ભદ્રંભદ્ર - પ્રકરણ - 13 Ramanbhai Neelkanth દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

  • સંઘર્ષ જિંદગીનો

                સંઘર્ષ જિંદગીનો        પાત્ર અજય, અમિત, અર્ચના,...

શ્રેણી
શેયર કરો

ભદ્રંભદ્ર - પ્રકરણ - 13

ભદ્રંભદ્ર

રમણભાઈ મ. નીલકંઠ

૧૩. જામીન પર–વિધવાવિવાહ

કોર્ટ બહાર આવી કેટલેક દૂર જઈ ભદ્રંભદ્રે પોતાના મિત્રને ભાષણ કરવા એકઠા કર્યા. જોવા આવેલા લોકો પણ એકઠા થયા. સર્વ પર દષ્ટિ ફેરવી જઈ ભદ્રંભદ્ર બોલ્યા:

'આર્યો, હું તમને સર્વને ઓળખતો નથી પણ તમે સર્વ મને ઓળખો છો એમાં સંશય નથી. કેમકે, હું ધર્મવીર થયો છું એ વાત જગત્ પ્રસિદ્ધ છે. પ્રલયકાળે જેમ માછીઓ ઠેર ઠેર દેખાય તેમ સુધારાના ઉત્પાત સમયે, મારા ગુણ સ્થળે સ્થળે પ્રગટ થયા છે. મારા ધર્મવીરત્વનો પ્રકાશ થતો જોઈ સુધારાવાળા પોતાના યત્નને જ નિંદવા લાગ્યા છે. સુધારાવાળાઓએ જ મને આપત્તિમાં આણવાનો આ પ્રયત્ન કર્યો છે.'

વાઘરી, ભંગિયા અને મુસલમાન લોકોનો વિશેષ જમાવ થવા લાગ્યો અને તે જોઈ ભદ્રંભદ્રની વક્તૃત્વશક્તિનો ઉલ્લાસ થવા લાગ્યો. ખભા ઊંચા કરતા અને ખોંખારા કરતા તે મ્હોટે ઘાંટે બોલ્યા :

'મારી આ આપત્તિને ઉત્પન્ન કરનારું સુધારાવાળાનું કાવતરું શોધી કાઢવું કઠણ નથી. સર્વને વિદિત છે કે સુધારાવાળાઓ આ દેશની જીવતી અને મરી ગયેલી સર્વ વિધવાઓનું પુનર્લગ્ન કરાવવા ભારે પ્રયત્ન કરે છે. એકેએક વિધવાને જોરજુલમથી પરણાવી દેવાનો કાયદો કરવાનું તેઓ સરકારને કહે છે અને તે માટે જ વસ્તીપત્રકો થાય છે અને મરણની નોંધ લેવાય છે કે કેટલી જીવતી અને મરી ગયેલી વિધવાઓ માટે વર જોઈશે તે નક્કી કરી શકાય. આ દેશને સુભાગ્યે હજી લોકોમાં એટલું આર્યત્વ રહેલું છે કે વરની સંખ્યા આ સર્વ માટે જોઈએ તેટલી મળી નથી. પાશ્ચાત્ય પ્રજાઓની અનાર્ય વિપરીત વૃત્તિ ગમે તેવી હોય, પણ આર્યપ્રજામાં તો મૃત વિધવાઓ સાથે લગ્ન કરવાને કોઈ તૈયાર થતું નથી. તેથી જ દીર્ઘદૃષ્ટિ વાપરીને આપણા ડાહ્યા પૂર્વજોએ આજ્ઞા કરી છે કે વિધવાઓના કેશનું મુંડન કરવું, વિધવાઓને અપશુકનવાળી ગણવી, શાપિત ગણવી, તેમને તિરસ્કારપાત્ર માનવી, આહાર ઓછો કરી તેમને કૃશાંગ કરવી, વિરક્ત વૃત્તિનું સર્વ કામ તેમની પાસે કરાવવું, એટલે રિબાઈને અને ક્ષીણ થઈને તેઓ વહેલી મરણ પામે કે તે સુધારાવાળાના અનાર્ય વિચારની પ્રવૃત્તિ થઈ ન શકે. સદૈવ હું વિધવા પુનર્લગ્નના દુષ્ટ પ્રયત્નોની સામો થાઉં છું તેથી મારી જિહ્વાના પ્રભાવે એ પ્રયત્નનો હવે થોડા સમયમાં અંત આવશે; આથી સુધારાવાળાને ભીતિ લાગે છે, તેથી લોકો મને ઘડી ઘડી પીડા કરવાના પ્રયત્ન કરે છે. પણ જેમ યજ્ઞ કરનાર ઋષિઓને ક્ષત્રિયો રાક્ષસોની બાધામાંથી મુક્ત કરે છે તેમ આર્યધર્માર્થ મહાપ્રયાસ કરનાર મારા શરીરને મારા ઉત્સાહી વિચારો, મારાં બંધન ઇત્યાદિની પીડાને સમયે શાંતિ આપે છે. એ પીડા મારા પર દ્વેષ રાખી મૂળમાં સુધારાવાળાઓ ઉત્પન્ન કરે છે એમાં લેશમાત્ર સંશય નથી. જુઓ વિધવાઓના દેહકષ્ટની સાધના સારુ હું ઉપદેશ કરું છું કે, વિધવાઓએ પ્રતિદિન વ્રત પાળવામાં અને ઉપવાસ તથા ફરાળ કરવામાં આયુષ કાઢવું. આથી વ્રતના પુણ્યની હાનિ કરવાના ઉદ્દેશથી સુધારાવાળાઓએ બિલાડબારસના દિવસે બિલાડીઓને પાવાના દૂધમાં પરીક્ષા કરવાને બહાને વિલાયતી કાચની ભૂંગળીઓ બોળી આખા ગામનું દૂધ અપવિત્ર કર્યું. તે દહાડાથી સુધારાનો ચેપ લાગ્યાથી બિલાડીઓએ પ્રાણીઓની હિંસા કરવા માંડી અને તેથી એક બિલાડીએ સુધારાની વૃત્તિથી પ્રેરાઈને વંદાનો ભક્ષ કર્યો. તે પરથી થયેલા ઝઘડા અને તેના આ પરિણામનું મૂળ કારણ આ રીતે સુધારાવાળાઓ છે એ સિદ્ધ થાય છે. પણ, એના પરિણામમાં જ્યારે મારું ક્રોધાવિષ્ટ ધર્મવીરત્વ પ્રગટિત થયેલું પૂર્ણ રીતે વિદિત થશે અને સુધારાનો નાશ થશે ત્યારે સુધારાવાળાઓ પશ્ચાતાપ કરી, સુધારાને પોતાથી છૂટો પડેલો જોઈ પોતાના જ પ્રયત્નને નિંદશે એ હું નિશ્ચયપૂર્વક કહું છું. વિધવાવિવાહનો નાશ કરવો એ મારા જેવા શાસ્ત્રજ્ઞને જરા પણ કઠણ પડવાનું નથી. સુધારાવાળા ગમે તેટલાં શાસ્ત્રનાં પ્રમાણ બતાવે, પણ જ્યાં સુધી મારા જેવા આર્ય તે સ્વીકારે નહિ ત્યાં સુધી સર્વ નિરર્થક છે, કેમકે શાસ્ત્રોમાં શબ્દ એ જ પ્રમાણ છે અને શબ્દ એ શ્રોત્રનો વિષય છે. તો જેમ ચક્ષુ બંધ કરનાર આગળ રૂપ નિરર્થક છે તેમ શ્રોત્ર બંધ કરનાર આગળ શબ્દ નિરર્થક છે અને અમે આર્યો શું એટલી સમજણ વિનાના છીએ કે, અમને અણગમતા શબ્દપ્રમાણ માટે શ્રોત્ર ઉઘાડા રાખીએ ? એ રીતે સુધારાવાળાને પ્રિય તર્કશાસ્ત્ર દ્વારા જ સિદ્ધ થાય છે કે સુધારાવાળાનાં શાસ્ત્રીય પ્રમાણ નિરર્થક છે.'

'વળી આર્યરીતિથી પરીક્ષા કરતાં પણ એ જ પરિણામ આવે છે. સુધારાવાળા કલિયુગમાં પરાશરનું પ્રમાણ ચાલે એમ બતાવે છે, પણ કલિ તે તો આર્યનો કલિ તેમ સમજવાનું છે. પાશ્ચાત્ય માયાયુક્ત સુધારાને દેખીને તો આર્યકલિ દૂર જતો રહે અને તેની જોડે તેના સમયનાં પ્રમાણ પણ જતાં રહે. વળી પારાશરસ્મૃતિનો શ્લોક બતાવવામાં આવે છે, તેનો પદવિગ્રહ તો આ પ્રમાણે છે:

नष्टे अमृते अप्रवजिते अक्लीबे च पतिते अपतौ ।पंचसु आपत्सु नारीणां पति: अन्य अविधीयते ॥

સુધારાવાળાઓ કહે છે કે, આ શ્લોકને આધારે જે સ્ત્રીનો પતિ મૃત થયો હોય તે બીજા પતિ સાથે લગ્ન કરી શકે છે પણ આ શ્લોકમાં તો मृत નહિ પણ अमृत છે એટલે વિધવાની તો વાત જ નથી. नष्ट પહેલા अકાર નથી તેથી કદાચ કહેવામાં આવશે કે પતિ नष्ट થઈ ગયો હોય તો બીજો પતિ કરી શકાય છે; પણ સુધારાવાળાઓએ સ્વીકારેલા પાશ્ચાત્ય પદાર્થવિજ્ઞાન પ્રમાણે તો કશાનો પણ નાશ થતો જ નથી તેથી તેમને नष्ट પતિ અસંભવિત જ છે, એટલે બીજો પતિ કરવાની વાત રહી જ નહિ, વળી पतित આગળ અકાર નથી, તે છતાં પણ પતિ पतित થાય ત્યારે બીજો પતિ થઈ શકતો નથી, કેમકે ક્રિયાપદ अविधीयते છે. કોઈ શંકા કરશે કે પતિ अमृत ઇત્યાદિ થાય તેમાં સ્ત્રીને आपत्ति શું છે ? પણ પ્રથમાર્ધનો છેલ્લો શબ્દ તો अपतौ છે. अपतिનો અર્થ "વાચાવદત્તા"નો પતિ થાય છે એવું ગપાષ્ટક કોશમાં લખેલું છે. હવે દાનથી થયેલો પતિ અમૃત થાય તો સ્ત્રીને કેવી મોટી આપત્તિ થાય ? વિધાત્રીએ કલ્પેલું આયુષ્ય વાગ્દાનથી નિ:સીમ વધે અને મર્ત્યત્વ દૂર થાઅ અને તેમાં વાગ્દત્ત સ્ત્રી નિમિત્તભૂત થાય તો પછી વિધાત્રી તે સ્ત્રી પર કોપે અને પોતાના લેખ એ ન ફેરવતી હોય તોયે ફેરવે અને સ્ત્રીને વિધવા કરે.

નારદસ્મૃતિમાં अष्टो वर्षाण्युपेक्षेत ઇત્યાદિ શ્લોક છે તે પણ પતિ નષ્ટ થઈ ગયો હોય તે માટે છે અને નષ્ટ પતિનો અસંભવ તો સિદ્ધ કરેલો છે. उदीर्यनार्य ઇત્યાદિ શ્રુતિવચનોનાં પ્રમાણ સુધારાવાળા આપે છે અને કહે છે કે શ્રુતિ અને સ્મૃતિનો વિરોધ હોય ત્યાં શ્રુતિનું પ્રમાણ વધારે બળવાન છે. પણ એ અનાદિ કાળથી સિદ્ધ થઈ ચૂકેલું છે. સ્મૃતિઓ થઈ તે પહેલાંનું સિદ્ધ થઈ ચૂકેલું છે કે શ્રુતિના અર્થને સ્મૃતિ અનુસરે છે. શ્રુતિમાં હોય તે જ સ્મૃતિમાં આવી શકે. માટે વિરોધ હોય ત્યાં શ્રુતિ ખોટી ગણવી અને સ્મૃતિ ખરી માનવી.'

'વળી સુધારાવાળાઓ યુક્તિપ્રમાણ લાવે છે અને સુખદુ:ખ, લાભાલાભની તુલના કરી બતાવે છે કે વિધવાવિવાહનો બલાત્કારે નિષેધ કર્યાથી ઘણા અનર્થ થાય છે. હવે પ્રથમ તો જ્યાં શાસ્ત્રનું કે રૂઢિનું અનુસરણ કરવાનું છે ત્યાં સુખદુ:ખ કે લાભાલાભ જોવાનાં છે જ નહિ; સુખ અને લાભની નિરર્થકતા તો આપણા પૂર્વજોએ પ્રથમથી જોઈ મૂકેલી છે. માટે અલાભ થાય કે દુ:ખ પડે તોપણ ચાલતું હોય તે ચાલવા દઈએ તો આપણે કર્તવ્યપરાયણ થઈએ. તેથી, યુક્તિ કે તર્કનું મહત્વ આપણે ગણતા જ નથી. શાસ્ત્રમાં કહ્યું છે તેમ કરવાનું તો અવશ્ય છે તો પછી તેવા આચરણનાં વિષમ પરિણામ દેખાડ્યાનું શું પ્રયોજન છે ? દુરાચાર થાય છે, હત્યાઓ થાય છે, અપકીર્તિ થાય છે, સંતાપ થાય છે, એટલા માટે શું આર્યો શાસ્ત્રનું ઉલ્લંઘન કરશે, રૂઢિ ફેરવશે અને વિધવાઓને પુનર્લગ્ન કરવા દેશે ? સુધારાવાળા જાણતા નથી કે આર્યોની દઢતા તો અનન્ય છે. સુખના સાધનને તો સર્વ પ્રજાઓ આગ્રહથી વળગી રહે છે; પણ મોટાઈ તો આર્યોની જ કે તેઓ દુ:ખના સાધનને આગ્રહથી વળગી રહે છે; વળી પરમાર્થ દષ્ટિથી વિચાર કરીએ તો અનર્થ શો છે ? બાળહત્યા થાય છે તે તો બાળકોના આયુષ્યના ક્ષયનું પરિણામ છે. વિધવાઓનાં પુનર્લગ્નથી શું એવાં બાળકોનાં નિર્મિત આયુષ્ય વધશે ? શું તેમનાં પ્રારબ્ધ બદલાશે ? દુરાચારાદિ માટે પણ એ જ સમજી લેવું. વળી સુધારાવાળા કહે છે કે વિધુર પુરુષો ફરી લગ્ન કરી શકે છે તો વિધવા સ્ત્રીઓ ફરી લગ્ન કેમ ન કરી શકે ? સ્વાભાવિક વિશ્વનિયમનું કેવું અજ્ઞાન ? સ્વાભાવિક વિશ્વનિયમ એવો છે કે એક ગુરુને બે શિષ્ય હોઈ શકે પણ એક શિષ્યને બે ગુરુ હોઈ શકે નહિ. સ્વાભાવિક વિશ્વનિયમ એવો છે કે એક દાતાને બે યાચક હોઈ શકે પણ એક યાચકના બે દાતા હોઈ શકે નહિ. સ્વાભાવિક વિશ્વનિયમ એવો છે કે એક મોચી બે કાલબુટનો ધણી હોઈ શકે પણ એક કાલબુટના બે મોચીઓ ધણી હોઈ શકે નહિ, તે જ પ્રમાણે એક પુરુષને બે સ્ત્રીઓ હોઈ શકે પણ એક સ્ત્રીને બે પુરુષ હોઈ શકે નહિ. તે માટે સ્ત્રી મરી ગયા પછી પુરુષ લગ્ન કરી શકે, પણ પુરુષ મરી ગયા પછી સ્ત્રી ફરી લગ્ન કરી શકે નહિ, કેમકે તે સ્વાભાવિક વિશ્વનિયમની વિરુદ્ધ છે. સ્વાભાવિક વિશ્વનિયમાનુસરણની ઇષ્ટતા તો સિદ્ધ જ છે, કેમકે પાશ્ચાત્યોમાં પણ મનુષ્યેચ્છાનુસાર પ્રયત્ન કે મનુષ્યના અભિપ્રાયને અનિષ્ટ ગણી કેવળ સ્વભાવથી પ્રવર્તતી. વ્યવસ્થાને યોગ્ય ગણનાર કેટલાક માર્ગ છે તે આધારથી આપણો મત સિદ્ધ થાય છે કે વિશ્વસ્વભાવના જે સદૃશ છે તેનું અનુકરણ કરવું એ જ સ્વાભાવિક વિશ્વનિયમાનુસરણ છે. હવે વિશ્વસ્વભાવની સદૃશ ક્રિયા એનો નિર્ણય કરવો એ આપણા હાથમાં છે. માટે આપણને અનુકૂલ હોય તે સર્વ સદૃશ છે એમ સિદ્ધ કરી શકાય છે. વિધવાવિવાહ આપણા મતને અનુકૂલ નથી માટે તે સ્વાભાવિક વિશ્વનિયમથી વિરુદ્ધ છે. ઇતિ સિદ્ધમ્.

'વળી, સ્ત્રી અને પુરુષમાં પ્રકૃતિથી ભિન્નતા છે, તે છતાં પુરુષની પેઠે સ્ત્રી પણ ફરીથી લગ્ન કરે તો પછી સ્ત્રી ને પુરુષમાં ફેર શો ? સ્ત્રીનું સ્ત્રીત્વ ટળી પુરુષત્વ નહિ થાય ? શું પુરુષની સમાન થવાની ધૃષ્ટતા કરવા પ્રકૃતિએ સ્ત્રીને સૃજી છે ? શું પુરુષો કૃપા કરીને સ્ત્રીઓને એક વાર લગ્ન કરવા દે છે માટે સ્ત્રીઓએ પુરુષો પેઠે બીજી વાર લગ્ન કરવાથી માંગણી કરવી ? પુરુષો બળવાન છે અને પુરુષોની કૃપા થકી સંસારનું સુખ મળ્યું છે. પુરુષોની કૃપા ન હોત તો સાધ્વી થવું પડત, એ શું સ્ત્રીઓ ભૂલી જાય છે ? માટે વિધવા થયે સંસારસુખ અટકે ત્યારે ફરી તેવા સુખની ઇચ્છા સ્ત્રીએ કરવી જ ન જોઈએ. સંસાર મિથ્યા છે અને દુ:ખથી ભરેલો છે એવો ધાર્મિક ઉપદેશ આવે સમયે સાંત્વન માટે પુરુષોએ કરી રાખેલો છે, તે વિધવાઓએ ગ્રહણ કરવો અને પુરુષોનો ઉપકાર માનવો એ જ કર્તવ્ય છે. વિધવા થયા પછી ધર્મલાભ મળે એથી વધારે મહોટું સુખ શું હોય ? સંસારમાં રહેતાં એવી ધર્મપ્રાપ્તિ થાય નહિ. વૈરાગ્યના સર્વ પુણ્યનો વિધવાઓને અધિકાર આપ્યો છે. વળી પ્રેમની ઉચ્ચ ભાવના તે એ જ છે કે બુદ્ધિમાન પ્રાણીએ એક વાર જ લગ્ન કરવું. પુરુષો પોતે અનેક વાર લગ્ન કરી ઊતરતી ભાવના સ્વીકારવાનું માથે લઈ સ્ત્રીઓ પાસે માત્ર ઊંચી ભાવના જ પળાવે છે એ શું પુરુષોની ઓછી ઉદારતા છે ? એવો સ્વાર્થત્યાગ બીજા કોઈ દેશમાં જોવામાં આવ્યો છે ? સુધારાવાળા સમજ્યા વિના જ આપણને સ્વાર્થપરાયણ કહે છે. વળી, એ પણ ધ્યાનમાં લેવાનું છે કે સ્ત્રીઓને પુનર્લગ્ન કરવાની છૂટ મળશે તો તેઓ પુનર્લગ્નની આશાથી પ્રથમ પતિઓને મારી નાખશે અને દેશમાં સર્વ પુરુષો પોતાના આયુષના રક્ષણ માટે વિધવાઓ સાથે લગ્ન કરવા ઇચ્છા કરશે અને કુમારિકાનાં લગ્નમાત્ર બંધ પડશે. આ સુધારાવાળાઓની યુક્તિ આપણે નથી સમજતા એમ નથી. એવા અનાચાર અટકાવવાને અમે આર્યો સજ્જ થઈ બેઠેલા છીએ. પુરુષોને ફરીથી લગ્નની છૂટ છતાં તેઓ સ્ત્રીને પ્રથમ મારી નાખતા નથી એ વાતથી અમે ભૂલમાં પડતા નથી, કેમકે પ્રકૃતિએ સ્ત્રી અને પુરુષના સ્વભાવમાં ભિન્નતા રાખી છે. આ દેશની આર્યાઓને અમે ઉચ્ચ ભાવનાવાળી કહીએ છીએ. તેમને સુશીલ, નમ્ર, પતિભક્ત ગણીએ છીએ, પણ અમે એવા મૂર્ખ નથી કે તેઓ પતિના મૃત્યુની ઇચ્છા ન કરે એમ માનીએ. આ દેશમાં સ્ત્રીઓ ફરી લગ્ન કરી શકતી નથી માટે જ તેમની ઉચ્ચ ભાવના કહેલી છે. સ્ત્રી જીવતી છતાં અને મરી ગયા પછી ફરી લગ્ન કરવા છતાં પ્રેમની ઉચ્ચ ભાવના પુરુષો જાળવી રાખી શક્યા છે, એ ચમત્કાર આ દેશના પુરુષોથી જ થઈ શકે એવો છે. તે માટે જ અમારા પૂર્વજોએ વિધવાનાં પુનર્લગ્ન કદી થવા દીધાં નથી. ચારે વેદમાંથી ગમે તે મંત્ર લાવો; તેમાંથી એવો અર્થ હું કહાડી આપીશ કે વિધવાએ પુનર્લગ્ન ન કરવું જોઈએ. અર્થ કરવાનું અમારું ચાતુર્ય છતાં કદી કોઈ વચન દુરાગ્રહી જણાય તો એટલું જ સમજવું કે કોઈ અપ્રસિદ્ધ અનિષ્ટ આચાર નિષિદ્ધ છતાં કોઈ કાલે પ્રવર્તતો હશે. તે આચાર અપ્રસિદ્ધ અને નિષિદ્ધ હતો એ સિદ્ધ જ છે, કેમ કે તેની પ્રસિદ્ધિનાં કે વિધિનાં પ્રમાણ અમે સ્વીકારતા નથી.'

આ રીતે, એકએક પ્રમાણથી વિધવાવિવાહનું ખંડન થાય છે. સુધારાવાળા પોતે જ વિધવા સાથે લગ્ન કરતા નથી એ શું બતાવી આપે છે ? એ જ કે તેઓ અંતરમાં આપણાં પ્રમાણ ખરાં માને છે. પોતાને પ્રતીતિ ન છતાં અને લોકોની અપ્રતીતિ થયા છતાં શા માટે તેઓ વિધવાવિવાહનો પક્ષ લે છે તે હેતુ શોધવાનું કામ આપણું નથી. તેમ કદી કોઈ સુધારાવાળા વિધવા સાથે લગ્ન કરે ત્યારે તેને દોષમાંથી મુક્ત કરવાનું અને તેના કૃત્યને યોગ્ય કહેવાનું કામ આપણું નથી. જે વિધવા સાથે લગ્ન કરે તેને નિંદાપાત્ર ગણવો એ જ કર્તવ્ય છે. સુધારાવાળા કહે છે કે 'વિધવાઓ ઉપર જે જુલમ થાય છે તે દૂર કરવા અમે પ્રયત્ન કરીએ છે માટે અમારા પર બલાત્કાર થવો જોઈએ ?' ઉત્તર કે 'હા, સ્વાભાવિક વિશ્વનિયમ જ એવો છે. અગ્નિનો પ્રતિકાર અગ્નિથી જ છે. સુધારાવાળા કહે છે કે, અમે અમારી નિર્બળતાનો અંગીકાર કરીએ છીએ. પરંતુ અન્યાય પ્રગટ કરવા જેટલી નિર્ભયતા પણ તમે નહિ ગ્રહણ કરો, બીજાનાં દુ:ખ નિવારણ કરવાના અમારા પ્રયત્નને સહાયતા નહિ કરો અને ઊલટા તેમાં વિઘ્ન કરશો ? ઉત્તર કે 'હા, અનાદિ સિદ્ધાંત જ એવો છે. વિધવા થવામાં દુ:ખ છે એમ અમારા પૂર્વજોએ માન્યું જ નથી. અમને પોતાને નવો વિચાર કરવાનો અધિકાર નથી.' સુધારાવાળા કહે છે કે, 'દુરાચાર અને હત્યા થાય છે એ અટકાવવા પ્રયત્ન કરવાની જરૂર નથી એમ તમે કહો છો ?' ઉત્તર કે, 'હા, એમાં જ અમારું આર્યત્વ છે, શાસ્ત્રના અનુસરણથી અનાચાર કે હત્યા થાય એમ આર્યો માનતા જ નથી. 'જરૂર' એ યાવની શબ્દ તમે વાપર્યો માટે હવે વધારે ઉત્તર અમે નહિ આપીએ.'

'આમ નિરુત્તર થઈ જવાથી સુધારાવાળા મારા પર બહુ કોપાયમાન થયેલા છે. મારા વાગ્બાણની વૃષ્ટિથી તેમનો પરાજય થયો છે. તથા હવે એમના પક્ષના નાશને મોદકભોજન અને તૃપ્તિ વચ્ચે હોય એટલી જ વાર છે. તેથી તેઓ મારા પર વેર રાખે છે. કોઈ બુદ્ધિમાન પ્રાણી સહાયતા નહિ કરે એમ ધારી તેમણે બિલાડવર્ગને સુધારાના પક્ષમાં લઈ જંતુઓની હિંસામાં પ્રેરિત કર્યો અને તેના પરિણામે મેં બે રાત્રિ કારાગૃહમાં કાઢી પણ સંસારરૂપી માયામાં જેમ મનુષ્યની બુદ્ધિ વિકાસ પામે છે, માયાથી મુક્ત થવાનો પ્રયત્ન કરી શકે છે, અંધારામાં જેમ કેટલાંક પ્રાણીઓની દૃષ્ટિ વધારે દૂરગામી થાય છે, દંડપ્રહારથી જેમ અશ્વાદિની ગતિ વધારે વધારે ત્વરાયમાન થાય છે તેમ કારાગૃહ નિવાસમાં મારું ધર્મવીરત્વ વધારે પ્રગટિત થયું છે. કારાગૃહથી છૂટતાં વધારે સમર્થ થયો છું. આર્યપક્ષને વિશેષ સબલ કરવા હું શક્તિમાન થયો છું. માટે કારાગૃહમાં વધારે નિવાસ કરવો પડે તો તેથી પણ આ પ્રમાણે અંતે આર્યપક્ષને લાભ જ છે. સુધારાવાળાના પ્રયત્ન સર્વ રીતે નિષ્ફળ જ જશે.

એકઠા થયેલા લોકો સુધારાવાળાના જાસૂસ હતા એમ અમને લાગ્યું, કેમકે કોઈ પણ તાળીઓ પાડતા નહોતા અને કેટલાક તો ઘડી ઘડી ટોળામાંથી અગાડી નીકળી આવી અમારા મુખ સામે જોઈ રહી પાછા ટોળા બહાર નીકળી જઈ સુધારાવાળાને ખબર આપવા સારુ ચાલ્યા જતા હતા. એ માટે અમને લેશમાત્ર ચિંતા નહોતી પણ ભદ્રંભદ્રને ભીતિ એ લાગવા માંડી કે ટોળું વધારે પાસે ધસી આવશે. મને પાસે બોલાવી કહ્યું, 'મને આ લોકોની મારની બીક નથી, પણ, એ અસ્પૃશ્ય લોકો વધારે પાસે આવશે અને એમનો સ્પર્શ થશે તો એટલી અશુદ્ધિ આપણને પ્રાપ્ત થશે કે સ્નાનથી શું પણ મત્સ્યરૂપે પુનર્જન્મથી પણ તે દૂર નહિ થાય. અસ્પૃશ્ય ચાંડાલોના સ્પર્શની બીક હોય તેવે સ્થળે જવાનો કે રહેવાનો શાસ્ત્રમાં સ્પષ્ટ નિષેધ છે. દેશનું સત્યાનાશ જતું હોય તોપણ સ્પર્શાસ્પર્શના નિયમોનો ભંગ કરવો નહિ. તે માટે તો દેશ પર ચઢાઈ કરનારા યવનો અને મ્લેચ્છો સામે લડાઈ કરવાનો આપણા પૂર્વજોએ ઝાઝો આગ્રહ કર્યો નહિ. કેમકે દેશના રક્ષણના હેતુથી પણ યુદ્ધમાં અસ્પૃષ્ય જનોના સ્પર્શથી આર્યધર્મ ભ્રષ્ટ થાય છે. આ ધર્મહાનિની ભીતિથી જ આપણા પૂર્વજો બીજા દેશ પર ચઢાઈ કરવા ગયા નથી.'

આ કારણસર ભદ્રંભદ્રે ભાષણ સમાપ્ત કરી ટોળું વિખેરી નાખ્યું.

***