ભદ્રંભદ્ર - પ્રકરણ - 11 Ramanbhai Neelkanth દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભદ્રંભદ્ર - પ્રકરણ - 11

ભદ્રંભદ્ર

રમણભાઈ મ. નીલકંઠ

૧૧. નાત મળી

અહિંસા-શાસ્ત્રાર્થ

રાત્રે મગનના સંબંધમાં પાકો અને છેવટનો વિચાર કરવાને નાત મળવાની છે, એ ખબર સાંભળી ભદ્રંભદ્રે ઉપલા બનાવના ખેદની વિસ્મૃતિ કરી. તેમનો ઉત્સાહ પાછો જાગ્રત થયો. શાહુડી સિસોળિયાં ફુલાવી નીકળે તેમ તે શાસ્ત્રવચનોથી સંનદ્ધ થઈ નીકળ્યા. મગનને આખરે પ્રાયશ્ચિત્ત કરાવી શુદ્ધ કરવો એવો તેમનો વિચાર હતો, પણ નાતવાળા વિરોધીઓને ભારે દંડ લેવામાં ફાવવા ન દેવા એવો તેમનો નિશ્ચય હતો. નાતની દેવીના મંદિરમાં નવ વાગતે નાત મળવાનો ઠરાવ હતો. દશ વાગતાં સુધી કોઈ આવ્યું નહિ. તે પછી અગિયાર સુધી છૂટક છૂટક આવી લોકો કોઈ નથી આવ્યું એમ કહી પાછા આવ્યા. છોકરાઓ બહુ જોરથી ઘંટ વગાડતા હતા અને કોઈ કોઈ વખત ’હે’ બોલાવતા હતા, તેથી જ આજની વિશેષતા માલમ પડતી હતી. આખરે જમાવ થવા લાગ્યો. લોકો આવી ઓટલા પર ખૂણામાં જોડા ગોઠવવા લાગ્યા, કોઈક અંદર બેસીને પ્રસ્તુત વિષય સિવાય બીજી અનેક બાબતોની વાતો કરવા લાગ્યા. કોઈ બહાર ઊભા રહીને ભદ્રંભદ્ર તરફ આંગળી કરી છાનામાના વાતો કરવા લાગ્યા. કોઈક મોડું થવા માટે પોતા વિના બીજા બધાનો દોષ કહાડવા લાગ્યા. કોળાના ભાવની વાત પરથી કાછીઆના, ધંધામાં કમાવાનું કે નહિ એ વાત ચાલી; તે પરથી કાછીઓ ચતુર કે કુંભાર ચતુર, તે પર વાત ચાલી, તે પરથી કોડિયામાં દાળ સારી લાગે કે વાડકામાં તે વાત ચાલી; તે પરથી ચીનાઈ માટીનાં ચલાણાં કેટલા જલદી ફૂટી જાય છે તે વાત ચાલી; તે પરથી કોઈએ પ્રશ્ન કર્યો કે ચીનાઈ માટીનાં ચલાણામાં ચાહ પીવાની શાસ્ત્રમાં આજ્ઞા છે કે નહિ. ચર્ચા વધતાં સુધારો કેટલો વધી ગયો છે અને કેટલી ભ્રષ્ટતા થઈ છે એવી કોઈએ ટીકા કરી. તે પરથી કોઈ એ કહ્યું કે નાતમાં માટી પીરસાય એટલું જ બાકી છે. કોઈ બોલ્યું કે ’હત્યા કરવાનો તો આરંભ થયો છે. બિલાડી ઉંદરનો શિકાર કરે તો બ્રાહ્મણ વળી બીજા કોઈનો શિકાર કરે.’ વંદાનું નામ જ બાકી હતું, ત્યાંથી બધા અટક્યા. અગાડી વિષય લંબાવવો કે નહિ તે વિચારી સર્વ એકબીજાની સામું જોવા લાગ્યા. અકસ્માત પ્રસ્તુત વાત આવી ગઈ કાંખ જાણી સર્વ ખેંચાયા. એવામાં સોમેશ્વર પંડ્યા ચકચૂર થયેલા મંડળને લઈને આવ્યા. તેમણે કેટલાકના પગ છૂંદ્યા, કેટલાકની પાઘડીઓ પાડી, કેટલાકને જગા કરવા દૂર ખેંચ્યા. હોહા થઈ, બોલાચાલી થઈ, સહેજ ટપાટપી થઈ.

આ સર્વ બનાવ ભદ્રંભદ્ર ક્યારના શાંતપણે જોઈ રહ્યા હતા તે હવે ઊકળી ઊઠ્યા. ઊભા થઈ સિંહવત્‌ ગર્જના કરી તેમણે કહ્યું કે ’અરે દુરાચારી દુષ્ટ, પતિત જનો ! તમે આ દેવીનું અપમાન કરો છો તેની તો ચિંતા નહિ પણ બ્રાહ્મણના નામને કલંકિત કરો છો ? કોણે તમને બ્રાહ્મણ કહ્યા ? કોણે તમને બીજાના બ્રાહ્મણત્વની પરીક્ષા કરવાને યોગ્ય કહ્યા ? પોતાની પરીક્ષા તો કરો.’

આ વચન કોઈ અમુક વ્યક્તિનું નામ દઈને કહ્યું નહોતું પણ તે બોલનાર તરફ સર્વનું ધ્યાન ખેંચાયું જોઈ સોમેશ્વરે જવાબ દીધો કે, ’બ્રાહ્મણ તો આજના નહિ પણ તારો બાપ ઢેઢવાડામાં ઠેસ ખાઈને મૂઓ ને તેના તેરમાની નાત ધૂળ થઈ તે પહેલાંના છીએ. પરીક્ષા કરવી છે તો શું કામ નાતની ખુશામત કરવા આજ આવ્યો છે ?’

ભદ્રંભદ્ર તરફના એક આદમીએ ઊઠી કહ્યું, ’અમે ખુશામત કરવા નથી આવ્યા પણ શાસ્ત્રાર્થ કરવા આવ્યા છીએ. એક આદમી તે કાંઈ નાત નથી કે તેનો કોઈ પર પાડ થવાનો હોય. ને કોઈનું મોત અકસ્માત ક્યાં થયું, ને નાતમાં કોઈ અદેખાને શું ટંટો કર્યો તે મહોટી વાત નથી. એમ તો કોઈનો કાકો છાકટો થઈને ગટરમાં પડીને મરી ગયો હોય તેનું કેમ ? દેવીને નામે દારૂ પીધો માટે શુદ્ધ થયો ?’

સોમેશ્વરના એક ભાઈબંધે કચ્છો મારી ખંભા ઠોકી ઉત્તર દીધો, ’કુસ્તી કરવી હોય તો આવી જા.’

એક વૃદ્ધ પુરુષે કહ્યું, ’કોઈને કંઈ છિદ્ર હશે ને કોઈને કંઈ હશે તે બધા માટે તકરાર કરશો તો પછી તો કોઈનો નાતમાં રહેવા વારો નહિ આવે, માટે મારામારીની વાત જવા દો. આ નાત શા માટે મળી છે તે કાંઈ છાનું નથી. તુળશીરામના દીકરા મગને હત્યા કરાવી માટે તેને નાતમહાર મૂકવાનો છે. એમાં વળી શાસ્ત્રાર્થ શાનો ? એમ કોઈ કહે છે કે હત્યા નથી થઈ ?’

એક બીજા બ્રાહ્મણે બેઠાં બેઠાં જ કહ્યું, ’શાસ્ત્ર હોય તો પછી નાતને શું પૂછવાનું હતું ? અમને બ્રાહ્મણીઆ વાંચતાં નથી આવડતું માટે શું નાતમાં અમારો એકડો નહિ ને શાસ્ત્ર જાણે તે જ નાતના મહોટા ? મગનને તો બહાર મૂકેલો જ છે. હું જોઉં છું એ કોને ત્યાં નાતમાં જમવા આવે છે.’

ભદ્રંભદ્રે ક્રોધાવિષ્ટ થઈ કહ્યું, ’આ તે કલિયુગ છે કે કલિયુગનો બાપ છે ? બ્રાહ્મણને મુખે શાસ્ત્રનો અનાદર થાય ત્યારે જનોઈ પહેર્યામાંયે શું સાર્થક્ય છે અને મોદક ખાવામાંયે શી તૃપ્તિ છે ? એમ ન સમજશો કે વેદધર્મ બધો નષ્ટ થઈ ગયો છે કે શાસ્ત્રને સ્થાને તર્કનું બળ ફાવશે. શાસ્ત્રાર્થનું કામ ન હોત તો વેદ ઇંગ્રેજીમાં કે ઉર્દૂમાં જ ન લખાત ? શાસ્ત્રાર્થનું કામ ન હોત તો મનુ, વ્યાસ આદિ ઋષિઓ સ્મૃતિઓને બદલે આંકની ચોપડીઓ ન લખત ? શાસ્ત્રાર્થનું કામ ન હોત તો સ્વર્ગમાં વૈતરણીમાં ગાયને પૂંછડે તરવાને બદલે પુલ ઉપર થઈ આગગાડીમાં બેસી જવાનું ન હોત કે બધા સડસડાટ ચાલ્યા જાત ! હું તો કહું છું કે શાસ્ત્ર જોવાની ના કહેનારને પહેલું પ્રાયશ્ચિત્ત આપો. શાસ્ત્રાર્થ કરવો સહેલો નથી તેનાં આ બધાં ફાંફાં છે. શાસ્ત્રમાં હું બાવળના વૃક્ષ જેવો છું. પાસે આવો કે કાંટા વાગે ને દૂર નાસો; સળગાવો તો એવો તાપ કોઈનો નહિ અને બારે માસ ઘરમાં ભરી મૂકો. આવો, કોઈ ઉત્તર દો કે મગને શું પાતક કર્યું ? હિંસા કરી, તો શ્રીમદ્‌ ભગવદ્‌ગીતામાં શ્રીકૃષ્ણ પરમાત્માએ કહ્યું છે કે આત્મા કોઈને મારતો નથી, ને કોઈથી મરાતો પણ નથી. તે તો અલિપ્ત છે અને અવધ્ય છે. તો પછી કોણે કોની હિંસા કરી ? આ પ્રમાણથી જ્ઞાની તો કદી ખૂનમાં પાપ ગણતા જ નથી. મનુસ્મૃતિમાં કહ્યું છે કે યજ્ઞ માટે સ્વયંભૂએ પોતે પશુઓ સર્જયા છે અને તેમાં યજમાન પશુ ન મારે તો પાપ છે. કયાં કયાં પ્રાણી ખાવાં અને કયાં કયાં ન ખાવાં તે નવમા અધ્યાયમાં ગણાવ્યાં છે, તો હિંસા તેથી સિદ્ધ છે. વેદમાં પશુઓની હિંસા લખી છે, તેમના શરીરના ભાગ કાપતાં નીકળે તે ગણાવ્યા છે, તેમના ઉપયોગનો વિધિ વર્ણવ્યો છે. તો શું તમે વેદને નહિ માનો ? બુદ્ધે અહિંસાનો બોધ કર્યો તે હિંસા થતી હશે તે વિના અમસ્થો જ ઘોંઘાટ કર્યો હશે ? રૂઢિ તેથી વિરુદ્ધ છે અને તે મારે માન્ય છે અને સુધારાવાળા કે પાશ્ચાત્ય લોકો સાથે વાદવિવાદ કરવો હોય તો ગમે તેમ સિદ્ધ કરી આપું કે વેદ અને શાસ્ત્રમાં હિંસાનું નામ નથી. પણ ખરી વાત પર આવે ત્યારે કહેવું પડે. બ્રાહ્મણ બ્રાહ્મણનું માથું વાઢે એમ તે હોય ? બાળક છે, સહેજસાજ દોષ થયો હોય તો જનોઈ બદલે, પણ આ ધાંધલ શું ?’

સોમેશ્વર પંડ્યા બોલી ઊઠ્યા, ’એમ જનોઈ બદલેથી પતી જાય એવું સહેલું કામ નથી. જનોઈ બદલે ને ગોર દક્ષણા લઈ જાય એમાં નાતનો શો ફાયદો ? વરસમાં બે વાર આખી નાતનું ભોજન થાય અને સહુ ભૂદેવોને સારી દક્ષણા મળે એટલી ગોઠવણ ન થાય તો પછી આ બધી મહેનતનું ફળ શું ? હોણ લગનગાળો મંદ હતો તેની ખોટ કંઈક પૂરી પાડવાનો લાગ આવ્યો છે. એવી આશા ન હોત તો વગર લેવાદેવાના ઉજાગરા કરત ? અમારે શી ગરજ પડી છે તે મગનને નાતમાં લઈએ ? નાતવાળાને ઘેર ફેરા ખાઈ ખાઈને જોડા ફાટે ત્યારે નાત તોડ કહાડવા મળે. તેને બદલે આમ સહેજ મળી મોચીનો ખરચ બચાવ્યો છે; તો શું તેના બદલામાં અમારા પેટરૂપી મોચીને મોદકરૂપી જોડા દાંતરૂપી ટાંકણા વડે સીવવા જેટલો રોજગાર પણ નહિ મળે ? કહે છે કે મગને પાપ કર્યું નથી. પણ કોઈએ પાપ કર્યું છે કે નહિ તેની અમારે પંચાત જ નથી. લોકોને પાપ કરતાં અટકાવવાં એ કોઈ નાતને કામ નથી. ચોરી કરી કેદમાં ગયેલા બ્રાહ્મણને નાતબહાર મૂક્યો એવું કદી સાંભળ્યું છે ? પણ બ્રાહ્મણ થઈ વાણિયાનું પાણી પીએ તો તરત નાતબહાર મૂકીએ. ધર્મ તો એમાં છે અને ધર્મ પળાવવો એ નાતનું કામ છે. એટલે એમાં શાસ્ત્ર જોવાનું કંઈ છે જ નહિ. શાસ્ત્ર કહે છે, તે એનો બાપ ભરૂચથી ઘોઘે નાવમાં બેસીને ગયો ત્યારે શાસ્ત્ર ક્યાં ઊંઘી ગયું હતું ? મહોટા શાસ્ત્રી કહેવાતા હતા પણ દક્ષણા જતી ન રહે માટે સમુદ્રગમન કર્યું. કેમ કોઈ બોલ્યું નહિ ? તે વખત એના કાકાનો જથ્થો હતો. જે તરફ જથ્થો તે તરફ શાસ્ત્ર તે રૂઢિ, તેથી મગનને પ્રાયશ્ચિત્ત અપાવી નાતમાં લઈએ તો વળી પા‘ડ સત્તર વખત. પૈસા આપતો હોય તો એ નાતમાં લેવો એવું કયા શાસ્ત્રમાં લખ્યું છે ?’

મગનનો ભાઈ આ બે પક્ષમાંથી એકે તરફ ન હતો. ભદ્રંભદ્રની સમાધાનની યુક્તિ પણ તેને પસંદ નહોતી. તે ઊઠીને બોલ્યો, 'મડદું ફોલી ખાવાને શિયાળવાં ભેગાં થયાં છે. પણ એમ તો કોઈ જુઓ કે મડદું છે કે કોઈ જીવતું છે ? આંખ ઉઘાડીએ તો વખતે મન પાછું હઠે માટે આંધળા થઈને જ ભક્ષ કરી જશો ? એક કહે છે કે નાતબહાર મૂકો, એક કહે છે કે પ્રાયશ્ચિત્ત કરાવો, એક કહે છે કે જનોઈ બદલાવો, પણ કોઈ એ તો કહે કે શું વિશેષ થયું છે ? મગને જાતે તો જીવડું માર્યું નથી અને માર્યું હોય તોયે પૂછું છું કે, આ બધા બેઠા છે તેમના જન્મારામાં કદી હત્યા કરનાર માટે નાત મળી સાંભરે છે ? બકરા અને પાડા મારનારા દેવીના ભગતો શુદ્ધ થઈ બેઠા છે એમને જ પૂછો ને કેમ તમે શા ધર્માચરણથી નાતમાં રહ્યા છો ? અરે ! જાનવરની હત્યા તો શું પણ બાળહત્યા અને ભ્રૂણહત્યા કરાવનારાનાં નામ કોઈથી છાનાં નથી. એમને કોઈ પૂછતું નથી અને મગનને કેમ પૂછવા આવ્યા છો ? મગને શો અપરાધ કર્યો તે તો કહો. એ શાસ્ત્રથી અપરાધ છે કે રૂઢિથી અપરાધ છે ? નથી કોઈ શાસ્ત્ર જાણનારા ને નથી કોઈ રૂઢિ પાળનારા. ભટ્ટાઓને મિષ્ટાન્નની લાલચ લાગી છે. મફતનું ખાવાનું મન થયું છે, તો હું પણ ખરો કે ખરેખરા મફતના રોટલા ખવડાવું. જાઓ મગન પ્રાયશ્ચિત્ત નહિ કરે, એ કંઈ નાતબહાર નથી.'

થોડું ભણી થોડો વેપાર કરી, થોડી ખુશામત કરી અને ઘણા નાતવરા ખાઈ પેટ ભરનાર એક સામા પક્ષનો બ્રાહ્મણ તરત ઉત્તર દેવા ઊઠ્યો. તેણે કહ્યું, 'નાતબહાર છે કે નહિ તે વખત આવે માલમ પડશે. નાતે તો નાતબહાર મૂક્યો છે. પશુહત્યા અને બાળહત્યા કરનારા કોઈ જાણવામાં નથી. એવાં કોઈ હોત તો તેને નાતબહાર મૂક્યા જ હોત. એવાં કૃત્યો માટે કોઈને નાતબહાર નથી મૂક્યા તેથી સિદ્ધ થાય છે કે એવું કરનારા કોઈ છે જ નહિ. હિંસા શાસ્ત્રમાં લખી છે. એમ કહેનારા તો વટલેલા છે. હિંસા જેવું દુષ્ટ કામ વેદમાં લખ્યું હોય તો પછી વેદ ઈશ્વરપ્રણીત શાના ? અને તે ઈશ્વરપ્રણીત નથી એમ કંઈ તે માટે કહેવાય ? આ દેશનો બધો ધર્મ ઊંધો વળાય ? સનાતન ધર્મનું રક્ષણ તો કોરે રહી જાય અને ઊલટી લોકની અપ્રીતિ થાય. એવી સત્યશોધક બુદ્ધિ તો સુધારાવાળાને ઇષ્ટ હજો. માટે આપણે તો સારું એ કે હિંસા વેદમાં લખી જ નથી. લખી છે એમ બતાવે તેને કહેવું કે વેદમાં હિંસા છે એમ કહે તે વેદ સમજે જ નહિ. એમ તો વળી સુધારાવાળા કહે છે કે વેદમાં ઘીનાં ટાંકાં કરવાનું નથી લખ્યું માટે શું ટાંકાં ન કરવા ? વેદમાં ઈશ્વરપ્રણીત નથી. જે ટાંકાની ના કહે તે વેદ સમજતા નથી એમ કહેવું. વેદાદિ શાસ્ત્ર તો કામદુઘા ગાય છે. જે જોઈએ તે મળે એમ છે, તો પછી ઘીના ટાંકાં ન મળે ? શું બ્રાહ્મણની કોઈને દયા જ નહિ હોય ? જુઓ, બ્રાહ્મણ પણ દયા ખાતર જ વેદમાં લખ્યું છે કે વિલાયતી સાંચાકામમાં ચરબી વાપરવી પડે તો તે વખત હિંસા અટકાવવી નહિ; કેમ કે ચરબીને બદલે એટલું બધું ઘી વપરાય તો ઘી બહુ મોંઘું થઈ જાય અને લોકો બ્રાહ્મણને મિષ્ટાન્ન બહુ ઓછાં જમાડે. ભક્ષ યજ્ઞા, વગેરે માટે પશુ મારવામાં ધન-લાભ નથી તો તે હિંસા અટકાવવી જોઈએ.’

શાસ્ત્રનો એક અક્ષર વાંચ્યા વિના શાસ્ત્રજ્ઞ હોવાનો ડોળ રાખનાર એક મહારાજ બોલ્યા, ’કેટલાક સમજ્યા વિના કહે છે કે યજ્ઞમાં પશુ મારવાનું લખ્યું છે. પણ વેદમાં તો જ્યાં પશુ, અજ, છાગ, અશ્વ, ગૌ, વત્સ, નર, માંસ, મેદસ્‌, વપા, એ શબ્દ આવે ત્યાં તેનો અર્થ ચોખા જ કરવાનો છે; બહુ બહુ તો નારિયેળ કે કોપરાની ઘારી એવો અર્થ થાય. માખી ઉરાડી હોય તેને વાઘ માર્યો કહીએ છીએ એવી એ બધી લક્ષણા હશે. તે માટે પ્રમાણ આપણી ઇચ્છા છે અને વળી કોઈ કદી ખરાં પશુ મારતા હશે તો તે એવા તપસ્વી હતા કે પશુને મારીને ખાઈ ગયા પછી પાછું જીવતું કરે. શરીરના રજકણ શી રીતે પાછા એકઠા થતા હશે તે હાલ કલિયુગમાં નવાઈ લાગે, પણ, આગલા યુગની વાત જુદી હતી. એવા ચમત્કાર તો ઈશ્વર પણ કરી નથી દેખાડતા. ઈશ્વરને તો એવું કે જે એક વાર મરી ગયો તે મરી ગયો. મરી ગયેલો ફરીથી બેઠો થાય તે તો પશુ ખાનારા આગલા યુગના પુણ્યશાળી ઋષિઓ જ કરી શકતા. પણ આ યુગમાં હવે તેમ થાય નહિ. આ યુગમાં તો મ્હોંયે કહેવાનાં પ્રમાણ માટે શાસ્ત્ર જોવાય પણ આચરણ કરવાનું પ્રમાણ જોઈએ ત્યારે તો રૂઢિ જ. નહિ તો પછી અસલનો જ ચાલતો આવેલો સનાતન ધર્મ શાનો ? સનાતન તો રૂઢિ જ. રૂઢિ તોડનારને પ્રાયશ્ચિત્ત આપવું જ જોઈએ.'

એક પીનપુષ્ટ ભૂદેવે બેઠાં બેઠાં કહ્યું, ’નાત મળી છે, ત્યારે ઠરાવ કરોને કે દૂધપાકનું જમણ હોય ત્યારે પડિયા મહોટા જ આપવા. નહાના પડિયાથી કાંઈ દૂધપાક ઓછો વરતો નથી, પણ જમનારાને હરકત પડે છે અને ઘડી ઘડી માગવું પડે છે એટલું જ.’

એક મહારાજ છાપાંતિલક કરી, કચ્છો મારી અને ચોટલી છૂટી રાખી ઉઘાડા જ આવ્યા હતા. તે બોલ્યા, ’અરે દૂધપાકના નહાના પડિયા આપવા એ છેક શાસ્ત્રવિરુદ્ધ નથી, પણ છોકરાઓ સાહેબલોકશાહી બાબરાં રાખે છે અને શિખાબંધન નથી કરતા એ અધર્મ અટકાવો ને. વૈતરણીમાં ડૂબ્યા તે વખતે શિખા નહિ હોય તો તેને ખેંચી શી રીતે કહાડશે ? શિખાબંધન વિના કશો ધર્મ પળાય કે એકે પુણ્યકર્મ થાય એમ કલ્પનામાં પણ આવી શકે છે ? આપણા ઘરડાઓએ બહુ વિચાર કરી શિખાબંધનનો વિધિ કહ્યો છે. જુઓ, જેવી શિખાની ગાંઠ વાળે કે તેવી આંતરડામાં ગાંઠ પડે છે અને તેથી પ્રાણવાયુ ખેંચાય છે અને આગગાડીના ઇંજિન જેવી સિસોટી વાગે છે, તે ધર્મરાજની કચેરીમાં સંભળાય છે અને ત્યાં વિમાનનો એક ટાંકો સિવાય છે. બધા ટાંકા સિવાઈ રહે એટલાં શિખાબંધન કર્યા હોય તેને જ મરતી વખત વિમાન આવે છે. બીજા બધા રહી જાય છે. શિખાબંધન નહિ કરનારો કોઈ સ્વર્ગમાં ગયો સાંભળ્યો છે ? માટે બંદોબસ્ત કરો કે જે બાબરા રાખે તે સવા રૂપિયો દંડ આપે ને મૂછ મૂંડાવે. સુધારો તે ક્યાં લગી ! આપણા ઋષિઓ દાઢી રાખતા તે તો જાણે હવે મુસલમાન, પારસી અને અંગ્રેજ રાખે છે, માટે પારકા દેશનો ચાલ ગણી છોડી દેવો પડ્યો, પણ લાંબા વાળ રાખવામાં એ ઋષિઓની રીતે છોડી દેવી અને પારકા દેશના ભ્રષ્ટ રિવાજ દાખલ કરવા ? આપણામાં ઘણા ઘાંયજાના ગોર છે તો ઘાંયજાને જ દબાવો ને કે જે બ્રાહ્મણની ચોતલી કાતરે તેને ત્યાં ગોર નહિ આવે.’

ભદ્રંભદ્ર લાગ જોઈ બોલી ઊઠ્યા, 'શું તે માટે અમારી જન્મારાની વૃત્તિ જવા દઈએ અને દક્ષિણા છોડી દઈએ ? ખરો ઉપાય તો એ છે કે શિખા ન હોય તેને નાતમાં જમવા ન આવવા દેવા. આ બધા બાબરી રાખનાર છોકરાને નાતમાં જમવા આવવા દો ને મગનને અટકાવો એ કેમ, શાસ્ત્ર કે રૂઢિ પ્રમાણે છે તે આવો કોઈ બતાવો. પશુવધ કરતાં શિખાકર્તનમાં વધારે પાપ છે કેમ કે શિખામાં બ્રહ્મતેજ રહે છે અને શિખા કપાવે તો બ્રહ્મહત્યા થાય છે. શાસ્ત્ર કોરે રાખશો તોયે આમાં રૂઢિ પણ છે. પહેલી શિખાબંધન ન કરનારને કરવાની શિક્ષા નક્કી કરો. તે શિક્ષા મગનને કરજો, અમારે કબૂલ છે, પણ પહેલું એ કર્યા વિના મગનનું નહિ થાય.'

બધાના મનમાં આથી ગૂંચવણ થઈ. ઘણાનાં સગાંમાં બાબરીની સજામાં આવી જાય એવા છોકરા હતા. મગનને હેરાન કરવાની સર્વ કોઈને ઇચ્છા હતી, પણ પોતાનું સાચવીને શી રીતે બીજાને સતાવવો એ મુશ્કેલી થઈ પડી. કોઈ કહે કે 'નાત જે માટે મળી હોય તે વાતનો જ વિચાર થઈ શકે, બીજો પ્રશ્ન હોય તો ફરી નાત મેળવે,' કોઈ કહે કે 'મગન દંડ આપે તે રકમમાંથી બાબરાં રાખનાર પ્રાયશ્ચિત્ત કરે.' કોઈ કહે કે 'નાતમાંથી મગન પ્રાયશ્ચિત્ત કરશે એટલે આખી નાત પાવન થશે ને બીજાને પ્રાયશ્ચિત્ત કરવાની જરૂર નહિ પડે.'

ભદ્રંભદ્રે આ સર્વ સામે વાંધો લીધો કે 'મગન એકલો પ્રાયશ્ચિત્ત કરી શકે નહિ. એણે વંદાનો વધ કર્યો તેથી આખી નાત પતિત થઈ છે માટે આખી નાતે પ્રાયશ્ચિત્ત કરવું જોઈએ. મગન શુદ્ધ થયા પછી બીજા લોકો મગનની સાથે પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થયેલા ન હોય તો મગન પાછો તેમના સંસર્ગથી ભ્રષ્ટ થાય, તે પછી બીજા પ્રાયશ્ચિત્ત કરે તેઓ ભ્રષ્ટ થયેલા મગન સાથે સંસર્ગ કર્યાથી પાછા ભ્રષ્ટ થાય, પછી પાછા મગનને પ્રાયશ્ચિત્ત કરવું પડે. પછી એ લોક કરે, એમ અનંતકાળ સુધી ચાલ્યું જાય; ચોર્યાસી લક્ષ ભવ વહી જાય પણ પ્રાયશ્ચિત્તનો પાર ન આવે, માટે બધાએ સાથે જ કરી નાખવું એ વધારે સારું છે. વળી શિખાકર્તનમાં મોટું પાપ છે અને વંદાવધ પાપ છે. તેમાંથી નાના પાપનું પ્રાયશ્ચિત્ત પહેલું કરાવી નાનામોટાની પદવીનો વ્યક્તિક્રમ કરાવીએ તો સુધારાવાળામાં અને આપણામાં ફેર શો ? પાપમાંયે નાનામોટાનું માન સાચવવું જોઈએ. વળી પ્રાયશ્ચિત્ત કેવી જાતનું કરવાનું તે હજી નક્કી થયું નથી; એ માટે શાસ્ત્ર જોવું જ પડશે. નાતમાં મારા સમાન કોઈ શાસ્ત્રી નથી તેથી મને પૂછવું પડશે ને મગનને જેટલો દંડ થશે એથીયે મારી દક્ષણા વધારે થશે. એટલે મગનના દંડમાંથી બીજાના પ્રાયશ્ચિત્તનો ખરચ નીકળે એ આશા ખોટી છે.’

નાતમાં પોતાને સહુથી વિદ્વાન શાસ્ત્રી માનનાર એક ભૂદેવને આ છેલ્લા વાક્યથી ખોટું લાગ્યું. તે બોલી ઊઠ્યા, 'કોના સમાન કોણ છે અને કોણ નથી એ કંઈ અભિમાન કર્યાથી સિદ્ધ થતું નથી. નાત તરફથી શાસ્ત્રાર્થ અમને જ પુછાશે. અમારી પરીક્ષા કરવાનો કોઈને અધિકાર નથી ને વિદ્વાન કહેવડાવવાનો બીજા કોઈને હક નથી. ઘાંયજાના ગોરને શાસ્ત્રીની દક્ષણા મળશે ત્યારે તો ગરોડા પણ બ્રાહ્મણ ભેગા જમી જશે.' એ જ પક્ષના એક બીજા બ્રાહ્મણે કહ્યું : 'એ યે ગરોડા જેવો જ છે તો. ઠેર ઠેર લાંબી જીભ કરીને ભાષણો કર્યા માટે કંઈ જાત બદલાઈ ? એનો બાપ કોઈ આઘેના ગામડામાંથી બાયડી પરણી લાવ્યો હતો અને કહેતો હતો કે આપણી નાતની છે. કોણ જોવા ગયું હતું કે બ્રાહ્મણ છે કે ઢેડ છે !’

ભદ્રંભદ્રનો પિત્તો ઊછળ્યો, મિજાજ હાથમાં ન રહ્યો. દક્ષના યજ્ઞમાં જાણે શિવ કૂદતા હોય તેમ આ નિંદાવાક્ય બોલનાર તરફ તેઓ વેગથી ધસ્યા, તેને જોરથી તમાચો માર્યો. તેણે ભદ્રંભદ્રને પેટ પર મુક્કી લગાવી. ભદ્રંભદ્ર કળ ખાઈ બેસી ગયા. એટલે સામાવાળાએ માથા પર લાત મારી. બંને પક્ષના માણસો ધસી આવ્યા, બાઝાબાઝી ને મારામારી થઈ; શોરબકોર થઈ રહ્યો; સોમેશ્વર પંડ્યાના મંડળને જોઈતો હતો તેવો લાગ મળ્યો. કયા પક્ષનો માણસ છે તે જોયા વિના તેમણે યથેચ્છ પ્રહાર ચલાવવા માંડ્યો, હાથ લાગ્યાં તેટલાં ખાસડાં ફેંક્યાં, લાકડીઓ અને દંડા ચલાવ્યા, મંદિરોમાંનો સામાન અફાળ્યો, કોઈનાં માથાં ફૂટ્યાં કે કોઈના પગ ભાંગ્યા, કોઈની કમ્મર તૂટી, કોઈ બેશુદ્ધ થઈને પડ્યા. રસ્તે જનારા પણ તાળીઓ પાડતા હતા અને પથરા ફેંકી રમૂજ મેળવતા હતા. મારામારીનો અંત આવતાં જરા વાર લાગત પણ પોલીસનો સિપાઈ આવે છે એમ સાંભળ્યું એટલે નાસાનાસી શરૂ થઈ. સોમેશ્વર પંડ્યા પહેલા નાઠા. જેમનાથી દોડાયું તે દોડી ગયા, ન દોડાયું તે સંતાયા, ન સંતાઈ શક્યા તે માર વાગ્યાની બૂમો પાડવા લાગ્યા.

ભદ્રંભદ્ર પીડાતા પડ્યા હતા. તેમને સિપાઈ આવ્યાની ખબરે પુનર્જન્મ રૂપ થઈ વાગેલા મારની વિસ્મૃતિ કરાવી. ઊભા થઈ પડખાની બારીએ થઈ તે નાઠા. પછાડી માણસો આવતા જોઈને દોટ મૂકી ગલીકૂંચીએ થઈ તે અદૃશ્ય થઈ ગયા. સવાર થયું પણ ઘેર આવ્યા નહિ. આખો દહાડો એમને સારુ અનેક હેતુથી શોધાશોધ થઈ પણ કાંઈ પત્તો લાગ્યો નહિ. અંધારું થયે ઘેર આવતાં એમને પોલીસે પકડ્યા.

***