આખરી મુલાકાત... Tarulata Mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આખરી મુલાકાત...

'આખરી મુલાકાત'

તરુલતા મહેતા

શ્રી ક્રુષ્ણ અને સુદામાની દોસ્તીને કોણ નથી જાણતું ? ખરેખર, જગતમાં મિત્રનો પ્રેમ અમૂલ્ય ખજાનો છે. જે કદી ખૂટતો નથી, સ્થળ અને સમય બદલાય તેમ નવા મિત્રો થાય પણ બાળગોઠીયા એટલે ખેતરની તાજી શેરડીની મીઠાશ. એની યાદથી દિલ તરોતાજા થઈ જાય છે.વિજય અને પ્રકાશની જોડી એટલે સૌ જાણે કે એક મગની બે ફાડ. જોડિયા ભાઇઓ નહોતા પણ બન્નેના મન એવા મળેલા કે વગર બોલ્યે ઇશારાથી બન્ને મનની વાત સમજી જાય.

અમેરિકા જવાનું ગોઠવાયું ત્યારે વિજયના મનમાં પહેલો વિચાર એના બાળગોઠીયા પ્રકાશને મળવાનો આવ્યો, પ્રકાશ -વિજયને સ્કૂલમાં સૌ પકુવીજુની જોડી ગણે. તોફાન, મસ્તીમાં કોઈને ગાંઠે નહિ, પાછા હોશિયારી કરી બીજાને બનાવવામાં એક્કો. શિક્ષક પાસે ફરિયાદ જાય ત્યારે પ્રકાશ સાહેબ આગળ રડી પડે, કહે 'મેં કર્યું છે, મને શિક્ષા કરો' વિજયને આંખો મિચકારી ચૂપ રહેવાનો ઈશારો કરે.

'અરે, મારે એને હળતાલને દિવસે કેવું થયેલું તે યાદ કરાવી પેટ પકડી હસવું છે, ને પેલી ફેશનેબલ મોનાની ઠેકડી ઉડાવવાની કેવી ભારે પડી ગઈ હતી, જવા દોને વાત બાલ બાલ બચ ગયે નહિ તો કોલેજમાંથી પાણીચું મળી જાત, તેમાં ય પ્રકાશની ગુનો કબૂલી રડી લેવાની કળા કામ આવી ગયેલી.

આજે વિજયની પત્ની શોભા હોત તો જરૂર કહેત , 'અમેરિકા ગયા પછી તમારા ભાઈબંધ બે વાર મળ્યા છે , એ તમને આ ધોળા વાળ અને નમેલા શરીરમાં કેમ કરી ઓળખશે?' એ ય મારી જેમ ડોસો થયો હશે ને! 'આવ ભાઈ હરખા આપણે બે સરખા' દે તાળી કહેતા વિજયનો હાથ લાંબો થઈ ગયો, તેને મનમાં હસવું આવી ગયું. તેને યાદ આવ્યું પ્રકાશ દીકરીના લગ્ન કરાવવા વીશેક વર્ષ પહેલાં અમદાવાદ આવેલો ત્યારે જોયેલો।કોઈ મોટી કમ્પનીનો ઓફિસર હતો. એકદમ અપટુડેટ અને વાળ તો જાણે નવજુવાનની જેમ કાળા અને સ્ટાઇલમાં સજાવેલા, એની ગોરી પત્ની ઊચી અને પડછંદ હતી,

વયમાં પ્રકાશ કરતાં મોટી લાગતી હતી. પ્રકાશના માતા-પિતાને તે જમાનામાં ગોરી સાથેના તેના લગ્ન પસંદ નહોતા, એની દીકરીના લગ્ન પણ અમેરિકન છોકરા સાથે ગોઠવાયા હતા, બધી વાતે પ્રકાશથી તેઓ નારાજ રહ્યાં , પ્રકાશે મિત્રોની મદદથી છોકરીના લગ્નપ્રસંગને પાર પાડ્યો હતો. તે વખતે ખૂબ ધમાલમાં હતો તોય રાત્રે મોડો એને ઘેર આવી 'વીજુ, વીજુ ' નીચેથી બૂમો પાડતો હતો. વિજય અને શોભા નવાઈ પામ્યાં હતાં, 'તારે ઘેર આવવામાં મારે ટાઇમ જોવાની શું જરૂર? 'પ્રકાશ કહેતો હતો. ' તારા ઘરનું ગળ્યું અથાણું અને પૂરી ખાધા વગર અને તારી સાથે આપણા કોલેજના દિવસોની ખટ મીઠી વાતો કર્યા વિના મારી ઇન્ડિયાની વિઝીટ અઘૂરી કહેવાય' પ્રકાશે કેમેસ્ટ્રીમાં પી . એચ. ડી કર્યું હતું પણ વિજયની સંગે સાહિત્યના પ્રોગામો જોતો મશ્કરીમાં કહેતો, 'યાર , રૂપાળી છોકરીઓ જોવાની મળે એટલે આપણે રાજી. ' એમ જ એક દિવસ એણે એક શરમાતી લાંબા ચોટલાવાળી છોકરી તરફ વિજયનું ધ્યાન દોર્યું, 'જો પેલી નૂતન તારા લાયક છે. ' એ શોભાને મશ્કરીમાં નૂતન કહેતો.

વિજયનું મન ઉદાસ થયું, બે વર્ષ પહેલાં કેન્સરની બીમારી શોભાને ઉપાડી ગઈ. પણ વિજયની શોભા આજે હોત તો એક નાની ડબ્બીમાં ગળ્યું અથાણું લઈ જવાની જીદ કરી હોત!આમ તો વિજય માટે અમેરિકા જવાય તેવા સંજોગો નહોતા.

એનો દીકરો મુંબઈમાં સેટ થયો હતો. લોકોના સંતાનો પેરન્ટને અમેરિકા બોલાવે તેથી જવાનું શકય બને, વિજયને અમેરિકા જવાનો મોહ નહોતો, અફસોસ એટલો જ હતો કે તેનો દીકરો કમલ તેને મુ બઈ પણ બોલવતો નહોતો કારણકે તેનો ફ્લેટ બહુ નાનો હતો. અમેરિકા જવાનો ખર્ચ વિજયને પોષાય નહિ , તેની બેંકની નોકરીમાં જે કઈ પ્રોવીડંડ ફંડ વગેરે હતું તે શોભાની માંદગીમાં વપરાયું હતું. પત્ની વગર ક્યાંય જવાનું તેને મન થતું નહિ. પણ શોભાની નાની બહેન સીમાએ તેની દીકરીના લગ્નપ્રસંગે જીજાજીને અમેરિકા આવવાનું આમંત્રણ અને ટિકીટ મોકલી આપ્યાં, સીમા શોભાને ત્યાં રહી કોલેજમાં ભણી હતી, વિજયે તેને અમેરિકા જવા માટે મદદ કરી હતી. સીમાએ ફોનમાં જીજાજીને પ્રેમથી આગ્રહ કરી કહ્યું હતું, 'વડીલમાં તમારા સિવાય બીજું કોઈ મારે નથી. તમારી હાજરીથી મારે બહેનની અને માં-બાપની બધાંની ખોટ પૂરી થશે. ' વિજય મનથી મૂઝાતો હતો, વીઝા માટે મુંબઈ જઈશ ત્યારે કમલ શું કહેશે?એનો પોતાનો દીકરો હતો પણ શોભાના ગયા પછી કદી ખૂલ્લાદિલે વાત કરી નથી. ફોનમાં એટલું જ કહે 'તબિયત સાચવજો અને પેસાની જરૂર હોય તો મોકલુ. ''વિજયને મૂઢમારની વેદના થતી, એના ગળામાથી શબ્દો નીકળતા નથી , 'દીકરા મારે તને જોવો છે, તું પાસે બેસી વાતો કરે, એટલો પ્રેમ ઇચ્છું છું , ' વિજય વિચારતો હતો શું પ્રકાશને એનાં સંતાનો સાથે મનમેળ હશે! કે મારી જેમ તે પણ દુઃખી હશે. પોતાના સંતાનની ફરિયાદ કોને કરાય?અમે બે ગોઠિયા સુખદુઃખની હેયાછૂટી વાત કરીશું એટલે મારો અમેરિકાનો ફેરો સફળ થશે.વિજયને થયું પ્રકાશનું સરનામું અને ફોન તેની ડાયરીમાં હતાં, તે વીસ વર્ષ પહેલાનાં, પ્રકાશ પત્રો ક્યારેય લખતો નહિ , જયારે ઇન્ડિયા આવવાનું ગોઠવે ત્યારેફોનથી જાણ કરતો પણ કેટલાંય વર્ષોથી તે અમદાવાદ આવ્યો નથી. બે ચાર મહીને મધરાતે તેનો ફોન આવતો ત્યારે ખબરઅંતર પૂછી લેતો. એક વાર અમેરિકા પહોચું પછી વાત. એ ઇન્ટરનેટનો ઉપયોગ નહોતો કરતો પણ એને જાણ હતી કે ગૂગલની વેબ સાઈટ પર સર્ચ કરવાથી બધું શક્ય છે. અમેરિકા જતા પહેલા પોતાના દીકરા સાથે કેમ વાત કરવી તેની ગડભાંજ તેના મનમાં ચાલતી હતી. એણે સાભળ્યું હતું કે અમેરિકામાં મા -બાપ એકલાં પડી જાય, 'મારો ગોઠિયો એકલો હશે?

સાંજે પરિમલ ગાર્ડનમાં તે ચાલવા ગયો ત્યારે જાણ્યું એની મિત્રમન્ડળીમાંથી રમેશ પણ અમેરિકાના વિઝા માટે તૈયારી કરે છે. વિઝા

માટે મુંબઈ જવાની જરૂર નથી, એને 'હાશ' થઈ.

વિજયનું મન અમેરિકા જવાના ચાર દિવસ પહેલાં હર્ષ-શોકમાં ઝોલા ખાતું હતું. દીકરા કમલને જતા પહેલાં મળવું હતું, જીવ બળતો હતો. બીજી બાજુ અમેરિકા પ્રસન્ગના નિમિત્તે બાળભેરુને મળવાનો ઉમળકો થતો હતો.

વિજયની સાળી સીમા અને તેનું કુટુંબ લગ્નપ્રસન્ગમાં જીજાજી હાજર રહ્યા તેથી ખૂબ રાજી થયાં. જીજાજીને લોસએન્જલ્સમાં તેમણે બધે ફેરવવાની વાત કરી એટલે વિજયે પોતાના ભાઈબન્ધને મળવા જવાની ઈચ્છા દર્શાવી. ફોનથી પ્રકાશની દીકરી જેની સાથે વાત થઈ અને સેન હોઝે જવાનું ગોઠવાયું એટલે વિજય રાજીનો રેડ થયો. કેમ જાણે વર્ષોથી એની જોડીનો મણકો ખોવાયેલો તે જડી ગયો. પતિ-પત્નીનું જોડું હતું પણ વિજયના ભાગ્યમાં તે પણ ખણ્ડિત થયું હતું. હવે તે પ્રકાશને મળશે એની કલ્પનાથી એની નસોમાં લોહી પુરપાટ દોડી રહ્યું, ઘરડા શરીરમાં કિશોરની મસ્તી ઉમટી આવી. મુસાફરીનો . . જ નહિ આયખાનો બધો થાક ઘડીમાં ઉતરી ગયો.

પ્રકાશની દીકરીએ એર પોટ ઉપર વિજયને વ્હાલથી 'હગ' કર્યું, બોલી, 'પાપા તમને બહુ મિસ કરતા હતા, પણ તબિયતને કારણે ઇન્ડિયા આવી શકતા નહોતા' વિજયે પોતીકી દીકરીની જેમ જેનીને પ્રેમથી કહ્યું , 'હું આવ્યો છું ને એ ચાલતો થઈ જશે. '

ફ્રી વે પર સાંજના ટ્રાફિકમાં ધીમી ગતિએ દોડતી કારમાં જેની બેચેનીથી ઘડીઘડીએ આગળ પાછળ જોયા કરતી હતી. પાપા વિશે

એને કાંઈ કહેવું છે, પણ વિજય તરફ જોઈ અટકી જાય છે, વિજયને લાગ્યું જેનીની આખમાં ભીનાશ છે, એનું હૈયું ભરાઈ આવ્યું ‘પ્રકાશની દીકરી કેટલી માયાળુ છે! તેની કાળજી રાખે છે!’

જેનીની કાર હોસ્પિટલના દરવાજે ઊભી રહી. તે બોલી, 'અંકલ, તમે અંદર મારી રાહ જુઓ, હું કાર પાર્ક કરી આવું છું. '

પાંચ. . . સાત મિનિટ રાહ જોતો વિજય જાણે ઓગળતો જતો હતો, કોઈને સ્ટ્રેચરમાં લઈ જતા જોઈ વિચારશૂન્ય અંધકાર તેને ધેરી વળ્યો, પાછળથી પ્રકાશની દીકરી ત્વરાથી આવી વિજયનો હાથ ઝાલી સ્ટેચરની પાછળ દોડતી . . . . પાપા , લુક યોર ફ્રેન્ડ , વેઇટ ફોર હિમ . . સ્ટ્રેચરમાંથી આવતો એના પાપાનો ' વીજુ . . વીજુ'નો અવાજ ક્ષીણ થતો હતો , વિજય દોડીને પ્રકાશની છાતીના અંતિમ ધબકારાને વળગી પડ્યો . આસુંની ટાઢીહિમ શીલા નીચે દોસ્તોના જીવ પારાવાર મુંઝારામાં તડપતા હતા .