Part 1 Sarjnatmak Vyaktiyo Matenu Time Management Mark Macginess દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Part 1 Sarjnatmak Vyaktiyo Matenu Time Management

સર્જનાત્મક વ્યક્તિઓ માટેનું

ટાઈમ મેનેજમેન્ટ

ભાગ - ૧

-ઃ મૂળ લેખ :-

ભૌતિકતાનું વ્યવસ્થાપન કરો અને અભૂતપૂર્વ સર્જન કરો

-ઃ લેખક :-

માર્ક મેક્ગીનેસ

-ઃ અનુવાદક :-

સિદ્ધાર્થ છાયા



COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમ

૧.સર્જનાત્મક થવા માટે આયોજન જરૂરી

૨.મહત્વનાં કામને પ્રાથમિકતા આપો

૩.સર્જનાત્મક સમયને બાંધતા શીખો

૪.સિસિફસ ઈફેક્ટને ટાળો

૧. સર્જનાત્મક થવા માટે આયોજન જરૂરી

“તમારી જિંદગીમાં સદાય નિયમિત અને ક્રમબદ્ધ રહો જેથી તમે તમારાં કાર્યમાં ઉગ્ર અને મૌલિક રહો.”

- ગુસ્તાવ ફલોબર્ટ

તો? તમે કાયમ તમારો દિવસ અત્યંત ઉત્સાહભેર શરૂ કરો છો. તમે તમારા નવાં સર્જનાત્મક કાર્ય માટે ખુબ ઉત્તેજિત છો અને તમારે તમારા વિચારોને કાર્યમાં લગાડવાની ખુબ ઉતાવળ પણ છે. તમે તમારૂં કમ્પ્યુટર ચાલુ કરો છો અને તમારા ઈનબોક્સમાં પેલા જુના અને જાણીતા ઈ-મેઈલ્સની ધારાઓ વહેવા માંડે છે, જેમાં તમે ગઈકાલે જે મેઈલ્સ પર ધ્યાન નહોતું આપ્યું અને જેનો જવાબ નહોતો આપ્યો એ પણ તેમાં શામેલ છે. આ ઈ-મેઈલના લીસ્ટને તમે ધ્યાનથી જુવો છો અને તમારૂં હ્ય્દય બે ધબકારા ચુકી જાય છે, કારણકે તેમાંથી બે ઈ-મેઈલ્સ તો એવા છે જેનો જવાબ ગઈકાલેજ આપવો અત્યંત જરૂરી હતો. તમે ‘રીપ્લાય’ પર ક્લિક કરો છો અને એ મેઈલ્સનો જવાબ આપવાનું શરૂ કરી દો છો... ૨૦ મિનીટ પછી તમને ખ્યાલ આવે છે કે તમે ઈ-મેઈલના વિસ્તારમાં એકદમ ભરાઈ પડયા છો અને તમે તમારાં મિત્રો દ્વારા મોકલાયેલી કેટલીક રસપ્રદ લિંક્સમાં ખોવાઈ ગયા છો અને તમે એવા મેઈલ્સના જવાબો આપવા માંડયા છો જે તમારી અગ્રતા નથી. તમે તમારા ઈ-મેઈલની વિન્ડો મીનીમાઈઝ કરીને તમારા પેલા પ્રોજેક્ટ પર પાછાં વળો છો....

૧૫ મિનીટ બાદ તમને મજા પડવા માંડે છે, કારણકે તમે તમારા સર્જનના ઝરણામાં આપોઆપ વહેવા લાગ્યા છો, અને ત્યારેજ તમારા ફોનની રીંગ વાગે છે. કોઈકને તમારી પાસેથી કશીક મદદ જોઈએ છીએ. ગયા અઠવાડિયાની પેલી મીટીંગ બાબતે તેને કોઈ જરૂરી માહિતી જોઈએ છીએ. તમે તમારા ટેબલ પર આમતેમ પડેલા કાગળિયાંઓમાં ઘુસી જાવ છો અને પેલી મીટીંગમાં ટપકાવેલી નોટ્‌સ શોધવા લાગો છો. તમને તે મળતી નથી. અચાનક તમે એક ફોલ્ડર ઊંંચું કરો છો અને ફરીથી તમારૂં હ્ય્દય બે ધબકારા ચુકી જાય છે કારણકે, તમારી સામે એક એવો લેટર છે જેનો તમારે તાત્કાલિક જવાબ આપવાનો હતો અને આ લેટર કેટલાય દિવસો અગાઉ આવીને પડયો હતો. “ભાઈ, તારે જરા રાહ જોવી પડશે, જયારે મને એ નોટ્‌સ મળશે ત્યારે હું તને સામેથી ફોન કરીશ, ઓકે?” આટલું કહીને તમે પેલા વ્યક્તિનો ફોન મુકીને પેલો લેટર ઉપાડો છો. આ કાર્ય તાત્કાલિક પતાવવાનું હતું, પરંતુ તમને યાદ આવે છે કે તમે કેમ આ કાર્ય ટાળ્યું હતું, કારણકે આ કામ કરવા માટે તમારે કેટલાય ફોન કોલ્સ કરવાનાં હતાં અને તમારે કેટલીય ફાઈલોમાંથી ડોક્યુમેન્ટ્‌સ શોધવાના હતાં જેની તમને ખુદને જાણ નહોતી કે એ બધા ડોક્યુમેન્ટ્‌સ તમારી પાસે ખરેખર છે કે નહીં? પણ હવે તમારી પાસે માત્ર અડધો કલાક છે, કારણકે ત્યારબાદ તો તમારી પહેલી મીટીંગ શરૂ થવાની છે અને તમે વળી પેલા વ્યક્તિને કોલ કરવાનું વચન પણ આપ્યું છે. તમારી પરિસ્થિતિ હવે એવી થઈ ગઈ છે કે તમારે દરેક સેકન્ડે કોઈનેકોઈ કાર્ય કરવાનું જ છે. તમારાં ઈનબોક્સમાં એક પછી એક નવાં ઈ-મેઈલ્સ આવતાંજ જાય છે અને તમે અત્યારેજ એ તમામ મેઈલ્સનાં જવાબ આપી શકો એવું જરાય શક્ય નથી. તમારો ઉત્સાહ નિરાશાની ઊંંડી ગર્તામાં કુદકો મારી દે છે, અને હજી દિવસતો પૂરો શરૂ પણ નથી થયો. સર્જનાત્મક કાર્ય માત્ર સ્વપ્નુ બનીને રહી જાય છે.

***

તમને આ તમારીજ વાર્તા હોય એવું નથી લાગતું? તમારા ખુદની અંદર રહેલા એક સોફ્ટવેરની ડીઝાઈન બદલી ગઈ છે અને આ બધું તમારી સાથે સેંકડોવાર થઈ ચુક્યું છે. એક આદર્શ દુનિયામાં આપણે કોઈ સર્જનાત્મક કાર્ય પાછળ આપણી તમામ ઉર્જા લગાવી દેવી જોઈએ, પરંતુ નવા જમાનાની વાસ્તવિકતાઓએ આપણી સામે કાવત્રું કર્યું હોય એવું લાગે છે. અને ઘણાં સંજોગોમાં આ બધું હજીપણ વધુ ખરાબ થઈ જવા તરફ આગળ ધપી રહ્યું છે. આધુનિક તકનીકની સહુથી સુંદર બાબત છે સંદેશા વ્યવહાર અને માહિતીના આદાનપ્રદાનની સુવિધાઓ. અને આધુનિક તકનીકની સહુથી દારૂણ બાબત પણ છે સંદેશા વ્યવહાર અને માહિતીના આદાનપ્રદાનની સુવિધાઓ! આપણે ટેલીફોન, વેબકેમ, ઈન્સ્ટન્ટ મેસેન્જર, ઈ-મેઈલ, વેબસાઈટ, બ્લોગ, ન્યુઝ લેટર્સ, વિકી અને સોશિયલ નેટવર્કીંગના પૂરમાં ખોવાઈ ગયા છીએ. અને આ લીસ્ટ રોજેરોજ લાંબુ ને લાંબુ થતુંજ જાય છે. બ્લેકબેરી અને મોબાઈલ ઈન્ટરનેટને લીધે ડેટા અને ડીમાંડ ચોવીસે કલાક તમારી પાસે સતત આવતાંજ રહે છે. આજકાલ પેલા ‘ડીજીટલ તણાવ’ ના વર્કશોપ્સ પણ શરૂ થઈ ગયા છે, જે જરાય આશ્ચર્ય પમાડે તેવી બાબત નથી.

ચાહે તમે કોઈપણ કામ કરતાં હોવ આ બધું ખરાબ છે જ. પરંતુ જો તમે એક વ્યવસાયિક કલાકાર હોવ અથવાતો સર્જનાત્મક કાર્ય કરતા હોવ, તો આબધું તમારેમાટે વધારે નુકસાનકર્તા છે. એકાગ્રતા એ સર્જનાત્મક કાર્ય માટે અનાવશ્યક છે - સર્જનાત્મક કાર્યના અમુક મુદ્દાઓ પર એક મન દ્વારા એકજ કાર્ય ઉપર ધ્યાન આપવું અત્યંત જરૂરી બની જાય છે. જયારે આપણે ખરેખર એ ક્ષેત્રમાં એકાગ્ર હોઈએ છીએ, ત્યારે આપણને એક ‘સર્જનાત્મક ઝરણા’ નો અનુભવ થાય છે જે લગભગ સ્વયંભુ, સહેલું, આત્મા દ્વારા સહુથી વધુ એકાગ્રતા ધરાવતું હોય છે, જેને મીહાલી સીક્સઝેને ‘સર્જનાત્મકતાની ઉચ્ચતમ લાક્ષણીકતાઓ’ ગણાવી છે. વિક્ષેપો, એક સાથે ઘણાબધા કામો કરવા અને બેચેની એ બહુવિધ જવાબદારીઓને અહીંથી તહીં ઉછાળી દેવાને લીધે આવે છે - જે તમારી એકાગ્રતાને ધીરેધીરે ખતમ કરી દેવાનું એક મોટું ભયસ્થાન છે અને તેમ ન થવા દેવું એ જ સર્જનાત્મકતા માટે અત્યંત જરૂરી બાબત છે.

જો તમે તમારા સર્જનાત્મક કાર્યમાં વારંવાર આવતા પેલા વિક્ષેપો, હતાશાઓ અને અન્ય ધ્યાનભંગ કરતી વસ્તુઓથી ચિંતિત છો, તો આ ઈબુક ખાસ તમારા માટેજ છે. આવનારા સાત પ્રકરણોમાં, હું તમને કેટલાંક એવા સિદ્ધાંતો અને કેટલીક એવી વ્યવહારૂ બાબતો દેખાડીશ જે તમને તમારા સર્જનાત્મક કાર્ય પરનું ધ્યાન દબાણ હેઠળ પણ જાળવી રાખવામાં મદદ કરશે, અને આ ઉપરાંત તે એવી માહિતી અને માંગણીઓથી તમને અવગત કરાવશે જે તમારી સર્જનાત્મકતાને ઉદ્દીપ્ત કરશે નહીં કે તેને ડુબાડી દે.

અને આ જ મતલબ છે સંયોજિત હોવાનો.

તો સાંભળો. સંસ્થા, માળખું, શિસ્ત અને આદત - આ ચાર બાબતો સર્જનાત્મકતા માટે ખતરાઓ છે એવું આપણને ઘણીવાર કહેવામાં આવતું હોય છે. જો કે આમાં હજી આપણે ‘ટાઈમ મેનેજમેન્ટ’ અથવાતો ‘વર્કફ્લો’ જેવા કોર્પોરેટ લાગણી ધરાવતા શબ્દોનો ઉપયોગ તો કર્યો જ નથી. આપણે એવું માનીએ છીએ કે સર્જનાત્મકતા એ વિચારોનું એક એવું સ્થાન છે જ્યાં તેને રોકી શકાતી નથી, બાંધી શકાતી નથી અને તે તમામ પરિમાણોથી આગળ હોય છે. તેમ છતાં, આઝાદી હોવા ઉપરાંત, નિયમોને તોડવા અને પ્રેરણા મેળવવી એ સર્જનાત્મક પ્રક્રિયા માટે અત્યંત જરૂરી પણ છે. સર્જનાત્મકતાની લોકપ્રિય છબી એક અન્ય જરૂરી પાસાને પણ અવગણે છે; કોઈપણ મહાન કલાકારની જિંદગીનો અભ્યાસ કરો અને તમને તેમાં તેની મહેનત, શિસ્ત અને નિયમોનું સંપૂર્ણ જ્જ્ઞાન ઉપરાંત તેમના માધ્યમોનો યોગ્ય વપરાશ જરૂરથી જોવા મળશે. ટ્‌વાયલા થાર્પ જે એક કોરિયોગ્રાફર છે જેણે ‘અમાડીયસ’ ફિલ્મના ઓપેરા અને અન્ય ડાન્સ સીન્સ નિર્દેશિત કર્યા છે, તેણે આ ફિલ્મમાં દેખાડવામાં આવેલા મોઝાર્ટ પર ના શબ્દચિત્રને કાઈક આ પ્રમાણે વર્ણવ્યું છેઃ

“ફિલ્મ અમાડીયસ એક સર્જનાત્મક તેમજ એક પ્રતિભાસંપન્ન વ્યક્તિની દિવ્ય ઉત્પત્તિને નાટકીય અને રોમાન્ટિસાઈઝ બનાવે છે.એન્ટોનિયો સલીએરી, જે પ્રતિભાનું પ્રતિનિધિત્વ કરે છે અને તેને મોઝાર્ટના સમયમાં જીવન મળ્યાનો અભિશાપ છે. મોઝાર્ટ એક પ્રતિભાસંપન્ન પરંતુ અનુશાસનહીન વ્યક્તિ હતો જેનું લેખન જાણેકે ભગવાન જાતે કરતો હોય એવું લાગતું હતું, એ ખરેખરતો નકામી વાતો છે. દુનિયામાં કોઈજ કુદરતીરીતે કાબેલ હોતું નથી... મોઝાર્ટ જેવી મહેનત એ દિવસોમાં કોઈએ કરી ન હતી. લખાણનો અભ્યાસ કરવામાં, તેને અમલમાં મુકવામાં અને વારંવાર પેનને પકડવા તેમજ લખવાને લીધે માત્ર અઠ્‌યાવીસ વર્ષની ઉંમરે તેના આંગળાં બેડોળ થઈ ગયા હતાં.... મોઝાર્ટે પોતે એના મિત્રને લખ્યું છે કે, “એ લોકોની ભૂલ છે,કે જે એવું સમજે છે કે કળા મને સહેલાઈથી મળી ગઈ છે. હું તને એકવાતનો વિશ્વાસ આપવા માંગુ છું દોસ્ત, કે પોતાની રચના માટે મારા જેટલો સમય કોઈએ હજીસુધી નથી આપ્યો. એવો કોઈજ પ્રખ્યાત કલાકાર નથી કે જેનાં સંગીતને મેં ખુબ મહેનત કરીને અસંખ્યવાર સાંભળ્યું ન હોય.”

આ ભાગ થાર્પના ઉત્કૃષ્ટ પુસ્તક, ‘ધ ક્રિએટીવ હેબીટઃ લર્ન ઈટ એન્ડ યુઝ ઈટ ફોર લાઈફ’ પરથી લેવામાં આવ્યો છે, જેમાં તે એવી દલીલ કરે છે કે , સર્જનાત્મક વ્યક્તિઓ માટે નિયમિતતા એ પ્રેરણા જેટલુંજ કે કદાચ તેનાથી પણ મહત્વની જરૂરિયાત છે. આ એક પ્રેરણાદાયી, પડકારરૂપ અને અત્યંત વ્યવહારૂ પુસ્તક છે જેની જગ્યા એ તમામ વ્યક્તિઓના કબાટમાં હોવી જરૂરી છે જે સર્જનાત્મક કાર્યને ગંભીરતાથી લેવા માંગે છે.

હું એમ નથી કહેતો કે તમામ કલાકારો અને સર્જન કરી શકતા વ્યક્તિઓએ કાયમ આયોજનપૂર્વક જ કાર્ય કરવું, કારણકે તે તો કોર્પોરેટ કંપનીના કોઈ સાહેબને ખુશ કરવા જેવી બાબત છે. તમે કદાચ છેક બપોરે ઉઠતા હોવ અને તમારા નાઈટ ગાઉનમાં જ તમારા ગંદા બેઠકખંડમાં કાર્ય કરતા હોવ એવું પણ બની શકે છે. તમે કદાચ રોજ નવી નવી હોટલોમાં ચેક ઈન કરતા હોવ અને તમારી હોટલના રૂમની પથારીમાં જ બેઠાબેઠા કામ કરતા હોવ એવું પણ બને. તમારી સર્જનાત્મક પ્રક્રિયા અને કામકાજી આદતો બહારના વ્યક્તિને કદાચ અંધાધુંધીભરી લાગી શકે છે, પરંતુ જો તમારી આદતો તમારૂં કામ કરી આપે છે તો એ જ બાબત સહુથી મહત્વની છે. પદ્ધતિસરનું ગાંડપણ પણ જરૂરી છે - તમારી રોજીંદી આદતો તમારા સર્જન માટે અત્યંત જરૂરી છે, કારણકે આ જ બાબતો તમારી કલ્પનાશક્તિ ને જીવતી રાખે છે. રોજ સવારે છ વાગે ઉઠીને કામ કરવું કે એકની એક પેન વાપરવી કે એકજ પ્રકારનું કમ્પ્યુટર ફાવવું કે પછી આખા અમેરિકામાં માત્ર લીફ્ટ લઈ લઈને ફરવું, કે પછી સડેલા સફરજનની સુવાસથી જ કામ કરી શકવું કે પછી પોતાના મનપસંદ કાફેમાં જીને મનપસંદ શરાબ પીવો આ તમામ આદતોને છોડવી નહીં, જો તે તમારી કલ્પનાશક્તિને ઉપસાવવામાં મદદ કરતી હોય.

આ ઈબુકમાં હું કેટલાંક સૂચનો કરીશ જે તમને બહારની માંગણીઓની ભરતીને દુર રાખીને તમારી ખરી સર્જનાત્મકતાને બહાર લાવવામાં મદદ કરશે અને તમારા રોજીંદા કાર્યને લય આપશે. હું તમને પેલી ચુસ્ત પ્રણાલી જે તમને કાયમ ‘મહાવરો’ કરતાં રહેવાનું કહે છે એના જેવી અર્થહીન વાતો નહી કરૂં - બસ થોડા સિદ્ધાંતો અને સૂચનો હશે જે તમે અમલમાં મુકવાની કોશિશ કરજો અને જોઈ જો જો કે એ તમને ફાવશે કે નહીં? હું મારા અનુભવો અને અભ્યાસ દ્વારા જાણેલી કેટલીક બાબતો પણ તમને કહીશ અને કેટલીક ખુબ જાણીતી સમય સંચાલનની બાબતો કે જે સર્જનાત્મક વ્યવસાયિકો માટે જાણવી જરૂરી છે તેની સાથે પણ તમને અવગત કરાવીશ.

આવતાં સાત પ્રકરણોમાં હું અમુક ચોક્કસ તત્વો પર નજર નાખીશ જે સ્વ-સંગઠન તેમજ સમયના સંચાલન માટે જરૂરી છે, જયારે છેલ્લા પ્રકરણમાં વધારાના સંસાધનો વિશે ચર્ચા કરીશ.

સવાલો

•તમારા સર્જનાત્મક કાર્યના વ્યવસ્થાપન સમયે વખતે તમારૂ વલણ કેવું હોય છે” શું તમને તે વ્યવસ્થાપન આત્માવીહીન, બિનસર્જનાત્મક ઘરેડ લાગે છે કે તે તમારા વ્યવસ્થાપન માટે જરૂરી, મદદરૂપ લાગે છે?

•ગૂંચવાડા કે અવ્યવસ્થાભરી લાગણીઓ તમારી સર્જનાત્મકતા પર શું અસર કરે છે?

•એવા કયા કાર્યક્ષેત્રો છે જેમાં તમને વ્યવસ્થિતપણે કરવું ગમે છે?

•અંધાધુંધીમાં તમને સહુથી વધુ શું ગમે છે? તમારા કાર્યમાં એવી કઈ બાબતો છે જેમાં તમને અંધાધુંધી અને અવ્યવસ્થા કરવી ખુબ ગમે?

૨. મહત્વનાં કામને પ્રાથમિકતા આપો

બે વર્ષ પહેલાં મારૂં જીવન એક ઉંચી દિવાલ સામે આવીને ઉભું રહી ગયું હતું. હું મારી માસ્ટર્સ ડીગ્રીના બીજા વર્ષમાં હતો જેને હું મારા વ્યવસાયને આગળ ધપાવવા માટે ખુબ જરૂરી હોવાથી પાર્ટ-ટાઈમમાં ભણી રહ્યો હતો. આ સમયે મને ‘માગમા’ નામના મેગેઝીનને એડિટ કરવાનું આમંત્રણ મળ્યું. માગમા એ યુનાઈટેડ કિંગડમના કવિતાઓ વિષયક સહુથી ટોચ ઉપર બિરાજમાન મેગેઝીન્સમાંથી એક હતું, એટલે હું આ તક ને જતી કરવા નહોતો માંગતો. આ સમયે મારાં લગ્ન પણ થવાના હતાં એટલે એના માટેની તૈયારીઓ પણ પુરજોશમાં ચાલી રહી હતી - આ તક પણ મારે જતી કરવાની નહોતી. ગમેતે રીતે મારે મારો વ્યવસાય પણ ચાલુ રાખવાનો હતો, મારા ગ્રાહકોને ખુશ રાખવાના હતાં અને તેની સાથે સાથે આ કળાને લગતી પ્રવૃત્તિ પણ ચાલુ રાખવાની હતી.

આટલું ઓછું ન હોય તેમ મને એક નવી ઘટના સાથે પરિચય થયો જેનું નામ હતું બ્લોગીંગ - અથવાતો એમ કહી શકાય કે મને એક એવા વિચાર સાથે મુલાકાત થઈ જેનો ઉપયોગ લોકો “પોતાની બિલાડીએ આજે શું નાસ્તો કર્યો” એ જણાવવાને બદલે પોતાના વિચારો અથવાતો વ્યવસાયને અસંખ્ય લોકો સમક્ષ પહોંચાડવા માટે કરી રહ્યા હતાં. મને લખવાનું ખુબ ગમતું, મને મારા વિચારોને અન્ય લોકો સુધી પહોંચાડવામાં ખુબ રસ હતો અને મને નવાનવા લોકોને મળવાનું પણ ખુબ ગમતું. પરંતુ મારી પાસે સમયજ ક્યાં હતો?

મેં તો અનિચ્છાએ મારી જાત સાથે હમણાં કવિતાઓ ન લખવાનો સોદો કરી દીધો હતો, જ્યાંસુધી હું મારૂં એમએ ન પતાવું ચએ શરતે કે એમએ પત્યા બાદ હું મારી કવિતાઓ લખવી ફરી શરૂ કરીશ, જે અત્યારે હું ખુબ આનંદથી કરી રહ્યો છુૃં ત્યાંસુધી. પરંતુ મારી સમક્ષ કેટલાય અપૂર્ણ રહેલા કર્યો જેવા કે, ગુણવત્તા, સમય પર ધ્યાન આપવું, બધાંજ વિઘ્‌નોથી દુર રહેવું, મારા નિબંધો લખવા, મેગેઝીનની કવિતાઓને તેમને જરૂરી એવી કાળજી સાથે વાંચવી અને એક બ્લોગ શરૂ કરવો, બાકી હતાં. મારી ડાયરી અને મારા અપૂર્ણ કર્યોને સ્કેન કરી તેનો સર્વે કર્યા બાદ મારી સમક્ષ એક નિરાશાજનક ચિત્ર ઉભું થયું.

મારે રોજ સવારે જલ્દીથી જાગવું પડે એમ હતું.

મારા સમયપત્રકમાં સમય હતોજ નહીં - અથવાતો એવો સમય ન હતો જેમાં મને મારૂં કામ કરવા માટે થોડીક શાંતિ મળે અને તે વિઘ્‌નોથી દુર હોય, જેમાં ફોન કોલ્સ,ઈ મેઈલ, મીટીંગો અને કલાસીસ ના ચંચુપાત ન હોય. હું ક્યારેય પોતાની જાતને કુદરતીરીતે વહેલી સવારે ઉઠી જનાર લોકોમાં ગણતો નથી, અને ઘરેથી કામ કરવાને લીધે હું વહેલા ઉઠીને કામધંધા માટે ન દોડવાનો વૈભવ પણ ધરાવતો છું. વધુમાં વધુ હું સવારે સાડાસાત વાગે ઉઠી જાઉં અને મોડામાં મોડો સવારે સાડાઆઠ વાગે. તેમ છતાં સવારે નવ વાગ્યે કામ શરૂ કરવા માટે સારોએવો સમય મળી જતો હતો - પરંતુ મારી સમક્ષ અત્યારે કામનો મોટો ડુંગર ઉભો હતો અને તેને ચઢવા માટે મારે સખત પગલા લેવાની જરૂર હતી.

હવે હું રોજ સવારે સાડાછ વાગ્યે ઉઠતો થયો. તમે એ જાણવા માંગો છો કે આમ થવાથી મારી સાથે શું થવા લાગ્યું? મેં ‘માગમા’ મેગેઝીનના ૩૪માં અંક માટે ૨૫૦૦થી પણ વધુ કવિતાઓ એડિટ કરી, માસ્ટર્સમાં ડીસ્ટીંકશન મેળવ્યું, મારો ‘વિશફુલ થીંકીંગ બ્લોગ’ શરૂ કર્યો જેણે મારા ધંધાને ફેલાવવામાં મને ખુબ મદદ કરી અને નવાનવા રસ્તાઓ પણ શોધી આપ્યા. મેં કેટલીક કવિતાઓ પણ લખી જે મને ખુબ ગમી (અત્યારે તો ગમે છે) અને થોડા સમયમાં તે પ્રકાશિત થવા પણ જી રહી છે. સહુથી મહત્વનું કામ તો એ થયું કે હું મારા લગ્ન માટે સમયસર પહોંચી શક્યો!

આ બધું હું મારા વખાણ કરવા માટે નથી કહી રહ્યો, પરંતુ સમયને બાંધવાની કિંમતને દેખાડી રહ્યો છું, જે તમારા સર્જનાત્મક કાર્યને તાત્કાલિક માંગણીઓની વચ્ચે પણ કરી શકવામાં મદદરૂપ થાય છે. મારી વ્યસ્તતાને કારણ બતાવીને મેગેઝીનના એડીટીંગનું કામ કરવાની હું ના પાડી શક્યો હતો. હું સમયમળે બ્લોગ લખવાનું કામ પાછળ ઠેલી શક્યો હોત. હું મારી માસ્ટર્સ ડીગ્રી પણ થોડા વર્ષ મોડી મેળવી શક્યો હોત. પરંતુ મૂળ વાત એ છે કે મારી સમક્ષ કાયમ કેટલીયે તાત્કાલિક બાબતો ઉભી રહેતી જે મારૂં ધ્યાન મારાં સર્જનાત્મક કાર્યથી બીજે ખેંચતી. પરંતુ તેમ છતાં આજે હું છેલ્લાં બે વર્ષો તરફ પાછા વળીને જોવું છું ત્યારે મને લાગે છે કે મેં કેટલીક એવી બાબતોને જન્મ આપ્યો છે જે અત્યંત કિમતી છે, મારા માટે અને મારા ગ્રાહકો માટે, ફક્ત દિવસના શરૂઆતના કેટલાંક કલાકો મારા બ્લોગ, નિબંધો, સેમીનાર વિષે અને કવિતાઓ લખવામાં આપીને. આ બધી સર્જનાત્મકતાથી ભરપુર બાબતો છે જેનો ઉપયોગ હું મારા કોચિંગ, ટ્રેઈનીંગ, પ્રેઝન્ટેશન અને કન્સલ્ટીંગના કાર્યમાં કરૂં છું, જયારે હું મારાં ગ્રાહકો સાથે આમનેસામને હોઉં છું.

તાત્કાલિક કરવા જેવા કાર્યો તાત્કાલિક ન કરવાના કાર્યો

મહત્વનાં કાર્યો તાત્કાલિક અને મહત્વનાં કાર્યો મહત્વનાં પરંતુ તાત્કાલિક ન કરવાનાં કાર્યો

બિનમહત્વનાં કાર્યો તાત્કાલિક પરંતુ બિનમહત્વનાં કાર્યો બિનમહત્વનાં તેમજ તાત્કાલિક ન કરવાનાં કાર્યો.

મારી વાતોતો બહુ થઈ. હવે તમે કહો તમે કેવી રીતે તમારી સર્જનાત્મક મહત્વાકાંક્ષાઓને સિદ્ધ કરવા સમય મેળવશો?

એવા કામને અગ્રતા આપો જે ‘મહત્વનું છે પરંતુ તેને તાત્કાલિક કરવાની જરૂર નથી.’

તેમના પુસ્તક ‘ધ સેવન હેબીટ્‌સ ઓફ હાઈલી ઈફેક્ટીવ પીપલ’, માં સ્ટીવન કોવે એ એવા કામોનું વર્ગીકરણ કર્યું છે કે જે મહત્વનાં હોય પરંતુ તેને તાત્કાલિક કરવા જરૂરી ન હોય.

કોવ એ બાબતે નિર્દેશ કરે છે કે આપણે એવા કામો પર ખુબ સમય વિતાવીએ છીએ કે જે તાત્કાલિક અને મહત્વનાં હોય (ઉપર આપેલા ડાયાગ્રામમાં આપેલું લાલ રંગનું ખાનું જુવો) - બીજા શબ્દોમાં કહીએ તો એવાં કામો જે ટૂંકી મુદ્દતે અને અચાનક આવી ચડયા હોય અથવાતો કોઈ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાનો હોય અથવાતો અન્યોની માંગણીઓ પૂરી કરવાની હોય. કેટલીકવાર અનિવાર્ય ડેડ લાઈન્સનું જાદુ આપણા સર્જનાત્મક કાર્યના પગ ઢીલા કરી દેતું હોય છે, જે તેની અનુપસ્થિતિમાં આપણે કદાચ ખુશીથી કરી શક્યા હોત. આ એક ઉત્તેજનાસભર અને ઉત્પાદક કાર્ય પણ બની શકે છે - પરંતુ તે સંપૂર્ણપણે તમારા પર આધાર રાખે છે કે તમે આવું કાયમ કરવા માંગો છો કે નહીં. કમ્પ્યુટર ગેમિંગ ઈન્ડસ્ટ્રી નું ઉદાહરણ અહીં બિલકુલ ફીટ બેસે છે - અહિયાં કટોકટીભર્યા સમય નો મતલબ છે ડેડલાઈનને પૂરી કરવા માટે મળતો અંતહીન ઓવરટાઈમ - જે એ બાબત દ્રશાવે છે કે ડેડલાઈનનો જાદુ ક્યારેક ડેડલાઈનની કરૂણતામાં પણ પરિવર્ત્િાત થઈ શકે છે અને જેની બહુ ગંભીર અસર વ્યક્તિના ચારિત્ર્‌ય તેમજ કાર્યક્ષમતા પર પણ થાય છે.

આ બાબતે કોવીએ આપેલું નિરાકરણ એમ છે કે તમારા કાર્યને એ પ્રમાણે અગ્રતા આપો કે જે મહત્વનું છે પરંતુ તેને તાત્કાલિક કરવાની જરૂર નથી (ડાયાગ્રામમાં આપેલા આસમાની રંગનું ખાનું). જો કે કોઈપણ દિવસે આમ કરવું અત્યંત મુશ્કેલીભર્યું છે, પરંતુ એ કરવું એ તમારા વિકાસ માટે અને તમારા સ્વપ્નાઓને સાકાર કરવા માટેનો એકમાત્ર રસ્તો છે. લોકોએ તમને કીધેલા કર્યો માટે પ્રતિક્રિયા આપતાં રહેવા કરતાં તો આમ કરવું લાખ દરજ્જે સારૂં છે. ઓવર ટાઈમનો છેદ તો ત્યારેજ ઉડી જશે ત્યારે તમે મહત્વનાં કામો તે તાત્કાલિક કામો બને એ પહેલાંજ તેને પતાવી દેશો અથવાતો નાનાનાના તાત્કાલિક કામો તેમજ મહત્વનાં કામો ઓછાં કરશો.

આમ કરવાનો એક કુદરતી અને સરળ રસ્તો એ છે કે તમારે રોજ સવારનો પહેલો અડધો કલાક તમારા પ્રોજેક્ટ ઉપર જ ગાળવો જોઈએ. બાકીના દિવસોમાં ગમેતે વિઘ્‌નો આવી શકે છે, પરંતુ તમને એ બાબતે સંતોષ થશે કે તેમે તમારા પ્રોજેક્ટ ઉપર આજે કશુંક કાર્ય તો કર્યું છે જે તમને તમારા લક્ષ્ય તરફ આગળ લઈ ગયું છે.

અહીં માત્ર સમયનો સવાલજ નથી- તમારે તમારા ધ્યાનને પણ તમારા કાર્યની આસપાસ બાંધી દેવાનું છે જેને લીધે તમે તમારા સર્જનાત્મક કાર્ય પર તમારૂં સંપૂર્ણ તેમજ કોઈપણ જાતના ખલેલ વગર ધ્યાન આપી શકો. આવનારા પ્રકરણમાં આપણે એવા લોકો વિષે જાણીશું જેમણે આ પ્રમાણે પોતાનું કાર્ય કર્યું હોય અને તેમના થકી તમે પણ ઘણુબધું શીખી શકશો.

સવાલો

•તમારી એવી સિદ્‌ધિઓને યાદ કરો જેના વિષે તમને ગર્વ હોય અને જેણે તમારી જિંદગીને બદલવામાં મદદ કરી હોય. જયારે તમે એ સિદ્‌ધિ પાછળ કાર્ય કરી રહ્યા હતાં ત્યારે તમે કેટલી વાર ‘મહત્વના પરંતુ તાત્કાલિક ન કરવાનાં’ કામો શ્રેણીની જાળમાં ફસાઈ ગયા હતાં?

•તમારાં સહુથી પ્રિય લક્ષ્ય માટે તમે કરેલી મામુલી પ્રગતી માટે દિવસનાં અંતે તમને કેટલી ખુશી થાય છે?

•દિવસના અંતે તમને કેવી લાગણી થાય છે જયારે તમને ખ્યાલ આવે છે કે બીજાએ આપેલા કાર્યો અને માંગણીઓ પૂરી કરવામાં ઉપરાંત તાત્કાલિક આવી પડેલા કાર્યો કરવામાં જ તમારો આખો દિવસ જતો રહ્યો?

•જો તમે ‘મહત્વનાં પરંતુ તાત્કાલિક ન કરવાનાં’ કામો પરજ પોતાનો વધુ સમય ખર્ચ કરશો તો તે તમારી જિંદગીમાં શું ફેરફાર લાવી શકશે?

૩. સર્જનાત્મક સમયને બાંધતા શીખો

આપણે ‘તાત્કાલિક પરંતુ બિનમહત્વનાં’ કાર્યોને કેવીરીતે પ્રાથમિકતા આપવી એ વિશે જોયું. પરંતુ તમે આમ ખરેખર કઈ રીતે કરી શકશો? અને તમારી કાર્યકારી જિંદગીમાં આવતી માંગણીઓ તેમજ વિક્ષેપો વચ્ચે પણ તમારા સર્જનાત્મક કાર્ય પણ તમારૂં સંપૂર્ણ ધ્યાન કેવી રીતે આપી શકશો?

તમારા દિવસનો સહુથી સર્જનાત્મક સમય પસંદ કરો.

ગયા પ્રકરણમાં મેં મારા લેખનકાર્ય માટે દિવસે થોડા વહેલા ઉઠવાના નિર્ણય વિશે વાત કરી હતી જેણે મને ફોન કોલ્સ તેમજ અન્ય તમામ વિક્ષેપોના તોફાનથી દુર રાખવામાં મદદ કરી હતી. આ તમામ વિક્ષેપોથી દુર રહેવાને લીધે આ સમયે હું માત્ર લખવાનું જ કાર્ય કરતો કારણકે દિવસના આ સમયે જ હું સહુથી વધુ સજાગ રહું છું અને ધ્યાનમગ્ન થઈ શકું છું. મેં એ બાબતની નોંધ કરી કે દિવસનાં શરૂઆતના બે કલાકો દરમ્યાન દિવસના અન્ય સમય કરતા આપણામાં વધુ માનસિક સ્પષ્ટતા હોય છે. એક લેખક તરીકે મારા ધ્યાનની ગુણવત્તા મારા માટે સહુથી કિંમતી જણસ છે, એટલે મેં તેની સુરક્ષા માટે બહુ ધ્યાન રાખીને આ શીખ લીધી. જો હું આ સમયે ઈ મેઈલ્સ જોવા લાગુ, કે પછી બ્લોગ ફીડઝ વાંચવા માંડુ કે પછી એવા અન્ય ભૌતિક કાર્યોમાં રચ્યોપચ્યો રહેવા લાગુ તો પછી હું મારી આ સહુથી કિમતી સંપત્તિનો વેડફાટ કરી દઈશ.

વિક્ટોરિયન કાળના નવલકથાકાર એન્થની ટ્રોલોપએ મને એ બાબતે શરમાવી દીધો જયારે મને જાણ થઈ કે તેઓ રોજ સવારે માત્ર નવલકથા લખવા માટે સાડાપાંચ વાગે ઉઠતાં અને પોતાનો બ્રેકફાસ્ટ પણ મોડો કરતાં. એવું નથી કે સવારનો સમય દરેક વ્યક્તિ માટે કશુંક સર્જન કરવા માટે યોગ્ય હોય. આપણે બધાં રોજ કોઈ અલગઅલગ સમયે સજાગ અને કોઈ ધૂનમાં રહેતા હોઈએ છીએ. પ્રોફેશનલ બ્લોગર ડેરેન રોવ્સ કહે છે કે રોજ સવારે દસથી બારનો સમય તેમના સર્જનાત્મક વિચાર અને તેના પર કામ કરવા માટેના ‘સુવર્ણ કલાકો’ છે.

મારા બ્લોગર મિત્ર અને ‘ધ ફોર અવર વર્ક વીક’ ના લેખક ટીમ ફેરીસ પોતાના બ્લોગ્સ બે ભાગમાં લખે છે અને તે પણ દિવસના જુદાજુદા સમયે.

અલગઅલગ વિચારમંથનના સમયોનો સમન્વય કરવો ખુબ જરૂરી છે. હું સામાન્યરીતે સવારે ૧૦ થી ૧૦.૩૦ વચ્ચે મારા આવનારા બ્લોગ પર ૧૫-૧૫ મહત્વના મુદ્દાઓ બે કપ એસ્પ્રેસો કોફી પીતાપીતા લખતો હોઉં છું અને ૧૦.૩૦ થી ૧૦.૪૫ વચ્ચે તે મુદ્દાઓને ક્રમાંકિત કરૂં છું. ત્યારબાદ ૧૨ થી ૪ સુધીમાં એના પર સતત મનન કરૂં છું અને સાથેસાથે ચા પણ પીવું છું જે દરમ્યાન હું મારા પેલા મુદ્દાઓ સાથે કયા પ્રકારના ઉદાહરણો ટાંકી શકું એ બાબતે વિચારતો હોઉં છું અને ત્યારબાદજ હું મારૂં લખાણ શરૂ કરૂં છું. તમારા કામકાજના સમયને ઓળખીને તમારા લખાણ પૂર્વે તેના માટેની તૈયારી સારા પરિણામો માટે અત્યંત જરૂરી છે.

-ધ ફોર અવર વર્ક વીક બ્લોગમાંથી

લેખિકા માયા એંજેલો તેમના લખાણના સમય બાબતે અને તેના મુસદ્દાને ફરીવાર વાંચવા વચ્ચેના તફાવત બાબતે.

આવીજ કશીક વાત કરે છે

હું સવારે લગભગ પાંચ વાગ્યે ઉઠી જાઉં છું...હું મારી કારમાં બેસીને સીધી કોઈ હોટેલના રૂમમાં જતી રહું છું, હું મારા ઘરમાં બિલકુલ લખી શકતી નથી. હોટલે પહોંચીને હું તેમને હોટલની દીવાલો પરથી બધીજ વસ્તુઓ ઉતારી દેવાનું કહું છું જેથી ત્યાં માત્ર હું, મારૂં બાઈબલ, રોજેટ્‌સ થેસરસ અને ડરાય શેરી જ રહે જેથી હું સાડા છ વાગે મારૂં કામ શરૂ કરી શકું છું. હું કાયમ સુતાસુતા જ લખું છું, મારી એક કોણી પર સાવ ઢળી પડીને અને તેના પર ભાર દઈને. હું માત્ર લોંગ હેંડ માં અને પીળા પાનાંઓ પર જ લખું છું. જયારે હું તેમાં સમરસ થઈ જાઉં છું ત્યારે અવિશ્વાસ જાણેકે ક્યાંય ખોવાઈ જાય છે..આમ થવું ખુબ મજા કરાવે છે...

રાત્રીભોજ બાદ હું મારૂં લખાણ ફરીએકવાર વાંચી લઉં છું. લેખનકાર્ય માટે જો એપ્રિલ એ સહુથી ક્રુર મહિનો હોય તો પછી રાત્રીના આઠ નો સમય તો એનાથી પણ વધુ ક્રુર છે કારણકે આ સમય દરમ્યાન મેં લખેલી ઘણીબધી બાબતોપર મારી કાતર ફરી જતી હોય છે.

(ક્રિએટર્સ ઓન ક્રિએટીંગ, એડિટર- ફ્રેંક બેરન, અલ્ફોન્ઝો મોન્ટુરી, એન્થીયા બેરન)

તમારા ધ્યાનને બાંધો - તમારા વિચારોને યોગ્ય બીબામાં ઢાળો

માયા એંજેલોની લેખન પદ્ધતિ ભલે તરંગી લાગે પરંતુ તે વિચારવાયોગ્ય તો છે જ. હોટેલરૂમમાં લખવું એ તેને રોજિંદી દુનિયાથી સાવ અલગ કરી દે છે જેનાથી આવનારા વિઘ્‌નોથી તે દુર રહે છે અને આને લીધે એ તેના લખાણની ઉચ્ચ ગુણવત્તાને એ જયારે ઈચ્છે ત્યારે તે જાળવી શકે છે.

મારી પ્રથમ વ્યાવસાયિક ટ્રેઈનીંગ હિપ્નોથેરાપી પર હતી, જેણે મને શીખવ્યું કે આપણી નર્વસ સીસ્ટમ એટલીબધી સંવેદનશીલ છે કે તેને ખલેલ પહોંચાડવા માટે કોઈપણ બાબત પુરતી છે. જેટલી તમારી મૂળભૂત લાગણી મજબુત અને જેટલી એમાં પડેલી ખલેલ અનોખી એટલીજ તમારી લાગણીશીલ પ્રતિક્રિયા વધુ મજબુત બનીને બહાર આવે છે. ઉદાહરણ તરીકે કોઈ એવું એક ગીત જે તમે તમારા પ્રથમ બોયફ્રેન્ડ કે ગર્લફેન્ડ સાથે ગાયું હતું, એ પ્રકારનું કોઈ અન્ય ગીત પણ જો તમને કાર્યના સમયે સાંભળવામાં આવે અથવાતો તમે એને રેકોર્ડ કરી રહ્યા હશો તો તમે તમારા એ બોયફ્રેન્ડ/ગર્લફેન્ડ સાથે જેકોઈ પણ લાગણીઓ અનુભવી હશે એ તમામ તમને યાદ આવી જશે. જેમકે, બોવી નું ‘મૂનએજ ડેડરીમ’ ગીત, આ ગીત જેવુજ કોઈ અન્ય ગીત પણ તમારામાં જૂની લાગણીઓ અને રોમેન્ટિક લાગણીઓ ફરીથી ઉપસાવી દેશે, પરંતુ ‘મૂનએજ ડેડરીમ’ ની શરૂઆતનું સંગીત કદાચ તમારામાં એ લાગણીઓ ફરી જગાવી ન પણ શકે એવું બને.

એંજેલોની વાત કરીએ તો તે લખતી વખતે ભરપુર લાગણીઓ જરૂરથી અનુભવતી હશે. અને લખવામાટે ખાસ સ્થળ અને સમયની પસંદગી કરીને તેણે પોતાની નર્વસ સીસ્ટમને એ પ્રકારે કેળવી છે કે જે તેના સર્જનાત્મક મનઃસ્થિતિને જુદીજુદી રીતે અને અનોખી રીતે બહાર લાવવાનું કાર્ય કરે છે. વહેલી સવારનું ડરાઈવિંગ, હોટેલ નો રૂમ, ખાલી દીવાલો, બાઈબલ, રોજેટ્‌સ થેસરસ, ડરાય શેરી, પથારીમાં સુવું અને પીળા કાગળો. એ વાત જરાય આશ્ચર્ય પમાડે તેવી નથી કે હોટેલના રૂમમાં દાખલ થતાંજ તે તરતજ પોતાના કાર્યક્ષેત્રમાં આવી જાય છે.

તમારાં સહુથી સર્જનાત્મક સમયને બાંધતા શીખો

ચાલો આપણે આ બાબતને એક જુદા પરિપેક્ષ્યથી જોઈએ. મોટાભાગના સર્જનાત્મક કાર્ય કરનારા વ્યક્તિઓની વધારે પડતી લાગણીઓ તેમના માટે તાર્કિક અને યોગ્ય હોય છે. અહિયાં આપણે સ્ટીફન સ્પેન્ડરની અને તેમના કવિ મિત્રોની કાર્યશૈલી અથવાતો આદતોને તેમનાંજ શબ્દોમાં વાંચીએ.

શિલરને કાયમ પોતાના ટેબલની નીચે રાખેલા સડેલા સફરજનની ગંધ લેતાલેતાંજ પોતાની કવિતાઓ લખવાનું ગમતું. જયારે વોલ્ટર દ લા મેરે મને એકવાર કહ્યું હતું કે લખતી વખતે તે ધુમ્રપાન કરે તો જ તે સારૂં લખી શકે છે. ઓડન અસંખ્ય કપ ચા પી જાય છે, જયારે મારા માટે કોફી એ મારા લખાણ વખતનું વ્યસન છે, આ ઉપરાંત ધુમ્રપાન પણ તેમાં આવી જાય છે, પરંતુ લખતી વખતે હું બને ત્યાંસુધી ધુમ્રપાન નથી કરતો.

(‘ક્રિએટીવીટી’ માંથી - પી ઈ વર્નોન દ્વારા સંપાદિત)

તમે જોયું કે દરેક કવિ કેવીરીતે જુદાજુદા પ્રકારના ઉદ્દીપકોનો તેમના સર્જનને વધુ નિખાર આપવા માટે ઉપયોગ કરે છે.

તમારા માટે પણ કોઈએક વિશેષ સ્થળ હોઈ શકે છે તમારી સર્જનાત્મકતાને બહાર લાવવા માટે - પછી તે એક બંધ ઓફીસ હોય, એક ખાસપ્રકારની ખુરશી હોય, તમારા પસંદીદા કેફેનો કોઈ ખૂણો હોય. કે પછી તમારી કોઈ પસંદીદા નોટબુક, પેન સોફ્ટવેર કે એક ખાસ બ્રાંડનું કમ્પ્યુટર - આ સીવાયની અન્ય કોઈજ વ્યવસ્થા તમને સાચી લાગણીઓ કદાચ ન આપી શકે એવું બને. જયારે તમને આ પ્રકારના ઉદ્દીપકોની આદત પડી જાય છે ત્યારે તે એક ધાર્મિક કર્મકાંડ જેવું બની જાય છે, કે પછી આ બધી પ્રક્રિયાઓ તમને તમારૂં ધ્યાન એકજ જગ્યાએ રાખવામાં મદદ કરે છે. મીહાલી સીક્ઝેન તેને ‘સર્જનાત્મક પ્રવાહ’ નું નામ આપે છે.

હું માયા એંજેલો જે કરે છે તે કક્ષાએ નથી જતો, પરંતુ મારે મારે મારી દરેક સવારની એક આગવી વિધિઓ હોય છે જે મને લેખન માટે માનસિકરીતે તૈયાર કરતી હોય છે. સહુથી પહેલાં તો હું ચા પીવું છું અને ત્યારબાદ ફિલ્ટર કોફી. ચા હું હંમેશા બ્લ્યુ ચાઈનીઝ ‘મનેકી નેકો’ મગ માં જ પીવું છું. કોફી કોઈ અન્ય કપમાં પીવું છું, જે મને ક્યોટો (જ્યાં મારા જેવા ઘણા મિત્રો મને મળ્યાં છે) થી મળ્યો છે અને જેના પર જાપાનીઝ ભાષામાં કશુંક લખ્યું હોય છે. જો હું કવિતા લખતો હોઉં છું તો મારૂં મેક કોમ્પ્યુટર ત્યાંથી દુર થઈ જાય છે. હું કવિતા છ૪ સાઈઝના કાગળો પર કાળી શાહી વાળી ૦.૫દ્બદ્બ મુજી પેનથી જ લખતો હોઉં છું. અન્ય કોઈ લખાણ માટે હું મેક કમ્પ્યુટરનો ઉપયોગ કરૂં છું અને તેમાંપણ આઈસોલેટર સોફ્ટવેર વાપરીને જે વિન્ડોમાં હું લખતો હોઉં છું એના સીવાયની અન્ય તમામ વિન્ડોઝ બ્લોક કરી દેતો હોઉં છું.

જો તમે ઓફિસમાં કામ કરતાં હોવ તો પણ એવું ઘણુબધું છે જે તમને તમારા તરફ આવનારા વિક્ષેપો અને વિઘ્‌નોથી દુર રાખી શકે છે. સેલફોનને સ્વીચ ઓફ કરી દો અને લેન્ડલાઈન ફોનને આન્સરિંગ મોડ ઉપર મૂકી દો. તમારા ઈ મેઈલની વિન્ડો અને એપ્લીકેશન બંધ કરી દો. તમારા ડેસ્ક ઉપર ‘ડુ નોટ ડીસ્ટર્બ’ જેવી કોઈ સાઈન મૂકી દો, જેથી તમારા સાથીઓને ખબર પડી જાય કે આ સમયે તમને હેરાન કરવા એ એમના પોતાના જોખમે હશે. નોટપેડ ખુલ્લું રાખો અને તેમાં તમારા કામ સાથે ચાલુ રહેનારા પ્રોજેક્ટમાં થનારા કોઈપણ પ્રસંગોને ટપકાવી દો. (આમ કરવાને લીધે તમારાં અન્ય મહત્વના કામો પરથી તમારૂં ધ્યાન હટી જશે અને તમે તમારા અત્યંત મહત્વપૂર્ણ કાર્ય પર તમારૂં સંપૂર્ણ ધ્યાન આપી શકશો. - આ બાબતે છઠ્‌ઠા પ્રકરણમાં વધુ વાત કરીશું.)

છેવટે, આ બધું કર્યા પછી પણ જો તમને તમારૂં કાર્ય ટાળવાની ઈચ્છા થાય તો માર્ક ફોસ્ટરની આ અદભુત સલાહ પર ધ્યાન આપો. જયારે તમને તમારા કામને ટાળવાની ઈચ્છા થાય ત્યારે શું કરવું એ બાબતે તેમણે કહ્યું છે, કે પોતાની જાતને કહોઃ “હું આ કામ તો કરવાનોજ નથી, હું ખાલી એ ફાઈલ ખોલી અને તેને જોવાજ માંગું છું.”

સવાલો

•તમારો સહુથી સર્જનાત્મક સમય કયો છે, જયારે તમે સહુથી વધુ સજાગ હોવ અને તમારા કાર્ય પર સહુથી વધુ ધ્યાન આપી શકો?

•જો તમે તમારા કાર્યનું કોઈ ટાઈમ ટેબલ બનાવી શકો તો એવો કયો સમય છે જેને તમે માત્ર તમારા સર્જનાત્મક કાર્ય માટે બાંધી શકો?

•તમારા અત્યારની પરિસ્થિતિના એવા કયા પરિમાણો છે કે જેની અંદર રહીને તમે તમારો આદર્શ સમય નક્કી કરી શકો?

•શું તમારી પાસે તમારા સર્જનાત્મક કાર્ય માટે કોઈ ખાસ જગ્યા છે?

•એવા ક્યા ભૌતિક ઉદ્દીપકો (જેમકે, પેન, કાગળ, કમ્પ્યુટર હાર્ડવેર કે સોફ્ટવેર), વિધિઓ કે રોજીદું કાર્ય છે જે તમને તમારૂં કાર્ય શરૂ કરવા માટે દબાણ કરે અને તમે એક યોગ્ય માનસિક સ્થિતિમાં આવી જાવ?

૪. સિસિફસ ઈફેક્ટને ટાળો

આદિકાળના ગ્રીસમાં ગુનેગારોને ખુબજ કડક સજા આપવામાં આવતી હતી. સિસિફસ નામનાં એક ગુનેગારને એક ક્યારેય ખતમ ન થનારૂં કાર્ય આપીને ત્રાસ આપવામાં આવતો હતો. તેને એક મોટા પથરાને ધક્કો મારી મારીને એક ટેકરી પર એવી જગ્યાએ મુકવાની સજા આપવામાં આવી હતી જ્યાં તેને મુક્યા બાદ તે તરતજ રગડીને તળેટીમાં પાછો આવી જતો. સિસિફસને ત્યારબાદ નીચે ટેકરીથી ઉતરીને ફરીથી આ કાર્ય કરવું પડતું.

કશુંક જાણીતું લાગે છે ને?

ચાલો પહેલાં પ્રકરણના એક દ્રશ્ય ને એક અલગ નજરે જોઈએઃ

તમે તમારો દિવસ અત્યંત ઉત્સાહમાં શરૂ કરો છો. તમે તમારા સર્જનાત્મક કાર્ય બાબતે તમારાં વિચારોને અમલમાં મુકીને તેને પૂર્ણ કરવા માટે અધીરા થઈ ગયા છો. તમે તમારૂં કમ્પ્યુટર ચાલુ કરો છો અને તમારા ઈનબોક્સમાં એજ જુના અને જાણીતા ઈ મેઈલનો ધોધ વહેવો શરૂ થઈ જાય છે જેમાં તમે ગઈકાલે જવાબ ન આપેલા મેઈલ્સ પણ શામેલ છે. આ તમામ મેઈલ્સને ધ્યાનથી જોયા બાદ તમને આઘાત લાગે છે કે આમાંથી બે મેઈલ્સને તો તમારે તરતજ જવાબ આપવાના હતા. તમે તરતજ ‘રીપ્લાય’ બટન ક્લિક કરો છો અને તે મેઈલનો જવાબ આપો છો. વીસ મિનીટ બાદ તમને ‘ભાન આવે છે’ અને તમને ખ્યાલ આવે છે કે તમે તો એક ઈ-મેઈલ ઝોનમાં ફસાઈ ગયા છો, અને તમારાં મિત્રોએ તમને મોકલેલી કેટલીક રસપ્રદ લીન્ક્સ તરફ તમારૂં ધ્યાન વળી ગયું છે. આ એવા મુદ્દાઓ છે જે તમારા માટે જરૂરી નથી. તમે તમારી ઈ મેઈલ વિન્ડો મીનીમાઈઝ કરો છો અને તમારા પ્રોજેક્ટ પર ફરીથી કામ શરૂ કરી દો છો.

પંદર મિનીટ બાદ તમે તમારાં કામમાં આનંદ માણતા થાવ છો અને તમે એક સર્જનાત્મક પ્રવાહમાં તણાવા લાગો છો - ત્યારેજ તમારા ફોનની રીંગ વાગે છે. કોઈકને તમારી પાસેથી કશુંક જોઈએ છીએ જે ગયાં અઠવાડિયાની મીટીંગને લગતી કોઈ બાબત હતી. તમે તમારા ડેસ્કને ફેંદવા લાગો છો, તમારી નોટ્‌સમાં શોધખોળ કરવા લાગો છો. અચાનક તમારૂં હ્ય્દય બે ધબકારા ચુકી જાય છે કારણકે પેલી બાબત શોધતાં શોધતાં તમારી નજરમાં એક એવું ફોલ્ડર આવે છે જેમાં પડેલા એક પત્રનો જવાબ આપવાનું તમે ભૂલી ગયા હતા અને તેનો જવાબ તે દિવસેજ આપવો અત્યંત જરૂરી હતો અને આ લેટરને આવે ઘણાબધા દિવસો વીતી ગયાં હતાં. “તું થોડી રાહ જો, હું તને થોડીજ વારમાં ફોન કરૂં છું” અથવાતો, “મને એ વસ્તુ મળશે ત્યારે હું તને સામેથી કોલ કરીશ.” એમ કહીને તમે પેલા વ્યક્તિ સાથેની વાત કાપી નાખો છો. તમે ફોન મુકીને પેલો પત્ર હાથમાં લો છો - આ પત્રનો જવાબ તરતજ આપવો ખુબ જરૂરી હતો, પરંતુ તમને યાદ આવે છે કે તમે તેના પર તરતજ ધ્યાન કેમ ન આપ્યું - કારણકે તમારે આ પત્રનો જવાબ આપવા માટે કેટલાંક ફોન કોલ્સ કરવાના હતા અને ઘણીબધી એવી ફાઈલોમાંથી માહિતી લેવાની હતી જે ફાઈલો તમે ક્યાં મૂકી છે એ તમને ત્યારે યાદ નહોતું. પણ હવે તમારી પાસે તમારી પ્રથમ મીટીંગ શરૂ થવા પહેલાં માત્ર અડધો કલાક જ છે અને આ અડધા કલાકમાં તમારે પેલા વ્યક્તિને પણ ફોન કરવાનો છે જેને તમે તરતજ ફોન કરવાનું વચન આપ્યું હતું. તમારી કાર્યપદ્ધતિ તમને જાણેકે ઠપકો આપી રહી હોય એવું તમને લાગતું હશે. તમારૂં ઈનબોક્સ નવા ઈ મેઈલ્સના નોટીફીકેશન્સ આવતાં સતત રીંગ મારી રહ્યું છે અને એમાં પહેલેથીજ એટલા બધા મેસેજીસ છે જેનો તમારે જવાબ આપવો હજી બાકી છે. તમારો ઉત્સાહ મરી પરવારે છે અને તમારો દિવસ તો હજી શરૂ પણ નથી થયો. સર્જનાત્મક કાર્ય તો માત્ર સપનું બનીને જ રહી જાય છે.

આ પ્રકારે કાર્ય કરવા પાછળ બે સહુથી મોટી સમસ્યાઓ છેઃ

૧. તમે વિક્ષેપોની દયા પર જીવો છો

જયારે તમે તમારૂં સંપૂર્ણ ધ્યાન લગાવીને કાર્ય કરવા બેસો છો, ત્યારે તમને એ બાબતનો ખ્યાલ નથી હોતો કે તમારે કયા કયા પ્રકારના વિઘ્‌નોનો સામનો કરવાનો આવશે જે તમારૂં ધ્યાનભંગ કરી શકે એમ છે, પછી તે એક ઈ મેઈલ હોય, એક ફોન કૉલ હોય, સહકર્મીની કોઈ કાર્ય બાબતેની વિનંતી હોય કે પછી તમને ખુદને કોઈ મહત્વનું કાર્ય અચાનક યાદ આવી જાય જે તમે ભૂતકાળમાં કરવાનું ભૂલી ગયા હતાં. આ વિક્ષેપો એટલાજ ખતરનાક છે જેટલા કે આ વિક્ષેપો આવવાની આશા રાખવી - આમ કરવાથી તમે ક્યારેય હળવાશ નહીં અનુભવી શકો કે ક્યારેય તમે તમારા કાર્ય પર ધ્યાન નહીં આપી શકો જો તમે આવનારા વિક્ષેપો વિશે વિચારતાં રહેશો જે તમારા કાર્યને ક્યારે પણ પાટા પરથી નીચે ઉતારી શકે એમ છે.

જયારે મેં હિપ્નોટિઝમ શીખ્યું ત્યારે મને જે બાબતોનું જ્જ્ઞાન થયું તેમાંની એક બાબત એ હતી કે જો તમારે કોઈની યાદશક્તિ પર પ્રહાર કરવો હોય તો તેમના કાર્યમાં સતત વિક્ષેપ પાડતાં રહો અથવાતો એમની સાથે સતત વિષયાંતર કરતાં રહો. હિપ્નોટિઝમની ભાષામાં કહીએ તો તમારી યાદશક્તિ એ તમારી હાલની માનસિક પરિસ્થિતિ પર આધાર રાખે છે, આથી જયારે તમે તમારૂં ધ્યાન બદલો છો, તમે તમારી માનસિક પરિસ્થિતિને પણ બદલો છો, જેનાથી તમને આ પહેલાં શું વિચારતાં હતા તે યાદ નથી રહેતું. યાદ કરો જયારે તમે તમારાં કોઈ મિત્ર સાથે કોઈ રેસ્ટોરન્ટમાં બેઠાબેઠા કોઈ બાબતે ચર્ચા કરી રહ્યા હોવ છો અને અચાનકજ કોઈ વ્યક્તિ આવીને તમને કોઈ કોઈ પ્રશ્ન પૂછે અને તેના ગયાં બાદ તમે બંને એકબીજાને એકજ સવાલ કરો છો, “તો આપણે શું વાત કરી રહ્યાં હતાં?”

તો મૂળ વાત એ છે કે વિક્ષેપો તમારૂં ધ્યાનભંગ કરે છે. ધ્યાનભંગ એ સર્જનાત્મક કાર્યને નુકસાન કરે છે. જો તમે ધ્યાન નહીં રાખો તો તમે કાયમખાતે પ્રતિક્રિયાઓ આપવા માટેજ બેઠાં રહેશો - જેમાં અન્યોની માંગણીઓને પૂરી કરવી અને એવાં કર્યો કરવા જે તમે આજે ખરેખર કરવા નહોતાં માંગતા, અથવાતો કશુંક બીજુંજ કરવા માંગતા હતા.

ચાલો એક બાબતનો આજે સ્વીકાર કરીએ, વિક્ષેપો એની મેળે નથી જતાં રહેવાના. જો એમ થશે તો એ તો બહુ ખરાબ બાબત હશે કારણકે એનો મતલબ એમજ થશે કે તમારી પાસે કોઈજ ગ્રાહક, સહકર્મીઓ, કે ભાગીદારો નથી. આ માટેનો સ્વાભાવિક અને કામચાલાઉ ઉકેલ એકજ છે કે તમે તમારી ઈ મેઈલ એપ્લીકેશન બંધ કરી દો અને તમારા ફોનને આન્સરિંગ મોડ ઉપર મૂકી દો અથવાતો તમારા ટેબલ ઉપર ‘ડુ નોટ ડીસ્ટર્બ’ નું પાટિયું લગાવી દો, જે આપણે આગલા પ્રકરણમાં કહ્યું હતું. પણ આ તમે કાયમ કરી શકતા નથી અને તે તમારા બીજી મોટી તકલીફને પણ દુર કરી શકવાનું નથી.

૨. સિસિફસ ઈફેક્ટ એટલે મહત્વનાં કાર્યોનું ક્યારેય પૂરૂં ન થતું લીસ્ટ

સિસિફસ ઈફેક્ટ એટલે મહત્વનાં કાર્યોનું ક્યારેય પૂરૂં ન થતું એવું લીસ્ટ જે સતત તમને કામમાં વ્યસ્ત રાખતું હોય છે. આપણો દિવસ એકદમ ઉત્સાહભેર શરૂ થયો હોય છે, પરંતુ જયારે તે પૂરો થાય છે ત્યાંસુધીમાં આપણે કેટલાંક એવા કર્યો કરવાનું વચન આપી ચુક્યા હોઈએ છીએ જે આપણા રોજીંદા કાર્યોના લીસ્ટને લાંબુને લાંબુ બનાવતું જ જાય છે.

ઉત્પાદકતા ના વિશેષજ્જ્ઞ માર્ક ફોસ્ટર પ્રેરણા લેવા માટે એક અદભુત અને (મારે માટે) આશ્ચર્યજનક મુદ્દા વિશે ચર્ચા કરે છે.

તમને તમારા કાર્ય માટે પ્રેરણારૂપ બને તેવો સહુથી સારો રસ્તો કયો છે? અલબત, કાર્ય કરવામાં આનંદ આવે અને કાર્ય માટે તમારી દ્રષ્ટિ સ્પષ્ટ હોવા જેવી બાબતોતો મહત્વની છે જ, પરંતુ મારા વિચાર પ્રમાણે તે તમારા રોજીંદા કાર્યની ચક્કી ચાલુ રાખવા માટે પુરતી બાબતો નથી. આનાથી સાવ અલગ, મારા મત પ્રમાણે કાર્ય કરવાની સહુથી ઉર્જા આપણને ત્યારે મળે છે જયારે આપણો આપણા કાર્ય પર સંપૂર્ણ કાબુ હોય. જો તમે તમારા કાર્ય ઉપર સંપૂર્ણપણે કાબુ મેળવશો તો તમને એ કાર્ય કરવામાં પણ પુરતી ઉર્જા મળી રહેશે જે કાર્ય કરવામાં તમને મજા નથી આવતી હોતી.

આ બાબતે મેં પહેલાંતો ક્યારેય વિચાર કર્યો જ નહોતો, પરંતુ જયારે મેં મારા પોતાના અનુભવનો અભ્યાસ કર્યો ત્યારે મને લાગ્યું કે ફોસ્ટર સાચું કહી રહ્યા છે - જયારે મારી પાસે આખો દિવસમાં કરવા લાયક બહુ ઓછાં કર્યો હોય છે ત્યારે મને એ કાર્યો કરવા માટે ખુબ ઉર્જા આપોઆપ મળે છે અને એ કાર્યો હું મજાથી કરતો હોઉં છું અને એ કાર્યો કરતાં રહેવા માટે મને સતત પ્રેરણા આપોઆપ મળતી રહેતી હોય છે. પણ જયારે મારી સમક્ષ અસ્પષ્ટ અને અખૂટ કાર્યોનું લીસ્ટ હોય છે ત્યારે મારી ઉર્જા સાવ ખતમ થઈ ગઈ હોય એવું મને લાગતું હોય છે. આવા સમયે જયારે મારી પાસે ત્રણ કે ચાર ખુબ આકર્ષક કાર્યો કરવાના હોય છે તો પણ હું તેને માંડમાંડ પતાવતો હોઉં છું અને જાણેકે મારી પાસે આ કામો કરવાનો સમયજ નથી તેવું લાગતું રહેતું હોય છે.

૩. પોતાની જાતને થોડોક શ્વાસ લેવાનો સમય આપો!

જયારે તમારી સમક્ષ અચાનક આવનારા વિઘ્‌નો અને ક્યારેય ખતમ ન થનારા લીસ્ટની સિસિફસ ઈફેક્ટ જેવી બે તકલીફો આવીને ઉભી હોય ત્યારે તમારે પોતાની જાતને થોડોક શ્વાસ લેવાનો સમય આપવો જોઈએ, પોતાનું મગજ એકદમ સાફ રાખો અને તમારે આજે શું કરવું છે તેના પર સંપૂર્ણ ધ્યાન આપો. માંગણીઓ અને તમારા તેને આપવામાં આવનાર જવાબ વચ્ચે થોડુંક બફર મુકો. નહીંતો તમે કાયમને માટે ચિંતાતુર અને બિનઉત્પાદક બની જશો અને કાયમ કોઈ ઘટનાને પ્રતિક્રિયા જ આપતાં રહેશો.

બીજી તરફ, તમારે તમારા વચનો પુરા કરવા માટે તેમજ લોકોએ તમને જે કાર્ય સોંપ્યું છે તેમને એક યોગ્ય સમયમાં પૂર્ણ કરવા માટે પણ રસ્તો જોઈશે. જો આમ નહીં કરો તો તમારા પર કોઈજ વિશ્વાસ નહીં મુકે અને મોડેથી કાર્ય કરવા બદલ દંડ થશે તે તો નફામાં!

તો આ તમે કેવીરીતે કરી શકશો? આ બાબતનો ઉપાય હું આગલા પ્રકરણમાં આપીશ જેનાથી તમને કદાચ આશ્ચર્ય થાય અથવાતો તમારા ખુબ કામમાં આવે તેવો આઈડિયા આપીશ જેણે મને મારી જિંદગી બદલી નાખવામાં મદદ કરી હતી.

સવાલો

•વિઘ્‌નો તમારી સર્જનાત્મકતા પર શું અસર કરે છે?

•શું તમે સિસિફસ ઈફેક્ટને ઓળખી શકો છો? તે તમારી પ્રેરણા પર કેટલી હદે અસર કરે છે?

•અન્ય વ્યક્તિઓની માંગણીઓની તમારી કાર્યપ્રણાલી પર શું અસર થાય છે અને શું તેમાં કોઈ અપવાદ છે ખરો?

•તમારી સર્જનાત્મકતા પર આનાથી શું ફર્ક પડયો?