Manogram Megha Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Manogram

મનોગ્રામ

મેઘા જોશી

meghanimeshjoshi@gmail.com



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

મનોગ્રામ

એક જાહેરખબર- અમારૂં બાળપણ ખોવાયું છે.

‘હેય, તારા પપ્પા તને ઘોડો માને છે? રેસનો ઘોડો? એક એવો ઘોડો જેની ક્યારેય હાર ના થવી જોઈએ. એક એવો ઘોડો જેને પાંખ વગર આકાશમાં ઉડતાં આવડે અને તરતાં પણ આવડે.’ ‘અરે વાત જ જવા દે, મારી મેડમ મને ગધેડો માને છે, જેને એક સ્પેલિંગ આવડી ગયો છે, લખતાં આવડી ગયું છે પણ પચાસ વાર એકનો એક શબ્દ લખવા આપે છે. બરડો વાંકો થઈ જાય એટલું લેસન આપે છે.’ ‘અરે મારી મમ્મી તો મને રાજકુંવરી માને છે. એક એવા દેશની રાજકુંવરી જેને સૂરમાં ગાતાં-નાચતાં-ભણતાં બધું જ આવડે. જે દિવસે ના શીખે એટલું રાત્રે શીખે, સર્વગુણ સંપન્ન, મારા ઘરના તો મને એક એવું પ્રાણી માને છે જેનામાં ડાયનાસોર જેવી તાકાત હોય, હરણ જેવી ગતિ હોય, સિંહ જેવો પ્રભાવ હોય, ચિત્તા જેવી ચપળતા હોય... બોલ છું ને હું, ઓલ ઈન વન એનિમલ?’ યસ, એનિમલ. ક્યારેક સરકસમાં રિંગ માસ્તરના કહ્યામાં રહેતું પ્રાણી, તો ક્યારેક રેસ માટે તાલીમ લેતું પ્રાણી, તો ક્યારેક આલીશાન બંગલામાં ઓર્ડર પ્રમાણે પૂંછડી પટપટાવી મનોરંજન પૂરૂં પાડતું પ્રાણી, અને એથી વિશેષ એક એવું પ્રાણી જે શારીરિક ઉંમર કરતાં માનસિક ઉંમરમાં દસ વર્ષ આગળ હોય. જેને આખી દુનિયામાં જીનિયસ કહેવામાં આવે છે.

આટલા બધા પ્રાણી એકમાં જ જોઈતા હોય તો ભૈસા’બ મલ્ટીપલ ક્લોનિંગ કરાવીને બાળક પેદા કરવું પડે અને એના માટે ટ્રેનર પણ રાખવો પડે. જો આવી જાત-જાતની તાલીમથી જિનિયસ થવું શક્ય હોત તો આવનારી પેઢીના ક્લાસરૂમમાં ત્રીસમો નંબર કોનો આવી શકત? થોડું ઘણું નૃત્ય આવડયું કે તરત એના ક્લાસ અને સ્ટેજ અને સ્પર્ધા. ભણતર, કલા, રમત-ગમત દરેક ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ બનાવવાની હોડમાં જે એકમાત્ર ચીજ ચૂકાઈ જાય છે તે બાળપણ છે. જિનિયસ બનાવવા માટે અથવા તેના દેખાડા માટે મીડિયાનો એક હાથ તો હંમેશાં તત્પર હોય છે. એને શીખવીએ કે એના કૌશલ્યોને વિકસવાની તક પૂરી પાડીએ ત્યાં સુધી ઠીક છે, પણ તરત જ દીવાનખંડથી લઈને સ્ટેજ કે ટીવી તરફ પહોંચાડવાની ઉતાવળ શું કામ કરવી જોઈએ? લખોટી ગણીને શેરીમાં રસાકસી કરવાને બદલે આખી દુનિયા જુએ તેમ એને કળા પ્રદર્શન માટે સ્પર્ધાના કુરૂક્ષેત્રમાં ધકેલવામાં આવે છે. એણે ક્યારે રડવું અને ક્યારે હસવું જેવા નિયમો શીખવવામાં આવે છે. એને ‘તણાવ’ નામના શબ્દની નજીક લઈ જવામાં આવે છે.

રિયાલિટી શોમાં કે નાના ગામના કોઈપણ સ્ટેજ પર સાત વર્ષની છોકરીને શરીરનો અમુક ચોક્કસ ભાગ હલાવીને નચાવતા મા-બાપ, આંખ મારવાનું કહેતા શિક્ષક... ઓહ સોરી... ટ્રેનર... ને માત્ર એટલું જ કહેવાનું કે એ જ છોકરી એની ટીન એજમાં પણ આંખ મારે તો એને પ્લીઝ થપ્પડ ના મારતા. કારણ કે, એને બાકાયદા એની તાલીમ મળેલી છે. સંગીતના શોમાં ગાવાની સાથે નાચવું જરૂરી હોય છે? દસ વર્ષના છોકરાને આવા કોઈ શો દરમ્યાન આવતી હીરોઈનને ગુલાબ આપી પ્રપોઝ કરવાનું કહેવામાં આવે છે અને આઠ વર્ષની છોકરીને હલકટ જવાની ગાતી વખતે થોડા હાવભાવ ઉમેરવાની સલાહ આપવામાં આવે છે. આ દરેક વખતે એ નિર્ણાયકની ખુરશી પર બેઠેલા સેલિબ્રિટીનો વાંક કાઢવાનો અર્થ નથી કે નથી ગોખેલું બોલીને ચાંપલાશ ઠાલવતા બચ્ચા પાર્ટીનો. સામે ઓડિયન્સમાં કે પરદાની ડાબી-જમણી બાજુએ ઊંભેલા અતિશય મહત્ત્વાકાંક્ષી મમ્મી-પપ્પાને બે-ચાર સુરતી કે કાઠિયાવાડી સંભળાવવાનું મન ચોક્કસ થાય. ગ્લેમર કે સફળતા કે કૈંક બનાવી દેવાની એવી તે કેવી તાલાવેલી કે એના ગુલામ થઈ જવાનું?

બાળકની સામે દ્વિઅર્થી શબ્દોનો ઉપયોગ કે અમુક કામુક અદાની અપેક્ષા ના થાય તો ચાલે. અમુક વસ્તુ જિંદગીમાં થોડી મોડી કે એની યોગ્ય ઉંમરે શીખાય તો ચાલે. એ માટે આટલી બધી મહેનત કરવાની જરૂર નથી. બાળપણ છે તો જુવાની ય એના સમયે આવીને ઊંભી જ રહેશે. એ વખતે એમ પણ કોઈના રોક્યા નથી રોકાવાના. આંખનો એક આંખ બંધ કરવા માટે કેમ ઉપયોગ કરવામાં આવે છે એની થિયરી શા માટે શીખવવી જોઈએ? જરૂર પડશે ત્યારે એ પ્રેક્ટિકલી કરી લેશે (એ કરવું જોઈએ કે નહીં તે આવડત છે). આધુનિકતાના નામે, આધુનિકતાના દેખાડાની લ્હાયમાં, કપડાં-ભાષા-વર્તનમાં આછકલાઈ અને આંધળું અનુકરણ કરવામાં આવે છે અને જોયા-જાણ્‌યા-વિચાર્યા વગર બાળકને પણ એ જ શીખવવામાં આવે છે. આધુનિકતા અને અશ્લીલતા વચ્ચે રહેલી ભેદરેખા ક્યારે ઓળંગી જવાય એનો ખ્યાલ નથી રહેતો.

બાળકના સર્વાંગી વિકાસ માટે યોગ્ય વાતાવરણ મળે તો કુદરતી રીતે થતી પ્રક્રિયામાં વેગ મળે એ બરાબર છે. પરંતુ જેને અમુક વાતાવરણ ના મળે તેનો વિકાસ શક્ય નથી એ તદ્દન ખોટી માન્યતા છે. એક્સપોઝર આપવા માટે દરેક ક્ષેત્રમાં હવાતિયાં મારવાને બદલે એના રસ, રૂચિ એ ક્ષમતા જોઈને જે-તે ક્ષેત્ર માટે શીખવા માટેની અનુકૂળતા કરી આપીએ તો બહુ થયું. ખરેખર તો આ સર્વાંગી વિકાસની વ્યાખ્યા પણ સમજવી જરૂરી છે. સર્વાંગી વિકાસને નામે સ્કેટિંગથી માંડીને ઓરેગામી - બધું આવડવું જ જોઈએ અથવા બધું શીખવું જોઈએ - જેવી વાહિયાત માન્યતા ઘરે ઘરે ઘર કરી ગઈ છે. સર્વાંગી વિકાસને ખૂબ સરળ ભાષામાં વિચારીએ તો એ એક સાહજિક વિકાસ છે. એક સામાન્ય માનવ શરીરની વૃદ્‌ઘિ સાથે તબક્કાવાર જોડાયેલા વિકાસના દરેક પગથિયાં યોગ્ય ઉંમરે અને એનામાં રહેલી ક્ષમતા અને શક્યતા મુજબના થાય તે જરૂરી છે. વિકાસ એ સરખામણીનો વિષય નથી, સ્વીકૃતિનો વિષય છે.

બાથરૂમમાં ગાતાં-ગાતાં ક્યારેય પોતાની જાતને મોહંમદ રફી સાથે સરખામણી કરી છે? અને જો કરી છે તો એની ઈર્ષ્યા કરી છે? આપણી વાત આવે ત્યારે એ જમાનાને, બાપને ખાલી રહેલા ગજવાને વાંક કાઢીને છટકી જીએ છીએ. છટકો ત્યાં સુધી તો હજુ ય સારૂં, પણ એ બધી છટકબારીનો લાભ આપણા બાળકોને નથી આપી શકતા. એમની માટે ‘સવાયા’ થયા વગર છૂટકો જ નથી હોતો. લાગણીની દૃષ્ટિએ જોઈએ તો પોતાના બાળકને વધુ ને વધુ આગળ વધતો જોવો એ સાહજિક અને સ્વીકૃત વર્તન છે. પણ એ માટે યેનકેન પ્રકારે ધમપછાડા કરવા યોગ્ય નથી. અધૂરાં સપનાં, સતત સળવળતી અપેક્ષા, પાયા વગરની સરખામણી, ઈર્ષ્યાની મલ્ટીપલ ચાવી ભરીને બાળકને સતત દોડાવ્યે ના રખાય. બાળકને લાઈમલાઈટમાં લાવવાની લાલચે એ પોતાનું તેજ ગુમાવી બેસે એ શા કામનું?

ગ્લેમરનો જમાનો છે. બે રૂપિયાની ચોકલેટ જે બાળકોની મિલકત હતી એને પણ કેમ વધુ ઉત્તેજક બનાવી શકાય એના પ્રયત્નો થતા રહે છે. મીડિયા, જમાનો, ઈન્ટરનેટ, ઈઝી અવેલેબલ માહિતી - આ દરેક પાસાં વાસ્તવિકતા છે અને તેને કંઈ રાતોરાત બદલી નહીં શકાય. જે કંઈ શક્યતા છે એ પહેલાં આપણા પોતાનામાં અને બીજી આપણા ઘરમાં છે. આપણે બાળકને તાલીમ આપવી છે કે ઉછેર કરવો છે એનો મૂળભૂત તફાવત સમજવો પડશે. છોકરાં મોટાં કરવાનો અર્થ એ નહીં કે એને રાતોરાત કેમિકલ કે ખાતર નાખીને મોટા કરી દેવા. અધૂરા મહિને જન્મીને ઈન્ક્યુબેટરને સહારે જીવન શરૂ કરતા નવજાત શિશુ જેવી જ હાલત કાચી ઉંમરે પાકટ બનાવી દેતા બાળકોની હોય છે - જે પોતાની જાતને જુવાન ગણાવી નથી શકતા અને બાળપણ, ભોળપણ જેવા લાભ એમની પાસે રહ્યા નથી.

સ્પર્ધા, દોડ આગળ વધવાની અને વધારવાની ઈચ્છાનું કે તમન્નાનું કમનસીબે કોઈ માપ નથી હોતું. જ્યાં સુધી ક્ષમતા અને સંજોગો સાથ આપે ત્યાં સુધી ઠીક છે, પણ જ્યારે ટચલી આંગળી એ અપેક્ષાઓનો ગોવર્ધન ઊંંચકવાની વાત આવે છે ત્યારે પેલા બાળ-ગોપાળ બિચારા વાંકા વળી જાય છે. સતત અને કાયમ ઉત્તમ મેળવવાની ઝંખના હજી પણ સ્વીકૃત છે, પરંતુ એ જ્યારે જીદ બની જાય છે ત્યારે માણસમાં રહેલી નબળાઈ અકળાઈને ચીસો પાડીને બોલે છે. અને જ્યારે આ જ સમીકરણ બાળક પર લાદવામાં આવે છે ત્યારે એ દોડમાં આખેઆખી ઉંમરના ગોઠણ છોલાઈ જાય છે, એક આખેઆખા સમયની ભ્રુણ હત્યા થાય છે અને ક્યારેક નિર્દોષ પ્રશ્નો, કુતૂહલવૃત્તિનું કરૂણ મોત થાય છે.

લગ્ન સંબંધ માટે પુખ્ત ઉંમર, વાહન ચલાવવા માટેની ઉંમર, વોટ આપવા માટેની ઉંમર બંધારણ અને કાયદામાં નક્કી કરવામાં આવી છે. એનું કારણ શારીરિક અને ભાવનાત્મક વિકાસના તબક્કા અને વ્યાખ્યાયિત પગથિયાં છે. બાળપણ, કિશોરાવસ્થા, જુવાની આ દરેક તબક્કા સાથે શરીર અને વર્તનનું વિજ્જ્ઞાન જોડાયેલું છે. તો શા માટે એકસાથે પાંચ પગથિયાં ચડીને નહીં, પણ કૂદકો મારીને ઉપર ચડવાની ઉતાવળ કરવી જોઈએ? શક્ય છે કે આવનારી પેઢી બાળપણનો ખરો અર્થ ભૂલી જશે અથવા જૂની કિતાબમાં વાંચીને પોતાનું બાળપણ શોધવા નીકળશે. જેને ખરી ઉંમરે બાળક થવા નથી મળી શકતું એ પુખ્ત ઉંમરે બાલિશ વર્તન તરફ જાય છે. ટૂંકમાં કહીએ તો ઉંમર ઉંમરની બલિહારી છે ભાઈ! બોર્નવીટા પીવાની ઉંમરે બિયર ના પીવાય. જ્યાં અને જ્યારે સાહજિક રીતે જે વર્તન થાય છે એમાં જે-તે બાળકની અને વ્યક્તિની સમજ ઉમેરાય તે જરૂરી છે. મનોરોગ બાળપણમાં થાય તો મા-બાપ તરીકે કે સમાજ તરીકે આપણે ઘરની સૌથી છીછરી રકાબીમાં પાણી લઈને ડૂબવાનો પ્રયત્ન કરવો જોઈએ. ટેન્શન, તાણ, હાઈ બ્લડપ્રેશર, ડિપ્રેશન જેવા રોગનાં નામ બાળપણથી કોસો દૂર રહેતા, એને બદલે દિવસે-દિવસે ધસમસતા પીછો કરી રહ્યા છે. એને સામે ચાલીને વળગવા જવું કે શક્ય એટલા દૂર રાખવા આપણા જ હાથમાં છે.

ઈં મનોગ્રાફ

અમારૂં બાળપણ ખોવાયું છે...

એણે મેઘધનુષી રંગનાં કપડાં પહેર્યાં છે, એની આંખમાં અચરજ છે, એને લાગણીની ભાષા આવડે છે, સ્વભાવે સાવ નિખાલસ, હસતું-રમતું છે, એના એક હાથમાં એક રીસાયેલી ઢીંગલી છે અને બીજા હાથમાં અર્ધી ખાધેલી ચોકલેટ છે.

કોઈને મળે તો કહેજો કે, હવે ક્યારેય એને દંભ અને આડંબરના કપડાં નહિ પહેરાવું, ક્યારેય એની પાસે ખોટ્ટું નહીં બોલાવું, એને પરીક્ષા અને સ્પર્ધાના નામે રોજ નહીં દોડાવું... ખૂબ વ્હાલથી, જીવની જેમ જાળવીને રાખીશ. એને શોધીને લાવી આપનારને રોજ સાંજે સંતાકૂકડી, આઈસ-પાઈસ રમાડીશું...

મેઘા જોશી