Taras - Tara prem ni - 2 books and stories free download online pdf in Gujarati

તરસ- તારા પ્રેમ ની.. 2

વાંચકમિત્રો ને ભાગ-1 વાંચી જવા વિનંતી...

માહિર પહેલા તો આવો નહોતો લાગતો.નિયતી એ તેને ઘણા પ્રોગ્રામ્સ માં એન્કરીંગ કરતા જોયેલો, સ્પીચ આપતા જોયેલો ત્યારે તો તે બહુ બોલકો લાગતો, વધારે તો કંઇ ખાસ ઓળખાણ નહોતી પણ માહિર ની બહેન નિશા, તે નિયતી જેવડી હતી અને એક જ કોલેજ માં અભ્યાસ ને કારણે તેની મિત્ર હતી તેથી તેને નિશા ના ઘરે ઘણી વખત જવાનું થતુ. તે જ્યારે પણ નિશા ના ઘરે જતી ત્યારે માહિર વાંચતો જ જોવા મળતો અને નિયતી ઘરે આવે એટલે એ સ્મિત કરી ને બહાર ચાલ્યો જાય. નિયતી ને ધીમે ધીમે તે ખૂબ ગમવા લાગેલો. અભ્યાસ માં તે સ્કોલર હતો, તેનુ વ્યક્તિત્વ નિરાળુ હતુ. તેની લેખક તરીકે ની પ્રતિભા એ તેનુ દિલ જીતવામાં વધારે ફાળો આપ્યો હતો અને માહિર થી પણ નિયતી ના લક્ષણો છુપા રહ્યા નહોતા, પ્રેમ પ્રસંગ ચાલુ થતા બિલકુલ વાર લાગી નહોતી. એક દિવસ આ “મૌન” પ્રણય ની રેશ્મી દોરી પરિણય ની ગાંઠ થી બંધાઇ ગઇ!

લગ્ન પછી બંને મુંબઇ આવી ને વસ્યા. દિવસો વીતવા લાગ્યા. નિયતી ને માહિર ખૂબ જ અલગ લાગતો. તે વધારે બોલતો નહિ, નિયતી કરતા તદ્દન અલગ હતો એ...ખૂબ ચંચળ સ્વભાવ ની નિયતી ક્યારેક એકદમ કંટાળી પણ જતી માહિર થી...શરૂઆત ના વર્ષો માં પ્રેમ ના જનૂન ને કારણે બધુ બરાબર રહ્યુ પણ સમય જતા બન્ને વચ્ચે એક પારદર્શક દોરી બંધાતી ગઇ. આત્મસમ્માન ને પ્રાથમિકતા આપનારી નિયતી ને હવે ઘર ખર્ચો માહિર પાસે માંગતા પણ છોછ અનુભવાતો તેથી તે સારી નોકરી શોધી ને એમાં વ્યસ્ત રહેવા લાગી, આમ એક ઘર માં અને એક જ પથારી માં સૂતા નિયતી અને માહિર એકબીજા થી અજાણ્યા હોય એવુ લાગતુ.

એક પતિ તરીકે માહિર પોતાની બધી જવાબદારી નિભાવવાની કોશિશ કરતો, એણે નિયતી ને નોકરી છોડી દેવાની પણ સલાહ આપી પણ નિયતી હવે પોતાની એકલતા થી થાકી ચૂકી હતી અને તેણે વ્યસ્ત રહેવા નોકરી ચાલુ રાખી.

માહિર એ નિયતી ના સમ્માન ને જાળવવા માં ક્યારેય કોઇ ઓટ નહોતી આવવા દીધી, અને તક્ષ ના જન્મ બાદ એક આદર્શ પિતા બની રહ્યો હતો તે.

પણ એક સ્ત્રી જે એક પુરૂષ પાસે ઇચ્છે તે નિયતી માહિર પાસે થી ક્યારેય મેળવી શકી નહિ!

એક સ્ત્રી ની હાલત લગ્ન પછી નાજૂક છોડ જેવી હોય છે ! એ રોપાય ફરીથી કોઇ અજાણ પ્રદેશની અજાણ માટીમાં…અજાણ્યુ પાણી..ને અજાણ્યો માળી !! ક્યારેક મરુભૂમિ તો કાશ્મીરનો બગીચો હોય એવી માટી મળે ..એમાંય ક્યારેક દરિયાકિનારાની નાળિયેરી આસામનાં જંગલોમાં રોપાય. ક્યારેક ગુજરાતનો કેસૂડો રામેશ્વરમાં રોપાય તો.. ક્યારેક ભારત ના ઘઉં વિદેશ માં રોપાય અને છોડનાં પુનઃજન્મની શરુઆત થાય છે.જે મળી તે માટી અને જે મળ્યુ તે પાણી ને અનુરુપ થઇને વિકસતા જવું એ જ લગ્નજીવન ! પણ જો છોડ ને માળી ની બરાબર દેખભાળ જ ન મળે તો એ છોડ ને મુરજાઇ જતા પણ વાર નથી લાગતી...એવી જ હાલત હતી નિયતી ની!

“લગ્નજીવન એટલે એકબીજા ની તનગમતા થી મનગમતા સુધી ની સફર!!” એ વાક્ય નિયતી એ કોઇ જગ્યા એ વાંચેલુ જે અચાનક તેના મગજ માં આવેલુ અને તે ઊંડા વિચાર માં સરી પડેલી કે આ પુરુષ હકીકત માં પોતાનો પતિ છે! હજૂ સૂધી એણે ક્યારેય માહિર સાથે એવી માનસિક નિકટતા અનુભવી નહોતી કે નિયતી નુ મન આ વાત ને વગર સમજણે સ્વીકારી શકે, નિયતી ના મત મુજબ એ બન્ને વચ્ચે તનગમતા તો હતી પરંતુ મનગમતા કદાચ નહોતી! જો કે આ વાત નો અંદાજો એણે માહિર ને ક્યારેય આવવા દીધો નહોતો.

નિયતી ને હંમેશા ઇચ્છા થતી કે ક્યારેક માહિર સાવ ગાંડો બની ને મને જકડી લે, ખૂબ હેત કરે, શરારતભરી અને ભાવનાત્મક વાતો કરે, બહાર ફરવા લઇ જાય, એક કોલેજીયન બોયફ્રેન્ડ ની જેમ છેડછાડ કરે, પ્રેમભર્યા ચુંબનો થી મને તરબોળ કરી દે, મારી સામે એક ખુલ્લી કિતાબ બની જાય કે હું એને વાંચી ને એની નસ નસ ને ઓળખી જાવ. પણ ઉફફ! એ ભલો ને એનુ કામ ભલુ ને એનુ લખાણ ભલુ!

માહિર કામ માં એટલો વ્યસ્ત રહેતો કે નિયતી ને ક્યારેય વધારે સમય આપી શક્યો નહોતો.જો બન્ને ને થોડો ઘણો સમય સાથે ગુજારવાનો મળી પણ જાય તો તે સમય એ બન્ને વચ્ચે ચુપકીદી જળવાઇ રહેતી. નિયતી કંઈપણ એટલે ના બોલી શકતી કારણ કે તે હજૂ માહિર ના સ્વભાવ ને ઊંડાણ થી જાણી શકી નહોતી, પોતાના થી એવુ કંઈક બોલાય જાય જે માહિર ને બરાબર નહિ લાગે તો! એ વિચારી ને પેટ માંથી ગળા સુધી અને ત્યાંથી હોઠ સુધી આવી ગયેલી ઢગલાબંધ વાતો આ વિચારી ને પાછી પોતાની જગ્યા એ જતી રહેતી અને માહિર ની ચુપકીદી નિયતી ક્યારેય સમજી નહોતી શકતી, થોડા સમય પછી આ ચુપકીદી ને માહિર નો સ્વભાવ સમજી ને નિયતી પોતાના મન ને મનાવવા લાગી અને લગ્નજીવન આમ હાલકડોલક નાવ ની જેમ ચાલ્યા કરતુ હતુ અને હવે થાકી ને છેવટે નિયતી એ ડીવોર્સ નો નિર્ણય લીધો હતો.

નિયતી માહિર ને ખૂબ જ પ્રેમ કરતી હતી. માહિર પ્રત્યે થોડી ફરિયાદો તો જરૂર હતી પણ જો માહિર ઘરે આવ્યા પછી એક પળ પણ પોતાની નજર થી ઓઝલ થાય તો પોતે વિચલીત થઇ ઊઠતી. ડાઇનીંગ ટેબલ તો હંમેશા માહિર ની ભાવતી વસ્તુ ઓ થી હર્યુભર્યુ રાખતી. માહિર ના બોલ્યા પહેલા બધી વસ્તુ ઓ એની સામે હાજર કરતી, ઘર નુ વાતાવરણ પણ માહિર ને અનૂકુળ રહે તેનુ ખાસ ધ્યાન રાખતી. પોતાના કાર્ય નો માહિર તરફ થી સારો પ્રતિભાવ જોઇને ખુશી થી ઊછળી પડતી. ક્યારેક માહિર તેની નજર ચુરાવી ને પોતાને જોતો હોય એવી તેને અનુભુતી થાય તો દોડી ને માહિર ના ગળે વળગી જવાની તેને ઇચ્છા થઇ આવતી પણ પછી તે પોતાને રોકી લેતી.

આવી ભીની મોસમ માં પણ નિયતી ના દિલ માંથી ફળફળતો નિ:શ્વાસ સરી પડ્યો. એ કીચન માંથી બેડરૂમ માં જવા લાગી પણ બેડરૂમ ની સામે ની જ બાજૂ એ માહિર ના રાઇટીંગરૂમ તરફ અવશપણે ખેંચાઇ ગઇ.

ક્રમશઃ

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED