લવ સ્ટોરી - National Story Competition-Jan Kaushal Suthar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ સ્ટોરી - National Story Competition-Jan

લવ સ્ટોરી

કૌશલ સુથાર

‘તે શું કામ આવું કર્યું ? મારી સાથે... શું કામ ? શું કામ તે મને તરછોડ્યો... !’ આંખોમાં ચોધાર વરસતા આંસુ ને ખુન્નસ સાથે કુંજ બોલી રહ્યો હતો. એની વ્યથા સાંભળનાર કોઈ નહોતું. તે એકલો પડી ગયો હતો. કુંજ દેસાઈ મહેસાણાનો વતની હતો. તે અમદાવાદની એક ખાનગી કંપનીમાં સુપરવાઈઝરની પોસ્ટ પર હતો. તે રમૂજી સ્વભાવનો, હોશિયાર અને એક પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતો હતો. જે બીજા કરતા અલગ તરી આવતો હતો. ઘઉંવર્ણો ભરાવદાર ચહેરો, આંખો પર ગ્રીન સાઈનીંગવાળા ફ્રેમલેસ ચશ્મા, સાડા છ ફૂટની ઊંચાઈ, સ્લિમ બૉડી ધરાવતો ૨૪ વર્ષનો યુવાન કુંજ ચાર્મિંગ બૉય લાગતો હતો.

એક દિવસ કંપનીમાં એકાઉંટન્ટની ભરતી કરવાની હોવાથી કંપનીમાં ઈન્ટરવ્યુ માટે ઘણાં ઉમેદવારો આવ્યા હતા. એમાં છોકરાઓ અને છોકરીઓ પણ. કેટ-કેટલાય ચેહરાઓ એની આંખો સામે હતા, પણ એની નજર તો મૃગનયની આંખો, હાસ્યથી ચમકતા દાડમની કળી જેવા દાંત ને ગાલોમાં પડતા ડીમ્પલથી ક્યુટ દેખાતા ચહેરા પર જ ચોંટી હતી. જાણે પહેલી નજરનો પ્રેમ.. ! તે મનોમન એને ચાહવા લાગ્યો હતો. એ કોઈને પણ ગમી જાય એવી હતી. જી હા, દિવ્યા પટેલ ખૂબ જ રૂપાળી હતી. તે કલોલની વતની હતી.

ફૂલ ગુલાબી માસુમ ચહેરો, મૃગનયની આંખો, ગુલાબની પાંદડી જેવા હોઠ, પફ સ્ટાઈલની લટવાળા વાળ, યૌવનથી ઉભરાતા સ્તન, સાડા પાંચ ફૂટની ઊંચાઈ, પાતળી-નાજુક લચકાતી... ચાલથી મચકાતી કમર. જાણે સ્વર્ગની અપ્સરા મોહિની જ જોઈ લ્યો. એટલી સુંદર દેખાતી હતી.

ઈન્ટરવ્યુમાં પાસ થતા એનું સિલેક્શન થઈ ગયું. તેને નોકરી મળી ગઈ તે ખૂબ ખુશ હતી. પણ એના કરતા વધારે ખુશ કુંજ હતો. દિવ્યા તેની ઑફિસના સામેના ટેબલ પર કામ કરતી હતી. તે દરરોજ દિવ્યાની સુંદરતાને માણતો હતો. તે દેખાવે જેટલી સુંદર હતી એટલી એના કામમાં પણ નિપુણ હતી. કુંજ એની સાથે હસી-મજાક કરતો, પણ પોતાના પ્રેમનો ઈઝહાર નહોતો કરી શકતો. એને ડર લાગતો હતો. કદાચ, એ ના પાડશે તો ? એ મારા વિશે કેવું વિચારશે ? આવા વિચારો અને ડરના કારણે તે દિવ્યાને પ્રપોઝ કરી શક્યો નહીં. તે ચોક્કસ સમયની રાહ જોતો’તો, કયારેક એમ પણ વિચારતો હતો કે ‘પ્યાર કિયા તો ડરના ક્યા.. !’ હમણાં જ કહી દઉં.. પણ પછી એની સામેથી કહેવાની હિંમત ચાલતી નહીં. રાત–દિવસ એને દિવ્યાના જ વિચારો આવતા, એને દિવ્યાનો જ ચહેરો દેખાતો. એના જ સપના આવતા.

આખરે એ જે દિવસની રાહ જોતો ‘તો એ દિવસ આવી ગયો... વેલેન્ટાઈન ડે... ૧૪મી ફેબ્રુઆરીના રોજ એણે દિવ્યાને પ્રપોઝ કરવાનું વિચાર્યું. પરંતુ એ સામેથી એને I love you… ના કહી શક્યો... પણ વેલેન્ટાઈન ડે ની સમી સાંજે થોડાક ડર અને હિંમત સાથે એણે દિવ્યાને ‘I love you…’ લખી મેસેજ કર્યો. દિવ્યાને ધ્રાસકો પડ્યો. એ ગભરાઈ ગઈ. ડૂમો બાઝ્યો હોય એવું થયું. તે રાત્રે તેને ઊંઘ જ ના આવી. તે કંઈ પણ રીપ્લાય આપી શકી નહીં. એ કંપનીમાં આવતી અને કામ પુરું કરી ફટાફટ નીકળી જતી. તેની cuteness હસી ખોવાઈ ગઈ. તે બેચેન રહેતી હતી. કુંજે ફરી પાછો ‘I love you, Divya’ લખી મેસેજ કર્યો, પણ દિવ્યાએ કંઈ જ રીપ્લાય આપ્યો નહીં. કારણ કે એને આ બધું ગમતું જ નહોતું. એને નફરત હતી. તેણે કુંજ ને ફોન કરી ના પાડી દીધી... પણ કુંજ પર તેની અસર ના થઈ. એ જાણતો હતો કે છોકરીઓની ‘ના’ માં પણ ‘હા’ હોય છે. તે રોજ દિવ્યાને ‘I love you, Divya’ નો મેસેજ કર્યા કરતો. દિવ્યા તેને ના જ પાડ્યા કરતી. આમને આમ કુંજ ના એકતરફી પ્રેમનું દોઢ વર્ષ વીતી ગયું; પણ દિવ્યાના દિલમાં કુંજ પ્રત્યે કોઈ લાગણી કે પ્રેમ ના પ્રગટ્યો. કુંજ ને કોઈ એક કંપનીમાં મેનેજરની કાયમી પોસ્ટ માટેની ઑફર આવી. પણ તેને પહેલી નોકરી છોડવી નહોતી... કારણ કે ત્યાં દિવ્યા હતી. દિવ્યા વગર તેને કંઈ ગમતુ નહોતું... દિવ્યા જ તેની દુનિયા બની ગઈ હતી.. તેના હૃદયકુંજમાં ‘દિવ્યા’ જ રહેતી હતી.. ! એને વિશ્વાસ હતો કે એક દિવસ દિવ્યા જરૂર તેને પ્રેમ કરશે જ.. ! પરંતુ સારી પોસ્ટ અને સારો પગાર હોવાને લીધે તેણે નોકરી છોડીને ત્યાં જવાનું નક્કી કર્યું. તે બીજી કંપનીમાં ગયો.

દિવ્યા રોજ કંપનીમાં જતી, પણ આજે તેને બેચેન જેવું લાગતું હતું. તેનું કામમાં મન લાગતું નહીં. તેની નજર ઑફિસની સામે ટકી રહેતી. “ એજ ટેબલ, એજ ફાઈલોનો ઢગલો ને એજ ખુરશી... પણ એની નજર જેને શોધતી એ ચહેરો જ ત્યાં નહોતો. ” એ ખુદ નહોતી જાણતી કે તેને આ શું થઈ રહ્યું છે ? એને કુંજ ની ખૂબ યાદ આવતી હતી. એને એની કમી વર્તાતી હતી. રાત-દિવસ તેને કુંજના વિચારો આવતા. પ્રેમ શબ્દથી એને નફરત હતી, પણ એને ખબર જ ના પડીને એને કુંજ સાથે પ્રેમ થઈ ગયો. કહેવાય છે ને કે-‘પ્રેમ કરવો નથી પડતો, પણ થઈ જાય છે. ’

એક દિવસ એ કંપનીમાં ફ્રી ટાઈમમાં બેઠી હતી ને તેણે કુંજ ને ફોન કર્યો. અને ‘ I love you, Kunj’ કહી બે વર્ષે એના પ્રપોઝનો રીપ્લાય આપ્યો. કુંજ જે શબ્દો સાંભળવા માટે રાહ જોતો તો એ આજે એને સાંભળવા મળ્યા. એના આનંદનો પાર ના રહ્યો. એ ખૂબ ખુશ હતો. એણે પોતાની વાત શે’ર દ્વારા કહી-

‘આંગળીના ટેરવાની કલમ કરીને, મેસેજથી કર્યો‘તો મેં પ્રેમ, પછી બેઉં હૃદયમાં વસંત ખીલી ગુલાબના પુષ્પોની જેમ.. !’

– કૌશલ સુથાર

કુંજ ની દોઢ વર્ષની મહેનત સફળ થઈ. આખરે દિવ્યાનું દિલ એણે જીતી લીધું. પછી બંને જણ મોડી રાત સુધી ફોન પર એકબીજા સાથે પ્રેમભરી વાતો કર્યા કરતા. એકબીજાની care કરતા... એકબીજાને બહું જ મિસ કરતા... ફોન પર કિસ કરતા. બંનેને એકબીજા વગર ચાલતું નહીં. બંનેને મળવા તીવ્ર ઈચ્છા જાગી. બંને જણ એક ગાર્ડનમાં મળ્યા. એકાંત વાળી જગ્યાએ બંને જણ બેઠા. કુંજે દિવ્યાનો હાથ પોતાના હાથમાં પકડી કહ્યું- ‘તું જ્યારે ઈન્ટરવ્યુ આપવા માટે આવી ને પહેલી વાર તને જોઈને ત્યારથી જ તું મને ગમવા લાગી હતી. હું તને ચાહ્વા લાગ્યો હતો. તને સામેથી પ્રપોઝ કરવામાં મારી હિંમત નહોતી ચાલતી. પછી મેં વેલેન્ટાઈન ડેના રોજ મે મેસેજથી પ્રપોઝ કર્યો. પણ તે ના જ પાડી.. પણ હું હિંમત હાર્યો નહીં. મને વિશ્વાસ હતો કે એક દિવસ તું મને ચોક્કસ પ્રેમ કરીશ. આખરે તને મારાથી પ્રેમ થઈ ગયો. ’ તું મને દોઢ વર્ષની તપસ્યા બાદ ફળી... હાસ્ય સાથે કુંજે કહ્યું.

કુંજ ની વાત સાંભળી દિવ્યાની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. પછી એણે કહ્યું, ‘કુંજ ! મને આ બધાથી ખૂબ જ નફરત હતી... બધાને ખબર પડે તો કેવું થાય... મા-બાપની ઈજ્જ્તનું શું.. આવા વિચારો આવતા. એવું નહોતું કે તું મને નહોતો ગમતો. પણ તું આ નોકરી છોડી બીજે ગયો ત્યારે તારી કમી મને વર્તાતી હતી. એ જે થતું હતું એ મને સમજાતું નહોતું કે આને પ્રેમ કહેવાય.. ! મને કશું ગમતું જ નહીં. ઊંઘ પણ નહોતી આવતી. તારા જ વિચારો આવતા. પછી મેં ફોન કરી તારા પ્રપોઝનો રીપ્લાય આપ્યો. ’ બંને જણ હૈયું ખોલીને વાતો કરી. એકબીજાને હોઠ પર ચુંબન કર્યુ... (“ચુંબન એતો પ્રેમનો ઑટોગ્રાફ છે. ’’) ક્યાંય સુધી એકબીજાને ભેટી રહ્યા. એકમેક ને છોડવાનું જ મન નહોતું. બંનેની આંખોમાં આંસુ આવી ગયા. એકબીજાને ‘લવ યુ... ’ કહી છૂટા પડ્યાં.

જ્યારે પણ સમય મળે ત્યારે તેઓ ફોન પર વાતો કર્યા કરતા. સમય ક્યાં વીતી જતો એ ખબર જ ના પડતી. રાતો ખૂટી જતી, પણ વાતો નહીં. તેઓ અવાર-નવાર મળતા.. પિકનીકમાં જતા. કુંજ દિવ્યાને કહેતો કે-‘ તું મને કયારેય ના છોડતી. હું તારા વગર નહીં જીવી શકું.. ! મરી.. ” આટલું બોલતાં જ દિવ્યાએ કુંજ ના હોઠ પર આંગળી મૂકીને કહ્યું કે- આવું ફરી ક્યારેય ના બોલતો. હું તને ક્યારેય નહીં છોડું... ક્યારેય નહીં... માય લવ.. તારા વગર કંઈ જ નહીં. એટલું બોલતા જ બંનેની આંખમાં ઝળઝળિયાં આવી ગયા. એકબીજાને હોઠ પર ચુંબન કરી... પ્રગાઢ આલિંગનમાં ખોવાઈ ગયા. આજે દિવ્યા કુંજ ને મનભરીને ચૂંમી લેવા માંગતી હતી. જાણે કે તે કુંજ ને છેલ્લીવાર મળી રહી હોય એવું લાગતું હતું. ત્યારબાદ બંને છૂટા પડ્યાં.

દિવ્યા ઘરે પહોંચી ત્યારે એને જાણવા મળ્યું કે તેને જોવા એક છોકરો આવવાનો છે. તેની સગાઈ કરવાની છે. એને છોકરો જોવાની ઈચ્છા નહોતી. કુંજની યાદ આવતી હતી. એણે કુંજ ને ફોન કર્યો ને કહ્યું કે- તેને જોવા માટે છોકરો જોવા આવવાનો છે. તેનું નામ રાજ છે. તેની સગાઈ કરવાની છે. આટલું સાંભળતા જ કુંજ રડી પડ્યો. એ નિ:શબ્દ થઈ ગયો. બંને જણ જાણતા હતા કે તેમની જ્ઞાતિ અલગ છે તેથી લગન કરવાની માતા-પિતા સંમતિ નહીં આપે. બંને જણે ભાગી જવાનો વિચાર કર્યો.. પણ પછી દિવ્યાને તે અયોગ્ય લાગ્યું, કારણ કે તેને માતા-પિતાની આજ્ઞા વિરૂદ્ધ જવું નહોતું. કુંજ માટે દિવ્યા વગર જીવવું અશક્ય લાગતું હતું. કારણ કે તે દિવ્યાને પોતાના જીવ કરતા પણ વધારે ચાહતો હતો.. ! તેના પ્રેમને ચાર વર્ષ થયા હતા. દિવ્યા એની દુનિયા હતી... તેનું સર્વસ્વ હતી.

દિવ્યાને રાજ ગમી ગયો. થોડા દિવસમાં જ તેની સગાઈ થઈ ગઈ. સગાઈ થતા દિવ્યા તેના ફિયાંસ રાજ સાથે વાતો કરવામાં વ્યસ્ત રહેતી. હવે કુંજ માટે તેની પાસે પહેલા જેટલો સમય રહ્યો નહીં. ચાર વર્ષથી તન. મન અને હૃદયથી ચાહતા કુંજ માટેનો પ્રેમ ઓછો થતો હતો. એના પ્રેમમાં બે ભાગ થયા હતા. અહીં કુંજ રાત-દિવસ એના મેસેજની, એના કૉલની રાહ જોયા કરતો. એના મેસેજનો દિવ્યા તરત રીપ્લાય આપી શકતી નહોતી. ભાગ્યે જ તે કુંજ ને મેસેજ કે કૉલ કરતી. કુંજ ને પહેલાના દિવસો યાદ આવતા. તે મોડે સુધી જાગતો, એના મેસેજની રાહ જોતો, ને એ રડ્યા કરતો. ‘ એક પુરૂષ જ્યારે કોઈ સ્ત્રી માટે રડે છે, ત્યારે તે પુરૂષ તેને સાચા દિલથી પ્રેમ કરતો હોય છે, તે તેને ક્યારેય પણ ખોવા માગતો નથી. ’ કુંજ ને દિવ્યા સાથે ગાળેલા સમય અને પ્રણયની દરેક વાતો યાદ આવતી ને એ રડ્યા કરતો... પણ દિવ્યાને હવે એના પ્રેમ અને આંસુનો કંઈ જ ફરક પડતો નહીં. દિવ્યાના હૃદયમાં કુંજ પ્રત્યેનો પ્રેમ અને લાગણી જે પહેલા હતી એવી ના રહી. એ હવે બદલાઈ ગઈ હતી. એને કુંજના પ્રેમની કદર ના રહી. દિવ્યા અને રાજના લગ્ન થઈ ગયા. કુંજ માટે જીવવું ઝેર જેવું લાગતું. તેને મરી જવાનો વિચાર આવતો. એની આંખમાં આંસુ સૂકાતા નહીં. એને થતું કે હવે હું જીવીને શું કરું ? ‘મારું જે હતું પહેલા એ હવે મારું રહ્યું નથી.. ! પોતાના પર જેણે દિલથી વિશ્વાસ કર્યો, એજ પારકી થઈ ગઈ.. ! કહેવાય છે ને કે માગવાથી તો ભગવાન પણ મળે છે, પણ એણે કદી મને ભગવાન પાસે સાચા દિલથી માગ્યો જ નથી... આજે એને એકેક વાત યાદ આવતી હતી.. !’

“ જિંદગી જીવી જવાય શ્વાસ વિના, પણકોઈ અંગત વિના જીવવું કેટલું અઘરું હોય છે. ’’

– કૌશલ સુથાર

એ તો કોઈ સાચો પ્રેમી જ જાણી શકે. કુંજે આવું ક્યારેય નહોતું વિચાર્યુ કે, દિવ્યા આટલી બધી બદલાઈ જશે. એને થયું કે જે મારી પહેલાની દિવ્યા હતી એજ મને સાચો પ્રેમ કરતી ‘તી. પણ એ હવે રહીં નથી. બદલાઈ ગઈ છે. પહેલાની દિવ્યા હોત તે એને ક્યારેય રડવા ના દેત... પણ અફસોસ, એમાંનું કશું હવે રહ્યું નથી. ‘તે શું કામ આવું કર્યું ? મારી સાથે... શું કામ ? શું કામ તે મને તરછોડ્યો... !’ આંસુભર્યા અવાજે કુંજ બોલ્યો, પણ એની વ્યથા સાંભળનાર કોઈ રહ્યું નહોતું.. ! તે એકલો પડી ગયો હતો... એકલો....

‘જિંદગી જીવું છું તારી યાદમાં, ઘડિયાળ ઊંધી ફેરવી એકાંતમાં. ’

- કૌશલ સુથાર

***