તર્પણ... Kishor vyas દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તર્પણ...

તર્પણ

કિશોર વ્યાસ

એમને પગે લાગી ને બસમાં બેસી ગયા પછી, મેં તેમની સામે જોયું. એ મારી સીટ સાથેની બારીની નજીક ઊભા હતાં. મારી ઈચ્છા હતી કે,એ મને કંઈક કહે. એમના ચહેરા પરથી લાગી રહ્યું હતું કે, એમને ઘણું બધું કહેવું હતું.મારી અત્યાર સુધીની એ આદત રહી છે કે,તેમણે ન કહેલું, તેમની સામે, તેમની આંખોમાં જોવાથી સમજી જતો, પણ આજે કંઈક પ્રસંગ જુદો છે. મેં ફરી તેમની સામે જોયું. એમના ચશ્માના કાચ જોકે જાડા હતાં પણ આરપાર દ્રષ્ટી પરોવીને તેમની આંખના ભાવ વાંચી લેવાની આદત હતી.મેં તેમની સામે જોયું કે,તેમણે નજર ફેરવી લીધી, આદત મુજબ ઝભાની બાંય નીચેનું ઘડિયાળ જોવા તેમને બીજા હાથથી બાંય ઊંચી કરી, પણ એ કેટલી વાર? સમય જોઈ લીધો હતો. એમના માટે અત્યારની ક્ષણો-મિનિટો અસહ્ય હોવાનું હું લાચાર બનીને અનુભવી રહ્યો. કંઈક બોલતા હોય તો? કેટલું ભર્યું હશે દિલમાં?

મને એમ હતું બસ ઉપડતા પહેલા, એ મને જરૂર ભલામણના બે શબ્દો કહેશે. કંડકટર ના ઘંટડી વગાડવા સાથે બસ તો એક આંચકા સાથે ઊપડી. હું ઉભો થઇ ગયો, ફરી દૂરથી બે હાથ જોડ્યા, મને એમ લાગ્યું કે તેમની આંખોના ખૂણા ભીના હતાં.

૧૯૬૮-૬૯ના વર્ષની વાત છે.હું મેટ્રિક પાસ કરીને બસ માર્ગે ત્રણેક કલાક દૂર આવેલા એક શહેરમાં આગળ અભ્યાસ માટે જતો હતો, એ મને સ્ટેશન પર મૂકવા આવ્યા હતાં. અશ્રુભીની આંખો વાળો ચહેરો છૂપાવી તેમણે હાથ ઊંચો કરી, મને, મારી બસને વિદાય આપી! એમજને ?

બસતો આગળ વધતી રહી, પણ મને મારા ઘરના ચોકસ સમયખંડ માં ધકેલતી રહી. મને ખબર હતી, હું ઘરથી દૂર જઈ રહ્યો છું. મને વિચાર આવ્યો, મારા વગરનું ઘર એમને કેવું લાગશે? ક્ષણેક પછી એ પણ વિચાર ઝબકયો કે, આવતી કાલે સવારે, “”ભાઈ, હવે ઉઠો, આટલા વાગી ગયા છે,” કહીને મને હવે કોણ જગાડશે? મને લાગ્યું કે, મારી આંખો પણ ભીની થઇ ગઈ છે. થાયજ કારણકે,

“મોટા બાપુજીની દીકરીના મુંબઈમાં લગ્ન હતાં. મારી માને ભાભુએ એક મહિના પહેલા બોલાવી લીધી હતી. બંને મોટાભાઈઓ તો મુંબઈ હતાજ. ઘરમાં પહેલો પ્રસંગ હતો અને અમારે ચારેય ભાઈઓએ જનોઈ ધારણ કરવાની હતી.સૌથી નાનો હું હતો, મુંબઈ પહેલી વાર જવાનું હતું,ત્યાં મોટી બહેનના લગ્ન હતાં, અને મારે જનોઈ પહેરવાની હતી! પહેલી વાર મુંબઈ જવાનો અને જનોઈ ધારણ કરવાના બન્ને પ્રસંગનો અદભૂત રોમાંચ હતો! પણ મારી પરીક્ષા હોવાથી હું અને એ ઘરમાં એકલા હતાં. નાનો હતો, એમનાથી ડર પણ લાગતો હતો .પણ તેમણે માં ના મુંબઈ ગયા પછી મારા પર ગુસ્સો નહોતો કર્યો. એ ગુસ્સો ના કરે તો વ્હાલ કરે છે એમ સમજી લેવાનું રહેતું. મારા માટે સવારના ચા-દૂધ, બપોરે અને રાતનું અમારું બંનેનું જમવાનું એ જાતેજ બનાવતા. ગમતું, ન ગમતું અમે આંખોથી વાત કરી લેતા! એ દિવસોમાંજ તેમનાથી ડરવાનું મારું ઓછું થઇ ગયું હોય એવું મેં નોંધ્યું હતું, એ કદાચ છેલ્લે? હા, છેલ્લે સુધી રહ્યું. એમની આમન્યા જળવાઈ રહી હતી.

બસ, એક મોટા સ્ટેશન પર ઊભી રહી. હજુ તો અર્ધો કલાકજ થયો છે. એ પહોંચી ગયા હશે ઘરે અને માં એ એમને મારા વિશે કેટલાય સવાલો પૂછ્યા હશે. મને એ બંનેના સંબધોની પણ ખબર છે, પરસ્પર વાતો ઓછી પણ સમજતા રહે એક બીજાને. અંધારું ઉતર્યું છે, તેમણે ઓસરી બહાર ઓટલા પર જાજમ પાથરી હશે, અને મૌન રહીને માં ના સવાલોના જવાબ દેતા હશે. વળી માં સમજી પણ જાય ! એમની વાત સમજવા કે સાંભળવા માં ક્યારેય ઊબરો ન ઓળંગે. એ બધાં કામ છોડીને ઉંબરાની અંદર બારણાને અઢેલીને ઓસરીની અંદર બેસી, તેમના ચહેરાને જોયા કરશે અને પોતાના સવાલોના જવાબ શોધી લેશે,એ ચહેરાને જોતા જોતાજ. અદભૂત સંબંધ હતો. માં ને વિગતે વાત કરવાની ટેવ અને એ મોટા ભાગે મૌન રહીને જ વાત કરે! એમનું મૌન બોલકું હતું.

ફરી,એન્જીનની ઘરેરાટી સાથે બસ ઊપડી.સ્ટેશન છોડતા એક વળાંક આવ્યો અને બાજુમાં બેઠેલો પેસેન્જર મારા તરફ ઢળી પડ્યો. મેં આંખની ભીનાશ લૂછવા રૂમાલ કાઢ્યો કે તેણે કહ્યું; અરે, બાબાભાઈ , તમે? શું થયું? ક્યાં જાઓ છો? હું ચોંકી ગયો. એ હતાં શંભુભાઈ માસ્તર. ઘેર આવતા ત્યારે પણ મને “બાબાભાઈ ” કહીને જ બોલાવતા. મેં એમને કોલેજ જોઈન કરવાની અને હોસ્ટેલમાં રહેવા જવા સુધીની વાત કરી ત્યાં સુધીમાં તેમનું સ્ટેશન આવી ગયું. એ ઉતરી ગયા અને મને ફરી જોઈતું એકાંત મળ્યું. જોકે, કોલેજ જીવનના ભયસ્થાનો અંગે સાવચેત કરતા જવાનું એ ચુક્યા નહી. મને થયું “એમને” પણ આવું કંઈક કહેવું હશે?

ઘર અને ગામ છોડ્યે હવે બે કલાક થઇ ગયા હતાં. મિત્રો ક્રિકેટ રમીને ઘર ભણી વળ્યા હશે. અમારી “સાઈ” ગાય પણ ખીલે બંધાઈ ગઈ હશે. એમણે ગાયના શરીર પર હંમેશાની માફક હાથ ફેરવ્યો હશે. માં એ ખીચડીનું આંધણ મૂકી દીધું હશે. ખીચડી રંધાઈ જશે પછી આદત મુજબ માં મારી રાહ જોશે, પછી એમને પૂછશે હજૂ ભાઈ આવ્યો નહી? એ પણ ભૂલી જશે અને ઝભા ની બાય ઊંચી કરી કાંડા ઘડિયાળ માં સમય જોઇને માને કહેશે ,” હવે આવવોજ જોઈએ...”

“હવે તો પહોંચી ગયો હશે, એમ ગણગણતા ખીંટી પર ટાંગેલી ટોપી તેમણે પહેરી. એ ટોપી પહેરી લે પછી તેમને રોકી ન શકાય.. અમે કહેતા “હવે ભા તૈયાર થઇ ગયા,” હવે કોઈની રાહ નહી જુએ ! માં એ તેમને પૂછ્યું પણ ખરું કે હવે અત્યારે ક્યાં જાઓ છો? એ જાણે પોતાની અંદર ઊતરી ગયા હતાં, માં નો સવાલ સાંભળ્યો કે નહી, તેની ખબર ન પડી. આમ પણ માં એ પૂછ્યું હોય પણ તેને જવાબની અપેક્ષા ન હોય ! હોતી હશે તો પણ હંમેશાની માફક કળવા ન દીધું, કદાચ સમજી પણ ગઈ હોય.”

હું મેટ્રીકની પરીક્ષા આપવા ગયો ત્યારે આવું નહોતું અનુભવ્યું. આજે આટલી લાગણીશીલતા, આટલી ભાવુકતા, આટલો વિરહ, આટલું દુ:ખ અને મુસાફરી દરમ્યાન સતત ભીની રહેલી આંખોએ મને એક જુદાજ “ટ્રાન્સ સ્ટેજ “ માં મૂકી દીધો હતો, ઘર અને ગામ આટલું યાદ આવશે તેની મને કલ્પના પણ નહોતી. એટલી હદ સુધી કે એક તબક્કે એમ પણ થયું: વળતી બસ પકડીને પાછો વળી જાઉં ! તો, પછી એમણે મારામાટે સેવેલા સપનાઓનું શું?

“ એ સ્વપ્ન તો હું મેટ્રીકની પરીક્ષા આપવા જિલ્લા મથકે આવેલાં કેન્દ્રમાં ગયો ત્યારેજ ડોકાવા લાગ્યું હતું. એમના મન નું કંઈ કળી ન શકાતું, પણ.… પરીક્ષા આપવા જતો હતો ત્યારે, હું બસમાં બેસું તે પહેલાં તેમણે એક પેકેટ આપ્યું હતું. એતો પછીથી મેં ખોલીને જોયું તો અંદર દસ પોસ્ટકાર્ડ હતાં અને દરેક પર પોતાનું સરનામું લખેલું હતું. ક્યારેય બોલ્યા નહોતા પણ, હું સમજી ગયો. રોજ પરીક્ષાનું પેપર લખીને મારે તેમને પત્ર લખવાનો રહેશે! તેમના જવાબની અપેક્ષા રાખ્યા વગર. હા, પરીક્ષા પૂરી થયાના દિવશે મારા આશ્ચર્ય વચ્ચે તેમનો પત્ર મળ્યો....જેમાં મેટ્રિક પછી શું ? એ વિચારી લેવાની ભલામણ કરી હતી ! જોકે તેમણે વિચારી લીધું હતું પણ નિર્ણય નહોતો કર્યો .”

એમની ભાષા, વાતની લાગણી સાથે રજૂઆત, લેખન શૈલી મને ગમતાં. એટલા માટે નહી કે એ શિક્ષક હતાં, પણ મેં એમને સાહિત્ય વાંચતા જોયા હતાં. એમનું વાંચેલું મેં પણ વાંચ્યું હતું.પત્રમાં એ સુંદર રીતે લાગણી વ્યક્ત કરતા.

મારો આખરી પડાવ પણ આવી ગયો. બસ આરામથી મોટા બસ સ્ટેશનનો ખૂણો પકડીને ઊભી રહી ગઈ. બધા ઉતારુઓ ધીરેધીરે ઉતરવા લાગ્યા. હું, પણ એ સારસ્વત ભૂમિ પર ઉતર્યો, જોયું તો મારો રૂમ પાર્ટનર મને લેવા આવ્યો હતો. હું તેની પાછળ સાઇકલ પર ગોઠવાયો.

અચાનક મેં તેને સાઇકલ રોકવા કહ્યું. ઉતરીને હું શહેરને શોભા વધારતા નદી અને દરિયાના સંગમ સ્થળ પર, બાંધેલી પાળ પાસે જઈને ઊભો રહ્યો. અચાનક ઝબકારો થયો.....

“ એ ચોક્ક્સ બજારમાં ગયા હશે, અને ભાઈની ઊંચા ઓટલા વાળી દુકાને જઈ બેઠા હશે. વેલુભા દાદાએ તેમજ ભાઈએ પૂછ્યું પણ હશે કે ભાઈ ગયો? એ બહુ કંઈ બોલ્યા નહી હોય, પણ ટેલિફોન સામે એક આશા ભરી નજર નાખી હશે, પછી ફરી ઝભાની બાય થોડી ઊંચી કરી ઘડિયાળમાં સમય જોયો હશે અને વિચાર્યું હશે, હવેતો પહોંચીજ ગયો હોવો જોઈએ અને ફરી ભાઈની ટેબલ પર પડેલા ટેલિફોન તરફ નજર કરીને, ચાર ખૂણા ધરાવતી બજાર તરફ નજર ફેરવી લીધી હશે.”

“ નજીકના પબ્લિક કોલ સેન્ટર પર જઈ, મેં ભાઈની દુકાનનો નબર ડાયલ કર્યો, લાં...બી રીંગ વાગી. ફોન ભાઈએ જ ઉપાડ્યો, મારો અવાજ સાંભળી તેમણે કહ્યું: હા, ક્યારના આવીને બેઠા છે. ફોન ચાલુ રાખજે , આપુછું. ભાઈ એમને હમેશા “માસ્તર” કહેતા.તેમણે એમને એજ રીતે બોલાવ્યા એ મેં સાંભળ્યું.હમણા ફોન પર આવશે. શું વાત કરવી એ તો મેં વિચાર્યું પણ નહોતું. એજ અવાજ, હા, એજ એમનો અવાજ ! સીધુજ પૂછ્યું: બરાબર પહોંચી ગયો બેટા ? મારી આંખોમાં આંસુ ધસી આવ્યાં, ગળું રૂંધાયું.. જેમતેમ કરીને જવાબ આપ્યો : “હા”. થોડી ક્ષણો બન્ને છેડે મૌન છવાયેલું રહ્યું. થોડા સ્વસ્થ થઈને, મેં તેમને કહ્યું: તબિયતની સંભાળ રાખજો. એમના જવાબમાં જે “હા” હતી એ એટલી તો આદ્ર હતી કે, એમના દેવ થયા પછી પણ આજે પણ એ ‘હા’ મારા કાનમાં પડઘાયા કરેછે. હવે ડાયલ કરું તો કયા નબર પર કરું ?

એ વાતને વર્ષો વીતી ગયાં છે. બંને સંતાનો અને પત્ની કહે છે : તમે પણ હવે ભા જેવા જ થઇ ગયા છો! તેમની એ સરખામણી મને કેટલું સુખ આપતી હશે, તેની તેમને ક્યાં ખબર છે ?