શિવતત્ત્વ
ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર
સંજય ઠાકર
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
૧૪. ત્રિપુરારિ શિવ
દૈત્યરાજ તારકાસુરના ત્રણ પુત્રો તારકાક્ષ, કમલાક્ષ અને વિદ્યુન્માલીને ત્રિપુરાસુરના નામથી ઓળખવામાં આવે છે. આ ત્રણેય તારકાસુર પુત્રોએ તેમના પિતાને શિવપુત્ર કાર્તિકેય વિરૂદ્ધની લડાઈમાં સાથ આપ્યો ન હતો. ત્રણેય અસુરોએ શિવભક્તિ કરી શિવને પ્રસન્ન કર્યા હતા અને ભગવાન શિવ પાસેથી એવા ત્રણ પુરો (નગર)ની માગણી કરી હતી કે જેને કોઈ ભેદી ન શકે અને તેનો વિનાશ ન કરી શકે.
શિવે ત્રિપુરાસુરો માટે એક સુવર્ણનું એક રજતનું અને એક લોહનું એમ ત્રણ અભેદ્ય નગરો રચ્યાં, પરંતુ વરદાન આપતા સાથે શિવે એક શરત રાખી કે તમે જ્યાં સુધી ધર્મના માર્ગે ચાલશો ત્યાં સુધી તમારાં પુરો સુરક્ષિત રહેશે અને જ્યારે તમે અધર્મ પથ અપનાવશો ત્યારે તમારાં પુરોનો વિનાશ થશે. ત્રિપુરાસુરોએ કહ્યું કે પ્રભુ, અમે ત્રણ છીએ અને ત્રણમાંથી કોઈ એકની મતિ ભ્રષ્ટ થાય અને તેના પરિણામે અમારા ત્રણેયનો વિનાશ થાય તે યોગ્ય નથી. જેથી આપ શરતમાં અમને થોડું રક્ષણ આપો. ત્રિપુરાસુરોની વિનંતીથી ભગવાન શિવે કહ્યું તમારા ત્રણમાંથી કોઈ એક કે બે પથભ્રષ્ટ થાય અને તેનો વિનાશ થાય ત્યારે બાકીના પુરની શક્તિથી ફરી તમે ત્રીજાપુરનું નિર્માણ કરી શકશો, પરંતુ જ્યારે તમે ત્રણે ધર્મભ્રષ્ટ થઈને સમરેખ બનશો ત્યારે તમને જે એકસાથે ભેદી શકે તેના હાથે તમારો વિનાશ અવશ્ય થશે.
શિવના વરદાન સાથે ત્રણે અસુરો શિવભક્તિ કરતા રહીને સુખેથી ત્રિપુરમાં વસતા હતા. આ સમયે દેવતાઓ સામેના યુદ્ધમાં તેમના પિતા તારકાસુરનું કાર્તિકેયના હાથે મૃત્યુ થયું. જેથી તારકાસુરના પિતા અને ત્રિપુરાસુરોના પ્રપિતામહ એવા દૈત્યરાજ વજ્રાંગે તારકાસુરના મોતનો બદલો લેવા ત્રિપુરાસુરોની પાસે માગણી કરી પરંતુ શિવભક્તિમાં સુખે જીવતા ત્રણેય અસુરોએ શિવ અને શિવપુત્ર વિરુદ્ધ પ્રતિશોધ લેવા ઈન્કાર કરી દીધો. વજ્રાંગની માગણી નિષ્ફળ નીવડતાં વજ્રાંગે ષડ્યંત્ર રચ્યું અને પોતાના અસુરોને દેવતા વેશે મોકલી ત્રિપુરાસુરોની શિવભક્તિમાં બાધા અને અડચણો ઊભી કરવા કહ્યું. અસુરો દેવતા વેશે ત્રિપુરોને પરેશાન કરવા લાગ્યા. પોતાની શિવભક્તિમાં દેવતાઓ મારફતે વિરોધ થતો જોઈને ત્રણે દૈત્યોની ક્રોધવૃત્તિ પ્રબળ બની. તેમણે સત્યની શોધ કરવાને બદલે દેવતાઓને પોતાના વિરોધી માની હેરાન-પરેશાન કરવા નક્કી કર્યું. જેથી દેવતાઓનાં પૂજાપાઠ અને યજ્ઞો બંધ કરાવવા લાગ્યા.
બીજી તરફ ત્રિપુરાસુરને પોતાના ષડ્યંત્રમાં ફસાવી પોતાનો પ્રતિશોધ પૂરો કરવા માગતા વજ્રાંગની ઉશ્કેરણીથી તેમની બુદ્ધિ ભ્રષ્ટ થતી ગઈ અને ક્રોધવૃત્તિ પ્રબળ બનતી ગઈ. આખર પ્રબળ બનેલી ક્રોધવૃત્તિથી તેઓ શિવભક્તિના પથથી ધર્મભ્રષ્ટ થઈ અધર્મના માર્ગનું અનુસરણ કરવા લાગ્યા. ત્રિપુરાસુરોના અધર્મ અને અત્યાચારથી દેવતાઓ સહિત તમામ લોકો પરેશાન થઈ ગયા.
ત્રિપુરાસુરોના હાથે ફેલાઈ રહેલો અત્યાચાર અટકાવવા બ્રહ્મા અને નારાયણ સહિત તમામ દેવતાઓએ શિવને વિનંતી કરી. અધર્મ અને અત્યાચાર રોકીને ધર્મની સ્થાપના કરવા ઈચ્છતા ભગવાન શિવે પોતાના વરદાનની મર્યાદાને લાંઘી જનારા ત્રિપુરાસુરોનો વિનાશ કરવા ઈચ્છ્યું. હવે શિવ અને ત્રિપુરાસુરો વચ્ચે યુદ્ધ નિશ્ચિત બન્યું. યુદ્ધ સમગ્ર જગતના કલ્યાણ માટેનું હોવાથી દરેક દેવતાઓએ ભગવાન શિવના સહાયક બનવા માગણી કરી. જેને શિવે સહર્ષ સ્વીકારતાં યુદ્ધ માટે પૃથ્વીદેવી શિવનો રથ, બ્રહ્મા સારથિ, સૂર્ય અને ચંદ્ર તે રથનાં ચક્રો, ચાર વેદો તેના અશ્વો, પર્વતરાજ હિમાવન શિવનું ધનુષ્ય, નાગરાજ વાસુકી તેની પ્રત્યંચા, સ્વયં નારાયણ શિવનું અમોઘ બાણ, અગ્નિદેવ તેનું તેજ, વાયુદેવ બાણનો વેગ બન્યાં.તેમજ વિવિધ દેવતાઓ તે રથના છત્ર, ધજા, કીલ વગેરે થઈને શિવ સાથે ત્રિપુર સામેના યુદ્ધમાં જોડાઈ ગયા.
શિવને પોતાના વિનાશ માટે આવતા જાણીને ત્રિપુરો ગભરાઈ ગયા. તેમણે પરસ્પર સમજૂતી કરીને નક્કી કર્યું કે હવે આપણી પાસે ધર્મની શક્તિ તો રહી નથી જેથી આપણે એકસાથે શિવબાણથી વીંધાઈએ તે રીતે સમ રેખા આવવું જ નહીં. જેથી ત્રિપુરાસુરો પોતાના પુરને અલગ-અલગ દિશામાં દોડાવવા લાગ્યાં અને સમરેખ ન બનવાનો છેલ્લો મરણિયો પ્રયાસ કરવા લાગ્યા, પરંતુ આખર તમામ રેખાઓ શિવેચ્છાએ જ રચાતી હોઈ, ત્રિપુરાસુરોના લાખ પ્રયાસો છતાં ત્રણે પુરો બ્રહ્માંડમાં સમરેખ થયાં. બરાબર એ જ સમયે શિવે પોતાનું નારાયણ રૂપી અમોઘ બાણ ચલાવીને કમલાક્ષનું સુવર્ણપુર, વિદ્યુન્માલીનું રજતપુર અને તારકાક્ષનું લોહપુર એમ ત્રણે ત્રિપુરને એક જ બાણે વીંધી નાખ્યાં. ત્રિપુરનો વિનાશ થયો. સમગ્ર જગતે ત્રિપુરાસુરોના અત્યાચારથી છુટકારો મેળવ્યો અને ત્રિપુરારિ ભગવાન શિવનો જય જયકાર કર્યો.
પુરાણકારોની આ કથા અદ્ભુત રહસ્યબોધથી ભરેલી છે. જેમાં સત્ત્વ, રજસ અને તમસ જેવા ત્રણે ગુણોની વિષદ ચર્ચા થયેલી છે. ત્રિપુરની કથા ત્રણે ગુણોથી પાર રહેલા શિવનું ત્રિગુણો ઉપરનું આધિપત્ય સિદ્ધ કરે છે. ભગવાન મહાદેવ ત્રિગુણોના દાતા છે, પાલક છે અને વિનાશક પણ છે. તેમ છતાં સ્વયં ત્રણે ગુણોથી પાર રહેલા છે. ત્રિપુરાસુરોનાં ત્રણ પુરોમાં સુવર્ણપુર સત્ત્વગુણનું, રજતપુર રજોગુણનું અને લોહપુર તમોગુણનું પ્રતીક છે.
માણસને શિવકૃપાએ જ આ ત્રણ ગુણોવાળું શરીર મળ્યું છે. કોઈ વ્યક્તિ પોતાના પ્રયત્નોથી એ પોતાની જાતે જન્મ નથી લઈ શકતો. ત્રણ ગુણવાળું શરીર એ જ ત્રિપુર છે. પ્રત્યેક વ્યક્તિ પોતપોતાના ધર્મમાર્ગે આ ત્રિપુરમાં સુખેથી રહી શકે છે પરંતુ અધર્મપથ ઉપર ચાલીને ઉપદ્રવ કરનારાઓ તેના ત્રિપુરને સુરક્ષિત નથી રાખી શકતા. શિવે આપેલા આશીર્વાદ પ્રમાણે એક કે બે ગુણ ભ્રષ્ટ થાય તો એક ગુણની ધર્મરક્ષાથી બાકીના ગુણો પુનર્જીવિત થઈ ફરી સુરક્ષિત બની શકે, પરંતુ ત્રણે ગુણો ભ્રષ્ટ થાય ત્યારે તેનો વિનાશ થાય છે. આયુર્વેદ પણ કહે છે કે વાત, પિત્ત અને કફ એ ત્રણ દોષો પૈકી એક કે બે દોષ બગડે છે ત્યાં સુધી તે સાધ્ય અને યાપ્ય છે, પરંતુ ત્રણે દોષ બગડીને સન્નિપાત થાય ત્યારે વિનાશ જ શેષ રહે છે.
સાંખ્યવેત્તાઓ કહે છે કે સત્ત્વ, રજસ અને તમસ રૂપ ત્રણ ગુણો વ્યક્તિને દેહને બાંધે છે અને આ બંધન સાથે વ્યક્તિ દેહરૂપી ત્રિપુરમાં નિવાસ કરે છે. જ્યાં સુધી ત્રણ ગુણો પોતપોતાના ધર્મમાં યથાયોગ્ય રીતે ચાલતા રહે છે ત્યાં સુધી શિવના આશીર્વાદ સાથે તે ત્રિપુરમાં સુરક્ષિત છે, પરંતુ ધર્મભ્રષ્ટ થાય ત્યારે તે વિનાશ પામે છે તેથી જ આપણે ત્યાં ‘‘ધર્મો રક્ષતિ રક્ષિતાઃ’’નાં સૂત્રો ગુંજતાં હતાં. સત્ત્વ, રજસ અને તમસથી અનુક્રમ લોભ, કામ અને મોહની ઉત્પત્તિ થાય છે. લોભ, કામ અને મોહ વિનાશક છે છતાં તે પણ જ્યાં સુધી ધર્માશ્રયે રહી આત્મરત હોય છે ત્યાં સુધી વિનાશ નથી કરતાં.
સંસારધર્મનું પાલન કરતી દરેક વ્યક્તિ નાની-મોટી વસ્તુઓનો પરિગ્રહ કરે છે. વસ્તુઓ એકઠી કરે છે અને તે નિમિત્તે તેમને પોતાની એકઠી કરેલી વસ્તુઓ અને સંપત્તિમાં લોભ હોય છે. તે રીતે ધર્મવિવાહથી બંધાતા લગ્નસંબંધમાં કામ રહેલો છે અને જીવનના પ્રાકૃતિક અજ્ઞાનમાં જીવન જીવવાનો મોહ સમાયેલો છે. આ રીતે સત્ત્વ, રજસ અને તમસ તેના ઉપગુણો સમાન લોભ, કામ અને મોહ પણ ધર્મનો આશ્રય કરીને સુરક્ષિત રહી શકે છે, પરંતુ ધર્માશ્રય વિખાયા પછી તેઓ વિનાશિત થાય છે.
પુરાણ કથાએ ત્રિપુરાસુરને એક જ પિતાના સંતાન ગણાવ્યાં છે. તે અર્થમાં સત્ત્વ, રજસ અને તમસ પણ પરસ્પર સગા ભાઈઓ જેમ વર્તે છે. ત્રણે ગુણો પોતપોતાના ધર્મમાં રહે ત્યાં સુધી જીવન સમતુલનમાં ચાલે છે. સત્ત્વગુણનો ધર્મ છે પ્રકાશ પાથરવો, જ્ઞાન ઉપજાવવું અને સુખ આપવું, રજોગુણનો ધર્મ છે તૃષ્ણા અને કર્મની સ્પૃહા ઉપજાવવી અને કર્મનો સંગ કરાવવો. જ્યારે તમોગુણનો ધર્મ છે અજ્ઞાન અને મોહ ઉપજાવીને વ્યક્તિને પ્રમાદ, આળસ અને નિંદ્રામાં બાંધવો. જો ત્રણે ગુણો શિવરૂપી અંતરાત્માનો દ્વેષ કર્યા વગર ભક્તિભાવે પોતપોતાના ધર્માનુસાર ચાલતા રહે તો વ્યક્તિ સુખમય સુરક્ષિત જીવન જીવે છે.
પરંતુ કથા એવી છે કે ત્રણે અસુરપુત્રો ધર્મપાલન સાથે શિવભક્તિ કરતાં-કરતાં સુખમય જીવન વિતાવવા હતા. તેવામાં તેમના પ્રપિતામહ એવા દૈત્યરાજ વજ્રાંગે તેમને ષડ્યંત્ર રચીને ઉકસાવ્યા અને અધર્મમાં પ્રેર્યા. વજ્રાંગ નકારાત્મક અહંકારનું પ્રતીક છે. જે નકારાત્મક્તાને પોષે છે. પ્રત્યેક વ્યક્તિમાં રહેલો નેગેટિવ અહંકાર વ્યક્તિને શિવથી વિમૂખ બનાવે છે અને અધર્મમાં પ્રેરે છે. નેગેટિવ અહંકાર વિનાશની પૂર્વ ભૂમિકા રચે છે. આખર જે પૃથ્વી તત્ત્વથી ત્રિપુરોનું પોષણ થતું હતું તે જ શિવનો રથ બને છે, સૂર્ય અને ચંદ્ર રૂપી દિવસરાત તે રથનાં ચક્રો, વેદરૂપી સનાતન સત્યનું જ્ઞાન તે રથના અશ્વો અને તે રથનાં ચાલક જગત રચિતા સ્વયં બ્રહ્મા બનીને ત્રિપુરોનો પીછો કરે છે. હિમાલય જેવી અડગતા જેનું ધનુષ્ય છે અને જેમાં નાગરાજ વાસુકિ રૂપી પ્રત્યંચા ચડાવીને સ્વયં નારાયણ જેનું અમોઘ બાણ છે તેવા ભગવાન શિવ ત્રિપુરારિ બનીને ત્રિપુરોનાં સમરેખ બનતાની સાથે એક જ બાણે ત્રિપુરનો વિનાશ કરે છે.