હકલાતો ઇજનેરી મિત્ર Tirth Vijaygiri Goswami દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હકલાતો ઇજનેરી મિત્ર

હકલાતો ઇજનેરી મિત્ર

ભાગ ૧

મિત્ર અને પિક્ચર પ્લાન

“તિર્થને કોલ કરું છું. બ્હાર જઈએ છીએ. પછી આવીને કામ કરી લઈશ તમારું.” મમ્મીને જવાબ આપ્યો.

“આખો દિવસ તિર્થ, કોઈ દિવસ તો મને પણ મદદ કરાવી લે. બસ રખડવું છે આખો દિવસ.” મમ્મીએ બહુ જ ધીમા પણ મને સંભળાય એમ કહયું. હું ચુપ રહ્યો અને કોલ કર્યો.

‘યહી ઉંમર હૈ કરલે ગલતી સે મિસ્ટેક, યહી ઉંમર હૈ કરલે ગલતી સે મિસ્ટેક, યહી ઉંમર હૈ કરલે ગલતી સે મિસ્ટેક’. મને મનમાં થયું આણે કોલરટયુન ક્યારે મૂકી.

પણ હંમેશના જેમ એણે આજે પણ ફોન ન ઉપાડ્યો. સાયલેન્ટ પર જ હશે.

“લાય, શું કામ હતું?” મમ્મીને ખુશ કરવા કહ્યું. “પેલા તારું કામ પતાવી દઉં, પછી જ બહાર જઈશ.” મમ્મી એ સ્મિત આપ્યું, પણ એને પણ ખબર હતી કે તિર્થે ફોન નથી ઉપાડ્યો.

૧૦ મિનીટમાં એનો કોલ આવ્યો.

‘યે દોસ્તી હમ નહી તોડે’ રિંગ પર મેં કોલ રિસીવ કર્યો.

“હેલ્લો, ક્યાં છો ભા...?” મારું વાક્ય પતે એના પેલા જ ઉતાવળમાં અવાજ આવ્યો.

“અલ્યા ભ...ભાઈ, ક..ક....કેટલીવાર કહ્યું ફોન ના ઉપાડીસ. જીઓ તમારા જોડે છે. તું.. ફો..ન ક...ક...કર ચલ.” થોડોક ઉતાવળમાં અને ઝડપથી ફોન કટ કર્યો.

‘યહી ઉંમર હૈ કરલે ગલતી.....’ એણે ફોન ઉપાડ્યો..

“હા,તિર્થભાઈ ચાલો બહાર જઈએ. માતંગી સ્કૂલ આગળ બેસવા જઈએ.”

“હા, ચ..ચાલો જઈએ, મળું ૫ મિનિટમાં.”

“ભલે તિર્થ, બહાર આય.” મેં જવાબ આપ્યો અને બહાર નીકળ્યો.

***

તિર્થ, મારા સામેના ઘરમાં રહેતો મારો ચડ્ડી ભાઈબંધ. જે આગળ જઈને મારી જિંદગી બદલી દેવાનો હતો. જોકે મને નથી લાગતું કે એ હજી પણ ચડ્ડીમાંથી મોટો થયો હોય ! હજી બાળપણમાં જીવતો હોય એવું જ લાગે. થોડુંક અચકાઈ અચકાઈને બોલતો. પણ જયારે બહું ઉત્સાહિત થઈને, ટેન્શન કે દુઃખમાં બોલે એટલે બહું જ અચકાતો. અને એમનમ કોઈકવાર ઘણું બોલે તો પણ ના અચકાય. પણ મેં એને કદી પણ એવી જીજકમાં નથી જોયો કે એનામાં કંઈ બોલવાની ખોટ હોય, કે ના એના ઘરના લોકો એવું લગાડે કે તિર્થને બોલવામાં કંઈ પ્રોબ્લેમ છે. બોલવામાં પણ બોલ્યા જ કરે. પણ મને હવે આદત પડી ગયી હતી.

‘જે વસ્તુ કે કામ કરવાની મનાઈ હોય, એજ કામ કરવાની જે મજા છે, એ અલગ જ છે. ’ આ જીવન નિયમમાં માનતો. છટકેલ મગજે એવા કામો કર્યા પણ ખરા, અને મને ભાગીદાર પણ બનાવ્યો.

એને જોઇને કોઈ પહેલી નજરમાં કહી ન શકે કે ‘ આ વ્યક્તિ B. Tech. મિકેનિકલ ના છેલ્લા વરસમાં હશે. અને એ પણ નિરમા કોલેજમાં.’ જે મારા મતે સારી એન્જીનીયરીંગ કોલેજમાં સ્થાન મેળવે છે. એન્જીનીયર હોય એટલે થોડીક ઉલટી ખોપડીનો માણસ હોવાનો. અમે એને ક્યારેય પણ વાંચતા કે ભણતા જોયો નથી, જ્યાં સુધી બીજાં દિવસે exam ન હોય. પણ exam ટાઇમ પર આખી રાત વાંચતો માણસ.

અને હું એનાથી બિલકુલ વિરુદ્ધ. B.Com. કરતો વ્યક્તિ જે પેહલા જ વરસમાં રોજનું રોજ વાંચતો. અને ભવિષ્યની ચિંતા કરનારો. જેણે પેહલાં જ વરસમાં B.Com. સાથે C.S. પણ ચાલુ કરી લીધું હતું. પણ તેમ છતાંય તિર્થ મારાથી વધું હોશિયાર, સ્માર્ટ હતો. ‘મનમાં જે ટાઇમે જે આવ્યું એ કરી લેવાનું’ એમાં જ માનતો.. ક્રિકેટનો ભારે શોખીન. કોઈ દિવસ હું એની સામે જીતી શક્યો નથી. મને આજે પણ નાનપણની મસ્તી અને ઝગડાઓ યાદ આવે છે. નાનપણમાં અમારી બહું બનતી નહી. પણ ક્યારે આવા ગાઠ ભાઈબંધ બની ગયા, કંઈ ખબર જ ન પડી.

પિક્ચર (Movie) જોવાનો બહું જ શોખીન. મને નથી લાગતું ૨૦૧૪ પછીની એકપણ હિન્દી પિક્ચર એ જોવાનું ભૂલી ગયો હોય. પિક્ચરમાં પણ લવ સ્ટોરી બહું જ જોવે. ૨ States કદાચ લાખો વખત જોઈ હશે અને ચેતન ભગતની એજ book હઝારો વખત વાંચી પણ હશે.

“મમ્મી, થોડીક વાર બ્હાર જવું છું. ૮ વ..વ..વાગ્યા સુધી આવી જઇસ.” એનો અવાજ સાથે બહાર આવતો હતો.

તિર્થ, એક પાતળો અને ૫.૭ ફૂટ ઉંચો ૨૦ વરસનો નવજુવાન. ગોળ મોઠું અને હમેશા મોઠા પર થોડુંક સ્મિત હોય. લાંબા વાળ અને ડાબી બાજું બહું જ નીચે પાંથી પાડતો અને કોઈ એને નોટીસ કરે એવી રીતે માથાની પાંથીના વાળ પર હાથ ફેરવીને atitude માં ચાલતો. મુછનો દોરો ફૂટી ગયો છે અને દાઢી પણ આવા લાગી. પણ હજી પણ કેમ ૨૦ વરસ નો જુવાન હોય આવું કોઈ બોલી જ ન શકે. એ પોતાની બે કેપરીમાંજ દેખાય. આજે નેવી બ્લુ કલરની કેપરીનો વારો હતો. ટી-સર્ટ પણ ફિક્ષ જ હોય. પણ આ બધા પહેરવેશના પૈસા વસૂલ કરી દીધા હોય. લાલ રંગના લોકોનું ધ્યાન ખેંચે એવા ચપ્પલ સાથે બહાર આવતો હતો ત્યાં જ.....

“ટાઇમ પર આવી જજે. ફોન ન કરવો પડે.” થોડીક ઉંચી અવાજ માં તિર્થના પપ્પા બોલ્યા.

તિર્થના પપ્પા, વિજયકાકા વિશે કહું તો મને બહું કડક સ્વભાવના લાગતા. પણ તિર્થના મત મુજબ બહું કાળજી લેનારા, દયાળુ અને બધા જોડે ભળી જાય આવા હતા. પણ હા કડક તો હતા જ. એના અને મારા પપ્પા બંનેનું નામ એક જ અને સ્વભાવ ભી એક જેવો જ. બંને અમિતાભ બચ્ચનના બહું મોટા ફેન. તિર્થના પપ્પાએ તો બચ્ચનની કોઈ પિકચર નહી બાકી રાખી હોય જોવામાં.

તિર્થના પપ્પા વિશે એટલું નક્કી કહી શકું કે એમણે તિર્થ નામના પતંગ ને સરખી રીતે પકડી રાખ્યો હતો. અને જરૂર મુજબ જ ઢીલ આપતા હતા અને જરૂર પડે દોરી ખેંચતા પણ હતા. નહીતર એ પતંગ ક્યાંય પણ ફસાઈ ગયો હોત કે ક્યાંય પણ પેચ લગાવીને ઉડી ગયી હોત. કારણ કે તિર્થ એ સ્થિર રહે એવો પતંગ તો નતો જ. એને તો એની મરજી પ્રમાણે આકાશમાં ઉડવું જ હતું.

“જમવાના ટાઇમ પર આવી જજે.” પાછું વિજયકાકાએ વાક્ય ઉમેર્યું.

“હા, પપ્પા” ધીમા અવાજે માથું હલાવતા નીકળી પડ્યો.

***

રોજની બેઠક

“કેવું કૃ..કૃણાલભાઈ શું ચાલે ?” ચાલતા ચાલતા મારા ખભા પર હાથ મુકીને બોલ્યો.

“બસ ભાઈ ચાલ્યા કરે, જિંદગી જાય છે.”

“શું યાર કૃણાલ રોજ આવી વાતો.”

“તો ભાઈ શું બોલું યાર, તારે બોલ વેકેશન ચાલુ થઇ ગયું ને નિરમામાં. જલસા હવે”

“આપડે તો જલસા જ છે. બસ અ..અઠવાડિયાનો ઉજાગરો છે. ૧૨-૧૩ ક...ક..કલાક સુવું પડશે.” આંખો ચોળતા ચોળતા બોલ્યો.

આટલામાં વાત કરતાં કરતાં અમારી બેઠક આવી ગયી. સેક્ટરના રોડ પર આવેલી માતંગી સ્કૂલ, કદાચ ગાંધીનગરમાં બહું ફેમસ નહી હોય પણ તિર્થ ત્યાં જ ભણેલો. અમારો બાંકડો ફિક્ષ જ હોય.

“આજુબાજુ કોઈ બેસ્યુ જ નથી જોઈ શકાય એવું.” થોડાક સ્મિત સાથે બોલતા બેસી ગયો.

“બીજું બોલ એક્ષામ આપીને આવ્યા પછી કેટલા પિક્ચર જોયા?” મેં પૂછ્યું.

“હાલ્ફ ગર્લફ્રેન્ડ જ જોયું ભાઈ, પણ પ..પ..પ્રિન્ટ ઠીક હતી” એક એકટીવા લઈને જતી છોકરી સામે જોઇને કહ્યું.

એક વાત ખાસ કે તિર્થ પૈસા બચાવા માટે હંમેશા પાઈરેટેડ પ્રિન્ટ જ જોવે. ૨ દિવસમાં પિક્ચર જોવાઈ જ ગયું હોય.

“અરે કૃણાલ,ક..ક.. કરસનદાસ પે એન્ડ યુઝ જોવા જવું છે, ચલ ક..ક..કાલે જઈએ.”

“કરસનદાસ પે એન્ડ યુઝ, ગુજરાતી પિક્ચર જોવા.” મેં થોડા આશ્ચર્ય સાથે કહ્યું. પણએ પિક્ચર જોવાં જવાનું જ મારી જિંદગી બદલવાનું મને ક્યાં ખબર હતી.

“હા ભાઈ, ગુજરાતી છે એટલે પિક્ચર અ..ઓનલાઈન નહી મળે, તો ચલ જઈએ.”

“ચલો, આપડને કોઈ વાંધો નહી. ટીકીટ બુક કરાવી દેજે.”

“હાલ જ કરી દઈએ. કાલે બ..બ..બપોરની જ લઈએ, રાતે મોંઘુ પડશે.” હસતાં-હસતાં ફોનમાં મથવા લાગ્યો.

“ભલે, R-World માં કરજે. પણ સરખી સીટ લેજે. પાછળની સીટવાળી.”

“હા ભાઈ હા, હું પૈસા ગમે ત્યાં નહી નાખી દઉં. કાલે ૧૨:૩૦ નો શો છે. કેશબેક સાથે ૫૦ માં પડી.”

“Ok, કાલે પૈસા મલી જશે.” મેં કહ્યું.

“હા ભાઈ માંગ્યા થોડા છે, આપજે વ્યાજ સાથે.” સાર્કાસમ કરતાં તિર્થે કહ્યું. “પણ ભાઈ, ડસ્ટર લાવી પડશે. આપડે ગમે તેવી ગાડીમાં નહી બેસીએ.”

“ચલ ચલ ભાઈ, પપ્પા નહી આપે. તારી અલ્ટો લઇ લઈશું” મેં પણ મજાકમાં કહ્યું.

“તો તો લા પિ..પિ..પિક્ચર પત્યા પછી જ પહોચીશું.” એણે કહ્યું.

થોડીક વાર બંનેએ વાતો કરી અને પછી ઘરે આવવા નીકળ્યા.

“કાલે ડસ્ટર પીક-અપ કરવા આવી જવી જોઈએ.” મને આંગળી બતાવતા કહ્યું.

“ભાઈ શાંતિથી હજી ટીકીટના પૈસા લેવાના છેને. ચલ Bye.”

“લોકોને મજાક કરતાં આવડી ગયી છે. ચલ કાલે મળીયે. Bye” એણે ઘરનો ગેટ ખોલતા કહ્યું.

“મમ્મી, ખાવામાં શું છે? ભૂખ લાગી યાર.” ધીમો થતો એનો અવાજ સંભળાયો.

કાલનો પિક્ચર દિવસ એક એવી વ્યક્તિ જોડે મારો ભેટો કરાવવાનો હતો. કે જેના પરિણામ સ્વરૂપ તે પિક્ચર દિવસ, મને કદાચ ભવે-ભવ યાદ રહેશે.

તો પિક્ચર દિવસની વાત આવતાં ભાગ-૨માં.

☺☺☺☺