Madhu vani 3 books and stories free download online pdf in Gujarati

મધુ-વાણી - 3

અમે નીચે આવ્યા, મધુ બોલી "કેમ વાણી સાથે વાત ન કરવા દીધી?"

"તારે શું વાત કરવાની છે? તું મારી વકીલ છે? કે મને બોલતા નથી આવડતું? જે કાંઈ કરવી હશે તે હું કરી લઈશ, અને એક વાત સાંભળી લે, મને ભીખ નથી જોઈતી.. તું સમજે છે ને??"

અમે બંને પતપોતાના વિચારોમાં ચાલી રહ્યા હતા. અને એમ જ રેસ્ટોરન્ટ માં બેઠા, મધુએ કહ્યું "તું કશું જ જાણતો ન હોય તેમ રહેજે, જોતો રહેજે, બોલીશ નહિ, તેને જ બોલવા દેજે."

"હા, મેં પણ એ જ વિચાર્યું છે."

મધુને મૂકીને હું ઘેર આવ્યો. વાણી ટીવી જોતી હતી. હું પણ બેસી ગયો ને મેં થોડીવારે કહ્યું "ચાલ જમી લઈએ?"

"મારે નથી જમવું."

"કેમ?"

"બસ એમ જ..."

હું કશું બોલ્યો નહિ, થોડીવારે તે બોલી "તું જમી લે ને....."

"ના, મારી પણ ઈચ્છા નથી."

થોડીવારે તે બેડ પર જઈને સુઈ ગઈ, હું ટીવી જોતો બેસી રહ્યો. "લાઈટ બંધ કર, મને ઊંઘ નથી આવતી." મેં ઉઠીને લાઈટ બંધ કરી. થોડીવારે તે ફરી બોલી "ટીવીનો અવાજ નાનો કર, મને ડિસ્ટર્બ થાય છે. તારામાં અને ખાસતો પેલીમાં જરાયે મેનર્સ નથી, હું પથારીવશ હતી ત્યારે તમે લોકો કેટલા જોરથી વાતો કરતા હતા અને ટીવી નો પણ ફૂલ વોલ્યુમ રાખતા હતા."

"સોરી, પણ તે વખતે તને કહેવું જોઈએને.."

"શું કહે? હું તો તમારી દયા પર હતી, તમારામાં અક્કલ જોઈએ..."

વાણી જૂઠું બોલી રહી હતી, કારણકે તે જ ટીવી જોતી હતી, તે સુવાનું કહેતી તો હું તેને સુવડાવીને ટીવી બંધ કરી દેતો હતો, કારણકે હું ટીવી જોતો જ નથી, મને રસ જ નથી. અને વાતોની વાત પણ ખોટી છે, મધુ મોડામાં મોડી દસ વાગ્યે તો તેને ઘેર જતી જ રહેતી. અને તે મધુને 'પેલી' કહીને બોલાવતી હતી, તે મને ગમતું નહોતું, પણ હું કશું બોલ્યો નહિ. હું ટીવી તાકી રહ્યો હતો, પણ મારુ મગજ અને દિલ તો જાણે ક્યાં હતું. હું હમણાં વાણી સાથે દલીલો કરવા માંગતો નથી, તેનો મૂડ ઝઘડો કરવાનો છે, તે હું સમજી ગયો, કેમ? તે મારી સમજમાં આવ્યું નહિ.

થોડીવારે તે ફરી બોલી "સાંભળ, ઈચ્છા છે?"

મેં પ્રશ્નાર્થ દ્રષ્ટિથી તેની તરફ જોયું, તે બોલી "કરવું છે? સેક્સની ઈચ્છા હોય તો આવ, મને વાંધો નથી."

હું વાણીને આશ્ચર્યથી તાકી જ રહ્યો, ફરી તેણે બે હાથ લંબાવીને કહ્યું "આવ...",

મેં ના કહીને નજર ફેરવી લીધી.

"કેમ ના? કરી આવ્યો પેલી સ્લટ સાથે? આમ પણ તને પહોળા નિતંબોવાળી ગમે જ છે ને..."

મને સખત ગુસ્સો આવ્યો, હું રિમોટ ફેંકીને ઉભો થઇ ગયો, ખાસ તો તેણે મધુને સ્લટ કહી એટલે..

"વાણી, જબાન સંભાળ... તું મધુને કહે છે? એ મધુ કે જેણે તારા મળ-મૂત્ર પણ સાફ કર્યા છે."

"હું એ જ કહું છું, કેમ સાફ કરતી હતી? મારે માટે કરતી હતી? તેની હું શું થાઉં છું?"

"મારે માટે કરતી હતી, તે મારી દોસ્ત છે."

"ધેટ્સ ધ પોઇન્ટ... હવે તું મુદ્દા પર આવ્યો.. હું એ જ સમજાવવા માંગુ છું."

"હવે તારા દિમાગ પર લકવો લાગ્યો છે. જો આ રીતે જ વાત કરવાની હોય તો હવે મારાથી બોલીશ નહિ. અને તને જે કરવું હોય, જે ઈચ્છા હોય, તે તું કરી શકે છે, તે માટે હાથે કરીને ઝઘડા ઉભા નહિ કરે કે છટકબારીઓ પેદા કરવાની કોશિશ નહિ કરે તો ચાલશે.."

કહીને હું ઘરની બહાર નીકળી ગયો. કશાય આશય વગર અને અન્યમનસ્કપણે હું ભટકતો રહ્યો અને સિગરેટ ફૂંકતો રહ્યો. ફૂટપાથ પર લોકો સુતેલા હતા, એક કૂતરું જમીન પર મોઢું ચિપકાવીને બેઠું હતું, પણ તેની નજર તો મારી તરફ જ હતી. કારણ વગર જ મેં ચાલતા ચાલતા તેની પૂંછડી પાસે લાત મારી, તે દોડીને દૂર જઈને ઉભું ઉભું ચિલ્લાવા લાગ્યું, ખુબ વાગ્યું હોય તેમ કકળાટ કરતુ હતું, હું મનમાં જ હસ્યો, સાલા નાટકબાઝ.. મનેય ખુબ વાગ્યું છે, મારેય કકળાટ કરવો છે, દૂર ઉભા રહીને...

થાકીને મોડી રાત્રે ઘેર આવ્યો, વાણી ઊંઘતી હતી, હું નીચે સુઈ ગયો. સવારે આઠ વાગ્યા હશે, ને વાણીએ મને ઉઠાડ્યો, ને બોલી "ફ્રેશ થઇ જા, પછી મારે વાત કરવી છે."

બાથરૂમમાંથી બહાર આવીને મેં પૂછ્યું "બ્રેડ ખાઈશ કે ઓમલેટ બનાવુ?"

"મેં ચા-નાસ્તો કરી લીધા છે, તને જે ખાવું હોય તે બનાવી લે."

હું કિચનમાં આવ્યો, ને ચા મૂકી. વાણીએ મારી ચા પણ ન બનાવી? હશે, મને તો બધું જાતે કરવાની અને વાણીનું કામ પણ કરવાની આદત છે, સાચું કહું તો મને ખોટું લાગ્યું જ... હું કોઈ મહાત્મા નથી, સામાન્ય માણસ છું.

ચા લઈને હું અંદર આવ્યો, તે તૈયાર થઇ રહી હતી. "ડ્યુટી પછી હું અહીં નહિ આવું, જૂની હોસ્ટેલમાં જ રહીશ, સામાન સાથે જ લઇ જાઉં છું."

"કેમ? અહીં નથી ફાવતું?" અને વાત નો અંત લાવવા માટે જ પૂછી લીધું, "આપણે લગન નથી કરવા?"

"ના, બને તો મને માફ કરજે, પણ હું ધરાઈ ગઈ છું, ઉબકા આવે છે... આ રીતે લાઈફ નીકળી શકે નહિ. તમે બંને ખુશ રહેજો, તેં જે કઈ મારા માટે કર્યું છે, તેનું વળતર હું ચૂકવી શકું તેમ નથી, છતાં તું જયારે પણ બોલાવીશ, હું રાત રહી જઈશ."

હું તાકી જ રહ્યો, મારે કશું બોલવું નહોતું, તેને જ બોલવા દેવી હતી. તે આગળ બોલી "પથારીમાં પડી પડી હું તમારા બધા જ રંગ-ઢંગ જોતી હતી, ને તમારી વાતો પણ સાંભળતી હતી, પણ હું મજબુર હતી, હવે નથી, તમે ખુશ હોવ તો વચ્ચે આવવાવાળી હું કોણ?"

"વાણી, સાંભળ, તું જાણે છે કે તું જે કઈ બોલી રહી છે તે સાચું નથી, પણ તને કઈંક ખટકે છે, ગિલ્ટી ફીલ થાય છે, તું જે કઈ કરે છે કે કરવા માંગે છે તે માટેની નક્કર જમીન શોધી રહી છે, કે જેથી તું તારા વલણને જસ્ટીફાઈ કરી શકે, અને મધુને વચ્ચે લાવીને તું તારી જાતને બિચારી સાબિત કરવા માંગે છે. બાકી તું કારણ આપ્યા વગર પણ જતી રહીશ તો હું પૂછીશ નહિ..."

"તારી ગોળ ગોળ વાતો મને સમજાતી નથી."

"જરૂર પણ નથી. તું ખુશ રહેવી જોઈએ, બસ.." કહીને હું પાણી પીવા ઉભો થયો. વાણીએ પર્સમાંથી ત્રણ હજાર રૂપિયા કાઢીને ટેબલ પર મૂકીને બોલી "લે આ તારા પૈસા, પુરા જ હતા, મેં તો જાણી જોઈને તું ઝઘડો કરે, મને ગાળો આપે, મને મારે, એ માટે કરીને જ કહ્યું હતું. પણ તું એ મારા ધારવા મુજબ કર્યું નહિ, ને પેલી વચ્ચે ડબ ડબ કરવા લાગી ગઈ."

"રહેવા દે તને જરૂર પડશે, બીજા જોઈતા હોય તો પણ લઇ જા."

"ના, જોઈએ તેટલા મળી રહેશે."

"કોણ છે?"

તેણે કશો જવાબ આપ્યો નહિ, મેં ફરી પૂછ્યું "ક્યારથી ઓળખે છે?"

"અઠવાડિયાથી..."

"અઠવાડિયાથી જ? બસ? જમાનો ફાસ્ટ છે, પણ એટલો બધો પણ નથી, જૂઠું બોલે છે ને?"

"તુંય ક્યાં સાચું બોલે છે? તું મને બેંગ્લોર લઇ જતો? નહિ ને? મને પેલીની ચડામણીથી જૂઠું કહ્યું કે મહિના પછીની એપોઇન્ટમેન્ટ મળી છે, બરાબર ને? આ ત્રણ-ચાર દિવસમાં મેં બધી માહિતી એકઠી કરી છે. એ તો હું મારા વીલ-પાવરને લીધે ઉભી થઇ છું, બાકી તમે તો મને બેડમાં જ રાખતા.."

"વાહ, એટલે તારું કહેવું એમ છે કે મારો ઈરાદો તને બેડમાં જ રાખીને જિંદગીભર તારી સેવા ચાકરી કરવાનો હતો?"

"ઈરાદો બીજો જ હતો.. તારો નહિ પેલી નો... તારી તો એટલી હિમ્મત નથી, પણ હું પ્રાર્થના જ કરતી રહેતી હતી કે પેલીને તું મારી પાસે છોડીને કશે જાય નહિ, તે તકીયો દબાવીને મને મારી જ નાખતી..."

"તારા તર્ક એવા છે કે માની લેવાનું મન થાય છે... પણ દરેક વાતમાં તું મધુને વચ્ચે ન લાવ."

"એ જ તો મૂળ, જડ છે... તું ગમે તેવો પણ ભોળો છે, અને એટલે જ બીજાની ચડામણીથી ચડી જાય છે." કહીને વાણીએ બેગ ઊંચકી, અને તેનો પગ લથડ્યો, તેણે બેગ છોડી દીધી અને ટેબલ પકડીને પડતા બચી. હું દોડીને તેને પાસે ગયો, "વાણી શું થયું? તું ઠીક તો છે ને?" તેણે મારી સામે જોયું, જવાબ આપ્યો નહિ, ને ખુરશી પર ફસડાઈ પડી. હું તેને જોતો રહ્યો, તેને અડવાની મારી હિમ્મત થઇ નહિ, હું મારુ અપમાન કરાવવા માંગતો નહોતો. તે ઉભી થઇ. મેં કહ્યું "બેગ રહેવા દે, હું હોસ્ટેલ પર મૂકી આવીશ."

તે બેગ લીધા વગર જતી રહી, "આવજે, વાણી..." કહેતા મારા ગળે ડૂમો ભરાયો, તેણે સાંભળ્યું કે નહિ, પણ જતી રહી.

વાણી જતી રહી, કદાચ હવે મને ક્યારેય વાણી જોવા નહિ મળે... હવે લાગણીઓ પર કાબુ રાખતા શીખવું પડશે, ઠગાવાની છેતરાવાની પણ એક મજા હોય છે, ખાસ તો ત્યારે કે છતી આંખે અને જાણતા હોઈએ તો પણ પોતાના માનેલા વ્યક્તિથી છેતરાતા રહેવાની... જોકે મને બેવકૂફને તો ખબર જ ન પડી કે હું છેતરાઈ રહ્યો છું, કે વાણી મારી સાથે રમત કરી શકે...

મધુને મેસેજ કર્યો -વાણી ગઈ...

વાણી ની બેગ મુકવા જવાનું છે, જોઈ લઉં કશું લેવાનું ભૂલી તો નથી ગઈ? કબાટ ખોલ્યું, એક પૂરું ખાનું વાણીની જ વસ્તુઓથી ભરેલું હતું, હોસ્પિટલની ફાઈલ, રિપોર્ટ્સ, દવાની ચિઠ્ઠીઓ, રિપોર્ટની સીડીઓ, વગેરે હું જોવા લાગ્યો. મોટાભાગના રિપોર્ટ મગજને લગતા જ હતા. દિલના, દિલમાં શું છે? કેટલો પ્યાર છે? વગેરેના ટેસ્ટ પણ હોવા જોઈએ....

ઢગલો દવાઓ, મસાજની દવાઓ, એક્સરસાઇઝ ના નાના-નાના સાધનો, ફોલ્ડ કરીને મુકેલી વહીલચેર, એડલ્ટ ડાયપરનું અડધું પેકેટ, ટીસ્યુ પેપેરના બોક્સ, સેનિટરી નૅપ્કિનના પેકેટ, કોલન વોટરની બોટલો, પરફ્યૂમ્સની બોટલો, મેકઅપની વસ્તુઓ, હેર-પીનો .. બાપ રે.. હજુ એક બેગ ભરાય એટલું છે.

સિગરેટ પીવી પડશે, મારો રૂમ, કબાટ નહિ પણ હું ખાલી થઇ રહ્યો હતો... એવું લાગતું હતું કે જાણે મારા શરીર નો કોઈ ભાગ કપાઈ રહ્યો છે....

ભાઈનો ફોન આવ્યો "સેલિબ્રેશન પત્યું હોય તો લગનનું વિચારો, ક્યારે કરશો? અને હનીમૂન કરવા યુએસ આવજો."

હું ફિક્કું હસ્યો, "ભાઈ પછી વાત કરું, હું થોડો બીઝી છું."

"વાણીને ફોન આપ.."

"તે ઘરમાં નથી."

"ભલે, આવે તો ફોન કરાવજે, અને ત્રણ લાખ પાછા મોકલવાની જરૂર નથી, લગનની ભેંટ, હનીમૂન મારા તરફથી..."

હું ફરીથી ખુરશી પર બેસી પડ્યો, પહેલા વાણીનો સામાન મૂકી આવું...

ટેક્સીમાં જઈને હોસ્ટેલ પર બધું સોંપી આવ્યો. રખડતો રહ્યો, એક રેસ્ટોરાંમાં જમી લીધું, ઘેર જાઉં? શું કામ છે? આજે મને લાગ્યું કે મારી પાસે સમય જ સમય છે, કશું જ કામ નથી, દિવસ પસાર કરવો કેવી રીતે? વાણીને લીધે હું ચોવીસે કલાક બીઝી રહેતો હતો, હવે?

મધુનો ફોન આવ્યો, "ક્યાં છે? હું તારા ઘરની બહાર ઉભી છું."

"આવું જ છું, બહાર કેમ ઉભી છે, ચાવી તે જ જગ્યાએ સંતાડેલી છે, તું બેસ, હું આવું જ છું."

હું ઘેર આવ્યો, રૂમ ચોખ્ખો અને બધું જગ્યાએ ગોઠવાયેલું હતું. મધુ કિચનમાં હતી, હું "મારી પણ બનાવજે." કહીને રૂમમાં ખુરશી પર બેસી ગયો. મધુ કોફી લઈને આવી ને બોલી "ક્યાં ભટકતો હતો?"

"સામાન પહોંચાડવા ગયો હતો."

"લે.. એ પણ તારે માથે?? ખરું છે... તું ઠગાતો અને છેતરાતો જ રહીશ? બધું જ પ્રિ-પ્લાન્ડ છે. જો વાણી બીમાર ન થતી તો આજ બધું સાત મહિના પહેલા થવાનું હતું, એ તો વાણીને લકવો લાગ્યો ને તું કામે લાગી ગયો, હું શરત મારવા તૈયાર છું કે જો તને છોડી જતી પછી તેને થતું તો તે હમણાં સુધી મરી ચુકી હોતી, શું પેલો તારી જેમ તેને ઘેર લઇ જતો, કે સેવા કરતો?"

" "પ્રિ-પ્લાન્ડ, સાત મહિના પહેલા..... તને સપનું આવ્યું કે આકાશ-વાણી થઇ કે વાણીએ કહ્યું?"

મધુ કશું બોલી નહિ, ને મારુ કોમ્પ્યુટર ચાલુ કર્યું. પછી બોલી "મેં વાત સાંભળી, પછી તપાસ કરી અને મને ખાતરી થઇ પછી જ તને ફોન કર્યો હતો, અહીં આવ કશું બતાવું."

હું તેની પીઠ પાછળ ઉભો રહ્યો, મોનિટર પર વાણીનું ફેસબુક એકાઉન્ટ ખુલ્લું હતું. હું સમજી ગયો "તેં તેનું એકાઉન્ટ હેક કર્યું છે?" જોકે આ સવાલ પૂછવાની કોઈ જરૂર નહોતી, તેણે કશો જવાબ આપ્યો નહિ, ને ખુરશી થી ઉભી થઈને બોલી "બેસ અને તેમનું કન્વર્સેશન વાંચ, ડેટ અને ટાઈમ પણ જોતો જજે."

મેં થોડું વાંચ્યું, સ્ક્રોલ કરીને ઊડતી નજર ફેરવી, અને ઉભો થઇ ગયો. મધુ બોલી "વાણી ફરી ઓપરેટ કરે કે બધું ડીલીટ પણ કરી દે એટલે મેં સ્ક્રીન-શોટ લઇ રાખ્યા છે."

"કેમ? શું કામ છે? આપણે કોને બતાવવા કે શું સાબિત કરવું છે?" કહીને હું બેડ પર લાંબો થઇ ગયો, અને સિગરેટ સળગાવી. મધુ બોલી "આ બધું વાંચીને મને તારા માટે ખુબ જ લાગી આવ્યું, જે વ્યક્તિ જાન આપતો હોય તેની સાથે ક્રૂર રમત? અને મને ગુસ્સો તો એ વાતનો છે કે બંને એ, પેલાને તો છોડ, પણ વાણીએ તારો ઉલ્લેખ કરીને જે રીતે મશ્કરી, ખીલ્લી ઉડાવી અને શબ્દો પણ મજાકમાં કેવા વાપર્યા છે... અને તેં વાણીને હેર-પિન ગિફ્ટ આપી હશે, તેને લઈને જો વાણીએ તારી કેટલી મશ્કરી કરી છે અને તેના ફોટા પણ પેલાને મોકલ્યા છે... એટલો ગુસ્સો છે કે હું તેને મારી નાખું..."

હું બેડ પર બેઠો થઇ ગયો, અને હસી પડ્યો. મધુ મને જોઈ રહી હતી, મેં કહ્યું "વાણી પણ એ જ કહેતી હતી, તેને એજ ડર હતો કે તું એને મારી નાખીશ..." કહીને મેં તેને રાતે અને સવારે વાણી સાથે થયેલી બધી વાત કરી, ફક્ત વાણીએ મધુને જે ગાળ આપી હતી તે વાત ના કહી.

મધુ બોલી "બધું જ ભૂલી જા, આપણા પેન્ડિંગ કામ પુરા કર, ફરી દોસ્તો સાથે રખડ, પાર્ટીઓ કર..મારુ માને તો બે-ત્રણ મહિના યુએસ ભાઈ પાસે રહી આવ, તારી પાસે તો ગ્રીનકાર્ડ પણ છે જ ને.."

"પણ મધુ મને એ સમજાતું નથી કે વાણીને ફાયદો શું થયો? તેને કોઈએ બળજબરી કરી હતી, મારી સાથે પ્યાર કરવાની?"

"સીધું અને સરળ વસ્તુ છે, તું તેમનો વાર્તાલાપ વાંચીને સમજી શકતો નથી?"

"ના, પણ વાણીને જોઈએ છે શું?"

"પૈસા, હાઈ લાઈફ... હમણાં સુધી તે અભાવમાં અને મન મારીને જ રહી છે, તેની મહત્વકાંક્ષાઓ, સપનાઓ પુરા કરવા માટે તેને ખુબ પૈસાની, એક પૈસાદારની જરૂર હતી."

"હું ક્યાં પૈસાવાળો છું? "

"હા, તને ઓળખવામાં તેની ભૂલ થઇ ગઈ, તે તને ખાનદાની રઈસ અને પૈસાવાળો સમજી હતી."

"ના મધુ, તારી ભૂલ થાય છે, પ્યાર તો દૂર પણ સામાન્ય દોસ્તી હતી ત્યારથી તે મારી હકીકત જાણે છે, છતાંયે આગળ વધી, કેમ?"

"હા, તારું કામ, તારા ઘર, તારું સ્ટેટસ વગેરે જાણ્યા પછી પણ તે આગળ વધી, ના વધતી તો તારે માટે સારું રહેતું, પણ તે કઈંક બીજું જ વિચારતી હતી."

"શું વિચારીને મને પ્રેમ કર્યો, કે નાટક કર્યું?"

"પેલી કહેવત છે ને કે, ના મામો કરતા કહેણો મામો શું ખોટો? તું કહેણો મામો હતો તેને માટે, જ્યાં સુધી સાચો મામો ન મળે... તે કોઈ ચાન્સ લેવા માંગતી નહોતી. સાચો મામો ન મળે તો તું તો હતો જ ને... અને તું પણ કઈ જાય એવો તો નહોતો જ... તું સમજે છે ને? તેને જેવો જોઈતો હતો તેવો, તારા કરતા આર્થિક રીતે ઘણો સારો મળ્યો પણ ખરો, પણ તમારા સબંધ એટલા આગળ વધી ચુક્યા હતા કે કોઈ નક્કર, મજબૂત કારણ વગર સહેલાઈથી બ્રેકઅપ થઇ શકે એમ નહોતું. અને તેનો જ પ્લાન તે બનાવતી હતી કે તારી સાથે કેવી રીતે ઝઘડો કરવો અને તને છોડી દેવો, પણ તે પહેલા તે બીમાર પડી, અને બધું લંબાયું..."

મારી પાસે કશું બોલવા જેવું નહોતું. મધુએ બરાબર કડીઓ મેળવી હતી. મને મારી જાત પર ગુસ્સો આવ્યો, હું બેવકૂફ એટલો આંધળો હતો કે તેના નાટકને પણ હું જાણી શક્યો નહિ? ગમે-તેમ, મને વાણી પર જરાયે ગુસ્સો આવતો નથી, કેમ? ખબર નથી.

મધુ ઉભી થઈને બોલી "શું ખાઈશ? કશું બનાવી જાઉં?"

"ના, તું જા, હું કરી લઈશ."

"વોશિંગ મશીન સેટ કર્યું છે, વાણીની ત્રણ-ચાર બ્રા અને પેંટીંઓ ધોવા નાખી નથી,બહાર રાખી છે, ફેંકતી જાઉં ?."

"ના, રહેવા દે, હું ફેંકી દઈશ..."

મધુના ગયા પછી મેં વાણીના અંડર ગાર્મેન્ટ્સ મશીનમાં ધોવા નાખ્યા. કોમ્પ્યુટર પર વાણીનું ફેસબુક ખુલ્લું હતું, તે પ્રોફાઈલ પિક્ચરમાંથી મારી સામે હસી રહી હતી... મધુએ આ કરવા જેવું નહોતું, કમસે કમ વાણી જતી રહી તે માટે મારો જ કશો વાંક હતો તેવા ભ્રમમાં તો હું રહેતો....

હું પણ હેક કરી શકું છું, પણ આજ સુધી એવું કશું કર્યું નથી, કે જરૂર પડી નથી. મેં લોગ આઉટ કરીને બંધ કર્યું.

મને વાણીની આદત પડી ગઈ છે, મને વાણી પર ગુસ્સો કેમ નથી આવતો? કે પછી મધુ કહે છે એમ હું નોર્મલ નથી, ગાંડો છું?? તે ખુશ તો રહેશે ને? હજુયે તેની દવાઓ ચાલુ જ છે, તે બરાબર સમય પર ખાશે? આમ તો મેં દરેક સ્ટ્રીપ પર લેબલ ચોંટાડ્યા જ છે. અને કાલની એપોઇન્ટમેન્ટ છે, બતાવવા પણ જવાનું છે...

હું રખડવા નીકળી ગયો, હવે મોડો ખાઈને જ આવીશ.

***

સવારે મધુનો ફોન આવ્યો, "રાત્રે મારે ઘેર જમવાનું છે, મારા ભાઈનું બર્થડે છે."

"ના, મને નહિ ફાવે.. તને ખબર જ છે હમણાં મારુ દિમાગ ઠેકાણે નથી."

"એટલે જ તો.. લે મમ્મી સાથે વાત કર."

કહીને તેણે માંને ફોન આપ્યો, તેની માંના આગ્રહ સામે હું ના કહી શક્યો નહિ. આમ તો મધુનું ઘર કે તેના બે ભાઈ અને મમ્મી-પપ્પા મારા માટે અજાણ્યા નથી, ઘણીવાર હું જઈ આવ્યો છું. તેઓ બધા મને મધુના બોસ તરીકે અને દોસ્ત તરીકે માન આપે છે.

કામ કરતો રહ્યો, જમવાનો સમય થયો ખબર જ પડી નહિ. બનાવવાનો કંટાળો આવ્યો, એટલે બહાર જમવા નીકળી ગયો. પાછા આવતા યાદ આવ્યું કે મધુના ભાઈ માટે ગિફ્ટ લઇ જવી જોઈએ, શું લઉં? છેલ્લે જીન્સ અને ટી-શર્ટ લઈને ઘેર આવ્યો.

મોડી સાંજે મધુ આવી, "સવારની છેક સાંજે આવી? શું કરતી હતી?"

"કશું નહિ, તને એકલાને રડવા માટે..મને લાગ્યું કે મારી સામે કદાચ રડીશ નહિ, એટલે આવી નહિ, તું પણ ફોન કરી શકતો હતોને? ચાલ જઈએ?"

મેં તેને તેના ભાઈ માટે લાવેલ કપડાં બતાવ્યા, તે બોલી "ફોર્માલિટીની જરૂર નહોતી, પણ સરસ છે. આ રીતે જ આપીશ?"

"તો? કેવી રીતે અપાય?"

"મારો મતલબ કે પેકીંગ કરીને આપજે.." અને તે જાતે જ નીચે થી બધું લાવીને કપડાં પેક કરી દીધા. "જો હવે, આ રીતે સારા લાગે.. ચાલ જઈએ?"

હજુ પણ હું જતા અચકાઈ રહ્યો હતો, "ઘણું વહેલું છે, જઈએ થોડીવારે... મધુ તારા ઘરવાળા બધા ને વાણી વિષે વાત કરી છે?"

"હા, મમ્મીને કહ્યું છે, એટલે પપ્પાને પણ ખબર જ હશે."

"એટલે જ મને આવવાનું મન નથી, મને બિચારો, ગરીબડો, કહીને મારી દયા ખાશે એ મને નહિ ગમે."

"તેમને ગાંડા સમજે છે? તેઓ કશું જ નહિ બોલે, અને બોલશે તો હું છું જ ને?"

હું તૈયાર થવા માટે બાથરૂમમાં હતો, ને મધુ બાથરૂમ નજીક આવીને કહ્યું "તારો ફોન વાગે છે, વાણીનો છે."

"કટ કરી નાખ." કહીને હું બહાર આવ્યો તો ફરી વાણીનો ફોન આવ્યો, હું કટ કરવા જતો હતો કે મધુ બોલી "વાત કરને... કેમ નથી કરતો?"

ફોન ઉપાડીને મેં કહ્યું "બોલ"

"હોસ્પિટલ ગઈ હતી, ડોક્ટરે કહ્યું કે તમારા પતિને લઈને આવજો, અથવા તેમને મોકલજો, વાત કરવી છે."

"તો?"

"તો શું? તું કેમ બધી જગ્યાએ મારી પત્ની છે એમ કહ્યું ને લખાવ્યું છે?"

"ટૂંકમાં પતી જાય તે માટે... નહીતો સત્તર સવાલો અને શંકા-કુશંકાનો સામનો કરવો પડે..."

"હા તો હવે? ડોક્ટરને તારી સાથે જ વાત કરવી છે..."

"શું વાત કરવી છે? તને કહેવાય નહિ કે હું તારો પતિ નથી..."

"શું વાત કરવી છે તે હું શું જાણું? દોઢ ડહાપણ કરી આવ્યો છે તો હવે મારી સાથે આવજે. ફાઈલ હું ઓફિસે જ લઇ આવી છું."

"ના, હું નહિ આવું."

કહીને મેં ફોન કાપી નાખ્યો. અને મધુ તરફ જોઈને બોલ્યો "કઈંક ખોટું છે, ડોક્ટરને મળવું પડશે."

"ખરું હોય કે ખોટું હોય, હવે આપણને શું? તે બે ફોડશે.. કહેતોને કે પેલાને લઇ જાય.. "

મેં કશું બોલ્યો નહિ. ફરી વાણીનો ફોન આવ્યો, મેં મધુ સામે જોયું, "લાવ હું વાત કરું છું" કહીને મધુએ ફોન લીધો, અને સ્પીકર ઓન કરીને બોલી "સાંભળ, જે કઈ કરવા જેવું અને ન કરવા જેવું પણ તે બધું કરી ચુક્યો છે, હવે કંઈ જ આશા રાખીશ નહિ. હવે તો તારી પાસે નવો બકરો છે ને? તેને પતિ કહીને વધેરી નાખજે..."

"તેને ફોન આપ, મારે નોકરોથી વાત નથી કરવી.."

"તે ના પાડે છે." કહીને મધુએ ફોન બંધ કર્યો, ને બોલી "ચાલ, મૂડ ખરાબ કરી નાખ્યો...

અમે મધુને ઘેર આવ્યા. ઘણી વાતો કરી, આગ્રહ કરીને જમાડ્યો. મને જરાયે અજાણ્યું લાગવા દીધું નહિ. કે કોઈએ વાણીનો ઉલ્લેખ સુધ્ધાં કર્યો નહિ. મને વળાવવા તેની મમ્મી છેક દાદર સુધી આવ્યા, અને મારે માથે હાથ ફેરવીને બોલ્યા "બહુ ઓછા તમારી જેમ નિભાવી જાણે છે...આવજો."

-- બાકી છે.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED