ઢળતી સંધ્યાએ ભાગ : 6 Rupesh Gokani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઢળતી સંધ્યાએ ભાગ : 6

ઢળતી સંધ્યાએભાગ : 6

રૂપેશ ગોકાણી

“આવતીકાલે હું કોલકાતા જવા નીકળું છું. બીઝનેશના કામ માટે.” સુભાષભાઇએ માલતીબેનના રૂમનો દરવાજો ખોલી બહાર ઉભા ઉભા જ કહી દીધુ.

“એકલા જ જવાના કે???” સુભાષભાઇ માલતીબેનના કહેવાના અર્થને પામી ગયા. “હાસ્તો, એકલો જ જવાનો છું, મારી કોઇ એવી ઇચ્છા નથી કે રોજે રોજ તારો આ ચહેરો જોઇ મારા દિવસને ખરાબ કરું.” બોલતા સુભાષભાઇ દરવાજો પછાડતા ત્યાંથી નીકળી ગયા. બીજે દિવસે સવારથી રાહી જીત સુભાષભાઇ બધા દોડધામમાં હતા, માલતીબેન તો તેની દિનચર્યા મુજબ જ કામ કરી રહ્યા હતા. બધી મમતા અને સબંધોથી તે આજે નિર્લેપ રહેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. સાંજે સુભાષભાઇ પાંચેક વાગ્યે નીકળી ગયા, જતી વખતે પણ માલતીબેન તેમને દરવાજા સુધી વળાવવા આવ્યા પણ બધુ વ્યર્થ. એકવાર પણ સુભાષભાઇએ તેની સાથે વાત ન કરી કે ન માલતીબેનની વાતને સાંભળી. જીત અને રાહીને બધી ધંધાની સલાહો આપતા તેઓ નીકળી ગયા.

સુભાષભાઇ તો કોલકાતા જતા રહ્યા અને ત્યાર બાદ થોડા દિવસ તો બધુ વ્યવસ્થિત ચાલ્યુ પણ થોડા દિવસો બાદ શો રૂમમાં ખેંચ પડવાથી રાહી નિયમિત પણે જીત સાથે તેને સાથ આપવા જવા લાગી.

જીત અને રાહી બન્ને સવારે પોતાનો નાસ્તો પતાવી નીકળી જતા અને રાત્રે મોડા આવતા. આખો દિવસ માલતીબેન એકલા રહેવા લાગ્યા. ક્યારેક મન હલકુ કરવા વૃષ્ટી સાથે વાત કરી લેતા બાકી સુભાષભાઇનો તો ફોન આવતો છતા તેઓ ક્યારેય માલતીના હાલચાલ પણ ન પુછતા, જીત અને રાહી સાથે જરૂરી વાતચીત કરી ફોન કટ કરી દેતા. એક વર્ષ બાદ સુભાષભાઇના પાર્ટનરે પૈસાની તંગીના કારણે પાર્ટનરશીપ વીથડ્રો કરતા સુભાષભાઇના શીરે બધી જવાબદારી આવી પડી અને કામનુ ભારણ પણ વધી ગયુ. સુભાષભાઇ કોઇપણ ભોગે ફેક્ટરી પોતાના હાથમાંથી જવા દેવા ઇચ્છતા ન હતા આથી તેણે જીતને અને રાહીને કોલકાતા આવી જવા કહ્યુ.

પહેલા તો જીતે ના પાડી કારણકે શો રૂમની જવાબદારી કોઇના ભરોસે છોડી શકાય એમ ન હતી પણ સુભાષભાઇને દૂરનો ફાયદો દેખાતો હતો અને એ બધુ જીતને સમજાતા તેણે પણ હા કહી દીધી અને એક અઠવાડીયામાં જ જીત અને રાહી બન્ને કોલકાતા જવા નીકળી ગયા. આ ઉંમરે જ્યારે પોતાના જીવનસાથી અને પુત્ર તથા પુત્રવધુઓની ખાસ જરૂર હોય, એવી ઢળતી સંધ્યાએ માલતીબેન મોટા મહેલમાં એકલા રહી ગયા.

“મા, તારે મને એક વખત તો વાત કરવી હતી. આટલુ બધુ બની ગયુ પણ ન તો તમે કાંઇ કહ્યુ કે ન પપ્પાએ. ભાઇ તો પહેલેથી જ ઉધ્ધત હતો અને ભાભીના આવવાથી તેને વધુ પ્રોત્સાહન મળ્યુ, પણ તમારે મને એક વાર તો વાત કરવી હતી. હું નેક્ષ્ટ ફ્લાઇટથી આવું છું તમારી પાસે.” વૃષ્ટી આ બધુ જાણીને સમસમી ઉઠી. “બેટા, મારી ચિંતા ન કર. એ બધા હતા છતા હું એકલી જ હતી અને અત્યારે પણ એકલી છું તો એમા શું થયુ? આમ પણ જે થયુ એ સારૂ થયુ. તારા પપ્પાને તો હું આ ઘરમાં આવી ત્યારથી ગમતી ન હતી તો સારૂ થયુ કે હવે તેમને મારો ચહેરો જોવો નહી પડે.” બોલતા બોલતા માલતીબેનનો અવાજ ભારે થઇ ગયો. “તુ જરાય ચિંતા ન કર, મને પહેલેથી જ એકલવાયુ જીવન જીવવાની ટેવ છે અને હવે આમેય કેટલુક જીવવાનુ બાકી હશે, ભગવાનની કૃપાથી જીવન નીકળી જશે અને તુ અહી આવશે તો જમાઇજીને તકલિફ થશે અને મારા કારણે કોઇને તકલીફ થાય એ મને નહી ગમે બેટા.” પોતાના આંસુ પોંછતા માલતીબેને પોતાની વાત પુરી કરી.

“મા તુ તારા જમાઇની બીલકુલ ચિંતા ન કર. એ બધુ સમજે છે. તેને જરા પણ તકલીફ નહી થાય.” પોતાનો અડગ નિર્ણય વૃષ્ટીએ જણાવી દેતા ફોન કટ કરી નાખ્યો.

બે જ દિવસમાં વૃષ્ટી મુંબઇથી સુરત શહેર આવી પહોંચી પોતાની જનેતા પાસે. ઘણા સમય બાદ મા દિકરી મળી રહ્યા હતા અને પોતાની માતાની આટલી ખરાબ પરિસ્થિતિ વિષે સાંભળી બન્ને મા દિકરીથી રહેવાયુ નહી. બન્ને એકબીજાને ભેટી રડી પડી. વૃષ્ટીએ પણ માલતીબેનને રડતા અટકાવ્યા નહી, આટલા વર્ષ સુધી એકાંતમાં ભીતર સંઘરેલા દુઃખને આંસુ રૂપે વહી જવા દીધુ.

બન્ને મા દિકરીએ બહુ બધી વાતો કરી. વૃષ્ટીએ બસ તેની માતાની વાતો સાંભળે રાખી અને માલતીબેન બસ પોતાના મનની બધી વાતો કહેતા રહ્યા.

“ચલ આજે મારા હાથે રસોઇ બનાવી તને જમાડુ.” કહેતા માલતીબેન સાડીના પલ્લુને કમરે ખોંસી રસોડા તરફ ચાલતા થયા. આમ તો રસોઇ કરવાવાળા મહારાજ હતા પણ આજે માલતીબેને તેને પણ ફોન કરીને ના કહી દીધી અને વૃષ્ટીને મનપસંદ વસ્તુઓ બનાવવા લાગ્યા. “ચાલ બેટા, જમવાનુ તૈયાર છે.” માલતીબેને વૃષ્ટીને બોલાવી. વૃષ્ટીએ આવીને જોયુ તો પોતાની મનપસંદ બધી વાનગી માલતીબેને બનાવી હતી. આટલુ બધુ કામ કરવાની માલતીબેનને આદત ન હતી એ વૃષ્ટી જાણતી હતી પણ તેણે માર્ક કર્યુ કે માલતીબેનના ચહેરા પર જરા પણ થાક વર્તાતો ન હતો. ઉલ્ટાનુ તે આજે તરોતાજા દેખાઇ રહ્યા હતા.

બન્ને મા દિકરીએ એક જ થાળીમાં બપોરનું જમણ લીધુ. વૃષ્ટી નાની હતી ત્યારે જેમ માલતીબેન સાથે એક થાળીમાં જમતી તે જ રીતે આજે બન્ને સાથે જમી. આજે ઘરના બીજા નોકરોને પણ માલતીબેને રજા આપી દીધી હતી એટલે જમ્યા બાદ પણ વાસણ માંઝવા અને બીજી સાફ સફાઇ પણ ખુદ માલતીબેને કરી. બધુ કામ કર્યા બાદ માલતીબેન જેવા આડા પડ્યા કે તેને ઘસઘસાટ ઊંઘ આવી ગઇ. વૃષ્ટીએ જોયુ કે દરરોજ ઊંઘની ગોળી લેનાર પોતાની મા આજે કુદરતી રીતે આરામથી ઊંઘે છે.

“અરે વૃષ્ટી, સાંજના પાંચ વાગી ગયા મને જગાડી કેમ નહી? દરરોજ કેટલી મથુ છું પણ ઊંઘ આવતી નથી, આજે અચાનક કેમ ઊંઘ આવી ગઇ એ કાંઇ સમજાયુ નહી.” માલતીબેનની ઊંઘ ખુલતા તે બોલતા ઊભા થયા. “અરે મા, આજે તને આ રીતે મીઠી ઊંઘ માણતી જોઇ તમને ઉઠાડવાનુ મન જ ન થયુ. ચલ નીચે આવ, આજે મારા હાથની કોફી તને પીવડાવુ.” કહેતા વૃષ્ટી માલતીબેનનો હાથ ઝાલી તેમને નીચે લઇ ગઇ. નીચે પહોંચી હોલમાં રહેલુ મોટુ એલ.સી.ડી ટીવી ચાલુ કરી, ભક્તિ ચેનલ પર ચાલતી શ્રીમદ ભાગવત કથા શરૂ કરી દીધી અને માલતીબેનને ત્યાં બેસાડી પોતે કોફી બનાવવા જતી રહી. “મે છેલ્લે ક્યારે ટી.વી. જોયુ એ મને પણ ખબર નથી.” મનમાં બોલતા માલતીબેન કથા જોવામાં મગ્ન બની ગયા.

“કોફી તૈયાર છે.” વૃષ્ટી કોફીના બે મગ લાવી તેની બાજુમાં બેસી ગઇ. “મા એક વાત કહુ?”

“હા બેટા, બોલ ને?”

“જો મા, ખોટુ ન લગાડજે પણ મારુ તો એવુ જ માનવુ છે કે જે માણસ આપણી દરકાર ન કરે તેની પાછળ દુઃખી થઇ આપણા આ મહામૂલ્ય જીવનને વેડફી નાખવુ એ કાંઇ સમજદારીની વાત નથી.” “હું સમજી નહી તુ શું કહેવા માંગે છે.” “સમજતી નથી કે સમજવા માંગતી નથી, મા.....” “જો મા, સાફ સાફ કહું તો પપ્પા ભાઇ કે ભાભીને તારા માટે જરા પણ સમય નથી. એ બધા અહીથી ગયા ત્યાર બાદ તને એક વાર પણ ફોન આવ્યો કે તું અહી એકલી શું કરે છે? તને અહી એકલુ ગમે છે કે નહી? તારી તબીયત વિષે પણ કોઇએ એકવાર પણ તને ફોન કરીને પુછ્યુ? અહી આવવુ તો દૂર કોઇ તને ફોન પણ કરતુ નથી એ બાબતે તે ક્યારેય વિચાર્યુ છે?”

વૃષ્ટીની બધી વાત સાંભળી માલતીબેન નીચે જોઇ ગયા. “મા, હું આવી વાત કરી તને દુઃખી કરવા માંગતી નથી પણ તારા જીવનની ઢળતી સંધ્યાને ખુશીના સોનેરી કિરણોથી સજાવવાની વાત કરું છું.” “હું સમજી નહી, બેટા.”

“જો મા, હું તારી સાથે અહી આજીવન તો રહેવાની નથી. મારા ગયા પછી ફરીથી તુ એકલવાયી બનીને સતત ટેન્શનમાં તારુ જીવન વીતાવીશ અને આ ઝેર સમાન ઊંઘની ગોળીઓ ખાઇને તારા શરીરને બગાડવાની જ છે તો એનાથી સારૂ તો એ રહેશે કે તુ અહી રહીને તને મનગમતી પ્રવૃતીઓ કરીને ખુશ રહી શકે છે. એ લોકો ત્યાં પોતપોતાના જીવનમાં વ્યસ્ત રહે છે તો તુ શું કામ અહી તેમની ચિંતા કરીને તારા જીવનને ધુળ કરે છે???” “તારી વાત તો સાચી છે દિકરી પણ તને તો ખ્બર છે કે મારુ બાળપણ અને લગ્ન થયા ત્યાં સુધી હું નાનકડા ગામડામાં ઉછરી છું અને અહી આવ્યા બાદ પણ તારા દાદા દાદીએ મને શહેરની રીતભાત શીખવી. તારા પપ્પા તો મને ક્યારેય શહેર જોવા પણ લઇ ગયા નથી એટલે જ આટલા વર્ષો થયા મે પુરુ સુરત શહેર જોયુ જ નથી તો મને તો એ સમજમાં નહી આવતુ કે કરું તો હું શું કરું???” “મા એવુ નથી કે તુ બહાર જઇને જ કાંઇ પ્રવૃતી કરે, અહી ઘરમાં રહીને પણ તુ તને મનગમતી પ્રવૃતી કરી શકે, જેમ કે ઘરમાં નોકરોને બદલે તુ બધુ કામ કરે, તને આવડે તો ભરતકામ અને ગુંથણકામ જેવી પ્રવૃતી કરે, નવરાશની પળોમાં ટી.વી. જુવે. અરે, ટી.વી. માં તને ગમે તેવા ઘણા કાર્યક્રમો આવે છે. તે જોઇને તું તારો સમય પસાર કરી શકે, તેનાથી મનને પણ સુકુન મળે અને નવીન વાતો જાણવા પણ મળે.” “તારી વાત તો સાચી છે બેટા. મે આટલા વર્ષો માત્ર બરબાદ જ કર્યા છે એવુ મને લાગે છે. તારી વાતને હું ગાંઠ બાંધીને રાખીશ. કહેવાય છે કે એક મા તેની દિકરીને જીવનમાં ઉપયોગી વાતો શીખવીને સાસરે વળાવે છે પણ આજે એક દિકરી તેની મા ને બધુ શીખવે છે. બહુ હોશીયાર છે મારી દિકરી.” બોલતા માલતીબેને વૃષ્ટીને ચુમી લીધી. બે દિવસ બાદ વૃષ્ટી તો સાસરે જતી રહી ત્યાર બાદ માલતીબેને પોતાનુ જીવન પોતાને ગમે એ રીતે જીવવાનુ શરૂ કરી દીધુ. તમામ નોકરો અને મહારાજજીને રજા આપી દીધી. વહેલી સવારે ઉઠી ઘરનું તમામ કામ પોતાની જાતે જ કરે, પુજાપાઠ કરે અને ત્યાર બાદ ગુજરાતી ચેનલ પર સમાચાર જુવે, ત્યાર બાદ બપોરના ભોજનની તૈયારી કરે, પોતે તો જમે અને ઘરે આવનાર સાધુ સંતો અને ગરીબોને પણ જમાડે. આટલુ કામ કરીને બપોરે એટલી મસ્ત ઊંઘ આવી જાય કે સાંજે છ ક્યારે વાગી જાય તેની ખબર પણ ન રહે. સાંજે ભક્તિ ચેનલ શરૂ હોય અને માલતીબેન કથા સાંભળતા રાત્રીના જમણની તૈયારી કરે. જમ્યા બાદ ટીવી ધારાવાહીક જોઇ નિંદ્રાધીન થઇ જાય.

માલતીબેનના જીવનમાં તો અનેરો બદલાવ આવી ગયો. ધીમે ધીમે ઘરના બગીચામાં તેણે ફળ ફુલ અને શાકભાજી ઉગાડવાનુ શરૂ કરી દીધુ. આમપણ મામાને ઘરે ગામડે તેને આ બધી બાબતોનું જ્ઞાન તો હતુ જ, તેનો ઉપયોગ કરીને કોઇપણ જાતના હાઇબ્રીડ ખાતરના વપરાશ વિના તે ફળો અને શાકભાજી ઉગાડે અને પોતે તો તેનો ઉપયોગ કરે, આજુબાજુ વાળાને પણ શાકભાજી અને ફળો આપે. ઘરે ઉગતા ફુલોને ઘરના મંદીરમાં ઉપયોગ કરે અને બાકીના ફુલ હવેલી મંદીરે પહોચાડે. માત્ર ફળ ફુલ અને શાકભાજી જ નહી, દુધ પણ ચોખ્ખુ અને તાજુ મળી રહે એ માટે તેણે બે ગીર ગાય પણ ખરીદી લીધી. ગાયોનું બધુ કામ પણ તે જાતે જ કરે. આજુબાજુ રહેતા તેની ઉંમરની મહીલાઓ સાથે દેવ દર્શન કરવા પણ હવે જવા લાગ્યા.

માલતીબેનનું જીવન તો જાણે એકદમ બદલી જ ગયુ. સુભાષભાઇ, જીત અને રાહી પોતાની દુનિયામાં મસ્ત રહેતા અને દર મહીને માલતીબેનને જોઇએ એટલા પૈસા વગર પુછે તેને મોકલાવી દેતા. એ બધા પોતાના જીવનમાં મસ્ત રહેવા લાગ્યા અને માલતીબેન અહી સુરતમાં એકલા રહીને પોતાના જીવનની ઢળતી સંધ્યાને ખુશીઓના સોનેરી કિરણોથી સજાવી મસ્ત બની જીવન જીવવા લાગ્યા.

......સમાપ્ત.....

Written by Rupesh Gokani.

Mo. No. 80000 21640

મિત્રો અહી “ઢળતી સંધ્યાએ” વાર્તા પુરી થાય છે. ઘણી બધી ભૂલો રહી ગઇ છે પણ આપ લોકોએ મોટુ મન રાખી મારી વાર્તાને સરાહી એ બદલ હું આપનો આભારી છું. આપ લોકોને મારી વાર્તા કેવી લાગી તેના પ્રતિભાવ આપ મને ઉપર જણાવેલા મારા વ્હોટ્સ અપ નંબર પર આપી શકો છો. આપના પ્રતિભાવોની રાહ જોઇશ...... નવી વાર્તા લઇને આપ સમક્ષ હું જલ્દી આવીશ ત્યાં સુધી આપ સૌને મારા જય દ્વારીકાધીશ......