Be tunki vartao books and stories free download online pdf in Gujarati

બે ટૂંકી વાર્તાઓ

વાર્તા - 1

અદિતિ મેક-અપને છેલ્લો ટચ આપી રહી હતી. બ્લેક કલરનાં શોર્ટ-ડ્રેસમાં એ અત્યંત સુંદર લાગી રહી હતી. આદિત્યને આવવાને હજુ પાંચ મિનિટની વાર હતી. આજે અદિતિ આદિત્યને ઘાયલ કરવાનાં મૂડમાં હતી. નેટનો અર્ધપારદર્શક ડ્રેસ અને મારકણો મેક-અપ. એણે રૂમને પણ મીણબત્તીથી અલગ જ સજાવ્યો હતો. ફરી એકવાર અરીસામાં એણે પોતાની જાતને જોઈ લીધી. આજે આદિત્ય આવે એટલે રોમેન્ટિક ગીત વગાડી એના પર માદક ડાન્સ કરતા કરતા આદિત્યને પાણી-પાણી કરવાનો અદિતીનો ઈરાદો હતો.

આદિત્ય મનમાં વિચાર કરતાં-કરતાં ગેટ પાસે આવી પહોંચ્યો. ચિંતા કે માનસિક ઉચાટના લીધે એણે ગેટ થી થોડે દૂર ગાડી ઉભી રાખી સિગારેટ સળગાવી. આખી સિગારેટ પુરી કરી મનમાં નિશ્ચય કરીને એ આવ્યો. ગાડી પાર્ક કરી એણે ફોન જોડ્યો.

"હું પહોંચી ગયો છું. તું ૨૦ મિનિટ પછી નીચે આવજે. અને હા, ફોન નહિ ફક્ત બે વાર હોર્ન વગાડજે. હું સમજી જઈશ."

અંતે ઘર પાસે આવી એણે ડોરબેલ વગાડી. બે ડોરબેલ વગાડી છતાં દરવાજો નહિ ખુલતાં એ અકળાયો. ત્રીજી ડોરબેલ વગાડવા જાય એ પહેલા અદિતિએ દરવાજો થોડો ખોલ્યો અને કહ્યું "પ્લીઝ પાંચ મિનિટ પછી અંદર આવજે આદિ પ્લીઝ."

અને એ અંદર જતી રહી. આદિત્યએ બારણું ખોલ્યું અને રૂમમાં આવ્યો. જોયું તો અદિતિ શોર્ટ ડ્રેસમાં માદક નૃત્ય કરી રહી હતી અને આદિત્યને બહેકાવવાનો પ્રયત્ન કરી રહી.

આદિત્ય અને અદિતિના લગ્નને ૨ વરસ થયા હતાં. અદિતિ હજુ પણ આદિત્યની પ્રેયસી બની રહેવા અને લગ્નજીવનનો રોમાંચ જાળવી રાખવા સતત પ્રયત્ન કરી રહેતી. આજે આદિત્યને અદિતિના આ પ્રયાસોમાં કે એના માદક નૃત્યમાં કોઈ રસ ન હતો. એણે અદિતિને કહ્યું, "અદિતિ એક મિનિટ. મારે એક વાત કરવી છે તને."

"વાતો તો થતી રહેશે આદિ." અને અદિતિએ આદિત્યને બેડ પર બેસાડ્યો.

આદિત્યએ અકળાઈને મ્યુઝિક બંધ કરી દીધું. "અદિતિ સ્ટોપ ઈટ."

અને અદિતિ બેસી ગઈ. "હા બોલ આદિ."

"અદિતિ, હું ઘણાં વખતથી કહેવા માંગતો હતો પણ કહી ન શક્યો. મારી ઓફિસમાં કોઈક છે. અમે... અમે એકબીજાને પ્રેમ કરીએ છે."

"ઋજુતા દવે. ઉંમર ૨૫ વર્ષ. તારા હાથ નીચે કામ કરે છે."

"તને ખબર છે અદિતિ?"

"હા, તમે એક વરસથી સાથે છો અને ત્રણ મહિનાથી મને ખબર છે. પણ મારો પ્રેમ શરતોને આધીન નથી. હું હંમેશા તમને પ્રેમ કરતી રહીશ આદિ." પોતાનો નાઈટડ્રેસ પહેરી વાળ બાંધતા અદિતિએ કહ્યું.

આદિત્ય કંઈ જ નહિ બોલ્યો. અદિતિએ કહ્યું, "તો હવે તારે શું કરવું છે? તું એને અહીં લાવવા માંગે તો મને કંઈ પ્રોબ્લેમ નથી. આપણે ત્યાં જઈને રહેવું હોઈ તો પણ મને વાંધો નથી."

"હું.. હું તને છોડીને જઈ રહ્યો છું. હું ઋજુતા સાથે રહેવા જઈ રહ્યો છું. હમણાં ૧૫ મિનિટમાં એ આવતી જ હશે."

"ઓકે."

"આઈ એમ સોરી અદિતિ"

"ઇટ્સ ઓકે."

"છ મહિનાનું ભાડું મેં ભરી દીધું છે. પછી તું જોઈ લેજે."

"ઓકે"

"નીચે ગાડી પણ પાર્કિંગમાં જ છે. એની ચાવી આગળ ટેબલ પર મૂકી છે. હું ઋજુતાની ગાડીમાં જઈ રહ્યો છું."

"ઓકે. બીજું કંઈ?"

"બીજું.. તો ડિવોર્સના પેપર્સ અઠવાડિયામાં મોકલીશ. તું પ્લીઝ સાઈન કરી દેજે."

"હા હું કરી દઈશ."

આ તમામ વાતચિત દરમ્યાન અદિતિએ પોતાના મોં પર શાંતિ અને સ્મિત જાળવી રાખ્યા હતાં. થોડીવારની શાંતિ પછી સ્વસ્થ થતા અદિતિએ પૂછ્યું, "તું તારો સામાન લઇ જવાનો છે તારી સાથે?"

"હા હું લઇ જવાનો છું."

અદિતિ ઉભી થઈને આદિત્યની બેગ ભરવા માંડી. આદિત્યએ કહ્યું રહેવા દે હું કરી દઈશ. પણ અદિતિએ પ્રેમથી એની બેગ તૈયાર કરી દીધી.

એટલામાં નીચેથી હોર્ન સંભળાયો. અને આદિત્ય બેગ લઈને ઉભો થયો. એણે અદિતિ સામે જોઈને "બાય" કર્યું. પણ એથી વધારે એ કંઈ બોલી નહિ શક્યો. અંતે અદિતિએ આદિને ભેટીને ગાલ પર એક ચુમ્મી કરી. અને કહ્યું "બાય આદિ, આઈ લવ યુ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ફ્યુચર. ઋજુતાને પણ મારા તરફથી શુભેચ્છા." અને આદિત્ય કંઈ બોલ્યા વિના ત્યાંથી જતો રહ્યો.

***

અદિતિએ આંખ બંધ કરી દીધી. એટલામાં એનો ડોરબેલ વાગ્યો. અદિતિએ જોયું તો આદિત્ય એની માફી માંગતો ઉભો હતો. આદિત્ય આવીને અદિતિને ભેટી પડ્યો અને ભીંસમાં લીધી. અદિતિએ બૂમ પાડી, "આદિ પ્લીઝ મને ગૂંગળામણ થાય છે. હું ખુબ ખુશ છું કે તું પાછો આવી ગયો." પણ આદિત્યએ કંઈ સાંભળ્યા વિના જ એની ભીંસ વધારી "પ્લીઝ અદિતિ મને માફ કરી દે." અને અદિતિને ગૂંગળામણ થતા બોલી "આદિ... પ્લીઝ" અને એણે આંખો ખોલી.

***

આ શું? આ ફક્ત એક સપનું હતું? એણે બારીમાંથી જોયું તો આદિત્ય અને ઋજુતાની ગાડી નીકળી ગઈ હતી. હવે એની ધીરજ ખૂટી ગઈ. હવે ઘરમાં કોઈ જ નહિ હતું. અને એ ભાંગી પડી. જમીન પર પડીને એ ખુબ રડી. ભલે એણે આદિત્યને હસતા મોંએ વિદાય કર્યો હતો પણ એનામાં રહેલી સ્ત્રી આજે ટુકડે-ટુકડા વિખરાઈ ગઈ હતી.

***

વાર્તા - 2

રાત્રિનો અંધકાર ઘેરો થતો જતો હતો. મનન ઘરે પહોંચવાની ઉતાવળમાં હતો. આજે એને ખુબ મોડું થઈ ગયું હતું. મનન મહેતાની ગયા અઠવાડિયે જ અમદાવાદથી સુરતના સચિન ગામે બદલી થઇ હતી. આમ તો હજુ એના લગ્ન થયા ન હોવાથી એને કોઈની જવાબદારી હતી નહિ. માતા-પિતા તો મોટા ભાઈ-ભાભી સાથે અમદાવાદમાં જ રહેતા હતા. ગામમાં રહેવાની વ્યવસ્થા ન થતા એણે સુરત રહેવાનું પસંદ કર્યું હતું. આમ પણ સુરતમાં રહેવાની એને ઈચ્છા વધારે હતી કેમકે માર્કેટ પણ નજીક અને રજાના દિવસોમાં મનોરંજનનાં સ્થળો પણ એને નજીક પડતાં.

દરરોજ તો એ ૯-૯.૩૦ નાં અરસામાં કંપની પરથી નીકળી જતો. પણ આજે કામ વધુ હોવાથી એને કંપની પર જ ૧૧.૩૦ થઇ ગયા હતાં. આખો રસ્તો સુમસામ ભાસતો હતો. આથી એણે ગાડીની સ્પીડ વધારી. થોડે દૂર જઈ એણે એક સ્ત્રીને જોઈ જે થોડી ચીંથરેહાલ હાલતમાં હતી અને મનન પાસે મદદ માંગી. મનને ગાડી થોડી ધીમી કરી. પણ એવામાં એણે આંખ સામે દ્રશ્ય દેખાયું.

***

મનને એ સ્ત્રીને પોતાની ગાડીમાં લિફ્ટ આપી. પેલી સ્ત્રીએ થોડે દૂર જઈને પોતાનો સાડીનો છેડો દૂર કરતાં કહ્યું તારી પાસે જે હોઈ એ ચુપચાપ આપી દે. નહીંતર હું કેસ કરીશ કે તમે મારી ઈજ્જત લૂંટવાનો પ્રયત્ન કર્યો છે. મનને આનાકાની કરતાં પેલી સ્ત્રીએ પોતાની પાસે રહેલી રિવોલ્વર કાઢી મનનની સામે ધરી દીધી. અને છતાંય મનને ગાડી ઉભી રાખી પેલી સ્ત્રીને ઉતરી જવા કહ્યું. આથી પેલી સ્ત્રીએ બંદૂકથી ગોળી ચલાવી... "ધાય ધાય"

***

અને મનન તંદ્રામાંથી બહાર આવ્યો. એણે વિચાર્યું કે આજકાલ આવા લૂંટના કિસ્સા ખુબ બને છે. શું ખબર કે આ પણ કોઈ લૂંટારુ હોઈ તો? આમ તો એ સ્ત્રી મોં પરથી સારા ઘરની અને ભોળી લાગતી હતી. ક્યારેક આવા ભોળા ચહેરા પાછળ જ ખતરનાક મનસા છુપાયેલી હોય છે એમ વિચારી મનને ગાડી નહિ થોભાવી. થોડે આગળ જઈ મનને મિરરમાં જોયું તો ઝાડીમાંથી ધસી આવેલા ૩-૪ ગુંડા એ સ્ત્રીને ખેંચીને અંદર લઇ ગયા. એ સ્ત્રીએ પડેલી ધારદાર ચીસ મનનનાં કાનને ચીરતી નીકળી ગઈ. અને મનનને લાગ્યું કે જાણે એનામાં રહેલી માનવતા પર એણે પોતે ગોળી ચલાવી હોય. "ધાય.. ધાય.."

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED