“વાર્તા તો માંડી પણ…
ધર્મેન્દ્ર કનાલા
વાર્તા તો માંડી પણ કથા,પાત્રો,વિકાસ ક્યાં? વાર્તાની માંડણી કરવા નાયક-નાયિકા, અન્ય ગૌણ પાત્રો તો જોઈએ ને?સંસ્કૃત ભાષામાં મહાકાવ્યના નાયકનાં જે લક્ષણો બતાવ્યાં છે, તેવો ધીરોદત્ત અને કુલીન નાયક તો આપણે વર્ષોથી ભૂલી ગયા છીએ. આજ-કાલ તો નાયક અને ખલનાયક વચ્ચેની ભદેરેખા પણ ભૂંસાવા લાગી છે! આપણે નાયક જોઈતો જ નથી, ખાલી માણસ હોય તો પણ ચાલે. આજ-કાલ ખાલી માણસ હોવું એ પણ કઈ નાયક હોવા કરતાં કમ નથી! પણ, માણસને પાત્ર બનાવો એટલે કાં તો પ્રેમ કરે અથવા તો ષડ્યંત્ર કરે એટલે વધુ એક ચીલા- ચાલુ પ્રેમકથા કે રહસ્યકથા રચાય. આપણે તો હવે કંઈક અને સતત નવીન જોઈએ છે. તો ચાલો માણસને મુકો નેવે. આપણું પાત્ર એક વાંદરો! ઉત્કાંતિ વખતે માણસ બનતાં-બનતાં રહી ગયેલો વાંદરો.
આ વાંદરો માણસ તો હરગીઝ નહોતો પણ એ પાછો સાવ વાંદરો પણ નહોતો એટલે તેને પોતાનાં જ વિકાસનો વિચાર આવ્યો. તે શહેરમાં જઈ કેટલાક નવા વિચારો સાથે રોજ સાંજે જંગલમાં પરત ફરતો. લપાતો-છુપાતો શહેરની શાળામાં અપાતું શિક્ષણ જોવા લાગ્યો.એક દિવસ તો કેટલાઁક પુસ્તકો પણ ઉઠાવીને લઈ આવ્યો. જંગલમાં બેસીને રોજ અભ્યાસ કરવા લાગ્યો. તે પોતાને બીજા પ્રાણીઓ કરતાં તો અલગ સમજતો જ હતો પરંતુ, હવે તો તેને જંગલની આ દુનિયા પણ નિરર્થક લાગવા માંડેલી. જંગલને ત્યાગી શહેરમાં વસવાનો વિચાર દ્રઢ થયો. જવા માટે તૈયાર પણ થયો. તે જઈ રહ્યો હતો ત્યારે શહેર બાજુની દિશાએથી વંટોળ ફૂંકાયો. વાંદરો જેવો થોડાંક ડગલા આગળ વધ્યો હશે ત્યાં ચપાક દઈને તેનાં મોઢાપર કાગળ આવીને ચોંટ્યો. વાંદરાએ ઉલટી દિશામાં ફરીને એ કાગળ મોઢા પરથી હટાવ્યો. તે કાગળમાં કંઈક લખેલું હતું. વાંદરાને વાંચતા આવડતું હતું. તેણે ઉત્સુકતાથી તે પત્ર હાથમાં લીધો. વાંચવાનું શરુ કર્યું.
આ સંબંધો અને સંબોધનોની ક્ષણભંગુરતા જાણતો હોવા છતાં તેનો મોહ ટાળી શકાતો નથી માટેજ લખીશ મારી વ્હાલી ‘સંશોધિતા’,મિસ ઈન્ડિયા સ્પર્ધાની એ ફાઇનલ હજુ આજે પણ માનસ પરમાંથી દૂર નથી થતી. પંદર નંબરના સ્પર્ધક તરીકે આપે આપનો પરિચય આપ્યો ...” મારુ નામ સંશોધિતા ....”. નિર્ણાયક તરીકે નિર્ણય લેવાના બદલે હું તો આપના નામનાં જ પ્રેમમાં પડી ગયો. આમેય વૈજ્ઞાનિકોને સંશોધન પ્રત્યે રસ ન હોય તો જ નવાઈ! જો આપને Question round માં મારા ભાગે પ્રશ્ન પૂછવાનો આવ્યું હોત તો હું ચોક્કસપણ આપને પૂછત કે, “સૌંદર્ય અને વિજ્ઞાનને કશોયે સંબંધ ખરો ? આપ શું વિચારો છો?” જો કે હવે આવા પ્રશ્નો જ કેટલા હાસ્યસ્પદ લાગે! જો મેં આ સવાલ પૂછ્યો હોત તો આપે શું જવાબ આપ્યો હોત તે પણ આટલા વર્ષો પછી ચોક્કસપણે જાણી શકું છુ, પરંતુ મારા ભાગે આપને પ્રશ્ન પૂછવાનું ન આવ્યું. કોઈ સાહિત્યકારના હાથે-મોઢે આપને પ્રશ્ન પૂછાયો.”મિસ સંશોધિતા, practices makes man perfect but what about woman?” અને આપે પળનોય વિલંબ કર્યા વગર જવાબ આપ્યો, “woman are born perfect.” તાળીઓના ગણઠાટ વચ્ચે આપની મિસ ઇન્ડિયા તરીકે તાજપોશી થઇ. બધા નિર્ણાયકો સાથે હું પણ અભિનંદન આપવા આવેલો. આપ મને ઓળખીને મલકાયા અને બોલેલા,”બોસ સાહેબ આપના જેવા પ્રખર વૈજ્ઞાનિકોને નિર્ણાયક તરીકે જોઇને ખુબ આનંદ થાય છે.”
પછી કોઈ પાર્ટી, પ્રસંગ કે મેળાવડામાં આપને મળીને ચીલાચાલુ love story આગળ વધારી શકાઈ હોત અથવા તો Filmistyleમાં આપને propose પણ કરી શકાયું હોત, પણ આવું કઇ જ બન્યું નહી. મોટાભાગેમાં મિસ ઇન્ડિયા કે વલ્ડૅ વિનર્સ ગ્લેમરની દુનિયામાં પોતાની perfect હોવાની છાપ લઈને ક્યાંક ખોવાઈ જતી હોય છે. પણ આપના કિસ્સામાં એ પણ ન બન્યું.
“Glamour has grown up-Miss Sanshodhita became the first lady who entered in the Indian Army”.Times of India નાં આ સમાચાર વાંચીને ખુબ જ સુખદ આશ્ચર્ય થયેલું.
કાશ્મીરની સુંદર ઘાટીઓમાં આપનો ઘાટીલો દેહ ફરજ અને નિષ્ઠાનાં કારણે વધુ શોભાયમાન બનેલો. એ જ વર્ષે ‘ટાઈમ્સ’ દ્વારા કરવામાં આવેલા સર્વેક્ષણમાં આપને જગતની શ્રેષ્ઠ ૨૫ રૂપાળી તથા પ્રતિભાશાળી મહિલાઓની યાદીમાં સમાવવામાં આવ્યાં હતાં. આ ઘટનાથી જ આપ મારા જેવા પ્રેમીના હદયમાં પણ સમાયાં હતાં. અને જેહાદ-અલ-હક જેવા જુથમાં રહેલા આતંકીઓની નજરે પણ ચડ્યાં.
એ જ વર્ષે કાશ્મીર ની બર્ફીલી ઘાટીઓમાંથી આદિમાનવ યુગના અવશેષો મળ્યાનાં સમાચાર માત્ર ભારતના જ નહીં વિશ્વના અખબારોમાં ચમક્યાં. અમારી ટૂકડી ને ત્યાં સંશોધન અર્થે મોકલવામાં આવી. આદિમાનવ પહેલા વાંદરા જેવો જ લાગતો. મનુષ્ય જીવ હાલનાં તબક્કે પહોંચ્યો ત્યાં સુધીમાં કેટલા તબક્કાઓમાંથી પસાર થયો હતો તેની તમામ કડીઓ અમે આ સંશોધનનાં અંતે પ્રાપ્ત કરી. આ દરમિયાન દુશ્મન દેશે કાશ્મીરમાં કરેલા છમકલાઓ સોનાની થાળીમાં લોઢાની મેખ જેવા ભાસતાં હતાં. દુશ્મન દેશના ૨૪ સૈનિકોને ગોળીએ મારવા બદલ આપને પરમવીરચક્ર મળે અને અમે માનવ વિકાસ અને બૌધિક ઉત્ક્રાંતિ પર સંશોધન કરતા હોઈએ ત્યાં આ સમાચાર મળે.
અમે બધા અંતે એ તારણ ઉપર આવ્યાં કે હજુ ભારતમાં વાંદરાની એવી કેટલીક પ્રજાતિ છે કે જેના પર સંશોધન કરવાથી અમને ખુબ મદદ મળી શકે એમ છે, પણ પછી રેડ ડેટાબુકમાં વાંચ્યું તો આ પ્રજાતિ તો નાશપ્રાય હતી માટે તેનું મળવું લગભગ અશક્ય હતું. જો કે અમે ભારતના બધાં જ જંગલો ખુંદી વળવાનું નક્કી કરેલુ.
શરૂઆત કાશ્મીરની ઘાટીઓથી જ થયેલી. વળી આપણું મળવાનું અનાયાસે ગોઠવાયું. કેટલાક દુર્ગમ ભાગો પર જવાની પરવાનગી માટેનો પત્ર આપની પાસે લઈને આવવાનું થયું. આપે સસ્મિત પત્ર એ રીતે હાથમાં લીધેલો કે જાણે એ પ્રેમ-પત્ર હોય! તે દિવસે ઘણીબધી વાતો થયેલી. આપ દેશની રક્ષા, માણસાઈને નેવે મુકીને કાશ્મીરીઓને હેરાન કરતા આતંકીઓ, તેમના જૂથના ૫૦ જણાને મારીને સમગ્ર દેશની પ્રસંશા મળેલી એ બધા વિષયો પર અને હું માણસમાં બુદ્ધિ ક્યારથી આવી હશે, કેમ તેણે હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરીને પોતાનાં જીવનનો વિકાસ આદર્યો હશે તથા અલગ –અલગ વસાહતો બનાવીને રહેતો હશે તેના પર વાત કરેલી.
તે દિવસે સવારથી જ કાશમીર પર આતંકીઓનો બોબ્મમારો શરૂ થયેલો. આપ જાંબાજ, બહાદુર ઓફિસર તરીકે પંકાયેલા તો હતા જ અને આપ એમની સામે એ રીતે લડ્યા પણ ખરાં. આતંકી જૂથના વડા દ્વારા આપને પકડી લેવામાં આવ્યા અને ગેંગરેપ બાદ આપ કાશ્મીર ની ઘાટીઓમાં ........................... આપ બચી તો ગયા પણ આપની હાલત અને કાશ્મીરની હાલત વચ્ચે કોઈ ફરક ન હોતો, સ્વર્ગ જેવા કાશ્મીરને હેવાનોએ કેવું બદનુમાં બનાવી દીધું. કોઈ કઈ કરી ન શક્યું! આપની બળાત્કારની ચીસો તો ઠીક, પછીની રાડો વધુ ચિત્કાર, ફીટકાર દર્શાવતી હતી.
મારી બુદ્ધિને પણ ગ્રહણ લાગ્યું હતું. હું કાઈ સમજી શકતો નહતો. વિજ્ઞાન અને વિકાસ જેવા શબ્દો મને નિરર્થક લાગવા માંડ્યા હતા. વધુ લોકો અને સૈનિકો ન મરે તે માટે આતંકીઓ સાથે સુલેહ કરવામાં આવી. આપે આ આતંકીઓનો ભરોસો ન કરવાનું કહેતા આપની પાસે ત્યાગ-પત્ર અપાવતાવવામાં આવ્યું. આતંકીઓ એ હથીયાર પડતા મુક્યાં પણ શું બધું સમુંસુતરૂ પાર પડ્યું? ના. તેમણે શહેરમાં વધુ સૈનિકોને ટાર્ગેટ બનાવવાનું શરૂ કર્યું. સરકારે એમની આ ચાલ સમજે તે પહેલાં તો આ જૂથે કેટલાયે ઘુસણખોરો વાદીઓમાં ઘુસાડી દીધા હતા. આપનો રોષ
ભભૂકી ઉઠ્યો અને આપે આપનું એક અલગ જૂથ બનાવ્યું સરકારે આપનું પરમવીરચક્ર વિદ્રોહના કારણોસર પરત ખેચ્યું આપના જવાબ “women are born perfect ”ને મીડિયા વાળાએ ખુબ મસાલા ભરીને ‘breaking news’ બનાવીને જેટલા સમય સુધી વેચી શકે તેટલા સમય સુધી વેચ્યો. આપની નવી જિંદગીની શરૂઆત આપ ભાગી રહ્યા હતા- પોલીસથી અને આપનાથી પણ. મારી કથા તો આ દોડધામમાં ક્યાય મંડાઈ જ નહી. સંશોધન ટુકડીએ પણ મને કાઢીને ફેંકી દીધો હતો. હું સંશોધનથી મારી નપું સકતાના મનોમંથન તરફ વળ્યો હતો. થોડી વાર વિચાર આવ્યો કે પેલી દુર્લભ પ્રજાતિ પૈકી શું એકેય વાંદરો વધ્યો હશે? જો કે હવે મારી જંગલોમાં થતી રજળપાટ અને નવું જીવન કોઈ પેલા વાંદરાની શોધ માટેનું નહોતું. હવે તો કદાચ એ વાંદરો મળી જાય તો હું પણ તેને ન ઓળખું અને મારા લઘરવઘર વેશ જોઇને કદાચ એ પણ મને ન ઓળખે!.
તમે અને હું – આપણે – એકજ જંગલમાં લપાતાં-છુપાતાં ફરી રહ્યા હતાં. કદાચ પાંચ-છ વાર સામા
આમને-સામને મળ્યો પણ હોઈશું પણ એકબીજાની પાસેથી પસાર થઇ જવા સિવાય આપણા પાસે કયો વિકલ્પ બચ્યો હતો? આવા સંજોગોમાં ભટકતા બે માણસો ફરીથી નવજીવન શરૂ કરે એવું બધું ફિલ્મી કથાઓમાં બને, વાસ્તવમાં નહી.
આપ હવે ક્યા હશો એતો ખબર પણ નથી હું હવે ક્યા જઈશ એની પરવા જ નથી. આ પત્ર આપ કઈ રીતે વાંચશો એ પણ ખબર નથી જો કે એવી કોઈ ઈચ્છા તો લખતો પણ નથી. તો શું? ભટકવાનું, અટકવાનું, છટકવાનું આ બધો જીવનનો કેવો ખેલ છે? મોટા લોકોની ખુબ નાનય જોઈ નરી કૃત્રિમતા. એ બધાં માણસોને કહેવા માટે સારી પાંચ વાત નથી મળતી અને મારી આવાતને કોઈ સાંભળનાર ન મળ્યો!. મને આપ ન મળ્યાં પણ આ પત્ર તો મળ્યો. જીવન લખાઈ ગયું જીવને રાહત થઈ. મરજી મુજબનું તો અમસ્તાયે કયા કોઈને જીવાય છે અને જીવાયું હોત તો આ ૧૫૦૦ શબ્દોની વાર્તા લખાત? આ તો ન જીવાયું એટલે લખાયું અને આ પૃષ્ઠો પર અંકાયું. હવે કદાચ એ વાંદરો મળે તો પણ કઈ કામનું નથી. આ સાથે એક ખુબ મોટું પૂર્ણવિરામ મુકુ તો છું પણ ખબર નહી એ કરવાથી એમ ગણાશે કે એમ થશે ખરું?
જે ક્યારેય કશું કરીન શક્યો ને કોઈનો થઈ ન શક્યો તે નિતેન્દ્ર બોસ. હવાના બીજા વંટોળ સાથે વાંદરાના હાથમાંથી પત્ર ઉડી ગયો બાજુના ઝરણમાં પત્ર વહેવા લાગ્યો, પત્રને દૂર-દૂર સુધી જતાં વાંદરો નિહાળી રહ્યો. ઝરણાનો ખળ-ખળ અવાજ હવે તેને સ્પષ્ટ સંભળાતો હતો. પોતે જે જાડ નીચે ઉભો હતો તેની ઉપર કેટલાક વાંદરાઓ કૂદાકૂદ કરી રહ્યા , કેટલાક લટકી રહ્યાં હતાં. કેટલાક શરીરને ખંજવાળી રહ્યાં હતાં. આ વાંદરો પણ ફટાક દઈને ઉપર ચડી ગયો અને ખીખીયાટા કરવા લાગ્યો.
***