(આ પત્રના પાત્રો કાલ્પનિક છે. એને ઐતિહાસિક કે આધ્યાત્મિક પાત્રો સાથે કોઇ સંબંધ નથી.)
પ્રિય સ્વર્ગવાસી શ્રવણ,
આર્યાવર્તથી તમારી પત્ની શ્રાવણીના વંદન. આખી અવની ઉપર એકલી રહેતી વિધવા સ્ત્રીની અવદશાની વાતો તમે તો સાંભળી જ હશે. ના સાંભળી હોય તો, હું આજે તમને મનના કમાડ ખોલીને, મારા ર્હદયના ઘામાંથી નીકળતાં રક્તથી, રક્તરંજિત થયેલા હસ્તાક્ષરોથી, દર્દનાક કહાની લખી જણાવું છું.
નાની ઉમરમાં હું તમને પરણીને આવી, ત્યારે જ મને મારી જવાબદારીનો અહેસાસ હતો. તમારા માતા પિતા અંધ હતાં. એ વાતની મને લગ્ન પહેલાં જાણ હતી. હું એ જવાબદારી નિભાવવા તૈયાર હતી.પણ તમે મને પારકી જાણી અને એ જવાબદારી મારી સાથે વહેંચી નહી. સપ્તપદીના સાત ફેરા લેતી વખતે કેટલા વચનો એકબીજાને આપ્યાં હતાં? પણ એ નિભાવવાનો સમય આવ્યો, ત્યારે તમે મને તમારાથી દૂર કરી દીધી. સપ્તપદીનું પહેલુ વચન હતું કે આપણે બન્ને એ એકબીજાની સાથે મળીને કામ કરવું.બીજા અને ત્રીજા વચનમાં એકબીજાની માનસિક અને શારીરિક તાકાત બનવું.ચોથા વચનથી આપણે ખુશ રહેવું અને બીજાને ખુશ કરવાં. છઠ્ઠે ફેરે સાથે જ ચાલવાનું અને સાતમે ફેરે મિત્ર બનવાનું વચન આપ્યું હતું. છતાં મને તમારી મુશ્કેલીમાં મદદરૂપ થવાની તક ના આપી. તમારાથી અને મારા સાસુ સસરાથી પરે જ રાખી. તમે મને મઝધારમાં એકલી મૂકી દીધી. આ એક ભવમાં કેટલા કડવા અનુભવ મને થયાં હશે? તમને એમ નથી લાગતું કે તમારી ઉપર તમારા માતાપિતાની જવાબદારી હતી, તેવી જ રીતે હુ પણ તમારી અમાનત અને જવાબદારી હતી? જેને તમે ધરતી ઉપર એકલી, જુવાન વિધવાના રૂપમાં છોડીને જતાં રહ્યાં. અરે! આ કળીયુગમાં એકલી સ્ત્રીની શી હાલત થાય, એનો અંદાજ છે? આખો સમાજ તમારી આજૂ બાજૂ કાંટાળી વાડ રચે. પુરુષ રૂપી કાંટા વાગે તેનાથી પણ વધુ દર્દ સ્ત્રી રૂપી ફૂલ ચૂભે ત્યારે થાય છે, એનુ કારણ વૈધવ્ય છે. તમે એકલા જ, મને લીધા વગર કે પૂછ્યા વગર, મારા સાસુ સસરાને લઇને જાત્રાએ જવા નીકળી પડ્યા. મને પૂછ્યું હોત તો હું તમને રોકત નહી, તમારી સાથે આવત.તમારી અર્ધાંગીની તરીકે અડધો બોજ વહેંચત. એકલી છોડેલી સ્ત્રીની મર્યાદા ખૂબ વજનદાર હોય છે. તેનો ભાર ઉપાડીને થાકી જવાય. સ્ત્રી અનેક ભૂમિકા સાથે ભજવી શકે છે.” ભોજ્યેશુ માતા, શયનેશુ રમ્ભા” એ શ્લોક સાંભળ્યો જ હશે.દીકરી, પત્ની, વહુ, મા એવી દરેક ભૂમિકામાં પોતાની જાન રેડી દે છે. એ એના દિલનાં દરિયામાંથી એક ચમચી આચમન બધાને જ કરાવે છે પણ એનાથી એનો પ્રેમ વહેંચાતો નથી કે ઓછો થતો નથી. એવી જ રીતે, પુરૂષે પણ પુત્ર, પતિ અને પિતાની ભૂમિકાઓને સરખો ન્યાય આપવો જોઇએ. જો તમે મને સાથે લઇને ગયાં હોત તો, કદાચ તે દિવસે તમારે બદલે પાણી ભરવા હું જ ગઇ હોત અને રાજા દશરથના તીરનો શિકાર પણ હું જ બની હોત.આજે પણ આ યુગમાં માતાપિતાની સેવા કરનાર આજ્ઞાંકિત પુત્રને શ્રવણ કુમાર કહેવાય છે. તમે તો એ સન્માન મૃત્યુ બાદ પણ પામ્યા છો. જો તીર મને વાગ્યું હોત, તો ઇતિહાસ અને ધર્મગ્રંથો શ્રાવણીના ગુણ ગાતા હોત.પણ, તમે મને એ સન્માનની હકદાર બનતા રોકી. સાસુ સસરાની સેવા કરતાં, તમારી જેમ મૃત્યુને ભેટી હોત, તો સમાજમાં એક સુંદર ઉદાહરણ પ્રસ્થાપિત કરી જાત. તમારા વિરહમાં તમારા માતા-પિતા માથુ પછાડીને મૃત્યુ પામ્યા. પણ મારી પાછળ એ લોકો મર્યા ના હોત અને તમારા ત્રણેની જિંદગી બચી ગઇ હોત.
તમે પુરુષ હતાં. તમારી પત્નીનાં મૃત્યુ બાદ, ફરી પરણીને ઘરસંસાર માંડી શક્યા હોત.તમારી નવી પત્ની પણ તમારા માતાપિતાની સેવા કરતે. હિન્દુ સમાજમાં સ્ત્રી યુગોથી સેવા અને સમર્પણની મૂર્તિ ગણાય છે. ભારતીય સંસ્કૃતિમાં તો તમે પુરુષોએ સ્ત્રીઓને પોતાનુ મંતવ્ય પ્રગટ કરવાનો હક્ક પણ આપ્યો જ નથી. પતિના મૃત્યુ બાદ વિધવા પત્નીને પરણવાનો અધિકાર કે તક આપણા સમાજમાં આપી નથી. જેને લીધે એકલી સ્ત્રી પૂરા સમાજનો શિકાર બને છે. એને જો તમે ફરીથી લગ્નની તક આપો અને પાત્ર સારું ના હોય, તો પણ તે ફક્ત એના પતિ કે પતિના કુટુંબીજનોએ આપેલી પીડા મૂંગે મોઢે સહન કરશે. પોતાના નસીબ સિવાય કોઇનો દોષ નહીં કાઢે. આખા જગતનો શિકાર બનવામાંથી તો બચી શકે ને?..
તમારા ગયા બાદ સમય પસાર કરવા મંદિર ગઇ હતી. એક વિધવા બીચારી બાગ બગીચામાં તો એકલી ના જાય. જાય તો દુનિયા એને ફોલી નાખે. એના ચરિત્રનું ચીર હરણ કરે. મંદિરમાં મને ઉર્મિલા મળી. ના ઓળખી? રાજા દશરથની પુત્રવધૂ અને લક્ષ્મણની પત્ની. શ્રી. લક્ષ્મણજી તો ભાતૃપ્રેમથી પ્રેરિત, ભાઇ ભાભીની સેવા કરવા ઘર છોડીને ચૌદ વર્ષ માટે વનવાસી બન્યા અને ઉર્મિલાને મહેલની સુંવાળી ગાદીમાં તડપતી છોડી ગયાં.એમણે આ નિર્ણય પત્નીને પૂછ્યા વગર જ લીધો હતો. શ્રી.રામ અને સીતાજીએ તો સુખદુઃખમાં એકબીજાનો સાથ નિભાવ્યો. સાચો વનવાસ તો વિના વાંકે ઉર્મિલાને જ નસીબે આવ્યો.પુરુષો યુગોથી પત્નીને કોઇ પણ નિર્ણય લેવામાં ભાગીદાર બનાવતાં નથી. ભલે એ નિર્ણયની અસર એને જ થવાની હોય. બીચારી રડતી હતી, પણ મેં એને આશ્વાસન આપ્યું, કે એનો એકલવાસ તો ચૌદ વર્ષે પતી જશે, પણ મારું વૈધવ્ય તો જીવન ભર રહેશે અને લોકો યાદ કરશે કારણ કે આપણી ગાથા તો રામાયણની સાથે વણાઇ ગઇ છે ને?
યુગયુગાંતરથી વિધવાને ધરતી ઉપર કેવી દ્રષ્ટિથી જોવામાં આવે છે તે તમે ધરતી ઉપર હોત તો જોઇ શકત. સતયુગ હોય કે કળીયુગ હોય, વિધવાની સ્થિતિ લાચાર હોય છે. વિધવા જ શા માટે ? સ્ત્રીની આખી જાત લાચાર છે. ઘરમાં આવેલી નવી વહુને પારકી જણી કહેવાય છે. એ બીચારી એની જિંદગીના વીસ જ વર્ષ પિતાને ઘેર હોય છે અને બાકીના એંશી વર્ષ પતિને ઘેર હોય છે. તો પણ પતિનું ઘર એનુ સાસરુ કહેવાય છે,એનું ઘર નહી.એને પારકી કહેવાય છે, પોતાની નહી.શ્રી.કૃશ્ને કહ્યું છે કે કર્મ કરો પણ શ્રી.રામે કહ્યુ છે, કે પુરુષાર્થ કરો. પુરુષાર્થ એટલે પુરુષ અર્થ ઉપાર્જન(પૈસા કમાવા) માટે કરે તે મહેનત, ખરુંને? કેમ પુરુષ સાથે અર્થ ઉપાર્જન તથા મહેનતને જોડ્યા છે? સ્ત્રીને નહીં? તમે ત્યાં કોઇની સાથે ચર્ચા કરતાં નહીં, કારણ શ્રી રામે મનમાની કરી સીતાજીનો ત્યાગ કર્યો હતો. નળ-દમયંતી, દુશ્યંત-શકુંતલા, હરિશ્ચન્દ્ર –તારામતી, એવા અનેક ઉદાહરણ તમને ગેરમાર્ગે દોરશે. બસ તમારા ર્હદયનો અવાજ સાંભળીને એક વાર ધરતી પર અવતાર લો અને મારો સાથ આપો. પુત્રની જવાબદારી નિભાવી હવે પતિની ફરજ નિભાવો. સ્ત્રીને સહધર્મચારિણી તરીકે સ્વીકારો. તમારા જેવા ચરિત્રવાન, ગુણવાન અને આજ્ઞાકારી પુત્રના આચરણનો તો આખો સમાજ અનુગામી બનશે.તમને પત્નીની કદર કરતાં જોશે તો બીજા ગૃહસ્થો પણ પત્નીને સન્માન આપશે અને પોતાના જીવનના દરેક નિર્ણયમાં પોતાની સ્ત્રીને સહભાગી બનાવશે જેથી એક તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે. કદાચ ભવિષ્યનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાશે. સ્વર્ગમાંથી એક સિતારો તૂટશે તો આસમાન ખાલી નહીં થાય,પણ મારી ઝોળી ભરાઇ જશે. આ પત્ર મળતાં જ તમને મારા ઘાયલ હ્ર્દયની એક ટીસ સંભળાશે, એકલતાની આહ સાંભળાશે. મારા ર્હદયના હસ્તાક્ષર ઓળખજો મારા નાથ અને મારી મદદે વેળાસર આવી પહોંચજો.
લી.મૃત્યુલોક્થી પૃથ્વીનિવાસી, તમારી દાસી, સહધર્મચારિણી, પ્રેયસી અને પત્ની શ્રાવણીના વંદન.
***