શુકનિયાળ મેળો
લો આવી ગઈ દીપાવલી,
'ને દીપમાં ઊગશે પ્રભાત.
હાલો ને જઈએ મેળામાં,
'ને ભળી જઈએ ટોળામાં.
દિવાળીનાં સમયે સમગ્ર સૃષ્ટિ જાણે દિવાળીમય બની ગઈ હોય એવું લાગે. અને એ દિવસોમાં તો આતશબાજીથી આખ્ખું આભ શણગાર્યું હોય તેવું લાગે, અને આંગણાઓની રંગોળીથી દરેક આંગણું શોભી ઉઠે. ઝગમગ રોશનીથી ઘરો ઝળહળી ઉઠે. ઘરમાં નાનાથી લઈને મોટા દરેક જણમાં ઉત્સાહ અને ઉમંગનો સગંમ થાય.
નાના બાળકોને દિવાળી વેકેશન પડે ને સાથે તેમની ફટાકડા અને નવાં કપડાં લાવવાની જીદ ચાલુ થઇ જાય, તેમ છતાં બહારગામ ફરવા તો જવું જ હોય. હું પણ નાની હતી ત્યારે આમાંનું ઘણું ખરું કરતી.
આ સાથે દિવાળી આવતાં જ મેળા અને ચગડોળનું દ્રશ્ય પણ જાણે આપણી આંખ સામે ખડું થઇ જાય. અને આપણા હૈયામાં આનંદ ઉભરાય. અબાલ-વૃદ્ધ સૌ મેળામાં જતાં જાણે રિફ્રેશ થઇ જવાની અનુભૂતિ કરે. મોટાભાગનાં ગામોમાં દિવાળીનાં સમયે મેળાઓ અને જાત-જાતનાં ચગડોળો આવી જાય. એ સાથે જ ઘરમાં નાનાં બાળકોની ચગડોળમાં જવાં માટેની જીદ ચાલુ થઇ જાય. એમનાં માટે તો એ સમય જાણે નવાં-નવાં કપડાં પહેરવાં અને મનગમતાં રમકડાં લેવા એ જ એમનો ટાર્ગેટ હોય છે. અને સાથે જુદી-જુદી રાઇડ્સમાં બેસવું, પેલાં મોતનાં કુવામાં ગાડી અને સ્કૂટર ચલાવે એ જોવું, પેલા ગધેડાની ભવિષ્યવાણી, એ બધું ક્યારે જોઈ લઇએ એની ઉત્સુકતા હોય ને સાથે માઁ-બાપને મેળામાં બાળકો વિખુટા ના પડી જાય, કે તેને કશું વાગી ન જાય તેની ચિંતામાં મશગુલ હોય. આ બધાં વચ્ચે બાળકો તો તેમનો નિર્દોષ આંનદ જ લૂંટતા હોય તેમ તેમની મસ્તીમાં મસ્ત હોય છે. રમકડાંથી તેઓ આકર્ષાઈને માતા-પિતાની આંગળી છોડીને તે તરફ જતાં રહેતાં હોય છે. ઘરેથી સૂચના આપી હોય કે કોઈપણ વસ્તુ માટે જીદ નહીં કરવાની, સાથે જ રહેવાનું. પણ નાનાં હોય ત્યારે ક્યાં કશું સમજાય છે. બસ બાલ્યાવસ્થામાં તો જીદ જ તેમની ઈચ્છા પુરી કરવાનું શસ્ત્ર હોય તેમ તેમની જીદ સામે કોઈનું ન ચાલવાં દે.
દિવાળીનો તહેવાર દરેકને ગમે, પણ તે સમયે મેળામાં આવતાં ચકડોળ અને રમકડાં બાળકોને ખૂબ વ્હાલાં હોય. તેમ મને પણ વ્હાલાં હતાં. એમાં પણ નાનપણમાં મને જાત-જાતની ઢીંગલીઓ ખરીદવાનો ખૂબ શોખ હતો
મારાં નાનપણની વાત છે. હજી પણ એવી જ તરોતાજા છે જાણે હમણાં જ બની હોય એવી ઘટના છે.
હું બીજા ધોરણમાં ભણતી હોઈશ ત્યારની વાત છે. હું, મારાં મમ્મી-પપ્પા અને ભાઈ-બહેન સાથે મારાં કાકાને ઘરે ખંભાત ગઈ હતી. તે અમને મેળામાં લઇ ગયાં. અમે બધાં ખૂબ ખુશ હતાં. મેળામાં ચગડોળમાં બેસવાની અમને ભાઈ-બહેનને ખૂબ મજા આવી. ઘરેથી કહ્યું હોય કે કોઈ વસ્તુ માટે જીદ નહીં કરવાની તેમ છતાં મારો ભાઈ ગાડી માટે જીદ કરતો હતો. એ સાથે મારી પણ જીદ ઢીંગલી લેવાં માટે ચાલુ થઇ ગઈ. પપ્પા એ અમને બીજાં રમકડાં લઇ આપ્યાં. પણ બાળ અવસ્થામાં તો જીદ કરીને વસ્તુ લેવામાં ખુબ આનંદ આવતો હોય છે. અને ત્યારે ક્યાં વસ્તુની ગુણવત્તાની ખબર પડે! જે ગમે એ આપણું બનાવીએ નહિ તે સિવાય મઝા ના આવે. તે સમયે આસપાસનું બધું ભૂલી જઈએ અને માત્ર રમકડાં અને ચગડોળ જ દેખાય, તેમ મને પણ એક દુકાનમાં ઢીંગલી ગમી ગઈ એટલે હું ત્યાંથી ખસી જ નહીં. મારા મમ્મી પપ્પા એ મને ખુબ સમજાવી કે આગળ એનાથી સરસ આવશે એટલે તને અપાવીશું. એમ વાતો કરતાં કરતાં આગળ જતાં હતાં એટલામાં ભીડ એટલી બધી વધી ગઈ કે હું મારા મમ્મી-પપ્પાથી ક્યારે વિખુટી પડી ગઈ તેની ખબર જ ના પડી. આમ તેમ બધે હું શોધવા માંડી પણ ઘરનું કોઈ જ દેખાયું નહિં. આખરે મારું રડવાનું ચાલુ થઇ ગયું. આસપાસથી કેટલા લોકો જતાં આવતાં મને જોવા લાગ્યા. એટલામાં એક કાકા એ મને રડતાં જોઈને ઉંચકી લીધી અને એક પંડાળમાં જ્યાં માઈક પર જાત-જાતની ઘોષણા થતી હતી ત્યાં મને લઇ ગયાં. તેમાં રહેલા પોલીસ અને બીજાં માણસોને સોંપી પેલા કાકા ગયાં. ત્યારબાદ મને પાણી અને બિસ્કિટ આપીને ચૂપ કરી. પણ નાનાં હોઈએ ત્યારે આપણને શીખવ્યું હોય છે ને કે કોઈની આપેલી વસ્તુ ખાવી નહીં એટલે પાણી પી લીધા બાદ મને મારું નામ પૂછવામાં આવ્યું. ત્યાંથી ઘણે દૂર મારા મમ્મી-પપ્પા બીજી દુકાનમાં કનૈયાની મૂર્તિ ખરીદવા ઉભા હશે, ત્યાં તેમને જેવી મૂર્તિ હાથમાં લીધી તે જ સમયે તેમને હું તેમની સાથે નથી તેની ખબર પડી અને મારું નામ માઈકમાં બોલ્યા એટલે તેમને ખ્યાલ આવી ગયો કે રાધા આપણી સાથે નથી. એટલે તેઓ માઈકમાં જે ઘોષણા કરી હતી તે પ્રમાણે એ જગ્યા એ મને લેવા આવી ગયાં પણ મારું રડવાનું તો ચાલુ જ હતું. જયારે મમ્મી-પપ્પા મળ્યા ત્યારે તેમને જોતાં રડવાનું બંધ થઇ ગયું અને તેમને વળગીને ખૂબ ખુશ થઇ ગઈ. મારા આનંદનો પાર ન રહ્યો. મારા પપ્પા એ તરત મને ઉંચકી લીધી.
પછી અમે કાકાના ઘરે ગયાં ત્યારબાદ આખી વાત વિગતે જણાવતાં મારી મમ્મી એ કહ્યું કે, ''જેવી તેમને કનૈયાની મૂર્તિ જોવા હાથમાં લીધી તરત જ એજ સમયે જાણે કનૈયાએ અંદરથી સ્ફૂરણા કરી હોય તેમ મારી મમ્મીને હું તેમનાંથી વિખૂટી પડી ગયાંનો અહેસાસ થયો, તેથી તેઓએ તે મૂર્તિ શુકનિયાળ માની ખરીદી લીધી, અને હું તરત મળી ગઈ. આ ઘટનાને કોઈ ચમત્કારરૂપે સ્વીકારી બધા ખુશ થઇ ગયાં.તેમ એ ઘટના બધાનાં મનમાં યાદ રહી ગઈ. અને મારાં મનમાં તો કનૈયાની મૂર્તિવાળી ઘટના એ ખૂબ જ સારી છાપ છોડી. હું મેળામાં ખોવાય ગઈ હતી એ સિવાય મેળામાં ખુબ મજા આવી..
હું મોટી થતી ગઈ તેમ-તેમ એ માટીમાંથી બનેલી કનૈયાની મૂર્તિ, સાક્ષાત કનૈયો મારી સાથે જ હોય એવી અનુભૂતિ મને કરાવતી થોડા વર્ષોબાદ તેનો કલર ઝાંખો થતાં ઘણાં ભક્તિભાવ સાથે મેં તે મૂર્તિને રંગી એટલી મને પ્રાણ પ્રિય થઇ ગઈ હતી.
તે દિવસે ઢીંગલી લેવા માટે જે જીદ કરી હતી અને હું ખોવાય ગઈ હતી તે પછી મેં નક્કી કર્યું કે હવે કોઈ દિવસ કોઈ બાબત માટે જીદ નહિ કરું, મમ્મી પપ્પા કહેશે એ જ માનીશ.
અને અત્યારે તો એ ઘટનાને વાગોળતા હોઠ ઉપર હાસ્ય રેલાય છે અને થાય છે કે ''દર વખતે કઈ કાનો તેની રાધાની ભાળ ના કરાવે!!! એની પાસે તો ઘણા કામ હોય.'' પણ હા કોઈ બાબતને લઈને નિરાશ થાવ ત્યારે કનૈયો કાયમ અપ્રત્યક્ષ રીતે મારી સાથે જ હોવાનો મને અહેસાસ થાય છે
આજે પણ મેળામાં જાવ છું ત્યારે એ કનૈયાની મૂર્તિ યાદ આવી જાય છે. પણ અત્યારે મારી સાથે નથી એ મારી મૂર્તિ કે નથી મળતી પેલી મારી ઢીંગલીઓ, કે નથી મળતા હાથ પકડીને ચાલતા મારા મમ્મી-પપ્પા. હવે તો મેળામાં જઈએ એટલે પરિસ્થિતિ એકદમ વિપરીત હોય છે. આજે હું મારા બાળકની આંગળી પકડીને ચાલુ છું. ક્યાંક એ મારાથી છૂટું ના પડી જાય કે ક્યાંક એને વાગી ના જાય એ જ ચિંતામાં, એટલે આજે મને મારા માં-બાપની તે વખતની વ્યથા બરાબર સમજાય છે.
એટલે એ ઘટનાથી હવે તો એક જ બોધપાઠ શીખી જીવનમાં ઉતાર્યો છે જેથી અત્યારે કોઈ વસ્તુને લઈને આકર્ષિત નથી થતી અને તેને મારા પર હાવી પણ નથી થવા દેતી.