હોસ્ટેલનો હોબાળો અને ડીસેક્શનમાં દાંડી
(૪)
મેડીકલ કાઉન્સેલિંગ અને ખંભે કોથળો ને દેશ મોકળો
હવે શરુ થાય છે પેલા રહસ્યમય વિડીઓની છણાવટ. . . . તો પેલા માસાના મોબાઇલમાં વિડીઓ આવ્યો. પછી તેમણે તેમની પત્નીને બતાવ્યો, હવે સીનીયર સીટીઝન પાસે કોઈક પાસે જ ટચસ્ક્રીન મોબાઇલ હોય અને એમાય ઈંટરનેટ બહુ ઓછા પાસે હોય. એટલે એમની સહોદરા પત્નીએ એમની બહેનપણીઓને દેખાડવા માંડ્યું. સ્ત્રીઓનો આ સ્વભાવ એ તો જટાધારી, ગંગાધારી, ચંદ્રધારી, પરમકૃપાળુ ભોળાનાથની અર્ધાંગિની પાર્વતીમાં પણ હતો.
***
એકવાર પાર્વતીજીએ ભગવાન શિવને કહ્યું કે, ‘મને કોઈ રસપ્રદ વાત સંભળાવો, જેથી કરીને હું કાલે અમારી બહેનપણીઓની સભા થાય ત્યારે હું કહી શકું કે જેથી મારો વટ પડે. ’ એક રાજહઠ, એક બાળહઠ અને એક સ્ત્રીહઠ પાસે કોઈનું કઈ ચાલતું નથી. ભગવાન શિવ પણ સ્ત્રીહઠ પાસે હારી ગયા અને વેદોમાંથી એક સરસ વાર્તા કહી. હવે આ વાત પાર્વતીજી એકદમ ધ્યાનથી સાંભળવા માંડ્યા જેનાથી એક પણ વાત કાલે સભામાં કહેવી ભૂલી ન જાય. હવે આ વાત અજાણતા એક ગણ સાંભળી ગયો. ગણે ઘરે જઈને એમની પત્નીને કહી. બીજા દિવસે સૌપહેલાં જઈને ગણપત્નીએ બધી બહેનપણીઓને વાત કહી દીધી. આ વખતે પાર્વતીજી સહેજ મોડા પડ્યા. ત્યાં જઈને પોતાની જ વાત બીજાના મોઢે સાંભળવી પડી. ત્યારે એમને ઘરે જઈને ભગવાન શિવનો ઉધડો લીધો.
***
આખી આ વાર્તામાંથી નીકળેલો ક્યાસ એ છે કે સ્ત્રીઓને આવી ટેવ હોય છે આમાંથી હું પણ બાકાત નથી રહી. એક્પ્રકારે આ બ્લોગ લખવા પાછળ આ સ્વભાવ પણ હોઈ શકે ખરા! હવે માસી બધાને વિડીઓ દેખાડવા માંડ્યા, એમાં મોબાઇલ ફરતો ફરતો મારી નીચે બેઠેલા બેન પાસે આવ્યો. વિડીઓ હતો રસપ્રદ કે જેનાથી સ્ત્રીઓના સત્સંગમાં ભંગાણ પડી ગયું. હવે શંકરભગવાનને શાંતિ થઇ હશે! વિડીઓમાં તો બે છોકરિયું તળાવના કાઠે ફોટો પડાવવા બેઠેલી. એક ફોટો પડતી હતી અને એક પડાવતી હતી. તો જે તળાવ પાસે બેસેલી હતી એ છોકરીને પોતાનો પાણી પાસે પડાવેલો ફોટો ફોટોશોપ કરીને ફેસબુક પર મુકવાનો વિચાર હતો. એમાં અચાનક અવાવરા પાણીમાંથી એક મગર આવી ચડયું અને એ છોકરીને પાણીમાં લઇ ગયું. અને બીજી છોકરી ચીસ પડતી હોય એવો મજાનો ભયાનક વિડીઓ બધા બહેનોએ જોયો. ત્યાં એ યાત્રાળુ સંઘમાના બીજા બહેન એમની પબ્લીસીટી જોઇને ઈર્ષ્યા આવી. એમને પાછું ફેમસ થવા માટે પોતાનો મોબાઇલ કાઢ્યો અને એમને કોઈ સાચા શેષનાગનો ફોટો બધાને દેખાડવા માંડ્યા. આમને આમ ટ્રેન પોતાનો વેગ પકડતી રહી અને બહેનોએ મૌનવ્રત તોડે રાખ્યા.
***
આ બધી વાતમાં અત્યાર સુધી ક્યાય હોસ્ટેલનો હોબાળો કે હોસ્ટેલનું નામ સુધ્ધાં આવ્યું નથી! એમાય ડીસેક્શનની વાત ક્યાંથી આવે! ડીસેક્શનની વાત આવી નથી તો એમાં દાંડીની વાત ક્યારે આવે?આ તો બધું અત્યારે મૃગજળ જેવું ભાસી રહ્યું છે, ખરેખર! હવે અમે ટ્રેનમાં બેઠા કેમ એતો જાણી લીધું કે ઘર જવા માટે પણ શેની રજા પડી અને અમે જામનગરથી નીકળ્યા?
પિકચરને હવે રીકેપ કરીએ, , , , , શરુ કરીએ જ્યારથી અમે રિક્ષામા બેઠા. દિવસ હતો પ્રથમવર્ષની ફાઈનલ થીયરી પરીક્ષાનો છેલ્લો દિવસ અને પ્રાયોગિક પરીક્ષાને હજી વાર હતી એટલે અમે નીકળી પડ્યા ઘર તરફ. . . . .
***
એકવર્ષ રીવાઇન્ડ કરીએ કે જામનગર સાથે અંજળપાણી કેવી રીતે જોડાયા?એ સમયે મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. અમદાવાદમાં ચારેબાજુ પગ મુકાય એવી કોરી જગ્યા નોતી. એમાં મેડીકલના કાઉન્સેલિંગમાટે ગુજરાતના બધા વિસ્તારોથી ખુબ મહેનત કરીને સારા માર્ક્સ મેળવ્યા હોય એવા તમામ વિધાર્થીઓ પોતાના અસલ ડોક્યુમેન્ટસ સાથે બી. જે. મેડીકલમાં ઉપસ્થિત રહ્યા હતા. મારો નંબર જનરલ કેટેગરીમાં ૩૭૪ મો હતો. જે બી. જે. મેડીકલ સિવાય ગુજરાતની તમામ સરકારી મેડીકલની કોલેજમાં લેવામાટે લાયક હતો. એ દિવસે બી. જે. મેડીકલ એ વિધાર્થીઓના ઘોડાપુરથી છલકાઈ ગઈ હતી, પરંતુ બધી જ વ્યવસ્થા હોવાથી કોઈ જાનહાની સર્જાઈ નહી. એક રૂમમાંથી બીજા રૂમમાં નંબર પ્રમાણે વાલીઓ અને વિદ્યાર્થીઓ બેઠા હતા અને જાણે સંસદનો માહોલ હોય એવી રીતે બધાના ભવિષ્ય કંડારી રહ્યા હતા. બધાના અંજળપાણી વિવિધ શહેરો સાથે જોડાઈ રહ્યા હતા. કોને ખબર હતી કે આજે અજાણ્યા લાગતા ચહેરાઓ એવા મિત્રો બની જશે કે જયારે કોર્સ પૂરો કરીને ડોક્ટર થઈને બહાર નીકળશે ત્યારે એકબીજાથી વિખેરાતા કેવી વિરહ વેદના થશે. અમુક મિત્રો તો જીવનભરના સાથીઓ થઇ જશે.
પહેલા ૩૦૦નો વારો પત્યો પછી અમારો વારો આવ્યો પસંદગી માટે. ત્યાં સુધી હોલની મોટી સ્ક્રીન પર કઈ કોલેજ ભરાઈ ગઈ છે?કેટલી સીટ બાકી છે, તે જોવા માટે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ ચિંતાતુર હતા. કોઈનું ધ્યાન સ્ક્રીન પરથી હટતું નહોતું અને જયારે બી. જે. મેડીકલ ની MBBSની છેલ્લી અમુક સીટો બાકી હતી ત્યારે એકદમ કટોકટીની સ્થિતિ હતી. ઘણા બધા વિદ્યાર્થીઓ હતા અને સીટો માત્ર ૧૦. સૌની મંજિલ એક જ હતી બેયરમજી જીજીભોય મેડીકલ કોલેજ, બી. જે. મેડીકલ. ધીરે ધીરે સીટો ઘટવા લાગી હતી હોલ માં ઉભેલા સૌ એકસાથે જાણે ૧૦ થી ઉલટી ગણતરી કરતા હોય એમ એકસાથે દસ. . . . . … નવ . . . . … આઠ . . . … સાત. . . . . … બે. . . . … અને જયારે છેલ્લી સીટ હતી સૌને એમ હતું કે પોતાને મળી જશે પરંતુ ઝીરો અને બી. જે. મેડીકલ કોલેજ પેક થઇ ગયી, , , , સાથે સાથે ઘણા બધાના આશાઓ પર પાણી ફેરવી ગયું. પછી તો કોઈ હાડમારી જેવું નહોતું. અમેય ઘરેથી જ નક્કી કરીને ગયેલા એમ છેલ્લે બી. જે.. . . નહીતો બીજે ક્યાંક! નક્કી કર્યા હોવા છતાં જયારે છેલ્લે કમ્યુટરવાળા રૂમમાં અમારો વારો આવ્યો ત્યારે દિલમાં ઉચાટ હતો, ત્યાંના ભાઈએ કહ્યું કે બી. જે. સિવાયની કોઈ બીજી કોલેજ બોલો. જયારે મેં મારા હાથે હસ્તાક્ષરથી જામનગર એમ. પી. શાહ કોલેજ લખીને સહી કરી ત્યારે તો મેં આ કોલેજ જોયેલી પણ નહિ. જેમ જુના જમાનામાં દીકરીને સાસરે વળાવવામાં આવે ત્યારે દીકરી તદ્દન અલગ દુનિયા વિષે જાણતી પણ હોતી નથી છતાં તે ત્યાં પોતાની જીંદગી કાઢી નાખે છે એમ મારા અંજળપાણી વર્ષો સુધી જામનગર સાથે જોડાશે કોને ખબર હતી!
***
મુશળધાર વરસતા વરસાદમાં ૬૦૦૦ રૂપિયા વરસની ફી ભરીને જયારે અમે બી. જે. માંથી નિકળા ત્યારે બીજે ક્યાંક નહિ પણ હવે જામનગર એ વાતથી નિશ્ચિંત થયા. હવે તો જામનગરના થઇ ગયેલા. કેતકી અને હું બંને ૧૧-૧૨ સાથે શાળામાં હતા અને ૨૮-૦૭-૨૦૧૫ ના રોજ જામનગરના નામે ભવિષ્ય લખી બેઠેલા. અઠવાડિયામાં કોલેજમાં રીપોર્ટીંગ કરવાનું હોય એટલે પહેલી વહેલી જયારે બસ તીનબત્તી, જામનગર પર ઉભી રહી ત્યારે કોને ખબર હતી કે એકવર્ષમાં તો આ નવા લાગતા શહેરના અમે ભોમિયા થઇ જવાના. કોલેજ બધું પેપરવર્ક પૂરું કરી પહેલીવહેલી હોસ્ટેલ જોઈ. આમ તો જુનું બાંધકામ પરંતુ એક ઉત્સાહ હતો, અંદરથી કૈક કરી છૂટવાની ભાવના હતી, એક ઉમંગ હતો સ્વતંત્ર જીવન જીવવાનો, જે અમને સ્વાવલંબન તરફ દોરી જવાનો હતો. ત્યારે રૂમ સિલેક્ટ કરવાનો હતો. ગ્રાઉન્ડફ્લોર પર જ હતું. ઉત્સાહ સાથે હું અને કેતકી રૂમ જોવા ગયેલા. કારણકે અંદર પુરુષોને પ્રવેશ નહિ એટલે પપ્પા અને અંકલ બંને બહાર ઉભેલા. F વિંગ ના રૂમ ૩ અને ૪ બે માંથી એક પસંદ કરવાનો હતો. મારી સાઈઝ પ્રમાણે તો ૩ માં તો હું એકલી જ રહી શકું!એટલે મેં અને કેતકીએ રૂમ નંબર F-૪ પસંદ કર્યો. જયારે પહેલીવાર આ રૂમ જોયો ત્યારે તો આંખમાં ઝળઝળિયાં આવી ગયેલા. ખુશીથી નહિ હો, કરોળિયાના જાળાથી!રૂમ તો ખંડેર જેવો લાગતો હતો, મોટો હતો એટલે પસંદ કર્યો હતો. ત્યારે પહેલો ઉત્સાહ, કૈક કરી છૂટવાની ભાવના માત્ર વિભાવના જેવી લાગી રહી હતી. ઉમંગ વિસરાઈ રહ્યો હતો. છતાં સ્વતંત્રતા સાથે સ્વાવલંબનનો વિચાર કર્યો, અને ત્યારે પંક્તિ યાદ આવી.
“ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ;
અનદીઠેલી ભોય પર, યૌવન માંડે આંખ. ”
હવે કોલેજ શરુ થવાની રાહ જોતા હતા. ૩-૪ મહિનાથી વેકેશન ભોગવતા હવે જલ્દી કોલેજ શરુ થાય તો સારું એવા કંટાળા સાથે જીવતા હતા અને દરરોજ કોલેજની વેબસાઈટ જોતા રહેતા. એમાં ૨૧ ઓગસ્ટના રોજ ઓરીએન્ટેશનનો પ્રોગ્રામનો શીડ્યુલ આવ્યો.
(ક્રમશ:)