય. શંકરલાલ કહે કે તમે આટલા બધા સાક્ષી છો અને પોલીસ પટેલ ને જાણ કર્યા પછી શું વાંધો ? પોતાની જાત ને કાયદાવીદ સમજનારા ચાંપલા ચંપકલાલ કહે કે એવું ના ચાલે. પોલીસ એનો કબજો લે અને કાલે કોર્ટ માં તમે દરખાસ્ત આપો કે એના માં બાપ ના મળે ત્યાં સુધી એને મારે ઘરે રાખવાની રજા આપો. કોર્ટ હુકમ કરે પછી તમે લઇ જઈ શકો. શંકરલાલ નું માનવતાવાદી હૃદય પોકારો ઉઠ્યું, કોર્ટ કી ઐસી તૈસી. બિચારી આ બાળકી ને ઠંડી ના દિવસ માં આખી રાત રઝળવા ના દેવાય. તમે કોઈ ના લઇ જતા હોય તો હું એને મારે ઘરે લઇ જાવું છું. આમ આ બધી માથાકૂટ પછી શંકરલાલ રાત્રે અગિયાર વાગે બાળકી ને પોતાના ઘરે લઇ ગયા. તેમના ચહેરા પર માનવતાવાદી કર્મ કર્યા નો સંતોષ હતો. ઘરે જઈ ને બાળકી ને ખુબ વહાલ થી ખવડાવ્યું અને સુવાડી દીધી. બીજા દિવસે સવારે અગિયાર વાગે ચંપક લાલ પોલીસ પટેલ ને લઈને શંકર લાલ ને ઘેર આવ્યા પોલીસ પટેલ કહે કે તમે આ બાળકી નું અપહરણ કર્યું છે. આ બાળકીના નામ ઠામ તમને ખબર નથી. તમે એને વેચીને પેસા કમાવાનું કાવતરું કર્યું છે. અમારે તમારી ધરપકડ કરવાની છે. ચાંપલા ચંપક લાલે કહ્યું કે જુઓ હું શું કહેતો હતો ? શંકરલાલ અને. સુમતિ બા એ આખી હકીકત કહી. પણ પોલીસ ના લફરા માં કોણ પડે ?એમ માની રાત્રે હાજર તમામ લોકો ફરી ગયા. ’કે અમને કશી ખબર નથી. અમે કશું જાણતા નથી. . અરે કરસનદાસ માળી પણ ફરી ગયો કે બગીચા માં રાત્રે આવું કશું બન્યું જ નથી. શંકરલાલ અને સુમતીબા બંને કરગરતા રહ્યાં અને પોલીસ તેમને થાણે લઇ ગઈ. અહીં પણ કાયદાવીદ ચંપકલાલ હાજર હતા. પોલીસ પટેલે કહ્યું કે જુઓ તમે,સારું કામ કર્યું હોય તો પણ એ પુરવાર નહીં કરી શકો. આમાંથી બચવું હોય તો એક લાખ રૂપિયા આપી દો. . શંકરલાલ કહે કે લાખ રૂપિયા આપ્યા પછી તમે શું કરશો ? પોલીસ પટેલ કહે કે, અમે આખો કેસ નોંધી ને તમને તમારી સંમતિ થી આ બાળકી ને સાચવવાની જવાબદારી સ્વીકારી છે એવો કાગળ આપીશું. એના માં બાપ ના મળે ત્યાં સુધી તમે એના પાલક માતા પિતા બની રહેશો.

શંકરલાલ દંપતીએ માસુમ બાળકી ના વિલાયેલા ચહેરા સામે જોયું અને સોદો કબુલ કર્યો. પરમાત્મા ને કહ્યું કે પૈસા ખર્ચી ને પણ એક બાળકી ના જીવન ને અનાથાશ્રમ અને વેશ્યાલય માં થી બચાવવાની અમને તક આપી... તારો ખુબ ખુબ આભાર. ખેર, સોદા પ્રમાણે બધી કાયદાકીય કાર્યવાહી થઇ ગઈ અને શંકરલાલ દંપતી એ બાળકી ને લઇ ને હસતા મુખે ઘરે આવ્યા.

આખાય ગામ માં આ પ્રસંગ ની ચર્ચા ચાલતી રહી, સહુ કોઈ જાત જાત ના અભિપ્રાય આપતા રહ્યા કે ભલાઈ નો જમાનો નથી. ઈશ્વર ના ઘરે અંધેર છે એમ. કેટલીય જાત ના સૂચનો થતા રહ્યા.

સાંજે શંકરલાલ બગીચા માં ગયા ત્યારે ખબર પડી કે ચંપકલાલે પોલીસ સાથે મળી જઈ ને પૈસા પડાવ્યા. ચંપકલાલ ને દસ હજાર રૂપિયા મળ્યા અને ફરી જનારા દરેક સાક્ષી ને હજાર હજાર રૂપિયા મળ્યા. શંકરલાલ ને આ વાત જાણી ને ખુબ દુખ થયું. છતા ય પ્રભુ ને આભાર માન્યો કે ચાલો આ રાક્ષસો ને પૈસા નાખતા ય એક બાળકી નું જીવન બચ્યું. “” બેટી બચાવો ના પાટિયા સાથે ગામ માં રેલી કાઢતા ચંપકલાલ નો અસલી ચહેરો સામે આવ્યો.

પ્રભુ સહુ ને સદબુદ્ધિ આપજે એવી પ્રાર્થના સાથે શંકરલાલ ઘરે આવ્યા. હવે તેઓ બગીચા માં જતા નથી. પણ આ બગીચા એ એમને સુંદર ભેટ આપી છે એવા ભાવ સાથે બગીચા ને બાળકો ના રમતગમત ના સાધનો ને આધુનિક બનાવવા એક લાખ રૂપિયા નું દાન કર્યું છે, શંકરલાલ અને સુમતીબા ની મહેનત થી હવે આ બાળકી બોલતી અને સાંભળતી થઇ ગઈ છે. એનું નામ “ વિદ્યા ઉદ્યાન “ ના નામ પર થી વિદ્યા પાડ્યું છે. માનવતા ના સુત્રો પોકારવાથી માનવતા દ્રશ્યમાન થતી નથી. માનવતા નું એક કાર્ય કરવાથી પ્રભુ તમને સાચા માનવ બનાવે છે.

શંકરલાલ સહુ ને કહેતા ફરે છે કે “ ભરોસો લોકો નો નહિ પણ ભગવાન નો રાખો” બેટી બચાવો નો સાચો અર્થ છે કે માત્ર જન્મ નહિ પણ દરેક બેટી ને બચાવો. જનમ પછી પણ દરેક બાળકી ને જાળવવાની આપણી જવાબદારી છે. દરેક બેટી એ પરમાત્મા નું સુંદર સર્જન છે અને બેટી ને કરેલી મદદ ઈશ્વર ની પૂજા જ છે

અસ્તુ