કોરો કાગળ Mitra દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોરો કાગળ

‘કોરો કાગળ’

(ભાગ 1)

પોલીસ સ્ટેશનમાં પોતાના ટેબલ પર બેસીને ઇન્સ્પેકટર રાઠોડ કોઈ પુસ્તક વાંચી રહ્યા હતા. પુસ્તકના શબ્દો વાંચ્યાનો પ્રતિભાવ તેમના ચેહરાના બદલાતા હાવભાવ પરથી કળી શકાતો હતો. ઘડીકમાં તેમની ભ્રમરો ઊંચકાતી, તો ક્યારેક આંખો નાની મોટી થતી, તો વળી થોડીવારે એ પોતાના દાંત વડે હોઠ દબાવતા !

એ વચ્ચે એમણે એક વાક્ય વાંચ્યું અને તેમના ચેહરા પર સ્મિત તરી આવ્યું. અને થોડોક અવાજ ઉંચો કરી હાથથી બધાને પાસે બોલાવતા હોય તેમ ઈશારો કરતાં બોલ્યા,

“એય અહીં આવો બધા ! જુઓ... આ લેખક શું લખે છે...!”

“જી સર...”, કહેતાં આજુબાજુ વાતો કરતા ઉભા બે ચાર કોન્સ્ટેબલો આવીને ટેબલની ફરતે ગોઠવાઈ ગયા.

“જુઓ, આ લેખક મહોદય લખે છે કે...”, કહેતાં તેણે વાંચનની એક આગવી છટામાં વાક્ય વાંચ્યું,

“પ્રેમ એ તો વહેતું ઝરણું છે ! આપણે તેને લિંગ, જાતિ, ધર્મ, ઊંચનીચ, અમીરી-ગરીબી, જેવા કેટલાય અન્ય પથ્થરોથી રોકવાનો પ્રયાસ કેમ ન કરી લઈએ...! પણ એ તો એનો રસ્તો કરીને વહી જ જવાનું છે !”

અને વાક્ય પૂરું થતાંની સાથે જ સ્ટેશનનો એ ઓફીસરૂમ જાણે મુશાયરામાં ફેરબદલ થઇ ગયો હોય એમ દરેક ખૂણેથી ‘વાહ...’ ‘ક્યા બાત...!’, ના સ્વર ઉઠવા માંડ્યા !

અને એ સાંભળી, એ વાક્ય જાણે રાઠોડે પોતે જ લખ્યું હોય એમ ઇતરાતો રહ્યો !

આમ તો રાઠોડ સ્વભાવે સખ્ત પ્રકારનો માણસ ! અને દેખાવે પણ ક્રૂર કહી શકાય તેવો ! પણ અફસર તરીકે તેટલો જ નિષ્ઠાવાન ! એક પણ પૈસાના ભ્રષ્ટાચાર વિના પોલીસખાતામાં જોડાયો હતો, અને માત્ર એટલું જ નહીં, જોડાયા બાદ કેટકેટલાય કારનામાં કરી અનેક બહુમાનો તથા ચંદ્રકો પણ મેળવ્યા હતાં !

તેના એ સખ્ત સ્વભાવની વિરુધની એક બાબત તેનામાં હતી, અને એ હતી તેનો વાંચન પ્રત્યે નો પ્રેમ ! વાંચનની વાત આવતી ત્યારે એ પોતાનો કઠોર સ્વભાવ વિસરી જતો, અને તદ્દન નાનું બાળક દેશીહિસાબ વાંચે તેમ એકના એક પ્રકરણ પણ વાગોળ્યા કરતો ! હવે એ લેખકના શબ્દોનો જાદુ કહો કે પછી રાઠોડના વાંચનમાં રસ... પણ એની માટે વાંચન જાણે રોજનો ખોરાક સમાન હતો !

મોટાભાગે રાઠોડને પ્રણયકથાઓ વાંચવાનો શોખ ! પ્રણયના વિવિધ પ્રસંગો ધરાવતાં પુસ્તકોનો તો તેણે ઘરમાં એક ‘મોટું કબાટ’ ભરીને સંગ્રહ કર્યો હતો ! અને ક્યારેક સ્ટેશન પર કામ ઓછું રેહતું ત્યારે સ્ટેશન પર પણ એકાદું પુસ્તક જોડે લઇ આવતો. અને આમ જ પ્રસંગ દરપ્રસંગે તેને ગમી ગયેલા સંવાદો, વાક્યો, કે પ્રસંગો અન્યો સામે પણ ટાંકતો રેહતો, અને અન્યોને પણ તેના વાંચનનો લાભ આપતો !

રાઠોડનું એ વાક્ય વંચાયા બાદ લગભગ દરેકે ચાપલુસીભર્યા સ્વરે તેની વાહવાહી કરી હતી. પણ એક કોન્સ્ટેબલ વિચારમગ્ન અવસ્થામાં રહી રાઠોડના ખોળામાં પડેલા એ પુસ્તક તરફ જોઈ રહ્યો હતો, અને એ જોઈ રાઠોડે તેને મસ્તીભર્યા સ્વરે પૂછ્યું,

“શું થયું ગીરધર...? આમ શું જોઈ રહ્યો છે...?”, કહેતાં રાઠોડે એક આંખનું પોપચું સહેજ નીચું નમાવ્યું, અને એ જોઈ દરેક હસવા માંડ્યા. તેની એ હરકતથી આખો સંવાદ દ્વિઅર્થી બની જતો હતો.

અને એ જોઈ ગીરધરે સહેજ સંકોચથી જવાબ આપ્યો, “કંઇ નહીં સર... બસ એમ જ !”

“અરે બોલ બોલ... સાહેબથી ડરવાની જરૂર નથી... શું કહેવું સાહેબ, બરાબર ને ?”, બીજા એક કોન્સ્ટેબલે ટાપસી પુરાવતા કહ્યું.

“હા... બિલકુલ ગીરધર...”

“સર એ વાક્ય...”, ગીરધર તેટલું બોલી અટકી ગયો.

“હા, તો તેનું શું છે...?”

“સર... તમે હમણાં જે વાક્ય વાંચ્યું એ ‘ધરમ’ ના પ્રેમપ્રકરણને લાગુ ન પડે...?”, સહેજ ખચકાટ સાથે તેણે પોતાની વાત કહી નાંખી.

આજુબાજુ હસી રહેલા કોન્સ્ટેબલો વચ્ચે પણ ઘડીભર સોપો પડી ગયો ! અને બીજી જ સેકન્ડે રાઠોડના ગુસ્સાનો જ્વાળામુખી ફાટી નીકળ્યો, અને જોરથી ટેબલ પર હાથ પછાડતા ઉભો થયો,

“ખબરદાર જો એવા લોકોની તે તરફદારી કરવાની કોશિશ પણ કરી છે તો ! એણે અન્ય ધર્મની છોકરી સાથે પ્રેમ કર્યો, અને માત્રને માત્ર એમની બંનેની કારણે ગામ આખુ ભડાકે બળ્યું હતું... શું તે આ બધું તારી આંખેથી નહોતું જોયું...? શું આ બધું જે થયું એ ઓછું હતું...?”

“પણ સર...”

“નહીં.... એક શબ્દ પણ આગળ નહીં ! જસ્ટ કીપ ક્વાઈટ ઇન ધીસ મેટર ! નાવ જસ્ટ ગેટ ગોઇંગ, જા મારા માટે ચા લઇ આવ... જલ્દી જા !”

“યસ સર...”, કહેતાં એ બહાર ચાલ્યો ગયો.

અલબત્ત તેને વાત કહ્યાના પહેલાથી જ ઉચાટ તો હતો જ કે આવું જ કંઇક બનવાનું છે, કારણ એ રાઠોડના સ્વભાવ, તેના ગમા અણગમા પ્રત્યે સુપેરે પરિચિત હતો ! કારણ, તે જાણતો હતો કે રાઠોડ ભલે ગમે તેટલા પ્રણયગ્રંથો કેમ ન વાંચી લે, પણ ધર્મની બાબતેની તેની રૂઢીચુસ્તતા તો છુટવાથી રહી ! અને આમ એક રીતે જોતા તેનું વાંચન એ માત્ર ‘વાંચન’ પુરતું જ સીમિત રહી જતું ! તેનું આચરણ તો ભાગ્યે જ જોવા મળતું !

ગીરધર સ્ટેશનની સામેની કીટલી પર પંહોચી ‘સાહેબની સ્પેશ્યલ ચા’ કહી ઓર્ડર આપી, થડા પર જગ્યા કરીને બેઠો. અને કીટલી પર કામ કરતો છોકરો સાહેબની ચા બનાવે ત્યાં સુધીમાં કીટલીનો માલિક નાનકડી પવાલીમાં ગીરધર માટે ચા લઇ આવ્યો અને તેની બાજુમાં જઈને બેઠો, અને વાતોએ વળગ્યો !

આ લગભગ એમનો નિત્યક્રમ જ સમજો. સ્ટેશન પરની ચાના ઓર્ડર દેવા ગીરધર જ આવતો, અને તેની કીટલી પર સાહેબની ‘મહેરબાની’ બની રહે એવા આશયથી તેનો માલિક ગીરધરને પણ થોડીક ચા પાઇ દેતો. અને બંનેનો સ્વભાવ પણ બોલકણો ! એટલે બંનેને એ પાંચ દસ મીનીટની મુલાકાત પણ જાણે એક મહેફિલ જેવી લાગતી !

“અરે ગીરધર સાહેબ... પેલા નવા આવેલા ‘પ્રેમી’નું શું થયું...?”, વાતવાતમાં ચા વાળાએ પૂછ્યું.

“કોણ, પેલો ધરમ...?”, ચા નો ઘૂંટ ભરતાં તેણે પૂછ્યું.

“હા... હા... એ જ...”

“અરે જવા દે ને ભાઈ ! બિચારો માર ખાઈ ખાઈને જ અધમુઓ થઇ પડ્યો છે ! તને તો ખબર જ છે, આવા મામલામાં સાહેબનો ગુસ્સો સાતમા આસમાને જ હોય છે. અને અધૂરામાં પૂરું છોકરીના ભાઈની ઓળખાણ પણ ઊંચા લેવલ સુધીની છે... એટલે આ કેસ વહેલો પતે તેવા અણસાર તો નથી જ દેખાતા !”

“પણ ગીરધર ભાઈ, તેણે કામ જ કંઇક એવું કર્યું છે તો...”

“વાત એ નથી...! એમના પ્રકરણમાં તેમણે જે કર્યું એ બરાબર જ હતું ! એ કર્યા વિના કોઈ છુટકો જ ન હતો ! પણ ‘બંનેએ’ પગલું જરા ઉતાવળું ભર્યું એમ કહી શકાય ! આ ‘આપણા’ ધરમને તો 21નો થવામાં પણ હજી બે મહિનાની વાર છે, બોલ !

“પણ હવે થઇ પણ શું શકે...? બાકી બંનેની જોડી જામતી હતી બાકી !”

“હશે હવે...”, કહેતાં ગીરધરે વાતનો અંત આણ્યો. અને ત્યાં જ “લો આ... સાહેબની સ્પેશ્યલ ચા...”, કહેતાં ચા બનાવતા છોકરાએ ચાની પ્યાલી ધરી.

અને તરત જ બંને કીટલી વધાવવા (બંધ કરવા) ની પળોજણમાં પડ્યા, અન એ જોઈ ગીરધરે આશ્ચર્ય સાથે પૂછ્યું, “અરે કેમ ભાઈ...? આજે જલ્દી ઘરે જાવ છો ?”

“અરે ગીરધર સાહેબ ! તમે પણ ગામ આખાની ચિંતાઓ માથે લઈને ફરો છો...! ભૂલી ગયા આજે દિવાળી છે...! હવે વર્ષના આટલા મોટા તહેવારે તો માણસ વ્હેલો ઘરભેગો થાય કે નહી...?”, કહેતાં એ હસવા માંડ્યો, અને ફરી પોતાના કામે લાગ્યો.

અને ચા વાળો જાણે કંઇક નવું જ બોલતો હોય એમ તે તેની તરફ જોઈ રહ્યો. તે ખરેખર ભૂલી ગયો હતો કે આજે દિવાળીની રાત હતી. અલબત્ત પાછલા થોડાક દિવસોમાં બનાવો જ કંઇક એવા બન્યા હતા કે ગામમાં દિવાળીનું વાતાવરણ લાગતું જ ન’તું. અને જે જે ઘરો દિવાળી ઉજવી રહ્યા હતા એ પણ માત્ર, પાછલા દિવસોની દુ:સ્વપ્ન સમી યાદો વિસરવા ઉજવતા હોય એમ લાગતું હતું !

તેણે સ્ટેશન તરફ ચાલવું શરુ કર્યું, અને રસ્તો ઓળંગતા તેનું ધ્યાન નવા કપડાં પહેરી એકબીજાની ઘરે દિવાળીના વધામણા દેવા નીકળેલા લોકો તરફ ગયું ! અને પછી ક્યાંક ક્યાંકથી ફટાકડા ફૂટવાના ધડાકાના અવાજો અને થોડી થોડીવારે આકાશના કાળા કેનવાસને ક્ષણભર માટે વિવિધ રંગે રંગી નાંખતી આતશબાજી તરફ તેનું ધ્યાન ગયું !

પણ એની માટે તો શું દિવાળી અને શું ઉજવણી ! તેણે પોતાની વર્દી તરફ નજર કરી, અને તેને ‘પોતે હમણાં નાઈટ ડ્યુટી પર છે’ નું ભાન આવ્યું. “અમારે પોલીસખાતાંના માણસોને તો બધા દી સરખા !” નો બબડાટ કરતા તે સ્ટેશનમાં પ્રવેશ્યો.

ચા પીતી વખતે પણ રાઠોડનો ચેહરો લાલઘુમ રહ્યો હતો. અને ગીરધરે સાહેબને ગુસ્સો કરાવીને જાણે કોઈ ગુનો કર્યો હોય એમ એક ખૂણામાં ડોકું નીચું ઘાલીને ઉભો હતો. જેમની આજે નાઈટ ડ્યુટી ન હતી તેવા એક પછી એક રજા લેવા માંડ્યા હતા. પણ ગિરધરને કંઇક અલગ જ થડકાટ થતો હતો કે, ‘નક્કી આજે રાત્રે સાહેબ કેદીઓને રિમાન્ડ પર લેશે. અને ખાસ તો ધરમ ને !’

કોણ જાણે કેમ..., પણ તેના મનમાં ધરમ માટે એક અજાણ્યું સંવેગ થતું. કોઈક સ્વજનણે જોઇને થાય તેવું ! તેની 25 વર્ષની કારકિર્દીમાં તેણે ક્યારેક કોઈ કેદી પ્રત્યે એવું સંવેગ અનુભવ્યું ન હતું ! તે તો ધરમ માટે કંઇક કરવા પણ માંગતો હતો... પણ તેના હાથ કાયદા અને નોકરીની સાંકળે બંધાયેલા હતાં !

***

એ વાતને લગભગ 3 કલાક જેટલો સમય વીતી ચુક્યો હતો. અને હમણાં સમય લગભગ રાતના સવા અગ્યાર જેટલો થઇ રહ્યો હતો. બહાર હજી પણ થોડીથોડી વારે ફટાકડા તેમજ આતશબાજીના અવાજો આવતા હતા. રાઠોડ તેની આદત મુજબ લોકઅપ રૂમ બાજુ આંટો મારવા ગયો હતો. અને ગીરધર સાહેબના ટેબલની સામેની ખુરશીમાં બેસી બગાસાં ખાતો હતો. અને તહેવારની કારણે સ્ટેશનની કામગીરીમાં રેહતી રાહત, અને પાછલા દિવસોની એકધારી કામગીરી બાદ થાક લાગવો પણ સ્વાભાવિક હતો !

પાછલા થોડાક જ દિવસોમાં ગામે ન જોવાનું ઘણુંય જોઈ લીધું હતું. સામ સામાં પથ્થરમારા, ભડાકે બળતાં ટાયરો, વાહનોમ ઘરો, અને તેમના ધુમાડામાં ગૂંગળાઈને દમ તોડી નાંખતી ચીસો, અને પાણીની જેમ વહેતી લોહીની નદીઓ...! અને આ બધું જાણે માત્ર ક્ષણ પહેલાં જ બન્યું હોય એમ તેનું જીવંત ચિત્ર દરેકના માનસપટ પર હાજર હતું...! અને તેમાંથી ગીરધર પણ બાકાત ન હતો...! અને એ બધા કોમી રમખાણો થાવનું કારણ, ગામનો છોકરો ‘ધરમ’, ગામની છોકરી ‘મઝહબી’ ને ભગાવી ગયો હતો !

અહીં બીજી તરફ ગામમાં હજી પણ ક્યાંક ક્યાંક નાના બાળકો પોતાની વાલીની દેખરેખમાં ફટાકડા ફોડી તહેવારનો આનંદ માણી રહ્યા હતા. અને એ સાથે ગામના મુસ્લિમ વિસ્તાર તરફથી એક છોકરી કાળા બુરખામાં સજ્જ થઇ, હિન્દુવિસ્તારને કંઇક ઝડપથી ચીરતી પોલીસ સ્ટેશન તરફ આગળ વધી રહી હતી ! તેની ચાલમાં એક અજીબ ગતી હતી. તેના પગ ઉતાવળા ઉઠતાં હતા... જાણે ‘કંઇક કરી છુટવાની’ અદમ્ય તૈયારી સાથે આગળ વધતાં હોય એ રીતે ! પણ એની ગતિની નિર્ભયતાની તદ્દન વિરુધ, તેની હાથમાં રહેલું પરબીડિયું જાણે ડરથી કાપતું હોય એમ રીતસરનું થથરી રહ્યું હતું !

-ક્રમશઃ

-Mitra