Taras - Tara prem ni - 3 books and stories free download online pdf in Gujarati

તરસ- તારા પ્રેમ ની.. 3

[આપણે આગળ ના ભાગો માં જોયુ કે નિયતી અને માહિર નુ લગ્નજીવન ડીવોર્સ સુધી પહોંચી ચૂક્યુ છે અને નિયતી હંમેશા માહિર ના પ્રેમ માટે તરસતી જોવા મળે છે અને એ જ વિચારો માં ખોવાયેલી નિયતી માહિર ના રાઇટીંગરૂમ તરફ અવશપણે ખેંચાઇ જાય છે, હવે આગળ...]

માહિર ના રાઇટીંગ રૂમ ની દિવાલ પર કેટલાય ફોટો ટીંગાડેલા હતા. માહિર એવોર્ડ સ્વીકારતો હોય તેવા, માહિર નુ બહુમાન થતુ હોય તેવા, કેટલાય સર્ટીફિકેટ્સ મઢાવી ને ત્યાં મૂકેલા હતા.

નિયતી આ રાઇટીંગરૂમ ની દિવાલો ને તાકી રહી. અચાનક લાલ કવર માં આજે આવેલી કોઇ બુક તરફ તેનુ ધ્યાન ગયુ તે એક ખાના માં એકદમ ખૂણા માં જલ્દી થી દેખાય નહિ એમ પડેલુ હતુ. પુસ્તક તો ઘણા આવતા પણ બધા વાંચવાનો સમય નહોતો. કેટલાક તો માત્ર વિવેચનાત્મક લખાણો હોય, તે બધા માં નિયતી ને રસ પડતો નહોતો. રોજ સાંજે માહિર આવી ને એ પુસ્તકો ખોલી ને વાંચતો પણ આજે એણે એવુ કર્યુ નહોતુ અને સીધો બેડરૂમ માં જતો રહેલો એટલે તે પુસ્તક લાલ કવર માં એમનું એમ પડી રહ્યુ હતુ , નિયતી ને અચાનક એ પુસ્તક જોવાની જીજ્ઞાસા થઇ આવી કારણ કે તેની માનસિક સ્થિતી ખૂબ અસ્થિર હતી, તેને એકલુ લાગતુ હતુ, જીવ જંપતો નહોતો, મન નુ પંખી ઉધામા ની ડાળે ઉડઉડ કરતુ હતુ.તેને થયુ લાવ ને આ પુસ્તક વાંચુ થોડીવાર સારૂ લાગશે.

કાતર વડે રેપર ખોલી ને, પંખો ચાલુ કરી ને તે ચેર પર બેઠી અને પુસ્તક ખોલ્યુ. પુસ્તક માહિર એ જ લખેલુ હતુ. નિયતી આ જોઇ ને વાંચવા માટે ઉત્સાહિત થઇ ગઇ. પુસ્તક નુ મુખપૃષ્ઠ જોઇને એ ચોંકી ગઇ. શીર્ષક હતુ “મારો પ્રથમ પ્રેમ”!!.

નિયતી ની હાર્ટબીટ ખૂબ જ વેગે ભાગવા લાગી. ‘મારો પ્રથમ પ્રેમ’?? એટલે કે માહિર પણ કોઇને પ્રેમ કરતો હતો, તેનો પ્રથમ પ્રેમ પણ કોઇ છે અને મને ખબર પણ નથી !! કદાચ મારી સાથે નુ તેનુ આવુ વર્તન તેના પ્રથમ પ્રેમ ને કારણે જ હશે, જેવા ઘણા વિચારો એકસાથે તેના મગજ માં ફરી વળ્યા.

નિયતી એ પુસ્તક વાંચવાનુ ચાલુ કર્યુ થોડા પાના ઓ ફેરવ્યા પછી માહિર નુ લખાણ ચાલુ થયુ જે વાંચવા નિયતી તલપાપડ બની ગયેલી.

“ દોસ્તો, આ બધુ મારા અંગત જીવન થી જોડાયેલુ છે, આમ પુસ્તક માં લખવુ યોગ્ય રહેશે કે નહિ એ ખૂબ વિચાર્યા બાદ હુ આ વાતો અહીં લખી રહયો છુ.

જ્યારે મેં તેને પહેલીવાર જોયેલી ત્યાર થી જ મારી અંદર કંશુક ઊથલ-પાથલ થઇ રહ્યુ હતુ. ઘણા બધા એવા કારણો હતા જે મને આ આકર્ષણ ને અટકાવવા સમજાવી રહ્યા હતા. મેં કોશિશ પણ કરી આ બધુ રોકવા પણ હુ રોકી શક્યો નહિ અને એ મારા મગજ માં છવાતી ગઇ. મૃગનયની જેવી એની આંખો ને ઇશારે નાચતુ હોય એમ મારૂ દિલ એને જોતા જ ઝડપ થી ધડકવા લાગતુ.

એવુ કહેવાય છે કે પ્રેમ, કવિતા કે પ્રેમ-વાર્તા દિલ ની જમીન ને ફાડી ને જ ઉગે છે અને જ્યારે એ ઉગે છે ત્યારે દિલ ની ભૂમિ ગમે તેવી બંજર હોય છતાંય તે લીલીછમ્મ બની જાય છે.

એને મન માં વિચારી ને લખતા- લખતા અત્યારે જ મને અમુક વાક્યો સૂજ્યા છે જે અહી લખુ છુ,

“ લટ એની કરે છે ઘાયલ મને,

પછી એની આંખો લગાવે મલમ મને,

હે ઈશ્વર તું યે ખરો.....

શું થશે આગળ એ તને જ ખબર,

આ તો લાગણી છે,

પ્રેમ માં પડે એને જ ખબર! “

બધા કહે છે કે પ્રેમ ને શરીર સાથે કોઇ જ સબંધ નથી. પણ ના, હું કોઇપણ જાત ની શરમ વગર કહુ છુ કે હુ જેટલુ તેના દિલ ને ચાહુ છુ એટલી જ ખેવના મને તેના શરીર ની છે. એ મને ખૂબ જ પ્રેમ કરે છે તેથી જ એ શરીર એણે મને પુરી આવેગતા થી અને તન્મયતા થી સમર્પિત કર્યુ હતુ, અને મારા માં તે ઓગળી ગઇ હતી...!

નિયતી બેઠી થઇ ગઇ, તેની આંખો માં ઝળઝળિયા આવી ગયા. ઓહ! તો તેનો પ્રેમ છેક શરીર ની સીમા ઓળંગી ગયો છે?

માહિર એને જ પ્રેમ કરતો હતો તો મારી સાથે લગ્ન કરવાની શી જરૂર હતી અને જો આ બધુ લગ્ન પછી થયુ હોય તો મને એક વાર કહ્યુ તો હોત! હુ એને એટલો પ્રેમ કરૂ છુ કે એની ખુશી માટે એ બન્ને વચ્ચે થી કંઇપણ પ્રશ્ન પુછયા વગર દૂર જતી રહેત. મારો પ્રેમ એને મેળવવા માટે નથી એને ખુશ રાખવા માટે છે. એ અત્યારે મારી સાથે ખુશ નથી એવુ લાગ્યુ એટલે જ હુ ડીવોર્સ ઇચ્છુ છુ. આવા ઘણા બધા વિચાર નિયતી ને એકસામટા આવી ગયા.

તેણે આગળ વાંચવા માંડયુ. લખ્યુ હતુ: અમારા પ્રેમ નો ઈઝહાર કોઇ શબ્દો થી નહોતો થયો, માત્ર આંખો થી થયો હતો. હું તેને ગમતો હતો એ મેં તેની આંખો માં જોયુ હતુ. એના સ્પર્શે મારા લોહી માં લાગણી ની સો-સો નદી ઓ દોડી ગઇ હતી અને એનુ પ્રથમ મિલન મને એકદમ સ્વર્ગ નો અહેસાસ કરાવતુ હતુ! તેણે મને ખૂબ સુખ આપ્યુ છે. મારા નામ પર એણે એની જિંદગી અર્પણ કરી છે, સર્વસ્વ અર્પણ કરી દીધુ છે.

જિંદગી ની કેટલીય કઠણ ક્ષણો તેણે થામી છે અને એ દુઃખ, અભાવ કે મુશ્કેલી નો તેણે મને અહેસાસ પણ થવા દીધો નથી. પણ હું લાગણીવિહીન પથ્થર બની રહ્યો, મારા હોઠો થી એમ ન બોલી શક્યો કે હું તેને કેટલુ ચાહુ છુ!

મારા પૌરૂષી પડખા માં રાત-દિન ગુઝારવાની તેની ખ્વાહિશો ને મેં હંમેશા ટાળી છે. તેના સપનાઓ ને ઉછેરવાની કે તેની વાતો ને સાંભળવાની વાત તો એકકોર રહી, પણ તેની ઝૂલ્ફો ને પણ મેં વ્હાલ થી કદી સંવારી નથી. મારી છાતી માં લપાઇ ને સૂઇ જવાની તેની જંખના ને મે હંમેશા ઠુકરાવી છે એ ગુના ની હું આજે સ્પષ્ટપણે કબૂલાત કરુ છુ.

હવે હું તમને એનુ નામ આપુ કે આ મારો પ્રથમ પ્રેમ છે કોણ? મારો પહેલો અને છેલ્લો પ્રેમ મારી જીવનસંગિની “નિયતી” છે. નિયતી મારી જિંદગી છે, બંદગી છે. તે મારો પ્રેમ છે! કાશ, એકવાર આ બધુ હુ તેને મોઢામોઢ કહી શક્યો હોત...

કામ ની વ્યસ્તતા ને કારણે હું ક્યારેય એની સાથે સારો સમય ગાળી શક્યો નહોતો. મારી રાહ જોઈ ને મુરઝાઇ ગયેલા એના ચહેરા નો સામનો કરવો મને ખૂબ જ કપરૂ કામ લાગતુ, તેને શું કારણ આપી ને સમજાવુ દરેક વખતે!! અને હું તેને ખૂશ નથી રાખી શકતો એ સંકોચે અમારી વચ્ચે એક મોટી દિવાલ ઊભી કરી દીધી.

તે હંમેશા આ બધુ સહન કરી ને મને પ્રેમ કરતી રહી છે, કદાચ એની જગ્યા એ કોઇ બીજી સ્ત્રી હોત તો મને નફરત કરવા લાગી હોત! હુ એનો મારા દિલ થી આભાર માનુ છુ. એના પ્રેમ ને કારણે જ મારા દિલ માંથી અદભુત કવિતા અને વાર્તા ઓ પ્રગટે છે.

વાંચતા વાંચતા નિયતી રડી પડી.તે બે પળ વિચારતી રહી કે શુ આ એ જ માહિર છે જે મારો પતિ છે? હુ અત્યાર સુધી એના પ્રેમ માટે તરસતી રહી તે મને આટલો બધો પ્રેમ કરે છે, એને હું સમજી કેમ ન શકી!!

આજ વર્ષો પછી મન માં સંઘરેલા ડૂમા ઓગળી રહ્યા હતા. એ મુખપૃષ્ઠ પર રહેલી માહિર ની તસ્વીર સામે તાકી રહી હતી ત્યાં જ બારણુ ખખડવાનો અવાજ સાંભળી ને હાથ માં બુક લઇ ને તે ખોલવા ઊભી થઇ, સામે માહિર ઊભો હતો તેને બે હાથ વચ્ચે ભીંચી ને નિયતી વળગી પડી. તેના હાથ માં પુસ્તક જોઇ ને માહિર વગર કહ્યે બધુ સમજી ગયો અને તેણે નિયતી ના માથા પર પ્રેમભર્યુ ચુંબન કર્યુ અને બંને હાથ માં ઊંચકી ને તેને બેડરૂમ માં લઈ ગયો.

બારણુ ક્યારે બંધ થયુ, રૂમ ની લાઇટ ક્યારે બંધ થઇ એની ખબર જ ન રહી. હવે, માહિર ખુદ વરસાદ બની ને નિયતી ઉપર અનરાધાર વરસી રહ્યો હતો અને નિયતી નુ રોમ રોમ એ વરસાદ માં ભીંજાઇ રહ્યુ હતુ.

પૂર્ણ

ફ્રેન્ડસ, અહીં આ વાર્તા પૂરી થાય છે. આ વાર્તા પર થી હું એ સંદેશ આપવા માગતી હતી કે ‘પ્રેમ’ સ્ત્રી અને પુરૂષ બન્ને કરે છે પરંતુ તેને વ્યક્ત કરવાની રીત બંને ની જુદી છે. પુરૂષ પ્રેમ ને બોલી ને વ્યક્ત કરવા કરતા તેને અનુભવી ને, બતાવી ને વ્યક્ત કરવામાં માને છે અને સ્ત્રી એ પ્રેમ ને શબ્દો માં સાંભળવાનુ વધારે પસંદ કરે છે. જો આ વાત દરેક સ્ત્રી-પુરૂષ સારી રીતે સમજી જાય તો સમય સાથે સબંધ વધુ લીલોછમ બનતો જાય છે.

અને હા, આ વાર્તા તમને કેવી લાગી એ અભિપ્રાય મને જણાવવાનુ ભુલતા નહિ!!

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED