અંત:સ્ફૂરણા Dr Ravi Jain દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંત:સ્ફૂરણા

અંતઃસ્ફૂરણા

ડૉ. રવિ જે.જૈન

અર્પિત....

માતાપિતા,

શ્રુતિ

અને મિત્રો … કે જેમણે મારો ઉત્સાહ વધાર્યો!

*આ પુસ્તકમાં સમાવાયેલ દરેક ફોટોગ્રાફ ડૉ.રવિ જૈન/શ્રુતિ જૈન દ્વારા કેમેરા વડે લેવાયેલ છે.

હૈયા ની વાત

અંતઃસ્ફૂરણા, ફક્ત ભાવના નહીં, એક ચેતના છે, ફક્ત અભિવ્યક્તિ નહીં, એક અનુભૂતિ છે! અંતરમન ને ઝંઝોળી દે એવી કોઈ લહર નહીં, હૃદય અને આત્મા ને હિલોળે ચડાવે એવી એક તરંગ છે! બાળપણ ની સ્મૃતિઓને સજીવન કરવાનો આનંદ છે, અને હૈયા ની વાત ને શબ્દો માં વ્યક્ત કરવાનો મીઠો પ્રયાસ છે!

આપણે જીવન માં યશ અને કીર્તિ પામવાં માટે ઘણો સંઘર્ષ કરીએ છીએ. જિંદગી જીવતા-જીવતા શું આપણે જિંદગી ને માણતાં ભૂલી ગયા છીએ? માટલાં નું પાણી જે સંતોષ આપતું, શું એ ફ્રીજ નાં આવ્યાં પછી ભૂલાઈ ગયું છે? કેન્ડીક્રશ કરતાં પણ જે મજા મિત્રો સાથે ગધાચોર રમવામાં આવતી, શું આજે એ વિસરાઈ ગયી છે? મામા નું ઘર કેટલે, દીવો બળે એટલે... શું આજે એ આતુરતા અને ઉત્સાહ ઓસરવા માંડ્યું છે? અંતઃસ્ફૂરણા.. એવી જ કઈક મીઠી યાદો નું સંભારણું છે, એવાં જ મધુર સ્વરો નો કિલ્લોલ છે.

૪થી કક્ષા થી મેં જયારે લખવાની શરૂઆત કરી, ત્યારે સ્વપ્ને પણ નહોતું વિચાર્યું કે કોઈ દિવસ હું પુસ્તક લખીશ. જે મન માં આવતું એ પોતાની ડાયરી માં લખી લેતો, મિત્રો ને, સ્કૂલ ની ટીચર્સ ને વંચાવતો, અને ખુશ થતો. કોલેજ માં આવ્યા પછી, કલ્પના એ પંખો પ્રસરાવી, અને અમુક સુંદર રચનાઓ અંકિત થઇ. એક ડોક્ટર નો અનુભવ અને એક કવિ નો હૃદય, બંને ની સરસ મિત્રતા થઈ ગયી.

બાળપણ નાં સ્વપ્ન ને સાકાર થતો જોઈ હું આજે ગળગળો થયો છું, આંખો માં અશ્રુ મીટ માંડી ને બેઠા છે અને અંતર મન માં અનેરો ઉલ્લાસ છે. મારાં શબ્દો માં, પ્રાસ માં, અને પ્રયાસ માં ઘણાં લોકો નો સહકાર આભાર ને પાત્ર છે. હું શ્રીમતી નીલકમલ મેહતા જી, શ્રીમતી શ્વેતા દોશી અને શ્રી સૌરભ જૈનને એમના નિરંતર ઉત્સાહ અને માર્ગદર્શન માટે હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું. શ્રી સુકેતુ મેહતા અને થોટસ્ટ્રીમ પબ્લીકેશન ને એમના અવિરત સહકાર બદલ હું આભાર અને અભિનંદન પાઠવું છું.

તો હાલો.. લઇ જઉં તમને એક મસ્ત પ્રવાસે, એક એવી સહેલ પર, જ્યાં ભાગવું નથી, દોડવું નથી, ફક્ત રમવું છે. હૈયા ની વાત સંભાળવી છે અને જિંદગી ને મુક્ત મને માણવી છે...

કુછ દિન તો ગુજારો ખુદ કે સાથ મેં.....

  • RJ ROCKS…
  • અનુક્રમણિકા

    આ છે અમદાવાદ મારી જાન

    શહેર મારું અમદાવાદ,

    અહમદશાહે જેને કર્યું આબાદ;

    દિલ માં ઊઠે એક જ આવાજ,

    મેગા સીટી મારું અમદાવાદ!

    સીદીસૈયદ ની જાળી જેની છે શાન,

    હઠીસીંગ ની વાડી જેની છે પહેચાન,

    ઝૂલતા મિનારા જેની આપે છે ઓળખાણ,

    આ છે અમદાવાદ મારી જાન!

    આકાશ ને સ્પર્શે છે,

    આંખો માં અનેક સપના જુએ છે,

    સૂરજ થી પેહલા ઊગે છે,

    સૂરજ આથમે છતા નહી થાકે છે,

    માણસ નાં જુસ્સા માં જ્યાં કદી આવે ન ઓટ,

    જ્યાં માનવી થાક્યા છતા કદી ન હારે છે!

    હતું આ શહેર દેશ નું માનચેસ્ટર,

    ચીમનીઓ જાણે કોઈ ચૈન્સ્મોકર,

    મોટા મોટા રસ્તા ને ઘણી બધી ગાડીઓ,

    જ્યાં જુઓ ત્યાં ઊભી છે પાણીપૂરી ની લારીઓ!

    ગરબાં ની રમઝટ,

    ઉત્તરાયણ ની ચીચીયારીઓ,

    જન્માષ્ટમી નું માનવ મહેરામણ,

    કા જોઈ લ્યો કાંકરીયો!

    હવે તો રીવરફ્રન્ટ

    આપે છે દેશ ને ઉદાહરણ,

    તક અને વિકાસ નું,

    અમદાવાદ બન્યું છે આંગન!

    સાબરમતી નાં કિનારે,

    જ્યાં લખાઈ આઝાદી ની ભાષા,

    આ જ અમદાવાદ બદલશે,

    આવતી કાલ નાં ભારત ની પરિભાષા!

    સ્ત્રીશક્તિ ને જ્યાં છે અવિરત સમ્માન,

    દીકરો અને દીકરી જ્યાં છે એક સમાન,

    જેણે સદા સંભાળી છે દેશ ની કમાન,

    આ છે અમદાવાદ મારી જાન!

    પહેલી મુલાકાત નો...

    પહેલી મુલાકાત નો ...અહેસાસ હજુ છે

    પેહલા પ્રેમ નો નશો અકબંધ હજુ છે

    ચાંદની તો ઢળી ગઈ... સૂરજ નાં તેજ માં

    છતા ચાંદની નો ઊજાસ હજુ છે!

    મળ્યા હશું આપણે ઘણી વાર પણ…

    પહેલી એ મુલાકાત ની યાદ હજુ છે

    સ્પર્શ્યા હશું આપણે ઘણી વાર પણ...

    પેહલા એ સ્પર્શ નો તરવરાટ હજુ છે!

    કલ્પના તમારી કરી હશે ઘણી વાર પણ...

    પહેલી એ કવિતા નો આભાસ હજુ છે

    સિંચ્યા છે અનેક સપના સોનેરી,

    એ સાચાં થવાનો વિશ્વાસ બહુ છે!!

    પહેલી મુલાકાત નો અહેસાસ હજુ છે!!!

    કોઈ

    કોઈ ની સ્માઈલ...

    જયારે જીવન નું હાસ્ય બને,

    કોઈ નાં સંગાથ થી...

    જીવન જયારે રંગમંચ બને!

    કોઈ નાં અહેસાસ થી...

    દૃષ્ટિ જયારે રમ્ય બને,

    કોઈ નાં વિશ્વાસ થી...

    ભવિષ્ય જયારે ભવ્ય બને!

    આંખો જયારે ફક્ત એને ખોળે,

    એનાં વિચારો થી મન ચડે ચગડોળે,

    એનો સાથ જાણે કવિતા નો મધુર પ્રાસ,

    પ્રારબ્ધ અને પ્રયાસ નો અતૂટ વિશ્વાસ!

    એનાં દિલ નો ધબકાર,

    એનાં મન નો વિચાર;

    એની અદા નો દરેક પ્રકાર,

    કરું છું હું પળ પળ સંભાર!

    એનું હાસ્ય મારા મન માં ગૂંજે છે,

    એની કમી મારા જીવન માં ખૂંચે છે,

    એનાં ખોળા માં માથું ટેકવવા મન મારું તરસે છે,

    એનાં શબ્દો પેહલાં વરસાદ ની જેમ રિમઝિમ વરસે છે!

    એનું લાવણ્ય એની સુંદરતા,

    છે એનું રૂપ એનાં મન ની પ્રફુલ્લતા!

    એનો નિખાલસ સ્વભાવ,

    ઈર્ષ્યા અહંકાર નો અભાવ,

    મધુર સહજ અને સૌમય,

    એની પ્રતિભા મુજ પર કરે છે પ્રભાવ!

    સરસ્વતી

    ભણી ગણીને ઠોઠ થયાં,

    ભણીને શું ઉદ્ધાર?

    પોપટ ની જેમ ગોખી લીધું,

    એવી વિદ્યા નો શું આધાર?

    વાંચન છે પણ,

    જ્ઞાન નથી;

    શિક્ષક છે પણ,

    શીખવવાનું ઈમાન નથી;

    ષ્લોક કંઠસ્થ છે પણ,

    ધ્યાન નથી;

    લક્ષ્મી છે પણ,

    સરસ્વતી નું સમ્માન નથી!

    સમસ્યાઓ ની ચિંતા છે,

    પણ એમનું ચિંતન નથી;

    મંતવ્યો અનેક છે,

    પણ મનોમંથન નથી!

    ઉપદેશ આપનારાં અનેક છે,

    પણ સીમાચિહનરૂપ ઉદાહરણ નથી,

    સંસ્કારો નું સિંચન

    અને સભ્યતા નું જતન નથી!

    ભણી ગણીને થઈને હોશિયાર,

    જતા રહે સૌ દરિયા ની પેલી પાર;

    એમના પછી કોણ કરશે

    આ જનની ની સંભાર,

    એવો ક્યાં કદી એમને

    આવે વિચાર?

    ફૂલ જેવી કુમળી વય થી,

    ઊંચકે નાનકો ચોપડાઓનો ભાર,

    ને ભણતર પૂરું કર્યાં પછી,

    ફરે બિચારો અધમૂવો બેરોજગાર!

    વિદ્યા નો ન કરો વ્યાપાર,

    ન થવા દો વિદ્યા નું રાજકારણ,

    વિદ્યા નો સટ્ટો નહીં સૌદેબાજી નહી,

    ન થવા દો વિદ્યા નું વસ્ત્રહરણ!

    વિચારો ને મળે વાચા,

    નાગરિક બને સૌ કોઈ સાચા;

    કુમળી કળીઓ માં થી ખીલે સુમન,

    જેમનાં મનોરથો ને,મનોબળ ને, કરે આખું જગ વંદન!

    વિસામો

    છાયડા જેવો ઠંડો,

    ને ઝરણાં જેવો મીઠો,

    બાળક નાં હાસ્ય જેવું મધુર,

    પ્રેમ.. જાણે કોઈ યાત્રી નો વિસામો!

    પ્રેમ દિલ ની આશાઓ છે,

    પ્રેમ ઉજળી દિશાઓ છે,

    પ્રેમ મન ની મનસાઓ છે,

    પ્રેમ વૃક્ષ ની ઘટાદાર શાખાઓ છે!

    પ્રેમ તૃપ્તિ છે,

    પ્રેમ અભિવ્યક્તિ છે,

    પ્રેમ એક અનોખી સૃષ્ટિ છે,

    કવિતા ની પહેલી અને છેલ્લી પંક્તિ છે!

    નરેન્દ્ર મોદી

    સૌ કરોડ જનતાની એ શાન છે,

    એક એવો નેતા જેનું પોતાનું સ્વમાન છે,

    એક એવો લીડર જેના માટે સૌને માન છે,

    એક સારથી જેના હાથોમાં દેશ ની લગામ છે!

    સ્વપ્ન છે વિકાસ,

    મર્યાદા છે આકાશ,

    મને છે એટલો વિશ્વાસ,

    કે થઇ ગયો છે આપણી વિજય નો આગાસ!

    એનાં શબ્દો માં સ્વપ્ન છે,

    જેમને સાકાર કરવા એ મગ્ન છે,

    પોતાનું તસુએ તસુ માતૃભૂમિ ને અર્પણ છે,

    આ માટી નું એ અનમોલ રત્ન છે!

    પ્રજા એને ચાહે છે,

    તાળીઓ નાં ગડગડાટ થી એને વધાવે છે,

    સરદાર ની સાથે એને સરખાવે છે,

    એ તો પોતાને ફક્ત સી એમ ( કોમન મેન) જ ગણાવે છે!

    નીડરતા જેની છાપ છે,

    અસત્ય નહીં જેને માફ છે,

    એક લોક્લાડીલો નેતા,

    જેની પ્રતિભા એની છાયા કરતા પણ વિરાટ છે!

    નહીં કોઈ આરામ નહીં કોઈ અલ્પવિરામ,

    પુરુષાર્થ નું જાણે બીજું હોય નામ,

    વિકાસ વિકાસ અને ફક્ત વિકાસ એજ છે કામ,

    હંમેશા આગળ વધવાની પ્રેરણા આપે એમને શ્રીરામ!

    જય જય ગરવી ગુજરાત,

    વધે શોભા દિવસ અને રાત,

    નિર્મળ ગુજરાત વાઈબ્રન્ટ ગુજરાત,

    આપણું ગુજરાત આગવું ગુજરાત,

    આપણું ભારત આજનું ભારત,

    અતુલ્ય ભારત અમૂલ્ય ભારત!!!!

    સમય

    ટીવી છે રેડિયો છે,

    છતા કંટાળો આવે છે,

    સ્કૂટર છે મોટર છે,

    છતા મંઝીલ દૂર લાગે છે!

    માણસ કરે આડંબર,

    કે સમય ને મેં ઘડિયાળ માં કેદ કર્યો છે,

    આ ધરતી આ અંબર,

    નિયમ મુજબ સ્વતા ફરે છે!

    કુદરત કહે સમય ને તું જાણ,

    કુદરત કહે સમય ને તું માણ,

    સૂરજ ની પહેલી કિરણ થી માંડી,

    તારાઓ નાં ઝગમગાટ ને તું પહેચાન!

    સમય ની સાથે ચાલ,

    સમય થી આગળ હાલ,

    સમય ને સમજ રે ગાંડા,

    તારા પથ તારા રથ ની છે એ મશાલ!!!

    મેડીકલ સ્ટુડન્ટ

    ઊંઘ થઇ છે નીલામ,

    આરામ થયો છે હરામ,

    શ્રમ ને નથી કોઈ વિરામ,

    હે ડોક્ટર! કરું છું હું તુજ ને સલામ!

    હતી મોટી આશાઓ

    અને હતા આંખોમાં સપનાં,

    કે હવે તો છીએ કોલેજ માં

    અને હવે તો હશે વટ અપના!

    આપણી પણ એક સ્ટાઇલ હશે,

    ચેહરા પર ગજબ ની સ્માઈલ હશે,

    આઈ ફોન નેક્સસ જેવો કોઈ નવીનતમ મોબાઈલ હશે,

    ને એમાં બધી છોકરીઓની પ્રોફાઇલ હશે!

    કરીશું રખડપટ્ટી અને કરીશું ધીંગામસ્તી,

    લેકચર માં બંક અને ભણવાની મુક્તિ,

    નહી એનાટોમી નહીં ફીસીઓલોજી,

    કરશું ફક્ત વોટ્સએપ્પ અને ફેસબુક ની ભક્તિ!

    પણ અહીં તો ચોપડાઓનો છે ભાર,

    અને પરીક્ષાઓ ની છે ભરમાર,

    ને પાછા માર્ક્સ ઓછા આવે,

    તો બાપા ની વરસે ફટકાર!

    સુંદર મજા નાં બગીચા માં

    કરશું પ્રેમ ની વાતો,

    હતા આંખો માં સપનાં એવાં,

    કે એની યાદ માં વીતશે મારી રાતો!

    સખી મારી છે એવી કે,

    આખો દિવસ મારી સાથે વિતાવે છે,

    રોજ મને પ્રેમપૂર્વક,

    બે ચેપ્ટર વધુ વંચાવે છે!

    રોજ સવારે મેસેજ કરીને પૂછે છે,

    કે આજે વાંચવા ક્યાં મળવું છે?

    અને મને રોજ આવે છે વિચાર,

    કે આજે તો મારે રખડવું છે!

    પરીક્ષા પતે એ જ દિવસે,

    અમે મિત્રો પિક્ચર ની મજા માણીએ છીએ,

    ને પછી બીજા જ દિવસે કોલેજ માં જઈ,

    કલીનીકલ ટેર્મ નું ટાઇમટેબલ જાણીએ છીએ.

    ઉતરાયણ ઉજવ્યે તો જાણે વર્ષો થયા,

    દિવાળી માં ફરવાં ગયે જાણે જન્મો થયા,

    નવરાત્રી માં બે ત્રણ રાત્રો માણીને ખુશ થયા,

    વેકેશન નાં દિવસો આપણા જુના થયા!

    બીજાં વાંચે હેરીપોટર,

    અને અમે વાંચીએ હેરીસન,

    વાંચીવાંચીને થાકી ગયું છે,

    “Stony Hard” જાણે થયું છે મન!

    જૂનાં મિત્રોને યાદ કરવાની

    ક્યાં છે યાર ફુરસદ?

    પેન્ટિંગ કરવાં ની આપણી કળા ને

    ક્યાર ની આપી દીધી છે રુખસદ!

    આજ કરીએ છીએ કુરબાન એ સપનાં સાથે,

    કે હશે રંગીન આપણી આવતી કાલ,

    મળશે પૈસો માન અને મરતબો,

    કે જ્યારે પડવા માંડી હશે ટાલ!

    એટલી તો હતી અમને ખબર,

    કે કષ્ટ અને કંટકો થી ભરપુર છે આ ડગર,

    નથી આથમ્યો જુસ્સો કે,

    નથી ઓસર્યું જીગર;

    સર કરીને જ રહીશું અમે

    ભલે કેટલું ભી ઉત્તુંગ હોય આ શિખર!!!

    મેડીકલ સ્ટુડેંટ નાં મન ની વાત,

    ભલા હોય કોને ખબર!

    ભૂલકાં

    નાનાં નાનાં ભૂલકાં ચાલ્યાં,

    સવાર નાં પહોર માં,

    નાનાં નાનાં ટેણીયા ચાલ્યાં,

    નિશાળ ભણી સવાર નાં પહોર માં!

    છે હજી આંખો માં નિંદર,

    ને ખાય છે હજી બગાસું,

    થાય છે બહુ ઈચ્છા કે,

    લાવો નાસ્તા નો ડબ્બો હું ખાઉં!

    આંખો માં છે કાજળ,

    ને માથા પર છે ટીકો,

    ઈસ્ત્રીવાળા યુનિફોર્મ માં સજીધજીને,

    હાલ્યા બકી અને બકો!

    નવી કેડી પર છે પ્રથમ ચરણ,

    નવા મનોરથો ને કરશે હરણ,

    માતાપિતા નાં નામ ને કરશે રોશન,

    આવો, આ ભૂલકાઓને આપણે કરીએ નમન!!!

    પેંડા જલેબી

    હેલી બનીને અંબર માં ઊડે,

    નદી બનીને ધરતી પર વહે,

    અશ્રુ સમી એ આંખો માં વસે,

    ફોરમ બનીને ને વાયરા માં પ્રસરે!

    માં નો વહાલ છે,

    પ્રિયતમા નો ખયાલ છે;

    બેહેન ની મીત છે,

    ને દીકરી ની હેત છે!

    સાપ નો ભારો નથી એ,

    ગૌરવ નો મોભારો છે,

    પરાયું ધન નથી એ,

    સંસ્કારો નું જતન છે!

    દહેજ ની માંગણી નથી એ,

    માબાપ ની લાગણી છે,

    સૂરજ નું તેજ નહીં એ,

    રાત નાં અંધકાર ને દીપાવતી ચાંદની છે!

    અબળા નહી એ શક્તિ છે,

    ભાવ સમેત ભક્તિ છે,

    જંજીર નહીં એ બંધન છે,

    જીવન ની એ ધડકન છે!

    કાયા નહીં એ પ્રાણ છે,

    શરમ નહીં એ શાન છે,

    સહારો નહીં એ સાથ છે,

    એની ગાથા અગાથ છે!

    દીકરી ને વહાલ થી વધાવો,

    જલેબી મજાની બધે વહેંચાવો,

    ઘર આવતી લક્ષ્મી ને ન રૂઠાવો,

    “દીકરો દીકરી એક સમાન” એ સુત્ર અપનાવો!!!!

    ડોક્ટર

    વ્યક્તિત્વ છે વિરલ,

    એનું કામ નથી સરળ,

    દીનદુઃખી યાઓ છે મસીહા,

    માનવી નો સેવક છે ખરો!

    લોકો નો છે વિશ્વાસ,

    દર્દીઓની છે આસ,

    દિવસ જુએ ન રાત,

    સૌ નાં જીવન માં લાવે પ્રભાત!

    નથી એને પૈસા નો મોહ,

    નથી એને વૈભવ ની માયા,

    બસ સેવા નો છે ઉમંગ,

    ઘડાઈ ગઈ છે એની કયા!

    સુખ દુઃખ સૌના વહેંચે,

    સુકાઈ ગયેલા ફૂલોમાં ફોરમ લાવે,

    પૈસા કે બીજું કાઈ નહીં,

    એને તો ફક્ત લોકો નાં આશિષ ભાવે!!!

    પતંગ

    ઊંચે ઉડવાનાં મને છે કોડ,

    એક વખત તું જરા ઢીલ તો છોડ,

    પવન સાથે મારે કરવી છે મિત્રતા,

    વાદળો સંગ સાધવી છે ઘનિષ્ટતા!

    અદભૂત છે રૂપ મારો,

    ને અનેરો છે રંગ,

    હું અને નભ જાણે,

    કોઈ પ્રેમી પ્રેમિકા સંગ!

    વાયરો ક્યાં વહે છે એની મારે કરવી છે જાણ,

    અમૂલ્ય આ જિંદગી ને તું ઉત્સાહ થી માણ,

    ઉમંગ અને ઉલ્લાસ છે જિંદગી ની શાન,

    મોજીલાં મોજાઓ થી જ વહે છે જિંદગી નું વહાણ!

    કોને ખબર કેવી હશે આવતી કાલ,

    ઉન્મુક્ત થઈને જીવું જિંદગી હું હાલ,

    ન જાણે કાલે કોના આવીશ હું હાથ,

    મુક્તમને માણી લઉં હું પંખીઓ નો સાથ,

    ઊંચે ઉડવાનાં મને છે કોડ,

    એક વખત તું જરા ઢીલ તો છોડ!!!

    કોઈ તારી રાહ જૂએ છે...

    એક નવું વર્ષ તારી રાહ જોઇને બેઠું છે,

    એક નવું નભ તારી માટે બાંહ ફેલાવીને બેઠું છે,

    એક નવી કેડી એક નવો પંથ,

    તારા કદમ માંડવાની વાટ જોઇને બેઠું છે!

    દિલ નાં અંધકાર ને દૂર કર,

    ખંત અને ખુમારી થી ભરી લે જીગર,

    અભય અડિગ અને થા નીડર,

    પછી જો કેવો આહ્લાદક હશે તારો સફર!

    કાંટાઓ વાળી કેડી પર ચાલતો થા,

    મોજાઓ ને વંટોળો ને ઝીલતો થા,

    આગળ વધતો ને હાલતો થા,

    હાથી ની જેમ પોતાની મસ્તી માં મ્હાલતો થા!

    લેહરો માં તણાઈ જાય એ તું નથી,

    સાગર નાં ઘુઘવાટ થી બી જાય એ તું નથી;

    અંધકાર માં સમાઈ જાય એ તું નથી,

    રવિ નાં કિરણ જેટલો દૈદીપ્યમાન તું એમ જ નથી!

    એક નવું વર્ષ તારી રાહ જોઇને બેઠું છે,

    એક નવું નભ તારી માટે બાંહ ફેલાવીને બેઠું છે!

    પ્રીત ની પરિભાષા

    પહેલો પ્રેમ...

    જાણે બાલ્યાવસ્થા ની ડાળી પર

    ખીલતું યૌવન,

    જેની ફોરમ થી મેહકી ઉઠે

    સમસ્ત વાતાવરણ!

    પહેલો પ્રેમ

    જાણે સૂરજ ની પ્રથમ કિરણ,

    જેનાં ઉજાસ થી દીપી ઉઠે આખું ગગન;

    એટલું નિષ્પાપ એટલું નિર્મળ,

    જાણે કવિ ની કલમ નું પ્રથમ સૃજન!

    પહેલો પ્રેમ

    વડીલો નાં મતે,

    યુવાનીનું ઓચિંતું આક્રમણ;

    પણ પ્રેમીઓ માટે તો આ છે,

    સૌથી મધુરું સ્વપ્ન!

    પહેલો પ્રેમ

    જાણે ભમરા નું પુષ્પ ને ચુંબન,

    જાણે મેઘ અને ધરા નું મિલન;

    આકર્ષણ કહો કે

    કહો ગુરુત્વાકર્ષણ;

    પહેલો પ્રેમ છે

    તન મન થી લાગણીઓ માં મગન!!!

    અતુલ્ય ભારત

    આરક્ષણ શું છે આરક્ષણ?

    લોકતંત્ર નું છે વસ્ત્રાહરણ!

    આરક્ષણ શું છે આરક્ષણ?

    દેશ ની અધોગતિ નું છે અનમોલ વચન!

    આરક્ષણ શું છે આરક્ષણ?

    સમાજ ની સમતુલતા નું થશે પતન!

    આરક્ષણ શું છે આરક્ષણ?

    “Divide and Rule” નું થશે અનુકરણ!

    આરક્ષણ શું છે આરક્ષણ?

    સત્તાલોભ નું છે દર્પણ!

    આરક્ષણ શું છે આરક્ષણ?

    ધૂળ માં મળી જશે અનમોલ રતન!

    આરક્ષણ શું છે આરક્ષણ?

    ગંડુ રાજાઓ નું ભારત બનશે વતન!

    આરક્ષણ શું છે આરક્ષણ?

    જ્ઞાન રૂપી પ્રકાશ નું રૂંધાશે જીવન!

    આરક્ષણ શું છે આરક્ષણ?

    અધૂરા ઘડાઓ ને કરશું નમન!

    આરક્ષણ શું છે આરક્ષણ?

    ફૂટ્નીતિ નું છે સમર્થન!

    આરક્ષણ શું છે આરક્ષણ?

    ખુરશી કબ્જે કરવાનું છે મનોમંથન!

    આરક્ષણ શું છે આરક્ષણ?

    અજ્ઞાન નું વિજ્ઞાન પર છે આક્રમણ!

    આરક્ષણ શું છે આરક્ષણ?

    છે ફક્ત વિદ્યા નું રાજકારણ!

    આરક્ષણ શું છે આરક્ષણ?

    કરે એ કુશળ ભારત નું સર્જન!

    આરક્ષણ શું છે આરક્ષણ?

    કરે એ સામર્થ્યશક્તિ ને વંદન!

    આરક્ષણ શું છે આરક્ષણ?

    સાકાર કરે એ આંબેડકર નું સ્વપ્ન!

    આરક્ષણ શું છે આરક્ષણ?

    સ્વાર્થ નહીં જનહિત નું કરે સમર્થન!

    આરક્ષણ શું છે આરક્ષણ?

    બને એ પ્રગતિ માટે નું મંથન!

    આરક્ષણ શું છે આરક્ષણ?

    પ્રયાસ અને પ્રારબ્ધ ને મળે નિમંત્રણ!

    આરક્ષણ શું છે આરક્ષણ?

    સમાન અવસર અને ઉપજે મોતી વિલક્ષણ!

    આરક્ષણ શું છે આરક્ષણ?

    દેશ ને મળે સાચ્ચા રતન!

    આરક્ષણ શું છે આરક્ષણ?

    જે આ માટી નું કરે જતન!

    આરક્ષણ શું છે આરક્ષણ?

    અતુલ્ય ભારત માટે તન મન લગન !!!

    સખી

    રૂડું છે રૂપ,

    ને છે બહુ હસમુખ,

    બોલવામાં ઉન્મુક્ત,

    ને સ્વભાવ ચંચળતા થી યુક્ત!

    એનાં હોઠ જાણે સાંજ ની લાલી,

    એનાં આંખોનાં કાજળ જાણે અમાસ ની રતિયાળી;

    કહે મારું મન એને નિહાળી,

    નાચ મારી રાધા જો મેં વાંસળી વગાડી!

    પગ માં ઝાંઝર,

    ને કાનો માં બાલી,

    મનડું મારું ચોરી,

    તું જાય ક્યાં હાલી?

    પરિપક્વ છે એની વાણી,

    એનાં દિલ ની છે એ રાણી;

    નિર્દોષ છે પણ છે શાણી,

    જિંદગી ની દરેક પળ છે એણે માણી!

    દ્વિધા નહીં

    દ્વેષ નહીં,

    અહંકાર કે આડંબર નો,

    કોઈ અવશેષ નહીં!

    ચેહરો એનો જાણે ખીલતું ગુલાબ,

    સુંદરતા જાણે ક્ષિતિજે આફતાબ;

    ખીલતું વસંત હોય કે હોય ખરતું પાનખર,

    મન હમેશા ઉલ્લાસ અને ઉમંગ થી હોય સભર!

    એની આંખોનું નૂર,

    જાણે જાતે કોહીનૂર;

    મુજ ને આકર્ષે સદા,

    નજીક હોઉં કે દૂર!

    એનાં મિત્ર હોવાનું મને ગુમાન છે,

    એનું માન મારું સ્વમાન છે,

    સખી મારી સદા આવી જ રહે,

    દિલ માં એવા અરમાન છે!!!

    મન મારું...

    એકાંત ભર્યો ખૂણો ક્યાંય નાં મળે,

    પ્રેમીઓને પ્રેમ કરવાં કોઈ જગ્યા નાં મળે!

    તપતાં ભાદરવા માં,

    વહે છે સાંજ નો ઠંડો વાયરો,

    સુકાયેલા પાન અને ફૂલો થી

    ઉભરાઈ રહ્યો છે ક્યારો!

    એકબીજાં નાં હાથ માં હાથ પરોવી,

    અમે બગીચા ની સુંદરતા માણી રહ્યા છીએ,

    એક બીજાં ની વધુ નજીક આવતાં,

    એકબીજાં ને વધુ સારી રીતે જાણી રહ્યાં છીએ!

    એની આંખો માં દીસે છે મને ગગન,

    એની સાંસો માં ભાસે છે મારૂ જીવન,

    એનાં ખયાલ માત્ર થી વધી જાય છે દિલ ની ધડકન,

    એની દરેક મુલાકાત નું મન કરવાં માંગે છે જતન!

    એનું લાવણ્ય દિવસ અને રાત વધે છે,

    એનું જ ચિત્ર મારી આંખો સામે રમે છે,

    એનાં આવતાં જ સુવાસ બધે પ્રસરે છે,

    એને જોતાં જ પ્રેમ ની ધારા સ્ફૂરે છે!

    એનો સ્વભાવ છે એટલો સરળ,

    એને જોતાં જ શમી જાય છે બધા વમળ,

    એની પ્રેમ ભરી વાતો સાંભળી,

    જીવન ફરી થી જીવવાની ઈચ્છા ને મળી જાય છે બળ!

    એની રસભરી વાતો સાંભળી

    આંખો મારી ભીંજાય છે,

    એની સુરજમુખી જેવી આભા થી,

    આંખો મારી અંજાય છે!

    એને એક દિવસ ન મળું તો,

    શ્વાસ મારો રૂંધાય છે;

    એને જોતાં જ મન મારું,

    બાળક ની જેમ હરખાય છે!

    મન છતા પણ

    કહેતા એને ડરે છે,

    પ્રેમ તને કેટલો,

    હૃદયપૂર્વક એ કરે છે,

    હું તારો શ્યામ અને

    તું મારી રાધા;

    એવું એ ક્યારનો ટહુક્યા કરે છે!!!!

    મને ગમે...

    મને ગમે નિખાલસતા,

    મને ગમે અટ્ટાહાસ,

    મને ગમે મન ની શાંતિ,

    અને ગમે ફૂલોં ની સુવાસ!

    ઊગતા સૂરજ નું તેજ ગમે,

    અને ગમે ઢળતા સૂરજ ની લાલિમા,

    રાત નો ઠંડો સન્નાટો ગમે,

    અને ગમે તારાઓ નિહાળવું અગાશી માં!

    આંખો માં અમુક સપના છે,

    અને દિલ માં અનેક ઉમંગો;

    જીવન નાં દરેક પળ ને જીવવી છે,

    જાણે ઇન્દ્રધનુષ નાં સાત રંગો!

    ઊંચે ખૂબ ઉડવું છે,

    અને મારવી છે દરિયા માં ઊંડી ગોથ,

    કરું જે કઈ જીવન માં,

    કરું થઈને ઓતપ્રોત!

    બે ક્ષણ

    બે ક્ષણ ક્યારેક પોતાની માટે કાઢું,

    બે ક્ષણ ક્યારેક પોતાની સાથે ગાળું,

    બે ક્ષણ ક્યારેક અન્ય વિચારોને હું ખાળું,

    બે ક્ષણ ક્યારેક પોતાની જિંદગી ને નિહાળું!

    સમય છે વેગીલો,

    સમય છે બળવાન,

    ક્યારેક છે પાતળો,

    ને ક્યારેક છે જાજરમાન!

    સમય ની સાથે રેહવા માટે,

    આપણે આગળ તરફ દોટ મુકીએ છીએ,

    શું ક્યારેક થંભીને થોડીક વાર,

    આપણા ભૂતકાળ માં ડોકિયું કરીએ છીએ?

    ગુમાવ્યું છે શું,

    અને શું છે પામ્યું?

    એની ક્યારેય આપણે

    ગણતરી કરીએ છીએ?

    મેળવી છે આધુનિકતા,

    ને ગુમાવી છે સાહજિકતા,

    મેળવ્યું છે મસ્ત યૌવન,

    અને ગુમાવ્યું છે નિર્દોષ બાળપણ!

    જૂની હવે તો શેરી ની રમતો,

    કાચી આંબલીઓ તોડવા થતી એ મસલતો;

    જૂનાં એ બાળપણ નાં લંગોટિયા મિત્રો,

    ને જૂની એમની જોડે થતી એ ઘનિષ્ઠ ગોષ્ઠિયો!

    દાદા ની આંગળી પકડી,

    રોજ બજારે ફરવાં જાવું,

    અને બરફ નો ગોળો નાં ખવડાવે,

    તો જીદ્દે ચડી જાવું!

    પોતાની મનગમતી રસોઈ માટે,

    રોજ મમ્મી ને મનાવું,

    ને જો મિત્રો રમવા બોલાવે,

    તો જમતા જમતા નાસી જાવું!

    બા ની એ વાર્તાઓ,

    આજે પણ યાદ આવે,

    ફરી થી જો કોઈ એ સંભળાવે,

    તો કેવી મજા આવે!

    ઉનાળા માં રાત્રે ધાબા પર,

    આવે મીઠી નિંદર,

    સપનાઓનું હોય ઓશીકું,

    ને તારાઓની હોય ચાદર!

    સ્કૂલે ન જવા માટે,

    હાજર રોજ નવું બહાનું,

    ને મિત્રો જોડે બેટ-બોલ રમવા,

    ભાગી જવું છાનું-માનું!

    બહેન ને ભોળાવી,

    એનાં રૂપિયા પડાવી લેવાં,

    ને એની મનગમતી વસ્તુઓ પર

    આપણા હક જમાવી દેવાં!

    રોજ બોલવામાં થાય

    એની સાથે વેર,

    પણ એનાં વિના જીવ ઉંચો થઇ આવે,

    જયારે ઘરે આવતાં થઇ જાય એને દેર!

    માં નો લાડકો,

    માં નો હું રાજ દુલારો;

    હું તો એનો નંદગોપાલ,

    એની આંખો નો તારો!

    નાની હતી આપણી દુનિયા ભલે,

    હતા આપણે તો એનાં રાજા,

    બોલો આવી દુનિયા માં બે ક્ષણ,

    પાછા જવાની કેવી આવે મજા!!!

    પ્રેમ.. એક કવિ ની નજરે...

    પ્રેમ છે એ દરિયો,

    જે ઉભરાય છતા છલકે નહીં,

    પ્રેમ છે એ સાગર,

    જેની ગહેરાઈ માં કોઈ ડૂબે નહીં!

    પ્રેમ છે એ આકાશ,

    જેની નથી કોઈ સીમાઓ,

    પ્રેમ છે એ વૃક્ષ,

    જેની ઘટાદાર છે શાખાઓ!

    અનુભવ છે અનેરો,

    દિલ નાં આંગણ માં વસંત લાવે,

    પતઝર જેવા સુકાયેલા મન માં,

    ફરીથી જોમ અને ફોરમ વધાવે!

    ફૂલ જેવું રળિયામણું,

    ઢળતાં સૂરજ જેવી એની આકૃતિ,

    ભમરા જેવું સોહામણું,

    બાળક જેવી નિર્દોષ એની પ્રકૃતિ;

    પ્રેમ.. એક કવિ ની નજરે,

    એની કલ્પના ની અભિવ્યક્તિ,

    પ્રેમ થી મધુર કોઈ રચના,

    હશે કયા કવિ ની?

    પ્રિયતમા રિસાણી...

    શમી સાંજ ની લાલિમા માં

    એક બેફિકરાઇ છે,

    ઢળતા સૂરજ ની અગાશી માં

    એક અધીરાઈ છે,

    જોડે છે પ્રેમિકા પણ

    આજે રિસાઈ છે,

    સ્નેહ થી તરબતોળ રોજ એની મુલાકાત

    આજે એકલવાયી છે!

    સુષુપ્ત નીરસ

    લાગે છે એનું મન,

    હૈયા માં વાગે છે

    એનાં સ્નેહવિહીન વચન,

    તાકવા નો મોકો નથી દેતા

    એનાં બે નયન,

    પછી તો કેમ કરીને લાગે

    સાંજ નું દૃશ્ય મને રમણ?

    એનાં ખીલખીલાતા હાસ્ય નો ખુમાર,

    લાવી દે રગ રગ માં ચેતના નો જ્વાર,

    એની પલકો પળ માટે ઝૂકે

    ને થંભી જાય મારા હૃદય નો ધબકાર!

    કેમ કરીને એને હસાવું?

    કેમ કરીને એને મલકાવું?

    એનાં સ્મિત ની એક ઝલક પામવાં,

    કહે તો આકાશ નાં તારાં તોડી લાવું!

    છોકરી હવે હસી તો પડી છે,

    ને હસી છે તો ફસી છે;

    જતાં જતાં એ પાછી વળી છે,

    કેમ કરીને તુજ ને કહું,

    મારાં અણુ અણુ માં તુજ વસી છે!

    પ્રિયતમા આજે રિસાઈ ગઇ છે!

    પ્રિયતમા હવે રીઝાઈ છે!

    સ્મિત

    સ્મિત છે સોહામણું,

    ને રૂપ છે રળિયામણું,

    એને જોઇને દિલ ની ધડકન

    વધીને થઇ જાય છે નવ્વાણું!

    એનો સ્પર્શ તરવરાટ જગાવે છે,

    એનો હર્ષ દિલ માં રોમાંચ કરાવે છે,

    એનો દુપટ્ટો જયારે હવા માં લેહરાય છે,

    આખું વાતાવરણ મેહકી જાય છે!

    દિલ સદા ઈચ્છે એનું હિત,

    એની સંગ બંધાઈ ગઇ છે મીત,

    એ જાણે કવિ ની પંક્તિયો,

    અને હું કર્ણપ્રિય સંગીત!

    દિલ એનું હોય દુઃખી ,

    ને આંખો મારી ભીંજાય,

    એનાં દુખ આવી પડે મારી ઝોળી માં,

    ને એ ખુશ રહ સદાય!

    હસતો એનો ચેહરો જોઈ,

    હૈયું મારું ખીલી ઊઠે,

    એની એક કલ્પના થી,

    મનડું મારું મલકી ઉઠે;

    સપનું છે આ એટલું મજા નું,

    ઈચ્છું કે મારી નિંદર ન તૂટે!

    હ્રદયસ્પર્શી

    પ્રેમ નો અહેસાસ...છે બહુ ખાસ,

    પ્રેમ ની આસ...ભરી દે નિર્જીવ ફૂલોંમાં શ્વાસ!

    પ્રેમ માં આગ્રહ છે,

    અધિકાર નહીં;

    પ્રેમ માં આદર છે,

    કોઈ ઉપકાર નહીં!

    કહે છે કે પ્રેમ આંધળો છે,

    પણ પ્રેમ અંધકાર નથી;

    ઉઠતા સાથે જ આવે ન એનો વિચાર,

    એવી કોઈ સવાર નથી!

    એનાં સંસ્મરણો થી દિલ ની ધડકનો વધી જાય,

    એનાં વિચારોમાં રાત આખી વીતી જાય,

    એની એક ઝલક પામવા નજરો તરસી જાય,

    એનો ઉલ્લેખ થતાં જ મનડું મલકાય!

    આ પ્રેમ ની જે હોય મંઝીલ ભલે,

    એને પ્રેમ કરવું મને તો ગમે,

    એની મીઠી યાદો માં, એનાં જ ખયાલો માં

    મન મારું કિલ્લોલ કરે!

    બહેન

    દિલ નો ધબકાર છે,

    આશાઓ નો સંચાર છે,

    મન અને આત્મા ને પવિત્ર કરી દે,

    બહેન એક એવો ઉચ્ચાર છે!

    એનાં ક્રોધ માં એની લાગણી ઝળકે,

    એની આંખોમાં એનું સમર્પણ,

    મમતા અને અનુકંપા નું

    સાક્ષાત આપે દર્શન!

    એનું હાસ્ય જીવન માં મિઠાસ લાવે,

    એની કિલકિલારી જીવન માં જોમ પ્રસરાવે,

    નવા પંથ પર વધવાનો વિશ્વાસ જગાવે,

    જયારે બહેન પોતાના ભાઈ ને વહાલપૂર્વક વધાવે!

    બહેન દરેક ભાઈ નું સ્વમાન છે,

    બહેન ની લાગણી ભાઈ નું માન છે,

    પોતાનો ભાઈ ખૂબ આગળ વધે,

    એવાં દરેક બહેન નાં અરમાન છે!

    એક હૈયે બંધાયા છે બે મન,

    એક લાગણીએ જોડાયું છે બેઉ નું જીવન,

    ફક્ત એક રાખડી માટે તન મન અર્પણ,

    એવા ભાઈ બહેન નાં સંબંધ ને કોટિ કોટિ નમન!!!

    માં

    વહાલ નો દરિયા જેવો

    એનો એ ખોળો,

    મમતા અને મીત નો

    ઠંડો એ છાયડો,

    પ્રેમ અધિક અને

    ગુસ્સો થોડો,

    એની આંગળી પકડીને

    જોયો બાળપણ નો છેડો!

    ક્યારેક સખત તો

    ક્યારેક નરમ,

    ક્યારેક શાંત તો

    ક્યારેક ગરમ,

    ઉછેર સંસ્કાર ને ઉલ્લાસ,

    એ એનાં કરમ,

    સંઘર્ષ અને પરમાર્થ,

    એ જ એનાં ધરમ;

    એનાં હાથ ની રસોઈ,

    મોઢામાં થી લાડ ટપકાવે,

    ખીલખીલાટ હસે એ આંગન,

    જ્યાં માં બાળકોને લાડ લડાવે!

    જતન કરે સિંચન કરે,

    એની વંદના તો ભગવંત પણ કરે;

    ધરા એ ધૈર્ય એ ધરપત એ,

    આધ્યાશક્તિ ને સૌ જગ નમન કરે!!!

    એક સવાર

    શહેર નું population,

    શહેર નું pollution;

    શહેર નું confusion,

    શહેર નું frustration.

    ગામડાં ની નીરવતા,

    ઝાડછોડ ની પ્રફુલ્લતા,

    ફૂલો ની હસમુખતા,

    લોકો માં રમુજતા!

    શહેર માં છે મંઝીલ,

    શહેર માં છે લક્ષ;

    શહેર માં છે સ્પર્ધા,

    સૌ ને ઉચકવો છે સફળતા નો કળશ!

    મોજીલો ગામડા નો ગવાર,

    માણે કુદરત નું સાનિધ્ય સાંજ સવાર;

    હળીમળીને સૌ કોઈ કામ કરે,

    વૃંદ માં જ તો કાનો ગોપીયો જોડે રાસ રમે!

    શહેર માં છે મોટર રસાલો,

    જંકફૂડ અને ગરમ મસાલો,

    માણસો અને મશીનો ધુમાડો ઓકે છે,

    અધોગતિ તરફ જાત ને નોતરે છે!

    ૧૧ નંબર ની ગાડી

    અથવા તો બળદગાડું,

    ઘી ગોળ ને રોટલો

    એજ તો છે ભાણું;

    ગામડા ની સાદગી

    દૂર ભગાવે બધી માંદગી,

    સમય કાઢીને કરે

    સૌ કોઈ ઈશ્વર ની બંદગી!

    આધુનિકતા ની ઓથે,

    પ્રગતિપથ પર સવાર,

    મશીન બનીને ભૂલી નાં જઈએ,

    આપણા હ્રદય નો રણકાર;

    જિંદગી ને મધુર બનાવીએ,

    ભેળવીને સહજતા ની ઝંકાર,

    આજ વિચારો આવ્યા મારા મનમાં,

    ફરવાં નીકળ્યો જયારે હું એક સવાર!!!

    બે બોલ

    બે બોલ પ્રેમ નાં,

    દિલ માં થી વિષાદ મિટાવે;

    બે બોલ હર્ષ નાં,

    દિલ માં ઉન્માદ જગાવે!

    બે મીઠા બોલ,

    સંબંધો માં મીઠાસ લાવે,

    બે કડવા બોલ,

    ઘર માં કંકાસ કરાવે!

    બે બોલ

    પળ માં હસાવે,

    બે બોલ

    પળ માં રડાવે!

    બે બોલ રાજકુંવર નાં,

    સૌ કોઈ વધાવે,

    બે બોલ ઘરડા માંબાપ ને,

    જીવન માં પ્રીત બંધાવે!

    બે બોલ સાહસ નાં,

    શૂરવીર ને શુરાતન ચડાવે,

    બે બોલ ભક્તિ નાં

    પ્રભુ ની લીલા વરસાવે!

    બે બોલ

    પ્રેમીઓને નજીક લાવે,

    બે બોલ

    બાળપણ ની યાદ કરાવે!

    બે બોલ ઉમંગ નાં,

    બધી પીડા ભૂલાવે;

    બે બોલ વિશ્વાસ નાં,

    વિપત્તિઓને હરાવે!

    બે બોલ બોલી,

    કોઈ જિંદગી ને સજાવે,

    બે બોલ...

    મહાત્મા ને પણ મોક્ષ અપાવે!!!

    તું છું...તો હું છું...

    સમંદર ને પાર કરી જશું,

    ભલે એ ઘૂઘવાટ કરતો હોય,

    શરત એટલી જ કે હાથો માં હાથ પરોવી,

    તારો મીઠો હુંફાળો સંગાથ હોય!

    તારા સ્મિત ની ચહેક હોય,

    તારા પ્રીત ની મહેક હોય,

    તારા ગાલ નાં ગુલાબી ખંજન હોય,

    અને તારા સાથે વીતાવેલા સમય નાં સંસ્મરણ હોય!

    તારા હાસ્ય થી છે મારું જીવન,

    તારી નટખટ અદાઓ કરે છે મારું મનોરંજન,

    તને ચૂમવાનું કરે છે એટલું મન,

    મારા પ્રાણ મારી આત્મા તુજ ને કરી દઉં અર્પણ!

    તારી ખુશી માં મારી ખુશી છે,

    તારા હાસ્ય માં મારી હસી છે,

    મારી જિંદગી તો તારા

    બે નયનો માં જ વસી છે!!!