ફિટકાર
પ્રકરણ - ૪
આજે એની સિદ્ધિ ચકાસવાની રાત હતી. વશમાં કરેલ ખોપડીના રૂહની જાણકારી મેળવવાની હતી. સુમિયામા સુઈ ગયા બાદ, પૂજાઘરનો દરવાજો બંધ કરી દીધો. તાંત્રિક મંત્રોચ્યાર કરી એણે એક વર્તુળ બનાવ્યું અને ખોપડીના આત્માને ત્યાં આવી બેસવા માટેઆહવાન કર્યું અને બીજી જ ઘડીયે રુહનો બંધપાશ ખુલી જાય એ માટે મંત્ર થી પાણીનો છઁટકાવ કર્યો. ગોખલામાંથી મધુર અવાજ આવ્યો.
તે બંગાળીમાં બોલી – “દાદા, આમી શ્રુંગાર કોરે ની, શ્રુંગાર છાડા સામને આસ્તે પારબો ના - ("દાદા, મેં શ્રુંગાર નથી કર્યો. શ્રુંગાર વગર સામે આવી શકું એમ નથી.")
ઉચ્ચારમાં નમ્રતા હતી. આદબ હતી. તેણે વસ્ત્ર, વાળની લટો અને પગના ઝાંઝર ની માંગણી કરી. એની માંગણી વ્યાજબી હતી. પરંતુ તાત્કાલિક પુરી કરી શકાય એમ નહોતી. દેવે એની માંગણી સામે પોતાની શરતો મૂકી અને તે પ્રમાણે વર્તવા કહ્યું. જો શરતોનેઆધીન ન રહે તો ગંભીર સજા ભોગવવી પડશે એવી સૂચના આપી. એણે બધી સૂચનાઓ પાળવા માટે વચન આપ્યું. દેવ એની માંગણી જરૂર પુરી કરશે એવું આશ્વાશન આપ્યું. બંને વચ્ચે ઘણો સમય બંગાળીમાં વાતચીત ચાલી પરંતુ ખોપડીવાળી રૂહ પોતે કોણ છે તે તેનો ફોડ સમય આવ્યે જ કરશે એવી એની જીદ હતી. તે ચતુર હતી. તે દેવના વશમાં હતી. દેવ પૂજા આટોપી પૂજાઘરને તાળું મારી સુઈ ગયો.
હવે દેવના ઘણાં પ્રશ્નોના ઉત્તર મળી જાય તેમ હતું, પરંતુ સામે બીજા ઘણાં પ્રશ્નો ઉદ્ભવે એમ હતું. બીજા દિવસે દેવ નિત્યક્રમ પૂરો કરી મા ને સરકારી આંખની હોસ્પિટલમાં ચેકઅપ માટે લઇ ગયો. આંખોની નસો સુકાઈ ગયેલ છે તેથી ઓપેરશન કરવું પડશે એવું ડોક્ટરે કહ્યું અને ઓપરેશનની તારીખ નક્કી કરી.
દેવ સુમિયામાનું ઓપેરશન કરાવી એને ઘરે લઇ આવ્યો. બે ત્રણ દિવસથી દેવ મા ની સેવામાં વ્યસ્ત હતો તેથી તે પેલી ખોપડીવાળી યુવતી માટે વસ્ત્ર અને ઝાંઝર લાવવાનું ભૂલી ગયો હતો. મા ને સુઈ રહેવાનું સૂચન કરી બજારેથી દવા લઇ આવું છું એમ કહી ઘરને બહારથી તાળું મારી ઉતાવળે બહાર નીકળ્યો.
દસ-પંદર મિનિટ બાદ સુમિયામા ને ખુબજ જોરથી ખાંસી આવી. ખાંસી એકધારી આવતી હતી, સુમીયામા ને અસહ્ય વેદના થતી હતી. સુમિયામાએ આમ તેમ પાણી છે કે કેમ તે ચકાસી જોયું. પરંતુ, ઉતાવળમાં દેવ પાણીનો લોટો મુકવાનો ભૂલી ગયો હતો. તે સખત ખાંસી રહી હતી. ડોક્ટરે જોરથી ખાંસવાની ના પાડેલ હતી. જે નુકસાન દાયક હતું.
ઉતાવળે આવી એણે માટલામાંથી પાણીનો ગ્લાસ ભર્યો અને સુમિયામાને સહારો આપી બેસાડી અને હાથમા પાણીનો ગ્લાસ આપ્યો અને તે ઝડપથી નીકળી ગયી. પાણી પીધા બાદ સુમિયામા શાંત થઇ. ખાંસી બંધ થઇ. પરંતુ સુમિયામાને વિચાર આવ્યો કે દેવતો બહાર ગયેલ છે તો હાથમાં પાણીનો ગ્લાસ કોણે આપ્યો હશે ? વળી પાણી આપનાર મૌન કેમ હતું ? પાડોશી હોત તો વાત તો કરત ને ? તેઅસમંજ પરિસ્થિતિમાં હતી અને એજ સમયે દેવ ઘરમાં દાખલ થયો. થેલી દિવાલના ખીલા ઉપર લટકાવી મા પાસેબેઠો. સુમિયામાએ દેવ ને વાત કરી કે કોઈ એને પાણી પાઈને નીકળી ગયું. વાત સાંભળી દેવને પણ અચરજ થયું. ઘરને તો બહારથી તાળું માર્યું હતું, તો ઘરમાં કોઈ દાખલ કેવી રીતે થઇ શકે ? દિમાગમાં એકદમ ચમકારો થયો અને ઉઠીને એને પૂજાઘર તરફનજર દોડાવી, આજે તે ઘરમાં જ હોવાથી પૂજા ઘરને તે તાળું મારવાનું ભૂલી ગયો હતો. હવે એક જ શક્યતા હતી અને તે પેલી ખોપડીવાળી રૂહ. કદાચ એણે જ મા ને પાણી પાયું હોય. પરંતુ આ વાત મા ને કહેવી શક્ય નહોતી. પોતે પિતાજીના નકશે કદમ ઉપરજઈ રહ્યો છે એ વાત મા ને ખબર પડશે તો ગડબડ થશે એવું દેવ જાણતો હતો. સુમિયામા ને તંત્ર-મંત્ર, સાધનાઓ, કાલાજાદુ એવું ગમતું નહિ. વાતને ટૂંકમાં પતાવતા કહ્યું, ઘરનો દરવાજો ખુલ્લો જ હતો, કોઈ પાડોશી ઉતાવળમાં તમને પાણી આપી નીકળી ગયો હશે. એમ કહી વાતને આગળ વધતી બંધ કરી. મનમાં પેલી ખોપડીવાળી રૂહનો આભાર માન્યો અને પૂજાઘરને તાળું માર્યું.
દેવને બીજો વિચાર આવ્યો કે મા જોઈ નથી શકતા એટલે આજે તો બધું રહસ્ય અકબંધ રહ્યું. મા ને ઉલ્લુ બનાવી શકાયું, પણ આંખોનું બેન્ડેજ કાઢી નાખ્યાં બાદ મા જોઈ શકશે તો શું થશે ?
દેવ માટે હવે પછી સર્જાનાર પરિસ્થિતિ વિકટ હતી. મા ને ઘરમાં રાખવી અને પૂજાઘરમાં ખોપડીવાળી રૂહને રાખવાનું અશક્ય હતું. બેન્ડેજ કાઢ્યા બાદ મા બધું જોઈ શકાશે, ઘરમાં ફરી શકશે તો પછી પૂજા ઘરની ગતિવિધિથી દૂર કેવી રીતે રાખી શકાશે.
રાત્રે પૂજાના સમયે ખોપડીવાળી રૂહને વસ્ત્ર અને પગના ઝાંઝર આપ્યા, પરંતુ વાળની લટો પાછી નહિ કરી. એણે તાકીદ કરી કે પૂજાઘરની બહાર નીકળવું નહિ અને પોતાની હાજરીની જાણ પણ કોઈને કરવી નહિ. અવાજ સુદ્ધા કરવો નહિ.
સવારે વાતવાતમા ગામ જવાની વાત કરી. મામાને મળવાની વાત કરી. સુમિયામા પણ આંખના બેન્ડેજ છૂટી જાય પછી જવા રાજી થયા. હવે સુમિયામાને ઘરે પાછા ફરવાની ઈચ્છા જાગી હતી.
આજે રાત્રે બે ત્રણ વાર ઝાંઝરના અવાજથી સુમિયા મા જાગી ગયા અને દેવને પડ્યા પડ્યા જ કહ્યું – “દેવ સાંભળ, શાનો અવાજ છે ?” દેવને ખબર હતી, તેથી આમતેમ વાત કરી મા ને સુઈ જવા કહ્યું.
નિયત દિવસે ડોક્ટરે આંખના બેન્ડેજ ખોલ્યા અને ધીરે ધીરે આંખ ખોલવાની કોશિશ કરવાં કહ્યું. સુમિયામા ને હવે ઝાંખું દેખાતું હતું. ઓપેરશન સફળ થયું હતું. ડોક્ટરે હવે ફક્ત સાદો પાટો આંખ ઉપર બાંધી આપ્યો અને બીજા દિવસે ઘરે જ કાઢી નાખવા કહ્યું. દેવે મા ને ગામ લઈ જવાની વાત કરી અને ડોક્ટરે પણ થોડીક કાળજી લેવાનું કહી દવા અને ડ્રોપ્સ પ્રિસ્ક્રાઈબ કરી જવાની સંમતિ આપી.
જતી વખતે પેલી ખોપડી ઘરમાંજ રહેવા દીધી હતી. ફક્ત રૂહના વાળની લટો એણે પોતાની થેલીમાં સંતાડીને મૂકી દીધાં હતાં. રૂહને કંટ્રોલ કરવાનું એ એક સાધન હતું. તાંત્રિકનું રિમોટ કંટ્રોલ !
દેવ અને સુમિયામા સાંજની ગાડીમાં પોતાના વતન જવા નીકળી ગયા. સુમિયામા વીતી ગયેલી ઘટનાઓમાં ખોવાઈ ગયાં.
રાત્રે ઝાંઝરના અવાજથી આજુબાજુના પાડોશીઓ વિચારમાં પડી ગયા.
(ક્રમશઃ )