જાની @ થાઈલેન્ડ Poojan N Jani Preet (RJ) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જાની @ થાઈલેન્ડ

વિશાળ એરપોર્ટ વામનતાનો અહેસાસ કરાવતું હતું. થોડો શોર બકોર હતો. આપણી હસવાની, વાતો કરવાની ટેવ આપણ માટે સહજ હોય છે પરંતુ ત્યાં બેઠેલા ધોળિયાઓ માટે તે સહજ ન હતું. રાતનાં આ સમયમાં તેઓ ઊંઘ લેવા માંગતા હતાં પણ લઈ શકતાં નથી. ખેર, અમે પણ એકદમ ખાલી રો લીધી બધાં સામાન ગોઠવી બેઠા. એકદમ આરામદાયક સીટ્સ અને એ.સીની ઠંડકથી વાતાવરણ શરીર પાસેથી બધી ઊર્જા લઈ લેતું હતું. આરામ કરો આરામ કરો એવો અવાજ જાણે પડઘા પાડતો હોય અને અમે એ પડઘો જીલી લીધો. અમે બધાં તંદ્રા સુધી પહોચ્યાં ત્યાં તો ભાવસારનો સાહેબનો ભારે અવાજ સંભળાયો '' જાગતા રહેજો સાલાઓ. એનાઉસમેંટ સાંભળતા રહેજો નહીં તો કાલે ફરી બરોડા જવું પડશે'' આ કમેંટ સાંભળી બધા હસતાં રહી ગયાં'' હું છું ને સાહેબ. ફિકર નોટ તમે સુઈ જાવ હું જાગુ છું. આપણો સામાન પણ જોઈશ અને એનાઉસમેંટ પણ સાંભળુ છું" અમારા ગાઈડ નિહારભાઈએ કહ્યું.મેં પીઠ ફેરવી પાછળ દ્રષ્ટિ કરી. અલગ અલગ ફ્લાઈટનાં ટિકીટ કાઉંટર હતાં. જે ફ્લાઈટ , એમનાં સિમ્બોલ જાણે અજાણે ટી.વી કે નેટ પર જોયા હોય એ જ રીતે અત્યારે ત્યાં એ કંપનીનો સ્ટાફ એમના અલાયદા યુનિફોર્મમાં સજ્જ હતો.

એકદમ સુંદર છોકરીઓ કે જે માત્ર હસવા માટે જ બની હોય એવું લાગી આવે. એમનાં સિલેક્શન વખતે કંપનીનાં બધા માપદંડ પર ખરી ઉતરે એવી જ નાજુક, નમણી અને તમામ ગ્રાહકોને અટેંડ કરી શકે તેવી તથા તેવા જ વેલ બિહેવ્ડ,ડિસંટ, સેવિંગ કરેલા અને ઈસ્ત્રી ટાઈટ ફોર્મલ કપડાંમાં સજ્જ યંગ છોકરાવ સેવામાં હાજર હતાં. એરપોર્ટ પર પંચરંગી પ્રજાનો મેળો જામ્યો હતો. આફ્રિકન હબસીથી માંડીને યુરોપનાં ગોરાઓ તો કશ્મીરી વ્હાઈટ સ્કીન પણ જોવા મળતી હતી. અલગ ભાષાઓ પર ધ્યાન આપવા જઈએ તો તો માથુ ફરી ન જાય તો જ નવાઈ. મેં ફરી માથુ ઢાળી દિધું. સળંગ બીજી રાત્રી ઉજાગરાની સાક્ષી બનતી હતી. શરીરનાં અંગોને મગજ બે વાર કહે ત્યારે જ તે હલનચલન કરતાં હતાં. હજુ આજનો દિવસ આમ જ જવાનો છે એ ખબર હતી એટલે આરામ ફરજીયાત છે એ માની સુઈ ગયો. પંદરેક મિનિટ પછી થોડી બૂમાબૂમ સંભળાઈ. આંખો ખુલવા માટે રાજી ન હતી. તે મગજને મનાવતી હતી આ કાંઈ થોડું બસ સ્ટેન્ડ છે કે અહીં ઝઘડો, ટંટો થાય. એ અવાજ ધીમે ધીમે વધતો હતો અને હવે બે અવાજ સંભળાતાં હતાં. હજુ હું ઉઠ્યો ન હતો અને કદાચ ન ઉઠત પણ પ્રિંસએ ઠેલો મારી મને ઉઠાડ્યો. મને હાથથી ઈશારો કર્યો અને મેં જોયું. ફોર્મલ કપડામાં સજ્જ એ કાકાની ઉંમર 55 થી 60 વર્ષની હતી. તેઓ એક પ્રાઈવેટ કંપનીનાં ઓફિસર જોડે અંગ્રજીમાં બબાલ કરતાં હતાં. સામેથી હજુ સુધી નમ્રતાપૂર્વકનાં જવાબ આવતાં હતાં. જ્યારે શબ્દો ખૂટી પડે પછી જ માનવી ઉગ્ર બનતો હોય છે અહીં હજુ સુધી ઓફિસરનાં શબ્દો ખૂટ્યાં ન હતાં અને પેલા કાકા તો તલવારની ધાર જીભ પર લઈને આવ્યા હોય એમ લાગતું હતું. આખા એરપોર્ટનું ધ્યાન ત્યાં ખેંચાતુ હતું. આ દ્રશ્યો જોઈ લાગી આવે કે અહીં એ જ માણસો આવે છે જે માર્કેટમાં, બસ સ્ટેંડમાં હોય છે પણ આ જગ્યાએ આવી તેઓ થોડી વાર પૂરતી પોતાની વર્તણુક ચેંજ કરી દે છે જ્યારે અણગમતી સ્થિતિ નિર્માણ થાય ત્યારે ફરી તે મૂળ સ્વભાવ જાહેર કરી દે છે. મેં બાજુમાં બેઠેલા અમારા ગાઈડ નિહારભાઈને પૂછ્યું કે ''શું થયું આ?''

કદાચ એમને સ્થિતિનો તાગ મેળવી લીધો હોય અથવા અનુભવનાં આધારે કંઈ ખબર હોય એ આશાએ મેં પૂછ્યું હતું પણ લાગ્યું કે એમને પણ આઈડિયા નથી આવતો લાગતો. "ભુરા એ પોતાની ફ્લાઈટ મીસ કરી ગયા છે" બે મિનિટ પછી તેમણે કહ્યું "તો હવે" મેં રેપીડફાયર પ્રશ્ન પૂછ્યો " જોયા કર ફિલ્મ આપણી ફ્લાઈટની પ્રોસેસ આમેય 6 પછી ચાલુ થશે"

અમે બંને હસ્યાં અને ફિલ્મ જોયી આખી. એ ફ્લાઈટનાં રૂલ્સ મુજબ 45 મિનિટ પહેલા ચેક ઈન કરવું જરૂરી હતું અને એ અંકલ ચૂકી ગયાં હતાં જેથી એમને આગળ જવા દેવાતા ન હતાં પણ એમની ફ્લાઈટ હજી ટેક ઓફ થઈ ન હતી એ અંકલની દલીલ હતી એ વાતે અડગ હતાં કે તેમને જવા દેવામાં આવે. ન અધિકારી નમતું જોખતો હતો ન અંકલ. ચર્ચા ઉગ્ર બનતી હતી છેવટે અંકલ નેક્સ્ટ ફ્લાઈટ માટે ટિકિટની વાત કરી તો એ પણ માન્ય ન રહી આના લીધે તે વધુ મોટા અવાજે બોલવા લાગ્યા.

આ ભજવાતું દ્રશ્ય જોઈને આર્મી એક્શનમાં આવી અને બે જવાન એમની મશીનગન લઈને આવ્યા. એ દાખલ થતાં જ સન્નાટો વ્યાપી ગયો. જેમ સિંહ આવતા જ જંગલમાં શાંતિ સ્થપાય એ જ રીતે બધાની કમેંટો બંધ થઈ અને પેલા કાકાને આર્મી વાળા ઉઠાવી ગયા. એ કોઈ જાતની દલીલ ન કરી શક્યા.

***

5:30 અમે સૌ ઉભા થયા અને ટિકિટ અનુસા ર બે ભાગમાં ડિવાઈડ થયાં. અમારો સામાન સેટ કરી લીધો. ટિકિટ કાઉંટરની પરથી અમને ટિકિટ અપાઈ. સામાન પર સિક્કો મારવા ટેગ અપાયો પણ એ ટેગ મારવામાં અમને ખાસી મુશ્કેલી પડી. હેવી સામાન લેવાઈ ગયા. વજન કરી તે લઈ જવાયા અને અમારી જોડે માત્ર હેંડ બેગ જ રહી હતી. મેટલ ડિટેક્ટરમાં એ લઈ જવાયા અને એક્સ રેમાંથી પસાર થઈને અમને પરત અપાયા. લગભગ સવા છની આસપાસ અમે વેઈટીંગમાં ગોઠવાયા. કેટલીય ભાષાનાં ન્યુઝ પેપર ત્યાં રાખેલા હતાં. મેં બધાની એક એક કોપી લઈ લીધી અને વાંચવામાં મશગુલ થઈ ગયો. મારી હેંડ બેગમાં હરિંદ્ર દવેની માધવ ક્યાંય નથી પણ હતી

અમને લઈ જવામાં આવ્યાં. જે કંપનીની ફ્લાઈટ હતી. સંપૂર્ણ ઓટોમેટિક બસમાં સટાસટ ચડી ગયાં. ચારેય તરફ પ્લેન જ પ્લેન હતાં. અમારો સામાન ટ્રોલી વડે પ્લેનમાં નખાતો હતો. એકદમ સપાટ રોડ પર અમારી બસ દોડતી હતી. પૂર્વ કિનારે સૂર્ય પોતાનાં દર્શન દેતા હતાં. વાતાવરણની તાજગી સવારને આભારી હતી અને શહેરથી દૂર આવેલાં વિસ્તાર હોવાથી વાતાવરણ શાંત હતું. અમારી બસ ઉભી રહી. વિશાળ કદનું પ્લેન મારી સામે ઉભુ હતું. મેં પહેલી વખત આટલી નજીકથી પ્લેન જોયું હતું. કેટલા ફૂટ લાંબુ હતું એ અંદાજો લગાવી શકાતો ન હતો. એનાં બે પંખાઓ ચાલુ હતાં જેની ઝડપ એટલી બધી હતી કે તેની સામે બે મિનિટથી વધુ ટટ્ટાર ઉભી શકાતું નથી. જલ્દી જલ્દી કામ કરવાનું હોવા છતાં અમે સૌ સેલ્ફીમાં વ્યસ્ત બની ગયા. પ્લેનને બે ભાગમાં વિભાજીત કર્યુ હોય એમ બે દરવાજા ખુલ્લા હતાં. થોડા અંતરે વેલકમ કરવા માટે એકદમ કડક યુનિફોર્મમાં જોવી ગમે તેવી એર હોસ્ટેસ ઉભી હતી. એમનું મીઠું ગુડ મોર્નિંગમાં ખરેખર મોર્નિંગને ગુડ કરવાની તાકાત હતી. અમારી ટિકિટ ચેક કરવામાં તેઓ વ્યસ્ત બન્યાં.

અન્ય બે એર હોસ્ટેસ સૌને સિટ બતાવામાં વ્યસ્ત હતી. મને ''હાઈ યંગ મેન કહી સંબોધ્યો''.

''હાઈ યંગ બ્યુટિફુલ લેડી " મેં ઉત્તર વાળ્યો.

મારા જવાબથી એ પણ હસી અને અમારા ગ્રુપમાં પણ હાસ્ય ફરી વળ્યું. મારી અને પ્રીંસની સીટ બાજુ બાજુમાં હતી. અમારી હેંડ બેગ્સ અમે ઉપર રાખી અને ધ્રુવ કોઈ જોડે સેટિંગમાં કરી અમારી બાજુમાં આવ્યો.

*****