સખીકૃત્ય Hemal Moradiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સખીકૃત્ય

સખીકૃત્ય

સંધ્યાનો સમય હતો. ચંદ્રપુરીનો અધિપતિ, પરમવીર પ્રતાપી, રાજા શશિકાંત પોતાના પ્રધાન અને ભાઈઓઓ સાથે મૃગીયા રમી ઘોડાપર સવાર થઈ ઉતારા ભણી પાછો ફરી રહ્યો છે. વાયુવેગે દોડતા અશ્વનો ધરાસાથે થતાં પછડાટથી ઉત્પન્ન થતો ધ્વનિ પણ રાજનના અશ્વની ગતિને પામવા અસક્ષમ છે. તેનાથી પણ ભવ્ય અને ઉગ્ર રાજા શશિકાંતની હાંકલ, જે અશ્વની સાથે નિર્જીવ વિશાળ વગડાને પણ કંપાવતી અને તેમાં પ્રાણનું સિંચન કરતી. પડછંદ દેહ અને દેહ પર લાંબા કેશ, પહોળું ભાલ અને ભાલ પર અર્ધચન્દ્રાકાર તિલક, પડખામાં તલવાર, જાણે સમગ્ર બ્રહ્માંડનો અધિપતિ વસુંધરાની પ્રદક્ષિણા કરવા નીકળ્યો હોય.

રાજા શશિકાંતનો નાનો ભાઈ ચંદ્રકાંતે પોતાના ઘોડાને હાંકલ મારી અને બોલ્યો

“ભાઈ શશિકાંત, ઉતારા પર આજે પ્રથમ પગલુ તો મારા અશ્વનું જ સમજો”

“હા ચંદ્રકાંત! ફક્ત તારા સ્વપ્નમાં” આટલું બોલી શશિકાંતે પણ પોતાના અશ્વની ગતિ વધારી.

“ભ્રાતાઓ! તમારા બંનેની ઈચ્છા જરૂર પૂરી થશે, પણ આજે નહીં” ઘોડાને હાંકલમારી આગળ આવતો સૌથી નાનો ભાઈ સોમસેન બોલ્યો.

“સોમસેન, બાળક છે, બાળક બનીને રહે” ચંદ્રકાંતે હસતાં હસતાં કહ્યું.

આ કટાક્ષ વચન સાંભળી રાજા શશિકાંત પણ હસવા લાગ્યો.

“પ્રિય ભ્રાતાઓ! બાળકની બાળહઠથી તો તમે પરિચિત હશો જ” પ્રત્યુતર આપી સોમસેન પોતાના અશ્વની ગતિ વધારી આગળ નીકળ્યો.

આ ત્રણેય ભાઇઓની ગમ્મતમાં પોતાને વચ્ચે પડવું ઉચિત ન ગણતાં પ્રધાનજી પોતાના અશ્વને છેલ્લે જ રાખતા હતા. ક્યારેક શશિકાંત પ્રથમ રહેતા તો ક્યારેક ચંદ્રકાંત. વળી ક્યારેક ભાઈઓનુ મહેણું સાંભળતા જ જુસ્સામાં સોમસેન પ્રથમ રહેતા.

એકાએક રાજા શશિકાંતનું ધ્યાન એક ટેકરી પર જાઈ છે. જ્યાં એક સ્ત્રી ઘૂંટણ ફરતે હાથ વીંટળાવી સૂર્યાસ્ત નિહાળતી બેઠી છે. ફૂંકાતો પવન તેમના નિર્જીવ કેશ અને પહેરેલા વસ્ત્રોને જીવંત કરતો હતો. અશ્વની લગામ શશિકાંતના હાથમાથી અજાણતા જ સરવા લાગી. શશિકાંત મીટ માંડ્યા વગર આ સોંદર્યને જોતો રહ્યો. શશિકાંતની આખો સામેથી વાસ્તવિક વિશ્વ દૂર થયું અને કાલ્પનિક વિશ્વ સમૃદ્ધ બન્યું

“હે કુદરત! તું પણ અજીબ છે.

આજ માણ્યું ત્યારે જાણ્યું!

લાગણીઓ મારી પણ સજીવ છે.”

શશિકાંતે પોતાનો અશ્વ રોક્યો અને તે એ ટેકરી ભણી જવા લાગ્યો. જેમ જેમ શશિકાંત એ સ્ત્રીની નજીક આવતો ગયો તેમ તેમ પરમવીર પ્રતાપી રાજાના હ્રદયનો ધબકાર વધવા લાગ્યો. શશિકાંતે નજીક આવીને જોયું તો એ સ્ત્રી રડે છે. રડવામાં ભાન ભૂલી બેઠેલી સ્ત્રીને એ જાણ ન હતી કે આ વિશાળ વગડામાં તેમનો કોઈ દ્રષ્ટા ઊભો છે.

રાજા શશિકાંત તેમનાથી પાચ-છ ડગલાં દૂર ઊભો રહ્યો અને બોલ્યો.

“હે દેવી! મોતીઓ અમૂલ્ય હોય છે. એમાં પણ સૌથી શ્રેષ્ઠ આંખમાથી સરતું મોતી. અને જો એ આંખ કોઈ સ્ત્રીની હોય, તો તેનું મૂલ્યતો સ્વયં ઈશ્વર પણ નથી આંકી શકતા. માટે હે દેવી! મારી યાચનાનો સ્વીકાર કરો અને આ મોટીઓને પોતાનામાં જ સમાવી દો.”

આજાણ્યો આવાજ સાંભળી સ્ત્રી ડઘાઈ ગઈ. ઊભી થઈ. પાછળ ફરીને જોવે છે અને બંને વચ્ચે આંખોનું તારામેત્રક રચાઇ છે. સ્ત્રી મનમાં બોલે છે.

“હે ઈશ્વર! સૂર્ય-ચંદ્ર સમી કાંતિ, રંભા-પુષ્પા જેવી અપ્સરાઓને લલચાવનારો દેહ, ધેર્ય અને શોર્ય જેની મુખમુદ્રા પર અંકિત છે, તેવો આ તેજસ્વી પુરુષ કોણ હશે?”

અંતે મનના શબ્દોને સ્ત્રી એ વાચા આપી. તે પ્રણામ કરતાં બોલી,

“હે આગંતુક! આપ કોણ છો?, ક્યાથી આવ્યા છો?”

“હે દેવી! આજથી મારી દરેક ઓળખાણ નષ્ટ પામી. હવે મારી એક જ ઓળખાણ ‘હું તમારો દ્રષ્ટા’, અને રહી વાત સ્થાનની તો એમ જ સમજો કે અત્યાર સુધી ભટક્યો છું, કોઈ સ્થાનતો આજે પામ્યો છું”

સ્ત્રી શરમાણી. પોતાની મુખમુદ્રા સંતાડતી પાછું ફરી, અને બોલી.

“કૃપા કરી મુજ અબળાને શબ્દોથી ન લલચાવો”

“મારા શબ્દોને દોષ ન આપો દેવી, આપના યૌવન સામે એ રંક લાચાર છે”

“શું આ જ લાચારી તમને સ્ત્રીઓનો દ્રષ્ટા બનાવે છે?” સ્ત્રી કટાક્ષ વચન બોલી.

સાંભળી શશિકાંત હસ્યો.

“ફૂલ કદી ભ્રમરને આ પ્રશ્ન નથી પૂછતું દેવી”

“આગંતુક! કૃપા કરો! શબ્દોના પ્રહારથી મુજ દુર્ભાગીના હ્રદયને ન વીંધશો” સ્ત્રી આગળ ચાલી ઝાડના થડને વળગી ઊભી રહી.

“માફ કરજો મધુરી! આપના યૌવનનો દ્રષ્ટા બનવામાં શિષ્ટાચાર ભૂલ્યો. આપના દુ:ખનું કારણ પણ ન જાણ્યું” શશિકાંત સ્ત્રીની પાછળ આવી ઊભો રહ્યો.

“શું કરશો મારૂ દુ:ખ જાણીને જેનો કોઈ ઉપાય જ નથી”

“આપનું દુ:ખ દૂર કરવાને મને લાયક સમજો, મને સદભાગી બનાવો દેવી!”

“તો સંભાળ આગંતુક..

“ગોત્ર-ધર્મ-જાત-નાત ન જાણું,

ન જાણું મુજના માત-તાતને.

સાંભળી મે’ણાં જીવતર માણું,

સ્મરણી જગતના નાથને.

કહી અધર્મી-કુકર્મી,

છેડતી ધરમ લોકની જાત.

જાણે પાષાણને સંગાથે

છુ કોઈ હું ભટકતું શ્વાન.”

“હે આગંતુક! મારો ધર્મ શું? મારૂ ગોત્ર, મારી જાત, હું કશું જ નથી જાણતી, આ લોકજાતે મને છેટી તારવી”

“પ્રિય મધુરી! સ્વજનો કહે છે કે ગુણીજણોના ગુણ જ તેમની પૂજાનું સ્થાન હોય છે, નહિ કે તેમની નાત-જાત!”

“પણ જે સત્ય શિલાલેખ સમું મુજ કપાળે લખાયું છે તેને કોઈ ભૂંસી શકે તેમ નથી?”

શશિકાંત તેની વધુ નજીક આવે છે, ફરી આંખોનું તારામેત્રક રચાઇ છે.

“દેવી! જો હું તેને લાયક હોવ તો હું તમને મારો ધર્મ, મારુ નામ આપવા માટે તૈયાર છું.”

“શીદને મુજ પાપને પોતાને શિરે ધારણ કરો છો? આપ છો કોણ? કૃપા કરી આપની ઓળખાણ સ્પષ્ટ કરો?

શશિકાંત સ્ત્રીને પ્રણામ કરતાં પોતાને વ્યક્ત કરે છે.

“હું ચંદ્રપુરીનો રાજા શશિકાંત! જે આપને ચંદ્રપુરીની પટરાણી બનાવવા માટે વ્યાકુળ છે! હે દેવી! મને સદભાગી બનાવો”

સાંભળી સ્ત્રી ડઘાઈ જાઈ છે, ડરી જાઈ છે, પોતાની ભ્રમરો ઊચી ચડાવે છે. સ્ત્રી મનમાં જ બોલી ઉઠી “આ શું? સ્વયં ચંદ્રપુરીનો રાજા શશિકાંત? મારી સામે? જેની ત્રાડથી, જેની ગર્જનાથી સ્વયં સિંહો પણ પોતાની ગુફાઓના રસ્તા શોધવા લાગે છે. જેનો ક્રોધ સૂર્ય જેવો ઉગ્ર અને પ્રીતિ ચંદ્ર જેવી શીતળ એ જ રાજા શશિકાંત, મારા મોહમાં? મુજ દુર્ભાગીના મોહમાં?

સ્ત્રીના હ્રદયનો ધબકાર વધવા લાગ્યો. મધદરિયે તોફાન રચાયું. કોઈ વહાણ પડ્યું કે પડશે ની વિડંબનામાં ઝોલાં ખાતું હોય તેવી સ્ત્રીની દશા થઈ.અંતે સ્ત્રીને મૂર્છા આવી. તે પડી જાઈ છે.

થોડો સમય મૂર્છામાં વિતાવ્યા બાદ સ્ત્રી પોતાની આખો ઉઘાડે છે. જોવે છે તો પોતાનું મસ્તિક શશિકાંતના ખોળામાં છે. શશિકાંતનો એક હાથ સ્ત્રીના કપાળ પર વ્હાલથી ફરી રહ્યો છે.

સ્ત્રી તરત જ ઊભી થાઈ છે. ઘૂંટણભેર બેસી માથું નમાવી પ્રણામ કરતી બોલી.

“માફ કરજો મહારાજ! હું આપને ઓળખી ન શકી. મુજ અભાગી આપના મોહમાં પડવાને લાયક નથી”

શશિકાંત સ્ત્રીને ઊભી કરતાં બોલ્યો.

“દૂરથી ખેચાઈને અહી તમારા સુધી હું ક્યાં બળે આકર્ષાયો છું તે હું ખુદ પણ નથી જાણતો. આપના યૌવન સામે હું લાચાર છું પ્રિય મધુરી”

“પણ મહારાજ....”

“દેવી!” શશિકાંત સ્ત્રીને બોલતા અટકાવે છે “આ શશિકાંતની હ્રદયગુહામાં તમે વસી ચૂક્યા છો. તમારી મૂર્છાવસ્થામાં આપને કરેલા પ્રથમ સ્પર્શથી જ હું તમને હ્રદયથી પરણી ચૂક્યો છું. પરંતુ પ્રીતિ એ ઉભય હ્રદયનું કામ છે. બંને બાજુએથી મનમેળ ન થાય ત્યાં સુધી એ વ્યર્થ છે. માટે હે મધુરી! જો તમારા હ્રદયમાં મુજ રંક પ્રત્યે તલભાર પણ લાગણી જન્મે તો રાજમહેલમાં કહેણ મોકલાવજો. આ ચંદ્રપુરીનો અધિપતિ આપના દ્વારે શિર ઝુકાવી ઊભો હશે”

આટલું બોલી રાજા શશિકાંત ઘોડા પર સવાર થઈ ચાલ્યો જાય છે.

હે વાચનાર! હવે સાંભળ આ પ્રીતમાં સ્ત્રીની હાલત શું થઈ..

નમતી ડોકે હાલતી ચાલી ચંદ્રપુરીની પટરાણી

મૂંઝાણી શરમાણી અંતે હંસલી પ્રીત કરી જાણી

ઊગતી કરમાતી ડાળી, સખીઓમા થઈ નખરાળી

બેઠી સરોવર, દેખી મુખબિંબ, ચંદ્રમુખી હરખાણી

તનડું રાહે, ચીતડું સાદે, પિયુ પુકારતા લજવાણી

શિકરે ભીંજાતિ, થઈ ઢેલ નાચતી, ફફડાતી મલકાણી

નમતી ડોકે હાલતી ચાલી ચંદ્રપુરીની પટરાણી

સ્ત્રીનું નામ છે કમલા! સરોવર કાંઠે બેઠી છે. વિચારે છે કે “હે વિધાતા! શું આ જ છે તારી માયા? ક્યાં ચંદ્રપુરીનો અધિપતિ અને ક્યાં હું અધર્મી નાર. પણ આજે તનડું રાહ જુએ છે, ચીતડું સાદ પાડે છે. રાજાન્ એ કહ્યું હતું કે મહેલમાં કહેણ મોકલાવજો, પણ શું લખું? કોની સાથે મોકલાવું?”

કમલા બેઠી છે. વિચારે છે અને મનમાં સંદેશો બનાવતા ગાવા લાગી..

કમલા રાખ્યા રૂડા નામ રે...

બની આજથી આપની નાર રે..

આવો નાથ! આવો આજ! રચીએ મેળાપ રે...

કરીએ પૂરા વિવાહ અધૂરા રે...

કેવા છોડ્યા મદને બાણ રે...

થશે વિલંબ તો જશે મારા પ્રાણ રે...

જલદી આવો સાથે લાવો વાજાને શરણાઈ રે...

વાટે બેઠી, આપની નારી, વિલંબ શાનો નાથ રે...

શાહી નિતારી. સંદેશો રચ્યો, પણ કોની સાથે મોકલાવે? કમલા વિચારે છે કોણ જશે આ કહેણ લઈ? પ્રિય સખી સુનંદા! હા! એ જ! તેના વગર આ કામ બીજું કોણ કરશે?

કમલા સખી સુનંદાને મળે છે. તેમને માંડીને વાત કરે છે. સાંભળી સુનંદા રાજી થઈ બોલી “હે સખી! આજથી તારા દુખના દા’ડા ગયા સમજ. જે લોકજાત તને અધર્મી-કુકર્મી કહી છેડતી એ જ તને હવે રાણી કહી પૂજશે. અને લાવ, આ સંદેશો મને આપ”

કમલા તેને સંદેશો આપે છે. સુનંદા વિચારે છે કે રાજમહેલ દૂર છે. વચ્ચે વિશાળ વગડો આવે છે. સૂર્યોદય થતાં પહેલા નિકળું તો જ સંધ્યાકાળે મહેલ પહોચાશે.

“ચાલતી, દોડતી, હરખુડી, કરતી ઉમંગી નૃત્ય,

બે’ની કાજ કરવા ચાલી, રચશે રૂડું સખીકૃત્ય!”

બીજે દિવસે સવારે સુનંદા સૂર્યોદય થતાં પહેલા નીકળી જાય છે. વિશાળ વગડામાં સુનંદા પગપાળા ચાલતી જાય છે. તાપ આકરો છે પણ હાથમાં રહેલું પ્રિય સખી કમલાનું હ્રદય તેને શીતળતા આપે છે. સંધ્યાકાળ થયો. સુનંદા રાજમહેલ પહોચે છે.

પ્રણામ કરી, પોતાની ઓળખાણ સ્પષ્ટ કરતાં સંદેશો રાજા શશિકાંતના હાથમાં મૂકે છે. સંદેશો વાચતાની સાથે જ શશિકાંતનું હ્રદય કમળની પાંદડીઓ પેઠે ખીલી ઊઠે છે. રાજમાતા સહિત તેમના ભાઈઓ તેમને ખુશ થવાનું કારણ પૂછે છે

“હે રાજન્! આપની આ આનંદાવસ્થામાં અમને પણ સહભાગી કરો”

રાજા તે દરેકને માંડીને વાત કરે છે. સાંભળી રાજમાતા બોલ્યા

“શશિકાંત! એ પદમણી નારના ગુણનું વર્ણન કર”

સાંભળી શશિકાંત બોલ્યો, “તો સાંભળો માતા...

ગાઈશ ગુણ ગાન એના આજ,

તો વિતશે કેટકેટલાઇ કાળ,

માટે ટૂકમાં કહું તમે સાંભળો માત,

નમણી નારી, કંઠીલી વાણી,

સાંભળી લજવાણી બિચારી કોયલરાણી.

તેના હળવા સ્મિતે કુદરત ખોળી જાણી,

મહેકાવી ફૂલોને વસંત ખોલી માણી.

“હે માતા! પ્રભાતમાં ખીલેલા પુષ્પની મધ્યમાં ઝાકળ બિંદુ રચાયું હોય, અને તે બિંદુ પર સૂર્યનું પ્રથમ કિરણ પડતાં જે તેજસ્વિતા ઉદય પામે છે તેવી તેજસ્વી એ નાર છે”

રાજા શશિકાંત સુનંદા ભણી જોઈને સંદેશો આપતા બોલ્યા.

“સખી સુનંદા! પ્રિય કમલાને કહેજો કે આવતી કાલે અગત્યનું રાજકાર્ય હોવાથી હું તેમને પરમ દિવસે તેડી જઈશ.”

રાત્રીનો અંધકાર ગાઠ થયો, માટે સુનંદાએ રાત્રિ મહેલમાં જ વિતાવવાનો વિચાર કર્યો. સવારે સુનંદા દિવસના બીજા ત્રીજા પ્રહરમાં રાજમાતા અને મહારાજની રજા લઈ નીકળી જાઈ છે. સમય વિતતો જાય છે. સૂર્ય ધીમે ધીમે માથે ચડે છે. વેરાન વગડામાં સુનંદા એક પછી એક ડગલુ માંડતી સૂનકાર હણતી ચાલતી જાય છે. સૂર્યનો આકારો તાપ માથું ફાડી અંદર પ્રવેશી શરીરના દરેક અવયવને બાળી રહ્યો છે, જાણે સૂર્યનું પ્રત્યેક કિરણ સુનંદાના પગ ફરતે વીંટળાઇ તેને ત્યાં જ ઊભી રાખવા મથતું હોય. સુનંદાના શરીર પર પ્રસ્વેદબિંદુઓ ફૂટી નીકળ્યા. પરસેવે નીતરતી, ક્યારેક સાડલાના છેડેથી પરસેવો લૂછતી સખી સુનંદા વિચારતી “અરે ઓ ચંદ્રપુરીના અધિપતિ રાજા શશિકાંત! હું સુનંદા! આપની પ્રિયતમાંની સખી સુનંદા! તું એ પણ ન જાણી શક્યો કે એક અબળા આવા આકરા તાપમાં આ વિશાળ વગડામાં કેમ પગપાળા ચાલતી જશે? તું આવો મોટો રાજવી, અને મારા માટે કઈ વ્યવસ્થા ન કરી શક્યો? હું તારી પ્રિયતમાની સખી, સખી સુનંદા! તું મારી સામે શિષ્ટાચાર ભૂલ્યો? ના ના! તું તો પ્રીતમાં ભાન ભૂલ્યો”

આમ વિચારતી કોસતી સુનંદા ચાલતી જાય છે. સૂર્ય વધારે આકારો થયો. કપાળ ફાટવા લાગ્યું. આંખો સામે આછો અંધકાર છવાવા લાગ્યો. એક ડગલુ પણ આગળ ચાલવા અસમર્થ સુનંદા એક વૃક્ષ પાસે આવી તેને ટેકે બેઠે છે. વિચારે છે “અહી આરામ કરવો યોગ્ય નથી. વેરાન વગાડો છે ને વળી બહારવટીયાઓનો પ્રકોપ પણ. હું રહી સ્ત્રી જાત! ઘરેણું નહીં તો છેલ્લે આબરૂ લૂટશે. માટે અહી આરામ કરવો યોગ્ય નથી”

માટે સુનંદા વૃક્ષ પર ચડે છે. ડાળી પર થડને ટેકો દઈ પાંદડાઓમાં સંતાઈને બેઠે છે. સુનંદા નિન્દ્રામાં છે તેવા સમયે કોઈ ઋષિરાજ વૃક્ષની બીજી બાજુ ધ્યાનમાં બેઠે છે.

નિન્દ્રામાં એક બે પ્રહર વિતાવ્યા બાદ સુનંદાની આંખ ખૂલે છે. પોતાની જાતને સંભાળી પાંદડાઓ ખસેડી આકાશ ભણી જુએ છે. ઠળતો પોર છે. આગ ઓકતો સુરજ હળવો પડ્યો છે. માટે સુનંદાએ પોતાના માર્ગે ચડવું ઉચિત સમજી ડાળી પરથી નીચે કૂદી પડી! ઓચિંતા જ આવેલા અવાજથી વૃક્ષની પેલીબાજુ બેઠેલા ઋષિરાજ ડરી જાય છે. તેમને મન કોઈ જંગલી પ્રાણી છે માટે તે ઊભા થઈ બે ડગલાં દૂર ભાગે છે. સુનંદા આ દ્રશ્ય જુએ છે. કોઈ ઋષિરાજને આવી રીતે બાળક પેઠે ડરતા જોઈ સુનંદા બાળબુધ્ધિએ ખડખડાટ હસી પડે છે.

સૂર્યનો આકરો તાપ જાણે ઋષિરાજની આંખોમાં સ્થાન પામ્યો હોય એમ તેની આંખો ક્રોધથી આમતેમ ભમે છે. ક્રોધમાં તેનું સમગ્ર શરીર કંપે છે. ક્રોધમાં ઋષિરાજ ભાન ભૂલ્યા કે તેની સામે એક નિર્દોષ મનની નાદાન સ્ત્રી ઊભી છે. ઋષિરાજ બોલ્યા. “હે મૂર્ખ! પાપી! એક તપસ્વીની મશ્કરી ઉડાવે છે? તો સાંભળ આ તપસ્વીનો શ્રાપ. કાલ સવારનો સૂર્યોદય થતાં જ તું લોકોના પગતળે આવી કચડાઈ મરતા સૂક્ષ્મજીવમાં રૂપાંતર પામીશ.”

સુનંદા ગભરાઈ છે. શરીર ધ્રુજે છે. પગ પર ઊભા રહેવાની તાકાત પણ ન રહી. તે ઘૂંટણભેર બેસી જાય છે. હાથ જોડી આસું સારતા ઋષિરાજને કહે છે “હે દેવ! હે ઈશ્વર! બાળક થઈ બાળબુધ્ધિનું પ્રદર્શન કરી બેઠી! આપ તો દયાળુ છો. ક્ષમા કરો પ્રભુ ક્ષમા કરો! દયા કરો!”

ઋષિરાજ શાંત થયા. નિસાસો મૂકી ઉત્તર આપ્યા વગર જ પીઠ ફેરવી જતાં રહ્યા. સુનંદા ત્યાં જ બેઠી રહે છે. રડે છે. અચાનક મનમાં યાદ આવે છે કે સખી કમલાનું કામ હજી અધૂરું છે. રાજા શશિકાંતનો સંદેશો પહોચાડવાનો છે અને હજુ અડધું અંતર પણ નથી કપાણું. હવે તો સૂર્યોદય થતાં પહેલા જ પહોચવાનું છે. સખી સુનંદા બધુ જ ભૂલીને પોતાના માર્ગે ચડે છે. રાત્રિના પ્રહરો શરૂ થાય છે. ઘોર અંધકારમાં સુનંદા એક પછી એક ડગલું ભરતી ઉતાવળી ચાલે ચાલતી જાય છે. સૂર્યનારાયણ ને યાચે છે....

“હે સુરજ! સાંભળ મારી! અરજ રે1

મોડો આવજે, લાજ રાખજે,

અધૂરા સખીના કાજ રે..

થઈ દાસી તારી, રિજવું તને આજે રે ...

પૂરા સખીના, કોડ કરવા મારે રે..

હે સુરજ! સાંભળ મારી! અરજ રે1

મોડો આવજે, લાજ રાખજે,

અધૂરા સખીના કાજ રે..”

સૂર્યોદય થવાને બે પ્રહરની વાર છે. કમલા ઘૂંટણ પર માથું ટેકવી દ્વાર પર સખી સુનંદાની રાહ જોતી બેઠી છે. વિચારે છે “હે પ્રિય સખી! આટલો વિલંબ શાને? શું તું મારા હ્રદયની દશાથી અજાણ છે? હે વહાલી! હવે જલદી આવ!”

કમલાની નજર માર્ગ પરથી હટતી નથી. તેને દૂરથી કોઈના આવના એંધાણ દેખાય છે. હા તે એ જ! સખી સુનંદા જ હતી. કમલાએ તેની સામે દોટ મૂકી. તેને બાહુપાશમાં ઝકડી અને બોલી “ ઓહહ વહાલી! તે બહુ વાટ જોવડાવી! શું સંદેશો લાવી? હવે તો વિલંબ ના કર. શું કહ્યું મારા પ્રાણનાથે?”

સુનંદા એ સંદેશો આપતા કહ્યું “પ્રિય કમલા! તારા પ્રાણનાથના પ્રાણમાં જ તું વસી ગઇ છે. તેને કહેણ મોકલાવ્યું છે કે પ્રિય કમલાને કહેજો કે આવતી કાલે અગત્યનું રાજકાર્ય હોવાથી હું તેમને પરમ દિવસે તેડવા આવીશ. એ તને કાલે જ તને તેડવા આવશે પ્રિય કમલા”

“ઓહો! સખી સુનંદા! હું તારો આભાર કઈ રીતે વ્યક્ત કરું મને સમજાતું નથી! તું તો મારા માટે સાક્ષાત ઈશ્વર થઈ આવી છે. હવે ઘરે જા અને આરામ કર, સૂર્યોદય થયા બાદ આપણે ઘણી તૈયારી કરવાની છે”

સુનંદા મનમાં બોલી “હે પ્રિય કમલા! આજનો તારી સાથેનો આ છેલ્લો સૂર્યોદય. ક્ષમા કરજે! તારો અને મારો સંગાથ આટલો જ!”

“શું વિચારે છે?”

“કઈ નહીં! હવે હું આરામ કરવા જાવ” આટલું બોલી સુનંદા ચાલી ગઈ.

સુનંદા ઘરમાં ઓરડામાં બેઠી રહી. સૂર્યોદય થયો. તપસ્વીનો શ્રાપ આકાર પામ્યો. સુનંદા સૂક્ષ્મજીવમાં રૂપાંતર પામી. નાની આંખોએ વિશાળ વિશ્વ જોવા લાગી. ત્યાં જ કોઈ કમાડ ઉઘાડી ઓરડામાં પ્રવેશ્યુ. એ કમલા હતી. કમલા સખી સુનંદાને ઘરમાં આમતેમ શોધે છે. કમલા નહોતી જાણતી કે કોઈ શૂક્ષ્મજીવમાં સુનંદા પોતાનું શરીર સંઘરી બેઠી છે. તે સુનંદાને શોધતી ફરે છે. સાદ પાડે છે. પણ નિર્દોષ મનની કમલાને એ જાણ ન હતી કે સખી સુનંદા તેના જ પગતળે આવી કચડાઈ મરી છે. આ રીતે સખી સુનંદાએ સહેલી ધર્મ નિભાવી સ્વર્ગલોકની યાત્રા કરી અને કમલાના હૃદયમાં ઈશ્વર પેઠે સદાકાળ જીવંત રહી.

NOTE: THIS STORY IS A WORK OF FICTION & ALL THE NAMES, CHARACTERS, INCIDENTS & COMMUNITIES DEPICTED IN THIS STORY ARE IMAGINARY. THE STORY MEANT FOR ENTERTAINMENT PURPOSE ONLY.