પૂછ્યા વિના જ
‘સુનિલ, તું ગમે તે કહે યાર, પણ મારી છાપ તો હવે ચોર તરીકેની જ !’ એણે કહ્યું.
બંને મિત્રો સવારની ચા બહાર પીને હોસ્ટેલ પાછા ફરી રહ્યા હતા. તેમના રૂમપાર્ટનરનો મોબાઈલ ચોરાયો હતો અને ચોરીનો આરોપ એના પર આવ્યો હતો. નીચું જોઈને એ ધીમા પગલે ચાલતો હતો.
‘એવું કાંઈ નથી યાર, ટેઈક ઈટ ઈઝી. રેકટરે મને પણ બોલાવીને પૂછયું હતું !’ સુનિલે કહ્યું અને ભાર દઈને ઉમેર્યુ, ‘અને આ વાત કોઈ માનતું પણ નથી !’
એ હસ્યો. વિલાયેલા એના હાસ્યમાં ભારોભાર નિરાશા હતી.
‘પણ તને રેકટરે શું કહ્યું હતું એ તો કહે !’ સુનિલે થોડીવારે પુછ્યું.
પહેલાં તો ચાલતો ચાલતો એ ઊભો રહી ગયો, પછી હાથ પહોળા કરીને નાટકના સંવાદની જેમ બોલ્યો, ‘મોબાઈલ રવિએ જ ચોર્યો છે ! કારણ કે, મોબાઈલની ચોરી થઈ તે દિવસે રવિ હોસ્ટેલમાં જ હતો, કૉલેજ નહોતો ગયો...! બે ત્રણ દિવસથી રવિ પાસે પૈસા ખૂટી ગયા હતા...!' ક્ષણવાર અટક્યો, વળી પાછો એવી જ સ્ટાઈલથી બોલ્યો, ‘હવે બીજી વખત જો કોઈ ફરિયાદ આવશે તો હોસ્ટેલમાંથી કાઢી મૂકવામાં આવશે !’ પછી સુનિલની એકદમ નજીક જઈ તેના ખભે હાથ રાખીને બહુ જ ગંભીરતાથી શબ્દો છૂટા પાડીને બોલ્યો, ‘આમાં – ‘હવે બીજી વખત’ – એ શબ્દો બહું જ અગત્યના છે, દોસ્ત !’ પતંગબાજની સ્ટાઈલથી એ સુનિલના શબ્દોને ખેંચી ખેંચીને કાપતો હતો.
'ઠીક છે, ચાલ હવે કૉલેજનું મોડું થશે !’ સુનિલે ચાલવામાં ઝડપ કરી.
'કૉલેજ આવવાની ઈચ્છા જ થતી નથી યાર, બાકી હોસ્ટેલમાં આજે મારો છેલ્લો દિવસ છે, પછી આપણે કૉલેજમાં મળીશું !' છેવટે એણે પતંગ કાપી નાંખ્યો હોય તેમ સુનિલ મોં વકાસી જોઈ રહ્યો. અને અસહાય રીતે ‘એવું કાંઈ ન વિચારાય અને હવે છ જ મહિનાની તો વાત છે !’ કહીને મનાવવાનો પ્રયત્ન કર્યો.
સુનિલ અને એ બંને એક જ દિવસે કૉલેજ અને હોસ્ટેલમાં દાખલ થયા હતા અને મિત્રો બની ગયા હતા. સુનિલ સિવાય બીજાની સાથે એને બહુ ઓછું બનતું. મૂવી જોવાનો એને ઘણો શોખ હતો. પૈસા ખૂબ વાપરતો. રજાના દિવસે તો મૂવી અને જમવાનું પણ બહાર જ. હમણાં હમણાં એ બધામાં બહુ વધારો થઈ ગયો હતો. અભ્યાસને અસર થઈ રહી હતી પણ એનીય એને જાણે કે પડી નહોતી. હવે કૉલેજનું આ ત્રીજું અને છેલ્લું વર્ષ હતું અને એમાં આ મોંકાણ થઈ !
બંને હાથ ગજવામાં નાખી રસ્તા પરના પથ્થરોને ઠેબે ચડાવતો એ ચાલી રહ્યો હતો. સવારની ચહેલ–પહેલ શરૂ થઈ ગઈ હતી, બે-ત્રણ તો હોસ્ટેલવાળા જ હતા. અચાનક એણે ગજવામાંથી મોબાઈલ અને ઈયરફોન બહાર કાઢ્યાં અને સેટ કરી સુનિલ સામે જોયું, સુનિલે આંખો કાઢી.
‘મારો જ છે, ચિંતા ન કર !’ કહીને એ ખડખડાટ હસ્યો. સુનિલ થોડો ખસિયાણો પડી ગયો.
‘નારાજ ન થા યાર, લે બસ !’ કહીને એ બધું ઑફ કરીને ગજવામાં મૂકી દીધું.
હોસ્ટેલમાં છોકરાઓ નિત્યક્રમ પતાવતા હતા અને સ્કૂલ–કૉલેજ જવાની તૈયારી કરી રહ્યા હતા. સુનિલ નહાવા ગયો, એણે પલંગમાં લંબાવ્યું. આ પલંગ, દીવાલે લટકાવેલું હેન્ગર, હેન્ગરમાં લટકાવેલી લૂંગી. ડેસ્ક, ડેસ્ક પરની બુક્સ, બુક્સ વચ્ચે પડેલાં મેગેઝીન્સ... બધાં એનાં બે-અઢી વર્ષનાં સાથી હતાં. અત્યારે એની દયા ખાતાં હોય એવું એને લાગ્યું. પણ હવે અહીં એનું મન નહોતું લાગતું.
ગઈકાલે એણે હરીશકાકાને ફોન પર બધી વાત કરી હતી. બાપા સાથે વાત થઈ હતી પણ થોડી જ ! કારણ કે બાપા તો.. એ ભલા ને એમનું ખેતીનું કામ ભલું ! ઘરની આવી બધી મેટર હરીશકાકા જ સંભાળતા. એમની બાજુના ગામડે શિક્ષકની નોકરી, અપ–ડાઉન અને સંયુક્ત કુટુંબ ! હરીશકાકાએ પહેલાં તો કહી જ દીધું હતું કે હવે છ જ મહિના બાકી છે તો થોડું એડજસ્ટ કરીને કાઢી નાખવા. પણ એને હવે હોસ્ટેલમાં રહેવું જ નહોતું એટલે એક જ વાત પકડી રાખી હતી, ‘તમે પહેલાં અહીં આવો, પછી બીજી વાત !’ હવે હરીશકાકા આવે ત્યારે બધીય અને ખાસ તો રમેશકાકાના ઘેર રહેવાની વાત કેવી રીતે કરવી તે વિચારતો આળસ મરડીને એ ઊભો થયો અને નહાવા ગયો.
રમેશકાકાને એની ભલામણ હરીશકાકાએ જ કરી હતી. હરીશકાકાને સાસરી પક્ષમાં એ દૂરના સગા થતા હતા પણ એ પહેલાંથી બંને મિત્રો હતા. કોઈ મુશ્કેલી પડે કે કોઈ કામકાજ હોય તો તરત જ એમની પાસે પહોંચી જવાનું કહ્યું હતું. મોબાઈલવાળી મોંકાણ થયા પછી એ રમેશકાકાના ઘેર ગયો ત્યારે ચોરીના આરોપથી માંડી હોસ્ટેલમાંથી કાઢી મૂકવા સુધીની બધી જ વાત કરી હતી. વાત કરતાં કરતાં એ રડી પડ્યો હતો અને હવે હોસ્ટેલમાં રહેવાનું એનુ મન નથી એ પણ વાત કરી દીધી હતી.
વિચારોમાં ને વિચારોમાં રોજ કરતાં નહાવામાંય વધારે સમય નીકળી ગયો. નાહીને ટુવાલ વગેરે સૂકવીને આવ્યો ત્યારે બધા કૉલેજ અને સ્કૂલોમાં જવા નીકળી ગયા હતા. ચહલપહલથી ધમધમતી હોસ્ટેલ અચાનક જીવ નીકળી ગયો હોય તેમ શબવત બની ગઈ હતી. હોસ્ટેલની જેમ એનામાં પણ વ્યાપેલા સૂનકારમાં હરીશકાકા જ જીવ લાવી શકે તેમ હતા એટલે હવે એ જ આશરો માની એમના આવવાની રાહ જોવાની હતી. બેગમાંથી પ્રેસ કરેલાં કપડાં કાઢ્યાં અને પહેરીને એ તૈયાર થયો. પલંગની બાજુમાં પડેલાં ચપ્પલ પગમાં નાખ્યાં, માથામાં કાંસકો ફેરવ્યો, અરીસામાં જોયું અને કાંસકો ગજવામાં મૂકીને સિટી વગાડતો લોબીમાં આવ્યો. મનમાં વિચારો ચાલતા રહ્યા અને એ રૂમમાં અને લોબીમાં ચક્કર મારતો રહ્યો॰
રમેશકાકાને જયારે એણે બધી વાત કરી હતી ત્યારે એમણે તરત જ કહી દીધું હતું, ‘એમાં ચિંતા શું કામ કરે છે, એવું હોય તો બિસ્ત્રા લઈને અહી આવી જજે ને ! જયેશને પણ થોડું ઈંગ્લીશ–ગણિત શીખવતો રહેજે !’ એમનો દીકરો જયેશ હાઈસ્કૂલમાં હતો અને દીકરી પિન્કી ફર્સ્ટ યરમાં હતી. પછી બહુ જ સહજતાથી કહ્યું હતું, ‘વાત તો હવે છ જ મહિનાની છે ને ? નીકળી જશે !’
પણ આ બધું હરીશકાકા કરે તો જ થાય ! અને હરીશકાકા આવતા દેખાયા. ઉતાવળી ચાલે લોબીના પગથિયાં ઊતરતો લગભગ દોડતો જ એ હરીશકાકાની સામે ગયો. એમના હાથમાંની સૂટકેશ લઈ લીધી અને બંને રૂમમાં આવ્યા. પલંગ નીચે પડેલી પાણીની બોટલ હરીશકાકાને આપી અને પલંગના એક ખૂણા પર એ બેઠો.
હરીશકાકાએ પાણી પીધું અને ઊભા થયા, ‘હું રેકટરને મળી આવું !’
‘અત્યારે જ !’ એનાથી બોલાઈ ગયું. અને ‘હા...તું ચિંતા ન કર.’ કહીને હરીશકાકા ગયા.
ચિંતા નહિ પણ અનિશ્ચિતતા એને અસ્વસ્થ કરી ગઈ. મોબાઈલ એણે ચોર્યો નહોતો અને આરોપ હતો. બધાંની નજરો તીરની જેમ વીંધતી રહેતી. અભ્યાસમાં વીક થતો જતો હતો અને અહીં રહેવું નહોતું. ક્યાંય સુધી એ એમ જ વિચારતો રહ્યો. હરીશકાકાએ પણ બહુ વાર લગાડી એવું લાગ્યું, છેવટે નિસાસો નાખીને એ પલંગ પરથી ઊભો થયો. બાજુમાં રાખેલાં ચપ્પલ પહેરતો હતો ત્યાં જ હરીશકાકા આવ્યા. ‘શું થયું ?’ તરત જ એનાથી પૂછાઈ ગયું. હરીશકાકાએ કહ્યું, ‘બધું પતી ગયું, તું અમથી જ ચિંતા કરે છે, ચાલ, બહાર જઈએ, તને બધું સમજાવું છું !’
‘હા, બોલ હવે તારે શું કહેવાનું છે ?’ ગેટની બહાર નીકળતાં જ હરીશકાકાએ પૂછ્યું. અને ધીરે ધીરે એણે બધી જ વાત કહી અને હરીશકાકા સાંભળતા રહ્યા. પછી થોડીવારે બોલ્યા, ‘જો રવિ, રમેશભાઈ આપણા સગા છે, મારા બહુ જ નજીકના મિત્ર પણ છે, તેમની સાથે સંબંધ પણ ઘર જેવા જ છે અને તને એમના ઘેર રાખવા તે તૈયાર પણ હોય....’
‘હા, એમણે મને કહ્યું જ છે !’ તરત એ બોલ્યો.
‘જો એમણે ભલે કહ્યું હોય પણ આપણે એવું કરવાની જરૂર શું છે ? હોસ્ટેલમાં કોઈ એવો મોટો પ્રોબ્લેમ તો છે નહીં કે તારે બહાર રહેવા જવું પડે !’ ‘તો પછી મારે હવે ભણવું જ નથી !’ એણે કહી દીધું. અને હરીશકાકા વિચારમાં પડી ગયા, કશું જ બોલ્યા વિના ચાલતા રહ્યા. રસ્તામાં બુકસ્ટોલ પરથી એમણે છાપું લીધું, એણે પણ એક ફિલ્મી મેગેઝીન લીધું.
‘બાપા શું બોલ્યા હતા ?’ થોડીવારે એણે પુછ્યું.
‘તારો ફોન આવ્યો તે દિવસે સાંજે તો એમણે ખાધુંય નહોતું, તું તો જાણે જ છે કે એ તને કશું કહેશે નહીં. વિચારવાનું તારે છે, તારી કેરીયરનું આ અગત્યનું વર્ષ છે ! અને હવે વર્ષ પણ શાનું ? ફક્ત છ જ મહિના !
‘હોસ્ટેલમાં તો મારે કોઈપણ હિસાબે રહેવું જ નથી !’ ચોખ્ખા શબ્દોમાં એણે કહી દીધું.
બપોરનું જમવાનું પતાવીને બંને પરત આવ્યા. હરીશકાકાને એણે લૂંગી આપી ચેન્જ કરીને તે પલંગમાં આડે પડખે થયા. એણે પણ શર્ટ કાઢીને હેંગરમાં ભરાવ્યું અને મેગેઝીન લઈ સુનિલના પલંગમાં બેઠો બેઠો પાનાં ફેરવવા લાગ્યો. હરીશકાકા ક્યાંય સુધી ઊંઘતા રહ્યા. એ ઊઠ્યા પછી ફ્રેશ થઈને વળી બંને બહાર નીકળ્યા. બજારમાં ચા પીધી અને ફરતાં ફરતાં સાંજ પડવા આવી ગઈ પણ હરીશકાકા મગનું નામ મરી નહોતા પાડતા. કશું ન થાય તો છેવટે આ વર્ષે ડ્રોપ લેવાનું એણે મનોમન નક્કી કરી લીધું.
‘ચાલો, રમેશભાઈ કહે છે તો એ પણ જરા જોઈએ !’ કહેતાં એના આશ્ચર્ય વચ્ચે હરીશકાકાએ ઓટોરિક્ષા રોકી. અને હવે એના મનમાં હાશકારો થયો.
‘એમ તો એક વખત તારી સાથે પિન્કીની સગાઈ માટે એમણે પૂછ્યું હતું !’ હરીશકાકાએ તો રિક્ષામાં બેસતાં જાણે કે બોમ્બ જ ફોડયો ! હરીશકાકા મજાક તો નથી કરતા ને એ જોવા એણે એમના સામું જોયું, પણ એ ગંભીર લાગતા હતા. ‘તમે પણ શું મજાક કરો છો કાકા !’ એમ તો એનાથી પૂછાઈ જ ગયું.
‘મજાક નથી કરતો ! ખરેખર વાત થઈ હતી !’ એમણે કહ્યુંઅને ઉમેર્યુ, ‘તારી ઈચ્છા હોય તો આવ્યો છુ તો એ વાત પણ કરતો જાઉં !’ પહેલાં તો એના આશ્ચર્યની અવધિ ન રહી પછી ઉછાળતા હૈયાને દબાવતાં માંડ એ એટલું જ બોલી શક્યો, ‘પણ બાપાને પૂછ્યા વિના જ ?’ અને અંદરથી એનું મન આનંદથી થનગની ઊઠયું, શરીરના રોમેરોમમાં જાણે કે વીજળીનો પ્રવાહ ફરી રહ્યો હતો ! અંદર ખુશીઓનો ધસમસતો પ્રવાહ અને બહાર કૃત્રિમ ગાંભીર્ય ! એમાં ને એમાં રમેશકાકાનું ઘર ક્યારે આવી ગયું એ પણ એને ખબર ન પડી.
બારણામાં ચપ્પલ કાઢતાં હરીશકાકાએ બૂમ પાડી, ‘એ કેમ છો, ભાભી !’ અને ઘરમાં પ્રવેશ્યા. રમાકાકી બારણા પાસે સોફા પર જ બેઠાં હતાં. પાછળ પાછળ એ પણ દાખલ થયો.
રમાકાકી બોલ્યાં ‘આવો, !’ અને ઊભાં થવા લાગ્યાં. હરીશકાકા બીજા સોફામાં બેઠા એટલે તે ઊભાં થતાં થતાં વળી પાછાં બેસી ગયાં. એ બાજુની ખુરશી ઉપર બેઠો. ‘તમારા ભાઈ તો ઘેર નથી !’ કહેતાં વળી પાછાં એ ઊભાં થયાં. રસોડાની બાજુમાં પડેલા ફ્રિજમાંથી પાણીની બોટલ કાઢી ટીપોઈ પર મૂકી. પિન્કી પણ રૂમમાંથી બહાર આવી. થોડીવાર ઊભી રહી પછી પૂછ્યું, ‘ચા બનાવું ?’
‘એમાં પૂછવાનું હોય ? ગાંડી નહીં તો !’ રમાકાકીએ પિન્કી સામે આંખો કાઢી.
અને હવે એ નવી જ દ્રષ્ટિએ આખા ઘરને જોવા માંડ્યો. હજી તો આ બધુ એને સ્વપ્ન જેવું જ લાગતું હતું ! રમેશકાકાએ અહીં રહેવા માટે તરત જ હા પાડી દીધી તેનું કારણ પણ તેણે મનોમન આ જ ગોઠવી લીધું ! વાતો થતી રહી અને ચા પણ આવી ગઈ.
‘કાંઈ કામ હતું તમારા ભાઈનું ?’ રમાકાકીએ પુછ્યું.
‘હા, આને - રવિને અહીં રહેવા માટે- ’ હરીશકાકાએ વાત અધૂરી મૂકી, અને ગજવામાંથી મોબાઈલ કાઢીને રમેશભાઈને રિંગ કરી. રિંગ ગઈ અને પૂરી થઈ પણ રિસ્પોન્સ મળ્યો નહીં, આન્સરીંગ મશીનની ટેપ વાગી.
‘રવિને તો અહીં વાંચવામાં તકલીફ પડે અને પછી ભણવાનું બગડે !’ રમાકાકી બોલ્યાં. પગરખાંમાંથી પણ કાંટો વાગે અને પગ અટકી જાય તેમ ચાનો કપ લેવા લંબાયેલો એનો હાથ ક્ષણભર અટકી ગયો ! સાંભળેલા શબ્દો પર એને વિશ્વાસ ન બેઠો.
‘એ તો થોડી તકલીફ ભોગવી લેશે !.’ કહેતાં હરીશકાકાએ મોબાઈલ ગજવામાં મૂક્યો અને ચાનો કપ લઈ મોંઢે માંડ્યો.
‘હા પણ અહીં રહેવાનો તો મેળ ન જ પડે... કારણ કે અગવડ તો પડે જ ને ! આડું જોઈને રમાકાકીએ છેવટે કહી જ દીધું. સફાળો જાગી જાય તેમ એ ચોંકી ગયો અને આકાશમાં ઊડતું એનું મન જાણે કે જમીન પર પટકાયું. રમાકાકીના એ શબ્દોમાં બારેય વહાણ એને ડૂબી જતાં લાગ્યાં !
‘રમેશભાઈએ તો કહ્યું હતું......’ હરીશકાકાનો અવાજ પણ થોડો ક્ષોભજનક થઈ ગયો !
‘એમણે કહ્યું હશે ! પણ, એ તો.....’ કહેતાં રમાકાકીએ જાણે કે નજર ચોરીને બારણા તરફ જોયું અને ડૂબતા વહાણમાં એને પણ ધક્કો મારતાં -
‘……મને પૂછ્યા વિના જ ને !’ કહીને ઊભાં થયાં.
***