Bhadram Bhadra - 5 books and stories free download online pdf in Gujarati

ભદ્રંભદ્ર - પ્રકરણ - 5

ભદ્રંભદ્ર

રમણભાઈ મ. નીલકંઠ

૫. મોહમયી મુંબાઈ

સ્ટેશન પર કોઈ તેડવા આવ્યું નહોતું. તેથી અમે વગર કહે જ નીચે ઊતર્યા. મજૂરો સામાન ઊંચકવાનું પૂછી જવાબ સાંભળવા થોભ્યા વિના એક પછી એક અગાડી ચાલ્યા જતા હતા. પીઠ કરી ઊભેલા માણસોને પાછું ફરીને જોવાની જિજ્ઞાસા રહી નહોતી. ઉતાવળે ચાલતા લોકો વચમા કોણ ઊભું છે તે જોવા અટક્યા વિના હડસેલા મારી ચાલ્યા જતા હતા. તેડવા આવનારા દરેક ગાડી આગળ આવી પરોણાને ખોળવા બૂમો પાડતા નહોતા.

આ બેદરકારી જોઈ ભદ્રંભદ્ર બોલ્યા, 'શો મોહમયીનો મોહ ! એ મોહ ઉતારવા માટે હું હજારો અને લાખો ગાઉં ઓળંગી અહીં આવ્યો છું.'

મેં કહ્યું, 'બરોબર એટલા ગાઉ નથી એમ હરજીવનના કહેવાથી જણાય છે.'

ભદ્રંભદ્ર કહે, 'એટલા ગાઉ નહિ તો ગજ કે તસુ તો હશે જ. એમાં ભિન્નતા દેખાય તે માયા છે. પરમાર્થ દૃષ્ટિએ તો સર્વ એક જ છે. આ મોહમયીનો મોહ દૂર કરવો, તેનો મદ ઉતારવો એ મેં માથે લીધું છે. યુદ્ધ દારુણ થનાર છે.'

એવામાં એક ઘૂંટણ લગી પહોંચતા, ખભા આગળથી લટકાવેલા દોરડા, નીચેથી ફાટેલાં બેવડી ખાદીના બદનવાળો અને માથે ઊંચી લાલ ટોપી પર કાળી કામળીના કકડાવાળો અને ઠીંગણો મજૂર મારા હાથમાંનું પોટલું ખેંચી બોલ્યો, “સેટ, ઘેઉ કાય?”

પોટલી જશે એ શંકાથી ભદ્રંભદ્ર મને ખેંચી પચાસ કદમ પાછા હઠી ગયા. પણ મજૂરને શાંત ઊભેલો જોઈ હિંમત લાવી કંઈક પાસે આવી ક્રોધમય મુખ કરી બોલ્યા, 'પિશાચ ! શ્રોત્રિય બ્રાહ્મણને વૈશ્ય વ્યાપારીનું ઉપનામ આપી પાપમાં પડતાં બીતો નથી? તે સાથે વળી પરદ્રવ્ય હરણ કરવા તત્પર થાય છે ? ચૌર્ય સત્પુરુષને નિષિદ્ધ છે, હેય વ્યસનસપ્તકમાં ગણેલું છે, તેની અવગણના કરે છે ? આર્યધર્મની આજ્ઞાઓ સાંભળવા માધવબાગ સભામાં આવજે.'

પેલો મજૂર ડોકું એક તરફ વાંકુ કરી કંઈ બબડી ચાલતો થયો. ભદ્રંભદ્રના બોધ કે માધવબાગ સભાના નામે તેના મન પર જાદુઈ અસર કરી હોય તેમ લાગતું હતું, કેમ કે તે ઘડી ઘડી પાછો ફરી અમારી તરફ મોં કરી જોતો હતો.

ઉતારુઓની ભીડમાં ભચડાતા અને હડસેલા ખાતા અમે ટિકીટ આપી દરવાજેથી બહાર નીકળ્યા. ત્યાં બેસનારા ગાડી ખોળતા હતા ને ગાડીવાળા બેસનારા ખોળતા હતા. એક ઘોડાગાડીવાળાએ પૂછ્યું, 'શેઠ લાવું કે ? કાં જશો ?' બીજો ભદ્રંભદ્ર પર ઘોડો લાવી બોલ્યો, 'શેઠ, આ ગાડી છે.' ત્રીજાએ મારી પાસે આવી મારો હાથ જોરથી ખેંચી કહ્યું, 'પેલી મોટી સગરામ છે, સામાન પણ બધો રહેશે. તમારે કાં જવું ?' આંચકાથી વેદના પામી ગૂંચવણમાં હું ભદ્રંભદ્ર સામું જોવા લાગ્યો. ભદ્રંભદ્ર મારી સામું જોવા લાગ્યા. અને બંને ગાડીઓ સામે જોવા લાગ્યા. અંતે ભદ્રંભદ્રે ઉત્તર દીધો કે -

'સર્વના પ્રશ્ન માટે અત્યંત ઉપકૃત છું. આમાંથી કોઈ વાહન માધવબાગ સભાના દર્શનાર્થી જનો સારુ વિશિષ્ટ છે?'

કોઈએ ઉત્તર દેવાની તસ્દી લીધી નહિ, સહુ ગાડીવાળા નવા ઘરાક શોધવા ચાલ્યા ગયા. અમને ગૂંચવણમાં જોઈ એક આદમીએ કહ્યું, 'પેલો રેંકડો કરો, પછી તે ય નહીં મળે.' તેથી અમે તે તરફ ગયા. જેમતેમ કરી તેમાં ચઢી ઉછળતા અને ખખડતા ભૂલેશ્વર ભણી ચાલ્યા.

રસ્તામાં ગાડીઓ દોડધામ કરતી જતી હતી. પગે જનારા લોકો ધસમસ્યા ચાલ્યા જતા હતા, કોઈ કોઈ માટે વાટ જોતું જણાતું નહોતું તે જોઈ ભદ્રંભદ્ર કહે કે, 'આ સર્વ માધવબાગમાં જતા હશે !'

રેંકડાવાળાને પૂછ્યું: 'માધવબાગમાં સભા કેટલા વાગે ભરાવાની છે ?'

રેંકડાવાળો કહે, 'કહીં ? માધવબાગમાં ?'

ભદ્રંભદ્ર કહે, 'હા, માધવબાગમાં આજે આપણા વેદધર્મનું રક્ષણ કરવા માટે મોટી સભા મળનારી છે. આ નગરીમાં તો સર્વને તે વિદિત હશે.'

રેંકડાવાળો કહે, 'કોમ જાણે, અમારે તો રેંકડાના લેશન માટે પોલીસમાં જઈ આવવાનું છે.'

ભદ્રંભદ્ર કહે, 'ત્યારે શું તમે લોક માધવબાગમાં નહિ આવો?'

'ઘરાક મળે તો માધવબાગે ય જઈએ ને 'સોનાપુરે' જઈએ.'

ભદ્રંભદ્ર આશ્ચર્ય પામી બોલ્યા, 'સોનાપુર ! સુવર્ણપુરીમાં પણ જે ન થઈ શકે તે આ અલૌકિક સભામાં થવાનું છે. સુવર્ણપુરીનો મોહ એ મોહમયીની માયા છે. સુવર્ણ એ પાર્થિવ સુખ છે, માયા છે. તેના કરતા સહસ્ત્રગણા સુખનું સાધન માધવબાગ સભામાં પ્રાપ્ત છે.' મારી તરફ જોઈ કહે કે, 'અંબારામ, જોઈ આ મોહમયીનિવાસીઓની ભ્રમણા ! સુવર્ણની લંકા લુપ્ત થઈ ગયા પછી પણ કલ્પિત ભૂગોળોમાં તથા ભૂમિરેખાચિત્રમાં હજી લંકા છે એવું અસત્ય વર્ણન કરી આપણા ધર્મ વિરુદ્ધ કેળવણી આપે છે. અને વળી, અહીં જ સુવર્ણપુરી નામે સ્થાન વસાવ્યું છે ? કેવું આપણા આર્યધર્મનું અપમાન !'

મેં રેકડાવાળાને પૂછ્યું, 'સોનાપુર જૂદું ગામ છે કે આ શહેરમાં જ છે?'

રેંકડાવાળો અમારા બેની સામું થોડીક વાર જોઈ રહ્યો, ભદ્રંભદ્રના મુખ ભણી તાકી રહ્યો. પગથી માથા સુધી આંખ ફેરવી ગયો, ‘પૂંછડેથી જ જોતરેલા !’ એમ વાંકુ મોં કરી બોલી પાછો ફરી ઉતાવળે ગાડી દોડાવવા લાગ્યો, તેની જવાબ દેવાની ઈચ્છા જણાઈ નહિ તેથી અમે તેની જોડે વધારે વાતચીત કરી નહિ.

ઘણા રસ્તા વળ્યા પછી ભૂલેશ્વર આવ્યું. મહામહેનતે પૂછતાં મોતી છગનનો માળો જડ્યો. રેંકડાવાળાને પૈસા આપી અમે નીચે ઊતર્યા. માળામાં જઈ પૂછ્યું કે, ‘શંકરભાઈ ગોકળભાઈ ક્યાં રહે છે ?’ કેટલાકે જવાબ દીધો નહિ, કેટલાકે કહ્યું, ‘ખબર નથી.’ કેટલાકે કહ્યું, ‘ઉપર પૂછો.’ ઉપલે માળ ગયા ત્યાં પણ એવા જ જવાબ મળ્યા. માળ ઉપર માળ ચઢ્યા ગયા, ત્યાં પણ પત્તો લાગે એમ જણાયું નહિ. આખરે પાંચ-છ દાદર ચડ્યા પછી છેક ઉપલે માળે કોઈએ કોટડી બતાવી ત્યાં ગયા. શંકરભાઇને ઓળખાણ આપી અમે મુકામ કર્યો.

જમીને શંકરભાઈ સામા માળામાં પત્તાં ખેલવા ગયાં. ભદ્રંભદ્ર સભામાં જવા સારું સજ્જ થયાં. પગે પાવડીઓ પહેરી, કમરે ધોતીયા પર મૃગચર્મ બાંધ્યું. ઓઢેલા ધોતીયાની કોર પર ચપરાસીના પટા માફક ભગવા રંગની પટી ટાંકી; ગળામાં રુદ્રાક્ષની માળા ઘાલી. હથેલીઓ પર શંખ, ચક્ર, ગદા, પદ્મ ઇત્યાદિ ચીતર્યાં, ગાલ પર કંકુની આડીઊભી લીટીઓ કહાડી ખાનાઓમાં એક ગાલે ‘શિવ’, ‘શિવ’ એ શબ્દો લખ્યા અને બીજે ગાલે ‘રામ’ ‘રામ’ એ શબ્દો લખ્યા. કપાળે સુખડની અર્ચા કરી અને એક છેડે ગણપતિનું ચિત્ર કહાડ્યું. બીજે છેડે સૂર્યનું ચિત્ર કહાડ્યું. એક હાથમાં ગૌમુખી લીધી. માળા ગળે પહેરી હતી તેથી ગૌમુખીમાં સોપારી તથા પૈસા મૂક્યા. બીજા હાથમાં (પરશુને ઠેકાણે) શંકરભાઈના ઘરની કુહાડી ઝાલી ખભા ઉપર ટેકવી. પાઘડીમાં તુળસીની ડાળીઓ ખોસી. શંકરભાઈની ઘાટી ચાકરને કોઈ ઠેકાણેથી ઢોલ લાવવા કહ્યું. તે ઢોલ લઈ આવ્યો. માળામાંના કેટલાંક બૈરા છોકરાં પણ તેમની પછાડી આવ્યાં. ઢોલ મારા હાથમાં આલવાને બદલે ઘાટીઓએ જ વગાડવા માંડ્યુ. શૂરના આવેશમાં ભદ્રંભદ્ર સાક્ષાત્ જામદગ્ન્ય પ્રગટ થયા હોય તેવા જણાવા લાગ્યા. મને કહ્યું, 'મેં આભરણો સહિત પ્રથમ કદી ભાષણ આપ્યું નથી. તેથી આ મંડળ સમક્ષ ભાષણ આપું તો અભ્યાસથી લાભ થાય. તું સભાપતિ થા.'

હું મારી મેળે મને સભાપતિ બનાવવાની દરખાસ્ત કરી એક કોઠી પર સૂંપડું નાખી બેઠો અને તાળીઓ પાડી કહ્યું:

'શ્રોતાજનો ! શાંત થાઓ. આ મહાપુરુષનું ભાષણ સાંભળો.'

ભદ્રંભદ્ર બોલ્યા, “જિજ્ઞાસુ સભ્યજનો, મારું પધારવું અત્રે શા અર્થે થયું છે તે તમને વિદિત થઈ ગયું હશે. આપણા સનાતન આર્યધર્મની છિન્નભિન્ન અવસ્થાએ સકળ સ્વદેશાભિમાની આર્યોને ઉત્સાહયુક્ત કર્યા છે. સુધારાવાળાઓના ઉપાયોએ આર્યોને મુખરિત કર્યા છે. શત્રુદળની અલ્પ સંખ્યાએ આર્યોને શૂરવીર કર્યા છે. સ્વદેશની દોષગણનાએ આર્યોને દોષરહિત કર્યા છે. પરદેશની વિવૃદ્ધિએ આર્યોને પરદેશ ગુણ-આગ્રહી કર્યા છે. ધર્મનિષ્ઠ આર્યો, ધર્મસુધારણા વિરુદ્ધ થયા છે. અધમ દિશામાં આવેલા ભારતવર્ષનું સ્વદેશાભિમાની આર્યો સુધારકોના ઉપાયોથી રક્ષણ કરી રહ્યા છે. આપણા આર્યદેશમાં હાલ એકે સુધારો કરવાની, એક પણ રૂઢિ બદલવાની, એક પણ નવો અંશ આણવાની અગત્ય છે, એમ કહેવું એ ઘોરતમ પાપ છે. અહા ! પૂર્ણ કળાએ પહોંચેલા આપણા આર્યદેશની કેવી દુર્દશા થઈ છે ! આપણો આર્યદેશ કેવો શ્રેષ્ઠ, કેવો અચલ ! આર્યજનો ! આવાં મહાન કાર્યો સાધવા આજ માધવબાગમાં સભા મળનાર છે. ત્યાં ભાગ લેવો એ સર્વનું કર્તવ્ય છે.”

એવામાં શ્રોતાજનોમાં પછાડી ગરબડ થવા લાગી. કેટલાક દાદર ઊતરી નાસવા લાગ્યા, કેટલાક રવેશમાં ભરાવા લાગ્યા. કેટલાક બારણા પાછળ સંતાવા લાગ્યા. શંકરભાઈ આવી પહોંચ્યા હોય એમ જણાયું.એમણે કેટલાકને લાત લગાવી, કેટલાકને ધક્કા માર્યા. કોલાહલ થઈ રહ્યો. ભદ્રંભદ્રને આવીને કહે કે ‘તમે પણ પારકે ઘેર આવું ધાંધલ કરો છો ? આવા ભામટાઓને ઘરમાં એકઠાં કરો છો ?’ ચાકરને કહે કે, ‘તેં માળિયા પરથી કુહાડી કેમ ઉતારી ?’ તે કહે કે, ‘માગી તે હું શું કરું?’ સ્વામી સેવકનો વિરોધ શમાવવા ભદ્રંભદ્રે ધીમે રહી કુહાડી નીચે મૂકી દીધી. તે બે જણા ખુલાસાથી વાત કરી શકે તે માટે હું તથા ભદ્રંભદ્ર નીચે ઊતરી ગયાં. નીચે ઊભેલ ટોળાની તાળીઓ, હર્ષના પોકાર, ‘હુરિઓ’, ‘એઈ ચોર’, ‘લીજીયો’ ઇત્યાદી જયધ્વનિ શ્રવણ કરતા અને મુદિત થતા અમે માધવબાગમાં જઈ પહોંચ્યા.

ત્યાં લોકોનાં ટોળાં આવેલાં હતાં તથા આવ્યે જતાં હતાં. શોરબકોર થઈ રહ્યો હતો. કાને પડ્યું સંભળાતું નહોતું. સભાનો ઉદ્દેશ પહેલેથી લોકોનાં મનમાં ઠસાવવા જાતજાતનાં ચોપાનિયાં તથા પાનિયાં વહેંચાતાં હતાં. કેટલાંકમાં ગોરક્ષાનો બોધ હતો. કેટલાંકમાં સુતરપાડા ગામમાં કેદારેશ્વર મંદિરના બાવાના નિર્વાહ સારુ ઉઘરાણીની રકમો માગેલી હતી. કેટલાકમાં 'સાડાત્રણ દોસ્તદારની વાર્તા'ના ગુણ તથા રસિકતા વર્ણવેલાં હતાં. કેટલાંકમાં બલવર્ધક ચૂર્ણની રામબાણ સફળતા વિસ્તાર તથા ઉદાહરણ સહિત પ્રસિદ્ધ કરેલી હતી. આવા મોટા પાયા પર તથા વિવિધ સામગ્રીથી ઊભી કરેલી સભાની અદ્ભુત યોજના ભદ્રંભદ્રે પણ કલ્પી નહોતી.

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED