Hu-Gujarati-22 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hu-Gujarati-22


હુંુ ગુજરાતી - ૨૨COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

૧.અતિથી એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

૨.કલશોર - ગોપાલી બૂચ

૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા

૪.કૌતુક કથા - હર્ષ પંડયા

૫.માર્કેટિંગ મંચ - મુર્તઝા પટેલ

૬.ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર

૭.સંજય દ્રષ્ટિ - સંજય પિઠડીયા

૮.ગ્લોબલ મેનેજમેન્ટ - દીપક ભટ્ટ

૯.મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર

૧૦.પ્રાઈમ ટાઈમ - હેલી વોરા

૧૧.બોલીસોફી - સિદ્ધાર્થ છાયા

૧૨.લઘરી વાતો - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

અતિથી

એડિટરની અટારીએથી....

સિદ્ધાર્થ છાયા

એક વર્ષની સમાપ્તિ...

જી હા, ‘હું ગુજરાતી’નો આ બાવીસમો અંક એક આનંદમયી ઘટના લઈને આવ્યો છે. આ અંક સાથે આપણા બધાંનો એક વર્ષનો સાથ સંપૂર્ણ થયો છે અને આપણે બધા બીજા વર્ષમાં ફરીથી સાથે કદમતાલ મેળવવા તૈયાર થઈ જવાના છીએ. ગત જૂનમાં માત્ર એવા લેખકો અને લેખિકાઓ સાથે સફર શરૂ કરી હતી જેમનામાં ટેલેન્ટ તો ભરપૂર હોય પરંતુ પોતાની આ ટેલેન્ટને પ્રદર્શિત કરવા માટે કોઈ મોટું તો છોડો કોઈ સ્ટેજ જ ન મળ્યું હોય અથવાતો તેમને મળે કે ન મળે એવી કોઈ પરવાહ ન હોય અને એતો બીદાસ પોતાની રીતે લખતા રહેતા હોય. આવાં ૧૧ લેખકોની એક ટીમ લઈને અમે સાથે ચાલ્યા હતા અને આજે એકવર્ષ બાદ અમુક ચહેરાઓ બદલાયા છે પરંતુ સંખ્યાતો એટલીજ રહી છે એ જોઈને મેગેઝીનના એડિટર તરીકે ખુબ આનંદની લાગણી થઈ રહી છે. કોઈપણ મેગેઝીનના એડિટર બનવું એ કેટલું મુશ્કેલીભર્યું કામ છે એ મને આ આખા વર્ષમાં ખુબ સારીરીતે શીખવા મળ્યું છે.

જો કે અન્ય મોટા મેગેઝીનોના કંટાળી ગયેલા અને એ કંટાળાથી ચોવીસ કલાક ગુસ્સે થઈને ફરતાં એડિટર્સથી સાવ અલગ મને મારા લેખકોનો સંપૂર્ણ ટેકો મળ્યો છે અને અમે ખરેખર એક ટીમ કે એક પરિવારની જેમ અડીખમ ઉભા છીએ. એક વર્ષ અગાઉ અમે બધાં એકબીજાને ઓળખતાં ન હતાં. પણ મેગેઝીનને લગતી કોઈપણ મહત્વની માહિતી જાણવી રહી ન જાય અને તેને શેર કરવામાં સરળતા રહે એટલે ફેસબુકમાં આ તમામ લેખકો તેમજ લેખિકાઓનું એક ગ્રુપ બનાવ્યું છે, ત્યાં આજકાલ અમે માહિતી ઓછી અને મોજ-મસ્તીના અને એકબીજાની ટાંગ ખેંચવાના કર્મો વધુ કરતાં હોઈએ છીએ. આ બતાવે છે કે જો અજાણ્‌યા લોકો પણ આપણા બની જાય છે જો દિલથી ઈચ્છા હોય તો. વળી, અમદાવાદ પુસ્તક મેળામાં રાઈટર્સ કોર્નરમાં જયારે વાચકો સાથે રૂબરૂ મળવાનું થયું અને તેમનાં પ્રતિભાવો જાણવા મળ્યાં ત્યારે અમને બધાંને શેર લોહી ચડી ગયું હતું અને એ અમારાં આવનારા લેખોમાં તમને જરૂર દેખાશે.

એક વર્ષ...હવે? વેલ, હવે ઘણુબધું આવવાનું છે અને એપણ એક જોરદાર બદલાવ સાથે. એ બદલાવ શું છે? એ જાણવા માટે વોચ ધીસ સ્પેસ... ત્યાંસુધી આવજો......

કલશોર

ગોપાલી બૂચ

“વાકેફ છું”

ઉન્માદથી,અવસાદથી વાકેફ છું,

હું પ્રેમનાં સૌ સ્વાદથી વાકેફ છું.

ગમવા છતા તું ’વાહ’ ના બોલી શકે,

એવી અધૂરી દાદથી વાકેફ છું.

સાચુ કહુ? આ હાથ છૂટ્‌યો છે છતા,

બન્ને તરફનાં સાદથી વાકેફ છું.

એવું નથી કે તું જ સોરાયા કરે,

હું પણ બધી ફરિયાદથી વાકેફ છું.

બહેરી નથી કંઈ એમ તો આ ચામડી,

છું, સ્પર્શનાં સંવાદથી વાકેફ છું.

ખાંગા થઈને અક્ષરો તૂટી પડે,

એવા ઘણા વરસાદથી વાકેફ છું.

- પારૂલ ખખ્ખર

"પ્રેમ"ક્યારેક પાણીપુરી જેવો તો ક્યારેક મીઠ્‌ઠી લસ્સી જેવો એ પણ મલાઈ મારકે! અવનવા ખટમીઠ્‌ઠા રંગ અને સ્વાદ વચ્ચે પાંગરતી પ્રિત પ્રેમના ઉબડ ખાબડ રસ્તે થઈને ઉન્માદથી અવસાદ તરફ ક્યારે પગ કરી જાય એ ખુદ પ્રેમીને પન ખબર નથી પડતી.એ પ્રેમ સ્થિરતા ધારણ કરી જાય છે. આ ઉન્માદથી અવસાદ સુધીની વાકેફગીરી એ ઓરકુટથી શરૂ થઈ ઈમેઈલ, જીમેઈલ, ફેસબુક કે વાઈબર પર થતો,વિસ્તરતો,લુડકતો અને તુટતો નેટકીયો પ્રેમ નહી ,પણ દુર રહીને પણ પ્રિયતમના સતત નજીક હોવાનો ,પરસ્પરના અતૂટ સ્નેહ ,સમર્પણ અને વિશ્વાસનો અમૂલ્ય ખજાનો છે.પ્રેમના અમૃતને ઘોળી ઘૉળી પીવાની વાત થઈ આતો.અને હા,એના માટે ઉમર,સ્થળ,સમય અને સંજોગની અનુકૂળતાની જરૂર જ નથી.આ તો અહેસાસની વાત છે.આ અહેસાસ આપણને પ્રેમની વ્યાખ્યાને સંપૂર્ણ પરિપક્વ બનાવી એકમેકમા એકાકાર થતાં અદ્વૈત અવસાદ સુધીની યાત્રા કરાવે છે.બહુ જ ઓછા શબ્દમા પારૂલ ખખ્ખર બહુ જ મોટી વાત બહુ જ નાજૂકાઈથી રજુ કરી રહ્યાં છે.

ગઝલની એક ખુબી એ જ છે કે ગઝલ એનાં દરેક શેરમા એક નવી જ વાત લઈને આવે છે.એ એકધારા રસમા ઘૂટાઈને ગતિ નથી કરતી એ ગઝલની લાક્ષણિકતા છે.અહીં ગઝલનો બીજો શેર માનવીના ખોખલા દંભને ચોટ સાથે રજૂ કરે છે.બીજાનું સફળ અસ્તિત્વ ન સ્વીકારી શકવું એ માણસની મૂળભૂત નબળાઈ છે.જેની પર કવયિત્રીની તોપનું નાળચુ સ્થિર થયું છે. કહેછેને કે દુશ્મન સમકક્ષ હોય તો લડવાની મજા છે? બસ તો આ જ સહજ ભાવ સાથે ધારદાર રીતે આરોપ છે કે ગમતી વાત છતા પન સામે પક્ષેથી દાદ આવતી નથી અને એ વાતનો પણ આ પક્ષે સ્વીકાર છે.આમ જોઈએ તો અહી એમ પણ કહી શકાય કે આ વાકેફ હોવુ એ પણ બધો સ્વિકાર છે.ગમતાનું નાગમતુ સ્વિકારવું એ પ્રણયનો ઉત્કટ સહજ સ્વભાવ છે.

પ્રેમ્,મિલન ,જુદાઈ આ બધાં વચ્ચે પણ સહજ સરળ સ્વિકારનું તત્વ જળવાઈ રહેવું એ એ જ પરસ્પરને પામવાની ,મહેસુસ કરવાની મજા છે.ક્યારેક સંજોગો વિરહ જન્માવે અને છતાં પણ જે વિરહનું દુઃખ એક પક્ષે છે એ જ બીજો પક્ષ આપોઆપ પામી લે છે.

ગઝલકારા પરવિન શાકિરનો એક અદભૂત શેર યાદ આવે છે."તેરી ખુશ્બુકા પતા કરતી હે,મુજપે યે અહેસાન હવા કરતી હે".

આપણા કાલિદાસ પણ વિરહિણી પ્રિયાને મેઘ દ્વારા સંદેશો મોકલાવે.આ ઉર્મી જ એવી છે કે કોઈ બંધન વગર પણ બંધાયેલાં સ્વજન હવામા પણ હાથ સ્પર્શી લેતા હોય છે.લાગણીના આ મૌન પડઘાં હ્ય્દયના એક ખૂણામા ધબકતાં રહે છે. એ વિખુટા થઈ ગયેલાં ભીનાં ભીનાં સ્પર્શની અનૂભુતિ કરાવે છે.

વ્યથા બન્ને તરફ સરખી જ છે.જુદાઈની અવસ્થા બન્નેને કઠે છે અને બન્ને જણા એ વાતથી સૂપેરે પરિચીત છે.સ્પર્શ પણ જ્યાં પડઘાય છે એવી પ્રેમની તીવ્ર મનોવ્યથા.એ સ્પર્શની યાદ પન શરીરમા લખલખુ પસાર કરી જાય છે.

સમગ્ર સૃષ્ટિ મૌન ધારણ કરી બેઠી હોય એ સમયે હાથમા બેઠેલો હાથ જ બોલતો હોય છે.સ્પર્શની એક અલગ જ ભાષા છે.માત્ર પ્રેમીપંખીડા માટે જ નહી પણ રદતું બાળક પણ માના સ્પર્શ માત્રથી ચુપ થઈ જાય છેઆબોલ પ્રાણી પણ સ્પર્શની ભાષા સમજી શકે છે.

અને આ બધી સંવેદનાઓ એક હદથી બહાર અનરાધાર થઈ હ્ય્દયના ભાવજગતમા સફર ખેદે ત્યારે કવિહ્ય્દય કલમનો સહારો લઈ એ ભાવ જગતને કાગળ પર વરસાદવાનું શરૂં કરે છે.ત્યારે જ ખળખળ કરતી લાગણી વહેવા લાગે કે ,"હું પ્રેમના સૌ સ્વાદથી વાકેફ છું" મુહોબતના દરેક સ્વરૂપનો સ્વીકાર એટલે જ પ્રેમનું સાફલ્ય.

મોરપીંછ

કાનજી મકવાણા

કૌતુક કથા

હર્ષ પંડયા

ફિલ્ડ માર્શલ સામ માણેકશા- આઈ એમ ઓકે !!

મધર્સ ડે અને સૌરાષ્ટ્રની એ માં

‘જી નહીં મેડમ, આ બરાબર સમય નથી.’

‘કેમ? દુશ્મન આપણી ચુપ્પીને આપણી નિર્બળતા સમજે એવું હું નથી ઈચ્છતી. સમજો છો ને તમે?’

‘બરાબર સમજુ છું મેડમ, પણ આ મહિનામાં ત્યાં બ્રહ્‌મપુત્રા અને ગંગા ગાંડીતુર હોય છે.આપણા લશ્કરે શું કામ એવા ભયાનક ગરમી અને પૂરમાં ત્રાસ વેઠવો?’

સાચો સંવાદ જરાતરા ફેરફાર સાથે મુક્યો છે. દેખીતી રીતે, આ સંવાદ એક પ્રધાનમંત્રી અને એક આર્મી જનરલ વચ્ચેનો છે. એ પ્રધાનમંત્રી એટલે સ્વ. ઈન્દિરા ગાંધી અને એ જનરલ એટલે જનરલ સામ માણેકશા. અંગત જીવનમાં હસમુખા અને ઝીન્દાદિલ મિજાજી જનરલ હજુ થોડા સમય પહેલા આ દેશની ધરતીને છોડીને હંમેશ માટે ઉપર ડયુટી બજાવવા પહોંચી ગયા છે. પ્રધાનમંત્રીને પણ સ્પષ્ટ સત્ય મોઢામોઢ ચોપડાવી દેવાના કારણે ઘણીવાર એમના સાથીદારોને લાગતું કે આ વ્યક્તિ વધુ પડતું સ્પષ્ટ કહેવાના મામલે ભરાઈ પડશે, પણ એવું થતું નહીં કેમકે પ્રધાનમંત્રીને પણ જનરલના મતને સ્વીકારવો પડે એટલો એમનો અનુભવ હતો. શાતીર દિમાગ અને અજોડ વ્યૂહરચના ઘડી કાઢવામાં ઈઝરાયેલના એક સમયના આર્મી ચીફ રહી ચુકેલા જનરલ મોશે દાયાનને પણ યાદ કરવા રહ્યા. આ એજ મોશે દાયાન, જેમને ઓલિમ્પિક ૧૯૭૨ વખતે મૌતને ઘાટ ઉતારી દેવાયેલા ખેલાડીઓના હત્યારાઓને ચુન ચુન કે મારવા માટેની જવાબદારી તત્કાલીન વડાપ્રધાન ગોલ્ડા મીરે આપી હતી જેને એમણે બખૂબી પાર પાડી હતી. મોશે દાયાને જગપ્રસિદ્ધ સિક્સ ડે વોરમાં ય છ દિવસમાં અડધો ડઝન દુશ્મન દેશોને હંફાવી ધૂળ ચાટતા કરી દીધેલા.

ઈ.સ. ૧૯૭૧. યુદ્ધના ભણકારા તો ક્યારના ય વાગતા હતા પરંતુ પલીતો ક્યારે ચંપાય એ જોવાનું હતું. એ સમયે અમેરિકી પ્રમુખ રીચાર્ડ નિકસન અને વિદેશપ્રધાન હેન્રી કિસીન્જર ભારત આ ધગી રહેલા વાતાવરણ પર ઠંડુ પાણી રેડવા આવ્યા હતા. એવામાં જનરલ સામ માણેકશાને એક દિવસ પી,.એમ. હાઉસ જવાનો સંદેશો આગલે દિવસે મળ્યો. એમાં સુચના હતી કે બીજે દિવસે પોતાના લશ્કરના ગણવેશમાં હાજર રહેવું. સમય હતો બ્રેકફાસ્ટનો. સામાન્ય રીતે બ્રેકફાસ્ટ પર યુનિફોર્મની જરૂર ન હોય એવી દુવિધામાં વિચારતા વિચારતા એમણે બીજે દિવસે તૈયાર થઈ પી.એમ. હાઉસ તરફ પ્રયાણ કર્યું. સવારે બ્રેકફાસ્ટના ટેબલ પર નિકસન, શ્રીમતી ઈન્દિરા ગાંધી અને હેન્રી કિસીન્જરે ઔપચારિક વાતો શરૂ કરી. શ્રીમતી ઈન્દિરા ગાંધીએ સીધો જ મુદ્દો ઉઠાવતા કહ્યું કે આ રીતે પૂર્વ પાકિસ્તાનમાંથી રોજેરોજ નિરાશ્રીતો આવે એના કરતા આ સમસ્યાઓનો નિવેડો લાવી દેવાય એવું હું દ્રઢપણે માનું છું. અને આ મુદ્દે મારે એ જાણવું છે કે અમેરિકાનો મત શું છે? અમેરિકી રાષ્ટ્રપ્રમુખ નિકસને મીંઢા હાસ્ય સાથે વાત ને ઉડાડવાની શરૂ કરી ત્યાં જનરલનો પ્રવેશ થયો. ઈન્દિરાજી એ વાક્ય ઉઠાવ્યું,’જો તમે સહકાર નહીં આપો, તો હું (જનરલ તરફ ઈશારો કરીને) આ માણસને પૂર્વ પાકિસ્તાન પર છુટ્ટો મૂકી દઈશ.’ મીટીંગ ત્યાં જ પતી ગઈ. ચોકેલા જનરલે પ્રશ્નસુચક નજરે પી.એમ. સામે જોયું ત્યારે પી.એમ, એ સસ્મિત જોયું. જેનો અર્થ એ થતો હતો કે યેસ, મને ભરોસો છે મારા નિર્ણય અને પસંદગી પર.

૧૬ ડીસેમ્બર, ૧૯૭૧. પાકિસ્તાની જનરલ નિયાઝીએ ભારતના લશ્કર સામે શરણાગતિ દસ્તાવેજ પર સહી કરી આપી ત્યારે જનરલ માણેકશા ત્યાં હાજર ન હતા. હારેલા દુશ્મન પણ આર્મીમાં ચોક્કસ રેન્ક પર છે એ વાત એ ભૂલ્યા ન હતા, એમણે ભારોભાર ખેલદિલી અને સન્માનપૂર્વક પાકિસ્તાની ફૌજીઓના શબોને સુપરત કરવામાં અંગત રસ લીધો હતો. સૌ પહેલા ઉપર નોંધ્યો એ સંવાદ યુદ્ધનું પ્લાનિંગ ચાલી રહ્યું હતું એ વખતનો છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ ફિલ્મ ‘બોર્ડર’માં જે યુદ્ધના દ્રશ્યો છે, એ બેટલ ઓફ લોંગેવાલામાં પાકિસ્તાની લશ્કરે ધૂળ ચાટતા થઈ જવું પડયું હતું. ફિલ્મના ઘણાખરા દ્રશ્યો કાલ્પનિક છે એટલે એની ચર્ચા બાજુ પર રાખીએ,પરંતુ બેટલ ઓફ લોંગેવાલાના કુલદીપસિંહ ચાંદપૂરી તો એ જ છે જે ફિલ્મમાં બતાવે છે. મૂળ તો પૂર્વ પાકિસ્તાન તરીકે ઓળખાતો પ્રદેશ બાંગ્લાદેશ તરીકે સ્વતંત્ર થવા ઈચ્છુક હતો પરંતુ મૂળ પાકિસ્તાનને એ મંજુર ન હતું. એટલે બાંગ્લાદેશ મુક્તિવાહીની તરીકે ઓળખાતી ક્રાંતિકારી સંસ્થાને મદદ કરવાના કારણોસર પાકિસ્તાને ખુલ્લેઆમ ૩ જી ડીસેમ્બર,૧૯૭૧ એ મોરચો ખોલી દીધો. જેનો જવાબ અને ફૈસલો ફક્ત ૧૩ દિવસમાં આવી ગયો હતો.

સલામ જનરલ....

વી આર નોટ ઓકે વિધાઉટ જનરલ્સ લાઈક યુ.

માર્કેટિંગ મંચ

મુર્તઝા પુટેલ

“ભૂખ્યા નથી રહેતા એ નારી કે નર,

ઉપુયોગ કરે છે નેટ-કળથી જે પુોતાનું હુન્નર”

“સાહેબ! નથી કરવી તમારી નોકરી....જેટલાં રોકડાં હું તમારી કંપનીમાંથી કમાઈ શકું છું તેના જેટલાજ...અરે બલકે થોડાં ઓછા પણ કમાઈ લઈશ તો ય મને વાંધો નહિ આવે. પણ તમારા માટે કમાવવા કરતા મારા ખુદના માટે કમાવવું મને વધારે લાભદાયક લાગે છે.”

જો જો પાછા....આ ઉપર મુજબનો ઘસાયેલો ડાયલોગ કોઈ ટેલીફિલ્મ, સિરીયલ કે નાટકનો ન સમજતા દોસ્તો!...

આ સવાંદ તો સાચેસાચ થોડાં વર્ષો અગાઉ બે સ્ટીવો નામના જીવો વચ્ચે બની ગયેલો. અને તેય તેમની પાકા એપલ જેવી ઈંગ્લીશ ભાષામાં...તેમાં બોલનાર હતો સ્ટિવ શાઝીન અને સાંભળનાર સ્ટિવ જોબ્સ.

યેસ!...એનું નામ સ્ટિવ શાઝિન. એ ખરૂં કે તેના કેરિયરની શરૂઆત એપલ કંપનીમાં તેના હમનામી અને ક્રિયેટિવ કિંગ ‘સ્ટિવ જોબ્સ’ સાથે સોફ્ટવેર પ્રોગ્રામર તરીકે ડાઈરેક્ટ કામ કરીને થઈ. પણ વખતે ગુરૂજ્જ્ઞાન થતા બીજાની ‘જોબ્સ’થી છુટ્ટા પડી પોતાની જોબ મેળવવાની એની અનોખી અદા અને કળા દ્વારા તેણે ‘હજારોમાં (લાખો કરતા થોડાં જ ઓછા સમજવું) હટકે’ ઓળખ પ્રસ્થાપિત કરી છે.

આજે એ સ્ટિવબાબાની એ વેપારીક ભક્તિ થી મુક્તિની જ નાનકડી કથા કરવી છે. વાત ધાર્મિક નથી...માર્મિક છે. ખુદને ગમતા કામનો ધર્મ શું છે તે થોડી સમજવાની છે....ને વધારે ‘એપ્લાય’ કરવાની છે.

તો...સ્ટિવ જ્યારે એપલમાંથી હજારો..હજારો ડોલર્સની નોકરીને મૂકી રહ્યો હતો ત્યારે તેણે વિચાર્યું ન હતું કે હાયલા! મારૂ પેટ કેમ ભરીશ? મા-બાપને, બૈરી-સાસરાને....અરે દોસ્ત-લોકોને શું મોં બતાવીશ...?!?!?

બસ એ તો દિલમાં હામ, ‘હોમ’માં દિલદારી દાખવી આવી ગયો બહાર જેમ એપલમાંથી અળસિયું.

આ વાત બની છે બસ હજુ થોડાં જ વર્ષ પહેલા...૨૦૦૭ના અરસામાં. ત્યારે ઈન્ટરનેટ પર બ્લોગ નામનું બાળક હજુ પા પા પગલી ભરી રહ્યું હતું. તે વખતે આ બ્લોગબેબીની અસાધારણ પ્રતિભા સમજી લઈને સ્ટિવભાઈએ તેને અપનાવી લઈ નેટાળો બ્લોગી બની ધૂણી ધખાવી દીધી. જેમાં તેણે જુનવાણી લાગતા તેના રિઝ્‌યુમ/બાયોડેટાને હોમી દીધા. કેમ કે તેના બદલે તેને એક અનોખી ભલામણનો ઉપયોગ કરવાનો હતો.

જો કે એકાદ વર્ષ ખુદના બિઝનેસને જમાવવામાં આરામથી પોતાના કુટુંબ સાથે સર્વાઈવ કરી શકે એટલું રોકડું તો તેણે પહેલાથી ખિસામાં પારખી લીધું હતું. એટલે ટેન્શન એ ન હતું. એ તો હતું કે...આ બ્લોગ પર શું લખવું, કેવું લખવું, ક્યાંથી લખવું, કોને માટે લખવું...

એ તો સારૂં થયું કે આવા બધાં પ્રશ્નો માટે સ્ટિવઅન્નાને કોઈ પણ પ્રકારનું લોકપાલ બિલ બહાર પાડવું ન પડયું. અરે બાપા!...ક્યાંથી જરૂર પડે? એ તો ક્રિયેટિવિટીનું ‘એપલ પાઈ’ ખાઈને ઉપરવાસમાંથી આવ્યો હતો.

એવા અરસામાં આઈપોડ, આઈફોન, આઈમેક, આઈટ્‌યુન્સ જેવા ઈલેક્ટ્રોનિક શસ્ત્રોથી સજ્જ એપલ કંપની આગે કુચ કરી રહી હતી ત્યારે આ કુચકદમમાંથી ભલેને પોતે નીકળી ગયો હોય પણ હઈશો.... હઈશો...નો ઘોંઘાટ હજુયે ચાલુ હતો. ને તેવા જ ઘોંઘાટમાં તેને એક સુરીલો સ્વર સંભળાયો સ્ટિવભાઈને એક ઉપાય પણ સૂઝી આવ્યો. જેને માટે નોબલ પ્રાઈઝ તો નહિ પણ મજાનું અલગ પ્રાઈઝ મળવાનું હતું જેની તેને ખુદને ખબર ન હતી. એ તો બેસી ગયો માર્કેટિંગનાં મંત્રો ફૂંકવા.

“એપલના માર્કેટિંગ સિક્રેટ્‌સ અને મારા અનુભવો દ્વારા તેમાંથી હું શું શીખ્યો?”

બસ! સ્ટિવબાપુને મળી આવ્યો વિષય ને ઠપકારી દીધી ઈ બાપુ એ હાવ નાનકડી ઈ-બૂક....સાવ મફતમાં. કરોડો વાંચકોની વચ્ચે શરૂઆતમાં આ નાનકડી પુસ્તિકા...કોને મળે?...કોણ વાંચે?...પણ સ્ટિવભાઈ એમનું નામ. ગુરૂ પાસેથી શીખેલો પદાર્થ પાઠ કાંઈ એમને એમ થોડો એળે જાય?

વધુમાં બ્લોગમાં રહેલી પેલી ટેકનોલોજીની રજ વાળી હવાએ જોર પકડયુ. ને જેમને જરૂરી લાગે એવા લોકો પાસે ઈ-બૂક પહોંચવા લાગી. થોડાં જ દિવસોમાં, પછી મહિનાઓમાં, ને આજે તે પાછલાં વર્ષોથી ઈ-બૂક હજુને હજુ વખતો વખત ડાઉનલોડ થતી રહે છે.

તમારો મનમાં જાગેલો સવાલઃ મુર્તઝાભાઈ, પછી શું? આમાં સ્ટિવભાઈના કેટલાં ટકા? એમના હાથમાં શું આવ્યું?..કાંકરી કે ખાખરી?

તમારા મગજમાં મુકાતો જવાબઃ સ્ટીવ સાહેબની જે તીવ્ર ઈચ્છા હતી તે. તેમને મળ્યું ઉપયોગી થઈ શકે તેવા સમજુ લોકોનું એક ગ્રુપ. અને એ ગ્રુપનો પ્રોફેશનલ સહારો. છે ને...‘સર’પ્રાઈઝ’?!!?!!?

આજે સ્ટિવ શાઝિન ઈન્ટરનેટના પ્લેટફોર્મ પર પોતાની માર્કેટિંગ-કળાનું જ્જ્ઞાન અને સલાહ-સૂચનો દ્વારા કેટલીયે કંપનીઓ અને વ્યક્તિગત લોકોને મદદ કરીને કમાણી કરે છે. સેમિનાર્સ ઓર્ગેનાઈઝ કરી આજની જરૂરી એવા ઈનોવેટીવ માર્કેટિંગના સિધ્ધાંતોને શીખવે છે. એ સિવાય હજુયે ઈનડાયરેકટ એપલનું માર્કેટિંગ તો ખરૂં જ. કેમ કે તેનું માનવું છે જે ડાળ પર બેઠા હોઈએ તેના પર પથ્થર કેવી રીતે મારી શકાય?

મિત્રો, (અને ખાસ કરીને કોલેજ જતાં દોસ્તો)..... ઈન્ટરનેટ તમને તમારા ભાંગ્યા-તૂટ્‌યા અંગ્રેજી માટે નહિ પણ દિમાગની નસોમાં છુટાં થઈને ફરતા પેલા આઈડિયાઝને બહાર કાઢવા માટે...તરસ્યું થઈ બોલાવી રહ્યું છે.

હવે તમે ક્યારે વરસો છો?....

ફૂડ સફારી

આકાંક્ષા ઠાકોર

રંગીલો રાજસ્થાન

રાજસ્થાની ખાનપાન તેના રહેવાસીઓની યુદ્ધ જેવી જીવનશૈલી અને આ શુષ્ક પ્રદેશમાં સામગ્રીઓની ઉપલબ્ધતા બંને દ્વારા પ્રભાવિત હતી. અહી એવા જ ખોરાકની પસંદગી કરવામાં આવે છે જે કેટલાક દિવસો માટે ટકી શકે છે અને ગરમ કર્યા વગર પણ ઉપયોગમાં લઈ શકાય. પાણીની અને તાજા લીલા શાકભાજીની તંગીની અસર અહીની રસોઈ પર જોવા મળે છે.

રાજસ્થાન રાંધણકળા મુખ્યત્વે શાકાહારી છે અને અનેક રસપ્રદ વાનગીઓના ખૂબ જ સુંદર વિકલ્પ ઉપલબ્ધ છે. રાજસ્થાની ખોરાકમાં મસાલા સામગ્રી અન્ય ભારતીય રસોઈપ્રથા સરખામણીમાં ખૂબ ઊંંચી હોય છે, પરંતુ ખોરાક સંપૂર્ણપણે ઉત્તમ છે. રાજસ્થાનીઓ મોટા ભાગની રસોઈ માટે ઘી વાપરે છે. રાજસ્થાની ખોરાક તેના મસાલેદાર શાક અને સ્વાદિષ્ટ મીઠાઈઓ માટે જાણીતું છે. પાણીની તંગીને કારણે રાજસ્થાનના રણ વિસ્તારમાં ખોરાક રાંધવા મોટા પ્રમાણમાં દૂધ, માખણ દૂધ અને માખણ વાપરવા માટે પસંદ કરવામાં આવે છે, જેને લીધે રાંધવામાં પાણીનો ઉપયોગ ઘટાડી શકાય

સૂકી દાળ અને સાંગરી જેવા છોડના બીજનો રાજસ્થાની વાનગીઓની બનાવટમાં વ્યાપક ઉપયોગ થાય છે. ચણાનો લોટ અમુક વાનગીઓ જેવી કે "ગટ્ટે કી સબ્જી" અને "પકોડી" ને બનાવવામાં ઉપયોગી એવી એક મુખ્ય સામગ્રી છે. દળેલી દાળનો ઉપયોગ પાપડ ની તૈયારી માં વપરાય છે. રાજસ્થાનીઓ ચટણીપ્રેમી હોય છે. તેઓ કોથમીર, હળદર, લસણ અને ફુદીનો જેવી વિવિધ સામગ્રીઓનો ઉપયોગ કરીને અનેક પ્રકારની ચટણીઓ બનાવે છે.

અહીની બિકાનેરી ભુજિયા, મિર્ચી બડા અને પ્યાજ કચોરી જેવી વાનગીઓ નાસ્તા માટે જાણીતા છે. અન્ય વિખ્યાત વાનગીઓમાં બાજરે કી રોટી અને લહસુન કી ચટણી, જોધપુરની માવા કચોરી, અલવર કા માવા, પુષ્કર ના માલપુઆ, જયપુરનો ઘેવર અને મેવાડની પનિયા અને ઘેરીયા જેવી વાનગીઓ મશહૂર છે.

આજે આપણે અનેક રાજસ્થાની વાનગીઓમાંથી ખૂબ જ મશહૂર એવી ‘ગટ્ટે કી સબ્જી’ અને ‘ચુરમા’ બનાવતા શીખીશું.

ગટ્ટે કી સબ્જીઃ

સામગ્રીઃ

ગટ્ટા માટે

૩/૪ કપ ચણાનો લોટ

૧/૪ ચમચી હળદર પાવડર

૧/૪ ચમચી લાલ મરચાં પાવડર

૧/૪ ચમચી જીરૂં

૧/૪ ચમચી ગરમ મસાલો

૧ ચમચી તેલ

૧/૩ ચમચી મીઠું

ગ્રેવી માટે

૧/૪ ચમચી રાઈ

૧/૪ ચમચી જીરૂં

હિંગ એક ચપટી

૧ ચમચી ઝીણું સમારેલ આદુ

૧ ઝીણું સમારેલ લીલા મરચું

૧ ઝીણું સમારેલ નાની ડુંગળી

૧/૨ ચમચી ધાણા પાઉડર

૧/૩ ચમચી લાલ મરચાં

૧/૪ ચમચી ગરમ મસાલો

૧/૪ કપ દહીં, સહેજ ફેંટેલું

૧ મોટો ચમચો + ૧ મોટો ચમચો તેલ અથવા ઘી (શુદ્ધ કરેલું માખણ)

૩ ચમચી ઝીણું સમારેલ કોથમીર

સ્વાદમુજબ મીઠું

રીતઃ

મોટા બાઉલ માં ચણાનો લોટ, હળદર પાવડર, ૧/૪ ચમચી લાલ મરચું, ૧/૪ ચમચી જીરૂં, ગરમ મસાલા પાવડર, ૧-ચમચી તેલ અને ૧/૩ ચમચી મીઠું ભેગા કરો.

ધીમે ધીમે પાણી ઉમેરો અને પરોઠાના કણક જેમ સરળ અને સખત કણક બનાવો.

કણકને ૭-૮ સમાન ભાગો માં વિભાજીત કરો. હથેળી પર બરાબર તેલ ઘસી એ બધા જ ભાગ ને આશરે ૪-૫ ઈંચ લાંબા અને ઘ ઈંચ જાડા નળાકારમાં વણો.

મધ્યમ આંચ પર એક પેનમાં ૩ કપ પાણી ઉકાળો. તે ઉકાળવા લાગે એટલે તેમાં નળાકાર રોલ્સ ઉમેરો.

તેઓ પાણીની સપાટી પર તરવા લાગે ત્યાં સુધી પકવો. પાણીમાંથી નળાકાર રોલ્સ દૂર કરો અને એક પ્લેટમાં રાખો. ગ્રેવી બનાવવામાં ઉપયોગમાં લેવા માટે પાણી બાજુ પર રાખો.

રોલ્સને ૫-૭ મિનિટ માટે ઠંડા થવા દો. હવે એ રોલને ૧/૨-ઈંચ લાંબા ટુકડાઓ માં કાપી લો.

એક નોન-સ્ટીક પેનમાં ૧ મોટો ચમચો તેલ (અથવા ઘી) ગરમ કરો. ૨-મિનિટ માટે મધ્યમ જ્યોત પર સમારેલા નળાકાર રોલ્સને શેલો ફ્રાય કરો અને તેમને થાળીમાં કાઢી લો.

ગટ્ટા તૈયાર છે.

એ જ પેનમાં વધેલું ૧ મોટો ચમચો તેલ (અથવા ઘી) ઉમેરો અને મધ્યમ જ્યોત પર ગરમ કરો. રાઈના દાણા ઉમેરો; તે કડકડાવાના શરૂ થાય, એટલે૨૦-૩૦ સેકન્ડ માટે ૧/૪ ચમચી જીરૂં, હિંગ, આદુ અને લીલા મરચા ઉમેરો અને કોઈ સાંતળો. તેમાં ઝીણું સમારેલ ડુંગળી ઉમેરો અને અર્ધપારદર્‌શક થાય ત્યાં સુધી સાંતળો.

ધાણા પાઉડર, ૧/૩ ચમચી લાલ મરચું પાવડર અને ગરમ મસાલા પાવડર ઉમેરી ૩૦-૪૦ સેકન્ડ માટે સાંતળો. ફેંટેલું દહીં ઉમેરો અને બરાબર ભેળવો અને તેલ સપાટી પર આવે ત્યાં સુધી મિશ્રણ પકવો, આશરે ૧-૨ મિનિટ માટે.

તેમાં પાણી (ગટ્ટા ઉકાળ્યા બાદ રાખેલું) ૧ કપ અને ૧/૨ ચમચી મીઠું ઉમેરી સારી રીતે હલાવો અને મધ્યમ જ્યોત પર ઉકળવા દો.

ઉકાળવાનું શરૂ થાય એટલે જ્યોત ધીમા તાપે કરી તેમાં શેલો ફ્રાઈડ ગટ્ટા ઉમેરો.

ગ્રેવી થોડી ઘટ્ટ થાય ત્યાં સુધી પકવો, આશરે ૫-૭ મિનિટ. ગટ્ટાને ચોંટતા અટકાવવા માટે વચ્ચે ધીમેધીમે હલાવો.

ગેસ બંધ કરી ગટ્ટે કી સબ્જીને એક બાઉલમાં કાઢો, ઉપર થી ઝીણી સમારેલી કોથમીરથી સજાવી ગરમાગરમ સર્વ કરો.

ચુરમાઃ

સામગ્રીઃ

૨ કપ ઘઉંનો લોટ

૧/૨ કપ શુદ્ધ ઘી (ઓગાળેલું)

૪ ંહ્વજ સૂજી

૩/૪ કપ બૂરૂં ખાંડ

૧/૪ ંજ લીલી ઈલાયચીનો ભૂકો

૧૦ કાજુ (સમારેલ)

૧૦ બદામ (સમારેલ)

૧૦ કિસમિસ

જરૂર પ્રમાણે દૂધ

રીતઃ

એક વાટકી માં, ઘઉંનો લોટ અને સોજી ભેગા કરો અને તેમાં અડધા કપ ઘી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

જરૂર મુજબ દૂધ ઉમેરી એક સખત કણક બનાવો અને તેના બાર લીંબુ કદના બોલ્સ બનાવો.

એક કઢાઈમાં પૂરતું ઘી ગરમ કરો અને તેમાં આ બોલ્સને ડીપ ફ્રાય કરો.

બોલ્સ બરાબર ચઢી જાય એટલે તેને ઘીમાંથી કાઢી, ઠંડા થવા દો.

એક મિક્સરમાં આ બોલ્સ નાખી તેનું એક દળદરૂં મિશ્રણ બનાવો.

તેમાં બુરૂં ખાંડ, એલચી પાવડર, કાજુ, બદામ અને કિસમિસ ઉમેરો અને ઘી સાથે સર્વ કરો.

સંજય દ્રષ્ટિ

સંજય પીઠડીયા

ઘડવૈયા, મારે ઠાકોરજી નથી થાવું...

‘ન્યાય, નીતિ સૌ ગરીબને મોટાને સહુ માફ; વાઘે માર્યું માનવી, એમાં શો ઈન્સાફ?’ આ પંક્તિનો લાઈવ અનુભવ થોડા દિવસો પહેલાં થયો અને થતો રહેવાનો. આજકાલ જમાનતનો જમાનો છે. પળવારમાં કોર્ટના ફેંસલામાં મોટા મોટા ગુનેગારોના કર્મોનો ‘હિસાબ’ થઈ જાય છે. આ વિષય પર ઘણું બધું લખાઈ ચૂક્યું છે પણ મારે જે વિષય પર વાત કરવી છે એ અલગ છે.

અપ્રમાણસરની સંપત્તિ ભેગી કરવાના ગુનામાં સંડોવાયેલા તમિલનાડુના ભૂતપૂર્વ (અને હવે ફરી નીમાયેલા) મુખ્યમંત્રી જયલલિતાને સરકારે નિર્દોષ જાહેર કર્યા. ‘અમ્મા નિર્દોષ છે’ આ સમાચાર આવ્યા એના લગભગ પાંચેક મિનિટમાં જ અમ્માના સમર્થકો અને અનુયાયીઓ ફટાકડા ફોડવા માંડયા, મિઠાઈઓ વ્હેંચવા માંડયા, સ્ત્રીઓ-પુરૂષો રસ્તા પર નાચવા માંડયા, “અમારા અમ્મા એ સાઉથ ઈંડિયાના ‘ઝાંસી કી રાની’ છે” એવા ઉદ્‌ગારો ઉચ્ચારવા માંડયા. મારી ઓફિસના એક ભાઈએ તો કેડબરીનું મોટું બોક્સ મંગાવીને બધાને ગળ્યું મોઢું કરાવ્યું. અમ્મા ખરેખર નિર્દોષ છે કે નહીં એ તો રામ જાણે પણ એક વાત નોંધનીય છે કે ‘ચાહનાની ચરમસીમા’ને કારણે કાળા માથાના માનવી જ્યારે લોકોમાં પૂજાવા લાગે છે ત્યારે એક અલગ દુનિયા નિહાળવા મળે છે. થોડાં સમય પહેલાં રાજકોટમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મૂર્તી અને મંદિર બનાવવામાં આવ્યું હતું. મૂર્તીનું અનાવરણ થવાના એક દિવસ પહેલાં ખુદ ન.મો.એ ટ્‌વીટર પર આ વાતનો વિરોધ કર્યો અને આ વાત સાથે લોકોનો ઉત્સાહ પણ ફ્લશ થઈ ગયો. ૧૯૮૩માં ‘કુલી’ ફિલ્મ રિલીઝ થયેલી પણ એ ફિલ્મના શૂટિંગ દરમ્યાન અમિતાભ બચ્ચનને ઈજા થયેલી. ફિલ્મના શૂટીંગ વખતે કોઈને ઈજા થાય ને દરેક ધર્મના લોકો એક થઈને એ કલાકારના જીવન માટે પ્રભુને પ્રાર્થના કરતાં હોય એવું ફિલ્મજગતના ઈતિહાસમાં પહેલી વાર જ બનેલું. જો કે ઈશ્વરકૃપાથી અમિતાભ બચી ગયા પણ પોતે ઈશ્વરની હરોળમાં આવી ગયા. એ પછી આજ સુધી અમિતાભ બચ્ચનની એક નાનકડી ઝાંખી મેળવવા દર રવિવારે એમના ચાહકોના ટોળા એમના મુંબઈમાં આવેલા ‘જલસા’ નામના બંગલાની બહાર ઊંમટી પડે છે. ૧૯૮૨થી ચાલતો આ એમનો વર્ષોનો ક્રમ છે અને આજસુધી તૂટ્‌યો નથી. કે.બી.સી. પર રમવા આવેલા મહાનુભાવો હોય કે ‘ફોન-અ-ફ્રેન્ડ’માં અમિતાભ સાથે ફોન પર વાત કરનારા હોય, મોટા ભાગના લોકો એમ કહેતા હોય છે કે વર્ષોથી અમારી તમને મળવાની કે તમારી સાથે વાત કરવાની ઈચ્છા હતી. છે આવો દબદબો બોલીવુડના કોઈ બીજા કલાકારનો? સચિન તેંડુલકરની ઈમેજ કેવી? લિવિંગ લેજન્ડમાંથી લિવિંગ ગૉડ! ‘જો ક્રિકેટ એક ધર્મ છે તો સચિન એ ધર્મનો ભગવાન છે’, એવા મેસેજ ફરતાં થાય એ કાંઈ નાનીસૂની વાત નથી. સચિને જ્યારે બેવડી સદી ફટકારી હતી ત્યારે ખુદ સુનિલ ગાવસ્કરે કહેલું કે હું સચિનના ચરણસ્પર્શ પણ કરીશ. દક્ષિણ ભારતમાં ફિલ્મી કલાકારો જેટલી લોકપ્રિયતા ભાગ્યે જ કોઈ બીજા ક્ષેત્રમાં જોવા મળતી હશે. બોલીવુડમાં અમિતાભ છે એમ દક્ષિણભારતમાં રજનીકાંત! રજનીકાંત એના ચાહકો માટે લિવિંગ ગૉડ છે. એકાદ વાર દક્ષિણભારતના કોઈ શહેરમાં કોઈ થિયેટરની બહાર લટાર મારશો તો ફિલ્મના જે-તે ફિલ્મસ્ટારોના બે માળની ઊંંચાઈ જેટલા તોતિંગ પોસ્ટરો અને એ પોસ્ટરો પર ચઢાવેલા જાડા હારના ગુચ્છા જોવા મળશે. ફિલ્મ અભિનેત્રી ખુશ્બુનો બોલીવુડમાં ભલે કોઈ ભાવ ના પૂછતું હોય પણ સાઉથમાં તિરૂચિરાપલ્લી નામના શહેરમાં તેના મંદિરો બનેલા છે. એન.ટી.રામારાવ કે એમ.જી.રામચન્દ્રન્ જેવા ફિલ્મી હીરોની લોકપ્રિયતા એવી જબરજસ્ત હતી કે એમના અવસાન પછી કેટલાય લોકોએ આપઘાત કરી લીધેલા. આંધ્રપ્રદેશના મુખ્યપ્રધાન રાજશેખર રેડડીનું હેલિકોપ્ટર તૂટી પડતાં નિધન થયું તેની પાછળ પણ લોકોએ આપઘાત કરેલા. બાળ ઠાકરેની અંત્યેષ્ટિ વખતે સંપૂર્ણ મહારાષ્ટ્રમાંથી ૨૦ લાખથી પણ વધુ શિવસૈનિકો મુંબઈ આવેલા. બાળ ઠાકરે ભલે નોન-મહારાષ્ટ્રીયનો માટે માથાનો દુખાવો હતા પણ મુંબઈના શિવાજી પાર્કમાં શિવસેનાની રેલીમાં કોઈવાર જાઓ તો અનુભવ થાય કે કહેવાતા શિવસૈનિકોમાં બાળ ઠાકરે માટે કેટલી કદર હતી. એવું જ રાજ ઠાકરેનું પણ છે. ‘મનસે’ની સ્થાપના થઈ એ દિવસથી જ એ તડ-ફડ માણસના અનુયાયીઓમાં દિવસે-બમણી રાત્રે-ચાર્ગણી પ્રગતિ થઈ છે. કહેવત છે કે કાગડા બધેય કાળા જ હોય અને એટલે જ માનવીને ભગવાન માનવાનો શિરસ્તો ફક્ત ભારતમાં જ નથી. વિદેશોમાં પણ આવા કિસ્સાઓ નોંધાયા છે. માઈકલ જેક્સનને તો લોકો એવા પૂજતા કે એના મોત પછી વિશ્વભરના ચાહકોએ એની માટે આંસુ સાર્યાં. જેક્સનના મૃત્યુ પછી મોતના સમાચારને વિગતવાર જાણવા માટે એના ચાહકોને કારણે ગુગલ, ટ્‌વીટર અને વિકીપીડિયાની વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી. ‘રોક એન્ડ રોલ’ના કિંગ તરીકે ઓળખાતા વિશ્વવિખ્યાત અમેરિકન ગાયક-અભિનેતા એલ્વિસ પ્રેસ્લીના ચાહકો એ બાબત સ્વીકારવા તૈયાર નહોતા કે એ મૃત્યુ પામ્યા છે.

ધર્મ-ધુરંધર હોય, રાજનેતા હોય, અભિનેતા હોય, કુદરત હોય, ઈશ્વર હોય કે કોઈ પણ પ્રકારનો આદર્શ હોય - કોઈને પૂજવું એ માણસનો સ્વભાવ છે. આદર જ્યારે અહોભાવ બને છે ત્યારે આસ્થાની સરવાણી ફૂટે છે. લોકપ્રિયતા જ્યારે સીમા વટાવી દે, આસમાનને આંબે ત્યારે આદરનું રૂપાંતર આરતીપૂજામાં અને પ્રશંસાનું રૂપાંતર પ્રાર્થનામાં થાય છે. ભારતમાં ધર્મગુરૂઓ સૌથી વધુ લિવિંગ ગૉડ બન્યા છે. પટ્ટપૂર્ત્િાના સત્ય સાઈબાબા, બગદાણાનો બાવલિયો, વીરપુરના જલાબાપા, શિર્ડીવાલે સાંઈબાબા, સતાધારના શામજીબાપુ, ગુરૂ નાનક અને બીજા અનંત નામો લઉં તોયે ઓછા પડે. આ દરેક સંતોનું પદ તેમના ભક્તોમાં ભગવાનની લગોલગ છે. મોરારિબાપુ, આર્ટ ઑફ લિવિંગના શ્રી શ્રી રવિશંકર મહારાજ, પ્રમુખસ્વામી મહારાજ, રાધે માં, માતા અમૃતાનંદમયી, નિરંકારી બાબા - આ બધાં જ ગુરૂ છે પણ લોકોની આસ્થા એમનામાં ગુરૂ કરતાં પણ વધુ છે. યોગ્ય સંતો પૂજાય એનો વાંધો નહીં, પણ ખોટા પૂજાય પછી સેક્સ-રેકેટો અને કૌભાંડો બહાર આવે છે. શ્રદ્ધાનો હોય વિષય તો પુરાવાની શી જરૂર છે? પણ વધુ પડતી શ્રદ્ધા સારી નહીં કારણ કે એ પછી અંધશ્રદ્ધા બની જાય છે. ભારતમાં અંધશ્રદ્ધાનો ગેરફાયદો જેટલો ઉઠાવાય છે એવો કદાચ અન્યત્ર ભાગ્યે જ ઉઠાવાતો હશે. લાભુમા અને તપસ્વીઓ આજેય પૂજાય છે પણ જ્યારે આંખ સામેથી પટ્ટી ઊંતરે ત્યારે ખબર પડે છે કે કંકોડા છે. ‘નિર્મલ’ નામના એક બાબાના દરબારમાં જવા માટે ૩-૪ મહિના પહેલાં બુકીંગ કરાવવું પડે અને એ પણ અંદાજે બે-અઢી હજારની ટિકિટ લઈને! બાબાનો સંત-સમાગમનો સમય પૂરો થાય ત્યારબાદ પૂર્ણાહુતિ વખતે ભક્તો પોતાના પર્સ-વૉલેટ-પાકીટ ખુલ્લા રાખે અને દૂરથી નિર્મલબાબા કીરપા (કૃપા) વરસાવે. જો એ રીતે બધાં લોકો પાસે ધન આવી જતું હોય તો પછી પોતે જ એકઠું ન કરી લેવાય? લોકો પાસે અઢી હજારની ટિકીટ શું કામ લેવી પડે? અખો ભગત કહી ગયો છે - આંખના આંધળા અને ગાંઠના પૂરા લોકો સ્વેચ્છાએ લૂંટાતા હોય છે. આવા અંધશ્રદ્ધામાં ડૂબેલા જનોની દ્રષ્ટિ સુધારવા જ ‘ઉમેશ શુક્લા’ અને ‘રાજુ હિરાણી’ જેવા લોકોને બહાર આવવું પડે છે.

એક માણસ પોતાના જ પગનો અંગૂઠો ધોઈને પીતો હતો. કોઈએ આવીને પૂછ્‌યું - શું કરો છો? તો પેલા માણસે નિખાલસતાથી જવાબ આપ્યો - મારૂં માહાત્મ્ય વધારૂં છું.......આ બહુ નાની વાત છે પણ આજે પોતાનો અંગૂઠો ધોઈ પીનારા લોકોનો ત્રોટો નથી. જીવતા જગતિયું કરનારા ઓછા નથી. નેતાઓ પોતાના પૂતળાઓ મૂકાવે, મંદિરો બનાવડાવે, નાના-નાની પાર્ક કે રસ્તા કે ચોકને પોતાના નામ આપે. જેને પૂજાવાના બહુ અભરખા હોય એને આ બધું બહુ ગમે. પણ આ કાંટાળો તાજ પોતાની મરજીથી નહીં કર્મોથી પહેરાય છે. વિધાતા જ્યારે આપણી ઉપર કોઈ પાઘડી બાંધે ત્યારે જેનું માથું હલતું નથી એ જ આગળ વધે છે. કાળા માથાનો માનવી જ્યારે ભગવાન બનીને પૂજાવા માંડે ત્યારે એ માનવીની જવાબદારી છે કે પોતાના પદની કે હોદ્દાની ગરિમા જાળવે. એકવાર આપણી પાસે ફોર-વ્હીલર આવી જાય પછી સાયકલ કે બાઈકવાળા સાથે ઝઘડો કરવો આપણને શોભા ન દે. પોતાના પદની ઠાવકાઈ જાળવવી જરૂરી છે. અમિતાભ કે સચિનને જે લોકો મળેલા છે એ એમ કહે છે કે એ ‘ડાઉન ટુ અર્થ’ છે. સચિન જ્યારે રમતો ત્યારે આઉટ થઈ જાય તો અમ્પાયર આંગળી ઉઠાવે એ પહેલાં એ પીચ છોડી દે. ખોટી રીતે આઉટ અપાયો હોય તો પણ કદી કાંઈ બોલ્યો નથી. માનવીય નબળાઈથી જે પર થઈ જાય છે એ માનવીના ઝૂંડમાં ઉપર આવી જાય છે. વિનમ્રતા અને વિવેક જ માણસને તારે છે. ગુજરાત તો જેસલ જાડેજા જેવા ચોરટાને પણ પૂજે છે પણ એ માટે જેસલ જેવો પશ્ચાતાપ જોઈએ, શરણાગતી જોઈએ. એટલે જ કવિ ‘દાદ’ના ખૂબ જ પ્રચલિત ભજનમાં કહેલું છે કે કોઈ યુદ્ધમાં શહીદ થયેલાં સૈનિકના પાળિયા થાવું સારૂં, પણ પીળા પિતાંબર અને વાઘામાં વીંટાઈને ઠાકોરજી થાવું નહીં સારૂં...

પડઘોઃ

એક મંદિરમાં લગાડેલું બોર્ડ - મંદિરમાં પગરખાં પહેરીને આવશો તો ચાલશે પણ અભરખા પહેરીને નહીં આવતાં (ફેસબુક પર વાંચેલી એક કટાક્ષ પોસ્ટ)

ગ્લોબલ મેનેજમેન્ટ

દીપક ભટ્ટ

બિઝનેસના વ્યવસ્થાતંત્રને ટકાવી રાખવા માટેના ઉપાયો

ઔદ્યોગિક એકમનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તમારે ધંધાના વ્યવસ્થાતંત્રને ટકાવી રાખવું જરૂરી બને છે. તમારૂં વ્યવસ્થાતંત્ર યોગ્ય હશે તો ધંધામાં સફળતા મળવાની શક્યતા વધી જાય છે. આજની ફાસ્ટ લાઈફમાં પણ આપણે સૌએ ભગવાન શ્રી કૃષ્ણની વ્યવસ્થાતંત્રની સ્ટ્રેટેજીને ફોલો કરવાની ખાસ જરૂર છે.

શ્રી કૃષ્ણનું શરૂઆતનું આયોજન અને વ્યવસ્થાના કારણે પાંડવો કૌરવો સામે યુદ્ધમાં જીતી શક્યા હતા. અને તેનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ આજે પણ આપણને મથુરા, ગોકુળ અને વૃન્દાવનમાં જોવા મળે છે. આખી મહાભારતનું જો હાર્દ જોઈએ તો એમ ચોક્કસપણે કહી શકીએ કે, શ્રી કૃષ્ણ પોતાની કંપની અને ટીમના સફળ સી.ઈ.ઓ હતા.

ધંધાના આયોજન માટે કેટલીક મહત્વની બાબતો વિશે સમજીએ.

૧. સર્વપ્રથમ ધ્યેય નક્કી કર્યા પછી તેને ધંધાનું મહત્વનું લક્ષ્ય બનાવી દો.

૨. તમારી કાર્યક્ષેત્રની શરૂઆત તબક્કાવાર કરો.

૩. જોખમ લેતા ગભરાશો નહિ.

૪. તમારા કર્મચારીએ તેના ઉપરી અધિકારીનું પાલન કરવું હિતાવહ છે.

૫. તમારા કર્મચારીને નોકરી છોડવી ન પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ કરો.

૬. કામ શરૂ કરતા પહેલાં કામને તમારા કર્મચારીઓ વચ્ચે વહેચી નાંખો.

૭. તમારા તમામ કર્મચારીઓને ધંધાને લગતી તમામ તાલીમ આપો.

૮. બદલાતી પરિસ્થિતિમાં ધંધાના આયોજનમાં ફેરફાર કરો.

૯. તમારૂં પ્રોડક્શન ક્યારેય પણ અટકવું જોઈએ નહિ.

૧૦. તમારા કર્મચારી ઉપર અંકુશ રહે તેવી વ્યવસ્થા કરો.

૧૧. તમારા કર્મચારીને જવાબદારી અંગે યોગ્ય સમયે સજાગ કરાવો.

૧૨. તમે ગ્રાહક ઉપર વિજયી બનશો તેનું હંમેશા સ્મરણ કર્યા કરો.

તમારા ધંધાની વ્યવસ્થા યોગ્ય રીતે થઈ હોય તો આયોજનનો અસરકારક રીતે અમલ થશે અને પ્રવૃત્તિ સમયસર થઈ શકશે. આ સિવાય તમે જે ધ્યેય હાંસલ કરવાના હોય તે તમારી મરજી મુજબ થશે. તમારી પાસે સમય અને શક્તિ મર્યાદિત પ્રમાણમાં છે માટે ધંધાના વિકાસ માટે તમારા અમુક કામો તમારે બીજા લોકોને સોંપવા પડશે. આમ કરવાથી તમારા કાર્યની જવાબદારી અન્યને સોંપવાથી તમારા કામને વેગ મળે છે અને તમે તમારા વિકાસના કાર્યમાં પુરતું ધ્યાન આપી શકો છો. ધંધામાં કર્મચારી તમારી યોજના તમારા ધાર્યા મુજબ પાર પાડે અને તમને આવકમાં વધારો થાય તે મહત્વનું છે.

તમારા કુશળ ડાયરેકશનથી તમારા કર્મચારીઓ તમારા ધંધાને તમારા લક્ષ્ય સુધી પહોંચાડવાનું ધ્યેય સિદ્ધ કરે તો તમારી સફળતા નિશ્ચિત બની રહે છે. ધંધાના ડાયરેકશનમાં આંતરસૂઝ મહત્વની છે. તમારા અનુભવ કે જ્જ્ઞાનના આધારે કેવો નિર્ણય લેવાય તો તમને વધુ લાભ મળી શકે તેનું ચિંતન તમારે કરવાનું હોય છે. આમ કરતાં તમને યોગ્ય સમયમાં જ કયો નિર્ણય લેવો તેનો ખ્યાલ આવી શકે છે. તમે લીધેલા નિર્ણયનો અમલ તમારે તમારા કર્મચારીઓના સાથ-સહકારથી મેળવવાનો હોય છે.

અમેરિકાના મહાન પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકને સિવિલ વોરના કટોકટીના સમયમાં પોતાના મિત્રને વોશીન્ગ્ટન બોલાવ્યા. લિંકનનો મિત્ર તેમને મળવા વોશીન્ગ્ટન આવ્યો ત્યારે લિંકનને ગુલામોને સ્વતંત્ર શહેરી બનાવવાનું જાહેરનામું બહાર પાડવાનું ઈચ્છવા યોગ્ય છે કે નહિ તે વિશે ઘણાં સમય સુધી વાતો કરી. આ માટે ગુલામોની તરફેણમાં અને વિરૂદ્ધમાં દલીલો કરી. અ અંગે અન્ય વિચારો રજુ કર્યા. વાતચીત પૂરી થયા બાદ મિત્રને રવાના કર્યો પરંતુ પોતાના મિત્રનો અભિપ્રાય લીધો નહિ. ફક્ત પોતે જ બોલવાનું ચાલુ રાખ્યું અને વિચારોમાં ડૂબી ગયેલા. હકીકતમાં અબ્રાહમ લિંકન પોતે સારો અને સાચો નિર્ણય લેવાના મૂડમાં વિચારશીલ હતા અને સ્વયં સાથે ચર્ચા કરી નિર્ણય લેવા માંગતા હતા. આમ તમે તમારા ધંધા માટે નિર્ણય લેવા પોતાની સાથે વાતચીત કરી શકો છો અથવા તમને યોગ્ય લાગે તેવા વ્યક્તિ સાથે ચર્ચા કરી શકો છો. યોગ્ય સમયમર્યાદામાં લીધેલા નિર્ણયનું ધાર્યું પરિણામ આવી શકે છે.

મિર્ચી ક્યારો

યશવંત ઠક્કર

‘હું પણ એક જમનામાં સારૂં ગાતો હતો.’

જાહેરમાં ગાવું એ બધાંના ભાગ્યમાં હોતું નથી. મારા ભાગ્યમાં પણ નથી. પરંતુ, મને એનો અફસોસ નથી. જેટલું ભાગ્યમાં હતું એટલું નાનપણમાં ગાઈ લીધું. ગામની નિશાળમાં દરેક વિદ્યાર્થીને પ્રાર્થના અને કવિતા તો ગાવી જ પડતી. સમુહમાં જ નહિ એકલપંડે પણ! એટલે, એમાં કોઈની ઈચ્છા અનિચ્છાનો પ્રશ્ન જ નહોતો. દરેકને ગાવું પડે એટલે ગાવું જ પડે! માસ્તરને પોતાને ભલે ગાતાં ન આવડતું હોય પણ વિધાર્થીને તો આવડવું જ જોઈએ, એવી એક પરંપરા હતી. એ પરંપરા મુજબ અમે વિદ્યાર્થીઓ ગાતા. બધાની સાથે સાથે હું પણ ગાતો. એકલપંડે ગાવાનો વખત આવે તો પણ ગાતો. એ પરંપરાને લીધે હું આજે પણ ગર્વથી કહી શકું છું કેઃ ‘હું પણ એક જમનામાં સારૂં ગાતો હતો.’

હવે, ‘હું પણ એક જમનામાં સારૂં ગાતો હતો.’ આ વાક્યમાં ‘સારૂં’ વિશેષણને મેં ખોટી રીતે પ્રવેશ આપી દીધો છે એમ તમારે માનવું હોય તો માની શકો છો. ‘સારૂં’ એટલે કેવી રીતે સારૂં? ‘સારૂં’ની વ્યાખ્યા શું? એના માપદંડ ક્યા?... એવા પ્રશ્નો ઊંભા કરી શકો છો. પરંતુ સાચું કહું તો ત્યારે અમારામાં સારા-નરસાનો વિકાર જ નહોતો! ‘ગાવા કાજે અવાજ સારો હોવો જોઈએ’ એવી ચગેરસમજ ત્યારે અમારામાં નહોતી. અમને તો એટલી સમજ હતી કે, ગાવું એટલે ગળાને છૂટું મૂકવું. જેવી રીતે મોરલા, કાગડા, કૂકડા, વાછડા, કૂતરા, ગધેડા વગેરે પંખીઓ અને પ્રાણીઓ પોતપોતાનાં ગળાંને છૂટાં મૂકે છે એવી રીતે જ અમે અમારાં ગળાંને છૂટાં મૂકી દેતા. જેમ પંખીઓ અને પ્રાણીઓ પોતાનાં ગળાં છૂટાં મૂકતી વખતે, બીજાનું શું થશે એવી ચિંતા કરતા નથી એમ અમે પણ એવી ચિંતા કરતા નહોતા. અમને ત્યારે એવી સમજ પણ નહોતી કે આ પ્રવૃત્તિને નિજાનંદ કહેવાય. વગર સમજણે અમે નિજાનંદ માણી શક્યા કારણ કે ત્યારે અમે બાળક હતા અને ગામડિયા પણ હતા.

અમે નિશાળે પહોંચ્યા પછી ‘પેલા મોરલાની પાસ બેઠાં શારદા જો ને, આપે વિદ્યા કેરૂં દાન માતા શારદા જો ને’ એ પ્રાર્થના મોટેથી ગાતા અને મા શારદાની સાથેસાથે માસ્તર સાહેબને પણ પ્રસન્ન કરવાના પ્રયાસ કરતા. ‘કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં ચાર કાબરાં ને ચાર ભૂરીયાં રે હાલો ગલૂડાં રમાડવા જી રે!’ એ કવિતા મોટેથી ગાતા ત્યારે એ સાંભળીને ગામના કૂતરાઓ પણ પ્રસન્ન થઈને વળતો પ્રતિભાવ આપતા. પરિણામે ઉત્પન્ન થયેલો ગોકીરો ગામના સરપંચની ડેલી સુધી પહોંચતો અને સરપંચને પણ ખાતરી થતી કે, ‘નિશાળ ખરેખર ચાલે છે. માસ્તર અને વિદ્યાર્થીઓ ઊંંઘી નથી ગયા.’ જો કે, અમને કવિતા ગાવાનો હુકમ કરીને માસ્તર એ કાવ્યગાનનો આનદ તો આંખો મીંચીને જ માણતા. આમ, અમારૂં ગાવું એ સહુને કાજે સારૂં હતું. અમારૂં ગાવું એ ‘નિશાળ ચાલે છે’ની સીધી સાબિતી હતી. દૂર દેશાવરથી આવતા અજાણ્‌યા વટેમાર્ગુઓ ગામથી એક માઈલ દૂર હોય તો પણ અમારો અવાજ એમના સુધી પહોંચી જતો. એ અવાજ સાંભળીને એમને રાહત થતી કે, ‘હાશ! કોઈ ગામ નજીકમાં હોય એવું લાગે છે.’ વળી, એ વખતે અમારી સમજ એવી હતી કે, ગાવું હોય તો મોટેથી જ ગવાય. એ તો હું મોટો થયો અને સંગીત અને ખાસ કરીને સુગમ સંગીતના કાર્યક્રમોમાં જતો થયા પછી ખબર પડી કે ગાવાની ક્રિયા ધીમા અવાજે પણ થાય.

આપણે જાણીએ છીએ કે ગાયક કલાકારોને ગાવાથી કમાણી થાય છે. ગાયક કલાકારોને તો લાભ થાય એટલે એ લોકોએ ગાવું જોઈએ પરંતુ શું બાકીના લોકોએ પણ ગાવું જોઈએ? કશી કમાણી ન થતી હોય તો પણ ગાવું જોઈએ? કેટલાક નિષ્ણાતોની વાત માનીએ તો આપણે સહુએ ગાવું જોઈએ. વિવિધ પ્રકારના અભ્યાસ દ્વારા એ નિષ્ણાતોએ એવું તારણ કાઢ્‌યું છે કે, કોઈના ગાવાથી સાંભળનારને લાભ થાય કે ગેરલાભ થાય પરંતુ ગાનારને તો અવશ્ય લાભ થાય છે. અહીં એમણે ગાનારના આરોગ્યને થતા લાભની વાત કરી છે. એ લોકોનું માનવું છે કે ગાવાથી ગાનારના હૃદયના ધબકારા પર જે અસર પડે છે એ અસરના લીધે માણસનું હૃદય મજબૂત બને છે. તમે જ કહો કે, હૃદય મજબૂત બનતું હોય તો ગાવામાં શું વાંધો? ભારે ભારે દવા ખાવામાં વાંધો નથી તો ગાવામાં તો વાંધો હોવો જ ન જોઈએ.

હવે સવાલ એ થાય કે, ગાતાં ન આવડતું હોય એમણે પણ ગાવું જોઈએ? હા, ગાવું જોઈએ. જે લોકોને હસતાં નથી આવડતું એ લોકો પણ હૃદયની જાળવણી માટે ‘લાફિંગ કલબ’ના નામે હસી હસીને ગામ ગજવે જ છેને? હસી હસીને ગામ ગજવી શકાતું હોય તો ગાઈ ગાઈને ગામ શા માટે ન ગજવવું? ‘લાફિંગ કલબ’ની જેમ ભવિષ્યમાં ‘સિંગ્િાંગ કલબ’નો વાયરો વાય તો નવાઈ નહીં. ગાતાં ન આવડતું હોય એવા લોકો ભેગા થઈને મોટે મોટેથી ગાતા હોય એ દૃશ્ય કેવું હોય! દુહા, ભજન. કવિતા, ફિલ્મી ગીત વગેરે ગાવા માટે કળાની જરૂર નહીં, માત્ર ગાળાની જરૂર! જેને જે ગાવું એ ગાય. જેવું આવડે એવું ગાય. પણ, મોટેથી ગાય. પછી આસપાસના લોકોને જ્યાં રહેવા જવું હોય ત્યાં જાય.

આવી કોઈ કલબ ચાલતી હોય ને હું ત્યાંથી નીકળ્યો હોઉં તો પછી ઝાલ્યો રહું ખરો? હું પણ જોડાઈ જ જાઉં ને? ને માંડું ગાવા કે : ‘‘કાળુડી કૂતરીને આવ્યાં ગલૂડિયાં ચાર કાબરાં ને ચાર ભૂરીયાં રે હાલો ગલૂડાં રમાડવા જી રે!’

પ્રાઈમ ટાઈમ

હેલી વોરા

હોસલા હો બુલંદ

આજે એક અંગત વાત કહું. આ યુથ અચીવર શ્રેણી લખવા માટે નો ઉદેશ્ય યુવા અને તરૂણ વર્ગ કે જે લોકો નેટ અને એન્ડરોઈડ થી બિલકુલ હેન્ડી છે તેમને માટે કઈક ઉમદા વાંચન નું ઓપ્શન ઉભું કરવાનો હતો. પણ આવા અચીવર શોધવા અને તેમની સાથે વાતો કરવી એ મારા માટે એક અવસર બની ગયો. આ આર્ટીકલ મારા કામ ના ભાગ રૂપ ન બની રહેતા અંદર થી નવી પ્રેરણા અને સ્ફૂર્ત્િા નો સ્રોત બની ગયા. મારા જેવા સામાન્ય, હેપ્પી ગો લકી લોકો કે જેમને નોંધપાત્ર સંઘર્ષ કરવાનો આવતો નથી અને જાતે કોઈ નવી ચેલેન્જ ની પળોજણ માં પડતા નથી , આપણા જેવાઓ કે જે જલ્દી નીરાશ થઈ જાય છે અને હાર માની લે છે,ગુસ્સો કરી ને કે સંજોગો ને દોષ આપી ને છૂટી જાય છે, જેમના ઘરે કામવાળી ન આવે કે બાઈક સ્ટાર્ટ થવા માં વાંધા કરે તોય ચિંતા માં આવી જાય છે, એમના માટે આવા લીકો નો જીવંત પરિચય સંજીવની નું કાર્ય કરે છે. આ બધા લોકો કે જેઓ જીવન થી, આશાથી ભરપુર હોય છે, સતત ઉપર તરફ દ્રષ્ટિ રાખે છે, સતેજ દિમાગ ધરાવે છે અને સમય અને શક્તિ બરબાદ કરતી નકામી બાબતો માં સમય ન વેડફવાને કરવાને જેમણે પોતાની આદત બનાવી લીધી છે અને લક્ષ્ય તરફથી નજર હટાવ્યા વિના તેઓ સતત એક્ટીવ રહે છે એવા લોકો કે જેઓ સવાયું જીવે છે તેમને સલામ અને તેમનો તથા આ કોલમ નો આભાર કે જેથી એમના બે ચાર રડયા ખડયા ગુણો મને પણ લાગુ પડે.

વેલ યુથ એચીવર શ્રેણી માં આજે એક જ ક્ષેત્ર ના બે યુવાનો ની વાત. એક જે હજુ ઉગી રહ્યો છે કર અને જાતે પોતાનો રસ્તો પસંદ કરી ને આગળ ના ખેડાણ માટે સ્વ બળે માર્ગ કાઢી રહ્યો છે. અને બીજો છે એ ઓલરેડી આ જ ક્ષેત્ર માં કાઠું કાઢી ને ઓલરેડી અચીવર બની ચુકેલો છે અને ઉત્તરોત્તર વધુ આગળ વધી રહ્યો છે..

આ યુવાનો ની વાત કરીએ તે પહેલા જે ક્ષેત્ર ના તેઓ ખેલાડી છે એ એન્ડરોઈડ ડેવલપમેન્ટ વિષે વાત કરીએ. એન્ડરોઈડ શબ્દ તો હવે આપણો વહાલો વહાલો શબ્દ બની ગયો છે. સાલું પ્રેમ માં પડયા હોઈએ એવી લગની છે એની. ચાર પાંચ શાયરીઓ એના પર ઠોકી દઈએ તો વાંધો ન આવે. એવી મજા આવે એન્ડરોઈડ બેઝ્‌ડ મોબાઈલ ની કંપનીમાં કે એની વાત ન પૂછો.એ ય ને દુનિયા ભૂલી ને બસ એમાં જ ડૂબકીઓ માર્યા કરો. એપ્સ નો ને ગેમ્સ નો ખજાનો. સીધા રસ્તા પર જરાય ભીડ ન હોય ને ભરપુર અજવાળું હોય તોય એન્ડરોઈડ ગ્રસ્તો નશા માં ચકચૂર થઈને સામાવાળા ને ઠકા દઈ દે એ બહુ આઘાત જનક દ્રશ્ય નથી રહ્યું. આ એન્ડરોડ ને આવું મજાનું બનાવવા વાળા અવનવા એપ ને ગેમ્સ શોધી ને આપણા સમક્ષ મુકવા વાળા એટલે એન્ડરોઈડ ડેવલપર્સ.

હવે એન્ડરોઈડ લોકપ્રિયતા ના શિખર પર પહોચ્યું અને બિન હરીફ રીતે ટકી રહ્યું એ માટે એની કેટલીક ટેકનીકલ ખૂબીઓ જવાબદાર છે એ વિષે આપણે પહેલા વાત કરીએ. એન્ડરોઈડ એ એક મલ્ટી યુઝર લીનક્સ સીસ્ટમ છે. એટલે કે લીનક્સ પર ચાલતી એક આખી એવી સીસ્ટમ કે જે એક સાથે અનેક લોકો વાપરી શકે. આ સીસ્ટમ ની એક એવી ખૂબી છે કે એમાં નવા નવા આઈડીયાઝ માટે પુષ્કળ સ્પેસ છે. જાવા અને એક્સ.એમ એલ. જેવી પ્રોગ્રામિંગ ની ભાષા ઓ ના જાણકાર એવા ભેજાબાજો એન્ડરોઈડ ની ઓફીશીયલ વેબસાઈટ પર નવો પ્રોગ્રામ ડીઝાઈન કરી ને લોન્ચ કરે. અને ત્યાં જ એડ આપવા માટે હાજર કંપનીઓ પ્રોડક્ટ પર એડ આપવાનું શરૂ કરે. એપ જેટલું પોપ્યુલર બને એટલી વધુ એડ મળતી રહે. એટલે એકવાર ની મહેનત અને સફળ જાય તો કાયમી ઉપજ. એપ ખુબ સારૂં હોય તો પેઈડ એપ પણ બને. એટલે જેટલા ડાઉનલોડસ એટલી રોકડી. બસ આટલી પાયા ની વાત ની માહિતી સમજાઈ જાય તો પેલા યુવાનો ની કહાની વાંચવાની મજા પડશે.

જીગર પટ્ટણી

પહેલા ગામડું અને હવે ભુજ શહેર નું એક પરૂં બની ગયેલા માધાપર ના વાતની જીગર એ એક કોમ્પ્યુટર એન્જીનીયર છે. પણ કોમ્પ્યુટર એન્જીનીયરીંગ ના અભ્યાસ કે ડીગ્રી ને જીગર ની ક્રિએટીવીટી નો યશ આપી શકાય તેમ નથી. જીગર ૯ માં ધોરણ માં અભ્યાસ કરતો ત્યારે તેને ગેમ રમવાનો ખુબ શોખ. જેમ એ ઉમરે બધા કિશોર કે કિશોરીઓ ને હોય તેમ. પણ બાકી ના આપણા જેવાઓ રમવાથી આગળ ન વધે જયારે એ ઉમરે જ જીગર ને આવી ગેમ કઈ રીતે બનતી હશે અને આવી બીજી અવનવી ગેમ્સ બનાવવાના વિચારો આવતા. બસ આવા વિચાર આવવામાં આપણા જેવા ગોથું ખાઈ જાય. લોલ. વેલ તે સમયે ગામડું રહેલા માધાપર માં આ બાબતે ઓબવિયસલી કોઈ માહિતી કે રિસોર્સીસ ન હતા. કોઈ નિષ્ણાત પણ નહિ. જીગર પાસે એક માત્ર રસ્તો હતો ઈન્ટરનેટ. બ્રોડબેન્ડ જેવું તો કઈ હોય નહિ. એટલે અત્યંત ધીમી ગતિ વાળા બી.એસ.એન.એલ. ના કાર્ડ લાવી ને તેના પર જીગર ફુરસદ ના સમયે આ બાબતે સર્ચ કરતો. વેલ જીગર પણ શાળા એ જતો, ટ્‌યુશન જતો, હોમવર્ક કરવાનું થતું, સામાજિક કર્યો પણ કરવા પડે એ બધા સાથે કૈક નવું સર્ચ કરવા માટે ફક્ત જીજ્જ્ઞાસા ખાતર મહેનત કરવી એ કાબિલે દાદ વસ્તુ છે. નહીતો એવા ફ્રી ટાઈમ માં આપણે ટીવી જોવાનું કે રમવા જવાનું પસંદ કરીએ.

વેલ તો ગેમ્સ ડીઝાઈન કરવા જુદી જુદી લેન્ગવેજીસ શીખવી પડે એમ હતી એ જીગર ને સમજાયું. એ માટે કોઈ ખાસ માર્ગદર્‌શન મળે એમ ન હતું. ફરીથી ગુગલ દેવતા ઝીન્દાબાદ. તેણે જુદા વિડિયોઝ અને ટ્‌યુટોરીયલ્સ નેટ પર શોધ્યા. અને આવી લેન્ગવેજીસ શીખ્યો. ૧૧ માં ધોરણ માં આવતા આવતા તે ગેમ્સ ડીઝાઈન અને વેબ ડીઝાઈન વિષે ખાસ્સું જાણી ચુક્યો હતો. મેં જયારે જીગર ને પૂછ્‌યું કે કોઈ રૂબરૂ માર્ગદર્‌શન ન હોવા છતાં આ બધું તે કઈ રીતે શીખ્યો. તો તે કહે છે, “મને જે વસ્તુ માં રસ જાગે અને શીખવાની ઈચ્છા હોય તેની પાછળ પડી ને ગમે તે રીતે હું શીખી ને જ મુકું છું.” આ છે સિદ્ધી નું એક રહસ્ય.

શાળા સમય દરમિયાન જ આ બધા નોલેજ નો ઉપયોગ કરી ને વિજ્જ્ઞાનમેળાઓ માટે જીગરે પ્રોજેક્ટ બનાવેલા જે રાજ્ય કક્ષા સુધી પસંદગી પામેલા. રસ નો વિષય નાનપણ માં જ તાગી ચુકેલ જીગર જો કે કહે છે કે નોલેજ માત્ર પુરતું નથી. સાથે ડીગ્રી પણ જરૂરી છે. સાથે કહે છે કે અભ્યાસ દરમિયાન પણ મારો રસ નો વિષય મારી પ્રાયોરીટી પર રહેલો. અર્જુન ને દેખાતી ઓલી ચકલી ની આંખ વાળી વાત યાદ આવી? વેલ આ દરમિયાન જીગર પાસે પાંચેક વર્ષ પહેલા એન્ડરોઈડ પાવર્ડ મોબાઈલ આવ્યો અને ખરીદ્યા ના બીજા જ દિવસે બગડી પણ ગયો. કહે છે ને મુશ્કેલી નબળા માનસ માટે તકલીફ અને હોશિયાર માટે તક હોય છે. જીગર માટે આ એક તક બની ગઈ. ફરીથી નેટ પર એન્ડરોઈડ વિષે અને એના એપ વિષે નેટ પર સર્ચ કરવા કરવા લાગ્યો અને જાણકાર બનવા લાગ્યો. અને એન્ડરોઈડ ઓ એસ પર એક કસ્ટમાઈઝ ઓ એસ બનાવી જેને પાંચેક લાખ જેટલા અ ધધ લોકોએ પસંદ કરેલી. અને વિન્ડોઝ એન્ડરોઈડ ની બેસ્ટ કહેવાતી ડેવલપર સાઈટ પર એન્ડરોઈડ રેકોગ્નાઈઝડ ડેવલપર તરીકે મહિનાઓ સુધી કામ કરેલું. અને આટલી સફર દરમિયાન જીગર ની ઉમર માંડ વીસેક વર્ષ ની હતી.

આ બધા દરમિયાન કોલેજ ના પ્રોજેક્ટ માટે તેણે ગેમ બનાવવાનું નક્કી કર્યું. જીગર કહે છે ગેમ બનાવવું મુશ્કેલ એટલા માટે છે કે એમાં કોડીંગ સાથે એનીમેશન, સાઉન્ડ, મોડેલીંગ જેવા ફેકટર્સ હોય છે જેના જુદા જુદા એક્સપર્ટસ હોતા હોય છે. એકલ પંડે આ કામ ઉપાડવા માટે ખાસું ઓલરાઉન્ડ નોલેજ એકઠું કરવું પડે જેને જીગરે એક ચેલેન્જ તરીકે ઉપાડી ને કરી બતાવ્યું અને ડીપાર્ટમેન્ટ માં હાઈ એસ્ટ ગુણ પણ મેળવ્યા. આવી જ એક ૨ ડી ગેમ એન્ડરોઈડ સીસ્ટમ પર મૂકી ૮૦૦૦૦ થી વધુ ડાઉનલોડ મેળવી ચુકી છે. અને આ તબક્કે સંતોષ ન પામતા તેણે ૩ ડી ગેમ્સ પર કામ શરૂ કર્યું છે. આ માટે એડવાન્સ જાવા અને સી લેન્ગવેજ શીખવા પણ લાગ્યો. તેણે કોમ્પ્યુટર માં એન્જીનીયરીંગ કર્યું છે એટલે આ તો તેને આવડે એવું આપણે ધારીએ તો એ ખોટું છે. જીગર અસંતોષ સાથે જણાવે છે કે આપણી શિક્ષણ પ્રણાલી માં કરંટ વેવ્ઝ માટે ખાસ કોઈ સ્કોપ નથી. જે શીખવાય છે તે આઉટડેટેડ થઈ ચુક્યું છે. એટલે નવું કઈ માર્કેટ માં મુકવા માટે નવેસર થી સર્ચ કરે જ છૂટકો.

તે પોતાના ભવિષ્ય બાબતે ખુબ આશાવાદી છે. ભવિષ્ય માં તે પોતાની ગેમ ડેવલપમેન્ટ કંપની બનાવવા માંગે છે. પોતે નાના સેન્ટર માં રહેતા હોવાને એ જરા પણ પોતાની મર્યાદા લેખતો નથી. અને સાથે એક અદભૂત વાત કરે છે કે માધાપર માં બેઠા બેઠા તે અમેરિકા ની એક કંપની સાથે એક્ષ્પર્ટ તરીકે સેવા આવી ચુક્યો છે. આટલી નાની ઉમરે નિષ્ણાત બની ચુકેલો મેધાવી જીગર પોતાની સિદ્ધી ના પુરા ભાગીદાર પોતાના માતા પિતા તેમજ બહેનો ને પણ લેખાવે છે. જીગર ની સિદ્‌ધિઓ અનેકવાર લોકલ છાપાઓ તેમજ ન્યુઝ ચેનલ્સ માં ચમકી ચુકી છે.

જીગર ને તેના ભવિષ્ય માટે ખુબ શુભેચ્છાઓ અને આપણો પોતાનો ગુજરાતી બીલ ગેટ્‌સ કે સ્ટીવ જોબ્સ મેળવીએ એવી હાર્દિક પ્રાર્થના.

હવે આજ ફિલ્ડ માં ગ્રાન્ડ સફળતા મેળવી ચુકેલા ૨૭ વર્ષીય વિરાજ ની વાત.

વિરાજ નો પરિચય ફક્ત તેણે ડીઝાઈન કરેલી એક એપ થી જ આપું.

એસ.એમ.આર. એટલેકે સિક્રેટ મીડિયા રેકોર્ડર. આ છે એપ નું નામ અને કામ બન્ને. મીડિયા રેકોર્ડર કે સામાન્ય એપ છે જેની મદદ થી કોઈ વિડીયો કે ઓડિયો રેકર્ડ કરવામાં આવે છે. પણ જો સામાવાળા વ્યક્તિ ને ખબર ન પડે તે રીતે રેકર્ડીંગ કરવું હોય તો? બહુ ચાલાકી માગી લેતું કામ છે. વાત વાત માં વિડીયો ઓન કરો સ્ક્રીન પર પેલું રેકર્ડીંગ દેખાયા કરે તેણે છુપાવો ને પછી બંધ કરો. પકડાઈ જવાની પૂરી શક્યતા. પણ એસ.એમ.આર. એક એવું એપ છે છે જેને ડાઉનલોડ કર્યા પછી સિક્રેટ રેકર્ડીંગ કરવાનું થાય તો સ્ક્રીન લોક હોવા છતાં કોઈ પણ બટન પ્રેસ કર્યા વિના અથવા મોબાઈલ હાથ માં પણ લીધા વિના રેકર્ડીંગ શરૂ કરી શકાય. અને મોટામાં મોટી ખૂબી એ કે સ્ક્રીન બ્લેન્ક રહે. મતલબ કે કઈ જ દેખાય નહિ. અને બંધ પણ દુર થી જ કરી શકાય. કોઈ ને તસુ ભર પણ શંકા જાય નહિ અને હેરી પોટર ની છડી ની માફક ઈશારાથી રેકર્ડીંગ થઈ ને મોબાઈલ માં સેવ પણ થઈ જાય. છે ને કમાલ? આ એપ ઓલરેડી સાડા ચાર લાખ થી વધુ ડાઉનલોડસ મેળવી ચુક્યું છે અને તે પણ કોઈ પણ જાતના માર્કેટિંગ વિના જ. આ જ પ્રકાર નું એક એપ ગુગલે પણ લોચ કરેલું છે. પણ આપણા વિરાજ નું એપ આજ દિન સુધી રેકર્ડ બ્રેક રીતે સતત તેને હંફાવી ને વધુ ને વધુ ડાઉનલોડસ મેળવી રહ્યું છે. અને પર ડે આઠસો થી હજાર ડાઉનલોડસ ની ગતિ થી એ દોડી રહ્યું છે.

છે ને ધાંસુ? આવું કઈ રીતે તેણે શક્ય બનાવ્યું? એપ કઈ રીતે કામ કરે છે? આવા બીજા કેટલાક એપ તેણે બનાવ્યા છે એ અને વિરાજ તથા તેના જીવન ની સિદ્ધીઓ વિષે ની મસ્ત વાતો જાણવા માટે હું ગુજરાતી ના આવતા અંક ની રાહ જોવી પડશે. ગાળો દેતા નહિ ઉતાવળે આંબા ન પાકે ને કાર્બાઈડ ની ટીકડી થી તબિયત બગડે. લોલ.તો રાહ જુઓ હું ગુજરાતી ના આવતા અંક ની.

બોલીસોફી

સિદ્ધાર્થ છાયા

ફિલ્મો જોવા પાછળની ફિલોસોફી

આજે આપણે કોઈ ફિલ્મ વિશે ચર્ચા નથી કરવી. પરંતુ આજે આપણે એ વસ્તુ પર ડિસ્કશન કરશું કે લોકો ફિલ્મો શા માટે જોવે છે? આ પ્રશ્ન વાંચીને જ તમને જે પહેલો જવાબ મનમાં આવ્યો હશે તે કદાચ એમ હશે, કે લોકો પોતાના ગમા-અણગમાને ધ્યાનમાં લઈને ફિલ્મો જોતાં હોય છે એમાં તમે નવું શું પૂછ્‌યું? વેલ, અહીંયા એક તકલીફ છે. આજકાલ લોકોને પોતાના વિષયના ગમા-અણગમા ઉપરાંત અન્ય ઘણીબધી વસ્તુઓ પણ મનમાં એવી ઘુસી ગઈ છે કે સામાન્ય અને મનોરંજક ફિલ્મોને પણ બિલોરી કાચ લઈને જોવા લાગ્યા છે.

આજકાલ ‘તનુ વેડસ મનુ રીટર્ન્સ’ ની ચર્ચા ખુબ થઈ રહી છે. આમજુવો તો લોકસભામાં બે તૃત્યાંશ બહુમતિવાળી સરકાર ચૂંટાઈને આવી હોય એ કક્ષાની લોકપ્રિયતા આ ફિલ્મને મળી છે. પરંતુ તો પણ માત્ર ૪૦-૪૫ સીટો ધરાવતા અને પોતાનાં તરફ લોકોનું ધ્યાન આકષ્ર્િાત કરવા માટે કાયમ શોરબકોર કરતાં વિરોધપક્ષની જેમ અમુક એવા વ્યક્તિઓ પણ છે જે આ ફિલ્મની આકરી ટીકા કરી રહ્યા છે. બાય ધ વે યાદ રહે આ નાચીઝે હજીસુધી આ ફિલ્મ જોઈ નથી, પરંતુ બહુ જલ્દીથી જ જોવા જવાનો છે. પરંતુ અહીં એક ફિલ્મ વિશે વાત નથી પણ કોઈપણ ફિલ્મ જોવા વિશે લોકો ઓવરઓલ શું વિચારે છે તેની વાત છે એટલે આ ચર્ચામાં હું બિલકુલ હિસ્સો લઈ શકું છું. હા, તો આપણે વાત કરતાં હતા પેલા વિપક્ષી પાર્ટી જેવા લોકોની. તો આ લોકો હાલમાં એવી ચર્ચા કરતાં જોવા મળ્યાં છે કે અરર..આવી તે કાઈ ફિલ્મ હોય? આવી તે છોકરી હોય? આવી છોકરીને કયો છોકરો પસંદ કરશે? ખબર નહીં લોકોને આ ફિલ્મ આટલીબધી કેમ ગમી?

આમ જોઈએ તો કોઈપણ ફિલ્મ ગમવી કે ન ગમવી એ કોઈનાં અંગત રસનો મામલો છે, અને હું ફિલ્મના રીવ્યુ પણ કરૂં છું એટલે મને ખ્યાલ છે કે તુંડે તુંડે મતિર્ભીન્ના! પણ તમે કયા બેઝ ઉપર ફિલ્મની ટીકા કરી રહ્યા છો એ જોવું પણ જરૂરી છે. તમે ફિલ્મ ખરેખર ખરાબ હતી એટલે એની ટીકા કરી કે પછી માત્ર શાહરૂખ, સલમાન, પ્રિયંકા, હ્ય્ીથીક કે પછી દીપિકા તમને દીઠાંય ગમતાં નથી એટલે ટીકા કરો છો? તમે વર્ષમાં કેટલીવાર ફિલ્મો જોવો છો તેના પર પણ આ ટીકાનો આધાર હોય છે. માંડ છ-સાત મહીને એકાદી ફિલ્મ જુવો (માત્ર થીયેટરમાં નહીં પરંતુ ટીવી પણ આમાં આવી જાય) અને પછી બહાર આવીને જાહેર કરી દો કે “ભારતમાં તો સારી ફિલ્મો બનતીજ નથી!” તો એમતો કેમ ચાલે ભાઈ? વાત કરી રહ્યા છીએ તનુ-મનુ પર. તો આ ફિલ્મ સાંભળવા મુજબ આઉટ એન્ડ આઉટ મનોરંજક ફિલ્મ છે. ટૂંકમાં કહીએ તો પૈસા વસૂલ. હવે આવી ફિલ્મોમાં કેટલાંક સિક્કાની બીજીબાજુ જોવા જાય તો પછી એ સિક્કાને આપણે નર્મદામાં જ પધરાવી દેવાનું મન થાય કે નહીં?

તો સામી દલીલ એમ પણ આવે કે ભૂતકાળની અમોલ પાલેકર કે ફારૂખ શેખની ફિલ્મો કે પછી હાલમાં આવેલી ‘પીકુ’ પણ મનોરંજક હતી, પણ શું એમાં મેસેજ નહોતો? બિલકુલ હતો, પરંતુ તે એવીજ રીતે બની હતી કે લોકો હસતાંહસતાં ઘરે જાય અને સાથે કોઈ મેસેજ પણ લઈ જાય. એટલેકે એ ફિલ્મો બનાવનારનો હેતુજ એ હતો. અહીંયા આ ફિલ્મ બનાવનારાએ આવું કોઈ દિવસ વિચાર્યું પણ નહીં હોય કે મારે કોઈ મેસેજ આપવો છે. એણે તો બસ લોકો બે કલાક હસે, પોતાના જે કાઈપણ દુઃખ-દર્દ હોય એ ભૂલીને ઘરે જતો રહે અને જો બહુ ગમી હોય તો ફરીવાર જોવા આવે એવું વિચાર્યું હોય એમ બની શકે. હવે નિર્દેશકનો સંદેશ આપવાનો કોઈજ હેતુ ન હોય અને તોપણ આપણે એમાંથી કોઈનેકોઈ સંદેશ શોધવાની કે આ ફિલ્મની સમાજ પર પડનારી અસરો પર એક પેપર લખી નાખીએ તો એમાં વાંક કોનો?

આપણી આ કોલમની જ વાત કરીએ તો અહીં આપણે કોશિશ કરીએ છીએ કે ફિલ્મોમાં કયા પ્રકારની ફિલોસોફી હોય છે. પરંતુ એ હોય તો જ એ ફિલ્મોને આપણે અહિયાંસુધી ઢસડીને લાવીએ છીએ નહીં તો એવી ફિલ્મો જેમાં કોઈજ મેસેજ ન હોય તેને એમનેમ પડી રહેવા દઈએ છીએ. બાકી ફિલ્મોની સમાજ પર અસર એટલીબધી નથી પડતી જેટલી કોઈ ખરાબ ઘટનાનું આળ ફિલ્મો પર ચડાવી દેવામાં આવે છે. થોડી મહેનત કરીને ફિલ્મોને લીધે બનતા ગુનાઓનો રેશિયો કાઢશો તો તે નહીવત હશે.

એટલે છેલ્લે એટલુંજ કહેવાનું કે મનોરંજક ફિલ્મો માત્ર મનોરંજન માટે હોય છે. જો તેનામાં કોઈ મેસેજ હશે તો તેને સમજતા બહુ વાર નહીં લાગે. પણ જો કોઈ મેસેજ હશેજ નહીં ને જો તેને શોધવા જઈશું તો એ માત્ર આપણા કીમતી સમયનો બગાડ જ હશે.

લઘરી વાતો

વ્યવસ્થિત લઘરવઘર અમદાવાદી

એક માનવ સર્જિત ભૂવા (ખાંડા) ની આત્મકથા

દોસ્તો હું એક માનવ સર્જિત ભૂવો છું મોટા ભાગે ભૂવો શબ્દ આવે એટલે લોકો ને લાગે કે નેપાળ નાં તરાઈ નાં જંગલમાંથી ‘’તંત્ર’’ વિધા પ્રાપ્ત કરીને આવેલ કોઈ વ્યક્તિ હશે પણ હું એ નથી , મારો જન્મ પણ તંત્ર નાં કારણે જ થાય છે. જ્યારે જ્યારે હું સમાચાર રૂપે છાપે ચઢું છું ત્યારે વર્તમાનપત્રો લખે છે કે ‘’ તંત્ર ખાડે ગયું ‘’ ‘’તંત્ર ઉઘતું ઝડપાયું ‘’ ‘’તંત્ર ની ઘોર નિષ્ફળતા ‘’ આમ તંત્ર એ મારો જન્મદાતા છે મને ખબર નથી કે આ તંત્ર કોણ છે કેમકે હું નાનો ખાડો હતો ત્યારે જ મને મારા માતા -પિતા એવા તંત્ર એ મને રસ્તા પર રજળતો મૂકી દીધો હતો.

મારૂં નાનપણ બહુ જ સારૂં રહ્યું હતું હું એક નાનકડા ખાડા તરીકે ઓળખાતો , નાના બાળકો મને એક ખાબોચિયા તરીકે ઓળખતા વરસાદ આવે ત્યારે હું પોતાનામાં પાણી ભરી લેતો કોઈ મારા ઉપર પડે નહિ એની પણ આજુબાજુ ની સોસાયટી વાળા ખાસ કાળજી રાખતા તેઓ મારા ઉપર એક લાકડી અને એના ઉપર એક મસ્ત લાલ કલરનું કપડું ભરાઈ જતા, જેથી અવર જવર કરનાર નું ધ્યાન રહે અને હું પોતાને સુશોભિત મેહસૂસ કરતો ઘણા દેડકા મારા ઉપર તરવા આવતા , થોડા માખી મચ્છર પણ મારા ઉપર બેસતા , નાના બાળકો મારા પર નાની કાગળ ની બોટ બનાવીને તરવા પણ મુકતા . લોકો મારી આસપાસ પોતાના વિહિકલ પાર્ક કરી જતા , ઘણી વાર જાણે કે હું કોઈ નદી કે સમુદ્ર હોઉં, તેમ મારી આસપાસ ચોપાટી જેવું માર્કટ ભરાવા લાગ્યું પાણીપુરી થી માંડીને વિવિધ વાનગીઓ શાકની લારીઓ પણ મારી આસપાસ ઉભી રેહવા લાગી , લોકો પોતાની ગંદકી મુજ નાનકડા ખાબોચિયામાં નાખતા પણ આસપાસ નું રમણીય માનવ મેહરામણ જોઈ મને ખુબ જ મઝા આવતી .

ત્યાર બાદ સમય વિતતો ગયો હું યુવાન અને મોટું ખાબોચિયું થઈ ગયો . લોકો મને ખરાબ નજર થી જોવા લાગ્યા સોસાયટી નાં ચેરમેન એ સતાવાળાઓ ને મારા વિરૂદ્ધ ફરિયાદ કરી કે અહી તમારી બેદરકારી નાં કારણે પાણી ભરાયેલું રહે છે જે સોસાયટી અને સમાજ નાં સ્વાસ્થ્ય માટે હાનિકારક છે . જુવાન વયમાં મારી સામે આવી ફરિયાદ નું સાંભળી મને થયું કે હું સમાજમાં કોઈને મોં પણ નહિ દેખાડી શકું અને હું ઊંંડો ને ઊંંડો ઉતરતો ગયો . પણ પછી તંત્ર નાં બેહરા કાને આવી કોઈ ફરિયાદ ની અસર જ નાં થઈ હું પ્રસરતો ગયો હવે દર ચોમાસે મારામાં પાણી ભરાતું પણ એક દિવસ મેં સાભળ્યું કે ચુંટણી નજીક આવે છે અને વોટ માંગવા આવનાર કોરપોરેટર એ આસપાસ ની સોસાયટી ને વાયદો કર્યો છે કે હું અહી પાણી ભરાયેલું નહિ રેહવા દઉં. હું હવે એક ચુંટણી અને સતા નો મુદો બની ચુક્યો હતો .

એક દિવસ અચાનક જ મોટી મોટી ક્રેન અને ખટારા આવવા લાગ્યા અને મજુરો નું એક મોટું ટોળું પણ મારા ત્યાં આવી ચઢ્‌યું એ લોકો એ અચાનક જ મારા પર હુમલા કરવાના શરૂ કરી દીધા અને મારા પર નું બધું પાણી સાફ કરી થોડું ઘણું પુરાણ કરી એના પર ગરમા ગરમ ડામર પાથરી દીધું મારી તો જાણે છાંતી બળી ગઈ અને એટલું ય જાણે અધૂરૂં હોય એમ મારા ઉપર રોલર ફેરવામાં આવ્યું મને કચડી નાખવામાં આવ્યો , એક દિવસ મારૂં ઉદ્‌ઘાટન રાખવામાં આવ્યું એક નેતા ને મેં કેહતા સાંભળ્યો કે જોયું અમે નહતું કીધું કે અમને વોટ આપશો તો અહી ગંદકી અને ખાડા ની જગ્યાએ રોડ થઈ જશે . અમે આમારો વાયદો પૂરો કર્યો આજથી આ રોડ નું લોકાર્પણ કરવામાં આવે છે.

ત્યારપછી મારા પણ વિહિકલ ની દોડધામ મચી ગઈ પણ અંદરો અંદર તો હું જીવિત હતો બસ ફરી શ્વાસ લેવાની જાણે રાહ જોતો હતો અચાનક જ ફરી વરસાદ આવ્યો અને એક બસનું ટાયર મારી અંદર ખુંપીગયું અને હું ફરી જીવિત થઈ ગયો મારા જીવિત થયા નાં સમાચાર સ્થળ અને ફોટા સાથે વર્તમાનપત્રો માં પણ નોધાયા . થોડું ઘણું મારા પર સમારકામ થયું પણ પાંછી પરીસ્થિતી એની એજ એક વાર તો મને જાણે હડપ્પા અને મોહીજોદડો ની સંસ્કુતિ મારી નીચેથી નીકળવા ની હોય એ હદે ખોદી નાખવામાં આયો પણ કઈ નાં થયું પાછું ઝડપભેર પુરાણ કરી મારા પર રોડ બનાવી દેવાયો અને પાછું ચોમાસું આવે એટલે પાછો હું જીવિત થાઉં, મને લાગ્યું કે સતાવાળાઓ મને મારી કેમ નહિ નાખતા હોય તો કોઈ માનવી ને મેં કેહતા સાંભળ્યો કે આ ભૂવો તો તંત્ર ની જ ઉપજ છે આની પાછળ તો રાજનીતિ અને વોટબેંક છે આને જીવાડવામાં બધા ને રસ છે . ત્યારે મને સમજાયું કે મારા માં-બાપ જ તંત્ર છે તો કોઈ માં-બાપ પોતાના બાળક ને થોડું મારી શકે તો દર ચોમાસે મળતા રહીશું બસ મારે એટલું જ કેહવું છે કે હું અમર છું હે માનવ મારા થી બચીને ચાલજે નહિતો હાથપગ ભાંગવાનો કે મુત્યુ નો યોગ સર્જાઈ શકે છે .

લી - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી .