ભક્ત કે ભાગીદાર - 3 Viral Chauhan Aarzu દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભક્ત કે ભાગીદાર - 3

પહેલા બે અંકમાં તમે વાંચ્યું કે ગોપાલ મંદિર બહાર ગાયને ઘાસ ખવડાવીને પોતાનું ઘર ચલાવે છે. દુકાળમાં અધિક માસ આવે તેમ સુધરાઇએ વાવેલો છોડ ગાય ખાય જાય છે. જેથી તેનું પેટિયું રળવાનું સાધન પણ હાથ માંથી છટકી જાય છે. અંતે હારીને એ જ મંદિરમાં ભિખારીઓની પંગતમાં બેસી જાય છે જેથી પોતાની લાડકવાઈ પુત્રી લક્ષ્મીને કઈ ખવડાવી શકે.

આજે કાશીબહેન પણ સુનમુન બેઠા હતા તેમનો નાસ્તો ખલાસ થઇ ગયો હતો અને જતા જતા બે પડીકા ગોપાલના હાથમાં થમાવી દીધા અને ગોપાલ આશ્ચર્યથી જોઈ રહ્યો. ગોપાલને ગળે ડૂમો ભરાઈ ગયો. ધન્ય છે આ બાઈને કાશીબહેને કીધું લઇ લે તારી માટે નહિ તો લક્ષ્મી માટે. ગોપાલે તરત જ એક પડીકું ખોલીને ભિખારીઓમાં વહેંચી દીધું. કદાચ અત્યારે તો ભગવાન પણ હરખાઈ ગયા હશે!!!!! પૂજારી આ નજારો જોઈને ખુશ થઇ ગયા કાશી બહેને આ તો કલ્પ્યું જ નહોતું. સાત દિવસ સુધી ગોપાલ ભિખારીની બાજુમાં બેસી રહ્યો અને ઉધારમાં કાશીબહેન પાસેથી નાસ્તો લેતો રહ્યો. તેને આ બધું ખૂંચતું હતું. મૂંગે મોઢે ભગવાનને ફરિયાદ કરતો અને પ્રાર્થના પણ કરતો . ગાયનો કિસ્સો પત્નીને કર્યો જ નહોતો નાહકની તેને ચિંતામાં નાખવી . આવતા જતા ભક્તો પણ પૂછતાં કે તારી ગાય ક્યાં છે અમારે ઘાસ ખવડાવવું છે ગોપાલે બહાનું કાઢ્યું ગાયની તબિયત ઠીક નથી ગમાણનો શેઠ તેને ખીલે બાંધીને જ ઘાસ નીરે છે. હવે તે નહિ આવે.

એક દિવસ કાશીબહેન એક ધનિક વ્યક્તિને મંદિરમાં લઇ આવ્યા. દર્શન કર્યા પછી કાશીબેહેને ઈશારો કરીને ગોપાલને બોલાવ્યો તે ભિખારીઓની પંગતમાંથી ઉઠ્યો અને બાંકડા પર બેસ્યો કાશીબહેને વાત ચાલુ કરી, આ શેઠને ત્યાં કામ કરીશ ? ઘર સંભાળવાનું છે, એમ તો કામવાળી છે પણ તેને મદદ કરવી, નાની મોટી વસ્તુ ખરીદી આવવી એવું કામ હશે. એકલી કામવાળી આ કામ નથી કરી શકતી બધે પહોંચી શકતી નથી, માટે એક માણસની જરૂર છે.” ગોપાલના મોં પર ચમક આવી ગઈ. કઈ પણ વિચાર્યા વગર હા પડી દીધી. શેઠને કાશીબહેને ગાયના કિસ્સાની વાત કહી રાખી હતી એટલે શેઠે તેને કામ માટે હા પડી એટલે સો રૂપિયા હાથમાં પકડાવી દીધા. ગોપાલ તે જોઈને અંદરથી ઉછળી પડ્યો. કાલથી કામે લાગવાનું હતું આજે એ ખુશી ખુશી ભગવાનને પગે લાગ્યો. પુજારીજી પણ પ્રેમની તેને જોઈ રહ્યા. ગોપાલે વીસ રૂપિયાની નોટ દક્ષિણા પેટીમાં નાખી અને કહ્યું, “ પ્રભુ આ તમારી કૃપાની તમને ભેટ છે. આજથી દર મહિને હું તમને આવીને ચડાવો ચડાવીશ, હવે મારા કપરા દિવસો પુરા થયા હું ખુબ ખંતથી કામ કરીશ અને તમને ક્યારેય નહિ ભૂલું. તમે હાજર હજુર છો અને મારી પ્રાર્થના તમે પુરી કરી છે.”

ગોપાલ ત્રણ બેડરૂમ હોલ કિચનના ફ્લેટમાં બહુ જ ખંત થી કામ કરતો. સમયસર પહોંચી જતો. વિનયથી વર્તતો. પૈસાની લેવડ દેવડમાં પણ સાફ હતો, હવે તો કામવાળી તેને ઘરમાં વધેલી રસોઈ પણ ગોપાલને આપી દેતી, જેથી લક્ષ્મીને તો બારે મહિના દિવાળી હતી મીરાંએ હવે કચરો વીણવાનું કામ છોડી દીધું હતું અને તે પણ ગોપાલ ની સાથે આ ઘરમાં જ કામ કરવા આવી ગઈ. બે વર્ષમાં તો તેમનું જાણે ભાગ્ય બદલાઈ ગયું એટલા વ્યસ્ત જીવનમાં પણ ગોપાલ ક્યારેય મંદિર જવાનું ના ચૂકતો દર મહિને ભગવાનને ચડાવો ચડાવતો જ, અને કામસર આવતા જતા જયારે પણ મંદિર આવતું દર્શને ચોક્કસ જઈ આવતો પણ કાશીબહેન સાથે મુલાકાત બહુ ઓછી થતી કારણ કે તેઓ તો ફક્ત સવારના જ બેસતા હતા ને.

હવે લક્ષ્મી પાંચ વર્ષની થઇ હતી અને ગોપાલે તેના શેઠની મદદથી સારી શાળામાં ભરતી કરાવી, એ દિવસ ગોપાલ માટે સોનાનો હતો. પોતાની દીકરી હવે શાળાએ જશે વિચારથી જ તે ઝૂમી ઉઠ્યો. મંદિર જઈ પ્રભુને પગે પડી ગયો. સારું થયું ભગવાન કે અમારી ગરીબી તે પહેલા આપી, જુઓ અત્યારે જયારે મારી લક્ષ્મી ભણવાની ઉંમરની થઇ છે ત્યારે તો મારી પાસે સગવડ થઇ છે!!! જો અત્યારે પણ હું પહેલાની જેમ રઝળતો હોત તો શું ભવિષ્ય હોત મારી દીકરીનું!!! ભગવાન તારી લીલા અપરંપાર છે કહેતા આજે તેને સો રૂપિયા ચડાવ્યા અને પોતાને કામે વળગ્યો. ગોપાલની સમજદારી, ચાતુર્ય, ધગશ જોઈને શેઠે તેને બિઝનેસમાં લઇ લીધો .હવે તે ઓફિસમાં ચા પાણીની સગવડ કરતો, ટેબલ ખુરશી સાફ કરતો, શેઠને મિટિંગ માટે રિમાઇન્ડર આપતો. ધીરે ધીરે ફાઇલિંગ કરતા શીખી ગયો. ફોન પર જવાબ પણ આપતો. કઈ કામ ના હોય ત્યારે કમ્પ્યુટર શીખતો. હવે તો ગોપાલના માટે દરેક દિવસ સોનાનો ઉગતો. ધીરે ધીરે ઓફિસ ના કામમાં એટલો પારંગત થઇ ગયો કે શેઠનો જમણો હાથ બની ગયો . શેઠની મુલાકાત માટે લોકો ગોપાલ નો સંપર્ક સાધતા, અને ગોપાલ ખુબ જ વ્યસ્ત રહેતો ગોપાલ કહે એ પ્રમાણે શેઠ દિવસની દરેક ક્રિયા કરતા. ગોપાલ હુકુમ કરે કે શેઠજી આજે આટલા વાગ્યા ફલાણા સાથે મિટિંગ છે એટલે હાથમાં ધાર્યા કામ મૂકીને મિટિંગમાં જવું પડે, શેઠજીને ગોપાલની કામ કરવાની પદ્ધતિ ખુબ જ ગમી હતી, જેથી તે પોતાના સમયનો પૂરો ઉપયોગ કરી શકતા હતા . મહત્વમાં કામ માટે તે પૂરતો સમય આપી શકતા હતા, એટલે ગોપાલ કહે એ જ તેમને કરવાનું હતું. આ બધી વ્યસ્તતામાં ગોપાલ મંદિર જવાનું ચુક્યો સદંતર ચુક્યો પહેલા તો પત્ની અને દીકરી દ્વારા ચડાવો ચડાવતો રહેતો. હવે સમય મળે ત્યારે તેની નીચે કામ કરવા વાળા દ્વારા ચડાવો ચડાવતો રહેતો અને શેઠનો સમય સાચવતા સાચવતા એ પોતાને પણ સાચવવાનું ભૂલી ગયો. એમાં ભગવાનને આપેલું વચન એ ભૂલી જ ગયો. હવે તે ફક્ત તેટલું જ ધ્યાન રાખતો કે દર મહિને સો રૂપિયા એ મંદિરની દક્ષિણા પેટીમાં જાય

એક દિવસ શેઠની ઓફિસમાં મિટિંગ ચાલુ હતી શેઠજી મિટિંગમાં હતા અને સુધરાઈના અધિકારી આવ્યા. હંમેશની જેમ જ ગોપાલે જ તે માણસો સાથે વાતચીત ચાલુ કરી. સુધરાઈના અધિકારીએ કહ્યું, નિયમ પ્રમાણે તેમના ધંધા કરવાનું લાયસન્સની અવધિ સમાપ્ત થઇ ગઈ હતી જેને ઘણો જ સમય થઇ ગયો હતો હવે તાત્કાલિક ધોરણે નવું બનાવાનું હતું, નસીબની બલિહારી કે જે મહત્વના ઓર્ડર માટે શેઠજી મિટિંગમાં હતા તે લાયસન્સના અભાવે રદ્દ થાય શકે તેમ હતું. હવે શું કરવું ? ગોપાલ ગૂંચવાઈ ગયો બધા કામ ચોકસાઈથી કરતો હતો લાયસન્સ ભૂલી જ કેમ ગયો ? હવે નવા લાયસન્સ માટે નક્કી કરેલી અવધિ પાર પાડવી પડે તેમ હતું, જયારે નવો ઓર્ડર ફાઇનલ કરવા માટે બસ એક બે કલાકની જ વાર હતી. ગોપાલે તરત જ નિર્ણય લઇ લીધો અને અધિકારીને લાગવગ લાગવાની પેરવીમાં પૈસા ખવડાવવાની જોગવાઈ કરી. પેલો અધિકારી પાછો પાક્કો વતની નીકળ્યો અને ચોખ્ખી ના પડી દીધી અને પૈસા ખવડાવવાના ગુના બદ્દલ શેઠજીની પેઢીને તાળું લાગી ગયું. આ બધામાં મહત્વનો મહામૂલો ઓર્ડર તો હાથમાંથી ગયો જ પણ તાળું લાગવાથી પેઠીની શાખને બટ્ટો લાગી ગયો ગોપાલની હાલત કથળી ગઈ ગુસ્સામાં અને નાલેશીથી શેઠજીએ ગોપાલને કામમાંથી કાઢી નાખ્યો. વર્ષો પછી આજે ગોપાલ ફરી રસ્તા પર આવીને ઉભો રહી ગયો શું કરવું ક્યાં જવું એ પ્રશ્ન તેની સામે આવીને ઉભો રહી ગયો

( ક્રમશ)