ઈરફાન Kishor vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઈરફાન

ઈરફાન

પ્રોફેસર દવેએ ફરી ફરી ને એ નિબંધ વાંચ્યો. શબ્દે શબ્દે તેઓ બોલતા રહ્યા. ‘આ નિબંધ છે કે વ્યથા?’ વિષય હતો, ‘માતૃવંદના’ પરંતુ પોતાના માનીતા અને હોશિયાર વિદ્યાર્થીએ આમ કેમ લખ્યું હશે? એ જેમ જેમ વિચારતા ગયા તેમ તેમ અટવાતા ગયા, આવું તો પહેલીવાર જોયું કે વિષયનું વિષયાંતર પણ નથી થયું અને મૂલ્યાંકન કરવા જાઉં છું તો વિષયને ન્યાય મળતો હોય તેવું પણ નથી જણાતું.

તેમની નજર સામે ઈરફાનનો ચહેરો તરવરી રહ્યો. પ્રોફેસર દવે આંખ બંધ કરી ઈરફાનના ચહેરાની રેખાઓ ફંફોસવા લાગ્યા. બંધ આંખો સામે ઈરફાનનો ચહેરો અને શૂન્યાવકાશી આંખો. એ શૂન્યાવકાશ આંખોમાંથી નીકળીને ચહેરા પર પથરાઈ ગયેલો દેખાયો. તેમને યાદ આવ્યું કે ઈરફાનને તેમણે ક્યારેય હસતા નથી જોયો. એવું કેમ હશે? પ્રોફેસરે પોતે કાઢેલા તારણ સામે પ્રશ્નાર્થચિહ્ન મૂક્યું પછી જવાબ શોધવા લાગ્યા.

એ શાંત પણ એટલો છે કે તેણે રમતિયાળપણું અનુભવ્યું હશે કે કેમ? નહીં તો કોલેજકાળની આ ઉંમરમાં સદોષ કે નિર્દોષ અડપલાં સ્વાભાવિક બની રહેતા હોય છે. પણ ઈરફાનના વાણી કે વર્તનમાં એવું કંઈ જ જોવા નથી મળતું. શું કારણ હશે? ફરી પ્રોફેસર દવે સમક્ષ પ્રશ્ન ઊભો થયો. વર્ષોથી અધ્યાપન કાર્ય સાથે સંકળાયેલા પ્રોફેસરે કેટલાય વિદ્યાર્થીઓ જોયા હતા, તેમના માનસનો અભ્યાસ કરવાનો તેમણે શોખ કેળવ્યો હતો, પરંતુ આજે તેમના હોશિયાર વિદ્યાર્થી ઈરફાનના માનસનો અભ્યાસ કરતા કરતા કેટલાય પ્રશ્નો નિરુત્તર રહેતા હતાં. ઈરફાને માતૃવંદના પર લખેલો નિબંધ, તેના જુદા માનસને છતું કરતો હતો. પ્રોફેસર એક સરળ તારણ પર આવ્યા કે ઈરફાનના દિલમાં કોઈક અલગ પ્રકારનું તોફાન ઉમટી રહ્યું છે. તેના દિલમાં જરૂર કોઈ સંતાપ સળવળે છે. તરત જ તેમની આંખ સામે બીજો એક ચહેરો દેખાયો, ઈરફાનના મિત્ર રવિનો. તેમણે વિચાર્યું ‘રવિને પૂછવું પડશે.’

રવિ અને ઈરફાનના સ્વભાવમાં જમીન-આસમાનનો ફરક હતો, છતાં એ ઈરફાનનો મિત્ર હતો નાનપણથી જ. પ્રોફેસર દવેએ રવિને મળવા બોલાવ્યો, ઈરફાન અંગે પૂછ્યું, રવિ ગંભીર થઈ ગયો અને ભૂતકાળમાં સરી પડ્યો.

“સર, ઈરફાનની માતા હિંદુ હતી અને પિતા મુસ્લિમ છે. વડીલોના વિરોધ વચ્ચે થયેલા એ પ્રેમલગ્ન હતાં. કોલેજનો પ્રેમ નીલમ અને અલીને નિકાહનાં પવિત્ર બંધન સુધી લઇ ગયો. સંસારમાં મેઘધનુષી રંગો ભરવાના અનેક મનોરથો સાથે બંનેએ પોતાની દુનિયા વસાવી. અલી અને હસીના (નીલમની નવી જિંદગીનું નવું નામ) બંને નોકરી કરતા હતા.

એમના એ સુંદર સંસારબાગમાં એક સુંદર ફૂલ ખીલ્યું અને એ ફૂલ એટલે ઈરફાન. ઈરફાનના આગમનથી અલી અને હસીનાનો સંસાર ભર્યો ભર્યો થઇ ગયો. સુખ નામને કોઈ સીમા ન રહી. પરંતુ સર,તેમના સુખી સંસારને બીજા કોઈની નહીં પણ વિધાતાની જ નજર લાગી ગઈ.

એક દિવસ અલી નોકરીએથી ઘેર આવ્યો ત્યારે હસીના પલંગ પર સૂતી હતી અને દર્દથી કણસતી હતી. ઈરફાન તેની દાદી અમીનાના ખોળામાં રમતો હતો. હસીનાનો ઉદાસ ચહેરો સહન ન કરી શકનાર અલી હસીનાને કણસતી જોઈ દુઃખી દુઃખી થઇ ગયો. તેણે જાતે જ ગરમ પાણીની કોથળી તૈયાર કરી શેક કરવા બેસી ગયો. ડોક્ટરને બતાવવા કે બોલાવવાની હસીનાએ જ ના પાડી.

તે વખતે તો આરામ થઇ ગયો પણ દુખાવો દૂરનહોતો થયો. સારું થઇ જશે, માની હસીનાએ ઘરેલુ ઉપચાર સિવાય કોઈ સારવાર લેવાનું પસંદ ન કર્યું. એક દિવસ એવો આવ્યો કે પીડા અસહ્ય બની ગઈ. ન બેસી શકાય ન ઊભા રહી શકાય.

હવે જિદ્દ કરવાનો વારો અલીનો હતો. એ તેને ડોક્ટર પાસે લઇ ગયો. ડોકટરે તરત જ હસીનાને તપાસીને હોસ્પિટલમાં દાખલ કરવાની તાકીદ કરી. એક મહિનો હોસ્પીટલમાં રહ્યા પછી કંઈક સુધારો જણાતાં અલી હસીનાને ઘેર તેડી આવ્યો. ત્યારે ઇરફાન ઘણો નાનો હતો.

હસીનાનો એ આરામ લાંબો ન ચાલ્યો. પીઠમાં પીડા વધતી ગઈ. હવે હસીનાને થાક અને બેચેની પણ વરતાયાં કરતાં હતાં. તેને કંઇ જ કરવાનું મન નહોતું થતું એટલું નહીં વિસ્મૃતિનો પણ હસીના ભોગ બની. શરીરમાં ચેતનતંતુઓ જડ થતાં ગયાં. એ ઇરફાનને પણ દૂરથી જોતી રહેતી.

હસીનાને ખૂબ જ આઘાત લાગ્યો. અરે રે, મારા આવા સુખી જીવનમાં આ શું થવા બેઠું છે! એ અલીના ખોળામાં માથું રાખી રડી પડતી. અલી તેના માથા પર પ્રેમથી હાથ ફેરવતો, દિલાસો આપતો તેને ખૂબ પ્રેમ કરતો અને સારવાર કરતો.

બીજી વાર હસીનાને હોસ્પીટલમાં દાખલ કરવી પડી. એ તબક્કો છ મહિના લાંબો ચાલ્યો. ઇરફાનની નાની આંખોમાં બનાવોના પ્રતિબિંબ ન સમાઈ શકતાં. તેને માતાની જરૂર પડતી. પણ નજર સામે હોવા છતાં મા તેના માટે કંઇ જ નહોતી કરી શકતી. ઇરફાન નજીક આવતો ત્યારે તેના માથા પર હાથ ફેરવતી હસીનાની આંખોમાંથી અમીના અશ્રુ સરી પડતાં. મોટો થતો જતો ઈરફાન બીજું કંઇ સમજતો હોય કે નહિ પણ માતાની આંખમાંથી વહેતા અશ્રુ લૂછતાં શીખી ગયો હતો.

અલી સામે મોટો પડકાર આવી પડ્યો. ઈરફાનને સાચવવો, શાળાએ મોકલવો અને બીજી તરફ પ્રેમાળ પત્ની હસીનાની હોસ્પીટલમાં સારવાર કરાવવી. એ નોકરીએ જતો, ઈરફાનને સાચવતો અને હોસ્પીટલમાં હસીના પાસે બેસી પ્રેમથી વાતો કરતો અને નવા સપના આપતો.

છ મહિના પછી પણ હસીના સારી ન થઇ શકી. હસીના એ જ જિદ્દ કરી કે આમ જ પથારીમાં પડ્યા રહેવાનું હોય તો મને ઘેર લઇ જાઓ. ઈરફાનનું પણ ધ્યાન રાખી શકાશે અને ઘરનું પણ. હસીનાની જિદ્દને વશ થઇ અલી તેને ઘેર લઇ આવ્યો.

હવે અલીની જવાબદારીમાં હસીનાને નવડાવી તૈયાર કરવી, દવા આપવી, જમાડવી વગેરે ફરજોનો વધારો થયો. અલી જાણતો હતો કે હસીનાને વ્યવસ્થિત રીતે તૈયાર થવું બહુ ગમતું. સાદા અને સુંદર વસ્ત્રો પરિધાન કરીને કોલેજમાં આવતી હસીનાનું ચિત્ર અલીની આંખમાં અંકિત હતું જ. અલી હસીનાને ગમતું એ બધું જ કરતો અને ગજબની હુંફ અને હિંમત આપતો. ઈરફાન પિતાના માતા પ્રત્યેના પ્રેમને વિસ્ફારિત નજરે જોયા કરતો.

હસીનાની ગંભીર હાલત થઇ. લગ્ન વખતે પોતાની મનમાની કરનાર અલીની માતાને પુત્રની દયા આવી. એ જમવાનું લાવતી અને ઈરફાનને સાચવવામાં મદદરૂપ થતી. અલી મોટી ઉંમરની માતાની મમતાને મનોમન વંદન કરતો. આમને આમ પાંચ-પાંચ વર્ષ વીતી ગયાં, દરમ્યાન અલીની માતાનું પણ અવસાન થયું. મા જે સેવા કરતી એ કામ પણ અલી પર આવી પડ્યું. હસીનાની તબિયત સુધરવાનાં કોઈ ચિહન દેખાતા નહોતા છતાં અલી હસીનાને હિમ્મત આપતો અને કેહતો ‘ એક દિવસ તું જરૂર ઊભી થઇ જઈશ.’

રવિવાર અને રજાના દિવસો અલી પૂરો સમય હસીના સાથે જ રહેતો. ક્યારેક હાથમાં મેહંદી મૂકી દેતો તો ક્યારેક નેઈલપોલિશ કરી દેતો. સુંદર વસ્ત્રો પહેરાવતો અને માથું ઓળી દઈ ફૂલની વેણી પણ નાખી દેતો. મા માટે કંઈને કંઈ કરવાનું મન થતું પણ શું કરવું એ સમજાતું નહીં ત્યારે ઈરફાન માતાના પગ પાસે આવીને બેસી જતો અને માતાના સંવેદનહિન બનતા જતા ચરણો પર હાથ ફેરવતો. હસીના પોતાની ક્ષીણ થતી જતી નજરે મોટા થતા પુત્રને જોઇને રડવા લગતી ત્યારે ઈરફાન માતાના અશ્રુ લૂછતો.

હસીના બીમારી અને લાચારીના કારણે હતાશાથી ઘેરાતી જતી હતી. એ દિવસોમાં જ તેનો જન્મદિવસ આવ્યો. અલીની ચાહત કંઈ સામાન્ય પ્રેમી જેવી નહોતી. હસીનાના ચહેરા પર હાસ્ય જોવા એ કઈ પણ કરવા તૈયાર હતો. તેણે મિત્રોને પરિવાર સહ બોલાવી હસીનાનો જન્મદિવસ ઉજવ્યો. એ રાત્રે હસીનાએ અલીનો હાથ પકડીને હળવેથી કહ્યું, “મારો જન્મદિવસ તો તેં ઉજવ્યો પણ મને તે ભેંટ તો આપી નહીં!” અલીએ પત્નીના ચેહરા પર હાથ ફેરવતા કહ્યું, “ હસીના તું જે માગે તે ભેટ આપવા તૈયાર છું, બોલ શું જોઈએ છે?”

“મને શોક્ય આપ, તું બીજા લગ્ન કરી લે. અલી હું તને સુખી જોવા માંગું છું.” હસીનાએ માંગ્યું. અલીએ પહેલી વખત હસીના પર ગુસ્સો કરતા કહ્યું હતું-“ તું આવું વિચારીજ કેમ શકી?” એ ઉદાસ થઇ ગયો. તેણે હસીના પાસેથી ફરી આવું ક્યારેય ન બોલવાનું વચન લીધું. પછી વાતાવરણ હળવું બનાવતા કહ્યું,”હવે વચન આપ્યું છે તો મારે પાળવું તો પડશે જ. તું સારી થઇ જા પછી બીજા લગ્ન કરીશ, બસ.” હસીનાની આંખોમાંથી અશ્રુધારા વહી નીકળી.

અલીનું સમગ્ર અસ્તિત્વ હસીનાની આસપાસ જ ચકરાયા કરતું હતું. હસીના સાથે ગાળેલા પ્રેમના અને લગ્નના થોડાં પણ ભર્યા ભર્યા વર્ષોને એ યાદ કરતો. એકલો પડતો ત્યારે એ રડી પડતો. ઈરફાને એ દ્રશ્યો ઘણીવાર જોયા હતાં.

હસીનાને ફિલ્મો જોવાનો ખૂબ જ શોખ હતો. અલીને ખબર હતી. નવી ફિલ્મના પહેલા દિવસની ટિકીટો લેવાનું એ ક્યારેય ભૂલતી નહીં. અલીને ફિલ્મ જોવા જિદ્દ કરીને ખેંચી જતી.

અલીને એ બધું યાદ આવતું ત્યારે નિશ્વાસ નીકળી જતો. હવે હસીના બહાર નથી નીકળી શકતી એટલે અલી નવી ફિલ્મ ની કેસેટ લઇ આવતો ઘેર બેસીને બંને ફિલ્મ જોતાં. ક્યારેક ઈરફાન પણ સાથે બેસતો, ક્યારેક અભ્યાસ કરતો.

હસીના સૂઈ જાય પછી અલી ઈરફાન પાસે જતો, વાતો કરતો. પરંતુ ઈરફાનને સમજાતું નહોતું કે એ પરિસ્થિતિમાં તેનું પોતાનું વર્તન કેવું હોવું જોઈએ. મા ઘરમાં છે પણ તેનાથી દૂર છે.પપ્પા છે પણ માની સારવાર અને દેખભાળમાં વ્યસ્ત રહે છે. પપ્પાને પોતાની જાત માટે કે મારા માટે પણ સમય નથી મળતો. ઈરફાન દિલમાં સંતાપ અનુભવતો હતો. પરિણામે તેના હોઠ હંમેશાં બંધ જ રહ્યા, માતાપિતાની હાલત જોઇને હતો એના કરતાં તે મોટો થઇ ગયો.

પ્રતિદિન હસીનાનું હસીન બદન ક્ષીણ થતું જાય છે, એ પ્રક્રિયા અલીની નજરબહાર નહોતી. એ બંદગી સિવાય હવે કંઈ કરી શકે એમ નહોતો. હસીનાની શ્રવણશક્તિ પણ ધીરે ધીરે ઓછી થતી ગઈ. અવાજ પણ ઊંડો ઉતરતો ગયો.

એક દિવસ અલીને સમાચાર મળ્યા કે તેમના ધર્મગુરુ તેમના શહેરમાં પધાર્યા છે. હસીનાને તૈયાર કરી, ઊંચકીને ટેકસીમાં બેસાડી ધર્મગુરુના દર્શન માટે લઇ ગયો. વર્ષો પછી હસીના ઘરની બહાર નીકળી હતી, ધર્મગુરુના આશિષ મેળવ્યા પછી હસીનાના ચહેરા પર આનંદની રેખાઓ જોવા મળી.

ઘેર પહોંચી, અલીએ હસીનાની પથારી ઠીક કરી, સુગંધી પાવડર છાંટ્યો. ઓરડામાં સુગંધી સ્પ્રેનાં છાંટણા કર્યા. રાત્રે જમીને બંનેએ ‘સાથી’ ફિલ્મ જોઈ, હસીના આનંદમાં હતી, ચાલુ ફિલ્મે અલીની સામે જોયા કરતી હતી. હસીનાને ખુશ જોઈ અલીની શ્રદ્ધા બળવતર બની. તેને એમ થયું કે ધર્મગુરુના આશિષ મેળવ્યા પછી હસીનાની તબિયત સુધરતી જાય છે તેથી એ પણ ખુશ હતો. હસીના આજે ખૂબ વાતો પણ કરતી હતી. રાત્રે મોડે સુધી અલી અને હસીના ભાવિ સ્વપ્નોના મહેલ ચણતા વાતો કરતા રહ્યાં. આખરે અલીએ જ હસીનાને ‘થાકી ગઈ હોઈશ’ કહી સુવડાવી દીધી.

અલી હસીનાના માથા પર હાથ ફેરવતો હતો અને વિચારતો હતો, ક્યાં કોલેજમાં મળેલી નીલમ અને ક્યાં આજની લાચાર હસીના! કોલેજના મસ્તી ભર્યા દિવસો યાદ કરતાં કરતાં થાકેલો અલી ક્યારે ઝોકે ચઢી ગયો ખબર પણ ન પાડી.

ઈરફાન બાજુના રૂમમાં વાંચતો હતો. પપ્પા રોજની માફક તેની પાસે ન આવ્યા એટલે ઉત્સુકતાવશ માના રૂમ માં આવ્યો. જોયું તો પપ્પાનો હાથ મમ્મીના હાથ પર સ્થિર પડ્યો છે. આંખો બંધ છે. મમ્મીતો સુઈ જ ગઈ હતી. તેણે પપ્પાના માથા પર હાથ ફેરવ્યો. અલી જાગી ગયો. હસીનાના માથા પરથી હાથ ખસેડતા પહેલા તેણે વ્હાલથી તેના ચેહરા પર હાથ ફેરવ્યો, ચોંકી ઊઠયો, બીજીવાર હાથ ફેરવ્યો. હસીનાનો હાથ પોતાના હાથમાં લીધો. હસીનાનું શરીર ઠંડુ પાડી ગયું હતું, જીવનની અંતિમ ક્ષણ સુધી પતિનો પ્રેમ અને હુંફ મેળવ્યાનો સંતોષ ચહેરા પર દેખાતો હતો.

અલી આ દુનિયામાં એકલો પડી ગયો. માતાના અવસાનથી ઈરફાન અવાચક બની ગયો. એ રડી પણ ના શક્યો. ઘરના એ ખાલી થઇ ગયેલા ખૂણાને જોયા કરતો અને કાં તો માતાની તસવીર સામે ચૂપચાપ બેસી રહેતો. તેનું વર્તન પણ વિચિત્ર થઇ ગયું. ક્યારેક વિના કારણે ગુસ્સે થઇ જતો તો ક્યારેક મોટે મોટેથી બૂમો પાડ્યા કરતો.

અલી પત્ની વિયોગના આઘાતમાંથી હજુ બહાર નહોતો આવ્યો ત્યાં પુત્રની હાલત જોઈ ચિંતા થવા લાગી. અલીને થયું કે ઈરફાન પાગલ તો નહીં થઇ જાયને? અલી દુઃખી થઇ ગયો. તેણે અને હસીનાએ કેવી નાનકડી પણ હસીન દુનિયાની કલ્પના કરી હતી. તેમનો સંકલ્પ હતો કે સંતાનોને અસામાન્ય બનાવવાં. બધી જ બાબતમાં બધાં બાળકોથી અલગ. આ ઈરફાન બધાથી ખરેખર એકદમ અલગ બની ગયો હતો. અલીને લાગતું તેની અને હસીનાની સ્વપ્નની દુનિયા આ તો નથી જ.

અલીના આવા સંતાપકાળમાં તેનો દુબઈ સ્થિર થયેલો મિત્ર મયંક મળવા આવ્યો. હસીનાની વાતો કરતા કરતા અલી રડી પડ્યો. પહેલી વખત તેનું મન હળવું થયું. મિત્ર પાસે ઈરફાનની વાત કરી. મયંકે કહ્યું,” તને વાંધો ન હોય તો ઈરફાનને હું મારી સાથે દુબઈ લઇ જાઉં? ધંધામાં પલોટી દઉં અને વાતાવરણ બદલાશે તો એ બધું ભૂલી જશે.” ઘણી સમજાવટ પછી અલી પુત્રને દુબઈ મોકલવા તૈયાર થયો.

ઈરફાન સાથે અલીએ વાત કરી. ઈરફાન ચૂપચાપ સાંભળતો રહ્યો. પપ્પા તેમ જ તેમના મિત્ર મયંકને શૂન્યનજરે જોતો રહ્યો. પછી અચાનક પિતાને ભેટીને રડવા લાગ્યો. માતાના મૃત્યુ પછી પહેલી વખત એ તે દિવસે રડ્યો, ખૂબ રડ્યો, હૃદય ખાલી થઇ ગયું ત્યાં સુધી રડ્યો, સ્વસ્થ થઈને મયંકને વિનયથી કહ્યું, “ ના હું મારા પપ્પાને એકલા છોડીને ક્યાંય નહીં જાઉં.”

“સર, તે દિવસથી ઈરફાન ધીરે ધીરે સ્વસ્થ થતો ગયો છે. હજુ પણ બાળપણ માં સુકાઈ ગયેલું હાસ્ય તેના ચહેરા પર જોવા નથી મળતું.” રવિએ વાત પૂરી કરતા કહ્યું.

પ્રો. દવેએ ઈરફાને લખેલા નિબંધ પર ફરી એકવાર નજર કરી અને મોટેથી વાંચવા લાગ્યા, “ મા ક્યારેય મારાં આંસુ લૂછવા શક્તિમાન ન બની. થતું એવું કે એ રડતી અને હું એના આંસુ લૂછતો. મા મને એનાં આંસુમાં જ જોવા મળતી. વર્ષો સુધી હાલતી, ચાલતી, બોલતી, ગાતી માતાના સ્વરૂપને ઝંખતો રહ્યો પણ એ લાશ જેવી મારી નજર સામે જીવી અને મૃત્યુ પામી... મા ન હોય તો બાળપણ ન હોય. હાસ્ય ન હોય. રુદનની સજા હોય...” અને લાંબા નિશ્વાસ સાથે પ્રો. દવેએ નિબંધને છાતીએ લગાડ્યો.

***