વિહારીકા Aakriti દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

વિહારીકા

વિહાર અને સારિકા.

બે નામ, જે મહત્તમ સાથે જ લેવાતા. કારણ? કારણ કે એ બંને એક બીજા થી અલગ હતા જ નહિ.

સાવ જુદા વાતાવરણ અને કુટુંબ માંથી આવેલા બે લોકો વચ્ચે આટલી બધી લાગણી હોઈ શકે? માન્ય માં ના આવે પરંતુ હકીકત છે આ.

વિહાર - એક અત્યંત તેજસ્વી અને ધનિક કુટુંબ માંથી આવેલો છોકરો. અને સારિકા - એક સામાન્ય વિદ્યાર્થીની. ભણવામાં એટલી હોશિયાર નહિ છતાં એક આકર્ષક વ્યક્તિત્વ ધરાવનારી, એક સામાન્ય આર્થિક સ્થિતિ ધરાવતા પરિવારમાંથી આવતી.

સામાન્ય રીતે, અતિ શ્રીમંત કુટુંબમાંથી આવતા છોકરાઓ વિષે આપણે એક અલગ મંતવ્ય ધરાવતા હોઈએ છે. પરંતુ, વિહાર આપણી એ દરેક માન્યતાનું ખંડન કરનારો હતો.

તે ખુબ જ ધાર્મિક, લાગણીશીલ અને હંમેશા પરિવાર તથા માતા-પિતા નો આદર કરનારો હતો.

જયારે સારિકા ખુબ જ ચંચળ અને સ્વચ્છન્દી હતી. વિહાર જેટલો શાંત, ગાઢ સ્વભાવ નો હતો, સારિકા તેટલી જ ક્રોધિત અને ચંચળ સ્વભાવ ની હતી.

બંને વચ્ચે સામ્ય એટલું જ કે બંને એક જ શાળા અને ત્યાર બાદ એક જ કોલેજમાં અભ્યાસ કરતા.

પરંતુ ન જાણે બંને વચ્ચે શું મનમેળ હતો?

બંને શાળામાં એક નાટક દ્વારા સંપર્ક માં આવ્યા અને ત્યારબાદ બંને વચ્ચેની શરુ થયેલી મિત્રતા કોલેજ અને એના પછી પણ દિન-પ્રતિદિન વધતી ગઈ.

કદાચ બંનેના સ્વભાવ માં રહેલી ભિન્નતા તે બંનેને પરિપૂર્ણ કરતી હતી.

તેઓ બંને એકબીજાને એકબીજા કરતા પણ વધુ ઓળખતા, સમજતા થયા.

અને કેમ ના થાય? તેઓ પોતાના દિવસનો મહત્તમ સમય એકબીજા સાથે જ તો વ્યતીત કરતા હતા.

અજાણતા જ આ અતિ મૈત્રી પ્રણય માં પરિણમી.

તેઓ તો ઠીક, પરંતુ તેમના કોલેજ ના બધા મિત્રો તેમના નામ ને એક સાથે જ સંબોધતા.

- વિહાર + સારિકા = વિહારીકા .

આખી કોલેજ માં આ જોડી વિશ્વ વિખ્યાત હતી !

તેમના આ સબંધ સાથે તેઓ ખુશ હતા. પરંતુ જેમ જેમ કોલેજ પુરી થવાના દિવસો નજીક આવતા ગયા તેઓ ના મનમાં ચિંતા ઉદ્દભવી.

શાળા પછી તો કોલેજ નો વિકલ્પ હતો.પરંતુ કોલેજ પછી શું?

હવે બંને જણાને એક નિર્ણય કરવા માટે મજબુર થવું પડ્યું.

નિર્ણય લઇ શકે કા તો સાથે રહેવાનો કા તો છુટા પાડવાનો પણ.

પરંતુ સાથે રેહવું સરળ ન હતું. બંને ના કુટુંબ માં રહેલી અસમાનતા બાધારૂપ બની હતી.

બંને પરિવારોને આ મૈત્રી એટલી નહતી પસંદ તો સંબંધ તો ક્યાંથી હોય?

ખુબ વિચાર્યા પછી વિહાર અને સારિકા એ ભાગીને લગ્ન કરવાનું નક્કી કરી લીધું.

આ પગલું ખુબ જ મુશ્કેલ હોવા છતાં તે બંને ના મતે તો આ જ સાચો અને એક માત્ર વિકલ્પ હતો.

બંને જણ એકબીજાને અનહદ પ્રેમ કરતા હતા એટલે જ આ નિર્ણય અમલ માં મુકવા માટે સહમત થઇ ગયા હતા.

કોલેજ ના છેલ્લા દિવસે એ બંને જણા એ આજથી બરાબર એક મહિના પછી ભાગી ને કોર્ટ મેરેજ કરવાનું નક્કી કર્યું. નક્કી કરેલા સમય અને સ્થળે બંને ભેગા થશે એવું એકમેક ને વચન આપીને તેઓ છૂટા પડ્યા. બંને જણા એ દિવસ ની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા.

સારિકા તો એ દિવસ ની ખુબ જ આતુરતા અને ઉત્સાહ પૂર્વક તૈયારી કરી રહી હતી.

અલબત્ત, તે એ વાત થી સાવધાન હતી કે આ વિષય પર તેના માતા-પિતા ને જરાય પણ સંદેહ ના જાય. પરંતુ સારિકા ના ચંચળ, વધુ પડતા ઉત્સાહ ને કારણે તેની માતાને આ વસ્તુ નો ખ્યાલ આવી ગયો.

તેને સારિકા ને આ બાબત પર ચર્ચા કરી તેનું નિવારણ અથવા વચેટ નો કોઈ માર્ગ નીકાળવા પણ પ્રયાસ કર્યો પરંતુ સારિકા દર વખતે ખુબ જ ક્રોધ સાથે તેની માતાની સલાહ - શિખામણ ને નજર અંદાજ કરીને તેમનું અપમાન કરતી.

પુત્રી ના આવા કઠોર વેણ અને અપમાનિત કરનાર વર્તન જોઈને તેની માતાને ખુબ જ આઘાત લાગ્યો.

દુઃખ ના કારણે દિવસે દિવસે તેમની તબિયત બગડતી ગઈ.

આવા સંજોગો માં પણ સારિકા તેમની સંભાળ રાખવાના બદલે આ બધું તેમનું એક નાટક હશે જે એમણે સારિકા અને વિહાર ને દૂર કરવા માટે રચ્યું હશે તેવું વિચારી રહી હતી અને તેમની દરકાર કાર્ય વગર પોતાના અને વિહારના સંબંધ અને લગ્ન પછીના પોતાના સંસારના સુનહરા સ્વપ્ન સેવી રહી હતી.

આ બાજુ વિહાર પણ તે દિવસને લઈને ખુબ જ આશાસ્પદ અને ઉત્સાહિત હતો.પરંતુ તેના મનમાં હંમેશાની જેમ પ્રથમ વિચાર તેના પરિવારનો આવતો હતો.

વિહાર સારિકા ને સાચા મનથી પ્રેમ કરતો હતો પરંતુ તે તેની પોતાના પરિવાર પ્રત્યેની ફરજ પણ નહોતો ભુલ્યો.

આ સંબંધ પોતાના માતા-પિતા પરિવારજનો ના આશીર્વાદ વિના કેવી રીતે બંધાય?

આ પ્રશ્ન જ તેને હંમેશા મનમાં થયા કરતો.તેને આ સંબંધ પ્રત્યેની પોતાની ઈચ્છા ફરી એક વાર પોતાના માતા-પિતા સમક્ષ રજુ કરવાનું નક્કી કર્યું.

ખુબ મથામણ પછી તે આ વિચાર અમલ માં મૂકી શક્યો.

એક દિવસ સવાર પડતા ની સાથે જ તેને બધાની સમક્ષ આ સંબંધ ની રજૂઆત ફરી કરી.

પરંતુ તેના માતા અને પિતાના સખત વિરોધ સામે ઝૂકીને આ વિષય પર ચર્ચાનો અંત લાવવો પડ્યો.

તેના માતા-પિતા આ સંબંધ સ્વીકારવા ક્યારેય રાજી નહિ જ થાય એ બાબત હવે સ્પષ્ટ થઇ ગઈ હતી.

આ સાથે જ બીજા જ દિવસે તેના પિતા પોતાના એક મિત્ર ની પુત્રી સ્નેહા સાથે વિહારના સંબંધ નક્કી કર્યાના સમાચાર લઇ આવ્યા હતા.

વિહાર ના માથે તો જાણે વજ્રઘાત થયો.પોતાના પિતા આ નિર્ણય અને એ પણ એટલો જલ્દી લેશે તેની તો તેને કલ્પના પણ નહતી કરી.

વિહાર હવે એક ખુબ મોટા ધર્મ સંકટ માં ફસાઈ ચુક્યો હતો.

છેવટે, એ દિવસ આવી ગયો જયારે બંને એકબીજા ની સાથે પોતાની નવી જિંદગી વિતાવવાની શરૂઆત કરવાની હતી. સારિકા ખુબ જ ખુશ હતી. બપોરના ૩ વાગે મળવાનું નક્કી થયું હતું પરંતુ તે સવારથી જ ખુબ જ ઉતાવળી થઇ રહી હતી. જયારે તેની માતા હજુ પણ તેને સમજાવવાનો પ્રયત્ન કરતી હતી.

ના-છૂટકે તેની માતા એ આ વાત તેના પતિને જણાવી દીધી. સારિકા ના પિતા તેના કરતા વધુ ઉગ્ર સ્વભાવના હતા.

આ વાતની ખબર પડતા જ તે સારિકા સાથે વાત કરવા ઓફિસ થી ઘરે પરત આવી ગયા.

સારિકા અને તેના પિતા વચ્ચે ઘણા જ કઠોર-ઉગ્ર વચનો ની આપ-લે થવા મંડી. કદાચ એટલે જ આજ સુધી સારિકા ની માતા -એ તેના પતિ થી આ વાત છુપાવી હતી.

તે બંને ના સ્વભાવ થી પરિચિત હતી. છેવટે ન બનવાનું જ બન્યું.

સારિકા ખુબ જ ક્રોધ માં ઘર છોડીને ચાલી નીકળી.અને તેની પાછળ તેના પિતા એ એટલા જ ક્રોધ માં ઘર ના દરવાજા તેના માટે હંમેશા માટે બંધ કરી દીધા.

સારિકા ખાલી હાથે ઘર છોડી ને ચાલી નીકળી હતી. તેની પાસે તેનો ફોને પણ નહતો. ૩ વાગવાને હજી ઘણી વાર હતી.શું કરવું, શું ના કરવું ની દ્વિધા વચ્ચે તે વિહારના ઘરે જવા ઉપડી. આમ પણ ૩ વાગે તો આ વસ્તુ થવાની જ હતી, તો થોડા વેહલા, આમ વિચારીને તે વિહાર ના ઘરે પોહચી.

વિહાર ના ત્યાં પોંહચતા તેને જોયું કે ઘરનો મુખ્ય દ્વાર ખુલ્લો છે અને ઘણા મહેમાનોની અવાર-જવર પણ છે.અંદર જઈને તે જોવા માંગતી હતી. તે ગમે તેમ કરીને છુપાઈને મુખ્ય દ્વાર ની નજીક એક બારી સુધી પોહચી ગઈ. અંદર નું દ્રશ્ય જોતા જ તે લગભગ પોતાની સમસ્ત ચેતના ગુમાવી દીધી. અંદર વિહાર અને સ્નેહાની સગાઇ થઇ રહી હતી ..!

લગભગ સાત વર્ષ પછી…

વિહાર તેની બિઝનેસ મિટિંગ માટે એક હોટેલ આવ્યો હતો.

આ સાત વર્ષ દરમ્યાન તેને તેના પિતાના વ્યવસાયને ખુબ ઉપર પોંહચાડયો હતો.તેની અધાગ મેહનત અને નિષ્ઠા ના કારણે તે આ મુકામ પર પોહચી શક્યો હતો. આજે તે એક બિઝનેસ મીટ માટે જ અહીં આવ્યો તો.નક્કી થયેલા સમયાનુસાર એક ભવ્ય કોન્ફરન્સ રૂમમાં બિઝનેસ મિટિંગ શરુ થઇ. મિટિંગ ના મુખ્ય અતિથિ અને વક્તા ને સ્ટેજ પર આવકારવામાં આવ્યા. તેને જોઈને જ વિહાર ચોંકી ઉઠ્યો.

શું તે આજે ખરેખર એને જોઈ રહ્યો છે? એ વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ સારિકા હતી. જેને તે છેલ્લા સાત વર્ષ દરમ્યાન સતત શોધતો રહ્યો હતો.

સારિકા અને વિહારની નજર ક્ષણ ભાર માટે એક થઇ.

વિહાર પોતાને સારિકા ને આપેલા દગા માટે આજદિન સુધી ક્ષમા નહતો કરી શક્યો. તેણે તેની નજર સારિકા થી છુપાવી લીધી હવે તે મિટિંગ પુરી થવાની જ રાહ જોતો હતો. મિટિંગ પુરી થવાની સાથે જ તે ઝડપથી કોન્ફેરન્સ રૂમમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યાં જ તેને સારિકા ની બૂમ સંભળાઈ. તે તેની તરફ જ આવી રહી હતી.સારિકા એ ખુબ જ સહજ રીતે વિહારનું અભિવાદન કર્યું. વિહાર હજી સુધી સ્વસ્થ નહોતો થઇ શક્યો.

તેણે કઈ કેહવા માટે, પોતાના નિર્ણય કે દગા માટે કઈ કેહવા પ્રયત્ન કર્યો કે સારિકા એ પોતાના હોઠ પર આંગળી મૂકી તેને ચૂપ થઇ જવા નિર્દેશ કર્યો. તેને કહ્યું, " વિહાર, સાત વર્ષ થઇ ચુક્યા છે એ વાતને.

જયારે મેં તને અને સ્નેહા ને સાથે જોયા ત્યારે હું ખુબ જ ક્રોધિત થઇ હતી.

તારા ઉપર મને એકદમ જ નફરત થઇ આવી હતી. એ એક ક્ષણ માં જ હું વર્ષોના સંબંધ વર્ષોના વિશ્વાસ ને ભૂલી ગઈ હતી. તારા ઘરે થી નીકળી ને હું જાણે ભાન જ ભૂલી ગઈ હતી. ઘરેથી ભાગીને આવી હતી હું.

એ પછી ના ૩ મહિના મેં જાણે કોઈ અજ્ઞાતવાસ માં વિતાવ્યા હતા. ૩ મહિના પછી ફરી એક વાર હું તારા ઘરે આવી હતી, માત્ર પોતાના સ્વાર્થ હેતુ. હું તને ખુબ જ કઠોર કડવા વચનો સંભળાવવા માંગતી હતી.

જે ક્રોધને મેં ત્રણ મહિના સુધી મારી અંદર દબાવી રાખ્યો હતો, તે તારા ઉપર ઉતારવા માંગતી હતી. પરંતુ ત્યાં મેં તારા અને તારા પિતા વચ્ચે નો સંવાદ સાંભળી લીધો હતો. તે સ્નેહા સાથે સંબંધ બાંધ્યો એ તારું એક એવું પગલું હતું જેના દ્વારા તું તારા માતા-પિતાનું ઋણ ચૂકવવા માંગતો હતો. તારા પિતા એ સ્નેહા ના મૃત્યુ-શય્યા એ રહેલા પિતાને વચન આપ્યું હતું અને એક સાવ અજાણ્યા વ્યક્તિ ની એ અંતિમ ઈચ્છાને અને તારા પિતાના વચન ને માન આપવા તે બલિદાન આપ્યું હતું.

વિહાર, તું તારી જાતને દોષિત ના માનીશ. એ દિવસ પછી મારા મનમાં તારા માટે વધુ આદર થઇ ગયો.મને ગર્વ છે તારા ઉપર વિહાર! તે મને એ દિવસે સમજાવ્યું કે આપણે આપણા સ્વાર્થ ખાતર કેટલું મોટું અને ખોટું પગલું ભરવા જઈ રહ્યા હતા. તે તો તારા માતા-પિતા ને આ સંબંધ માટે માનવ પ્રયત્ન પણ કરેલો પરંતુ મેં તો મારી માતા અને પિતા ને પણ કડવા વચનો કહી પોતાની જીદ અને સ્વાર્થ ખાતર છોડી દીધા.એ પડાવ પાર જયારે તેમને મારી જરૂર હતી.તું પોતાના પાલક માતા-પિતા માટે આટલો મોટો ત્યાગ કરી શક્યો તે વાત મને ઘણું શીખવી ગઈ .

તારા ત્યાંથી અશ્રુભીની આંખે હું સીધી જ મારા ઘરે ગઈ.મારા માતા-પિતા મને જોઈને આનંદિત થઇ ગયા. તેઓના દિલ માં મારા માટે કોઈ જ દ્વેષભાવ ન હતો. તેમને મને જોતાંની સાથે જ જાણે માફ કરી દીધી હતી.! હું તેમની ક્ષમા માંગુ એ પેહલા જ એમને મને આવી રીતે જ ઈશારો કરી કઈ પણ કેહવાની મનાઈ કરી દીધી. તે જૂની વાતોને ભૂલી જવા માંગતા હતા. મારો પશ્ચાતાપ તેમને કદાચ મારી આંખો માં જ જોઈ લીધો હતો. ત્યારબાદ મેં નિશ્ચય કર્યો કે તેમના માટે એક દિવસ હું એવો અવસર લાવીશ કે તે મારા ઉપર ગર્વ કરી શકે. વિહાર, તારા થી હું જે કઈ પણ શીખી હતી, જે ગુણો તારામાં હતા, તે જ અનુસરીને મેં પણ એક નવું જીવન વ્યતીત કરવાની શરૂઆત કરી. અને આજે હું જે કઈ પણ છું એ તારા લીધે જ છું.

તું તારા મનમાંથી આ સંકોચ દૂર કરી દેજે. તું પોતાની જાતને આ ભાવના માંથી મુક્ત કર અને સ્નેહા સાથે સુખી જીવન વીતાવ. હું આજે પણ તને ખુબ જ પ્રેમ કરું છું અને કરતી રહીશ પણ તે જ મને શીખવાડ્યું કે એ પ્રેમ જયારે આપણને આપણી જવાબદારી નિભાવતા રોકે ત્યારે આપણે આપણી જાતને રોકી લેવી જોઈએ.

સાચો પ્રેમ એ જ છે. એકબીજાની સાથે ના રહીને પણ આપણે એકબીજાની સાથે જ છીએ.

પ્રેમ નો અંત હંમેશા લગ્ન જ ના હોય.અને ખરેખર તો પ્રેમ નો કોઈ અંત જ ના હોય!

જેમ મેં હંમેશા આ વસ્તુ ને જીવંત રાખી છે, તેમ આશા છે કે તું પણ જીવંત રાખે.

તું અને હું આપણે બંને પોતપોતાની જવાબદારી નિભાવી સાચા અર્થ માં એકબીજાના પ્રેમ ને જીવંત રાખીશું.

આવજે વિહાર, ફરી મળીશું.આ વખતે સ્નેહા ની સાથે...!

આટલું કહી ને સારિકા પોતાનું વિઝિટિંગ કાર્ડ વિહારને આપી ને જતી રહે છે. વિહાર એકીટસે તેને જોઈ રહ્યો હતો. એક સંતોષ સાથે.

એક સ્મિત સાથે તે સારિકા ના વિઝિટિંગ કાર્ડ પરનું નામ વાંચે છે - 'વિહારીકા' ઇન્ડસ્ટ્રીઝ...!

***