શિવતત્ત્વ
ભારતના અધ્યાત્મ વિજ્ઞાનનો સાર
સંજય ઠાકર
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
૩. શિવનું ત્રીજું નેત્ર
ભારતનાં મુખ્ય અગિયાર ઉપનિષદો પૈકીનું એક એવા મુંડકોપનિષદનો પ્રસિદ્ધ શ્લોક છે. જેમાં શિવ અને જીવ બંનેને એક જ વૃક્ષ પર રહેનારાં પંખી દર્શાવાયાં છે. ભેદ એટલો છે કે એક પક્ષી વૃક્ષનાં ફળોને ભોગવી લેવા માગે છે. જેથી તે ફળોના સ્વાદમાં રત થાય છે. જ્યારે બીજું પક્ષી ફળનો ઉપભોગ કર્યા વગર માત્ર તેને જુએ છે અને ફળનું સાક્ષી રહે છે.
દ્વાસુપર્ણ્ સયુજા સખાયા સમાન વૃક્ષં
પરિષસ્વજાતે તયોરન્યઃ પિપ્પલં
સ્વાદ્વતવ નશ્ન્નયો અભિચાકશીતિ (મુ.ઉ.૩-૧)
ઉપનિષદો જીવ અને શિવમાં લાંબો તફાવત નથી બતાવતાં કારણ કે આખર જીવ પણ શિવનો જ અંશ છે. રામાયણ કહે છે :
‘ઈશ્વર અંશ જીવ અવિનાશી,
ચેતનઅમલ સહજ સુખરાશી’
આવી જ હકીકત ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહી છે :
‘મમૈવાંશે જીવલોકે જીવભૂતઃ
સનાતનઃ’ (ગી.અ.૧પ-૭)
જીવ શિવનો જ અંશ હોવા છતાં જીવને હજારો દુઃખ છે, જ્યારે શિવ સદામુક્ત છે. જીવ એ આધિ, વ્યાધિ અને ઉપાધિનો શિકાર બને છે. જ્યારે શિવના સ્વરૂપને કોઈ આધિ, વ્યાધિ કે ઉપાધિ વળગી શકતાં નથી જીવ અને શિવ વચ્ચેનો નાનો એવો દેખાતો તફાવત પણ આખર જમીન-આસમાન જેવડો મોટો પ્રતીત થાય છે. વિવિધ શાસ્ત્રોમાં વિવિધ રીતે વર્ણવાયેલો આ તફાવત શિવના સ્વરૂપમાં જ સ્પષ્ટ થઈ જાય છે કે જે અન્ય દેવોના સ્વરૂપમાં એટલો સ્પષ્ટ થતો નથી. તે તફાવત છે શિવનું ત્રીજું નેત્ર. જેથી કહી શકાય કે બે નેત્રવાળો છે તે જીવ અને ત્રિનેત્રધારી છે તે શિવ છે.
જેની પાસે ત્રીજું નેત્ર નથી તે શિવના રૂપથી અનભિજ્ઞ રહે છે. ત્રીજા નેત્ર વગર જીવને એ પોતે શિવનો અંશ છે તે પણ ખબર નથી પડતી. જીવને શિવ બનવા માટે ત્રીજા નેત્રની સાધના અનિવાર્ય છે. બે નેત્રોની વચ્ચે આવેલી ભૃ્રકુટિમાં ત્રીજા શિવનેત્રનું સ્થાન છે. તે સ્થાનની ઉપાસનાથી જીવનું ત્રીજું નેત્ર ખૂલે છે. તેથી જ આપણે ત્યાં ભ્રૃકુટિમાં ત્રીજા શિવનેત્રનું સ્થાન છે. તે ભ્રૃકુટિ સ્થાનમાં તિલક-ચાંદલો કરવાની પ્રથા છે. ખરેખર તિલક એ ત્રીજા નેત્રની, શિવનેત્રની પૂજા છે.
ભારતના અને વિશ્વના મહાનતમ ગણિતજ્ઞોમાં આજે પણ શ્રીનિવાસન રામાનુજનનું નામ લેવાય છે. માત્ર બત્રીસ વર્ષના ટૂંકા આયુષ્યમાં રામાનુજને વિશ્વને ગણિતના એવા-એવા કોયડા આપ્યા છે કે વિશ્વની હાવર્ડ, કેમ્બ્રિજ અને ઑક્સફર્ડ યુનિવર્સિટીઓમાં આજે પણ તેના ઉપર સંશોધનો ચાલી રહ્યાં છે. રામાનુજને માત્ર સત્તર વર્ષની વયે ગણિતનાં મહાન સમીકરણો રચ્યાં હતાં. તેણે રચેલા અમુક સમીકરણો જ્યારે તેણે કેબ્રિજ યુનિવર્સિટીને મોકલાવ્યાં ત્યારે તે વખતના યુનિવર્સિટીના મૅથેમેટીક્સ વિભાગનાં હેડ પ્રો.હાર્ડીને ખૂબ જ નવાઈ લાગેલી. તે પછી તો હાર્ડીએ રામાનુજનને કેમ્બ્રિજ બોલાવ્યા અને તેમની સાથે ગણિતનાં રહસ્યોની ઘણી આપ-લે કરી હતી.
કહેવાય છે કે રામાનુજન બીમાર પડ્યા તે સમયે ઈંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રોફેસર જી.એચ. હાર્ડી તેમની ખબર પૂછવા તેમની કાર લઈને આવ્યા હતા. આ સમયે રામાનુજન તો બીમારીના કારણે મરણપથારીએ પડ્યા હતા પરંતુ હૉસ્પિટલના રૂમમાંથી રામાનુજને હાર્ડીની કારનો નં.૧૭ર૯ જોયો. જે જોઈને આ નંબર ઉપર રામાનુજને તેમની બીમારાવસ્થામાં પણ એક મહાન સમીકરણ આપ્યું. રામાનુજને માત્ર નંબર જોતાંની સાથે જ આપેલાં ચાર સમીકરણોને ઉકેલતાં પ્રો.હાર્ડી જેવા મહાન પ્રોફેસરને પણ છ મહિના લાગ્યા, પરંતુ આ છ મહિનામાં પણ એક સમીકરણ સોલ્વ ન થયું. હાર્ડીના મૃત્યુના બાવીસ વર્ષ બાદ એ ચોથા સમીકરણનો હલ મળ્યો. રામાનુજને પ્રો.હાર્ડીને કારના નંબર માટે કહેલા કેટલાક મુદ્દાઓના કારણે આ નંબર વિશ્વભરના ગણિતજ્ઞોમાં પ્રસિદ્ધ છે અને આજે પણ તે હાર્ડી-રામાનુજન નંબર તરીકે પ્રખ્યાત છે.
રામાનુજન કોઈ યુનિવર્સિટી સંલગ્ન કૉલેજોમાં અભ્યાસ માટે ગયા ન હતા. તેમની ગરીબાઈને કારણે તેમની પાસે કોઈ મહાવિદ્યાલય/કૉલેજમાં ભણવાનો મોકો પણ ન હતો. તેમ છતાં માત્ર બત્રીસ વર્ષના ટૂંકા આયુષ્યવાળા રામાનુજન વિશ્વના મહાન ગણિતજ્ઞોમાં સ્થાન પામ્યા તેનું કારણ પણ તેનું શિવનેત્ર હતું.
રામાનુજનના મનમાં કોઈ કોયડો આવતો ત્યારે તેમની બંને આંખો જોરથી ઝપકવા લાગતી અને પછી તે બંધ નેત્રોએ ભ્રૃકુટિની વચ્ચે સ્થિર થઈ જતી. એક વાર ભ્રૃકુટિની વચ્ચે આંખોને સ્થિર કર્યા પછી રામાનુજન ગણિતના મોટા-મોટા પ્રશ્નો કે જેને ગણિતશાસ્ત્રીઓ વર્ષોેની મહેનતે પણ ન ઉકેલી શકે તે તેઓ ચપટી વગાડતાં ઉકેલી બતાવતા. રામાનુજનને કોઈ પૂછતું કે તમે આવા મોટા-મોટા પ્રશ્નો અને ગૂંચવડા ભરેલાં ગણિતનાં સમીકરણોને કઈ રીતે આટલી જલદી ઉકેલી લ્યો છો ? ત્યારે રામાનુજન કહેતા કે મારું ધ્યાન જ્યારે-જ્યારે શિવનેત્રમાં કેન્દ્રિત થાય છે ત્યારે મને આપોઆપ ઉકેલ મળે છે.
તિબેટીયનો કહે છે કે માણસનાં બે નેત્રોની વચ્ચે પાઈનિજલ નામની ગ્રંથી આવેલી છે. તે સક્રિય થાય તો માણસનું જ્ઞાન વિશાળ અને પ્રગાઢ બની જાય છે. યોગશાસ્ત્રમાં બે નેત્રોની વચ્ચેના ભ્રૃકૃટિ સ્થાનમાં આજ્ઞાચક્રની કલ્પના કરવામાં આવી છે. યોગશાસ્ત્ર કહે છે કે જેનું આજ્ઞાચક્ર સક્રિય થાય તેનું ત્રીજું નેત્ર ખૂલી જાય છે. ભગવાન શિવના સ્વરૂપમાં જે ત્રીજું નેત્ર બતાવ્યું છે એ જ જીવન અને શિવ વચ્ચેનો વાસ્તવિક ભેદ છે. શિવકૃપાએ જેનું ત્રીજું નેત્ર ખૂલી જાય તે જીવ પણ શિવ સમાન બની જાય, પરંતુ શિવ જેવી પાત્રતા ન આવે ત્યાં સુધી દરેકનું શિવનેત્ર બંધ જ રહે છે.
બુદ્ધના શિષ્ય સારીપૂતને ધ્યાનનો જેમજેમ ગહન અભ્યાસ થવા લાગ્યો તેમ તેમ તેના અનુભવો બદલાતા ગયા. એક દિવસ સારીપૂત બુદ્ધ પાસે આવ્યો અને કહ્યું કે આજે મને ખૂબ જ અકળામણ થાય છે, કારણ કે હું જે કાંઈ વિચારું છું તે મને સત્ય જેવું પ્રતીત થાય છે. સ્વર્ગ, નર્ક, દેવ-દાનવ બધું જ મને દેખાઈ રહ્યું છે. બુદ્ધે કહ્યું કે તે કાંઈ નથી. તે સ્વપ્ન માત્ર છે, પરંતુ સારીપૂતે કહ્યું કે આ બધું જ વાસ્તવિક છે. હું કેમ તેને સ્વપ્ન માની શકું ? હું ફૂલનો વિચાર કરું તો ફૂલ મારી સમક્ષ હોય છે. હું તેની સુગંધ પણ લઈ શકું છું અને તેનો સ્પર્શ પણ કરી શકું છું. સારીપૂતના આમ કહેવા છતાં બુદ્ધે કહ્યું કે તે પણ સ્વપ્ન માત્ર છે. હકીકત તો એટલી જ છે સારીપૂત, તારા ધ્યાનની શક્તિથી તારું શિવનેત્ર ખૂલી ગયું છે.
શિવજીએ દરેકને શિવનેત્ર આપ્યું છે. માનવમાત્રમાં તે મોજૂદ છે, પરંતુ શિવ જેવી યોગ્યતા ન હોવાથી તે નેત્ર દરેકમાં શિવકૃપાએ જ બંધ રહે છે. માણસના મનમાં જ્યાં સુધી મલિન વિચારો અને ખરાબ ભાવનાઓ કામ કરી રહી છે ત્યાં સુધી એ નેત્રનું ખૂલવું પણ હિતાવહ નથી. જેનું મન અને વિચારો તેના કાબૂમાં ન હોય તેવા માનવીના હાથમાં શિવનેત્રની શક્તિ આપવામાં આવે તો મહાઉત્પાત સર્જી શકે. શિવનેત્ર કલ્પવૃક્ષ સમાન છે પણ તેની યોગ્યતા ન હોય તો કલ્પવૃક્ષ પણ સુખને બદલે દુઃખ જ આપે છે.
એક માણસ એક વિરાટ રણ-પ્રદેશમાં ભૂલો પડ્યો. તેની સાથેનો ખોરાક અને પાણી પણ ખૂટી પડ્યાં. તે થાક અને ચિંતાઓથી મનોમન ગભરાતો, દુઃખ અને પીડાઓ સાથે તેની મંજિલ તરફ આગળ વધી રહ્યો હતો. તેવામાં એક વૃક્ષ તેની નજરે ચડ્યું, તે માણસ થાક ઉતારવા એ વૃક્ષ નીચે બેઠો. વૃક્ષની છાયામાં બેસતાં તેને કંઈક શાંતિ મળી અને હાશકારો અનુભવ્યો, કારણ તે કલ્પવૃક્ષ હતું પછી તરસ અને ભૂખના કારણે તેને મનમાં ઈચ્છા થઈ કે જો મને સરસ જમવાનું અને પાણી મળી જાય તો કેવું સારું. બસ, તેની ઈચ્છા થતાં જ કલ્પવૃક્ષે તેને સરસ ભોજન-પાણી પીરસી દીધાં. ભરપેટ ભોજન કર્યા પછી થાકના લીધે તેણે ફરી ઈચ્છા કરી કે જો સરસ મજાનું બીછાનું પાથરેલું હોય તો હું સૂઈ શકું. તેના વિચારતાં જ સુંદર પલંગ હાજર થઈ ગયો. તે માણસ આ પલંગ ઉપર સૂતો. સૂતાં સાથે જ તેને ફરી વિચાર આવ્યો કે આ તો મહારણ છે, ક્યાંક અહીં ભૂતપ્રેત તો નહીં હોય. બસ, ભૂતપ્રેત હાજર થઈ ગયાં. ભૂત-પ્રેતને જોતાં જ તેને વિચાર આવ્યો કે ક્યાંક આ મારી નાખે તો ? બસ, એ વિચારતાં જ ભૂત-પ્રેતોએ તેને મોતને ઘાટ ઉતારી દીધો. કલ્પવૃક્ષ તો મળ્યું પણ અપાત્રતાને કારણે તેનો લાભ સ્વલ્પ જ રહ્યો.
માનવી પોતાના બેકાબૂ મનથી જે વિચારો કરે છે તે વિચારોમાં ચોરી, હિંસા, ગુનાખોરી અને અનેક બૂરાઈ ભરેલી છે. આવી બૂરાઈ સાથે અંતરની કોઈ દિવ્ય શક્તિ જાગ્રત ન રહી શકે તેવી વ્યવસ્થા પણ શિવની જ છે. માનવી જેમ-જેમ યોગ્ય બને તેમ તેમ જ તેને અંતરની સિદ્ધિઓ હાંસલ થાય છે. ભૌતિક વિજ્ઞાનની શક્તિઓ અને અધ્યાત્મ વિજ્ઞાનની શક્તિઓ વચ્ચે આ જ અંતર છે. ભૌતિક વિજ્ઞાનની શક્તિ અનધિકારીના હાથમાં પણ આવી જાય.
આજે સંયુક્ત રાષ્ટ્ર પરિષદોની મોટામાં મોટી ચિંતા અણુશસ્ત્રોની છે. વિજ્ઞાનનાં અણુશસ્ત્રો પણ ઉત્તરકોરિયાના તાનાશાહ કિમ જોંગ જેવા વ્યક્તિને હાથ પડ્યાં છે. કાંઈ આતંકવાદીઓ કે સરમુખત્યારો પણ તેનો ઈચ્છા મુજબ ઉપયોગ કરી શકે છે, પરંતુ આધ્યાત્મિક શક્તિ જે ઈશ્વરે પ્રદાન કરેલી છે તે તો પાત્રતા હોય ત્યારે જ મળે છે અને પાત્રતા જતી રહેતાં જતી રહે છે. શિવભક્તિ વગર શિવનેત્ર ખોલવું ઘાતક છે. શિવભક્તિથી જે શિવનેત્રની શક્તિ મેળવે છે એ જ સાચી છે.