ગઈ વર્ષાઋતુની વાત છે. અમારાં ઘરમાં અમે ત્રણ હું, મારાં પતિ અને અમારો 3 વર્ષનો દીકરો. અમે રહીએ એપાર્ટમેન્ટનાં ત્રીજા ફ્લોર ઉપર. ઘરમાં રિનોવેશન થયાં બાદ અમે છોડ રોપવાનું વિચાર્યું એટલે તે માટેની બધી સામગ્રી અને અવનવાં છોડ લઇ આવ્યાં જેવાં કે મનીવેલ, બારમાસી, તુલસી અને મોગરાં સહીત ૫-૭ જેટલા છોડ રોપ્યાં.
અમારું ૩ રૂમ રસોડું અમારાં માટે કોઈ મહેલથી ઓછું ન હતું. હું અને મારાં પતિ લગ્ન બાદ ઘરને સ્વર્ગસમું શણગારવા માંડ્યા. એમાં પણ અમારી બાલ્કની ભલે નાની હોય પણ અમારે મન એ તો દુનિયાનો સૌથી મોટો ગાર્ડન, કેમકે એમાં અમે ગમે તેટલાં છોડ ઉગાડીએ પણ અમને તે ઓછાં જ લાગે. અમને બંન્નેને છોડ ઉછેરવાનો ખુબ જ શોખ એટલે અમારાં દીકરામાં પણ છોડ માટે લગાવ વધ્યો.
મારાં પિયરમાં પણ મારાં માતા-પિતા પહેલાં નાનાં ઘરમાં રહેતાં હતાં. ત્યાં પણ તેઓ નાની સરખી બાલ્કનીમાં છોડ રોપતાં. પણ તેને કેવી રીતે રોપાય, દરેક છોડને કેટલું પાણી અપાય તે બધી મને પહેલાં ખાસ ખબર નહિ. પણ એ છોડને મોટાં થતાં જોવાનું મને પહેલેથી જ પસંદ. લગ્ન બાદ સાસરીમાં આવી તો ત્યાં એક પણ છોડ નહિ… એટલે ઘરમાં તેની ખોટ લાગે. બધાંને લાગે તેની ખબર નહિ. થોડીક અતિશયોક્તિ લાગશે પણ છોડની ખોટ મને લાગતી… એટલે શહેરમાં ફરતાં મોટાભાગનાં ઘરો તેમજ બંગલા જેમાં વિશાળ ખાલી જગ્યા હોય પરંતુ એકપણ છોડ કે વૃક્ષ ન હોય તો તે ઘરો જાણે સૂર્ય વગરનાં આકાશ જેવાં લાગે… અને ત્યારે મનમાં પ્રશ્ન થાય કે જેમને ભગવાનની કૃપાથી આટલી વિશાળ જગ્યા મળી છે તો બધાંને છોડ રોપીને પ્રકૃતિનાં કાર્યમાં સહભાગી થવાનું નહિ ગમતું હોય..? પણ એ પ્રશ્ન તો મનમાં જ રહી જતો ત્યારે થાય કે લોકોની જિંદગી કેટલી વ્યસ્ત થઇ ગઈ તેનું એ પણ એક નાનું ઉદાહરણ છે.. આ વાક્ય હું ટીકા રૂપે નથી લખતી પણ અફસોસ, ફરિયાદ અને ઠપકારૂપે લખું છું.
હું માનું ત્યારસુધી દરેકે પોતાનાં રહેવાનાં સ્થાનમાં જેટલી પણ ખાલી જગ્યા હોય ત્યાં ઉપયોગી છોડ-વૃક્ષ રોપવાં જ જોઈએ. કેમ કે કહેવાય છે ને “ જેણે આખી જિંદગી એક પણ છોડ- વૃક્ષ રોપ્યાં કે ઉછેર્યા ના હોય તેને લાકડામાં અગ્નિદાહ આપવાનો કોઈ અધિકાર નથી " એ પરથી આપણે એની અમૂલ્યતા સમજી શકીએ છીએ.
હવે તો જાત-જાતનાં પ્રદૂષણોથી પ્રકૃતિમાં જે ગ્લોબલ વોર્મિંગની અસર અનુભવાય છે તેને લઇને હવે સરકારે કાયદો કાઢવો જોઈએ કે જે વ્યક્તિ જન્મે તેનાં નામનું વૃક્ષ ઉછેરવું અને એ વ્યક્તિ જીવે ત્યાં સુધી તેની દેખભાળ કરે.. દુનિયામાં જેટલી વસ્તી છે તેટલા વૃક્ષ થઇ જાય તો આ દુનિયાની અડધી મુશ્કેલીઓનો અંત આવી જાય… મારાં દિમાગની ડાળ ઉપર ફૂટેલી આ વાતની કળી કાયમ મુરઝાયાં વગરની જ રહે અને એવી જ તરોતાજાં બની બધે ખીલે તેવી આશા.
હું દિલગીર છું કે હું વૃક્ષોને લઇને થોડીક વધુ ભાવુક થઇ જાઉં છું પણ હું ધારું છું ત્યાં સુધી મારો હરિયાળી જેવો વિચાર ખોટો પણ નથી…મારી ભાવુકતા કહો કે પ્રકૃતિ પ્રત્યેની આત્મીયતા એને લઇને હું મુખ્ય વિષય પર વાત કરવાને બદલે બીજી વાત પર જતી રહી…
તાંકાની વાત કટપીસમાં કરું તો મને છોડ રોપવાની જેવી સુવિધા મળી એટલે મેં જાત-જાતનાં પ્રયોગો કરવાં માંડ્યા જેવાં કે સક્કરટેટી, તરબૂચ, લીંબુ, દાડમ વિ. ઉપયોગી થાય તેવાં છોડ ઉછેરવાં માંડ્યા.. પછી તો હું એમાં જેમ રસ લેતી થઇ તેમ તેમાં મને ઊંડાં ઉતારવાની બહુ મઝા આવી. અમારી બાલ્કની આમ તો ૨ બાય ૧૦ ની એમાં પણ અમે ૮-૯ જેટલાં છોડ રોપ્યા.
નર્સરીમાંથી લાવેલી મનીવેલ એક ફુટ જેટલી હતી પણ વર્ષમાં તો બાલ્કનીની છતને સ્પર્શી જાય તેટલી મોટી થઇ ગઈ. આ એક ફુટ થી છતને સ્પર્શે સુધીની તેની જીવનયાત્રામાં અમારો પણ એક-એક દિવસ તેની કૂંપણો, તેનાં પાન કેવાં અને કેટલા ઉગ્યાં છે એ જોવામાં અને તેની દેખભાળ કરવામાં જેમ કે એક-એક પાનને પાણી છાંટવું, સુકાઈ ગયેલાં પાનને કાપવાં, બીજી શાખા કઈ બાજુથી ઉગે છે તે જોવામાં ગયો. અમારો ૩ વર્ષનો દીકરો સવારે ઉઠે એટલે તે ભગવાનનાં દર્શન તો કરે જ, પછી સીધો બાલ્કનીમાં જાય અને તેનાં નાનાં-નાનાં હાથથી આંખોને પંપાળી જોતો હોય ત્યારે એવો લાગે કે જાણે નંદનવનમાં તાજું ઉગેલું ગુલાબ બીજા છોડોને જોવા ઉત્સુક હોય એવી નાની ઉંમરમાં તેની જિજ્ઞાસાવૃત્તિ હતી. અને અમારે મન પણ દરેક છોડનું ઊગવું એ ઈશ્વરીય મિલન તથા તેનાં ઐક્યથી ઓછું ના હોય તેમ અમે પણ સીધા જઈને છોડ જોવાં બેસી જતાં. અને કોઈ પણ છોડમાં નવું પાન કે ફૂલ ઉગ્યું હોય તો મારો દીકરો નાચી ઉઠતો, એ જોઈને અમે પણ હર્ષોલ્લાસિત થઇ જતાં. યમુના કિનારે કૃષ્ણની વાંસળીનાં સૂર સાંભળી મોર નાચી ઉઠતાં અને અન્ય વનસ્પતિઓ ખીલી ઉઠતી તેમ તેને નાચતો જોઈને તેનાં હાસ્ય કિલ્લોલથી બધાં છોડ વધુ વિકસતાં હોવાનો મને અહેસાસ થતો. આમ, રોજ આ કાર્યક્રમ ચાલતો અને અમે છોડની વધુને-વધુ દેખભાળ કરવાં લાગ્યાં આમ અમારી છોડો સાથેની આત્મીયતા વધતી ગઈ.
પણ ઉનાળાનાં વેકેશનમાં મારાં પતિને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં દ્વિતીય વર્ગમાં ૨૧ દિવસ માટે પુના જવાંનું હતું. ઘર બંધ કરીને જવાંનું હોવાથી અમારે માટે સૌથી મોટો પ્રશ્ન હતો અમારાં છોડનો… બહારગામ જવાંના ૧૫ દિવસ પહેલાં અમે બધું વિચારી જોયું. જાણે કોઈ નાનાં બાળકને ઘરમાં એકલા છોડીને જવાંનું હોય તેટલી કાળજીથી વિચારતા. કાણાંવાળા બોટલથી પાણી મળે એ રીતે કે પછી કાણાંવાળી પાઇપને નળમાં નાખીને ઘીમોં પ્રવાહ રાખીને કોઈક ઊંચી વસ્તુનાં સહારે છોડમાં પાઇપ રાખીને પૂરતું પાણી મળે એ રીતે વ્યવસ્થા કરીશું એમ વિચારી રાખેલું…
આખરે એ દિવસ આવી ગયો અમારી રાત્રે ૧૧ વાગ્યાની ટ્રેન હતી. આખા દિવસ બીજા બધાં કામની સાથે મેં છોડમાં રેડવાં માટે પીવાનું પાણી ભરી રાખ્યું. કેમકે અમે મોટી કોઠી ભરીને તેમાં પાઇપ નાખીને છોડને પાણી મળે એવું કરવાનાં હતાં, પણ સાંજે મારાં પતિ ઘરે આવ્યાં બાદ તેમની સાથે એ વિષય પર વાત કરી ત્યારે, છોડ વધારે હોવાથી અમે એવું નક્કી કર્યું કે આપણે ડાયરેક્ટ નળમાંથી પાણી પડે તેવી રીતે પાઇપ ગોઠવીશું, પણ મારાં પતિને ૨૧ દિવસ દ્વિતીય વર્ગમાં જવાંનું હોવાનાં કારણે બધાંનું મળવાં આવવાનું ચાલતું હતું. એટલે છોડની વ્યવસ્થા કરવાનું થોડું મોડું થઇ ગયું. રોજિંદી વ્યસ્તતા માણસને પાછળ પાડી દે, તેમ અમે સમયનાં અભાવે ૯:૩૦ એ કામ પાર પાડવાં બેઠાં એટલે તેમાં ઉતાવળ થઇ ગઈ. એક તો એ કે પાઇપ ટૂંકી નીકળી, બાલ્કની સુધી પહોંચી ના શકી અને બીજું પાઇપનાં કાણાં મોટાં પડી ગયા એટલે મારાં પતિએ કહ્યું કે ચાલશે પણ પાછું અમારું મન જીદે ચઢ્યું હોય તેમ અમે ૧૦:૪૫ સુધી એ કામમાં મંડ્યા રહ્યાં પણ પછી નીકળવાનો સમય થયો એટલે નળમાં કાણાંવાળી પાઇપ નાખીને ખુરશીઓનાં ટેકે તેને ગોઠવીને બધાં કૂંડા ઘરનાં બાલ્કનીવાળા રૂમમાં મૂકી બારી ખુલ્લી રાખી તેને તડકો અને પાણી બંને બરાબર મળે એ રીતે, પાણીની ધાર પણ ધીમી રાખી, જાણે કે કોઈ માઁ નાનાં બાળકને પોતાના હાથથી ધીમે-ધીમે પાણી પીવડાવતી હોય તેવી વ્યવસ્થા કરીને અમે જવાં માટે નીકળ્યા...
એ પહેલાં તો અમે એ વિચાર્યું કે સારા વિકસિત થયેલાં છોડ પાડોશીને આપી દઈએ કે મારા પતિનાં મિત્રોને ત્યાં મૂકી આવીએ, અથવા તો તેમનાં મિત્રને ઘરની ચાવી આપીને કહીએ કે તમારે તેને પાણી રેડી જવાનું… પણ અમારાં કામને લીધે કોઈને તકલીફમાં મુકવાનું અમને યોગ્ય ન લાગ્યું. આમ આટલી બધી કાળજી લેવાં છતાં છોડ માટે કશુંક માફક ન રહ્યું, કેમ કે બારીમાંથી પવન આવ્યો હશે અને પાઇપ જગ્યાએ થી ખસી ગઈ હશે તેને લઈને બાલ્કનીવાળા રૂમમાં છોડ મૂક્યાં હતાં ત્યાં પાણી ભરાઈ ગયું હશે… એટલે મારાં પતિ મને પિયર મૂકીને પુના જવાં નીકળ્યા. અમે જેવાં પહોંચ્યા કે સમાચાર આવ્યાં કે તમારી બાલ્કનીમાંથી પાણી બહાર પડે છે. તે આખી રાત ચાલુ રહ્યું એવું પાડોશી એ કહ્યું. એટલે હું મારાં પતિને ફોન કરું, અને એ મને કરે. બીજા ફ્લોરવાળા અને બાજુવાળા પણ અમને ફોન કરે આમ એક નાની કરેલી વ્યવસ્થા અમારાં માટે પ્રશ્નરૂપ બની ગઈ કે હવે શું….? કારણકે એમનાંથી હવે પાછું અવાય નહિ અને મારાંથી પણ જવાય નહિ, કેમ કે જંબુસર થી આદિપુર પહોંચતાં ૧૨ કલાક થાય.
મારા પતિ સાથે છેલ્લાં વાત થઇ ત્યારે તેમણે કીધું કે "મારાં મિત્ર સાથે વાત થઇ ગઈ છે એમનાં સરનામે ચાવી મોકલી આપ એ બધું જોઈ આવશે" એકવાર તો અમે એવો વિચાર કર્યો કે ઘરનું તાળું તોડાવીને નળ બંધ કરાવી દઈએ. કેમકે છોડ સાથે ઘરનાં સામાનને પણ નુકશાન ન થાય તે માટેના બધાં રસ્તા વિચારી જોયાં. પણ એ પહેલાં અમે બાજુવાળા ભાઈ પાસે અમારાં ઘરનો પાણીનો મેઈન કોક બંધ કરાવી દીધો હતો એટલે પાણી તો પડતું બંધ થઇ ગયું જેની જાણ અમને બીજે દિવસે થઇ.
તેમની સાથે આટલી વાત થયાં બાદ કોઈ સંપર્ક ના થઇ શક્યો. રવિવારે બપોરે ૪ વાગે તેમની સાથે વાત થયાં બાદ ૧૪ મે થી લગાતાર ૪ જૂન સુધી વાત નહિ કરવાની એવો શાખાનાં વર્ગમાં નિયમ હતો . એટલે કે પત્રથી વાતચીત થઇ શકે પણ અત્યારનાં ઈન્ટરનેટનાં યુગમાં પત્રથી વાતચીત એ ધીમી ગતિની વ્યવહાર પદ્ધતિ લાગે…
અમારૂ નવું લાવેલું હોમ થિયેટર મારાં માટે વિષય બની ગયું કે જેને અમે ઘરનાં હોલરૂમમાં ખોખામાં જમીન પર મૂક્યું હતું બીજા સામાનની તો કઈ ચિંતા ન હતી પરંતુ, છોડનું અને હોમ થિયેટરનું શું થયું હશે? એટલે મારાં માટે બમણી દ્વિધા ઉભી થઇ. હોમ થિયેટરનું તો ભગવાન ભરોસે છોડી દીધું હતું… તે વખતે હું મારાં કલ્પનાલોકનાં સીમાડાથી છેક ઘરનાં છોડો પાસે પહોંચી જતી હોય તેમ મારાં મનમાં તો છોડને લઈને વિચારોની હારમાળા ચાલુ થઇ જતી કે પાણીને કારણે કદાચ છોડનાં કુંડા ભરાઈ ગયા હશે..? તેનાં કારણે જે છોડને પાણીની વધારે જરૂર નહિ હોય અને તે સડી જશે તો...? મનીવેલનું શું? મોગરાનું શું? સક્કરટેટી અને અવનવાં છોડ રોપ્યાં તેનું શું થયું હશે? એવાં વિચારે મારો હોંશ ઉડી જતો. બીજા ઘરનાં સરસામાનનાં વિષયો તો મારાં માટે તે સમયે ગૌણ બની જતાં.
આમ બધાં વિષયો કરતાં છોડની ચિંતા વધારે થઇ. ૨૧ દિવસ પહેલાંનાં અને પછીનાં દિવસો તો છોડ વિષે વિચારવામાં જ પુરા થયાં. અમે તેનું બાળક હોય તે રીતે સિંચન કર્યું હતું. લાડપ્યાર થી ઉછેરેલા છોડ ખરાબ થાય એટલે દુઃખ તો થાય જ! એટલે બે ઘડી એવું લાગતું કે છોડ જેવી જ મારી વ્યથા થઇ છે. કેમકે પતિ સાથે ફોન પર વાત થાય નહિ એટલે એ વિષે ચર્ચા વિચારણા થાય નહિ. એટલે મેં વિચાર્યું કે હવે ચાવી મોકલીને બીજાને તકલીફમાં મુકવાની જરૂર નથી. કેમકે હવે ઘરમાં જે થવાનું હતું એ તો થઇ જ ગયું હશે...…
પણ છોડ સાથેની મારી લાગણી એવી કે તે વિષે વાત નીકળતી એટલે હું એક અબોધ બાળકની જેમ વિચારતી કે ત્યાંથી છોડને અહીંયા લઇ આવત તો સારું થાત. મારી નજર સામે રહેત અને હું દેખભાળ કરી શકત. મારાં પિયરમાં છોડને પાણી નાંખતાં મને ઘરનાં છોડ યાદ આવી જતાં કેમકે દરેક છોડ સાથે અમારો અતુલ્ય અને આત્મીય સંબંધ બંધાઈ ગયો હતો. પછી ત્યાર બાદ મેં વિચારી લીધું કે હવે તો પાછાં જઈને શૂન્યમાંથી સર્જન થાય તે રીતે ફરીથી શરૂઆત કરીશું.
દરેક છોડમાં નવું પાન ઉગે, નવી કૂંપળ ઉગે કે નવા ફૂલ ઉગે અમે એકબીજાને બતાવીને આનંદિત થતા જાણે કે તેમનાંમાં કૂંપળ ફૂટતી જોઈને અમારાંમાં પણ કોઈ અદ્રશ્ય કૂંપળો ફૂટતી હોય તેવો અહેસાસ મને થતો. અમારો દીકરાને પણ એટલો રસ કે મનીવેલથી ઘરને સોળ શણગાર કરવાના હોય તે રીતે પૂછે કે ક્યારે વેલથી આખી ગેલેરી ભરાઈ જશે અને ક્યારે વેલ અંદર સુધી આવશે. અને કહેતો કે મમ્મી તું વેલને ઘરમાં અંદર લઇ આવજે અને એ વેલથી મારો “A” બનાવજે. અને મારાં રમકડાં સુધી લઇ આવજે. એ તો તેનાં ટેડી બીયરને પણ વેલ અને છોડ બતાવતો…
બારમાસી જેવાં છોડોમાં ફૂલ ક્યારે ઉગશે, વેલમાં પાન ક્યારે જલ્દી વધશે.. એની એવી રાહ જોવાની કુતુહલતા કહો કે જિજ્ઞાસાવૃત્તિ, તેમ ફૂલ સિવાય કોઈ પાનને ન અડકવાનો તેનો સારો ગુણ. હું જ છોડોમાં પાણી રેડીશ એવી એની કાલીઘેલી જીદ, અને ધીમે રહીને પાણી રેડવાંની તેની સુઝબુઝથી અમારાંમાં પણ જાણે ઉત્સાહનો ઝરો ફૂટતો…
આખરે વૅકેશનના ૨૧ દિવસ પુરા થયાં બાદ અમે ઘરે પાછા આવ્યાં ત્યારે બધાં છોડોને નિઃષ્પ્રાય થયેલાં જોઈને અમે ત્રણે પણ જાણે એકપળ માટે નિઃષ્પ્રાણ થઇ ગયા. હું છોડને જોઈને સ્તબ્ધ જ થઇ ગઈ હતી. તે પછી જાણે મારાં અર્ધજાગ્રત મનમાંથી ચાબુકનાં સટાકા જેવો તેજ ગતિ રૂપે અવાજ આવવાં માંડયો હોય તેમ મારો દીકરો બોલવા લાગ્યો કે આપણાં બધાં છોડ કેમ આવાં થઇ ગયા??? હવે તેનું શું કરશો કે તે ફાઈન-ફાઈન થઇ જાય ?.. એવું ઘણું બધું પૂછી નાખ્યું. આમ તેની અસ્ખલિતપણે બોલી શકવાની શક્તિને અહોભાવપૂર્વક જોઈને જાણે મારાં મનમાં ઊંડે-ઊંડે આશાનું કિરણ તગતગી ઉઠ્યું હોય તેમ પછી અમે એકડેએક થી શરૂઆત કરી બીજા છોડ લાવીને રોપવાનું નક્કી કર્યું….
વેકેશનમાં બહારગામ જતાં પહેલાં રસોડામાં હું કાચનાં બોટલમાં પાણી ભરીને તેમાં મનીવેલ મૂકીને ગઈ હતી, એટલે એમાં ઉગેલાં નવાં ૫-૬ પાનને જોઈને અમને જાણે આનંદનું સરનામું મળી ગયું હોય તેમ અમે બધાં છોડની ખરાબ હાલત ભૂલી ગયાં… અને મને તો રસોડામાં ઉગેલી એ મનીવેલને જોઈને એટલો આનંદ થતો કે જાણે (થોડી અતિશયોક્તિ લાગશે પણ) અમારાં ઘરનું રસોડું દુનિયાની સૌથી લોકપ્રિય જગ્યા હોય અને હું દુનિયાની સૌથી નસીબદાર વ્યક્તિ હોઉં એવો આનંદ થતો.
પહેલાં કહ્યું તેમ રોજની જેમ અમે સવારે ઉઠીને છોડ જોવા ગયા પણ તે સમયે છોડ તો જાણે અમાસની રાત્રે આકાશમાં ચંદ્ર ન હોય અને અંધકાર છવાયેલો હોય તેવા અમારી બાલ્કનીની શોભા વધારતા ચંદ્રરૂપી છોડો મુરઝાઈ ગયા હતાં. મારો બાળક સમજણરૂપી સરહદથી બોલતો હોય તેમ મને કહેવા લાગ્યો કે મમ્મા મને પાણી આપ હું છોડને પાણી રેડીને તેને ફાઈન ફાઈન કરી દઉં. આમ પાણી રેડીને છોડોને જાણે પાણીરૂપી અમારાં પ્રાણ વડે સીંચીને એને પ્રાણમય બનાવવાનું અમે નક્કી કરી લીધું હોય તેમ મેં એને મારાં પતિએ મળીને બધાં છોડ ફરી રોપ્યાં જાણે નાના બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતાં હોય તેવી સાવચેતીથી, સમભાવથી અને સહકારથી અમે એ કામ ફરી પાર પાડયું.
આમ, અમારી બાલ્કની ફરી છોડોનાં કારણે ફરી ઝગમગથી થઇ ગઈ જાણે પૂનમનાં દિવસે આકાશમાં ચાંદો ઝગમગે તેમ…