ઢળતી સંધ્યાએ ભાગ : 3 Rupesh Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઢળતી સંધ્યાએ ભાગ : 3

ઢળતી સંધ્યાએભાગ : 3

રૂપેશ ગોકાણી

“છોરો તો સારો લાયગો, ધંધો ય બહુ સારો લાગે મને તો, પણ આમ દિકરીને દૂર શહેરમાં દેતા મારો જીવ હાલતો નથ, ઇનુ શું?” મામાએ રાજેશના પપ્પાને કીધુ. “વેવાઇ, જોવ મને સારૂ લાગુ હોય તો જ હું તમને ઠેકાણું ચીંધુ, બાકી જેવાતેવામાં તો મારોય જીવ ન હાલે કે માલતીને આંખ બંધ કરીને જેવાતેવામાં થોડો નાખી દેવાનો છું.” રાજેશભાઇએ સાંત્વના આપતા કહ્યુ. “ઠીક છે હું તમને વિચાર જણાવુ છું ઘેર પોંચીને.” કહેતા માલતીના મામા ત્યાંથી ગામ જવા નીકળી ગયા.

***

“માંગણાવારી તારામાં બુધ્ધી નામની ચીજ છે જ નહી, મરી ગઇ આજે તારી ખેર નથ, તુ જો તારો કેવો હાલ કરું છું.” મામી બકવાસ કરતી કરતી માલતીને ઢોર માર મારતી હતી ત્યાં તેના મામાએ ખડકીમાં પગ દીધો. “અરે એય, તું માણહ છે કે શું? આમ બીચારીને મારતા તારો જીવ કપાતો નથી? જા દિકરી તુ અંદર જા.” મામાએ બન્ને વચ્ચે પડીને માલતીને મામીના ત્રાસમાંથી છોડાવી. “શું છે આ બધુ? તને કાંઇ ખબર પડે છે કે નહી? આમ આપણે ઢોરાને ય ના મારીએ ને તુ બિચારી માલતીને મારવા માયંડી? ઘર છે એને ઘરની જેમ રેવા દે. સમજી?” ગુસ્સાથી લાલઘુમ થયેલા મામા મામી ઉપર બરાડી પડ્યા.

“મને ના સંભરાવો આ તમારી કથા, તમારે કાંઇ વ્હાણ નથ હાલતા તે તમારી દુલારી મનફાવે એમ ઘરમાં રે ને દુધ ઘી ની નદીયુ રેલાવે. સમજાવી દેજો તમારી એ લાડલીને કે ઘરમાં કામ કરવુ હોય તો માણહની જેમ કરે બાકી મારા હાથનો મેથીપાક આમ જ મળહે ઇ કાચા કાંડાની અભાગણીને.”

માલતીના મામા માલતી માટે ખાવાનુ લઇને ગયા ત્યાં બીચારી માલતી ગાયની ગમાણમાં બેઠી ડુંસકા લેતી તેને સંભળાઇ, “મા બાપુ, આ દિ જોવા કરતા તો મને જનમતાની હાયરે મારી નાયખી હોત તો કાંઇ ન’તુ. રોજે રોજ હું એક મોત મરું છું અને અધુરામાં તમને ખાઇ જવામાં પણ બધા મને જ વગોવે છે. ઘણીવાર એમ થાય છે કે આપઘાત કરી લઉ, એકવાર મરવા સુધી પોંચી ય ગય તી પણ ભગવાનને ય હજી મને દખી કરવી લાગે છે. એમ હતુ કે લગન થાહે તો આયથી છુટીશ પણ મારા નસીબમાં તો ઇ ય નથ કે લગન કરીને આઇથી છુટુ. હવે તો મામા જેવો કારો, કુબરો છોરો ગોતી આવહે એની હારે ચાર ફેરા ફરી આઇથી વયુ જવુ છે કાં હવે કુવો પુરવો છે મા, હવે ઝીરવાતુ નથ મા, હવે નથ ઝીરવાતુ.......” બોલતા માલતી નીચુ જોઇને ધૃસકે ધૃસકે રડી પડી. આ જોઇ તેના મામનુ હ્રદય પણ દ્રવી ઉઠ્યુ ને તેણે માલતીના લગન શેરમાં વસતા સુભાષ સાથે ગોઠવી નાખવાનુ નક્કી કરી લીધુ.

જોતજોતામાં લગ્નનો દિવસ આવી ગયો, આખરે માલતીને આજે તેની મામીના ત્રાંસમાંથી છુટકારો મળવા જઇ રહ્યો હતો, આજે પણ તે મનોમન મુંઝાઇ રહી હતી કે ક્યાંક પેલા જે બનાવ બન્યો હતો એવુ કાંઇ અમંગળ ન થાય તે માટે તે મનોમન ભગવાનને પ્રાર્થના કરી રહી હતી. લગ્ન બાદ વિદાયની વેળા આવી ગઇ. મામાનું ઘર માલતીને મન તો પોતાનુ જ ઘર હતુ આથી તે વિદાયની વસમી વેળા ઝીરવી ન શકી અને ચોધાર આંસુએ તે મામાને ભેટીને રડી પડી. પરંતુ દિકરી તો સાસરે જ શોભે તે મુજબ ભારે હૈયે તેના મામાએ માલતીને સુભાષ સાથે વળાવી. માલતી પોતાના બાવીસ વર્ષમાં પહેલી વખત મોટરકારમાં બેઠી હતી. મોટરના બધા જ કાંચ બંધ હતા છતા માલતીને ઠંડી મહેસુસ થતી હતી તો માલતી એ જ અચંભામાં હતી કે આ ઠંડી હવા ક્યાંથી આવી રહી છે, માટે વારે વારે તે ઉંચી થઇને આગળ નજર કરી રહી હતી પણ તેને કાંઇ સમજાતુ જ ન હતુ. થોડીથોડી વારે તે ત્રાંસી નજરે સુભાષ સામે પણ જોઇ લેતી હતી અને બન્નેની નજર મળી જતી ત્યારે મંદ મુસ્કાન વેરી દેતી હતી.

બે કલાકમાં માલતી પોતાના સાસરે આવી ગઇ. ચોખાના કળશને વેરતી તેણે કુમકુમના પગલે પોતાના પ્રથમ ડગ સસુરાલમાં માંડ્યા. મકાન ખાસ્સુ એવુ મોટુ હતુ. લગ્નને કારણે ઘરને ખુબ સારી શણગાર્યુ હતુ. માલતીએ આવતાવેંત જ સાસુ અને સસરાને પગે લાગી. ત્યાર બાદ લગ્ન બાદની એક પછી એક રશ્મો થવા લાગી. માલતીના શુભ હાથે તેના સાસુએ લાપસીના રાંધણ મુકાવ્યા. આખરે એ ઘડી આવી જ ગઇ, માલતી અને સુભાષ આજે લગ્ન બાદ પ્રથમ વખત મળી રહ્યા હતા. ઘુંઘટની આડમાં માલતી ફુલોની સજાવેલી સેજ પર બેઠી પોતાના પ્રીતમની રાહ તાકી રહી હતી. તેની નજર બંધ બારણા તરફ જ હતી કે ક્યારે તેના પ્રિતમ આવે અને તેના ઘુંઘટ ઉઠાવી તેને નિહાળે. રાત્રી વિતી રહી હતી, બારનો કાંટો વટી ચુક્યો હતો છતા સુભાષનું આગમન થયુ ન હતુ. માલતીને પણ હવે ચિંતા થવા લાગી હતી કે કાંઇ અમંગળ ન વર્તાય તો સારૂ. મનોમન સજાવેલા સપ્નાને એકબાજુએ પડતા મુકી તે ભગવાનને પ્રાર્થના કરવા લાગી.

અચાનક જ રૂમનો દરવાજો ખુલ્યો. માલતીએ જોયુ કે સુભાષ આવી રહ્યા હતા. આડી પડેલી માલતી પોતાને સંભાળતી વ્યવસ્થિત બેસી ગઇ.

“માલતી, એ માલતી..... વેલકમ ટુ માય હોમ. આઇ એમ સો હેપ્પી ટુડે.” લથડીયા ખાતો સુભાષ બેડની નજીક આવી રહ્યો હતો. માલતી તેને જોતા થોડુ તો સમજી જ ગઇ હતી કે તેણે મદીરાપાન કરેલુ છે અને તે કાંઇ સમજી શકવા સમર્થ નથી. માલતી ઉભી થતી સુભાષને સંભાળવા લાગી અને તેને ટેકો આપતી તેને સુવડાવી દીધો અને પોતે પણ સુભાષની બાજુમાં ઊંઘી ગઇ.

વહેલી સવારે પરોઢે પાંચ વાગ્યે માલતી ઉઠી ગઇ. આમ પણ તેને પોતાના ઘરે પાંચ વાગ્યે ઉઠવાની ટેવ હતી માટે તે ઉઠી અને તૈયાર થઇ રસોડામાં પહોંચી ગઇ. તેણે જોયુ કે હજુ તો તેના ઘરમાં કોઇ ઉઠ્યુ ન હતુ જ્યારે તેના ઘરે તો મામા મામી બધા ઉઠી જતા અને ક્યારેક જો પોતાને ઉઠવામાં મોડુ થતુ તો મામીની ડાંટ ફટકાર સાંભળવી પડતી. માલતીએ રસોડામાં જઇ જોયુ તો ગેસનો ચુલો હતો, ગઇ કાલે તો તેના સાસુએ બધુ તૈયાર રાખ્યુ હતુ પણ આજે તો કોઇ ન હતુ જે તેને ગેસ ચાલુ કરી દ્યે. આથી તે મુર્તિમંત બની રસોડામાં ઉભી રહી, તેણે જોયુ કે ઘણાબધા વાસણો સાફ કર્યા વિનાના પડ્યા હતા, આથી તે બીજુ પડૅતુ મુકી વાસણ સાફ કરવા લાગી ગઇ.

થોડી જ વારમાં તેના સાસુ મંજુબેન અવાજ સંભળાતા જ રસોડામાં આવી ગયા. માલતીને આમ ખોળૉ વાળીને કામ કરતી જોઇ પહેલા તો રાજી થયા પછી દોડીને અંદર આવી ગયા અને માલતીને વાસણ માંઝતા અટકાવી ઉભી કરી. તેને જોઇને માલતીએ માથે ઓઢી લીધુ અને સાસુમાને પગે લાગી. “બેટા, આટલુ વહેલુ ઉઠવાની કોઇ જરૂર નથી, આ શહેર છે અને આપણા ઘરમાં વાસણ માંઝવાવાળી બાઇ આવે છે માટે આ ગંદા વાસણ તારે સાફ કરવાની કાંઇ જરૂર નથી. તુ તારે રૂમમાં જા અને આરામ કર.”

“મા, મને તો આમ જ વેલુ ઉઠવાની ટેવ છે, તમે મને એક ચુલો લાવી દેજો. હું બધુ ચુલા પર તમને બનાવી દઇશ, આ નવા જમાનાનો ચુલો તો મને સળગાવતાય ના આવડે મા.” “દિકરા આ શહેર છે. અહી ચુલો ન હોય. તુ ચિંતા ન કર. હું તને બધુ શીખવી આપીશ પણ હજુ આજે તારા લગ્નનો પહેલો જ દિવસ છે. આ મહેંદેનો રંગ હજુ ઉતર્યો પણ નથી અને તુ આમ કામ કરે તો ક્યાંથી ચાલે?” “મા આ બધુ કામ કરવાની મને ટેવ જ છે, તમ તમારે ચિંતા ન કરો.” બોલતી માલતી ફરી કામે વળગી ગઇ. માલતીના સાસુ મંજુબેન તેને જોઇને મનોમન રાજી તો થયા પરંતુ તેની આંખમાં એક અલગ જ પ્રકારની વેદના પણ આવી. તે કાંઇ બોલ્યા વિના ચા બનાવવા વળગી ગયા. “જા દિકરા, લે આ ચા-નાસ્તો, સુભાષ માટે લઇ જા અને તેને હવે જગાડી દે. બન્ને ત્યાર બાદ દર્શન કરી આવજો અને ફરી પણ આવજો.” “હા માજી.” હકારમાં માથુ ધુણાવતી માલતી ચા-નાસ્તો લઇ પોતાના રૂમ તરફ ચાલી નીકળી.

ઉપર જઇ માલતીએ હળવેથી ચા-ંસાતો બાજુએ મુકી સુભાષને ઉઠાડવા લાગી, પણ ગઇકાલનો નશો હજુ ઉતર્યો ન હોઇ તે બકવાટ કરે જઇ રહ્યો હતો. થોડીવાર બાદ સુભાષ જાગ્યો તો તેણે જોયુ માલતી સામે ચા-નાસ્તો લઇને ઉભી હતી. સુભાષને જોતા જ માલતી તેની સામે મલકી પરંતુ વળતો ઉતર વાળવાને બદલે તે ફ્રેશ થવા બાથરૂમમાં જતો રહ્યો. બીચાળી ભોળી માલતી તો એમ જ સમજતી હતી કે બન્ને વચ્ચે કોઇપણૅ પ્રકારની ઓળખ ન હોવાથી તે આ રીતે પોતાની સાથે વ્યવહાર કરી રહ્યા છે.ફ્રેશ થઇને સુભાષ આવ્યો ત્યાં સુધીમાં માલતીએ પથારી અને આખો રૂમ સાફ કરી નાખ્યો. સુભાષ આવ્યો ત્યારે માલતી અહી તહી પડેલી વસ્તુઓ વ્ય્વસ્થિત ગોઠવી રહી હતી. “હે ભગવાન, આ મમ્મી પપ્પાએ ક્યાં આ કામવાળી બાઇ મારા ગળે બાંધી દીધી?” માલતીને કામ કરતી જોઇને તે મનોમન ચિડાયો. “આ ચા છે? આટલી ઠંડી ચા? માલતી મને ગરમાગરમ ચા પીવાની આદત છે, આ વાતને જેટલી બને તેટલી જલ્દી સમજી લેજે. જા હવે બીજી ચા બનાવ મારા માટે.” ચા ના પહેલા ઘુંટૅને પીતા જ સુભાષ બરાડી ઉઠ્યો. “જી, આ ઘડી લઇ આવુ છું ચા તમારા સાટુ.” માલતીની અણઘડ બોલીમાં જવાબ આપ્યો. “આવી બોલી તો અહી કામવાળી બાઇ પણૅ નથી બોલતી. આ શહેર છે સમજી, જરા તારા વેશ અને આ બોલી એ બધુ વ્યવસ્થિત કર, નહી તો કોઇ આવશે એ તને કામવાળીથી પણ ગઇગુજરી ગણશે. આજથી જ અમારી જેમ સુસંસ્કૃત બોલવાની ટેવ પાડવાની છે તારે” “હા, જી. તમ કે’શો ઇમ જ થાહે.” કહેતી તે ઝડપથી નીચે જતી રહી. “ઇમ......થાહે......કે’શો..... ઓહ માય ગોડ, આ કરતા તો કુંવારો સારો હતો હું. આ ક્યાં પપ્પાએ ગામડાની અભણ મને બટકાવી દીધી?” માલતીની બોલીના ચાળા ઉલાળતો તે ન્યુઝપેપર વાંચવા લાગી ગયો.

નીચે આવી માલતીએ જોયુ કે તેના સાસુ તો કિચનમાં હતા નહી, વળી તે મુંજાઇ ગઇ. કઇ રીતે ગેસ ચાલુ કરવો? બંધ કરવો તેની તેને કાંઇ સમજ આવતી જ ન હતી.એકવાર તો તેણે લાઇટર ઉલ્ટુ પકડીને દબાવ્યુ તે તણખો તેની આંગળીમાં આવતા તે ચમકી ગઇ. પહેલા જ દિવસે આવુ થશે તેની તેને બિલકુલ ખબર જ ન હતી. “માલતી...... આટલી વાર લાગે ચા બનતા? હવે રહેવા દે ચા. એ તારાથી નહી જ બને. હું બહાર ચા-નાસ્તો કરી લઇશ.” બોલતો સુભાષ તૈયાર થઇ દુકાન જવા નીચે આવ્યો. “ઇ સાંભરો ને, મને આ ચુલો પેટાવતા નઇ આવડતો તી વાર લાયગી. માજી આવે એટલે હમણા જ ચા લઇને આવુ જ છું. તમ તમારે જરીકવાર બેહો ત્યાં હું આ આયવી. માજીએ કહ્યુ છે આપણે દેવદર્શનમાં જાવાનું.” “જસ્ટ સ્ટોપ યોર નોન-સેન્સ. દેવદર્શન અને તારી સાથે? તારી આવી ભાષા સાંભળીને બધા મારી જ મજાક ઉડાવે કે આવી કામવાળી બાઇને તુ તારી પત્ની બનાવી લાવ્યો? જો માલતી આ શહેર છે અને અહીની રીતભાંત તુ જેટલી ઝડપથી શીખી લે એટલુ તારા માટે સારૂ રહેશે, એ વાતને મનમાં ગાંઠ વાળીને રાખી દેજે. બાકી આ રીતે તારી બોલી અને વર્તન હોય ત્યાં સુધી તો દેવદર્શન તો શું ટને હું ક્યાંય બહાર લઇ જવાનો નથી.” માલતીને પ્રેમથી સમજાવવાને બદલે તેને ધુત્કારતો ખીજાતો સુભાષ દુકાન જવા નીકળી ગયો. બીચાળી ભોળી માલતી તો તેને આવજો કેવા ગેઇટ સુધી પાછળ આવી ત્યાં સુધીમાં તો સુભાષ તેનુ બાઇક લઇ નીકળી ચુક્યો હતો. તે બસ હાથને હલાવતી સુભાષને આવજો કે’તી રહી.

વધુ આવતા અંકે.........