નિશા - 3
વહેલી સવારમાં જ હું મુંબઈ માટે નીકળી ગયો. નીકળતા નીકળતા સાવીનું તીર તો વાગ્યું જ, "તેને લેવા જતો હોય તો હવે આ ઘરમાં આવીશ નહિ." જવાબ આપીને મગજ ખરાબ કરવું નહોતું.
મુંબઈ પહોંચતા જ નિશાને ફોન કર્યો, પણ ઉપાડ્યો નહિ. ઘેરે જાઉં? ના, લેન્ડલાઈન પર ફોન કર્યો, નાની ફોન ઉપાડતા જ કશી ઔપચારિકતા કર્યા વગર "આવી ગયા? નિશા તો કોલેજ ગઈ છે, આવે પછી પૂછીને કહું."
"આંટી તે મારો ફોન ઉપાડતી નથી, તમે તેને કહો મારે ઉતાવળ છે, એટલે કોલેજ પાર જ મળી લે."
"સારું, કહું છું, પણ તમે..."
"આંટી વિશ્વાસ રાખો નિશાને મારાથી કોઈ જ તકલીફ નહિ થાય."
"મને તો વિશ્વાસ જ છે, પણ.. ભલે વાંધો નથી, હું નિશાને કહું છું."
પંદર-વિસ મિનિટ પછી ફરી નિશાને ફોન કર્યો, તે તરત ઉપાડીને બોલી, "નાનીએ મને કહ્યું, પણ બહાર હું તમારી સાથે નહિ આવું. કોલેજ કેન્ટીનમાં મળવું હોય તો આવો."
"ડાર્લિંગ કેમ બહાર નહિ? હું તને ખાઈ જઈશ? પણ તું કહે તેમ... કેન્ટીનમાં પણ મને વાંધો નથી, હું આવું છું."
ટેક્સીમાં કોલેજ પહોંચ્યો. મારા કપડાં, દેખાવ કે મારી ચાલ, શું જોઈને ગાર્ડ ઈમ્પ્રેસ થયો તે જાણતો નથી, પણ તેણે મને રોક્યો નહિ, અને સલામ પણ મારી. કેમ્પસમાં અમુક છોકરા-છોકરીઓ ટોળે વળેલા, ફરતા જોવાતા હતા. એકને કેન્ટીનનો રસ્તો પૂછીને હું કેન્ટીનમાં આવ્યો. નિશા નહોતી, આવશે.. પહેલા ચા પી લઉં. સેલ્ફ સર્વિસ હતી, એટલે કાઉન્ટર પરથી ચા લઈને હું ખૂણાના છેલ્લા ટેબલ પર જઈને બેઠો.
થોડીવારે ચારે તરફ જોતી નિશા આવી, તે મને જ શોધી રહી હતી, મેં ઉભો થઈને હાથ હલાવ્યો. તે મારા ટેબલ પાસે આવી, મેં બેસવાનો ઈશારો કર્યો, અને તે ચારેબાજુ જોતા બેસી ગઈ. આજે પણ તેણે જીન્સ પહેરી હતી. સ્કિન ટાઈટ ટોપ પહેર્યું હતું અને ઉપર ઓપન શર્ટ હતો. સૂઝ પણ નાજુક અને જીન્સ જેવા જ કલરના હતા. અને સોનેરી લટ ગાલ પર તો ખરી જ.
"સોરી ડાર્લિંગ, તે દિવસ માટે."
"તે વિષે ફોન પર વાત થઇ ગઈ છે, કામની વાત કરીએ?"
"હા, પણ તે પહેલા મને કશું ખાવું છે, ને અહીં શું સારું મળે તે મને ખબર નથી. અને આમ પણ અહીં હું તારો મહેમાન છું, એટલે.."
તે ઉભી થઇ અને કાઉન્ટર પર ગઈ. હું તેને પૈસા આપીને તેને નીચી પાડવા માંગતો નહોતો. તેણે ખિસ્સામાંથી પૈસા આપ્યા અને બે પ્લેટ સમોસા લાવીને મારી સામે મુક્યા, અને પાછી જઈને બે અલગ સોસની બોટલ પણ લાવીને મારી સામે મૂકીને બેઠી. "વાહ.. સ્મેલ તો સારી લાગે છે, થેન્ક યુ બેબી.."
"ટેસ્ટ પણ સારો છે, પણ તમારી ફાઈવ સ્ટાર રેસ્ટોરન્ટ જેવો તો નથી જ."
"સ્વીટી, એ તો તને ઈમ્પ્રેસ કરવા હું લઇ ગયો હતો, બાકી હું તો ફુટપાથનું જ જમું છું અને મને તે જ ભાવે છે."
અમે બંને ખાવા લાગ્યા, પણ મારી નજર તો નિશા પર જ હતી. હું તેને માટે લાવેલ બ્રેસ્લેટનું બોક્સ કાઢીને તેની તરફ સરકાવ્યું, "મારે કશું ન જોઈએ, મને જાણવું છે કે મારી માના કેવા રહસ્યની તમે વાત કરતા હતા?"
મેં જીદ કરી નહિ, બોક્સ ટેબલ પર જ રહેવા દીધું ને બોલ્યો, "બેબી રહસ્ય જેવું તો કશું નથી, પણ તારે માટે તે રહસ્ય હોઈ શકે. અને તે એટલું મહત્વનું પણ નથી. સાચું કહું તો તને મળવા માટે જ મેં એવું કહ્યું હતું."
તેને ગુસ્સો આવ્યો હોય તેમ લાગ્યું, "કેમ મળવું હતું? તમને જોઈએ છે શું??"
"જો, હું ચાહું છું કે તને જરાય તકલીફ ન પડવી જોઈએ, એટલે હેલ્પ કરવા માંગુ છું, બસ.."
"કેમ પણ?"
"કેમકે તારો બાપ નથી, માં નથી.. અને..."
"અને શું?"
"અને તું ઉર્વીની દીકરી છે, મારી ઉર્વીની.. ઉર્વી જીવતી હોતી તો મને તારી જરાય ચિંતા નહોતી, કે ક્યારેય હું તને મળતો પણ નહિ, પણ હવે તું મારી જવાબદારી છે.."
"જુઓ મિસ્ટર, તમને હવે અંકલ કહેતા પણ મને શરમ આવે છે, હા તો મને કોઈ જ તકલીફ નથી અને હશે તો પણ તમને ચિંતા કરવાની જરૂર નથી. તમારા મારી માં સાથે ગમે તેવા સબંધ રહ્યા હોય, તે તમે જાણો, પણ તેને લીધે મારા પર તમારો કોઈ જ અધિકાર નથી, મારા પર એહસાન ના કરો અને અમને અમારા હાલ પર છોડી દો, આવજો..." કહીને તે ઉભી થઈને જવા લાગી. હું પણ ઉભો થઇ ગયો અને તેનો હાથ પકડીને રોકી, "તું મારી જવાબદારી છે."
તે મારી આંખમાં જોઈને બોલી "જવાબદારી? કોણે તમને આપી?" કહીને હસી.
"તારી માં એ..."
"ભલે મમ્મીએ આપી હોય, પણ હવે હું તમને તમારી જવબદારીમાંથી છુટા કરું છું." કહીને ઝટકાથી હાથ છોડાવી લીધો ને જવા માટે ફરી. મેં તેને પાછળથી બે હાથે કમરથી ઊંચકીને ફરી ખુરશી પર બેસાડીને મોટેથી બોલ્યો, "પાગલ છોકરી, તું સમજતી કેમ નથી?? તું મારી દીકરી છે..."
નિશા આંખો અને મોં ફાડીને મને તાકી રહી હતી. ખુરશી પર બેસતા બોલ્યો, "હા સ્વીટી, તું મારી દીકરી છે.." કહેતા મેં તેનો હાથ પકડ્યો, અને મને કહ્યા વગર મારી આંખમાંથી આંસુ પડ્યા. નિશાએ બંને હાથે પોતાનું મોં ઢાંકી દીધું ને રડતા બોલી, "તમે જુઠ્ઠું બોલો છો..." તે હીબકા ભરીને રડતી હતી, મેં રડવા દીધી. બે છોકરા બાજુના ટેબલ પરથી ઉઠીને અમારી પાસે આવ્યા, "શું થયું નિશા? આ કોણ છે?" કહીને મારી તરફ ઈશારો કર્યો. નિશાએ રૂમાલથી મોઢું લુછ્યું ને છોકરાઓ તરફ જોઈને બોલી, "કશું નથી, તે મારા રિલેટિવ છે, તમે જાવ.."
એક છોકરો મારી તરફ કરડાકીથી જોઈને બોલ્યો, "નિશા બધું બરાબર છે ને? કઈ પ્રોબ્લેમ નથીને?"
"ના, કશું નથી, તમે જાવ, થેન્ક્સ..."
છોકરાઓ મારી તરફ જોતા જોતા ગયા. મેં નિશાને પાણી આપ્યું. તે થોડી સ્વસ્થ થઇ હતી. તે મારી આંખોમાં જ જોઈ રહી હતી. તે મારી આંખમાંથી જૂઠ પકડવાની કોશિશ કરી રહી હતી. ફરી તે બોલી, "તમે જૂઠું બોલો છો ને?"
"ના ડાર્લિંગ, આ જ સત્ય છે. તારી માને મેં પ્રોમિસ કર્યું હતું કે ક્યારેય આ વાત તને કહીશ નહિ. અને ઉર્વી જીવતી હોતી તો ક્યારેય તને મળતો પણ નહિ. તેના ગયા પછી પણ હું કહેવાનો નહોતો, તારો અંકલ બનીને જ રહેતો.. પણ તું મને, મારી લાગણીને ખોટી રીતે મૂલવવા લાગી એટલે આજે કહેવું પડ્યું."
"તમને ક્યારે ખબર પડી કે હું તમારી દીકરી છું?"
"ખબર પડી? અરે મારી ચકુડી, તું કઈ અમને આનંદ, મજા કરતા કરતા અનાયાસે નથી આવી પડી.. અમે બંનેએ સોચી-સમજીને, પ્લાન કરીને તને મેળવી છે."
"ડેડી??"
"તે કશું જાણતા નહોતા.. ઉર્વી તેના બાળકની માં બનવા માંગતી નહોતી, અમને અમારું જ બાળક જોઈતું હતું.. એટલે તે બધા પ્રિકોશન લેતી હતી."
નિશા બહાર તાકી રહી હતી. મેં તેનો હાથ દબાવ્યો, તેણે વિરોધ કર્યો નહિ, હું બોલ્યો, "સ્વીટી તું પેદા થઇ અને બે વર્ષની થઇ ત્યાં સુધી અમને જયારે પણ મોકો મળતો, અમે જયારે પણ મળતા, મેં તને લાખો કીસો કરી છે. પણ તું બોલતી અને થોડું સમજતી થઇ ત્યારથી તારી મમ્મી મને તારાથી દૂર જ રાખતી હતી."
"કેમ?"
"તારા મનમાં ઉર્વીની ખોટી છાપ ન પડે એટલે... તું એટલી મોટી નહોતી કે અમારા સંબંધને સમજી શકે, અરે હમણાંય એટલી મોટી નથી થઇ, પણ સંજોગો એવા થયા કે...."
તે એકીટશે મને શંકાથી જોઈ રહી હતી, હું બોલ્યો, "જાનું, વિશ્વાસ કર હું તારો બાપ છું...તું કહે ત્યાં અને તું કહે તેટલીવાર હું ડીએનએ ચેક કરાવવા તૈયાર છું."
કહીને હું ઉભો થયો ને નિશા પાસે આવીને તેનું માથું પકડીને મારી છાતી સાથે દબાવ્યું. અને જે ગાલ પર મેં તમાચો માર્યો હતો તે ગાલ પર હાથ ફેરવ્યો. ફરી નિશા રડવા લાગી, "હું ખોવાઈ ગઈ છું, હેલ્પલેસ ફીલ કરું છું, સમજાતું નથી કે શું કરું?"
મેં બોક્સમાંથી બ્રેસલેટ કાઢીને તેને હાથે બાંધ્યું, અને ઉભો થઇને બોલ્યો, "ચાલ.."
"ક્યાં?"
"નાની પાસે..."
તે ઉભી થઇ નહિ, લાગ્યું તેને હજુ મારી સાથે વાત કરવી હતી, હું પણ બેસી ગયો. મારી સામે જોઈને બોલી, "શું તમે ખરેખર સારા માણસ છો?"
મારાથી હસી પડાયું, "સ્વીટી, હું કેવો છું તે છોડ, મને એ કહે કે તારી માં કેવી હતી?"
"એટલે?"
"તારી માં માટે તું કેવો અભિપ્રાય ધરાવે છે? શું તું તેને એક સારી, સંસ્કારી, ભણેલી, બુદ્ધિશાળી, લાગણીશીલ અને પ્રેમાળ હતી, તેમ માને છે?"
"હા સો ટકા, મને મારી માં પર ગર્વ છે."
"ખરું, હોવો જ જોઈએ.. ઉર્વી હતી જ એવી. હવે મારી ચકુડી તું જ કહે કે તારી માં જેવી વ્યક્તિએ મને પસંદ કર્યો હતો, કેમ? કદાચ મેં તેને ભોળવી હોય તો શું તેને અઢાર વર્ષે પણ ખબર ન પડી? તેણે અઢાર અઢાર વર્ષો સુધી મારી સાથે સબંધ કેમ રાખ્યો? અને એ પણ તારા શબ્દોમાં કહીએ તો અનેતિક... અને બધાથી છુપાવી ને... એટલું જ નહિ, તે મારા જ બાળકની કેમ માં બનવા માંગતી હતી??"
મારા સારા હોવાનો આનાથી મોટો કોઈ સબૂત મારી પાસે નહોતો. નિશાને પણ મેં મારી તરફેણમાં વિચારતા તો કરી જ દીધી હતી. સત્તર વર્ષની છોકરીને વિશ્વાસમાં લેવું કેટલું અઘરું છે તે મને આજે ખબર પડી. ગમે તેમ બિલકુલ ઉર્વી જ જાણે. જલ્દી વિશ્વાસ ન કરે, પણ એકવાર ખાતરી થઇ જાય પછી તે આંધળો વિશ્વાસ કરે... નિશા પણ એવી જ હતી.
બાકી બચેલું સમોસું હું ખાતો રહ્યો, તે ઊંડા વિચારોમાં હતી. થોડીવારે તે ઊંચે જોઈને મને જોવા લાગી, જોતી રહી...
હું ઉભો થયો અને તેનો પણ હાથ પકડીને ઉભી કરી, "ડાર્લિંગ, વધારે ના વિચાર, ચાલ આપણે નાની પાસે જઈએ."
અમે ટેક્સી પકડી. તેના દિલમાંથી મારા પ્રત્યેનો ડર કાઢવામાં હું સફળ રહ્યો હતો. ટેક્સીમાં હું તેને એક હાથે મારા ખભા સાથે દબાવીને બેઠો હતો, મને અલોકિક સંતોષ થતો હતો.
"અંકલ, તો પછી તમે કેમ મારી સાથે ગંદો વર્તાવ કરતા હતા?"
" ગંદો વર્તાવ?? તને એવું લાગ્યું હોય તેમાં તારો વાંક નથી, હું છું જ એવો. અને મને કહીશ કે મેં શું ગંદો વર્તાવ કર્યો? તને ટીકી ટીકી ને જોવા સિવાય? અને કેમ ના જોઉં? તું મારી દીકરી છે.. જે દીકરીને સત્તર વર્ષ સુધી અલપ-ઝલપ અને ચોરી-છુપીથી જ જોઈ હોય તે જયારે સામે હોય તો તેને મન ભરીને જોવું ગુનો છે? આશા છે કે તું મને સમજીશ, સોરી... અને હા, હવે મને અંકલ કહીશ નહિ."
"હવે? હવે તમે શું ઈચ્છો છો?"
ફરી હું હસ્યો, "ડાર્લિંગ મારી હવે કોઈ જ ઈચ્છા બાકી રહી નથી. તારી ઈચ્છા એજ મારી ઈચ્છા."
નિશા એક નજર મારી સામે નાખી અને નીચું જોઈ ગઈ. તેના મનમાં ધમાસાણ મચ્યું હતું. તે નક્કી નહોતી કરી શકતી કે શું કરવું? અને એટલેજ હું તેને નાની પાસે લઇ જઈ રહ્યો હતો. નાની જમાનો જોઈ ચુકેલી અને અનુભવી હતી. અને તેને મારા અને ઉર્વીના સબંધ વિષે અણસાર તો હતો જ, કદાચ ઉર્વીએ જ મારો ઉલ્લેખ કર્યો હશે.. એટલે જ નાની પહેલીવાર મને જોતા જ બોલી હતી કે તે મને નામથી તો ઓળખે છે.
અમે બિલ્ડિંગના ચાર માળ ચઢ્યા. નિશાનો હાથ મેં છોડ્યો જ નહોતો, અને હવે છોડવો પણ નથી. નિશાએ પણ વિરોધ કે અણગમો દર્શાવ્યો નહોતો. નિશાને, મારી દીકરીને મેળવીને હું ખુશ હતો. નિશાએ મને સ્વીકાર્યો કે નહિ તે જાણતો નથી, પણ લોહીના સંબંધને તે અવગણી શકશે પણ નહિ. અને બીજું કે તેના કહેવાતા બાપ, ઉર્વીના પતિ તરફથી પણ તેને પ્યાર કે લાડ જરાય મળ્યો નહોતો. બલ્કે તે ઉર્વી સાથે તો ઠીક પણ નિશા સાથે પણ એવો વર્તાવ કરતો હતો કે તે દરેક પુરુષને શંકાથી જોતી થઇ ગઈ હતી. અને સારી વાત એ હતી કે તે પણ હયાત નથી. જો તે હયાત હોતો તો વાત ખુબ ગૂંચવાતી.. નિશા પણ બે ટુકડામાં વહેંચાઈ જતી અને માનસિક રીતે પડી ભાંગતી.
ઘરમાં જતા જ નિશા બેડરૂમમાં દોડી ગઈ. હું હોલમાં નાની સામે ઉભો હતો. નાની બેડરૂમ તરફ ઈશારો કરીને બોલ્યા, "શું થયું?"
હું બેસી ગયો, આંટી ઉભા હતા. "આંટી, જે હકીકત છુપાવી રાખી હતી તે નિશાને કહી દીધી છે."
"શું? કેવી હકીકત?"
"આંટી, નિશા મારી દીકરી છે." કહીને મેં ઊંચે જોયું. તે જરાય અચંબિત થયા નહોતા, મારી સામે જોઈને બોલ્યા, "મને ખબર છે."
હવે અચંબિત થવાનો વારો મારો હતો. "શું? તમને ખબર હતી? ક્યારથી?"
"યાદ નથી, પણ નિશા પાંચ-છ વર્ષની હશે કદાચ.."
"ઉર્વીએ કહ્યું હતું?"
"હા."
હું ચૂપ થઇ ગયો. નાની જાણતા હતા તે મારે માટે સારી વાત હતી. નિશા તેમના પર શંકા કરશે નહિ. આંટી બોલ્યા, "હવે તમે શું કરવા માંગો છો આકાશભાઈ?"
"કશું નહિ, નિશા મને બાપ તરીકે સ્વીકારી લે એટલું જ... તમે તેની પાસે જાવ અને તમે પણ જાણતા હતા તે તેને કહો અને સમજાવો અને તેને સંભાળો, નિશા મારી અમાનત છે તમારી પાસે.. હમણાં જાઉં છું, મોડેથી ફરી આવીશ." કહીને હું ઉભો થયો.
આંટી દરવાજા સુધી આવીને બોલ્યા, "રાત્રે તમે અહીં જ જમજો, આકાશભાઈ."
"ભલે, આભાર.. અને તમે મને આકાશભાઈ કહીને ના બોલાવો તો સારું." કહીને હું નીકળી ગયો ને હોટલ પર આવ્યો.
મારે ઘણું વિચારવાનું હતું, ઘણું સેટ કરવાનું હતું, ઘણું લડવાનું હતું, ઘણું ખોવાનું હતું, અને તે માટે માનસિક તૈયાર રહેવાનું હતું.
લડવાથી સાવી યાદ આવી. ફાયદો તો કશો નથી, પણ એક છેલ્લી કોશિશ કરી લેવી જોઈએ.. મારા દીકરા આરવ માટે... કે જેથી મને વસવસો રહે નહિ, કે ગિલ્ટી ફીલ ન થયા કરે.
સાવીને ફોન કર્યો, "સાવી, તેં શું વિચાર્યું?"
"વિચારવાનું તને છે, મને નહિ."
હું અચકાયો, શબ્દો ગોઠવીને ધીરેથી બોલ્યો, "સાવી, મારી વાત શાંતિથી સંભાળ, તું જે નક્કી કરીશ તે મને મંજુર જ હશે.પણ તું ચાહે તો આપણા સંબંધને માટે આ એક મોકો છે, આપણે માટે નહિ તો આરવ માટે પણ.." મને શું બોલવું સૂઝ્યું નહિ, સાવી પણ કશું બોલતી નહોતી, ફરી મારે જ બોલવું પડ્યું, "આરવને એક બહેન મળશે..અને તને તારો વીસ વર્ષથી ખોવાયેલો પતિ મળશે.. જો તું નિશાને આપણી ફેમેલીમાં સ્વીકારી લઈશ તો હું પ્રોમિસ કરું છું કે વીસ વર્ષનું બધું જ ભૂલીને હું એક નવી શરૂઆત કરીશ." સાવીના શ્વાસ હું સાંભળી શકતો હતો. થોડીવારે તે બોલી, "બોલ બોલ, ચૂપ કેમ થઇ ગયો? આજે તું જ બોલ."
"સાવી, જો તારી ના હોય, તો મારુ સ્ટેન્ડ તો ક્લિયર જ છે, નિશા માટે હું ભિખારી બનવા પણ તૈયાર છું. તને શું શું જોઈએ તેનું લિસ્ટ મને મોકલજે, તે બધું તને મળી જશે અને તારા નામે કરી આપીશ."
થોડીવાર સુધી સાવીએ જવાબ આપ્યો નહિ. પછી બોલી, "નિશા માટે કેમ તું ફેમેલી અને માલ-મિલકત બધું જતું કરે છે? સાચું બોલ, તે તારી દીકરી છે ને?"
"હા નિશા મારી દીકરી છે, જેમ આરવ મારો દીકરો છે તેમ જ... જેટલો હું આરવને ચાહું છું તેટલો જ હું નિશાને પણ ચાહું છું."
સાવી હસી, "આરવને? તું ચાહે છે? આશ્ચર્ય..."
"હા સાવી, નિશા અને આરવ માટે હું કઈ પણ કરી શકું. એ અલગ વાત છે કે આરવના દિલમાં મારે માટે માન કે પ્યાર નથી.. અને એનું કારણ તું છે."
હું સાવીને સાંભળવા માટે રોકાયો, પણ તે ચૂપ હતી. મને નવાઈ લાગી, સાવીએ પહેલીવાર મને આટલું બોલવા દીધો.. ફોન કપાઈ તો નથી ગયો? "હલ્લો હલ્લો, સાવી તું સાંભળે છે ને?"
" હા, બોલી નાખ આજે જે બોલવું હોય તે... હું સાંભળું જ છું."
"બધું કહી દીધું, શાંતિથી વિચારજે, ને કાલે મને ફોન કરજે. ફોન ત્યારે જ કરજે કે તને મારી વાત મંજુર હોય..નહિ તો ફોન કરીશ નહિ, હું સમજી જઈશ.. અને ડિવોર્સની લીગલ નોટિસની જ રાહ જોઇશ. હવે હું ફોન નહિ કરું.."
"તારી શું ઈચ્છા છે? હું ફોન કરું કે ના કરું?"
"સાચું કહું તો તારો ફોન આવશે તો મને ગમશે,.. આવજે..." કહીને ફોન બંધ કર્યો. હવે મને સારું લાગતું હતું, બધો ભાર ઉતરી ગયો.. હવે કશા અપરાધભાવ વગર હું અને નિશા સાથે રહી શકીશું....આરવ? વાર છે, થોડો મોટો થતા જ તે મને સમજી શકશે...
રૂમમાં જ જમવાનું મંગાવીને જમી લીધું અને સુઈ ગયો. જાણે કેમ પણ હું ઘસઘસાટ ઊંઘ્યો. આંખ ખુલી ત્યારે સાત વાગ્યા હતા, ફટાફટ નાહીને હું નાનીને ઘેર જવા નીકળ્યો. નિશાએ આખો દિવસ શું કર્યું હશે? રડી જ હશે..
બારણું ખોલતા જ આંટી બોલ્યા, "આવ આકાશ.."
તુંકારો સાંભળીને જ મને થયું કે બસ.. આ જ મને જોઈતું હતું, અને તેનો અર્થ એમ પણ થાય કે નાનીએ મને નિશાના બાપ તરીકે સ્વીકારી લીધો હતો, અને તે મને જમાઈ, દીકરો સમજતા હતા. હું સોફા પર નિશાને અડીને બેસી ગયો અને તેના ગળે હાથ નાખીને મારા ખભા સાથે દબાવી. તેની આંખ સૂજેલી લાગતી હતી. "કેવી છે મારી સ્વીટી.." નિશાએ મને સહેજ સ્માઈલ આપ્યું, અહા!! મને ખુશ થવા માટે એટલું જ પૂરતું હતું.
નાની બોલ્યા, "જમવાને હજુ ઘણી વાર છે, તમને લોકોને ક્યાંક ફરવું હોય તો ફરી આવો."
નિશા તરત જ બોલી, "મારો મૂડ નથી, નાની."
હું ઉભો થઈને નિશાને પણ હાથ પકડીને ઉભી કરતા બોલ્યો, "મૂડ નથી એટલે જ તો નાની કહે છે, ચાલ નહિ તો ઊંચકીને લઇ જઈશ."
આઈસ્ક્રીમ ખાતા હું તેને જ જોઈ રહ્યો હતો. "શું જુઓ છો?"
"તને.. ચકુડી તું ખરેખર ખબસુરત છે કે પછી દરેક બાપને દીકરી ખુબસુરત જ લાગે છે?"
તે હસી પડી, મને ગમ્યું, તે હસતી રહેવી જોઈએ. હસતા હસતા બોલી, "મારી માને પણ આવી આવી વાતો કરી ને જ ભોળવી હતી?"
"ના, તારી માં એ મને ભોળવ્યો હતો..." કહીને હું હસ્યો. તે ફરી ગંભીર થઇ ગઈ. "નિશા, તું હસતી રહે, તને શું ટેંશન છે? તું શું વિચારે છે? બધું જ મને કહે."
"મને કશું સમજાતું નથી."
"કશું સમજવાનું નથી, બસ એટલું સમજી લે કે તું મારી દીકરી છે, બસ, બાકીનું બધું મારા પર છોડી દે અને લાઈફ એન્જોય કર, મજા કર..."
"તમારા ઘરમાં બધા? તમારો દીકરો?"
"બધા જાણે છે, ફરી કહું છું કે ટેંશન ના લે. નાનીએ શું કહ્યું?"
"તે પણ જાણતા હતા, મમ્મીએ કહ્યું હતું, ફક્ત મને જ જાણ નહોતી."
"તારી મમ્મી હતી ત્યાં સુધી મને તારી જરાય ચિંતા નહોતી, તારી મમ્મી ના ગઈ હોતી તો તને હજુ પણ અમે જાણ કરતા નહિ."
"મારુ નામ??"
"બદલે કે ના બદલે... તું શું નામ થી ઓળખાય છે તેનાથી મને કોઈ જ ફરક પડતો નથી, કે તું મારી દીકરી મટી જવાની નથી."
"હવે?? હવે પછી શું?"
"હવે હું તારી સાથે રહેવા માંગુ છું.. એમ નથી કહેતો કે તું મારી સાથે રહે, પણ હું તારી સાથે રહીશ.. તું જ્યાં કહીશ અને જ્યાં રહીશ ત્યાં.. પણ તારી સાથે જ રહીશ."
નિશા મોં ફેરવીને મને જોવા લાગી, અને ધીરેથી તેની આંખમાં આંસુ ઉભરાયા. હું પણ ભાવુક થઇ ગયો અને તેને મારે પડખે દબાવીને તેના ગાલ ચુમ્યા. અહા!! પંદર વર્ષ પછી...
"ડાર્લિંગ, મને ડેડી કહે ને..."
તે મને વળગી પડી, ને મારી છાતીમાં મોં છુપાવીને બોલી, "મારી માં તમને શું કહીને બોલાવતી હતી, ડેડી?" બસ ખલાસ.. હું વિશ્વ વિજેતા હતો, મેં દુનિયા જીતી લીધી હતી.
અમે ઘેર આવ્યા ત્યારે અમે બંને ખુશ હતા. તે જોઈને નાનીના મોં પર પણ ખુશી આવી. ખુબ વાતો કરી, હસ્યાં.. જમીને હું ઉભો થયો, નિશા બોલી "ડેડી, અહીં જ સુઈ જાવ ને.. મને હજુ ઘણી વાતો કરવી છે."
"ના બેબી, મારે થોડું કામ પતાવવું પડશે, કાલે આવું છું, તૈયાર રહેજે આપણે પુના જઈશું."
"તમારે ઘેર?"
"ખબર નથી.. પુના તો જઈશું જ, કયા ઘેર જઈશું તે જાણતો નથી..."
"કઈ સમજ પડી નહિ."
"કાલે સમજાવીશ.." કહીને નિશાને ગાલે કિસ કરીને હું નીકળી ગયો.
હોટેલ પર આવીને પહેલું કામ મારા રીઅલ એસ્ટેટ એજન્ટને ફોન કરવાનું કર્યું. પુના નિશાને લઇ જઈને રહેવાની વ્યવસ્થા કરવાની હતી. આમ તો મારા છ ફ્લેટ છે, પણ તે દરેક રેન્ટ પર આપેલ છે. એજન્ટના કહેવા પ્રમાણે એક ફ્લેટ હમણાં જ ખાલી થયો હતો, અને હજુ રેન્ટ પર આપવાનો બાકી હતો. મેં તે ફ્લેટ કોઈને ન આપવા અને સફાઈ કરાવવાનું કહી દીધું. મારુ મોટું ટેંશન દૂર થયું હતું. નહીતો બીજું ઘર ન લઉં ત્યાં સુધી કે મારો ફ્લેટ કોઈ ખાલી ન પડે ત્યાં સુધી હોટેલમાં રહેવું પડવાનું હતું. ગમે-તેમ, ઘર અને ફર્નિચર વ્યવસ્થિત કરવું પડશે પણ નિશાને હોટેલમાં તો રહેવું નહિ પડે.
બિઝનેસ શિફ્ટ કરતા વાર લાગી શકે એમ છે, એટલે હાલ તો પુના જ રહેવું પડશે. પછી જોઈએ.. એવું લાગશે તો સાવીથી દૂર મુંબઈ શિફ્ટ થઇ જઈશું.
બિઝનેસને લગતા જવાબ ન આપી શકાયેલ કોલના બધાને જવાબ આપ્યા. વકીલને ફોન કર્યો અને ડિવોર્સ બાબતની સલાહ લીધી. મોડી રાત સુધી હું કામમાં બીઝી રહ્યો.
સવારે ઉઠતા જ ફ્રેશ થઈને ફરી કામે લાગ્યો. નિશાની કોલેજ વગેરેનું પણ સેટ કરવાનું હતું. નિશાને ફોન કરીને હોટલ પર બોલાવી લીધી. તે આવી, મારી ઢીંગલી.. મેં બે હાથ ફેલાવ્યા અને તે દોડીને મને વળગી પડી.
"આખી રાત કેટલી સિગારેટો ફૂંકી અને કેટલા પેગ માર્યા ડેડી?"
"ડાર્લિંગ તારો નશો ઉતરે ત્યારે બીજા માટે જગ્યા થાયને?" કહીને હું હસ્યો.
અમે તેની કોલેજ ગયા, અને પછી તેને માટે શોપિંગ કરી. નિશાને પેકીંગ વગેરેનું કામ હોવાથી તેને ટેક્સીમાં ઘેર મોકલી, "ડાર્લિંગ, સત્તર વર્ષમાં મેં તારી પાછળ રૂપિયોય ખર્ચ્યો નથી, તારી માએ ખર્ચવા દીધો નથી, અરે એક ચોકલેટ સુધ્ધાં અપાવી નથી. એ સત્તર વર્ષનું દેવું તું એક જ દિવસમાં ઉડાવી નાખીશ તો પણ મને વાંધો નથી." કહીને તેની પર્સમાં મેં મારો ક્રેડિટ કાર્ડ નાખ્યો. તે મને પણ લઇ જતી હતી, પણ મને હજુ થોડા કામ બાકી હતા, એટલે સાંજે આવવાનું અને તૈયાર રહેવાનું કહ્યું. અને સાંજે છ વાગ્યે પુના નીકળવા માટે ટ્રાવેલ એજન્ટને ફોન કરીને કાર બુક કરાવી અને આન્ટીનું એડ્રેસ લખાવ્યું. મને ખાતરી હતી કે સાવીનો ફોન નહિ જ આવે. અને હવે સાંજ પડવા આવી એટલે રહી-સહી આશા પર પણ પાણી ફરી વળ્યું. હું ઉદાસ થયો, કેમ? હું તો જાણતો જ હતો... તોયે કારણ વગર જ .. હવે સાવી વિષે વિચારીને મગજ ખરાબ કરવું નથી.
બેગ લઈને આંટીને ઘર આવ્યો. નિશા અને આંટી બેગમાં બધું ગોઠવી રહ્યા હતા. મારો હાથ પકડીને આંટી રડી પડ્યા, "મારી દીકરી તને સોંપું છું, મને જરાય ડર નથી, પણ મારી નિશાને રડવા દઈશ નહિ."
હું આંટીને ગળે લગાડીને બોલ્યો, "તમનેય અમે સાથે જ લઇ જતા, પણ હું પ્રોમિસ કરું છુ કે બધું સેટ થતા જ અઠવાડિયામાં જ તમને પણ અમારી સાથે જ લઇ જઈશ."
"ના ના, મને તમારી સાથે ફાવે નહિ."
"ભલે અમારી સાથે ન રહો પણ અમારી નજીક અલગ ઘરમાં તો રહેશોને? અહીં તમને એકલા છોડી શકું નહિ."
નિશા પણ ઉઠીને મારી પાસે આવી, મેં હાથ લંબાવીને તેને પણ મારી સાથે ભીંસી. તે પણ રડતી હતી.
નિશા બાથરૂમમાં ગઈ, આંટી બોલ્યા, "કાલે તું કહેતો હતો કે કાલે બધું કહીશ અને સમજાવીશ, તે તો કશું કહ્યું જ નહિ."
"શું? શેને વિષે?"
"તારી ફેમિલી ને નિશા વિષે વાત કરી? તેને સ્વીકારશે? મારુ કહેવું એમ છે કે નિશા તારી દીકરી છે, અને રહેવાની જ છે, તો તેને માટે તારા સંસારમાં ઝઘડા કરવાની જરૂર ખરી? તે ભલે અહીં રહેતી, તું આવતો-જતો રહેજે."
"ના આંટી, નિશા મારી સાથે જ રહેશે, અને તમે પણ.. તે માટે ભલે ગમે તે કરવું પડે.. અરે કરવું શું પડે, કરી જ નાખ્યું છે."
"સમજી નહિ, કરી નાખ્યું છે? શું કરી નાખ્યું છે?"
હવે સાવીની વાત છુપાવવાથી કોઈ ફાયદો નથી. આજે નહિ તો કાલે ઝઘડાની, ડિવોર્સની ખબર પડવાની જ છે, સારું છે કે હું જ તેમને કહી અને સમજાવી દઉં. "ઓકે આંટી, નિશા ક્યાં છે? તે બાથરૂમમાંથી આવે એટલે તમને બંનેને બધું જ કહી દઉં."
લેન્ડલાઇનની રિંગ વાગી, આંટી ફોન સાંભળીને બોલ્યા, "ડ્રાઇવરનો ફોન હતો, નીચે કાર આવી ગઈ છે."
નિશા પણ આવીને આન્ટીની પાસે બેઠી, બંને મારા બોલવાની વાટ જોઈ રહ્યા હતા. હું ધીરેથી તેમની તરફ જોઈને બોલ્યો, "જુઓ હું તમારાથી કશું જ છુપાવવા માંગતો નથી.."
મારા ફોનમાં વ્હોટ્સ એપના મેસેજની રિંગ વાગી. હું બોલતા અટકીને મેસેજ જોયો, સાવીનો હતો...લખ્યું હતું, "ફોન કેમ લાગતો નથી? ક્યાં દાટ્યો છે? કલાકથી ટ્રાય કરી રહી છું. સાંભળ, મેં નક્કી કર્યું છે કે વીસ વર્ષથી તને સહન કરવાની આદત પડી ગઈ છે એટલે સાથે તારી દીકરીને પણ સહન કરી લઈશ... તું ગમે તેવો છે, પણ એક વાત હું દાવા સાથે કહી શકું કે પ્રોમિસ કર્યા પછી તું ફરી જતો નથી, નિભાવે જ છે. અને તને યાદ હશે કે ફોનમાં તેં મને શું પ્રોમિસ કર્યું હતું... કાલે હું અને આરવ લંચ પર તમારા બંનેની રાહ જોઈશું, ગુડ નાઈટ."
હું ફોનને જ તાકી રહ્યો હતો, નિશા બોલી, "ડેડી જલ્દી કહોને કે તમે શું છુપાવવા માંગતા નથી?"
"એજ કે આજે પુના જવાનું કેન્સલ કર્યું છે, સવારે નીકળીશું, કારણકે સાવીએ આપણને લંચ પર પહોંચવાનો ઓર્ડર કર્યો છે."
----- સમાપ્ત.