Rahasy - 3 books and stories free download online pdf in Gujarati

રહસ્ય - 3

તારીખ : 02-01-2050 સ્થળ : તાજમહેલ.

સવારનો સમય તાજમહેલના પરીસરમાં રોજની જેમ બહુ ભીડ હતી. દેશ વિદેશના પર્યટકો તાજની ખુબસુરતીનું રસપાન કરી રહ્યા હતા. આ રંગ-બેરંગી ભીડ વચ્ચે એક પાતળો એવો માણસ કોઈની નજર ન પડે તેમ તાજમહેલ નજીકના ફુવારા પાસે બેઠો હતો. તેણે આસપાસ નજર કરી અને કોઈનું ધ્યાન તેની તરફ નથીને તેની ખાતરી કરી પછી તેણે હળવેકથી તેણે પહેરેલા બુટ ઉતાર્યા અને બુટની અંદર રહેલી વસ્તુ બહાર કાઢી. વસ્તુ ઘણી નાની હતી. એક સિક્કા જેવડી તેના પર એક નાનું એન્ટેના પણ હતું.

પેલા માણસે તે સિક્કા જેવી ચીજ પર રહેલા નાના બટનને દબાવ્યું અને એક નાનો અવાજ આવ્યો. તે વસ્તુ પરની નાની લીલી લાઈટ ચાલુ થઇ ગઈ. તે ઉભો થયો અને ચાલતો ચાલતો તાજમહેલના મુખ્ય ખન્ડમાં પોહચી ગયો. ભીડ વચ્ચે માર્ગ કરતો તે માણસ પર્યટન વિભાગે બનાવેલી નકલી કબર સુધી પહોંચ્યો. તેને પેલી ચીજને મુઠ્ઠીમાં દબાવી દીધી. તે માણસ કોઈ સામાન્ય માણસ નોહતો. તે એક વૈજ્ઞાનિક હતો, ઈસરોનો વૈજ્ઞાનિક. તે હવે જે કામ કરવા જઈ રહ્યો હતો તે ખુબ અગત્યનું હતું. આ પૃથ્વીનું ભવિષ્ય નક્કી કરે તેટલું અગત્યનું.

તેમનું નામ પ્રોફેસર ઘોષ હતું. તે એવા સમયે અહીં આવ્યા હતા જ્યારે વિશ્વના દેશો વચ્ચેનો તણાવ ચરમસીમા પર હતો ગમે તે સમયે વિશ્વયુદ્વ શરૂ થઈ શકે તેમ હતું. પ્રોફેસર ઘણું લાબું અંતર કાપીને આગ્રા આવ્યા હતા. તેમણે પોતાનું કામ પાર પાડવા વ્યવસ્થિત યોજના બનાવી હતી. સિક્યોરિટીની નજરમાં ન આવે તે રીતે બુટની અંદર પેલી નાનકડી ચીજ સંતાડીને તેઓ તાજમહેલની અંદર લાવવામાં સફળ રહ્યા હતા.

પ્રોફેસરે ધીરે ધીરે સાચી કબરો જે ભોંયરામાં હતી તે તરફ પ્રયાણ કર્યું. લોકોનું એક મોટું ટોળું ભોયરાના મુખ પર લોકોને અંદર આવતા રોકવા માટે બનાવેલી જાળી માંથી સિક્કા નાખવા માટે એકઠું થયેલું હતું. એવી માન્યતા હતી કે જો તમારો સિક્કો મુખ્ય કબર સુધી પોહચી જાય તો તમે ધારેલી ઈચ્છા પુરી થાય.

પ્રોફેસર ભીડમાં પોતાના ઉભા રહેવા માટે જગ્યા કરી. તેમણે પોતાની મુઠ્ઠીમાં રહેલી ચીજ ઝડપથી કાઢીને ભોંયરામાં ફેંકી. તેમની ચીજ ઘણે દૂર જઈને પડી અને લોકોએ ફેંકેલા સિક્કાઓ વચ્ચે ગાયબ થઇ ગઈ.

"ભાઈ, તમારી ઈચ્છા નહીં પુરી થાય." પ્રોફેસરની બાજુમાં ઉભેલો ભાઈ હસતા હસતા બોલ્યો.

"મારી ઈચ્છા તો પુરી થઇ ગઈ." પ્રોફેસર બોલ્યા અને પેલાનો પ્રત્યુત્તર સાંભળ્યા વગર જ ચાલતા થયા.

***

તારીખ : 14-12-5055

રોમીએ ધીરે ધીરે આંખો ખોલી. તેને હજુ ઘેન જેવું લાગતું હતું. તેણે ઉભા થવાનો પ્રયત્ન કર્યો પણ ન થઈ શક્યો. તે છેલ્લે શું બન્યું હતું તે યાદ કરવાનો પ્રયત્ન કરવા લાગ્યો. તેને પેલી ઇમારત ગાયબ થવાની, પોતાનું શરીર ખોટું પડવાની અને બેહોશ થતા પેહલા સાંભળેલા અવાજની વાત યાદ આવી. તે ક્યાં હતો તે જાણવા તેણે ફરી ઉભા થવાનો પ્રયત્ન કર્યો. આ વખતે તે સફળ થયો. ઉભા થતા જ તેની નજર સામે ઉભેલી વ્યક્તિ પર પડી.

તેની સામે એક સિલ્વર કલરનું સૂટ પહેરેલી વ્યક્તિ ઉભી હતી. તે વ્યક્તિના મુખ પર એક રહસ્યમય સ્મિત હતું. તેણે આસપાસ નજર કરી. તે એક રૂમમાં હતો જે આખો સફેદ રંગના પ્રકાશથી નહાયેલો હતો. તેની થોડે દૂર પ્રોફેસર પણ તેના જેવી જ પથારીમાં સુતેલા હતા. પ્રોફેસર બેભાન હતા.

"ચિંતા ન કર, રોમી. પ્રોફેસર પણ તારી જેમ ભાનમાં આવી જશે. તમને બન્નેને આમ અચાનક રણ વચ્ચેથી ઉપાડવા માટે અને તાજમહેલની ઇમારત ગાયબ કરવા માટે મને ખેદ છે પણ અમે નોહતા ઇચ્છતા કે પૃથ્વી પર કોઈને અમારી વિષે જાણકારી મળે." સિલ્વર કલરના સૂટવાળી વ્યક્તિએ જાણે તેના મનની વાત જાણી લીધી.

"શું અમે જેલમાં છીએ? તમે કોણ છો?" રોમીએ ઉપરા ઉપરી સવાલ પૂછ્યા.

"મારુ નામ ફિનિક્ષ છે." તે બોલ્યો અને પોતાની બાજુમાં પડેલી ફાઈલ ઉઠાવી અને વાંચવા લાગ્યો.

"રોમી-Robot on Mission, બનાવટનું વર્ષ : 4055, બનાવનાર : ઓક્ટાડ્રેક, ઉમેરવામાં આવેલા ગુણ: જીજ્ઞાસા, બળવાખોર વૃત્તિ અને સત્યની શોધ માટે કંઈ પણ કરી છૂટવાની ભાવના, મિશન : ઇતિહાસમાં રહેલા વિરોધાભાસ વિષે તપાસ કરવી." ફિનિક્ષ ફાઈલ બંધ કરતા બોલ્યો.

રોમી આશ્ચર્યચકિત થઈ અને બોલ્યો,"એટલે તમે મને બનાવ્યો છે?"

"ના, પણ તને બનાવનારને અમે બનાવ્યા છે. તું જાણવા માગે છે ને કે ત્રણ હજાર વર્ષ પેહલાની પેલી સભ્યતા ક્યાં ગઈ?" ફિનિક્ષે પૂછ્યું.

"હા" રોમીએ જવાબ આપ્યો.

"તો પેહલા મને એક પ્રશ્નનો જવાબ આપ. જન્મ એટલે શું?" ફિનિક્ષે રોમીને ગંભીરતાથી પૂછ્યું.

"જન્મ" આ શબ્દ રોમી માટે નવો હતો. તેણે તેનો અર્થ શોધવાનો પ્રયત્ન કર્યો પણ તેણે કોઈ દિવસ આ શબ્દ સાંભળ્યો હોય તેવું યાદ ન આવ્યું.

"નથી ખબરને? ચાલ, એક બીજા શબ્દનો અર્થ કહે, મૃત્યુ એટલે શું?"

રોમી ફરીથી ગૂંચવાયો. આ શબ્દ પણ તેના માટે નવો હતો.

"મને ખબર છે આ બન્ને શબ્દો તારા માટે નવા છે. કેમ,કે તું જે દુનિયામાં રહે છે ત્યાં જન્મ અને મૃત્યુ નથી. તારી દુનિયામાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામતી નથી કે જન્મ લેતી નથી માત્ર અપગ્રેડ પામે છે. કેમ, ખબર છે?" ફિનિક્ષે રોમી સામે નજર કરી.

રોમી પાસે તેનો જવાબ નોહતો.

"કેમ,કે તારી દુનિયામાં બધા જ રોબોટ છે. તું, આ પ્રોફેસર, બધા જ."

રોમીને સાંભળીને આઘાત લાગ્યો. તેને હજુ વિશ્વાસ નહોતો આવતો. તે અવાચક બનીને ફિનિક્ષ સામે જોઈ રહ્યો. ફિનિક્ષના ચેહરા પર તેના માટે દયાના ભાવ હતા.

ફિનિક્ષ રોમીની નજીક આવ્યો. તેણે રોમીનો હાથ પકડીને ઉભો કર્યો અને બોલ્યો,"ચાલ હું તને કઈંક બતાવું."

રોમી ફિનિક્ષ સાથે સફેદ પ્રકાશવાળા રૂમમાંથી બહાર નીકળ્યો. બહારનું દ્રશ્ય તેને વધારે આશ્ચર્ય પમાડે તેવું હતું. બહાર એક મોટો હોલ હતો. જેમાં અસંખ્ય યંત્રો હતા. થોડા માણસો તેમની પર કામ કરી રહ્યા હતા. બધા એ ફિનિક્ષની જેમ સિલ્વર કલરના સૂટ પહેરેલા હતા. તેમનાથી થોડે દૂર એક વિશાળ કાંચ હતો. જેમાંથી પૃથ્વીનો ગોળો દેખાઈ રહ્યો હતો.

રોમીને વિશ્વાસ ન આવ્યો કે તે એક સ્પેસશીપમાં છે. તેણે ફિનિક્ષ સામે નજર કરી. તે પૃથ્વીના વિશાળ ગોળા સામે જોઈ રહ્યો હતો. તેની આંખોમાં વિષાદ હતો. કંઈક ગુમાવ્યાનો વિષાદ.

"આ છે તારું ઘર પૃથ્વી. જે ઘણા વર્ષો પેહલા મારુ ઘર હતું." તે દુઃખી અવાજે બોલ્યો.

રોમી તેની સામે જોઈ રહ્યો. તેના મનમાં ઘણા પ્રશ્નો ઉભા થઇ રહ્યા હતા.

"મને ખબર છે. તારા મનમાં ઘણા પ્રશ્નો થતા હશે. ચાલ હું તારા પ્રશ્નોનું નિવારણ કરું." તે રોમી તરફ ફર્યો.

"આશરે ત્રણ હજાર વર્ષ પેહલા અમે આ પૃથ્વી પર રહેતા હતા. અમારા પૂર્વજો અને અમે મળીને એક સુસઁસ્કૃત સમાજની રચના કરી હતી. અમે બહુ બધી શોધો કરી હતી પણ સાથે સાથે કેટલીક શોધો એવી હતી કે જે અમારી સભ્યતાનો નાશ કરી શકવા સક્ષમ હતી. જેના વિષે તું અને પ્રોફેસર જાણો છો." તે રોમીના ચેહરાના ભાવ વાંચવા અટક્યો.

"હા, પરમાણુ શસ્ત્રો વિષે અમે જાણીએ છીએ પણ તે કેવી રીતે બને તે અમે નથી જાણતા." રોમી બોલ્યો.

"અમે જાણતા હતા અને અમે બહુ બધા બનાવ્યા પણ ખરા. આ શસ્ત્રો ખોટા શાસકોના હાથમાં આવી ગયા અને અમારી સભ્યતા નાશ થવાના કગાર પર પહોંચી ગઈ. સદભાગ્યે અમારા કેટલાક વૈજ્ઞાનિકોએ એવા સંશોધનો કર્યા હતા કે જેના કારણે બીજા ગ્રહ પર જીવવાનું શક્ય બન્યું હતું. અલગ અલગ દેશના વૈજ્ઞાનિકોએ સાથે મળીને પ્રોજેક્ટ એક્સ નામનો સ્પેસ પ્રોગ્રામ બનાવ્યો અને વિવિધ દેશની સરકારોને બીજા ગ્રહો પર માનવ વસાહતો સ્થાપવા મનાવી લીધી.

ફિનિક્ષે રોમીના ચેહરાના હાવભાવ જોવા વાત રોકી. રોમી નાના બાળક જેવા કુતુહલથી આખી વાત સાંભળી રહ્યો હતો.

“તેમનો મુખ્ય ઉદેશ્ય માનવજાતિને બચાવવાનો હતો. તેમણે સરકારોને બીજા ગ્રહો પર મળતા ખનિજોની લાલચ આપી. ધીરે ધીરે પૃથ્વી પરની શ્રેષ્ટ પ્રતિભાઓને તેમણે બીજા ગ્રહો પર રહેવા મોકલી દીધી. જેથી તેઓ માનવ સભ્યતાના વિનાશમાંથી બચી જાય. તેમને ડર હતો કે આંધળો રાષ્ટ્રવાદ વિનાશ નોતરશે. એક દિવસ તેમનો ડર સાચો પડ્યો અને પરમાણુ યુદ્ધ ફાટી નીકળ્યું. ત્રણ વર્ષમાં તો માનવસમાજનું નિકંદન નીકળી ગયું. બહુ ઓછા લોકો તેમાંથી બચી શક્યા. જે બચી ગયા તેઓ વિવિધ રોગોનો શિકાર બન્યા. પૃથ્વીના વાતાવરણમાં એટલું રેડિએશન ભરાઈ ગયું કે તે રહેવા લાયક ન રહી અને અમે બેઘર થઇ ગયા.”

ફિનિક્ષે સામે રહેલા પૃથ્વીના ગોળાના પ્રતિબિંબ પર હાથ ફેરવ્યો. તેના ચેહરા પર ગ્લાનિ હતી. તે રોમી તરફ ફર્યો અને બોલ્યો," મહાવિનાશના ત્રણસો વર્ષ પછી અમે પેહલી રોબોટ કોલોની પૃથ્વી પર સ્થાપી. અમે અમારા ઘરને ખાલી રાખવા નોહતા માંગતા. જે મનુષ્યો બચી ગયા હતા તે ધીરે ધીરે નાશ પામ્યા હતા. અમે રોબોટમાં તેમના પૂર્વજો આ પૃથ્વી પર આવ્યા હતા તેવી ખોટી મેમરી મૂકી. અમે એક એવા રોબોટ સમાજની રચના કરી જ્યાં દુઃખ નોહતું. જ્યાં કોઈ મરતું નહીં કે જન્મ પણ ન લેતુ. તમે પણ અમારી જેમ શસ્ત્રો કે સૈન્યો ન બનાવો તે માટે તમને તેવી શોધોથી વંચીત રાખ્યા. આ અમારા સ્વપ્નનું વિશ્વ હતું, હથિયારો વગરનું વિશ્વ, માત્ર જ્ઞાનની ઉપાસના કરતું વિશ્વ. તમારા રહેવાના ઘર અને વાહનો પણ ઓગણીસમી સદીના રાખ્યા. પોતાના જેવા બીજા રોબોટ બનાવે અને જુનાને રીસાઇકલ કરે તેવા રોબોટ બનાવ્યા."

રોમી તેની સામે જોઈ રહ્યો. તેને પોતાના સર્જનહારને શુ કેહવું તે સમજણ ન પડી.

"પછી અમે તમને તમારા હાલ પર છોડીને ચાલ્યા ગયા. અમને બીજું ઘર મળી ગયું હતું એટલે અમારા પેહલા ઘરમાં અમને રસ ન રહ્યો."

"તો પછી આટલા વર્ષે...અચાનક?" રોમીએ પૂછ્યું.

"પ્રોજેક્ટ એક્સના અંતર્ગત વૈજ્ઞાનિકોએ તે સમયે વિશ્વની પ્રખ્યાત ઇમારતોમાં રેડિએશન માપવા અને તેને ટ્રાન્સમીટ કરવા માટેના ટ્રાન્સમીટર ગોઠવ્યા હતા. આ ટ્રાન્સમીટર અમને થોડો વર્ષો સુધી પૃથ્વી પરનું રેડિએશન માપીને મોકલતા રહેતા પણ કાળક્રમે પૃથ્વી પર આવતા તોફાનોને કારણે આ ટ્રાન્સમીટર નાશ પામ્યા. તે અને પ્રોફેસરે જયારે તાજમહેલનું ખંડેર બહાર કાઢ્યું ત્યારે તેમાં રહેલા ટ્રાન્સ્મીટરે પૃથ્વીનું રેડિએશન માપીને અમને મોકલ્યું."

"એટલે તમે અહીંયા તે ટ્રાન્સમીટર લેવા આવ્યા છો?"

"ના, તે ટ્રાન્સમીટરે માપેલું પૃથ્વી પરનું રેડિએશન એકદમ નોર્મલ છે."

"તેનો શું મતલબ થયો?"

"તેનો મતલબ એમ કે પૃથ્વી હવે મનુષ્યો માટે ફરી રહેવા લાયક બની ગઈ છે." તેણે આંખોમાં ચમક સાથે કહ્યું.

રોમીને તેની વાત સાંભળીને આંચકો લાગ્યો. તેણે સ્વસ્થ થઈને પૂછ્યું, "એટલે તમે આ પૃથ્વી પર પાછા ફરવાના છો?"

"હા, અમે અમારા જુના ઘરે પાછા ફરશું અને એક નવી શરૂઆત કરશું. તમારી બધાની સાથે." ફિનિક્ષ હસીને બોલ્યો.

રોમી રાજી થયો. બન્ને એક સાથે પોતાના ઘર તરફ જોઈ રહ્યા.

-: સમાપ્ત :-

બીજા રસપ્રદ વિકલ્પો