કૂદકો લગાવું... વાગશે તો નહિ ને...! Kandarp Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કૂદકો લગાવું... વાગશે તો નહિ ને...!

કૂદકો લગાવું...? વાગશે તો નહિ ને...!

કંદર્પ પટેલ

દોસ્ત...! દુનિયા એક જંગલ છે. જંગલનો એક રાજા છે, ડર. જે પળે-પળે ડરાવ્યા કરે છે. દૂરથી અવાજો નાખ્યા કરે છે. આપણે તેણે સિંહની ગર્જના સમજીને ડરીને બેસી જઈએ છીએ. આગળ વધવાની હિંમત થતી નથી. ઉભા થતા જ એ ‘ડર’ નામનો સિંહ ફરીથી ડરાવીને બેસાડી દે છે. એ માણસ ડરના ઓથાર હેઠળ જીવીને ઘરડો થઇ જાય છે. છેલ્લા દિવસોમાં એ વિચારે છે, ‘આમ પણ હું મારી જવાનો છું. તો પછી ઉભો થાઉં અને ત્યાં સુધી જાઉં. થોડું જંગલ ફરી લઉં.’ એ ઉભો થઈને ચાલતો થયો, ચાલતો રહ્યો, ચાલતો રહ્યો.

અંતે, જોયું તો એક સુંદર મજાનું ઝરણું ત્યાંથી વહેતું હતું. થોડી ઉંચાઈએથી ધોધ પડતો હતો. જે અણીદાર પથ્થરોને ઘસીને ચમકાવતો હતો. મેઘધનુષ્યના સાત રંગો વાતાવરણમાં પ્રાણ રેડતા હતા. સુંદર માછલીઓ પકડદાવ રમતી હતી. પતંગિયાઓ પુષ્પો પર ખો-ખો રમતા હતા. ભમરાઓ નર પરાગરજને માદા સાથે મિલન કરાવીને તેના રસને ચૂસવાનો આનંદ માનતા હતા. પક્ષીઓ કલરવ કરતા હતા. આ દ્રશ્ય જોઇને એ ઘરડા વ્યક્તિનું મન પ્રફુલ્લિત થઇ ગયું.

એ વિચારતો હતો, આ રોજ મને કોણ સિંહનો અવાજ સંભળાવીને ડરાવતું હતું? તેણે આંખો બંધ કરી. કાન ખુલ્લા કરીને દરેક અવાજોને ઓળખતો ગયો. છેવટે તેણે સમજાયું, કે પાણી આટલી ઉંચાઈએથી પથ્થર પર અથડાતું હતું તેથી તેનો ખુબ મોટો અવાજ આવતો હતો. જે વૃક્ષોની ડાળીઓમાં થઈને મારા સુધી પહોંચતા સુધીમાં ચવાઈ જતો હતો. જે બિહામણો-ડરામણો લાગતો હતો. અંતે, તે વ્યક્તિ ખુબ પસ્તાયો, રડ્યો, નિરાશ થયો. ફરીથી દુનિયાને જીવવાની તેને ચાનક ચડી. હજુ તેને જીવવું હતું, અનુભવવું હતું, કુદરતને માણવી હતી, પ્રકૃતિમાં ખોવાઈ જવું હતું, પ્રેમ કરવો હતો. પરંતુ, આજે તેની પાસે સમય અને શક્તિ બંને નહોતા. હૃદયમાં ગાળા સુધી આવેલો ડૂમો ઘૂંટાતો હતો.

બસ, મિત્ર..! આજ કહાની છે દરેક વ્યક્તિત્વની. કૂદકો લગાવવો છે..! પરંતુ વાગશે તો? તેનો વિચાર કૂદકો લગાવ્યા પહેલા આવી જાય છે. કોઈ શું કહેશે? કોણ શું વિચારશે? તેનું પરિણામ શું આવશે? કદાચ હું સફળ નહિ થાઉં તો? જો હું ગુમાવીશ તો? ધાર્યું નહિ થાય તો? આ દરેક શેતાની પ્રશ્નોના દૈવી જવાબો શોધવાને બદલે આપણે પ્રોબ્લેમ્સને આવકારીએ છીએ. બસ, કૂદકો લગાવી દે. થવાનું હશે તે થશે અને જે થશે તે જોયું જશે. ગુમાવીશ તો શીખીશ અને મેળવીશ તો પચાવીશ. મારતી વખતે જો ભગવાનને એમ ‘ના’ કહી શકીએ કે, ‘બોસ..! થોડા લેટ પડ્યા. આપણે તો જિંદગી મસ્ત મજ્જાની જીવી લીધી છે. કોઈ ઈચ્છા-અપેક્ષાઓ બાકી નથી. ચાલો જલ્દી..!’ તો જિંદગી બેક્કાર છે, ફિક્કી મોળી ચા ની ચૂસકી જેવી છે. હવાઈ ગયેલા મમરા જેવી છે.

સિમ્પલ ફંડા છે બોસ...! ‘અપની સુનતે રહો, સુનાતે રહો.’ પણ, બેફિકરાઈથી હવામાં મસ્તીની છોળો ઉછાળીને નહિ. એ બેફિકરાઈની ફિકર કરીને કોઈક મનગમતું પેશન શોધીને ફકીર બની જવું પડે. એ ‘પેશન’માં એટલું ‘ડિવોશન’ હોવું જોઈએ કે જેથી પરિણામ સમયે ‘ટેન્શન’નો ટોપલો માથા પર ન હોય પરંતુ કંઇક મેળવ્યા કે ગુમાવ્યાની લિજ્જતનો આસ્વાદ હસતા ચહેરા પરના ગાલના ખાડામાંથી ઢોળાતો હોય. સબસે બડા ‘રોગ’, ક્યાં કહેંગે ‘લોગ’. તેનો જવાબ, ‘લોગોં કો કહેને દો, લોગોં કા કામ હૈ કહેના..!’

કોફી રિસ્ટ્રેટો :

‘એક’ બાળક ‘બે’ નાકા ખભામાં ચડાવીને ‘ત્રણ’ વિષયના હોમવર્ક સાથે ‘ચાર’ કિલોનું બેગ લઈને ‘પાંચ’ કલાકની સ્કુલમાં ‘છ’ પ્રકારની બોલપેન સાથે ‘સાત’ વાગ્યામાં સોસાયટીના દરવાજે રીક્ષાની રાહ જોતો ‘આઠ’ પીરીયડ સહન કરવા ‘નવ’ સુધીના ઘડિયા પાકા કરીને ‘દસ’ વાગ્યાની રીસેસની રાહ જોતો હોય છે.