શિવતત્વ - પ્રકરણ-2 Sanjay C. Thaker દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

શિવતત્વ - પ્રકરણ-2

શિવતત્ત્વ

ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર

સંજય ઠાકર


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૨. શિવનું વાહન નંદી કોણ છે ?

પૌરાણિક કથા છે કે શિલાદ નામનો એક માણસ દુઃખી હતો, કારણ કે તેને કોઈ સંતાન ન હતું. વાંઝિયાપણાનાં મહેણાં-ટોણાં અને ભવિષ્યની ચિંતાઓ તેને ગળે વળગીને પરેશાન કર્યા કરતી. જેથી એક સંતના કહેવા મુજબ તેણે ભગવાન શિવનું આરાધન શરૂ કર્યું. એક હજાર વર્ષની તપસ્યાના અંતે શિવ પ્રસન્ન થયા અને વરદાન માગવા કહ્યું. શિલાદે કહ્યું : ભગવન્‌ આપ મને આપની ભક્તિ કરે તેવો ઉત્તમ પુત્ર. શિવના તથાસ્તુ કહેવાથી શિલાદને એક તેજસ્વી પુત્રરત્નની પ્રાપ્તિ થઈ. પુત્રની પ્રાપ્તિથી શિલાદ ખૂબ જ આનંદિત હતો. તેથી તેણે તેના પુત્રનું નામ નંદી રાખ્યું.

શિવકૃપાએ મળેલો પુત્ર નંદી દરેક પ્રકારના સદ્દગુણોથી સંપન્ન હતો. નંદી નાનો હતો ત્યારે એક દિવસ મિત્ર વરુણ દેવો શિલાદના ઘરે આવ્યા. શિલાદે તેમનું સ્વાગત કરીને જમાડ્યા. જ્યારે શિલાદે પોતાના સાત વર્ષના પુત્ર નંદીને મિત્ર વરુણ દેવોના આશીર્વાદ માટે આગળ કર્યો ત્યારે તેમણે ખૂબ ભણી-ગણીને ગુરુની સેવા કરજે એટલા જ આશીર્વાદ આપ્યા. જેથી શિલાદે કહ્યું કે હે દેવો, આપ તેને દીર્ઘાયુ થવાના આશીર્વાદ કેમ નથી આપતા ? ત્યારે મિત્ર વરુણ દેવોએ કહ્યું કે તારો આ પુત્ર આઠમા વર્ષે મરણ પામશે તેવું તેનું ભાગ્ય છે. જેથી તેને દીર્ઘાયુના આશીર્વાદ આપી શકાય તેમ નથી. મિત્ર વરુણ દેવોની વાત સાંભળીને શિલાદ ખૂબ જ દુઃખી થયો.

પોતાના પિતાને દુઃખી જોઈને નંદીએ તેનું કારણ પૂછ્યું. જ્યારે શિલાદે તેના દુઃખની વાત કરી ત્યારે નંદીએ કહ્યું કે પિતાજી હું પણ તમારી જેમ શિવની આરાધના કરીને શિવકૃપાએ દીર્ઘાયુ મેળવીશ, પરંતુ શિલાદે કહ્યું કે નંદી, મેં એક હજાર વર્ષ તપ કર્યું ત્યારે શિવ પ્રગટ થયા હતા અને તારી પાસે તો એક જ વર્ષ છે. તું શિવની કૃપા મેળવવાની તપસ્યા પણ કેમ કરી શકીશ ? નંદીએ કહ્યું : પિતાજી આપણી પાસે અન્ય કોઈ ઉપાય નથી. જો હું મરીશ તો પણ શિવનું આરાધન કરતો જ મરીશ. તેનાથી વધારે ઉત્તમ મૃત્યુ પણ બીજું શું હોઈ શકે ?

નંદીનો જવાબ સાંભળી શિલાદે નંદીને શિવની આરાધના કરવા મંજુરી આપી. નંદીએ ભક્તિભાવપૂર્વક શિવનું આરાધન કરતાં શિવ થોડા જ સમયમાં પ્રસન્ન થઈ ગયા અને નંદીને વરદાન માગવા કહ્યું. નંદીએ કહ્યું : પ્રભુ, હું કાયમ યુવાન રહીને નિરંતર આપની સેવા કરતો રહું અને આપની સેવામાં મારું મન ક્યારેય કોઈ વિક્ષેપ ન કરે તેવું વરદાન આપો. શિવે નંદીની ઉત્તમ ભક્તિ જોઈ ‘તથાસ્તુ’ કહીને નંદીને કૈલાસમાં સ્થાન આપ્યું અને ગણાધ્યક્ષ બનાવ્યો. ત્યારથી નંદી મૃત્યુ અને ઘડપણરહિત થઈને નિરંતર શિવસેવામાં રત છે.

કથા ખૂબ જ મહત્ત્વની છે. કથાનો સાર પણ અમૃતસ્વરૂપ છે. શાસ્ત્રોએ નંદીને ધર્મનું પ્રતીક દર્શાવ્યો છે. જ્યારે શિલાદ એટલે કે માણસ પોતાના અર્થહીન કર્મોથી પરેશાન થાય છે અને ઘણાં કર્મો છતાં તેનાં કર્મો વાંઝિયાં હોય તેવાં જ ભાસે છે ત્યારે માણસ લાચાર બની શિવની તપસ્યા તરફ પ્રેરાય છે. તપસ્યા પરિપૂર્ણ થાય ત્યારે શિવ તેને ધર્મ રૂપી ઉત્તમ પુત્ર આપે છે. પરંતુ તેવા પુત્રનું આયુષ્ય શિલાદના ઘરમાં લાંબું ટકે તેમ નથી. જે રીતે માણસ પોતાના ઘર (સ્વાર્થ) માટે જે-જે ધર્મકાર્યો કરે છે તે વખત જતાં નષ્ટ થઈ જાય છે, પરંતુ શિલાદ તેના ધર્મરૂપ પુત્રને શિવ સાથે જોડવાની મંજૂરી આપે તો તે અજરામર થઈ શકે છે.

માણસ પોતાના સ્વાર્થથી શિવનું આરાધન કરે તો શિવને પ્રસન્ન કરતાં હજાર વર્ષ લાગે, પરંતુ જો માણસ તેના ધર્મથી શિવનું આરાધન કરે તો શિવને પ્રસન્ન થતાં વાર નથી લાગતી.. ધર્મ જ્યારે શિવના ચરણે જાય ત્યારે તેવો ધર્મ નિરંતર યુવા રહી શકે. શિવ-ઉપાસના કામમાં લાગેલા ધર્મો પણ ઘરડા થઈને મરે છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છે : અર્જુન, તું બધાં ધર્મો છોડી મારું શરણ લે. ‘‘સર્વ ધર્માન્‌ પરિત્યજ્ય મામેકં શરણમ્‌ વ્રજ’’

નંદીએ શિવસેવામાં તેનું મન કોઈ વિક્ષેપ ન કરે તેવું વરદાન માગ્યું હતું તેથી નંદીને શાસ્ત્રોએ વૃષભનું રૂપક આપ્યું છે. બળદ પોતાના માલિકની સેવામાં ક્યારેય પોતાની ઈચ્છા-અનિચ્છાઓને વ્યક્ત નથી કરતો. બળદ રાત-દિવસ તેનો માલિક કરાવે તેવી સેવા કર્યે જાય છે. માણસનો ધર્મ તો જ નભે જો તે પોતાનાં ધર્મગત નાનાં-મોટાં દરેક કર્મોને બળદની જેમ વહન કરવા તૈયાર હોય. જે લોકો ધર્મમાં પોતાની ઈચ્છા-અનિચ્છાઓને સ્થાન આપે છે તેનાથી કોઈ ધર્મ નથી નભતો. ધર્મ બળદ જેવું બલિદાન માગે છે. પોતાની પીઠ પર ધર્મથી પ્રાપ્ત થયેલાં કર્મોનું જ્યારે કોઈ બળદની જેમ વહન કરે છે ત્યારે શિવ તેવા ધર્મની સવારી કરવા તેને પોતાના વાહન તરીકે અપનાવે છે. શિવ માણસના હાથે થતાં કર્મો ઉપર સવાર નથી થતા, પરંતુ શિવ માણસના ધર્મ ઉપર સવાર થાય છે. શિવનું વહન કરવા માણસને શિવસેવા રૂપ ધર્મનું વાહન બનવું ફરજિયાત છે.

માણસ તેના ધર્મથી ઊજળો છે. ધર્મ જ માણસનાં કર્મોનું વાંઝિયાપણું મટાડે છે. એ જ ધર્મ માણસ સમયસૂચકતા વાપરીને શિવના ચરણે સમર્પિત કરી દે તો તેવો ધર્મ નિત્ય-નૂતન, યુવાન અને અજરામર થઈ શિવ સાથે જ નિવાસ કરે છે. નંદી કથા અપાર બોધતત્ત્વથી ભરપૂર છે.