Hu-Gujarati-21 MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Hu-Gujarati-21


હુંુ ગુજરાતી - ૨૧COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as

NicheTech / MatruBharti. MatruBharti / NicheTech has exclusive digital publishing

rights of this book.Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•અતિથી એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

•કલશોર - ગોપાલી બૂચ

•ર્સ્િી પીંછ - કાનજી મકવાણા

•કૌતુક કથા - હર્ષ પંડયા

•માર્કેટિંગ મંચ - મુર્તઝા પટેલ

•ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર

•સંજય દ્રષ્ટિ - સંજય પિઠડીયા

•ભલે પધાર્યા - નીતા શાહ

•ગ્લોબલ મેનેજમેન્ટ - દીપક ભટ્ટ

•મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર

•બોલીસોફી - સિદ્ધાર્થ છાયા

•લઘરી વાતો - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

અતિથી

એડિટરની અટારીએથી....

સિદ્ધાર્થ છાયા

દોખા ધોખા

કોઈ એક એવી તક જે તમે ક્યારેય જતી કરવા ન માંગતા હોવ અને તે સામેચાલીને તમારી સમક્ષ આવીને ઉભી રહે. એટલુંજ નહીં તમારાથી આ તક જતી ન રહે એનામાટે અમુક વ્યક્તિઓ જેની પાસે અધિકાર પણ હોય તે સામેચાલીને મદદ કરવા તૈયાર થઈ જાય. તમે તમારા તમામ કામો અને કમાણીના અન્ય સાધનો પડતા મુકીને એ કામમાં લાગી જાવ જે તમારી માટે કદાચ હાથમાં રહેલા કામ કરતાં પણ મહત્વનું છે અને કદાચ તમારી જિંદગીને કાયમમાટે બદલી નાખે તેવી છે. અને અચાનકજ તમને એવું કહી દેવામાં આવે કે સોરી, તમે લાયક નથી અને તમે સેવેલા તમામ સ્વપ્નાઓ એક ઝાટકે તૂટી જાય. આટલું ઓછું નથી પેલો, તમને ટેકો આપનારો વ્યક્તિ પણ ખસી જાય અને શોધ્યો પણ ન જડે. તમે સાવ એકલા થઈ જાવ અને તમને તમારા પેલા નિર્ણય પર પસ્તાવો થાય કે તમે વધુ વિચાર્યા વીના આમ કેમ કર્યું? જો કે એમાં તમારો પણ વાંક નથી, તમે માત્ર એક એવી તક જોઈ જે તમારી જિંદગી કાયમને માટે બદલી નાખવા સમર્થ હતી એટલેજ તમે આમ કર્યું હતું.

હાલમાં ઈંગ્લેન્ડના બેટ્‌સમેન કેવિન પીટરસન સાથે પણ આ મુજબજ થયું. કરોડોના કોન્ટ્રેક્ટને ના પાડીને પીટરસન ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડના અધ્યક્ષની મૌખિક ગેરંટીએ મફતમાં સરે કાઉન્ટી માટે રમ્યો કે તેને ઈંગ્લેન્ડની ટીમમાં ફરીથી રમવા મળે. એટલુંજ નહીં પરંતુ બે મોટા સ્કોર પણ ઉભા કર્યા, પરંતુ માત્ર એક વ્યક્તિ એટલેકે ભૂતપૂર્વ કપ્તાન એન્ડર્યુ સ્ટ્રાઉસની આડોડાઈને લીધે પીટરસનના ઈંગ્લેન્ડની ટીમમાં પરત થવાના દરવાજા કાયમમાટે બંધ થઈ ગયા અને પેલા બોર્ડ પ્રમુખ અત્યારે શોધ્યા પણ જડતા નથી.

આવું કોઈની પણ સાથે થઈ શકે છે. અને જયારે આવું થાય ત્યારે દિલનું દર્દ કોઈ સાથે શેર કરીને, કે લખીને કે ક્યાંક દુર જઈને હળવું કરીને આગળ વધવામાંજ સાર છે નહીં કે રડીને કે બદલો લેવાના પ્લાન કરીને, જેમ પીટરસને કર્યું. તેણે પણ આ ધક્કો ખમ્યા પછી આઈપીએલમાં પરત ફરવાનું નક્કી કર્યું. જો કે તે ઈજાને લીધે એમ ન કરી શક્યો પરંતુ રડીને બેસી રહેવાને બદલે પીટરસને પોતાનો ગુસ્સો એક અખબારના આર્ટીકલમાં ઠાલવ્યો અને પોતાની કારકિર્દીને કેવો ઓપ આપવો એ નક્કી પણ કરી લીધું. જીહા, કહેવું સહેલું છે, કરવું અઘરૂં છે, પણ કોશિશ કરવાનો ક્યા વાંધો છે. એટલું ધ્યાન રાખવું કે આપણે કોઈની સાથે આવો કોઈ અન્યાય ન કરી બેસીએ. વિશ્વાસનું મહત્વ ખુબ છે અને જો કોઈએ આપણા પર મુકેલો વિશ્વાસ આપણે પૂરો ન કરી શકીએ તો તેને સોરી કહેવાથી તેને પણ ટેકો મળશે અને આપણે પણ કોઈ ખરાબ કામ કર્યાના ભારથી દુર રહી શકીશું.

કલશોર

ગોપાલી બૂચ

છાતીના મૂળ સુધી એની એ ભૂખ પછી તમને ના વાગે તો કહેજો !

ફૂટપાથે સુતેલા ભૂખ્યા કોઈ બાળકની આંખો પર

ધ્યાન કદી દેજો

છાતીના મૂળ સુધી એની એ ભૂખ પછી તમને

ના વાગે તો કહેજો

ફૂટપાથે સુતેલા ભૂખ્યા કોઈ બાળકની આંખો પર

ધ્યાન કદી દેજો

ઈટ અને સિમેન્ટે ભીતો બંધાય એમ લાગણીયો

થોડી બંધાય છે

ભીતેથી પોપડા ખરે ને એમ રોજ અહી માણસ પણ

જર્જરિત થાય છે

ડામર ના રસ્તા પર કાળીધબ ઈચ્છા ના એકલા

નિસાસા ના લેજો

ફૂટપાથે સુતેલા ભૂખ્યા કોઈ બાળકની આંખો પર

ધ્યાન કદી દેજો

સૂરજ ડૂબે ને પછી ટળવળતી સાંઝ રોજ ટોળે વળી

ને મૂંઝાય છે

અહી નાનકડા રોટલાનો ટુકડો પણ માણસની આંખોનું

સપનું થઈ જાય છે

કાચ સમી જિંદગીને સાચવતા માણસના આંસુની

ધાર કદી સહેજો

છાતીના મૂળ સુધી એની એ ભૂખ પછી તમને ના

વાગે તો કહેજો

- તેજસ દવે

ઈવેન્ટ મેનેજમેન્ટનું કામ કરનારા કવિ શ્રી.તેજસ દવે લાગણીઓને શબ્દોના મેનેજમેન્ટથી બખુબી ઉજાગર કરી જાણે છે.ગુજરાતના આ કવિ હ્ય્દયની સંવેદના છે,ખાસ એવા માહોલની વચ્ચે એનો ઉલ્લેખ કરવાનું મન થયુ જ્યારે ફૂટપાથ પર સુતેલો કોઈ સામાન્ય માનવી જ્યારે કોઈ ઊંંચા વગદાર માણસની ભુલનો ભોગ બની મૃત્યુના મુખમા હોમાઈ ગયો અને આખો દેશ પાછો રોજીંદી ઘટમાળમા પરોવાઈ ગયો.

સાચે જ જે દેશમા બાળમજુરી નિષેધ છે એ જ દેશમા ફુટપાથ પર જીવન ઉછરે છે જ્યા લાખો બાળકો એવાં પણ છે જેને ’પેટ ભરાઈ ગયું’ એટલે શું એ અહેસાસ જ નથી.આવે સમયે એક નાજૂક હ્ય્દય કવિ એવાં ભુખ્યાં બાળકની આંખોમા નજર નાખવાની વાત કહે ,પણ એટલી હિંમ્મત છે આપણી પાસે ?એની આંખમા આંખ મેળવીને જોવાની ?એની ભુખ સુધી પહોંચવાની ?જો એ ઊંંડાણ સુધી પહોંચી શકાશે તો એની આંખોમા વસેલી ભુખ ભાલા જેવી તિક્ષણ વાગશે એ નક્કી તો છે જ.

સમાજની આ આસમાનતા છે .યાદ આવે છે એક એવા કવિની રચના જેમા પણ સમાજની આ ભેદરેખાને પ્રસ્તુત કરવામા આવી છે.

"છે ગરીબોના કૂબામા તેલ દોહ્યલુંને,

શ્રીમંતોની કબર પર ઘીના દિવા થાય છે.’’(કરસનદાસ માણેક)

માણસ જો થોડુક પણ બીજા માટે વિચારીને જીવે તો કદાચ આ ભુખની સમસ્યા સુધી પહોંચી શકાય.લાગણી તો લાગણીતરસી હોવાની.બંધાઈ જાય.પણ એ બંધાતા બહુ વાર લાગે છે.એ સંવેદના છે.પત્થરોની બાંધણીનું કોઈ ઘર નથી.એની ગાંઠ કાચા તાંતણે બંધાય છે પણ એની માવજત પાક્કી હોય છે.પણ એની મજબુતાઈ જો ફેવિકોલકા જોડ જેવી હોય તો માણસ ભલે જર્જરિત થાય,મકાન ભલે જર્જરિત થાય પણ લાગણી કદી જર્જરિત થતી નથી.એને તો આપણા હ્ય્દયમા સંવેદનાઓથી સીંચી સીંચીને લીલીછમ રાખવાની વાત હોય છે અને એટલે જ કવિ કહે છે કે આ કાળી સડકો પર રમતી કૂંપળ શી ઈચ્છાઓના નિસાસા ન લેજો.આ બાળપણને યોગ્ય દિશા મળે તો એમા સમગ્ર દેશનું કલ્યાણ છે.

અહીં ગરીબીની એવી કારમી પીડાનું આલેખન છે.આ એવું જગત છે કે અહી બટકુ રોટલો પણ માણસનું સ્વપ્ન સાબિત થાય છે.વિચાર તો આવે કે વિકાસ અને વિકાસની વાતો થતાં દેશમા કોઈ ફુટપાથી સપનાને એક કવિ હ્ય્દયથી જુવો તો ખબર પડે કે લોહીઝાણ પીડા શેને કહેવાય ?છૂટક પેટિયું રળીને રસ્તા પર જીવતા શ્રમજીવીની વેદનાનો નખશિખ ચિતાર અહિં કવિ કરાવે છે.સાંજ પડે ફુટપાથ પર કહેવાતા ઘરમા ટોળે વળગેલાં બધાં પેટ ભરીને નહી પણ ભાગ પાડીને ખાતા હોય છે.મને લખતા લખતા એમ થાય છે કે એના માટે ’જમવું’શબ્દ વાપરી શકાય ખરો ?અને પછી એ જ ફુટપાથ પર જ્યારે જીદગી સુઈ જાય છે ત્યારે ખબર નથી હોતી કે આમાથી કેટલી જીંદગી સવારે જીવંત હશે ?

કંઈ કેટલાય બાળકો એ ભુખને કારણે મોટા થવા પણ નહી ઈચ્છતા હોય કદાચ !કેટલાય બાળપણ ફુગ્ગામા ભરી ભરીને એક ટંકની એમની ભુખ વેંચતા હશે ?કેટલાંય બાળકો શ્રીમંતોની ગાડીનાં કાચ એ જ ભાવનાથી લુછતાં હશે કે કદાચ સાફ કાચમાથી કોઈને બાળકની આંખમા રહેલી ભુખ દેખાઈ જાય !

અને જો દેખાઈ જાયને તો અઘરૂં છે પછી એની નજરમાં પોતાના નાગરિકત્વને ટકાવી રાખવું.

સમાજની આ વિષમતાને બારીક સંવેદનાથી પ્રકાશિત કરવા બદલ શ્રી તેજસ દવેનો આભાર તો માનવો પડે.આભાર એટલા માટે કે એમણે આ ગીત ક્યારે રચ્યું એ ખબર નથી પણ ,તાજેતરમા એક અભિનેતાની બેદરકારીને જે રીતે નજર અંદાજ કરવામા આવી તેવા સમયે આ સંવેદના ,આ ગીતની વેદના આપણને જરા વિચાર કરતાં તો કરે જ છે. જો આ દુખ આપણી છાતીના મૂળ સુધી ન પહેંચે તો જરા વિચાર તો કરવો જ ઘટે.

ગોપાલી બુચ.

મોરપીંછ

કાનજી મકવાણા

કૌતુક કથા

હર્ષ પંડયા

મધર્સ ડે અને સૌરાષ્ટ્રની એ માં

યે બાત ઉન દિનો કી હૈ માય લોર્ડ, જયારે કદાચ મધર્સ ડે નો કોન્સેપ્ટ સૌરાષ્ટ્રમાં પ્રચલિત નહોતો. એક એવી માં ની વાત કરીએ જેને આ દિન અને એના સેલિબ્રેશનની જરૂર જ નથી. આપ સૌ માંથી ઘણાએ ડાયરાઓમાં સાંભળી હશે. જુનાગઢમાં સોલંકીઓએ કિલ્લો સર કર્યા પછીનો એ સમય છે. અગ્નિકુંડમાં જૌહર માટે પડતા પહેલા રાજપુતાણીએ એની દાસી વાલબાઈ ને બોલાવી. પુરા નામ વાલબાઈ વડારણ. વાલબાઈને કહ્યું,’વાલબાઈ, મારા આ વરસ એક નાના દીકરાને તું કોડીનાર પાસે આલીદર બોલીદર ગામના દેવાયત આહીર ને ત્યાં પહોંચાડી દઈશ? એને મેં મારો ભાઈ માન્યો છે.’ વાલબાઈ આદેશને માથે ચડાવીને મહેલની બહાર નીકળી. આ તો રાજદાસી. બધે સોલંકીઓની ચોકી મુકાઈ ગઈ હતી.તરત ઓળખાઈ જાય, એટલે એક સફાઈ કામદાર એવા ભીમડા રખેહરને સાધ્યો. ‘ભીમડા, તને એમ છે કે મારી માથે સુંડલો છે? આમાં રા ની જ્યોત બળે છે, રા નો વંશ છે ભીમડા. એને તું તારી માથે લઈ લઈશ?એટલે કોઈને શંકા ન જાય?’ ‘લાવ બેન, આમેય અમારી માથે તો સુંડલા જ હોય ને !!’ ‘પણ જે વહેલું આલીદર બોલીદર પહોંચે એ રાહ જુએ.’ ‘હા પાકું’.

વાલબાઈ વહેલી પહોંચી ગઈ. ભીમડો રખેહર પરસેવે રેબઝેબ પહોંચ્યો. ‘લે બેન, હવે આ સુંડલો તારા માથે લઈ લે. ઓલું રહ્યું દેવાયત આહીર નું ખોરડું.પણ એક વચન આપતી જા.’ ‘દીધું વચન’. ‘તારી કમરમાં જે કટાર છે એ આપતી જા.’ ‘કેમ?’ ‘વચન આપ્યા બાદ ખુલાસા ન હોય વાલબાઈ.’ હજી વાલબાઈ પૂંઠ ફેરવે ત્યાં તો કટાર ભીમડાએ પેટમાં નાંખી દીધી. કણસતા અવાજે બોલ્યો,’અમે નાનું વરણ કહેવાઈએ બેન, અમારા નાના પેટ હોય. કાલ ઉઠીને કોઈકને મેં આ વાત કહી દીધી તો રા નો વંશ ઓલવાઈ જાય’. ભારે હૈયે વાલબાઈ દેવાયત બોદરને ખોરડે પહોંચી-બધી વાત કરી. દેવાયતે પત્નીને હાંક મારી,’સાંભળ્યું? જૂનાગઢથી મહેમાન આવ્યો છે.’ પત્ની સોનલબા બેય સંતાનોને ધવરાવતી હતી. નાનો ઉગો અને દીકરી જાહલ. જાહલનું ધાવણ છોડાવીને રા ના એ વંશને ધવરાવ્યો અને મોટો કર્યો. એ વંશનું, એ જ્યોતનું નામ એટલે રા નવઘણ.

અત્યાર સુધી ઈતિહાસે બે સુંડલા આહીરના ખોરડે જતા જોયા છે. એક વસુદેવનો સુંડલો નંદ ને ત્યાં અને બીજો રા નો સુંડલો દેવાયત આહીરને ત્યાં. પાંચ વર્ષે દેવાયતને રાજમાંથી તેડું આવ્યું. ‘સાંભળવા મળ્યું છે કે તમે દુશ્મનને ઉછેરો છો?’ ‘હા, મોટો કરૂં છું ને !!’ ‘એમ?રાજ સામે વેર બાંધવા?’ ‘ના,રાજની સેવા કરવા.હું સામેથી આપી જાત પણ તમે સામેથી તેડાવ્યો એ મારા માટે તો ધન્ય ઘડી ધન્ય ભાગ્ય. લેતો આવું દુશ્મનને.’ ‘ના, તમે નજરકેદમાં રહો અને ત્યાંથી દુશ્મનને બોલાવો.’ દેવાયતે પત્નીને સંદેશો મોકલાવ્યો, ‘આવેલ માણસો સાથે સારી રીતે વાત કરજો. અત્યાર સુધી દુશ્મનને ઉછેરીને મોટો કર્યો છે એને સાથે મોકલજો. પણ રા રાખતા વાત કરજો.’ પત્ર વાંચીને સોનલબા સમજી ગઈ. દુશ્મનને ઉઠાડયો, તૈયાર કર્યો,હેતથી ચૂમી લીધી ત્યાં નવઘણ ઊંંઘમાં કહે,’માં, મારે ય ભાઈ સાથે જવું છે.’ ‘બેટા તું મારી સાથે પછી આવજે.’ દુશ્મન પહોંચી ગયો રાજદરબારમાં. દેવાયતને આદેશ થયો-આનું માથું વાઢી નાંખો. આંખના પલકારામાં દુશ્મનનું માથું ધડથી જુદું થઈ ગયું. અને પછી રાજદરબારને ખબર પડી કે આ તો દેવાયત આહીરનો દીકરો ઉગો હતો. નવઘણ નથી. દેવાયતને અનેક રીતે મનાવવાની કોશિશો કરી, પણ દેવાયતે એજ રટણ ચાલુ રાખ્યું કે આ મર્યો એ દુશ્મન જ હતો. અંતે સોનલબા ને બોલાવાયા, એમ માનીને કે માં તો ઓળખી જ જાય ને !! એ પહેલા મૃત્યુ પામેલ શબની બેય આંખો કાઢી લેવામાં આવી હતી. એ આંખો ઉપર ચાલવાની અગ્નિપરીક્ષા કરવાની હતી. અને શરત એ કે જો આંખોમાંથી આંસુનું એક ટીપું પણ પડયું તો સાબિત થઈ જાય કે એ ઉગો જ હતો. સોનલબા એ એ બેય પરીક્ષા એકદમ સહેલાઈથી પૂર્ણ કરી. પાંચ વર્ષની વયે નવઘણનું બોદર દંપતીએ પોતાના પેટના જણ્‌યા દીકરાનું બલિદાન આપીને એનું રક્ષણ કર્યું. પછી તો દેવાયત આહિરે વિદ્રોહ કર્યો અને જૂનાગઢની ગાદી પર રા નવઘણની તાજપોશી થઈ. કોડીનાર આ મામલાના સમાચાર પહોંચ્યા. અને સોનલબા એ આશીર્વચન આપ્યા, ‘બેટા નવઘણ, ગરીબોનો બેલી થજે. તારૂં રાજ સૂર્ય ચંદ્ર જેટલું પ્રકાશે.’ પછી સોનલબાએ દીકરા ઉગાના અવસાનનો સાડલો પંદર વર્ષે પહેર્યો અને મરશીયા ગાયા.

દિલ હચમચાવી દે એવી આ વાર્તાના પાયામાં પાંચ માણસોના સમર્પણ છે. ભીમડો, વાલબાઈ, બોદર દંપતિ અને જાહલ. જાહલના ભાગનું ધાવણ નવઘણને મળ્યું હતું એ વાત નવઘણે બરાબર યાદ રાખી હતી અને કહેવાય છે કે બહેન જાહલને લગ્નસમયે કાપડામાં ‘ક’ અક્ષરથી શરૂ થતા ૨૨ ગામ આપ્યા હતા.

પાપીની કાગવાણીઃ

કિસીકો ઘર મિલા હિસ્સે મેં, યા કોઈ દુકાન આયી,

મેં ઘરમે સબસે છોટા થા, મેરે હિસ્સે મેં માં આઈ..

* મુનવ્વર રાણા

માર્કેટિંગ મંચ

મુર્તઝા પટેલ

માર્કેટિંગ માટેની જરૂરી એવી ‘શિષ્યદક્ષિણા’

જો તમારૂં દરેક કામ, વર્તણુંક, સામેની વ્યક્તિને અભિભૂત કરે, પ્રેરણા આપે, નવું સ્વપ્ન જોવાની તાકાત બક્ષે, નવું કરી બતાવવાનો વિચાર આપે યા શીખવે તો દોસ્ત!...સમજો કે તમે લીડર છો જ.

-પીટર ડરકર-

વર્ષો પહેલાં જ્યારે મેનેજમેન્ટનો કોર્સ કરતો હતો ત્યારે પટેલ સાહેબ આમ તો મારા માર્કેટિંગના પ્રોફેસર. પણ ખરા અર્થમાં મારા બોસ હતાં. જો કે અમે એમની કોઈ નોકરી કરતા ન હતાં; પણ એમનો સમજાવવાનો, કામ કરવાનો (અને કરાવવાનો) એક અનોખો અંદાઝ હતો. બોસને છાજે એવો એમનો પ્રભાવ (કરિશ્મા) અમને વારંવાર મોટિવેશન આપતું.

નવું સ્વપ્ન જોવાનું, નવું વિચારવાનું, પ્રોજેક્ટને ‘બીજા કરતા ‘હટકે’ કરી બતાવવાની તાકાત બક્ષતું. ખુશી સાથે કહીશ કે એમના બોસિંગ પીરિયડમાં અમને ડેશીંગ આઈડીયાઝ મળતા.

‘હોમ-વર્ક’ શબ્દ એમની ડિક્શનરીમાં ન હતો. કેમ કે એ કામ એમને માટે અમારી ઊંપર કાંટા ફેંકવા જેવું લાગતું, અત્યાચાર લાગતો. એને બદલે છેલ્લી ૧૦-૧૫ મીનીટ ‘પ્રશ્નોની પૂંછડી’ જેવો ક્વિઝ પ્રોગ્રામ રાખી અમારા દિમાગને એ સ્કીવીઝ કરી જતા. બાકીના ૨૪ કલાક દરમ્યાન (જેમને રસ હોય) એવા સ્ટુડન્ટસ એ પૂંછડી પકડી રાખતા. કેમ કે પકડેલી એ પૂંછડીને બીજા પીરિયડમાં હલાવવાનો મોકો મળતો.

ખૈર, વાત કરવી છે કૉલેજના એ છેલ્લા ૩-૪ દિવસોની. જ્યારે મને એમણે સૂચવેલાં કેટલાંક ધારદાર આઈડીયાઝને વધુ એક વાર અમલ કરવાનો મોકો મળ્યો. એક કોરી ડાયરી લઈને હું એમની પાસે પહોંચી ગયો. ડાયરી એમના હાથમાં મુકતી વખતે ફક્ત એટલું જ કહ્યુંઃ

“સર! પાછલાં વર્ષોમાં તમે અમને ઘણું શીખવ્યું છે. ઘણું આપ્યું છે. એ બરોબર. એને અમે અમારી ‘હાર્ટ-ડિસ્ક’ સેવ પણ કરી ચુક્યા છે. પણ મારા જેવા માટે તો મન હજુ પણ પ્યાસુ છે. તો આ ડાયરીમાં કાંઈક એવું લખી આપો કે વખતો વખત એને વાંચીને અમે તમને કાયમ યાદ રાખીએ”

“ઓકે મેન... કાલે બપોરે સ્ટાફરૂમમાંથી કલેક્ટ કરી લેજો” એમનું એ ટ્રેડિશનલ સ્માઈલ આપી, બગલમાં ડાયરી દબાવી ચાલ્યા ગયા. બીજે દિવસે બપોરે એ ડાયરીના ૪ પાનાંઓ એમના એ અમૂલ્ય ડેટાથી ભરાઈ ચૂકી હતી અને ડાયરી મારી બગલમાં. મને પહેલી વાર એક ગુરૂ તરફથી ‘શિષ્યદક્ષિણા’ મળી હોય એવું લાગ્યું.

વીતેલાં વર્ષો પછી જ્યારે-જ્યારે પણ એ ડાયરી ખોલું છું ત્યારે હજુ પણ કાંઈક નવું કરવાનો ડોઝ મળતો રહે છે. તો દોસ્તો! આજે એ સેવ થયેલા શબ્દોની કેટલીક ટિપ્સ માર્કેટિંગ માટે પણ કેટલી સૂચક છે. જુવો તો ખરા!.....

* “મજબૂરી હોય અથવા કેરિયર-ડેવેલોપમેંટ માટે અનુભવ લેવો હોય તો જ જોબ કરજે, નહિ તો ધંધો કરવો સારો.”

* “આ મારૂ કામ નહિ. મારી જોબમાં એવું કઈ લખ્યું નથી.” તારા બોસની આગળ એમ બોલી જોબને બોજમાં ફેરવી ના નાખતો.

* “ભલે શરૂઆતમાં નોકરી સામાન્ય લાગે (અથવા) મૅનેજર તરીકે પોસ્ટ મળી હોય તો પણ એ વિભાગમાં કામ એક લીડર જેવું કરજે.”

* “એમ માની ને ચાલજે કે કંપનીમાં કે વેપારમાં તારૂં મુખ્ય કામ લોકોને સાથે લઈ ચાલવાનું છે.”

* “તારા કરેલા કામોનું અચીવમેન્ટ જાણવા બીજા લોકોનો અભિપ્રાય વખતો વખત લેતો રહેજે. પણ અંતે તારૂં દિલ જે કાંઈ કહે એમ કરજે.”

* “તારા પોતાના કે કોઈના આઈડિયાને બરોબર સપોર્ટ કરજે. એની પર હસવું આવે તો વાંધો નથી પણ એ વાતને હસવામાં કાઢી ન નાખતો. ધ્યાન રાખજે કે પાછળથી પછી રડવાનો વારો ન આવે.”

* “સૌથી અસરકારક લાગે એવો વિચાર (કૉન્સેપ્ટ-આઈડિયા) કોઈ મોટી ગ્રુપ મીટિંગમાં એમ ને એમ ઠાલવી ન દેતો. પહેલા કોઈ નાનકડી (અંગત) મીટિંગમાં એની અજમાયેશ કરી લેજે.”

* “તને અનુભવોના ભાથા બાંધ્યા પછી કોઈક એવા મોકે પર એમ લાગવા માંડે કે તું એક ભરોસા-પાત્ર વ્યક્તિ તરીકે ઓળખાઈ રહ્યો છે ત્યારે એક સમજુ લીડર તરીકે સમજદારીપૂર્વક વિરોધ નોંધાવવાની તૈયારી રાખજે.”

* “કોઈના ઈ-મેઈલનો ‘સુપરફાસ્ટ’ અને ફોનનો સુપર સ્લો રિપ્લાય ન આપતો.”

* “સખત મહેનત પણ સ્માર્ટ રીતે કરજે. આ સ્માર્ટનેસ તો તને જ કેળવવી પડશે દોસ્ત!”

* “બિઝનેસમાં કે જોબમાં કોઈ અડચણ યા ડર પેદા કરાવી રહ્યું હોય તો બીજાને એની લગીરે ખબર પડવા ના દેજે. સમજીને ડર ને દૂર કરજે.”

* “કમાણી અને વાણીને વેચાણ કરતા વધુ વહેચતો રહેજે.”

* “ઘેંટાંનાં ટોળા જેવી વૃતિ અને ગધેડા જેવી મજૂરી કરવાનું ટાળજે. યાદ છે ને આપણો પેલો શબ્દઃ ‘હટકે’.”

* “દરરોજ કોઈકને એમના કામના નેટવર્કમાં કોમ્પ્લીમેન્ટસ આપજે.”

* “તે આજે મને આ ડાયરીમાં ટીપ્સ શેર કરવાની-લખવાની તક આપીને બીજા સ્ટુડન્ટસ કરતા ‘હટકે’ કામ કર્યું છે એની મને ખુશી છે. તારો આભાર.

ચાલ...કોન્ટેક્ટમાં રહેજે.”

ફૂડ સફારી

આકાંક્ષા ઠાકોર

મેંગો મેનિયા

આપણામાંથી ઘણા માટે ઉનાળો એટલે કેરી ખાવાના દિવસો, મારા જેવા અનેક લોકો માટે તો ઉનાળાનો અર્થ જ કેરી થાય છે, એ સિવાય ઉનાળો એક ત્રાસદાયક પરિસ્થિતિ છે. આપણે કેરીનો ઉપયોગ રાંધણકળામાં વ્યાપક રીતે કરીએ છીએ. ખાટી, કાચી કેરીનો ચટણી,અથાણાં તથા અન્ય સાઈડ ડીશમાં ઉપયોગ થાય છે. અથવા તેને મીઠું, મરચું, અથવા સોયા સોસ સાથે કાચી પણ ખાઈ શકાય છે. એક ઉનાળાનું પીણું, આમ પન્ના, કેરીમાંથી બનાવવામાં આવે છે. આ ઉપરાંત પાકી કેરી તેમાંથી રસ,લસ્સી અને ફજેતો( અથવા આમ્ટી) બનાવવામાં પણ વપરાય છે. પાકી કેરી સાઉથ-ઈસ્ટ એશિયામાં વિવિધ પ્રકારની બનાવવામાં પણ વપરાય છે.

એશિયાટિક કન્ટ્રીઝ સિવાયના દેશોની વાત કરીએ તો કેરીનો મહત્તમ ઉપયોગ સવારના નાસ્તામાં વપરાતા સીરીઅલ્સ તથા ગ્રનોલા બાર બનાવવામાં થાય છે, જે સામાન્ય રીતે પાકી કેરી હોય છે. આ ઉપરાંત હવાઈમાં તેનો ઉપયોગ ‘બાર્બેક્યુ’ બનાવવામાં થાય છે.

કેરીની નુટ્રીશિયન વેલ્યુની વાત કરીએ તો, ૧૦૦ ગ્રામ કેરી ના સર્વિંગદીઠ ૨૫૦ ાત્ન (૬૦ ાષ્ઠટ્ઠઙ્મ) કેલરી મળે છે. કેરી વિવિધ પોષક તત્વો સમાવે છે, પરંતુ માત્ર વિટામિન સી અને ફોલેટ (અનુક્રમે ૪૪% અને ૧૧%) નું પ્રમાણ જ રોજીંદી જરૂરિયાતોને અનુરૂપ છે.

કેરી ભારત, પાકિસ્તાન અને ફિલિપાઈન્સનું રાષ્ટ્રીય ફળ છે તથા બાંગ્લાદેશનું રાષ્ટ્રીય વૃક્ષ છે. મુઘલ સમ્રાટ અકબર એ દરભંગામાં ૧૦૦,૦૦૦કેરીના વૃક્ષો વાવી આંબાવાડિયાનું નિર્માણ કર્યું હોવાનું કહેવાય છે. હિંદુ ધર્મમાં સંપૂર્ણપણે તૈયાર કેરી ઘણીવાર ભગવાન ગણેશનાં હાથમાં મૂકવામાં આવે છે, જે ભક્તના સંપૂર્ણ સમર્પણના પ્રતીક તરીકે દર્શાવાય છે. કેરીના મ્હોરનો ઉપયોગ દેવી સરસ્વતીની પૂજામાં થાય છે. તમિળનાડુમાં, કેરી તેની મીઠાશ અને સ્વાદ માટે, કેળા અને ફણસ સાથે ત્રણ શાહી ફળોમાંના એક તરીકે ઓળખવામાં આવે છે. ફળોની આ ત્રિપુટી મા-પાલા-વાઝાઈ તરીકે ઓળખવામાં આવે છે.

આજે આપણે કેરીમાંથી બનતી કેટલીક અલગ પ્રકારની વાનગીઓ જોઈશું, જેમકે મેંગો સાલસા અને મેંગો પાના-કોટા. મેંગો સાલસા એક મેક્સિકન સાલસા છે, જેને નાચોસ કે અન્ય કોઈપણ મેક્સિકન વાનગી સાથે સર્વ કરી શકાય છે. જયારે મેંગો પાના-કોટા એ એક ઈટાલિયન ડેઝર્ટ છે.

મેંગો સાલસાઃ

સામગ્રીઃ

૧ કેરી (છોલીને સમારેલી )

ઘ કપ કાકડી (છોલી, બી કાઢીને સમારેલી)

૧ મોટો ચમચો ઝીણા સમારેલા હલાપીનીઓ મરચા

ભ કપ સમારેલી ડુંગળી

૧ મોટો ચમચો લીંબુનો રસ

૧ મોટો ચમચો ઝીણી સમારેલી કોથમીર

મીઠું,મરી સ્વાદ મુજબ

રીતઃ

કેરી, કાકડી, હલાપીનીઓ મરચા, ડુંગળી, લીંબુનો રસ અને કોથમીર ને એક બાઉલમાં ભેગા કરી, સારી રીતે મિક્સ કરો. તેમાં સ્વાદમુજબ મીઠું અને મરી નાખી બરાબર ભેળવી દો.

નાચોઝ, તોર્ત્િાયા ચિપ્સ કે ટાકોઝ સાથે સર્વ કરો.

મેંગો પાના-કોટાઃ

સામગ્રીઃ

૧ ૧/૪ કપ દૂધ

૧/૪ કપ ખાંડ

૨ ચમચી અગર અગર પાઉડર

૧ કપ કેરીનો રસ

૧ કેરી (લગભગ ૧/૨ કપ હોવી જોઈએ)

૧ ચમચી વેનીલા અર્ક

રીતઃ

એક મધ્યમ સોસપેનમાં દૂધ, ખાંડ અને અગર અગર પાવડર ભેગા કરો.

તેને ૫ મિનિટ માટે મૂકી રાખો.

ગેસ ઉપર મૂકી તેને ખાદ્‌ખાડવા ડો, ત્યારબાદ ગરમી ઘટાડી અગર-અગર ઓગળે ત્યાં સુધી, ૬-૮ મિનિટ રાંધો.

ગેસ પરથી દૂર કરો.

એક ફૂડ પ્રોસેસર માં કેરીનો રસ, અગર અગર મિશ્રણ અને વેનીલા નો અર્ક ઉમેરો.

મિશ્રણને ડેઝર્ટ ગ્લાસમાં સરખા ભાગે વહેંચી દો.

ફ્રીજમાં લગભગ ૧ થી ૨ કલાક સેટ થવા દો.

ઠંડુ ઠંડુ સર્વ કરો.

સંજય દ્રષ્ટિ

સંજય પીઠડીયા

રમેશાયણ ગુણ્‌યા બે

મે મહિનો એટલે માથાભારે તડકો! મે મહિનો એટલે લૂ અને બફારો! મે મહિનો એટલે વેકેશન! મે મહિનો એટલે કેરીનો રસ! પણ મે મહિનો ગુજરાતની ધિંગીધરા માટે, બોલીવુડ માટે અને કાવ્યવિશ્વ માટે ખોટનો મહિનો.

જી હાં, મિત્રો! આજે ગુજરાતી ભાષા સાથે જોડાયેલા બે ‘રમેશ’ને યાદ કરવા છેઃ એક રમેશ પારેખ (અવસાનઃ ૧૭ મે, ૨૦૦૬) અને બીજા રમેશ મહેતા (અવસાનઃ ૧૧ મે, ૨૦૧૨). બેય છ અક્ષરના નામ વાળા...બેય પોતાના કામમાં અવ્વલ દરજ્જે આવે...બંનેની પોતાની આગવી ઓળખ. રમેશ પારેખ ગયા ત્યારે ગુજરાતી કવિતાનો ધણી ગયો અને જ્યારે રમેશ મહેતા ગયા ત્યારે બોલીવુડનું હાસ્ય અનાથ બન્યું. આ લેખમાં બંનેની સરખામણી કરવાની મારી કોઈ ઈચ્છા નથી (અને લાયકાત પણ નથી) પણ જે મહિનામાં આ બંને હસ્તીઓ મોટા ગામતરે ચાલી ગઈ એ જ ‘મે’ મહિનામાં વાત કરવી છે બંનેએ ચાતરેલા ચીલાની, ઘનદાટ જંગલમાં બનાવેલા કેડાની, મીઠી વાવની!

***

રમેશ પારેખ એટલે ધગધગતો લાવારૂપી કાવ્યપુરૂષ! રમેશ પારેખ એટલે લોહીના શરીરરૂપી પહાડમાંથી વહેતું કવિતાનું ઝરણું! ર.પા. વિશે ઘણાં લોકોએ ઘણું બધું લખ્યું છે પણ એમના ગીતો અને કાવ્યોની વિશેષતાઓ વિશે વાત કરવી છે. કોઈ પંક્તિ રમેશ પારેખની છે એવું ખબર પણ ના હોય છતાં લોકોના હોઠે અને હૈયે રમતી હોય. કવિતામાં એમના જેવી વિષય-વિવિધતા, શબ્દ-સૂઝ અને વાક્ય-રચના પણ ભાગ્યે જ કોઈના નસીબે હશે. એમની સૌથી મોટી વિસંગતતા એ છે કે ભલે એ ઓળખાયા કાવ્ય અને ગીતસમ્રાટ તરીકે પણ એમની સાચી ઓળખ તો ‘અછાંદસ’ કાવ્યોમાં હતી. રમેશ પારેખે અછાંદસ કવિતાઓનો એક ટ્રેન્ડ શરૂ કરી દીધો હતો. તમે કોઈ વાર ‘ખોતરનારા ખુસાલિયા’ની કવિતા વાંચો કે ‘ભગવાનનો ભાગ’ વાંચો - એક અલગ જ તાજગી જોવા મળશે એ કવિતાઓમાં. એમની કવિતાઓના શીર્ષક પણ કેવા? ‘કલમને કાગળ ધાવે’, ‘ચર્ચગેટની ટ્રેનો બરછટબૂંધી’, ‘પત્તર ન ખાંડવાની પ્રાર્થના’, ‘કાગડો મરી ગયો’, ‘સાંઈબાબાછાપ છીંકણી વિશે’, ‘શી/સી/એ’, ‘પેનબાઈ ઈંડું ક્યાં મૂક્શો?’, ‘જાંબુડી હેઠ’, ‘કાગડાએ છુટ્ટું મૂક્યું છે ગળું’, ‘ઘઉંમાંથી કાંકરા વીણતા હાથનું ગીત’, ‘બાબુભાઈ બાટલીવાલા’, ‘ફાંસી પહેલાંની ઈચ્છા’, ‘મા ઝળઝળિયાજીની ગરબી’, ‘સમળી બોલે ચિલ્લીલ્લીલ્લી’, ‘વૈજયંતીમાલા અથવા ઠાકોરજીની છબીમાં’, ‘વરસાદ ભીંજવે’, ‘મનજી કાનજી સરવૈયા’, ‘પગાયણ’, ‘હસ્તાયણ’! કાવ્યો-ગીતો સિવાય એમણે ‘સગપણ નામે ઉખાણુ’ અને ‘સૂરજને પડછાયો હોય’ નામના નાટકો પણ લખ્યાં છે.

‘ખલાસીનું ગીત’ હોય કે ‘શિકારીની બંદૂકમાં ઊંગેલું ગીત’. ‘રેતીને છંછેડનાર મૂરખનું ગીત’ હોય કે ‘મદારીનું પ્રણયગીત’ - આ બધું લખ્યાં પછી જો તમે એમને ‘પૂછો કે, ધંધો?’ તો કહે કે ‘મારી કવિતા એ તો મેં વિશ્વના હોઠ પર કરેલું ચુંબન છે’. કવિતાએ શિયાળાની સવારે તાપણું પણ બનવું પડે અને ઉનાળાની બપોરે છાંયડો પણ! રમેશ પારેખે સ્તનોની સોફ્ટનેસ, ભીડનો ભેંકાર અને મીરાના મનસૂબા શણગાર્યા છે. ‘તમને ફૂલ દીધાનું યાદ છે’ પણ બાપુએ ગરબીમાં ગાયેલું ‘હા રે, અમે ગ્યાં તા...’ એ ગીત યાદ છે? એમણે કાલિદાસને મૂતરડીમાં મેઘદૂતના નામે પડકારો કર્યો છે, અને આસપાસના અકસ્માતોથી અકળાઈને ઈશ્વરને પણ તોફાનમાં ગધેડીનો કહ્યો છે. ‘સાત રંગના સરનામે’ આ ‘મનપાંચમનો મેળો’ લાગ્યો હોય ત્યારે ‘એક છોકરી પાસે એક છોકરો ગયો’ અને કહ્યું ‘ઝૂરૂં છું એમ તમે પણ’ ઝૂરો. ‘એક છોકરી જ્યારૂકની’ ‘ઓણુંકા વરસાદમાં’ સિટ્ટીના હીંચકે ઝૂલતાં છોકરાના મનમાં ઉઠેલા સ્નેહપ્રપાતને ‘ઉથલાવવા મથે છે’ ત્યારથી લોકો વિચારે છે કે ‘એક છોકરો + એક છોકરી + કંઈક બીજું?’ ‘આવું હરહંમેશા થાય’ કે ‘સ્વપ્નમાં’ લોકો ‘જુએ જળનું સપનું’ અને ‘નદીએ હબસણ ન્હાય’ એ જાણીને ‘શયનખંડમાં’ એમને ‘કંઈક તો થાતું હશે...’ (પોઈન્ટ ટુ બી નોટેડ - આ ફકરામાં અવતરણ ચિહ્‌નોમાં લખાયેલા શબ્દો એ ર.પા.ની કવિતાના શિર્ષકો છે!)

હ્ય્દયના સંવેદનોને ઉત્કંઠાથી ઝીલીને સુપેરે શબ્દોનું રૂપ આપીને જોતજોતામાં એમણે ગુજરાતભરને પોતાની કલાના દિવાનગીમાં ડૂબાડી દીધા. આજે રમેશ પારેખની કવિતાઓ અને શબ્દકૃતીઓ મનની ‘માલીપા’ ‘હડિયાપાટી’ કરે છે. તેમના સંચાલન કરાયેલા મુશાયરામાં એક અલગ મસ્તી લાવવામાં તેમની જબરી કલા હતી. જીવનના અસ્ત સમયે પણ ખાધેપીધે સુખી અને પોતાની ત્રીજી પેઢીને રમાડવાની મજાયે લીધી. રમેશ પારેખ કુમારચંદ્રક, રણાજિતરામચંદ્રક, નર્મદચંદ્રક, નરસિંહ મહેતા એવોર્ડ, કલાગૌરવ પુરસ્કાર, ગુજરાત સાહિત્ય અકાદમી અને દિલ્હી સાહિત્ય અકાદમીના એવોર્ડ અને બીજા કેટલાય સન્માનોના આબાદ ધણી રહ્યા છે. પણ ક્યાંક એમની રચનાઓની સુગંધને પારખીએ તો ખબર પડે કે અંદરથી એ માણસ ખુશ ન હતો. એમના ગીતો અને કાવ્યો એના અંતરમનના ઊંંડાણ અને એકલતાની ચાડી જરૂર ખાય છે. એમણે એવું પણ લખ્યું છે કે, મૃત્યુની અંતિમ ક્ષણે તમામ સ્વજનોના સ્મરણ થાય, હેડકી ચડે નેપ પછી ફેરવી તોળે છે. ‘ના, ના, લગાતાર હેડકી ઉપડી હોય તે ક્ષણે તું ઉભી હોય સ્મિતવંતી ટગરટગર ને છેલ્લી હેડકી શમી જાયપ ને હું મૃત્યુ પામું!’ કવિ મકરંદ મુસળેએ પોતાની એક કવિતામાં લખ્યું છે - “ઈ તો રમતો જ હતો. રમવું જ હતું ઈ ને. ઈ તો રમવા જ આયો’તો. રમી રમીને ‘રમેશ’ થઈ ગ્યો’તો ઈ."

આપણે ત્યાં ‘સર્વાનુમતિ’ નહોતી છતાં ભગવાને પોતાનો ભાગ માંગવા માટે ર.પા.ને પોતાની પાસે બોલાવી દીધા. ર.પા.ના ગયા પછી આ કવિતાજગત ‘એક સૂની હવેલી’ છે. આ તો ‘ગોરમાને પાંચે આંગળીએ પૂંજ્યાં’ હશે ત્યારે આપણને ર.પા. જેવા કાવ્ય-‘સંત’ મળ્યા, નહીં તો એમના વગર કાવ્યજગતમાં ‘સૂર્યનું પગલું મળે નહીં’. ‘ગઢને હોંકારો તો કાંગરા ય દેશે’ પણ ર.પા. વગર હવે ‘સુદામાની વિમાસણ’ કોણ સાંભળશે?

***

“ઓહોહોહોહો.....કિયા ગામના ગોરી?”

“રાજનગરના!”

“ઓહોહોહોહો....રાજ ય નોખું નગર ય નોખું ને તમે તો હાવ નોખાં....”

આવા ‘ઓહોહોહોહો’ના લહેકાથી સંવાદો બોલી બોલીને લોકોના દિલમાં જેમણે જગ્યા બનાવી એ આપણા લોકલાડીલા રમેશ મહેતા! સૌરાષ્ટ્રની તળપદી સંસ્કૃતિને સંવાદોમાં ઢાળવામાં રમેશ મહેતા માહિર હતા. એક ઉત્કૃષ્ટ લેવલનું સાહિત્યિક હ્યુમર ગુજરાતી ફિલ્મોમાં પીરસનારાઓમાં રમેશ મહેતાનો જોટો જડવો મુશ્કેલ છે. ૧૯૮૦ના દાયકા સુધી એક મોટા કોમેડિયન તરીકે એમનો ભારે દબદબો રહ્યો. બોલીવુડમાં ‘સ્ટારડમ’ કોને કહેવાય એનું ઉત્તમ ઉદાહરણ રમેશ મહેતાએ પૂરૂં પાડયું હતું. જે સમયમાં નરેશ કનોડિયા, ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, રોમા માણેક, હિતેન કુમાર જેવા સુપરસ્ટાર લોકોના દિલોદિમાગ પર છવાયેલા હોય એ વખતે લોકો ફિલ્મોના પોસ્ટરમાં રમેશ મહેતા છે કે નહીં એ જોઈને ફિલ્મની ટિકિટ ખરીદે - આ કોઈ નાનીસૂની વાત નથી. લોકોને વલ્ગર જોક્સ સાંભળવા ભલે ન ગમે, પણ રમેશ મહેતાના નોન-વેજ અને દ્‌વિઅર્થી જોક્સ પર તાળીઓના ગડગડાટ થતા. મરાઠી ફિલ્મોમાં ‘દાદા કોંડકે’ અને ગુજરાતી ફિલ્મોમાં ‘રમેશ મહેતા’ ઉપર ‘હળવા’ને બદલે ‘હલકા’ હોવાનો આક્ષેપ હતો પણ તોયે લોકો એમના દિવાના હતા. એમની બોલી અને લખાણ બોલીવુડમાં એક અલગ સ્ટાઈલ બની ગઈ હતી.

બીજી ભાષાઓમાં હશે કે કેમ, પણ કોઈના નામની પાછળ ‘નો’, ‘ની’, ‘નું’, ‘ના’ જોડીને પ્રેમ દર્શાવવાની સવલત ફક્ત ગુજરાતીમાં જ હશે! ‘વાયડીના’, ‘ગાંડીના’, ‘ગૂંગણીના’, ‘વેવલીના’, ‘ઘેલઘાઘરીના’, ‘ડાહ્યલીના’ જેવા શબ્દો સૌરાષ્ટ્રમાં પહેલાંયે બોલાતા અને હજીએ બોલાય છે. પણ આપણા બોલીવુડમાં આ શબ્દો રૂપેરી પડદે બોલવાની શરૂઆત રમેશ મહેતાએ કરી અને કરાવી. એ સિવાય ગુજરાતી સિનેમાના પડદે ક્રિયાપદોમાં પણ નો-ની-નું-ના લગાડવાની પ્રથા રમેશ મહેતાથી શરૂ થઈ. ‘હાલતીનો થા’, ‘ઊંભીનો રે’ જેવા પ્રયોગોનો વાક્યોમાં ઉપયોગ એમણે કર્યો અને સૌરાષ્ટ્ર-કાઠિયાવાડની એ પ્રથાને આગળ ધપાવી. રમેશ મહેતાને અભિનય અને કલાનો વારસો તેમના પિતા ગીરધરભાઈ તરફથી મળેલો. પોતાના કરિયરની શરૂઆતમાં લાઈટીંગના કામ, પછી રંગભૂમિ પર ઉમદા કલાકાર તરીકે, નાટકોના લેખક તરીકે, ગુજરાતી ફિલ્મોમાં અદ્‌ભૂત એક્ટિંગ કરવામાં અને પટકથા-સંવાદ લખવામાં એમની ખૂબી હતી. જેમ હીરો સાથે કોઈ એક હીરોઈન સૂટ થાય એમ રમેશ મહેતાની જોડી મંજરી દેસાઈ કે રજની બાળા સાથે જ રહેતી. રમેશ મહેતાની લોકપ્રિયતાની ઊંંચાઈ એટલી હદે હતી કે એમને હીરોની જેમ પોતાની ફિલ્મમાં એક ગીત પર ફરજીયાત પણે પરફોર્મ કરવાની ફરજ પાડવામાં આવતી. એમનું ગીત ‘તારી બા ને બજરનું બંધાણ’ એક વાર યુટ્‌યુબ પર જોઈ લેજો, જલસો પડી જશે! એ ફક્ત હાસ્ય કલાકાર જ નહોતા, એક ઉમદા લેખક પણ હતા - રાજા ભરથરી, હોથલ પદમણી, હસ્તમેળાપ, વાલો નામોરી જેવી ફિલ્મોની સ્ક્રીપ્ટ તેમણે જ લખી હતી. એમણે લખેલા નાટકો જેમ કે ‘હું એનો વર છું’ અને ‘સૂડી વચ્ચે સોપારી’ રાષ્ટ્રીય સ્તરે પણ ખ્યાતિ પામ્યા હતા.

સંત સુરદાસ, પારકી જણી, સોરઠની પદમણી, ઝૂલણ મોરલી, આંગણે વાગે રૂડા ઢોલ, સાજન તારા સંભારણા, રાજા ભરથરી, હોથલ પદમણી, હિરણ ને કાંઠે, જેસલ તોરલ, માલવપતિ મૂંજ, દેશ રે જોયા રે દાદા પરદેશ જોયા જેવી સફળ ફિલ્મોની શૃંખલામાં ઝળકેલા રમેશ મહેતા ગુજરાતી સિનેમામાં કોમેડીનો પર્યાય બની ગયા હતા. હા, ‘ગાજરની પિપૂડી’ નામની એક ફિલ્મમાં એ હીરો તરીકે પણ આવ્યા હતા. મહેમૂદ, મુકરી, કેશ્ટો મુખર્જી, અસરાની, જગદીપ જેવા કલાકારો જ્યારે હિન્દી ફિલ્મોમાં ધૂમ મચાવી રહ્યા હતા ત્યારે એકલપંડે બોલીવુડને પેટ પકડીને હસાવનારા એકમાત્ર રમેશ મહેતા હતા. ૭૦ની વય પછી એમણે બે આલ્બમ પણ કર્યા - ‘તારી બા ને બજરનું બંધાણ’ અને ‘મારે હવે પરણવું છે!’

ભલે ગુજરાતી ફિલ્મોમાં એક વિશિષ્ટ લહેકો અને ગામઠી શૈલીમાં પોતાના સંવાદોની રમૂજી રજૂઆત કરી હોય પણ જીવનભર દર્શકોને પેટ પકડીને હસાવનારા આ ઉમદા કલાકારના હાસ્યની પાછળ ગંભીર સંઘર્ષ અને ઊંંડાણભરી લગનની ગાથા જોડાયેલી છે. રમેશ મહેતાને એક ઈન્ટરવ્યુમાં પૂછાયું હતું કે તમારા જીવનનો કરૂણ પ્રસંગ કયો? ત્યારે રમેશ મહેતા કહે છે, “મારી પત્ની વિજયાલક્ષ્મી મને મૂકીને સ્વર્ગ સિધાવી એ મારા જીવનનો સૌથી કરૂણ પ્રસંગ છે. પત્નીના અવસાન બાદ એક વાર હું હાલોલમાં શૂટીંગ પૂરૂં કરી આદત મુજબ રાજકોટ આવવા પહોંચ્યો ત્યારે મને યાદ આવ્યું કે પત્ની તો ગુજરી ગઈ છે. હવે હું કોને મળવા ઘરે જાઉં છું? હવે હું મકાનને મળવા જાઉં છું કે ખાલીખમ રસોડાને? જે હિંચકા પર અમે સજોડે હીંચકતા ઈ હીંચકો તો હવે હલવાનું જ ભૂલી ગયો છે. હવે હું એ ધૂળ ચડેલા હીંચકાને મળવા જાઉં કે સૂની પડેલી સેજને મળવા જાઉં છું?”

ગોંડલ તાલુકાના નવાગામમાં જન્મેલા રમેશ મહેતા જેવો બીજો કોઈ કોમેડિયન બોલીવુડને મળવો મુશ્કીલ હી નહીં નામુમકીન હૈ! જેમની સ્મશાનયાત્રામાં રોકકળ ન થતાં એમની ફિલ્મોના લહેકાદાર ડાયલોગ અને ગીતોની સીડી વગાડવામાં આવી હોય એ ખરેખર એક હાસ્યકલાકાર જ હોઈ શકે.

***

શરીરના બાહ્યભાગમાં ક્યાંય વાગે તો ડેટોલ કે હળદર લગાડીને શરીરમાંથી નીકળતા લોહીને થોડી વાર માટે બંધ કરી શકાય પણ સમયના ઘા જેણે ખાધા હોય એની ભીતર આવા લોહીના ફુવારાને કેવી રીતે શાંત કરી શકાય? આવા આંતરભાગમાં થયેલા ઘાવથી જ જન્મે છે કવિતાના શબ્દો અને જેણે અંદર દુઃખ જોયું છે એના મોઢે જ હાસ્યના ફુવારા છૂટી પડે છે. પ્રસિદ્ધ હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડને કોઈએ કહ્યું કે મારે પણ હાસ્યકલાકાર બનવું છે. ત્યારે શાહબુદ્દીનભાઈ બોલ્યાઃ “તમારે હાસ્યકલાકાર બનવું છે? તો તમારા આંસુ બતાવો મને!” રમેશ પારેખ અને રમેશ મહેતા - આ બંને મહાન વ્યક્તિઓની ખોટ ગુજરાતી પ્રજાને હંમેશા સાલવાની, પણ એમણે આપેલા ઉત્કૃષ્ટ વારસાને બિરદાવીએ એ જ આપણા દ્વારા એમને અપાયેલી શ્રદ્ધાંજલી કહેવાય!

પડઘોઃ

એક ખાબોચિયું ઉંબરમાં આવ્યું : સુકાયું

હતો ‘રમેશ’ને મોટો પ્રસંગ જાણું છું (રમેશ પારેખ)

ભલે પધાર્યા

નિતા શાહ

લખવું એટલે ....!

પુસ્તકો વસાવવા એ જિંદગીનું

સારા માં સારૂં ૈંહદૃીજંદ્બીહં છે

વાંચવું અને વંચાવવું એ જિંદગીનું

સારામાં સારૂં જીેઙ્મીદ્બીહં છે

વાંચવું ને ઉતારવું એ જિંદગીનું

સારામાં સારૂં છષ્ઠરૈીદૃીદ્બીહં છે

મનોમંથન કરવું એ જિંદગીનું

સારામાં સારૂં ૈંહર્દૃઙ્મદૃીદ્બીહં છે

પુસ્તક-મૈત્રી કરવી એ જિંદગીનું

સારામાં સારૂં ડ્ઢીદૃીર્ઙ્મદ્બીહં છે

ગમે તે જ લખવું એ જિંદગીનું

સારામાં સારૂં ર્ઝ્રદ્બદ્બૈંદ્બીહં છે

લખવું એટલે બહોળું વાંચન,પુષ્કળ ચિંતન અને સાથે મનન....મને આ વિષય પર લખવાનું મન થયું કારણ છેલ્લા ૧૦ દિવસથી હું ગુજરાત ના અલગ અલગ ૪૪ લેખક,કવિ અને પત્રકાર ને વાંચી ને થોડું સમજવા પ્રયત્ન કરી રહી છું...આવા વિષય પર લખવું તે નાના મોઢે મોટી વાત કરવા જેવું છે.પણ ઓ’હેનરી ના શબ્દો એ જાણે લખવા માટે ધક્કો માર્યો, ’’જે ગમે તે જ લખો. બીજા કોઈ નિયમ નથી,કોઈ બંધન નથી.’’ આમ તો ખુબ જ કપરૂં કામ છે. મારા મતે કોઈક ને કંઈકરૂબરૂ માં કહેવું હોય તો જીભ ઘણી વાર થોથવાઈ જાય કારણ સામે વાળા શું વિચારશે ? આવા તો ઘણા એક સામટા પ્રશ્નો ઉઠતા હોય છે અંદરથી .એટલે જ મને લખવું ગમે છે.લખવું એ મૌન સાથે નો સંઘર્ષ છે.એક વાર જો કલ્પના ના અશ્વ પર સવાર થઈ ને મન ને મોકળું રાખીશું તો’ કી બોર્ડ ’ પર શબ્દો ના જાદુ થી આંગળીઓ તેની કમાલ દેખાડી જ દેશે.પછી તે ગદ્ય હોય કે પદ્ય,લઘુ વાર્તા હોય કે નવલ-કથા,કવિતા હોય કે ગઝલ,સોનેટ હોય કે હાઈકુ,હાસ્યલેખ કે કટાર હોય...આદિ..કોઈ પણ સર્જનાત્મક લખાણ માં ઓછા માં ઓછા સરળ શબ્દો માં પણ વીજ ચમકારો અનુભવાય,શબ્દો નું સાતત્ય અને પવિત્રતા સચવાય તો ચોક્કસ ઓછામાં ઓછા ૨૦% લોકોના હૃદય માં તો સ્થાન બનાવી જ શકીએ.બાકી તો સમય મોટો વિવેચક છે જ.

આજથી થોડા વર્ષો પહેલા ’’પત્ર-લેખન’’ કળા વિકસિત હતી,જયારે ટેલીફોન નો ઉપયોગ અગત્ય ના કામ મતે જ થતો. તે સમય માં લખવાની ટેવ હાલ ના સમય કરતા વધારે જ હશે.એક પોસ્ટ-કાર્ડ કે આંતર્દેશી પત્ર જોઈને રોમાંચિત થઈ જતા.આજે એક જ વાત કહેવાની છે

’’હવે આવનારી નવી પેઢી ને વાંચતા આવડતું હશે,પણ લખતા નહિ આવડે. શક્ય છે લેખન-કળા કદાચ વિલીન થઈ જાય.’’

’’ મરોડદાર અને કલાત્મક અક્ષરો હતી આપણી ઓળખાણ, નથી લાગતું ’કી બોર્ડ’ આ ઓળખ ગુમાવી દેશે...?’’

આપણાં મુખ્ય-મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે ’ગુજરાત ના નાથ’ અને રાજકારણ ના ’મહારથી’ છે.તેઓ કવિ છે,વાર્તાકાર છે,ચરિત્રકાર પણ છે. લેખન પળનું પ્રાગટ્‌ય તેમના જ શબ્દો માં...

કલ્પનાના અશ્વ પર શબ્દ નો અસબાબ સર્જક માટે સવારીની ખુમારી લઈને આવે છે. મન મેદાન ની મોકળાશ ફૃતિ ને કાગળ પર થનગનતું રૂપ આપી જાય ત્યારે રચના આકાર લેતી હોય છે.ક્રીએશન માટે તો શૂન્યાવકાશ જોઈએ.આખુને આખું આકાશ રૂપ-રંગ વગરનું આકાશ આપણી ભીતર સમાઈ ગયું હોય-ઉઘાડી આંખ..પણ બહાર નહિ, અંદર હોય...શબ્દ ની શોધ નહિ,અક્ષરો નો મેળાવડો નહિ-હૃદય રડતું હોય-તીવ્રતા સ્પર્શતી હોય-જેમ સાગરના મોજાની ખારાશ જીભને કે આંખને અડકે તો ચીસ પડાવી દેઃ પણ નજર હૈયાને સ્પર્શે તો..? ભાવસાગર અંદર જ સમાઈ જાય...શબ્દોની નાવ હલેસા વગર હિલોળા લેવા માંડે.....!!! શ્રી નરેન્દ્ર.મોદી.

ક્યારેક ચિત્તની પ્રસન્નતા કંઈક લખાવે છે,તો ક્યારેક પીડાના પડછાયે કશુક લખી રહે છે.સંવેદન ગમે તે સમયે અને ગમે તે સ્થળે શબ્દરૂપ પામે છે.કોઈ સુવિધાપૂર્ણ નર્સ્િાગહોમ માં જ કવિતા નો પ્રસવ થાય તે જરૂરી નથી.સમય પાકતા કવિતા કોઈ પણ સ્થળે અવતરે છે.કવિએ તેને વ્હાલપૂર્વક વધાવવાની તૈયારી રાખવી પડે.....!!! શ્રી નીતિન.વડગામા

લેખક બનવા માટે પહેલા માણસ બનવું જોઈએ,ઈશ્વરદત્ત આશીર્વાદ મેળવવા જોઈએ.સંવેદનાને જાગૃત રાખવી જોઈએ.ખુબ વાંચવું, વિચારવું, વાગોળવું જોઈએ....!!! શ્રી પ્રવીણ.સોલંકી.

’’આ મારી પાસે શસ્ત્રો છે જે શબ્દ નામનું છે શબ્દ ચક્ર કૃષ્ણનું બાણ રામનું ...’’

શ્રી અમૃત ધાયલ.

’’શબ્દ જયારે પણ સમજણો થાય છે અર્થ ત્યારે કંકુવરણો થાય છે....’’

શ્રી ’ધૂની’ માંડલિયા.

બસ હૃદય માં આગ ધધકતી હોય ત્યારે જ કલમ પકડી લેવી.લખવાનું મુલતવી રાખવું ઈસ્ત્રી ઠંડી પડી ગયા પછી કપડા પ્રેસ કરવા જેવું છે. સર્જકતાને કદાચ અવગણી શકાય પણ બહાર આવતી રોકી ન શકાય.સ્વપ્ન જુદું હશે,ભાષા જુદી હશે,વિચારો જુદા હશે,સાધનો જુદા હશે પણ સર્જકતા તો એવી ને એવી જ રહેશે...અકળ...અદીઠ.

ગ્લોબલ મેનેજમેન્ટ

દીપક ભટ્ટ

મોબાઈલ શિષ્ટાચારની અગત્યતા

થોડા સમય પહેલાં મારા એક મિત્રને નોકરીની જરૂરિયાત હોઈ અલગ અલગ કંપનીઓમાં પોતાના બાયોડેટા મોકલાવેલા હતા અને તે સમયગાળા દરમ્યાન તેમને એક કંપનીમાંથી ઈન્ટરવ્યુ કોલ આવેલો હતો પરંતુ મારો એ મિત્ર પોતાના મિત્રો સાથે બિનજરૂરી વાતો કરવામાં એટલો મશગુલ બની ગયો હતો કે તેમણે મોબાઈલ ફોનમાં મિસ કોલ પણ જોવાની તસ્દી ન લીધી. આ બાબતનું ગંભીર પરિણામ એ આવ્યું કે, આજે તે ફરીથી નોકરીની શોધમાં છે.

આજના સ્માર્ટ ટેલીકોમ્યુનીકેશનના યુગમાં મોબાઈલ શિષ્ટાચારને આપણે મોટેભાગે ધ્યાનમાં લેતા હોતા નથી. આને પરિણામે ઘણી વખત આપણે આપણાં ગ્રાહકો, વેન્ડર, ફેમીલી તેમજ મિત્રોમાં નારાજગી જોવા મળતી હોય છે. મોબાઈલ શિષ્ટાચાર આજે ખુબ જ જરૂરી બની ગયું છે. આપ મીટીંગમાં હોય, કોઈ જોડે વાત કરતાં હોય કે પછી રેસ્ટોરેન્ટમાં બેઠા હોય ત્યારે મોબાઈલનો ઉપયોગ કેટલા પ્રમાણમાં કરવો તે બાબતને ખાસ ગંભીરતાથી સમજવી જોઈએ. કોમ્યુનીકેશનમાં હંમેશા સામેની વ્યક્તિને રિસ્પોન્સ મળે તે ખુબ જ જરૂરી બનતું હોય છે.

મોબાઈલ શિષ્ટાચાર વિશે જો આપણે સમજીએ તો,

૧/ ફોનનો પ્રત્યુતર આપવોઃ ફોન કોલ ને માત્ર ત્રણ રીંગમાં જ ઉપાડી લેવો જોઈએ. જયારે પણ ફોન કોલ આવે કે ત્રણ રીંગમાં જ તેને ઉઠાવીને પ્રત્યુતર આપવો જોઈએ. વધારે સમય રાહ જોવાથી લોકોને કંટાળો આવે છે. જો આપ કોઈ મીટીંગમાં હોય તો તુરંત જ ફોનને કટ કરીને તેમને મેસેજ દ્વારા આપ મીટીંગમાં વ્યસ્ત છો તે અંગે જાણકારી આપવી જોઈએ. ફોન ઉપર વાતચીત શરૂ કરો તે પહેલા ગુડ મોર્ન્િાંગ અથવા કેમ છો જેવા શબ્દોથી શરૂઆત કરવી જોઈએ. કોઈ પણ વાતચીતની શરૂઆત હકારાત્મક શબ્દોથી થવી જોઈએ. વાતચીત કરતી વખતે હંમેશા તમારી પાસે પેન અને એક ડાયરી રાખો જેથી બીજાનો અગત્યનો મેસેજ લખતા તમને આસાની રહે.

૨/ વાતચીત કરવાની કળાઃ જયારે પણ મોબાઈલ ઉપર વાત કરો ત્યારે તમારો અવાજ એકદમ શાંત હોવો જોઈએ. હંમેશા ધ્યાનમાં રાખો કે, લોકો તમારી વાતનો પ્રત્યુતર તમારો અવાજ સાંભળીને આપશે. એક વાતચીત ચાલુ હોય ત્યારે બીજી વાતચીતને અટકાવવા માટે હોલ્ડ બટનનો ઉપયોગ કરવો જોઈએ. હંમેશા ટુ ધ પોઈન્ટ વાતચીત કરવાનો આગ્રહ રાખવો જોઈએ જેથી બંને વ્યક્તિનો સમયનો બચાવ થઈ શકે. જયારે વાતચીત કરતા હોય ત્યારે મુખ્ય મુદ્દાને જ ધ્યાનમાં રાખવો જોઈએ.

૩/ ફોન કરતી વખતેઃ કોઈ પણ વ્યક્તિને ફોન કોલ કરતી વખતે તમારો વાતચીતનો એજેન્ડા સ્પષ્ટ રાખવો જરૂરી છે. જે વાતચીત કરો તે સ્પષ્ટ હોવી જોઈએ. જે વ્યક્તિને ફોન કરવાનો હોય તે વ્યક્તિનું નામ, નંબર, તેમની કંપની અને હોદ્દો ખાસ યાદ રાખવું જોઈએ અથવા તમારી ડાયરીમાં નોંધી લેવું જોઈએ. ઘણી વખત બીજા કામમાં વ્યસ્ત હોવાને પરિણામે આપણે એ વાત ભૂલી જઈએ છીએ કે આપણે કોને ફોન કર્યો છે. જો તમે ભૂલમાં કોઈ વ્યક્તિને ફોન કરેલો હોય તો તેમને માનપૂર્વક સોરી કહેવું જોઈએ.

મિર્ચી ક્યારો

યશવંત ઠક્કર

કસ્ટમર કેર સેન્ટર

‘મેડમ, મારે થ્રીજી વિષે જાણવું છે. બતાવશો?’

પ્રશ્ન સાંભળીને, પરીક્ષા આપી રહેલા કોઈ વિદ્યાર્થીને કોર્સ બહારનો પ્રશ્ન પૂછાય ત્યારે એને જેવી લાગણી થાય એવી લાગણી મહેતાબહેનને થઈ.

‘થ્રીજી વળી કેવું હોય?’ એમણે વળતો પ્રશ્ન કર્યો.

‘હું તમને પૂછું છું? મારે તમારી પાસેથી જાણવું છે ને તમે મને પૂછો છો? તમારા ખાતાએ આજે છાપામાં જાહેરાત આપી છે ને તમને ખબર નથી?’

‘નથી ખબર એટલે તો ના પાડું છું. શાંતિથી વાત કરો.’

‘શાંતિ જોઈતી હોય નોકરી છોડીને ઘેર બેસો. તમે કસ્ટમર કેર સેન્ટરમાં ઈન્કવાયરીના કાઉન્ટર પર બેઠાં છો. એટલી તો ખબર છેને?’

‘ખબર છે. પણ તમારે જેના વિષે જાણવું છે એના વિષે મારી પાસે કોઈ માહિતી નથી. એક કામ કરો. ત્રીજા નંબરના કાઉન્ટર પર જાવ. એ ભાઈને કાદાચ ખબર હશે.’

‘બસ, ધક્કા મારતા આવડયું છે!’ સત્યની શોધમાં નીકળેલા જિજ્જ્ઞાસુ જેવો ગ્રાહક ત્રીજા નંબરના કાઉન્ટર પર જઈને ઊંભો રહ્યો. ત્રીજા નંબરના કાઉન્ટર પર બિરાજમાન રમણભાઈનું સમગ્ર ધ્યાન એક ફોર્મ પર કેન્દ્‌રિત હતું. ફોર્મ મોબાઈલનું સિમકાર્ડ મેળવવા માટેનું હતું. રમણભાઈની સામે સાતઆઠ ગ્રાહકો પહેલેથી જ, કામ ઘણું જ ધીમું અને ચીકણાશથી થઈ રહ્યું હોવાની લાગણી સાથે ઊંભા હતા.

રમણભાઈ પાસે કામ ધીમું અને ચીકણાશથી કરવા પાછળ યોગ્ય કારણો હતાં. એમાં સહુથી તાજું કારણ, બે દિવસ પહેલા મુખ્ય ઓફિસેથી આવેલો સર્ક્યુલર હતો. જેમાં નવું સીમ કાર્ડ આપતી વખતે કઈ કઈ ચોકસાઈ રાખવાની છે એ બાબત લાંબી યાદી આપવામાં આવી હતી. જેવી કેઃ ગ્રાહકના ફોટોપ્રૂફમાં ફોટો સ્પષ્ટ દેખાય એવો હોવો જઈએ. ગ્રાહકે ફોર્મમાં ભરેલ નામ મુજબનું જ નામ પ્રૂફમાં હોવું જોઈએ. એ પ્રમાણે નહીં હોય તો ફોર્મ પરત થશે અને કનેકશન ચાલુ નહીં થાય. ગ્રાહકની ઓળખવિધિની તમામ જવાબદારી સિમકાર્ડ આપનાર કર્મચારીની રહેશે. અયોગ્ય વ્યક્તિને અપાયેલ કનેક્શન માટે જવાબદાર જે તે કર્મચારી રહેશે અને એવા પ્રકારની ચૂક માટે કર્મચારીને રૂપિયા દસ હજાર સુધીનો દંડ થઈ શકશે.

રમણભાઈ એક તો પહેલેથી જ ધીમા હતા, ઉપરથી સ્પીડબ્રેકર જેવો સર્ક્યુલર! રમણભાઈની ગતિ પહેલાં કરતાં અર્ધી થઈ ગઈ હતી.

પેલો જિજ્જ્ઞાસુ ગ્રાહક થોડી વાર લાઈનમાં ઊંભો રહ્યો. પછી ન રહેવાતાં આગળ જઈને રમણભાઈને થ્રીજી વિષે પૂછવા લાગ્યો. લાઈનમાં ઊંભા રહેલા લોકોથી એની આ હરકત સહન ન થઈ એટલે ‘લાઈનમાં ઊંભા રહો’ એવી બૂમો પડી.

‘અરે પણ મારે થ્રીજી વિષે જાણવું છે.’ જિજ્જ્ઞાસુ ગ્રાહકે અકળાઈને કહ્યું.

‘તમારે જે જાણવું હોય એ પહેલા કાઉન્ટર પરથી જાણી શકો છો. આ તો સિમકાર્ડ માટેની લાઈન છે.’ એક વડીલે ઠાવકાઈથી કહ્યું.

‘પહેલા કાઉન્ટરવાળાં બહેને જ મને અહીં મોકલ્યો છે. હવે તમારે કશું કહેવું છે?’

‘તો પછી તમે પણ લાઈનમાં ઊંભા રહો. અમે એક કલાકથી ઊંભા છીએ.’

તમારે અહીં ઊંભા રહેવાની જરૂર જ નથી. અહીં તો સિમકાર્ડ આપાય છે. પૂછપરછ માટે પહેલું કાઉન્ટર છે. એ બહેન બધાને ખોટા અહી મોકલે છે.’ રમણભાઈ આવનારી મુસીબતને ટાળતા હોય એમ કહ્યું.

‘તમારા સુપરવાઈઝર કોણ છે? મારે કમ્પ્લેન કરવી છે.’ સામાન્ય રીતે સરકારી ઓફિસોમાં મગજ પરનો કાબુ ગુમાવનાર જે ર્રીતે બોલવા લાગે એ રીતે જિજ્જ્ઞાસુ પણ બોલવા લાગ્યો.

‘દેસાઈ સાહેબ છે. ત્યાં મળશે.’ રમણભાઈએ આંગળી દ્વારા એને દેસાઈ સાહેબની ઓફીસ દેખાડી. અલબત્ત રમણભાઈને ખાતરી જ હતી કે દેસાઈ સાહેબ ઓફિસમાં નહીં હોય. ચાની લારીએ અથવા તો પાવરરૂમમાં નવરા ટેકનિશ્યનો સાથે કેરમ રમતા હશે.

રમણભાઈ મહેતાબહેનની આદત વિષે ગ્રાહકોને કહેવા લાગ્યા. પરંતુ ગ્રાહકોને મહેતાબહેનની આદતો વિષે જાણવા કરતાં સિમકાર્ડ મેળવવામાં વિશેષ રસ હતો. એ લોકો, રમણભાઈ કામમાં ઝડપ કરે એવી અપેક્ષા સાથે અંદરોઅંદર સરકારી ખાતાંની સિસ્ટમ વિષે અને ખાનગીકરણના ફાયદા વિષે ચર્ચા કરવા લાગ્યા.

દેસાઈ સાહેબની ઓફિસમાં ગયેલા પેલા જિજ્જ્ઞાસુને કલાર્ક દ્વારા કહેવામાં આવ્યું કે, દેસાઈ સાહેબ તો ચાની લારી પર મળશે.

‘ચાની કઈ લારી મળશે એ કહેશો કે પછી એને માટે પણ ઈન્કવાયરીના કાઉન્ટર પર પૂછવું પડશે?’ જિજ્જ્ઞાસુનું મગજ હવે ગરમી ધારણ કરવા લાગ્યું હતું.

‘આ ઓફિસની સામે તો ચાની લારી છે. તમે પહેલી વખત આવ્યા લાગો છો.’

‘પહેલી વખત અને કદાચ છેલ્લી વખત.’ જિજ્જ્ઞાસુએ જવાબ આપ્યો.

ચાની લારી પર જઈને જિજ્જ્ઞાસુએ ચાની લારીવાળાને સવાલ કર્યો કે ‘દેસાઈ સાહેબ અહીં મળશે?”

‘અહી ચા મળશે. દેસાઈ સાહેબ તો કોઈની ગાડીમાં બેસીને હમણા જ ગયા.’

‘એક કામ કરો.’ જિજ્જ્ઞાસુએ કપાળે હાથ મૂકીને કહ્યું, ‘મને સારી ચા પીવડાવો.’

‘સારી એટલે કેવી? ટુજી વાળી કે થ્રીજી વાળી?’ ચાવાળાએ પૂછ્‌યું.

જિજ્જ્ઞાસુને દુનિયા ગોળ ગોળ ફરતી હોય એવું લાગ્યું.

પ્રાઈમ ટાઈમ

હેલી વોરા

હોસલા હો બુલંદ

એક વિરામ બાદ ફરીથી બુલંદ હોસલા વાળાઓ ની દુનિયા માં ડૂબકીઓ લગાવીએ.એવી વાતો કે જે કોઈ જીવ્યું હોય અને જેને જાણીને આપણા ક્યારેક ડગુમગુ થઈ જતા મન ને ટેકો મળે. વેલ બેઝીકલી મારા યુવા અને યુવા બનવા જઈ રહેલા મિત્રો કે જેઓ અત્યારે વેકેશન નો લાભ લઈ રહ્યા છે, જેઓ શૈક્ષણિક કે અન્ય ક્ષેત્રે કારકિર્દી બનાવવા નો પ્રયાસ કરી રહ્યા છે, સંઘર્ષ કરી રહ્યા છે કે કોઈ ટર્નીંગ પોઈન્ટ પર ઉભા છે એમને આધાર કે પ્રેરણા મળે એ હેતુ થી આ શ્રેણી શરૂ કરી છે.

વચ્ચે એક બીજી વાત કરીએ. આવી પ્રેરણાની જરૂર કારકિર્દીના શરૂઆતના તબક્કામાં રહેલા લોકો ને જ હોય? એવું શું કામ? કદાચ એટલા માટે કે એથી મોટી ઉમરના લોકો પારિવારિક જવાબદારીઓને લીધે જીવન માં કોઈ મોટા ફેરફાર કરી શકે તેમ નથી. યસ સામાજિક આર્થ્િાક જવાબદારીઓ ને કારણે વર્તમાન માં આપણે કોઈ મોટો ફેરફાર ન કરી શકીએ. પણ સપનાઓ નો કોઈ અંત નથી હોતો. અને શક્યતાઓ નો પણ. ભલે ૠતુ અનુકુળ ન હોય પણ બીજ સારૂં હોય તો જમીન ને થોડી થોડી ખેડતા રહેવામાં ફાયદો છે. લાઈફ માં, શિક્ષણ કે કારકિર્દી માં જે ભૂલો થઈ એને ભૂંસવા માટેનું કોઈ ઈરેઝર તો માર્કેટ માં મળતું નથી. પણ આપણે અત્યારે ઓલરેડી પહોચ્યા છીએ, જ્યાં સેટ થયા છીએ બસ એ જ મુકામ માં કોઈ જોખમી ફેરફાર કર્યા વિના પણ થોડું વધુ ઉમદા ન જીવી શકીએ? એક લેવલ ઊંંચું જીવન જીવી શકીએ અથવા સરળ શબ્દો માં વધુ આનંદ થી કે મોજ થી જીવી શકીએ એ માટે પણ આવા સફળ લોકો નો ડાયરેક્ટ કે ઈનડાયરેકટ સંપર્ક હિતાવહ છે. જે રીતે આપણા આકાંક્ષા બેન ની કોલમ વાંચી ને રોજ મેક્સિકન કે થાઈ ફૂડ તો ઘેર ન બની શકે પણ આપણા રેગ્યુલર વટાણા બટેટા ના શાક માં કોઈ નવો સ્વાદ તો ઉમેરી જ શકીએ બિલકુલ એવી જ રીતે.

આજે આપણે જે યુવાન ની વાત કરવાના છીએ એ અનીલ પરમાર એક મલ્ટીનેશનલ કંપની માં સોફ્ટવેર ડીઝાઈન એન્જીનીયર છે. પુને માં પોતાના પરિવાર સાથે સ્થાયી થયેલા અનીલ ની કહાની વાંચીએ તે પહેલા એક સરસ મજાની સરખામણી કરી લઈએ. ધારોકે એક ટીવી ગેમ શો માં તમને એક ટાસ્ક આપવામાં આવે છે. કે ગરમા ગરમ ચા બનાવો. તમે કહેશો લે એમાં શું? આપણે તો આ ટાસ્ક જીતી ગયા સમજો. ફ્રીજ માંથી દૂધ કાઢશું, જાર માંથી ચા ખાંડ ને મસાલો કાઢશું, અને પછી કઈ ખાસ ઉકાળવાનું નથી.... પણ ટાસ્કમાં એક ટ્‌વીસટ છે. કે ફ્રીજ માં દૂધ નથી. તો હવે? બજાર માં જઈશું બીજું શું. પણ ટ્‌વીસ્ટ હજુ ચાલુ છે. બજાર માંથી ખરીદવાના રૂપિયા એ નથી. અને ચા ની ભૂકી અને ખાંડ માં પણ એવું જ છે અને ગેસ અને સ્ટવ ની પણ એ જ હાલત છે તો? હવે થયો ને ખરાખરી નો ખેલ? બસ આ જ વાત છે. અત્યારે અઢળક સુવિધાઓ ના સમય માં સોફ્ટવેર એન્જીનીયર બનવું કોઈ મહામુલી ઘટના નથી. પણ અનીલ ઓલા ટ્‌વીસટ વાળા ટાસ્ક માંથી ચાય બનાવી ને એન્જીનીયર બન્યો છે. તો ચાલો વાંચીએ અનીલ ના સંઘર્ષ ની ગાથા.... ના એક્ચ્યુલી સંઘર્ષ તો કુદરતી હતો પણ એ સંઘર્ષ માં ટકી ને હિંમતભેર રસ્તો કાઢ્‌યા ની ગાથા.

મૂળ ગુજરાત ના વેરાવળ ખાતે રહેતા અનીલ ના પિતા વેરાવળ પોર્ટ પર લાંગરતી બોટ માં મજુરી નું કામ કરતા. ગમે એવા તાપ માં ખુલ્લા આકાશ નીચે કાળી મજુરી કરતા અનીલ ના પિતા મહિના ને અંતે મુશ્કેલી થી ચારેક હજાર નો મેળ કરી લેતા. એમના સમસ્ત પરિવાર માં કોઈ દસમાં ધોરણ સુધી પહોચ્યું નહોતું. પણ સતત શારીરિક આર્થ્િાક સંઘર્ષ વેઠતા અનીલ ના પિતા એને ઘણી વખત કહેતા કે બેટા તું ભણીશ નહિ તો આવી હાલત થશે. આવું સંભાળતા અનીલ ની ઉમર ત્યારે માંડ સાત આઠ વર્ષ ની હતી. એ ઉમર કે જયારે આપણા બાળકો છોટા ભીમ અને ઓગી એન્ડ કોક્રોચીસ ને સાંભળતા હોય છે. પણ કઠોર પરિસ્થિતિઓ પરિપક્વતા લાવે છે એમ અનીલ પણ કુમળી વયે પિતા ના કહેવાનો હાર્દ સમજી શકતો હતો.

અનીલ ભણવામાં હોશિયાર. પણ માંડ માંડ ઘર ના રોજીંદા ખર્ચ નો જુગાડ કરતા પરિવાર ને અનીલ ને હાઈ સ્કુલ માં મોકલતા સુધી માં દમ આવવા લાગ્યો હતો. અનીલ નું શાળા શિક્ષણ ચાલુ રખાવવા માટે તેઓ પોતાની બધી જરૂરિયાતો પર કાતર ફેરવતા ગયા. પણ અનીલ ને ખ્યાલ આવી ગયો હતો કે આ રીતે લાંબુ ખેંચી શકાય એમ નથી. આઠમાં ધોરણ થી દર વેકેશન માં તે શહેર ના એક ડોક્ટર ના કલીનીક પર ટાઈપીંગ વગેરે જેવા પરચુરણ કામો કરવા લાગ્યો જેથી થોડી બચત થાય તો ખુલતી શાળા એ કામ લાગે. એ જ વેકેશનમાં કે જેમાં બ્લેસેડ બાળકો ક્યાં ફરવા જઈશું અને કેટલી શોપિંગ કરીશું તેનો પ્લાન બનાવતા હોય...

પણ એ મુઠ્‌ઠી ભર બચત માંથી પુષ્કળ સ્ટેશનરી, સારા ટ્‌યુટરસ ની તોતિંગ ફીસ સ્ટડી મટેરિયલ એ બધું ઓછું જ આવે? તો હવે? એ બાધા ની મદદ વગર સારા માર્ક્સ સ્કોર કરી શકવા શક્ય નહોતા અને માતા પિતા ની પછેડી પૂરી થતી હતી. તેર વર્ષ નો અનીલ હવે બંધ દરવાજા ખખડાવતા શીખવા લાગ્યો. બાળક ને દસમાં સુધી પહોચાડવો એ જ એના માતા પિતા માટે ક્ષિતિજ હતી. અનીલ જાતે ટ્‌યુશન ભણાવતા શિક્ષકો ને મળવા જવા લાગ્યો એમણે ફી માં રાહત આપવા અને જુના સ્ટડી મટેરિયલ ની વ્યવસ્થા કરાવવા વિનંતી કરતો. અને ખખડાવતા ખુલતા દરવાજા ની જેમ ઘણા ઉમદા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ની મદદ થી એ દસમાં ધોરણ ના અભ્યાસ ને રસ્તા પર લાવતો ગયો.મેં એમને એક પ્રશ્ન પૂછ્‌યો કે આટલી નાની ઉમરે મદદ માંગવા જતા તમને છોછ ન થતો? અનિલે ખુબ સરસ જવાબ આપ્યો કે તમે કઈ રીતે કોઈ વસ્તુ ને લ્યો છો તેના પર નિર્ભર કરે છે. હું ગૌરવ અનુભવતો કે વિશાળ સુવિધાઓ ધરાવતા વિદ્યાર્થીઓ જે નથી કરી શકતા એ હું કરી શકું છું માટે આ મદદ લઉં છું..... હેટ્‌સ ઓફ અનીલ.

તેનું ઘર એટલે એક નાનકડો ઓરડો અને એથીય નાનું રસોડું. ઓરડા માં તેના માતા પિતા અને બહેન ઊંંઘે એટલે અનીલ નાનકડા રસોડા માં લાકડા નું પાટિયું બિછાવી મોડે સુધી વાંચે. કોઈ પંખો નહિ, કોઈ આરમ દાયક બેઠક નહિ. અને આ રીતે દસમું ધોરણ ૮૦ % સાથે પૂરૂં કર્યા પછી વિજ્જ્ઞાન પ્રવાહ નું સાહસ પણ કર્યું. એ જ મદદ માટે માંગણી, એ જ જુના પુસ્તકો, એ જ ફ્રી માં ટ્‌યુશનસ સાથે શરૂ તો કર્યું પણ મોટી બહેન ના વિવાહે પરિસ્થિતિ વધુ ખરાબ કરી. બધું વેંચી સાટી ને વિવાહ પાર પાડયા પછી અનીલ ને સમજાઈ ગયું કે હવે ભણતર ના છેલ્લા બે વર્ષ છે. ભણતર માં છતાય ધગશ થી મહેનત કરતો રહ્યો એમ વિચારી ને કે છેલ્લા બે વર્ષો ને બરાબર ઉજવી લઉં. વેલ આપણે હોઈએ તો? આમેય હવે આગળ ભણી નહિ શકાય તો કોણ વ્યાધિ કરે વાંચવાની? હે હે હે... અને બારમું પૂરૂં કર્યા પછી હકિકતે પરિસ્થિતિ સ્વીકારી ને સુથારી કામ શીખી લીધું.

એક મુસ્લિમ સજ્જન ને ત્યાં તે લાકડા નું ફર્નીચર બનાવવા લાગ્યો. શીખવા લાગ્યો અને વધુ કામો મળવા લાગ્યા. એક દિવસ અનીલ કામે મોડો પહોચ્યો. પેલા સજ્જને મોડા આવવાનું કારણ પૂછ્‌યું. અનિલે કહ્યું કે તે ૧૨ માં નું પરિણામ લેવા ગયો હતો. સજ્જન ને નવાઈ લાગી જાણી ને કે તે ૧૨ માં નો વિદ્યાર્થી હતો. અનીલ ને પરિણામ પૂછ્‌યું અને જવાબ મળ્યો ૮૦%....... અને આપણા જેવાજ રીએક્શન પેલા મુસ્લિમ સજ્જન ના હતા. ખુશી થી અને આશ્ચર્ય થી ગદગદિત થઈ અને અનીલ તથા એના પિતા પર એ ગુસ્સે થયા. અને અનીલ ના સુથારીકામ કરવાના નિર્ણય ને વખોડી કાઢ્‌યો. એમને સમજાવ્યું કે મારા પાસે આટલી સંપત્તિ છે મારા પુત્ર ના અભ્યાસ માટે કઈ પણ કરી શકવા તૈયાર છું પણ છેલ્લી પાંચ ટ્રાયલ થી એ સતત ફેઈલ થઈ રહ્યો છે ૧૨માં માં..... ખિસ્સા માં રહેલા ૫૦૦ રૂપિયા ઈનામ માં આપી ને તેણે અનીલ ને રીતસર કામ માંથી કાઢી મુક્યો. અને આગળ ભણવા બાબતે વિચારતો કરી મુક્યો.

આગળ ભણવા ફરી ઉધારી અને મદદ થી એડમીશન ફોર્મ ભર્યા અને એડમીશન પ્રોસીજર ના પૈસા ભેગા કર્યા. વિદ્યા નગર ની સરકારી કોલેજ માં મીકેનીકલ બ્રાંચ માં એડમીશન થયું.ત્યાં પહોચ્યા એ ખરા. પણ હવે એ લોકલ શિક્ષકો નહોતા કે જે જૂની ચોપડીઓ અપાવે ...અને ફી માફી મળે. મેસ નો અને હોસ્ટેલ નો ખર્ચ કાઢવો, અહી સુધી કે સેમેસ્ટર અંતે વેરાવળ થી પાછા વિદ્યાનગર પહોચવામાં પણ વાંધો પડી ગયો. પણ આટલે સુધી પહોચ્યા પછી અનીલ ના હોસલા હકિકતે બુલંદ થઈ ચુક્યા હતા. હવે એ ગમે તે રીતે ભણવા માંગતો હતો. તે સાઈકલ લઈને ત્યાના રાજકારણીઓ એમ.પી, એમ.એલ.એ., સામાજિક કાર્યકરો, પ્રદેશ પ્રમુખો ને મળવા લાગ્યો. અને આપણા ગરવી ગુજરાતના સ્વર્ણિમ નેતાઓ એક પછી એક એની મજબૂરી ની હાંસી ઉડાવતા રહ્યા. તેની સાથે અપમાનજનક વર્તન ની શ્રૂંખલા ચાલી. અને એમાંથી જ કોઈએ હસતા હસતા કહ્યું કે બેંક લોન આપે છે ત્યાં જાઓ.... અને બધા અપમાનો ભૂલી તે બેંકો તરફ વળ્યો. તે સમયે એજ્યુકેશન લોન બાબતે આટલી જાગૃતિ નહોતી. જુદી જુદી બેંકો માં મોટે ભાગે અનીલ ના આચાર જોઈને જ કોઈ તેને મેનેજર પાસે પહોચવા ન દેતું. અથવા અંદર જવા દે તો એકલ દોકલ છોકરા ની આ નવી વાત માં કોઈને ખાસ રસ ન પડતો. દિવસો વીતવા લાગ્યા. રૂપિયા નો કોઈ મેળ થતો ન હતો. જાગતા સુતા એ કઈ રીતે લોન લેવી એ વિચારતો રહેતો. દિવસો ની મહેનત, અપમાન,નિષ્ફળતાઓ થી એ થાકવા લાગ્યો હતો. એક દિવસ આમ ને આમ સાઈકલ થી બેંકો અને ફાઈનાન્સ કરતી સંસ્થાઓ માં ફરતા એ ઘર થી સાતેક કીલોમીટર દુર નીકળી ગયો. ભર બપોરે સાઈકલ ની ચેઈન તૂટી. અકળાયલો નિરાશ ચિંતિત અનીલ લગભગ રડી પડયો... કોલેજ ઓલરેડી શરૂ થઈ ગઈ હતી, રૂપિયા નો કોઈ મેળ નથી, અને આવા ખરા બપોરે ખિસ્સા માં એક પણ રૂપિયા વિના એ અને સાઈકલ વિના એ ઘરે કેમ પહોચશે... પણ કહે છે ને પ્રમાણિકતા પૂર્વક કરેલી દરેક કોશિશ ના અંતે કોઈક ડિવાઈન મદદ ઉભી હોય છે... અને રડતા અનીલ ને ધ્યાન ગયું કે એક સારી બેંક ની કોઈ નવી બ્રાંચ સામે જ બનેલી હતી. લંચ ટાઈમ ના કારણે કોઈ ગાર્ડ પણ ન હતો... એ મોકો જોઈને ચેન વાળા હાથ કપડા અને ખરડાયલા ચહેરા સાથે સીધો મેનેજર ની ચેમ્બર માં ઘુસી ગયો...બિહારી મેનેજર સાહેબ એ સમયે ફ્રી જ હતા અને અનીલ ની વાત ધીરજ થી સાંભળવા તૈયાર હતા. અનીલ ની વાત પૂરી થતા જ તેમણે કહ્યું કે તેમની પુત્રી પણ એ જ કોલેજ માં ભણે છે.... અને ઉજ્જવળ ભવિષ્ય માટે એ લોન અપાવવા તૈયાર પણ થયા... ઘર ને જામીન પેટે રાખી લોન મંજુર કરી અને અનીલ આખા એન્જીનીયરીંગ ના ભણતર નો મેળ એક સાથે આવી ગયો.....

ત્યાર પછી ની વાત તો પ્રેડીકટેબલ છે... પણ કપરી પરિસ્થિતિઓ માં પણ રસ્તો હોય છે... દરવાજા ક્યાંક થી ખુલતા હોય છે. ઉબડ ખાબડ હોય, અંધારા હોય, પણ રસ્તા હોય છે ખરા જે મંઝીલ સુધી પહોચાડે. મુશ્કેલી હોય પણ હાર ખાલી હિંમત હારવા થી મળે બાકી સંજોગો ની કોઈ તાકાત નથી કે આપણે રોકી શકે.

બોલીસોફી

સિદ્ધાર્થ છાયા

‘વડીલો કેમ આવા હોય છે? એ સમજાવે છે ‘પીકુ’

હમણાં ગયે અઠવાડીએજ મધર્સ ડે ગયો. જેમ તમામ ‘ડેઝ’માં થાય છે એમ આ દિવસે પણ લાગણીઓના ઘોડાપૂર સોશિયલ મીડિયા અને વ્હોટ્‌સ એપ્પ જેવા માધ્યમોમાં ઉમટી પડયા હતા. એમાં કશું ખોટું પણ નથી. આ બધા મેસેજોમાં એ મેસેજ એવો હતો કે જો ફેસબુક પર મધર્સ ડે પર જેટલી લાગણીઓ દેખાડવામાં આવી એવી લાગણીઓ જો લોકો ખરેખર જિંદગીમાં દેખાડે તો પછી વૃદ્ધાશ્રમને તાળા લાગી જાય. વાત ખોટી નથી, પરંતુ એટલી સાચી પણ નથી. સિક્કાની હમેશાં એકબાજુ નથી હોતી, એમ વૃદ્ધાશ્રમોમાં વધતી સભ્ય સંખ્યાઓમાં માત્ર સંતાનોનો જ વાંક હોય એવું જરૂરી નથી. કારણકે ઘણીવાર વૃદ્ધોનો સ્વભાવ પણ તેમના સંતાનોને શાંતિથી જીવવા નથી દેતો હોતો. આવીજ વાત આપણી સામે લઈને આવ્યું હતું અમિતાભ બચ્ચન, દીપિકા પદુકોણ અને ઈરફાન ખાનનું ‘પીકુ’. સતત હ્ય્ીશીકેશ મુખરજીની ફિલ્મોની યાદ અપાવતી આ ફિલ્મમાં વડીલો અને તેમના યુવાન સંતાનો વચ્ચે ચાલતા સંઘર્ષ અને પીડાને ખુબ સરસરીતે આલેખવામાં આવી છે.

જયારે કોઈ વડીલ એકલો હોય અને એમાંય તેને માત્ર એકજ સંતાન હોય, પછી તે દીકરો હોય કે દીકરી, જતી ઉંમરે એ સંતાનરૂપી લાકડી તેની સાથે નહીં હોય તો તેનું શું થશે તેનો ભય આપણા આ વડીલોને સતત સતાવતો હોય છે. જો કે જરૂરી નથી કે તેઓ એકલા હોય તોજ આ પ્રકારનો ભય તેમનામાં વ્યાપ્ત હોય, બંને જણા હોય તો પણ આમ થવું શક્ય પણ છે અને બને પણ છે. વળી એ ઉંમરે શારીરિક શક્તિ પણ જવાબ દઈ ચુકી હોય છે અને શરીરના તમામ અંગો ભાગ્યેજ સરખું કામ કરતાં હોય છે. હાલની જે પેઢી અત્યારે વૃદ્ધાવસ્થાને અનુભવી રહી છે તે તેના સમયમાં એકદમ આઝાદ હતી, એટલેકે કોઈપણ કામ કરવા માટે આલોકોએ કોઈની પણ મદદ વીના કામ કર્યું હતું આથી એમને પોતે જાતે કોઈજ કામ હવે કરી નથી શકતા એનો સંકોચ પણ મનમાં સતત સતાવતો રહેતો હોય છે. આ તમામ કારણોને લીધે તેઓ મનમાં કાયમ એકની એક વાત સંઘરીને બેઠાં હોય અને છેવટે જયારે તેનો વિસ્ફોટ થાય ત્યારે તેનું સંતાનજ તેના ઘેરાવામાં આવી જાય. જે -જે વડીલ પોતાને અસુરક્ષિત મહેસુસ કરતા હોય તે પોતાના સંતાનને તેનાથી દુર ન જવા દેવા માટે એટલેકે તેના લગ્ન ન થાય તેના માટે તેની બદબોઈ કરતાં પણ ચુકતા નથી. જેમકે ‘પીકુ’ ના ભાશ્કોર’દા એટલેકે અમિતાભ બચ્ચન, જે પોતાની પુત્રી પીકુમાં ઈન્ટરેસ્ટ ધરાવતાં એક મુરતિયાને એમ કહેતાં પણ અચકાતા નથી કે તેમની પુત્રી ‘વર્જિન’ નથી! કારણકે જો પીકુના લગ્ન થઈ જાય અને તે સાસરે જતી રહે તો પછી તેમનું કોણ?

ઘણીવાર ઘરનાં વડીલો નવા જમાનાની લાઈફસ્ટાઈલ સાથે કદમતાલ ન મેળવી શકવાને લીધે, ઉપરાંત પોતાના ભવ્ય ભૂતકાળને પોતાનાથી દુર ન કરી શકવાને લીધે તેમના સંતાનોની સાથે ઘર્ષણમાં આવી જતાં હોય છે આને કારણે ઘરમાં ઝઘડો થવો સ્વાભાવિક બાબત બની જાય છે. ઘણીવાર પોતાને પડતી તકલીફો સાથે કોઈપણ સમાધાન કરવાની તૈયારી ન રાખતા આ વડીલો તેમના સંતાનોને અને તેમના ઘરની પુત્રવધુઓને પોતાની શરતોએ જ જીવવાનો ફોર્સ કરતાં હોય છે જેને માનવી આજની પેઢી માટે બિલકુલ અશક્ય બાબત છે. અને જયારે પાણી માથાથી ઉપર જતું રહે છે ત્યારે ના છૂટકે સંતાનોને આવાં વૃદ્ધ મા-બાપોને વૃદ્ધાશ્રમને હવાલે કરી દેવા પડતા હોય છે, કારણકે તેમની સતત ટોકવાની આદતને લીધે તેમના લગ્નજીવન પર અને ઘણીવારતો તેમની કારકિર્દી પર પણ જોખમી અસરો પડવા લાગે છે. મેં એવા મા-બાપો પણ જોયા છે જે અલગ રૂમની સગવડ હોવા છતાંય કોઈ અગમ્ય કારણોસર વહુ-દીકરાના રૂમમાં જ સુવાનો આગ્રહ રાખતા હોય છે અને એવું કરતાં પણ હોય છે. આવું કોઈપણ પુત્ર કે પુત્રવધુ ક્યાં સુધી સહન કરે?

તો પછી આવું ક્યાંસુધી ચાલે? આનો કોઈ ઉપાય? તો આ બાબત પણ પીકુમાં જ કહેવાઈ છે. તેમાં એક ખુબ સરસ સંવાદ છે કે એક સમય પછી માતા-પિતા પોતાનીરીતે જીવતા નથી હોતા, એમને આપણે જીવાડવા પડતા હોય છે. બિંગો! પણ એમની શરતે? વેલ, જેમ દરેક પ્રોબ્લેમના સોલ્યુશનમાં થોડુંઘણું જતું કરવાનું હોય એમ અહીંયા પણ એમજ કરવું પડે છે. જો તમે ધ્યાનમાં લીધું હોય કે ઉમરના એક પડાવ બાદ, આપણા વડીલોની માનસિકતા એકદમ બાળક જેવી થઈ જતી હોય છે, તો પછી જેમ બાળકને આપણે ફોસલાવીને આપણું કામ ચલાવતાં હોઈએ છીએ એવું આ મોટી ઉંમરના બાળકો સાથે કેમ ન થઈ શકે? આ એક ઉપાયમાત્ર છે, બાકીતો સમય અને સંજોગોજ આપણું અને તેમનું ભવિષ્ય નક્કી કરતાં હોય છે. બાકી, આજના સમયમાં પણ પીકુ જેવી ફિલ્મો બને છે એ જ ખુબ રાહત આપતી બાબત છે.

લઘરી વાતો

વ્યવસ્થિત લઘરવઘર અમદાવાદી

ઉનાળાની બપોર

ઉનાળો એટલે ધકધકતો તાપ જેમાં ગરમી નો પારો ૪૫ ડીગ્રી સુધી પહોચી જાય છે ઘણીવાર એવું બને કે આપણે ઉનાળા વિશે નિબંધ તૈયાર કરીને ગયા હોઈએ અને પરીક્ષામાં શિયાળા પર નિબંધ પૂછે તો પણ તમે ઉનાળા પર લખી શકો કારણકે અહી આપણે ત્યાં ઠંડી ની અનુભૂતિ બહુ ઓછી થાય છે બારેમાસ જાણે ઉનાળો જ હોય છે , કદાચ તમને યાદ હોય તો આપણે ભણતા ત્યારે ભદ્રમ ભદ્ર નો પાઠ આવતો હતો એમા આવતુ કે ‘’ સુગ અને સૌદર્ય એ વસ્તુગત નથી પણ ભાવનાગત છે”. ઉદાહરણ પણ આપેલુ કે પોદડો એ સુગ ચડે એવી વસ્તુ છે પણ ઉનાળામા જ્યારે ચંપ્પલ વગર બહાર જવાનુ થાય છે ત્યારે રસ્તા પર પડેલા લીલો પોદડો તમને સુગ નથી ચડાવતો એના પર પગ મુકી ને તમને એક સુખની અનુભુતી થાય છે અથવા તો ગરમીની પીડામાથી મુક્તી આપે છે અને કહ્યું હતું કે સુખ અને સોદર્ય એ વસ્તુ ગત નથી પરંતુ ભાવનાગત છે.

ઉનાળામાં આપણ ને ગરમી ની જેટલી બીક નથી લાગતી કે પરસેવો નથી થતો એટલી ગરમી કેરી નાં ભાવ સાંભળી ને થાય છે અને એનાથી વધારે પરસેવો જ્યારે છઝ્ર ચાલુ રાખ્યું હોય અને બિલ આવે ત્યારે રૂપિયા ભરતા ભરતા પરસેવો છૂટી જાય છે . ઉનાળા ની ગરમી લોકો ને મુજવણ માં મૂકી દે છે પોતાના છોકરા ને બહાર રમવાનાં જઈશ ત્યાં બહુ ગરમી છે અને જ્યારે એનો એજ છોકરો ઘરમાં ધમાલ કરે ત્યારે કેહવાતું હોય છે કે ‘’બહાર રમવાજા ઘરમાં તોડફોડ નાં કરીશ’’ આ બધું ગરમી માથે ચડી જવાને કારણે થાય છે .

ઉનાળા માં પરસેવો સખત થાય એમાં પણ વિજ્જ્ઞાનીઓ એ નથી શોધી શક્યા કે આ પરસેવા નું પાણીનું ટપકું કાનની પાછળ થી કેમ ઉધભવતુ હશે અને શરીર પર ફરી અને ગુરૂત્વાકર્ષણ નાં નિયમો અનુસરી છેક પગ સુધી પ્રસરતું રહે છે . આ પરસેવો દુર્ગધ સ્વરૂપ માં પરિવર્ત્િાત થાય છે અને બીજી સીજનમાં જે ખર્ચો આપણને માખી મચ્છર ભગાડવાની દવાઓ પર થાય છે એજ ખર્ચો નાહવાના સાબુ અને પરફ્યુમ પર થાય છે , પણ આ બધી વૈજ્જ્ઞાનિક ઘટનાઓ પાછળ સાહિત્ય એવું કહે છે કે તમારા પરણવા નાં ચાન્સ ઉનાળામાં વધી જાય છે એ અંગે કેહવત પણ છે . ‘’ સિદ્‌ધિ તેને જઈ વરે જે પરસેવે નાહ્ય ‘’ ક્યાંય પાણી થી નાહવાની કેહવત આપડા વડવાઓએ બનાવી નથી કદાચ એમને પણ આપણી જેમ કોર્પોરેશન નું પાણી જ આવતું હશે.

ઉનાળો એ તો રસ ની ઋતુ છે એવું ઘણા લેખકો કહેતા. મને લાગે છે એવું એટલે કહેતા હશે કે દરેક ચાર રસ્તે લીબુના શરબત ની લારી , શેરડીનો રસ , તરબૂચ નો રસ , કેરીનો રસ, લેખકો ને ગમતો હશે એટલે એ લોકો એ આ ઋતુ ને રસની ઋતુ કહી હશે . ગરમી બહુ પડે છે એમ કહી કહીને ઘણા લોકો આ બધા રસ નું સેવન કરે રાખતા હોય છે અને રાત પડે એટલે યાર ગરમી સહન નથી થતી એમાં કહી બરફ નાં ગોળા અને આઈસ્ક્રીમ થી સતત રીતે મોઘવારી ને ગાળો દેતા દેતા ગરમી નો સામનો કરે રાખતા હોય છે . આ લોકો એજ હોય છે જે ઘરે ત્રીસ હજાર રૂપિયા ખર્ચી ને છઝ્ર લાયા હોય છે અને રાત્રે ધાબે સુતા હોય છે જેથી છઝ્ર નાં વાપરવું પડે .

ઉનાળાની ગરમીમાં શોપીગ મોલમાં ઘણી ભીડ જોવા મળે છે એટલે નહિ કે વેકેશન છે અને લોકો ખરીદી કરવા નીકળ્યા હોય છે આ તો ક્યા ગરમી માં બહાર ફરવું એના કરતા કોઈ શોપીગમોલ વાળા નું છઝ્ર મફત નું વાપરી ખાવાનું , ઉનાળાની ગરમી સ્ત્રીઓ ને લાજ કાડતી કરી દે છે દરેક એકટીવા સ્કુટી ધારક સ્ત્રી બુકાની ધારક આંટી માં પરિવર્ત્િાત થઈ જાય છે . અને હવે તો પુરૂષ પ્રજાતિ માટે પણ નવું મધમાખી જેવું માસ્ક આવી ગયું છે જેમ ચીનમાં દરેક જણા આપણ ને સરખા લાગે એમાં ઉનાળામાં દરેક સ્ત્રી પુરૂષો નાં મોડા સરખા માસ્ક વાળા થઈ ગયા હોય છે . એક તો પગ દજાય એવી ગરમી અને મોડે માસ્ક આંટીઓ મોટા ભાગે પગ ઘસડીને સ્કુટી કે એકટીવા ની બ્રેક મારતી હોય છે ગરમી માં પગ દજાતા બ્રેક ઓછી વાગવાને કારણે અને મોડે બુકાની ને કારણે ઓછું દેખાતું હોવાથી ઉનાળામાં અકસ્માત ની સંખ્યા પણ વધી જાય છે .

દરેક ઋતુ નાં પ્લસ માઈનસ હોય છે એમ ઉનાળો પણ ઉજવો તો એક સારી ઋતુ છે આ લેખ નું શીર્ષક ઉનાળાની બપોર એટલે રાખવામાં આવ્યું કે આ લેખ બપોરે લખ્યો હતો બાકી આ શીર્ષક ની યાથાર્તતા લેખમાં ચર્ચાઈ નથી , હું ગુજરાતી વાંચતા રેહજો કેમકે મોબાઈલ પર અવેલેબલ છે ઘરની બહાર નહિ નીકળવું પડે અને ‘’લુ’’ પણ નહિ લાગે .

લી. - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી .