kavita - 4 books and stories free download online pdf in Gujarati

કવિતા - 4

"કવિતા - 4"

અને ખરેખર બેશરમ કાવ્યા દિવસમાં ત્રણવાર મારે ઘેર આવતી હતી. એકવાર તે તેને ઘેર કહીને મને જોવા આવતી હતી, અને બેવાર તે કહ્યા વગર સોસાયટીનો પૂરો ચક્કર મારીને બીજી તરફથી મારે ઘેર આવી જતી હતી, અને જતી પણ તે રીતે જ.

હું કાવ્યામય થઇ ગયો હતો, મને બીજી કોઈ જ વાતમાં રસ રહ્યો નહોતો. હું બસ કાવ્યા ની વાટ જોયા કરતો. અમે કલાકો સાથે ગાળતા, અમને કોઈ ડિસ્ટર્બ કરતુ નહોતું, સિવાય બહેન..

તેના મમ્મી-પપ્પા પણ બે-ત્રણવાર મને જોઈ ગયા હતા. તેમના પ્રત્યેની મારા મનમાં પડેલી છાપ બદલાઈ રહી હતી. "કાવ્યા, તારા પેરેન્ટ્સ તો સારા લાગે છે, કે મારી સામે નાટક કરે છે?"

"સારા જ છે ને.. તમે સડકછાપ છો."

"લગન થઇ જવા દે.. પછી આ શબ્દ માટે હું તારા બાપની લેખિતમાં માફી મંગાવીશ..."

કાવ્યા ગંભીર થઇ ગઈ, બોલી "મનેય ગમ્યું નહોતું, અને પપ્પાને પણ બોલ્યા પછી પસ્તાવો થયો હતો ને મમ્મી પણ તેમને લડી હતી. સોરી.." કહીને કાવ્યા મારા ગાલે હાથ ફેરવવા લાગી.

"ગાંડી, હું તો મજાક કરું છું, તે વખતે સબંધ જ નહોતો.. પછી ખોટું લાગવાનો સવાલ જ નથી."

બંને ઘરને સારા સબંધો થયા હતા. વાનગીની આપ-લે નો વ્યવહાર પણ ચાલતો હતો. મારી જાંઘનો ઘા હવે લગભગ સારો જ હતો, બસ પ્લાસ્ટર કાઢે એટલે હું જાણે જેલમાંથી છૂટીશ.. મારે કાવ્યાને લઈને ખુબ રખડવું હતું, ખુબ મજા કરવી હતી. અમારું સ્કૂટર પણ રિપેર થઇ ગયું હતું.

આજે મારે પ્લાસ્ટર કપાવવા જવાનું છે. ગઈકાલે જ કાવ્યાના પપ્પા કહી ગયા હતા કે હું હોસ્પિટલ લઇ જઈશ, કોઈએ આવવાની જરૂર નથી. જોકે કાવ્યા તો ખરી જ. મને સારું લાગતું હતું, પણ તેના પપ્પાની હાજરીમાં મને કાવ્યા સાથે વાતો કરતા અસુવિધા લાગતી હતી. પાટો ખોલ્યા પછી પણ હું લંગડાતો હતો, પણ ડોક્ટરે કહ્યું કે કસરત થવાથી સારું, બરાબર થઇ જશે.

ખેર, અમે ઘેર આવ્યા, તેના પપ્પા મારા ઘરમાં આવ્યા નહિ, ને બહારથી જ "હું ઓફિસ જાઉં છું, કાવ્યા તું લંચ સુધી ઘેરે આવી જજે." કહીને જતા રહ્યા. કાવ્યાએ મને કહ્યું "હું પણ અંદર નથી આવતી, શું કામ છે? જાઉં છું." કહીને તે જવા લાગી, મેં તેને હાથ પકડીને ખેંચી, ને બોલ્યો "તારા બાપાશ્રી આડકતરી રીતે લંચ સુધી તને પ્યાર કરવાની પરમિશન આપી ગયા છે, સાંભળ્યું નહોતું?"

ઘરમાં બધા મને સાજો અને ચાલતો જોઈને ખુશ થઇ ગયા. થોડીવારે હું ઉપર મારા રૂમમાં આવ્યો. કાવ્યા બહેન સાથે તેના રૂમમાં હતી. તે ઉપર કેમ નથી આવતી? આજે તેને લઈને મારે ખુબ ફરવું હતું. મેં ફોન કર્યો, "ઉપર આવ."

"તમારી બહેન ના પાડે છે.."

"હોશિયારી ન માર.. જલ્દી આવ, અને એકલી જ આવજે."

તે રૂમમાં આવી કે મેં તેને ભીંસી નાખી, અને તેને ઊંચકીને બેડ પર લાવ્યો. મારો ફોન વાગ્યો, મેં ધ્યાન આપ્યું નહિ. ફરી વાગ્યો, વાગતો રહ્યો. કાવ્યા બોલી "જૉવોતો ખરા કોણ છે?"

"વાગવા દે, મને ડિસ્ટર્બ ના કર."

"અરે તે જ આપણને ડિસ્ટર્બ કરે છે, હું અહીં જ છું, તમે તેને જોઈ તો લો."

મારો વિચાર નહોતો, પણ કાવ્યાએ કહ્યું ને ફોન જોયો તો તેના પપ્પાનો હતો, મેં કાવ્યાને બતાવ્યો, અને નાક પર આંગળી મૂકીને ચૂપ રહેવાનો ઈશારો કરીને ફોન ઉપાડતા જ બોલ્યો "સોરી અંકલ, પણ હું બાથરૂમમાં હતો."

"મને લાગ્યું જ.. હું એમ કહું છું કે તમે કાલથી ડ્યુટી જોઈન કરશોને?"

"હા."

"તો આજે ફ્રી છો તો આપણી ઓફિસે આવી જાવ, બધું જોઈ લો."

"મારે શું જોવાનું હોય? તોયે કોઈવાર આવી જઈશ."

"ડ્યુટી ચાલુ કરશો પછી સમય નહિ મળે, અને કેમ તમને જોવું નથી? આપણે હવે એક જ ફેમિલી છે. આવો છો ને?"

"હા અંકલ, આવું છું."

"કવિતા ત્યાં જ છે ને?"

"હા, નીચે છે, બોલાવું? "

"ના, તેને પણ લેતા આવજો" કહીને ફોન બંધ કર્યો ને કાવ્યા સામે જોયું. કાવ્યા મને ચીડવવાના સૂરમાં મોટેથી હસી પડી. હું ચિડાયો "તમારી ઓફિસ, ગોદામ, દુકાન જોઈને મારે શું કરવું છે? ખાલી માથું ચઢાવે છે, તારો બાપ..."

"તો ફોનમાં કહેતા ને..."

"તારા બાપને સારું લગાડવા હું આવું તો છું, પણ તું પાછી મારે ઘેર આવવાની હોય તે શરતે જ..."

"હોવે, હમણાં તો ચાલો, પછી વિચારીશ."

અમે સ્કૂટર પર તેના પપ્પાની ઓફિસે આવ્યા. હવે તેને કોઈ ડર નહોતો, અમારો સબંધ જાહેર થઇ ગયો હતો. સોસાયટીમાં અને સગાઓ-દોસ્તો બધા અમારા સબંધ વિષે જાણતા હતા, અને હવે તો અમારી સગાઇ પણ થવાની હતી.

તેના પપ્પાએ મને તેમના પાર્ટનરથી મુલાકાત કરાવી, ગોદામ દુકાન, બધે ફેરવી ફેરવીને અને ઉત્સાહથી બતાવ્યું, અને દરેકને મારી ઓળખાણ જમાઈ તરીકે આપી. મને કોઈ રસ નહોતો, હું જલ્દી કાવ્યાને લઈને ભાગવા માંગતો હતો. છેલ્લે ઓફિસમાં ચા-નાસ્તો પતાવીને અમે ઉભા થયા, ને તેના પપ્પાને મેં કહ્યું "આજે કાવ્યા મારે ઘેર રહેશે અને જમશે પણ, એટલે વાટ જોશો નહિ."

"ભલે ભલે, ફરો તમતમારે.."

તેના પપ્પા હવે મને ગમવા મંડ્યા હતા. ખુલ્લા, મોટા દિલના અને નિખાલસ હતા. અમે રેસ્ટોરન્ટમાં બેઠા હતા. "કેવા છે મારા પપ્પા? હવે તેમની સાથે તમારે કોઈ મનભેદ કે મતભેદ નથી ને?"

"હા કાવ્યા, તમે બધા બહુ સારા લોકો છો." કહીને હું ઊંડા વિચારમાં પડ્યો.

"શું વિચારો છો? કેમ ઉદાસ થઇ ગયા?"

"તું અને મમ્મીએ મળીને ગમે તે નક્કી કર્યું હોય, પણ મને હજુ ખટકે છે..."

"શું ખટકે છે?"

"અમારા બોલેલા શબ્દો પર તેમણે વિશ્વાસ કર્યો, અને આપણે?? કોઈ મારા પર વિશ્વાસ કરે પછી હું તેમને છેતરી શકું જ નહિ, અને તારા માં-બાપ તો કેટલા સારા છે, તેમને તો છેતરાય જ નહિ."

"તમે બધું મારા પર છોડો, કોઈ કોઈને છેતરવાનું નથી. જેમ તમે તેમને ઓળખી રહ્યા છો ને તેમ તેમ તેઓ પણ તમને બધાને ઓળખી ગયા છે. અને એક ખાનગી વાત કહું, ઘેર મમ્મી-પપ્પા અંદર-અંદર વાતો કરે છે ત્યારે તમારા અને તમારી ફેમિલીના વખાણ જ કરે છે."

"એટલે તું ચોરી-છુપી તેમની વાતો સાંભળે છે? અને વખાણ તો કરે જ ને.. હું છું જ એવો.. તમારા નસીબ ખુલી ગયા કે મારા જેવો જમાઈ, અને એ પણ મફત મળી ગયો."

"હો, હવે જલ્દી પૂરું કરો, મોડું થાય છે."

હું ઝડપથી ખાતા બોલ્યો "મોડું? શેનું મોડું?"

"ઘેર જવાનું, બીજું શેનું?"

"ખોટી માથાકૂટ ન જોઈએ, તારા બાપથી પૂરો દિવસ સાથે રહેવાની પરમિશન લીધી છે... એટલે ઘેર જવાનું તો વિચારતી જ નહિ."

"હું તો તમારે ઘેર, તમારા રૂમમાં જવાનું કહેતી હતી, અહીં જ બધો ટાઈમ બગાડી નાખવો છે?"

હું કાવ્યાને તાકી જ રહ્યો, ને થોડીવારે બોલ્યો "કાવ્યા, ગમે તે કહે પણ તું બેશરમ અને નફ્ફટ તો ખરી જ...."

***

અમે ફરવા નીકળતા જ હતા ને દોસ્તનો ફોન આવ્યો. મેં ના કહીને ફોન કાપી નાખ્યો. કાવ્યા બોલી "કોનો ફોન હતો?"

"દોસ્તનો."

"શું કહેતો હતો?"

"નદી પર બે બેઠા છે, આપણને પણ બોલાવે છે."

"ચાલો જઈએ.. કેમ ના કહી? મને તો કોઈ તમારા દોસ્ત જોડે ઓળખાણ કરાવો..."

"ના, બંને હરામીઓ છે..મને વિશ્વાસ નથી."

"કેમ મને ખાઈ જશે? મવાલી છે?"

"એવી તો વાત જ નથી.. પણ ચાલ તું કહે છે તો મળી લે.. મારા જીગરી છે."

અમે સ્કૂટર ઉભું રાખીને ચાલતા નજીક આવ્યા, બંને પાળી પર બેઠા હતા. મેં કાવ્યાની ઓળખાણ કરાવી, કાવ્યા એ સ્માઈલ કર્યું, પણ બંને નફ્ફટ કાવ્યાને તાકી રહ્યા, ને પછી ઉભા થઈને કાવ્યાને તાકતા તેની ગોળ ફર્યા. એક મારી સામે જોઈને બોલ્યો "હુંહ..સારી ફસાવી છે... તું તો કહેતો હતો કે મણીબેન અને ડોબા જેવી છે, પણ એવી લાગતી તો નથી."

બીજો બોલ્યો "વાળ કપાવ્યા પછી હવે તો જુ નો ત્રાસ નહિ હોય, નહિ?"

કાવ્યાના મોં પરથી સ્માઈલ તો ક્યારનુયે ગાયબ થઇ ગયું હતું, અને ગુસ્સો તેની જગ્યાએ ગોઠવાઈ રહ્યો હતો, એટલે જ હું તેને લાવતો નહોતો.

"કેટલું દહેજ નક્કી કર્યું છે? જો તારા કહેવા મુજબ તેનો બાપ કંજૂસ અને રબ્બર હોય તો મારી વાત માને તો દહેજ માંગીને મોઢું બગાડીશ નહિ, એકની એક જ છે એટલે તેના બાપના બધા માલ પર તારો જ કબ્જો થવાનો છે ને..." કહીને બંને હસ્યાં અને એક-બીજાને તાળી આપી.

કાવ્યા સ્કૂટર પાસે ગઈ ને સ્ટાર્ટ કરીને બોલી "તમે આવો છો કે હું જાઉં?"

હું બંનેને ગાળ બોલ્યો ને દોડીને સ્કૂટરની પાછળ બેસી ગયો. રસ્તામાં કાવ્યા કશું બોલતી નહોતી.

"કેમ બોલતી નથી?"

"હું ડોબા જેવી છું નહિ? અને જુ ખુબ થાય છે એટલે વાળ કપાવું છું, બરાબર? પપ્પા રબ્બર છે, અને તમે મને માલ માટે ફસાવી છે.. વાહ.."

"અરે તેઓ તો ગમે તે બોલે.. મેં તેમને કશું જ કહ્યું નથી.. દુખડા, રોદણાં રોવાની મને આદત નથી, હું તો સહન કરવામાં માનું છું."

"શું??" કહીને તે સ્કૂટર ઉભું રાખી ને ઉતરી પડી, બોલી "લો તમારું સ્કૂટર" કહીને તે ચાલવા લાગી. મેં દોડીને તેનો હાથ પકડ્યો, ને બોલ્યો "અરે અરે.. હું તો મજાક કરું છું.. ચાલ નાટક ના કર, બધા જોઈ રહ્યા છે. તને શોખ હતો મારા દોસ્તોને મળવાનો..અને તેઓ બોલ્યા તો મારી સાથે કેમ ઝઘડે છે? તેમની સાથે લડને..."

"દોસ્તો કોના છે? અને તમારી સાથે નહિ તો કોની સાથે લડું? મોમાં મગ ભરીને અને ભીગી બિલ્લી બનીને કોણ ઉભું હતું? તમારાથી કશું બોલાય નહિ?"

"અરે ન બોલ્યો એટલે જ ટૂંકમાં પત્યું.. જો હું બોલતો તો તેઓ વધારે ફાટતા... અને મજાક કરી છે, કોલેજમાં કરે છે તેમ હલકું-ફૂલકું રેગિંગ.. આમ તો બહુ જ સારા છે."

મારો ફોન વાગ્યો, તેઓ જ હતા, "ગધેડીનાઓ, તમારે લીધે આ તમારી કાકી મારી સાથે ઝઘડી રહી છે..."

"તેને ફોન આપ."

મેં કાવ્યાને ફોન આપ્યો, તેણે લીધો નહિ, મેં તેનો હાથ પકડીને ફોન પકડાવી દીધો. હું સ્કૂટરને ટેકે ઉભો હતો, કાવ્યા ફૂટપાથ પર ફોનમાં વાત કરતા આમ-તેમ ફરી રહી હતી. મને દોસ્તો પર વિશ્વાસ હતો કે તેઓ કાવ્યાને મનાવી લેશે, અને એમ જ થયું. કાવ્યા ફોન બંધ કરીને આવી અને સ્કૂટર પાછું ફેરવ્યું. ને બોલી "ચાલો."

"કેમ પાછી ક્યાં જાય છે?"

"નદી પર.. તેઓ બોલાવે છે."

"સરસ, સમાધાન થઇ ગયું ને?" કહીને હું પાછળ બેસી ગયો.

"હા, તેઓ ખુબ રડ્યા અને માફી માંગી..."

"હોવે, હવે જોજે તારા પગ પકડીને પણ માફી માંગશે.." કહીને હું હસ્યો.

***

આજે અમારી રિવાજ મુજબ સગાઇ હતી. પણ અમે તો ઘણા સમયથી સગાઇ શું, પણ લગન કરી લીધા હોય તેમ જ રહેતા અને ફરતા હતા. કાવ્યા બસ રાત મારે ઘેર રોકાતી નહોતી એટલું જ. અને તેના માં-બાપ તેને જરાય રોકતા કે ટોકતા નહોતા, અને મારી સાથે અને મારી ફેમિલી સાથે પણ સારો વ્યવહાર કરતા હતા. તેઓને અમારા પર પૂરો વિશ્વાસ હતો, અને એટલે જ હું જવાબદારીનો, તેમના વિશ્વાસ નો ભાર મહેસુસ કરતો રહેતો હતો. ગમે-તેમ અમારા રોમાન્સમાં કોઈ જ વિલન નહોતું. હા, મારી બહેન ઘણીવાર વિલનગીરી કરી લેતી હતી.

કાવ્યાનો ફોન આવ્યો "આજે સગાઈમાં તમે શું પહેરશો?"

"બીજું બધું તો ખબર નથી, પણ કપડાં તો પહેરીશ જ..."

"બહુ સારું, આભાર.. પણ તમારી સડેલી જીન્સ પહેરીને ન આવી જતા, મારી સહેલીઓમાં મને શરમાવશો નહિ."

સોસાઈટીના હોલમાં જ અમારી સગાઇ હતી, મને આ બધું પસંદ નથી, પણ મારા અને તેના ઘરવાળાઓ માન્યા નહિ. ખેર, ભલે..હું હતો ત્યાં જ પણ બધાથી અલિપ્ત જ હતો. કાવ્યા દુલ્હન બનીને આવી હતી, ને ખુશ હતી, તેને ખુશ જોઈને હું પણ ખુશ હતો. તે સુંદર તો હતી જ, પણ આજે વધારે લાગતી હતી.

હું ધીરેથી કાવ્યાના કાનમાં બોલ્યો "ફોટા પડાવતા થાકે, અને ડિનર પતે પછી ગમે તેટલી રાત થઇ હોય, પણ તારે મારે ઘેર આવવું પડશે."

"કેમ?"

"આપણે સુહાગરાત મનાવીશું."

"સગાઇ થઇ છે, લગન નહિ.. અને હજુ કેટલી સુહાગરાતો મનાવવી છે?"

"એ બધી તો તેં જબરદસ્તી મનાવડાવી છે, આજે મારે મનાવવી છે."

"હવે લગન પછી જ.. તે પહેલા તો હવે નહિ જ."

"કાવ્યા, મને વિશ્વાસ નથી થતો કે તારા જેવી આટલી સારી અને મોટી બેશરમ છોકરી આવું કહે છે?"

તે ખડખડાટ હસી પડી, તે સાંભળીને બહેન પાસે આવી ને બોલી "કેમ હસે છે? ભાઈએ શું કહ્યું?"

"કશું નહિ, તારો ભાઈ બેશરમ છે."

બહેન હસીને બોલી "બેશરમ કોણ છે તે તો તારા અને મારા ઘરના બધા જ અને હવે તો સોસાયટીવાળાઓ પણ જાણી ગયા છે, મારા ભોળા ભાઈ પર ખોટો આરોપ ના મૂક."

***

રોજ રાતે જમીને અમને બધાને બહાર વરંડામાં બેસીને વાતો કરવાની આદત છે. કાવ્યા પણ રોજ આવીને બેસતી. અને પહેલા કાવ્યાના મમ્મી-પપ્પા કોઈ કોઈવાર પણ હવે તો તેઓ બંને પણ નિયમિત આવતા અને વાતો કરતા હતા.

કાવ્યાના પપ્પા મારા પપ્પા સામે જોઈને બોલ્યા "તમારી લેથ-શોપ નું કેવું છે? સારું ચાલે છે ને?"

પપ્પા હસીને બોલ્યા "ચાલે છે... પણ કઈ ખાસ મળતર નથી, ઘણીવાર તો મહિનાનો ખર્ચ બાદ કરતા અમારે માટે કશું બચતું જ નથી."

બહેન ચા લાવી, કાવ્યા મને ઘરમાં જવા ઈશારો કરી રહી હતી, પણ મને તેમની વાત સાંભળવી હતી, એટલે હું કાવ્યાને થોભ નો આંખથી ઈશારો કરીને તેમની વાત સાંભળવા બેસી રહ્યો.

કાવ્યાના પપ્પા બોલ્યા "આજના બજારભાવ પ્રમાણે તમારી શોપની જમીનની કિંમત સિત્તેરથી એંશી લાખ ગણાય. અને તેટલા પૈસાનું બેન્કના વ્યાજ જેટલું પણ મળતર ન હોય તો મારા માનવા મુજબ વેચીને બેંકમાં પૈસા મૂકીને વ્યાજ મેળવવું જ સારું રહે..."

"હા, તમારી વાત બરાબર છે, મેં પણ વિચાર્યું હતું," ને મારી માં સામે ઈશારો કરીને પપ્પા બોલ્યા "પણ આ માની નહિ, અને તેની વાત સાચી હતી એટલે વિચાર માંડી વાળ્યો."

"આપણી હવે એક જ ફેમિલી છે, એટલે ખોટું ન લગાડતા પણ ન વેચવા દેવાનું કારણ જાણી શકું?" કહીને મારી માં સામે જોયું.

માં બોલી "અમારી લેથ-શોપમાં ચાર માણસો કામ કરે છે, તેમનું શું? હમણાં ભલે અમારે કશું ખાસ મળતું નથી, પણ તેમનો પગાર તો નીકળે છે ને? અમારી દુકાનને કારણે જો ચાર ઘરના ચૂલા સળગતા રહેતા હોય તો તેને કઈ રીતે વેચી દઈએ?"

તેઓ બંને મારી માંને તાકી જ રહ્યા હતા. થોડીવારે કાવ્યાની મમ્મી તેના પતિ સામે જોઈને બોલી "જો હું નહોતી કહેતી? હવે હું તમને રોજ કહું છું તે વાત આજે કહી જ દો.."

"હા, તું જ કહી દે, હવે મને જરાય ચિંતા નથી."

હું ઉત્સુકતાથી તેની માં સામે જોઈ અને તેમના બોલવાની રાહ જોઈ રહ્યો હતો, હું જ નહિ, અમે બધા જ ઉત્સુક હતા.

તેની માં બોલી "આપણે જે નક્કી કર્યું હતું, ને અમે જે શરત રાખી હતી તે અમે પછી લઈએ છીએ, હવે કોઈ જ આપણી વચ્ચે શરત નથી. અમને ચિંતા નથી, કવિતા તમારી દીકરી છે, તેને જ્યાં અને જેમ રાખવી હોય તેમ રાખજો, અમારી કોઈ દખલ નથી."

"શું? સાચે?" કહીને હું ઉભો થઇ ગયો. તેમની વાતથી સૌથી વધારે મને ખુશી થઇ હતી. અમે તો જૂઠી જ ડીલ કરી હતી, અને અમે શરત મુજબ કરવાના જ નહોતા, પણ આજે તેમણે સામે ચાલીને શરત પછી લઈને મને તેમને છેતરવાના અપરાધભાવ થી મુક્ત કર્યો હતો. નહિ તો હું જિંદગીભર તેમનાથી આંખ મિલાવી શકતો નહિ. અને એ કારણે જ હું ખુશ, અને ઉત્સાહમાં આવી જઈ ને કાવ્યાની મમ્મીના બંને હાથ પકડીને બોલ્યો "તમે તો અમારે માથેથી ભાર ઉતારી લીધો, કેમ કે અમે કઈ.."

"ભાઈ તારો ફોન રૂમમાં વાગે છે, જલ્દી જા..." બહેન મને બોલતો રોકીને બોલી પડી. હું પણ અટકી ગયો ને અંદર ઘરમાં ગયો, પાછળ જ બહેન અને કાવ્યા આવી ગઈ. બહેન અંદર આવતા જ ભડકી "ડોબા... શું બકવા જઈ રહ્યો હતો? એજ ને કે અમે કાવ્યા સાથે નક્કી કર્યું હતું, અમે લગન પછી અલગ રહેવા જવાના જ નહોતા?"

"હા, એજ.. હવે કહેવામાં શું વાંધો છે? તેઓએ સામેથી તો કહ્યું."

"જોયો મોટો હરિશ્ચંદ્ર, ન બોલતા આવડે તો ચૂપ મરતો હોયને..."

કાવ્યા પણ બોલી "પહેલા મને શક હતો, પણ આજે ખાતરી થઇ ગઈ કે તારો ભાઈ ખરેખર બેવકૂફ છે."

"સાચું કહેવાવાળા બેવકૂફ હોય?"

"સાચું બોલી નાખવાથી ફાયદો કશો નહિ ને નુકસાન જ થતું હોય તો તે બેવકૂફી જ છે."

મારી બહેન કાવ્યા સામે હાથ લાંબો કરીને બોલી "એ ઈ બેશરમ, વધારે બોલીશ નહિ....મારો ભાઈ ભોળો છે."

"હા, બેવકૂફને આપણે સારા શબ્દોમાં ભોળો કહીએ છીએ." કહીને કાવ્યા મોટે થી હસી.

બહારથી તેની મમ્મીનો સાદ પડ્યો "કાવ્યાઆઆઆ... અમે જઈએ છીએ, તું આવે છે કે પછી આવીશ??"

કાવ્યા જવાબ આપે તે પહેલા હું મોટે થી બહાર તરફ મોઢું કરીને બોલ્યો "એ પછી આવશે.. તમે જાવ...."

તે સાંભળીને કાવ્યા હસી, પણ બહેન તો પેટ પકડીને હસતા-હસતા સોફા પર ફસડાઈ પડી.

***

કાવ્યા બેડ પર સૂતી હતી. તેના મમ્મી-પપ્પા બેઠા હતા. જેવો હું રૂમમાં દાખલ થયો કે તે બંને ઉઠીને બહાર જતા રહ્યા. હું કાવ્યાની પાસે, તેના બેડ પર જઈને બેઠો ને તેને કપાળે હાથ મુક્યો. કૃશ, નંખાઈ ગયેલી, ફિક્કી, મારી કાવ્યા.. બ્લડ કેન્સરના છેલ્લા સ્ટેજ પર...

તેણે આંખો ખોલી, મને જોઈને હસી ઉઠી, ને હાથ ઊંચા કર્યા, હું સમજી ગયો ને ઝૂક્યો, તેણે બંને હાથે મારુ માથું પકડીને મને ઝુકાવ્યો ને મારા હોંઠ ચૂસ્યા. મારા હાથ તેના શરીર પર ફરી રહ્યા હતા. મને રડવું આવ્યું, રડી પડું તે પહેલા ઉભો થઈને બારી બહાર જોવા લાગ્યો.

તે બોલી "આજે કામ પર નથી ગયા? સવાર સવારમાં જ આવી ગયા.."

"ડોબી, આજે રવિવાર છે." કહીને મેં તેને ટેકો આપીને બેસાડી, તેણે મારા વાળ પકડ્યા ને મને વળગી પડી. હું પણ કાવ્યાને મારી અંદર ઉતારી નાખવી હોય કે જાણે મને તેની અંદર ઉતરી જવું હોય તેમ અમે એક-બીજાને ભીંસી રહ્યા હતા.

આજે તે રોજ કરતા સારી અને સ્ફૂર્તિમય લાગતી હતી, તેની આંખોમાં પણ ચમક હતી. થોડીવારે તે અળગી થઈને બોલી "મારા મનમાં તમારી ઇમ્પ્રેશન કઈ ખાસ નથી."

"એમ? તો મારી ઇમ્પ્રેશન સારી કરવા શું કરું?"

"તમે કહો છો અને હોશિયારી મારો છો કે હું જુઠા પ્રોમિસ કરતો નથી, અને કરું છું તો પાળું પણ છું....?"

"હા તે તો હું આજે પણ કહું છું અને કરું જ છું."

"તમે મને વચન આપ્યું હતું કે લગન કરીને તને મારે ઘેર લાવીશ... નહોતું કહ્યું?"

"કહ્યું'તું ને હમણાં પણ કહું છું, બસ તું સાજી થાય એટલીવાર છે..."

"સાજી? હું થઈશ? ખોટું બોલતા તમે ક્યારે શીખ્યા? હું તો જવાની છું......"

મારી લાખ કોશિશ છતાં હું મારી છલકાતી આંખને રોકી શક્યો નહિ. કાવ્યાને ગળે લગાડી દીધી, ને બોલ્યો "સોરી....પ્રોમિસ માટે....."

"મારો હીરો સોરી થાય તે મને ન ગમે.. અને તમે જિંદગીભર વચન ન પાળી શકવાની ગ્લાનિ સાથે જીવો તે તો મારાથી સહન જ ન થાય..."

મેં તેને મારાથી અલગ કરી, અને બંને હાથે તેનું મોં પકડીને, તેની આંખમાં જોઈને બોલ્યો "તો??"

"તો એજ કે મને તમારી સાથે લગન કરવા છે... આજે જ..."

હું તેની આંખમાં જ જોઈ રહ્યો, તે પણ મને જ જોઈ રહી હતી, અને આંખમાંથી આંસુના રેલા દડતાં હતા. મેં નિર્ણય લઇ લીધો... "આ મને કેમ સૂઝ્યું નહિ? વાંધો નથી, પણ આજે જ??"

"હા, આજે જ.. મારી પાસે સમય નથી."

"એવું ન બોલ પ્લીસ... પણ તારી ઈચ્છા આજે કરવાની છે, તો ભલે, આજે જ આપણે લગન કરીશું." કહીને મેં ધીરેથી તેનો નીચલો હોંઠ કરડ્યો. હું ઉભો થયો ને બહાર જઈને તેના મમ્મી-પપ્પાને રૂમમાં લાવ્યો, ને કહ્યું "સાંભળો, અમે લગન કરી રહ્યા છે, આજે જ.."

તે બંને આશ્ચર્યથી મને તાકી રહ્યા, થોડીવારે તેની મમ્મી બોલી "શું?"

"લગન... અને આજે જ."

"તમે લોકોએ આ શું ગાંડપણ માંડ્યું છે?" અને કાવ્યા સામે જોઈને મારા તરફ હાથ કરીને કહ્યું "કવિતા તું એમનું તો વિચાર."

હું વચ્ચે બોલ્યો "મારુ વિચારીને જ અમે નક્કી કર્યું છે, કાવ્યા ચાહતી નથી કે મારુ આપેલ વચન ખોટું પડે અને હું પસ્તાતો રહુ."

"પણ.." તેમને બોલતી અટકાવીને કાવ્યાના પપ્પા આડો હાથ કરીને બોલ્યા "છોકરાઓને રોક નહિ, તેમને જેમ ઠીક લાગે તેમ કરવા દે.." અને અમારી સામે જોઈને બોલ્યા "કરો લગન, અમે કરાવીશું તમારા લગન."

મેં કહ્યું "આભાર અંકલ,પણ લગન એટલે ફક્ત લગન નહિ, ફટાકડાઓ પણ ફૂટશે ને આતશબાજી પણ થશે, બેન્ડ-વાજા પણ વાગશે, શૂટિંગ પણ અને ડીનર પણ અને મહેમાનો પણ હશે, ડેકોરેશન પણ ખરું જ.. આખા ગામમાં અમારે ઢંઢેરો પીટવો છે, તમે સમજ્યા કે નહિ? અને મોડામાં મોડા રાત સુધી લગન પતી જવા જોઈએ."

તેના પપ્પા વિચારમાં પડ્યા, ને થોડીવારે બોલ્યા "ભલે અમે અમારાથી બનતું બધું જ કરી છૂટીશું.. તમે જરાય ચિંતા ન કરો. અમે ઘેર જઈએ છે, તમારા મમ્મી-પપ્પાને મળીને અમે બધી તૈયારી કરીએ છીએ, તમે ડોક્ટરને મળીને અહીંની બધી વિધિ પતાવીને કવિતાને ઘેર લાવો. અને હા, મારે ઘેર જ લાવજો."

"કેમ?"

"લગન પછી તેને અમારે ઘેરથી વિદાઈ કરીશું." કહેતા તે આંખ લૂછતાં ઝડપથી બંને નીકળી ગયા. કાવ્યાના મોં પર તેજ વધ્યું હતું, બસ એટલું જ મને જોઈતું હતું.. કાવ્યા આજે બિલકુલ સાજી લગતી હતી, બસ તેના શરીરમાં શક્તિ નહોતી. તેણે બેઠા બેઠા ફરી બે હાથ ફેલાવ્યા, હું નજીક જઈને ઝૂક્યો, તેણે મારુ માથું પકડીને છાતી સાથે થોડીવાર દબાવી રાખ્યું.

મેં ઘેર ફોન કરીને બધાને જાણ કરી, અને તેમને મહેમાનોને ફોન કરવાના અને બીજી એરેન્જમેન્ટના કામે લગાડ્યા. દોસ્તોને ફોન કર્યા અને તેમને પણ કામ સોંપ્યા.

મોડી રાત્રે અમે લગન કર્યા. કાવ્યા દુલ્હનના રૂપમાં હંમેશ જેવી જ સુંદર લાગતી હતી. વહીલચેરમાં તે ફેરા ફરી. ટૂંકા સમયમાં, પણ અમારા ઘરવાળાઓએ ખુબ બધું કર્યું હતું. પાડોશીઓ, સગાઓ ગુસ-પુસ કરતા હતા અને તેમને આ બધું નાટક અને ગાંડપણ લાગતું હતું, પણ અમને કોઈને પડી નહોતી. ટૂંકમાં ધામ-ધૂમ સાથે મારા ને કાવ્યાના લગન થયા.

વિદાઈ વખતે લાગણીઓના ઘોડાપુર ઉમટ્યા. કાવ્યા તેની મમ્મીને ગળે લાગીને ખુબ રડી, તેના પપ્પાએ મારે વાંસે હાથ ફેરવ્યો, હું કશું બોલી શકવાની સ્થિતિમાં નહોતો, અરે કોઈ જ નહોતું.. કાવ્યા મને બતાવીને તેના મમ્મી-પપ્પાને કહ્યું "આ હવે કાયદેસર તમારો જમાઈ છે, પણ તેને દીકરો જ સમજજો, તેને કશું કહેશો કે કરશો તો હું તમારાથી નહિ બોલું."

હવે મારાથી વધારે રોકાઈ શકાય એમ નહોતું, હું રડવા માંગતો નહોતો. મેં કાવ્યાના પપ્પા સાથે હાથ મિલાવ્યા. કાવ્યા બોલી "પગે લાગો ને..."

હું ઝૂક્યો પણ તેના પપ્પાએ મને પગે લાગવા દીધો નહિ, તેની મમ્મી સાથે પણ મેં હાથ મિલાવ્યો, ને અમે કાવ્યાને લઈને મારે ઘેર આવ્યા.હું તેને ઘર સુધી ઊંચકીને જ લાવ્યો હતો. મારે ઘેર પણ નીચે લાગણીભીના દ્રશ્યો સર્જાયા. છેવટે તેને ઊંચકીને હું ઉપર મારા રૂમમાં લાવ્યો.

મારા દોસ્તોએ રૂમ અને બેડ સજાવ્યો હતો, અને તાજા ફૂલોની તોરણો લટકાવી હતી. મેં કાવ્યાને બેડ પર બેસાડી. મારી બહેન પણ રૂમમાં આવી ગઈ, બંને હવે છૂટથી એકબીજાને ગળે લાગીને રડ્યા, હું બારણાં પાસે ઉભો જોઈ રહ્યો હતો. કાવ્યા બોલી "તારો ભાઈ ખરેખર મર્દ છે, વચન પાળી બતાવ્યું.. હું જાઉં પછી ફરી તેના ધામ-ધુમથી લગન કરાવજો."

"તું કશે જવાની નથી, અશુભ ના બોલ, આજે તો તમારી સુહાગરાત છે, સવારે બેશરમ મને બધું જ કહેજે." કહીને બહેન કાવ્યાના ગાલે કિસ કરીને દોડી ગઈ. મેં કાવ્યા સામે અને તેણે મારી સામે જોયું, તેણે બે હાથ ફેલાવ્યા, હું દોડીને તેને વળગી પડ્યો. તેણે મને સખત જક્ડયો હતો, મારા હોંઠ તેના હોંઠ, ગાલો પર બેફામ ફરી રહ્યા હતા.

કાવ્યાની પકડ મારી પીઠ પરથી ઢીલી થતી ગઈ.. અને તેના બંને હાથ લબડી પડ્યા....

"કાવ્યઅઆઆ...... "

હું એટલા જોરથી ચિલ્લાયો કે જો ભગવાન હોતો તો તે પણ મારા અવાજથી સફાળો જાગી ઉઠ્યો હોત અને તેને પેશાબ છૂટી જાત, બે બાપના ભડવાને...

-- સમાપ્ત.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED