ફિટકાર ARUN AMBER GONDHALI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ફિટકાર

ફિટકાર

પ્રકરણ -

જયારે ગામના લોકો દુર્ગા વિસર્જનનો ઉત્સવ માનવી રહ્યા હતા ત્યારે મા કાલીની સાધના કરનારા માટે નવરાત્રીના દિવસો ઉત્તમ હોય છે. સાંજે પોતાના ઘરે પૂજા કરી દેવ અને એના પિતા બીજી એક સાધના-પૂજા માટે ગામના સ્મશાનઘાટ ઉપર વ્યસ્ત હતાં. વશીકરણ અને પરકાયા પ્રવેશની સિદ્ધિ સાધના પૂર્ણ કરવાની રાત હતી. આજની રાત એમનાં વર્ષોની સાધનાની સફળતાની રાત હતી. મોડી રાત્રે પૂજા પતાવી દેવને બધું સમેટી લેવા કહી સોમદા વહેલા-વહેલા ઘરે પહોંચી જવા રવાના થયા, જેથી દેવની મા ને કોઈ શંકા જાય.

પૂજા બાદ એમના ગુરુ પણ ત્યાંથી નીકળી ગયા, પરંતુ વિદાય લેતા પહેલાં એક નવી મંત્ર સિદ્ધિ દેવને આપી અને અજમાવી જોવા કહ્યું. હવે રાત્રીના અઢી વાગી રહ્યાં હતાં અને દેવ ઘાટ ઉપરથી પૂજા સમેટી ઘરે આવી રહ્યો હતો તે સમયે એક અવાજ થયો અને ચિતા ઉપર બળી રહેલી પ્રેતની ખોપડી છૂટી પડી એના પગમાં આવી પડી અને એક વાળની લટનો મોટો ગુચ્છો ઉડીને એના પગમાં લપેટાયો. જાણે કોઈ એને આગળ વધતાં રોકવા માંગતું હોય. દેવને ખ્યાલ આવી ગયો કે બાજુની બળી રહેલા ચિતાની રૂહ એને રોકી રહી હતી. કંઈક કહેવાં માંગતી હતી. શરણ આવી મદદ માંગી રહી હતી. ભટકતી પ્રેતાત્મા કંઈક ઝંખતી હતી.

દેવ એકદમ સ્તબ્ધ થઇ ગયો. આશ્ચર્ય થયું કે બળી રહેલી ચિતા પાસે કોઈ સગા હાજર નહોતા. સામાન્ય રીતે શબ પૂર્ણ રીતે બાળી જાય ત્યાં સુધી સગાઓ ચિતા પાસે હાજર હોય જ. બીજું રાત્રે બાર પછી ઘાટ ઉપર કોઈ પણ શબ ને અગ્નિદાહ દેતાં નથી તો શબને મધ્યરાત્રી બાદ કોણે અગ્નિદાહ દીધો હશે ? કંઈક ખોટું થયું હોય વાત ચોક્કસ લાગતી હતી.

શબના વાળ અને ખોપડી એના પગમાં કેમ આવી પડ્યાં ? એમાં કોઈ સંકેત હશે ? કોઈ કારણ વગર પ્રેતાત્મા શરણ નહિ થાય ! દેવનાં મગજમાં કંઈક ચમકારો થયો. સમય હતો ગુરુએ આપેલ મંત્રને અજમાવી જોવાનો. એણે તરત ગુરુએ આપેલ મંત્રથી હાથમાં પાણી લઇ મંત્રોચ્ચારથી ખોપડી ઉપર ફેંક્યું. વશીકરણનો પાશ સફળ રહ્યો અને રૂહ ને અંકુશમાં જકડી લીધી. હવે રૂહ બેબસ હતી. તે કોઈ નુકસાન પહોંચાડી શકે તેમ નહોતી. આજની ગુરુ તરફથી મળેલ મંત્ર-સિદ્ધિ માટે એણે મનોમન ગુરુને પ્રણામ કર્યા. વાળ અને ખોપડી એક કપડામાં વીંટાળી ઘર તરફ ચાલવાં માંડ્યું.

માં દુર્ગાના વિસર્જન બાદ બધા ભેગા થઇ એક બીજાને મીઠાઈ ખવડાવે છે. ઉંમરમાં નાની વ્યક્તિઓ મોટાઓને પગે લાગી આશીર્વાદ લે છે. સુમિયામા નવરાત્રીના પંડાલમાંથી હમણાં આવ્યાં હતા અને પતિ અને પુત્રની રાહ જોઈ રહ્યા હતાં. પુત્રના આવતાની સાથે એણે સવાલ કર્યો કે એના પિતાજી ક્યાં છે ?

વાત સાંભળી દેવ વિચારમાં પડી ગયો. પિતાજી તો ઘરે આવવાં માટે ક્યારના નિકળી ગયાં હતાં તો હજુ સુધી કેમ નહિ પહોંચ્યા ? મા ને કંઈ પણ ઉત્તર આપ્યા વિના ઉતાવળે તે ઘરમાં ગયો અને એક જગ્યાએ કપડામાં લપેટેલી ખોપડી અને વાળ સંતાડી બહાર આવ્યો.

દેવ બોલ્યો - "મા તમે બેસો, હું બાપુજીને હમણાં લઇ આવું છું. કદાચ નવરાત્રીના પૂજા મંડપમાં ગપ્પા મારતાં બેઠા હશે !"

આમતેમ જોયું પણ સોમદા ગામમાં કોઈ જગ્યાએ નહોતા. સોમદાને શોધતા શોધતા સવાર થઇ ગયી, પણ કોઈ ભાળ ના મળી. ઘરે આવ્યો ત્યારે આજુબાજુના લોકો ભેગા થયેલ હતાં. કેટલાક લોકો સોમદાને શોધવા જુદી જુદી દિશામાં ગયેલ હતાં.

કલાકો બાદ બધા ભેગા થયા પણ સોમદાના કોઈ સમાચાર ના મળ્યા. સુમિયામાના આંખના આંસુ બંધથવાનું નામ નહિ લેતા હતાં. ગામના બધાના પ્રયત્નો અને દોડધામ એળે ગઈ. બધા શોધી શોધીને થાકી ગયાં. સોમદાના અચાનક ગાયબ થવાનું કારણ જડતું નહોતું.

સવારે આભા ઘરમાં ના દેખાઈ એટલે શાહુકારના ઘરે પણ આભાને શોધવાની દોડાદોડી શરુ થઇ ગયી. ડો પ્રતિપને તથા આભાના પિતાજીને ટેલિગ્રામ કરવામાં આવ્યો. ગામમાં બે વ્યક્તિઓ એક દિવસે ગાયબ થયાનું બધાને અચરજ થયું. પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ કરાઈ.

એક પછી એક દિવસો વીતતા ગયાં પરંતુ સોમદાના કોઈ સમાચાર મળ્યા કે કોઈ સવડ.

હવે સવાલ હતો કે સોમદા ઘર છોડીને ચાલી તો નહિ ગયાં હોયને ? પરંતુ છોડીને જવાનું કોઈ કારણ નહોતું. એમનો સંસાર સુખી હતો. બીજો સવાલ હતો કે સોમદાજીવતા હશે કે એમનું મૃત્યુ તો ના થયું હોયને ? આખું ગામ અચંબામાં હતું. ગામ લોકો માટે એક રહસ્ય હતું.

મોટો પ્રશ્ન હતો કે આભાને કોણ ગાયબ કરી શકે ? બિચારી તો હમણાંજ પરણીને આવી હતી. એની ક્યાં કોઈ સાથે દુશ્મની હોઈ શકે ? કદાચ કોઈને જણાવ્યા વગર જતી રહી હોઈ એવું કેમ બને ? અને સાસરેથી ચાલી જાય તો પિયરમાં જાય, પરંતુ ત્યાંપણ નહોતી. રહસ્ય ઘેરું લાગતું હતું.

આજે બે મહિના પુરા થઇ ગયાં હતાં. સતત કલ્પાંત અને એક ધારું રડવાને લીધે સુમિયામાની આંખોની રોશની ચાલી ગયી હતી. સુમિયામા ને હવે આંખે દેખાતું બંધ થઇ ગયું હતું. એકનો એક દિકરો સુરક્ષિત રહે એટલા માટે હવે ગામમાં રહેવાં તૈયાર નહોતા. કાલે ઉઠીને દિકરા ઉપર આવું સંકટ આવે તો ? એવા વિચારોથી ધ્રુજી ઉઠતાં. ગામના કોઈક વ્યક્તિનું કાવતરું હશે એવું બધાને લાગતું હતું. જે વ્યક્તિ ઉપર શંકા હતી, તે વ્યક્તિના ઘરની વહુ પણ ગાયબ થયેલ હતી. બધા અસમંજસ હતા.

દેવને માથે જવાબદારી મોટી હતી. પરંતુ એના એક મિત્રે મદદનો હાથ લંબાવ્યો અને ગુજરાતના એક શહેરમાં આવી જવા કહ્યું. અહીં સુમિયામાના આંખોની ટ્રીટમેન્ટ પણ થઇ શકે એવું હતું અને દેવ પણ કંઈક નોકરી-ધંધો કરી શકે એવું હતું.

આખરે મા સુમિયાની જીદ પુરી કરવા, જમીન અને ઘર પોતાના મામા- મામીને રખેવાળી કરવા સોંપી દીધું. જેથી સોમદા કદાચ ગામમાં આવે તો વાંધો નહિ આવે. ઘરમાંની રોકડ તથા બીજી કિંમતી વસ્તુઓ ભેગી કરી. મહિનાઓ પહેલાં ઘરમાં સંતાડેલ ખોપડીને લોટથી ભરેલ ડબ્બામાં સંતાડી બહારથી તાળું માર્યું અને દેવગુજરાત આવવાં નિકળી પડ્યો.

(ક્રમશઃ )