રોમી અને પ્રોફેસર હજુ તાજમહેલના ખંડેર અંદર ઉભા હતા. રોમી પોતાના યાંત્રિક હાથ તરફ જોઈ રહ્યો હતો. તેને પોતાની આંખો પર વિશ્વાસ નોહતો આવતો કે તે યંત્રમાનવ હતો. તેનું માથું ભમી રહ્યું હતું. તેણે પોતાના ભૂતકાળને યાદ કરવાનો પ્રયત્ન કર્યો પણ તેને પોતાની પી.એચ.ડી.ના શિક્ષણ પેહલાનું કઈં જ યાદ ન આવ્યું. તેના મગજમાં અનેક પ્રશ્નો ઉદભવ્યા. તેને કોણે બનાવ્યો? શા માટે બનાવ્યો? તેના જેવા બીજા યંત્રમાનવો પણ છે કે નહીં?
પ્રોફેસર તાજમહેલના ખંડેરમાં ફરવા લાગ્યા. તેઓ અલગ અલગ જગ્યાએથી નમૂનાઓ એકઠા કરી રહ્યા હતા. તે રોમી પાસે આવીને બોલ્યા,"રોમી, તને શું લાગે છે? આ સભ્યતા પરમાણુ યુદ્ધમાં નાશ પામી હશે? આ યુદ્ધમાં કેટલા લોકો બચ્યા હશે? શું તેઓ બીજે સ્થળાન્તર કરી ગયા?"
રોમી હજુ પોતાના વિચારોમાં ખોવાયેલો હતો. તેને અત્યારે ત્રણ હજાર વર્ષ જુની સભ્યતામાં કોઈ જ રસ ન હતો. તેને હવે પોતાનું સર્જન કરનાર કોણ હતું તે જ જાણવું હતું.
પ્રોફેસરે રોમીને વિચારોમાં ખોવાયેલો જોઈને પૂછ્યું," રોમી બેટા, શું વિચારે છે? તારે તારા હાથ પર કપડું બાંધવું જોઈએ. તને ઇન્ફેક્સન લાગી શકે છે."
"હું એ વિચારી રહ્યો હતો કે આપણા ઇતિહાસમાં આ સભ્યતાનો કે કોઈ પરમાણુ યુદ્ધ થયાનો ઉલ્લેખ કેમ નથી? આપણા ઇતિહાસ પ્રમાણે આશરે ત્રણ હજાર વર્ષ પેહલા આપણા પૂર્વજો પૃથ્વી પર ઉતરી આવ્યા અને તેમણે અહીંયા વસાહતો સ્થાપી હતી. તેઓ જયારે અહીંયા ઉતરી આવ્યા ત્યારે તેમને તો પરમાણુ યુદ્ધના અવષેશો મળ્યા હશે ને?"
"તારી વાત સાચી છે, રોમી. આપણા ઇતિહાસનો અને પરમાણુ યુદ્વનો સમયગાળો એક સરખો છે. જો આ કાગળના ટુકડા પરની તારીખ જો..."
રોમીએ અખબારના ટુકડા પરની તારીખ વાંચી. તારીખ હતી, 20-05-2050. તેણે પોતાના કાંડે બાંધેલી ઘડિયાળમાં નજર કરીને આજની તારીખ વાંચી. 10-12-5055. આશરે ત્રણ હજાર વર્ષનો ગાળો હતો બન્ને તારીખો વચ્ચે.
"રોમી આપણે સરકારને આ ઇમારત વિષે જાણ કરવી પડશે પણ મને ભય છે કે કદાચ સરકાર તને અને મને પરવાનગી વગર ખોદકામ કરવા માટે જેલમાં નાખશે." પ્રોફેસર નિરાશ ચેહરે બોલ્યા.
રોમીને પ્રોફેસરની વાત સાચી લાગી. અચાનક તેને એક ઉપાય સુજ્યો. તે ઉત્સાહમાં બોલ્યો," આપણે સરકારને જાણ કરવાની કોઈ જરૂર નથી. આ રેતીનું તોફાન ભગવાને આપણને બચાવવા જ મોકલ્યું છે. આપણે અહીંથી નમૂના એકઠા કરીને નીકળી જઈએ. આપણને આ મજૂરો તો ઓળખતા નથી. આ રણમાં કોઈ પેહલા તો જોવા આવશે નહીં અને આવશે તો એમ માનશે કે રેતીના તોફાનને કારણે આ ઇમારત બહાર આવી ગઈ હશે."
પ્રોફસરને રોમીની વાત ગમી. તેમણે ફટાફટ પુરાતત્વીય નમૂનાઓ એકઠા કર્યા. મજૂરોને પૈસા ચૂકવીને રવાના કર્યા. બધા નીકળી ગયા પછી બન્ને ઇમારતની બહાર નીકળ્યા. તેમણે છેલ્લી વખત ઇમારત તરફ નજર કરી.
"પ્રોફેસર, જે કોઈએ આ ઇમારત બનાવી હશે તેણે સાચે જ દીલથી બનાવી હશે." રોમી સાઈટ છોડતા પેહલા બોલ્યો.
***
રોમી અને પ્રોફેસર યુનિવર્સિટીમાં પાછા ફર્યા. યુનિવર્સિટીનું મકાન એક સાદું ચાર માળનું મકાન હતું. વિદ્યાર્થીઓ અને પ્રોફેસરોની ચહેલ પહેલથી કાયમ ધમધમતું રહેતું. વિવિધ શાખાઓમાં સંશોધન કાર્ય ચોવીસે કલાક ચાલુ રહેતું. વિદ્યાર્થીઓ કેમ્પસમાં જ રહેતા અને ભણતા. વાતાવરણમાં હમેશા એક ઉત્સાહ રહેતો. મકાનના દરેક રૂમમાં વિદ્યાર્થીઓ અને પ્રોફેસરો જ્ઞાનની ઉપાસનામાં મગ્ન રહેતા.
રોમી અને પ્રોફેસર પુરાતત્વીય વિભાગના રૂમમાં ચર્ચા કરી રહ્યા હતા. રોમી પ્રોફેસરે લાવેલા નમૂનાઓનો અભ્યાસ કરી રહ્યો હતો. કેટલાક વાસણો હતા. થોડા કપડાં હતા. કેટલીક વસ્તુઓની ઓળખ નોહતી થઇ શકી. જેમકે એક પારદર્શક પાતળી વસ્તુ જેમાં હવા ભરાતા ઉડવા લાગતી. રોમીને તે ચીજ જોઈને ખુબ આશ્ચર્ય થયું. તે ખુબ મોટા પ્રમાણમાં તાજમહેલની ઇમારતની આસપાસ હતી.
"રોમી, જો આ વાંચ," પ્રોફેસર એક પુસ્તક લઈને રોમી પાસે આવ્યા."અહીં લખ્યું છે કે આપણા પૂવૅજોનું પહેલું યાન પૃથ્વી પર 2054માં ઉતર્યું. એટલે પેલી ઇમારતમાં મળેલા કાગળની તારીખના આશરે એક વર્ષ પેહલા. આપણા પૂર્વજો અહીં આવ્યા ત્યારે પેલી સભ્યતાના લોકો આ પૃથ્વી પર હતા. પેલી ઇમારતના અખબારમાં પરમાણુ યુદ્ધની શરૂઆત વાત લખી હતી. આ આખા કોયડાનો એક જ ઉકેલ મને સુજે છે."
"શું, પ્રોફેસર?"
"આપણા પૂર્વજોએ પરમાણુ યુદ્ધ શરૂ કર્યું અને આ પૃથ્વી પર રહેલી સભ્યતાનો નાશ કર્યો." પ્રોફેસર બોલ્યા.
રોમી થોડીવાર વિચારીને બોલ્યો," પ્રોફેસર, આપણા પુર્વજો સૌ પ્રથમ આ પૃથ્વી પર જે જગ્યાએ ઉતર્યા હતા. તે જગ્યાએ ખોદકામ કરવાથી કદાચ આપણને આપણા પ્રશ્નોનો જવાબ મળી શકે."
"તારી વાત સાચી રોમી પણ તે જગ્યા વિષે સરકારે કોઈ જ માહીતી હજુ સુધી પ્રસિદ્ધ નથી કરી અને તે જગ્યા વિષેની માહિતી બહુ ઓછા લોકો પાસે છે." પ્રોફેસર બોલ્યા.
"મારી પાસે આ સમસ્યાનો ઉકેલ છે, પ્રોફેસર. આપણા સ્ટોરેજરૂમમાં કેટલાક બહુ જુના રેકોર્ડસ છે. આપણે ત્યાં જઈએ અને શોધ ખોળ કરીએ. કદાચ કોઈ માહિતી હાથ લાગે."
થોડીવાર પછી બન્ને યુનિવર્સિટીના વિશાળ સ્ટોરેજરૂમમાં શોધખોળ કરી રહ્યા હતા. થોડા સમય બાદ રોમીના હાથમાં એક ફાઈલ હતી. જેના પર લખેલું હતું, "પ્રથમ લેન્ડિંગ રિપોર્ટ-2050". રોમીએ ધીરે ધીરે તે ધૂળ ચડેલી ફાઈલ ખોલી. ફાઈલમાં માત્ર એક જ ફાટેલો કાગળ હતો. કોઈએ આ ફાઈલમાંથી કાગળો ગાયબ કર્યા હતા. કોઈ કારણસર પેલો કાગળ તેને નાશ કરવા આવનારના હાથો માં આવવાથી બચી ગયો હતો.
રોમીએ તે કાગળ વાંચ્યો. તેના પર લખેલું હતું, પ્રથમ લેન્ડિંગ તારીખ : 20-05-2050 , પ્રથમ લેન્ડિંગ સાઈટ : તાજ મહેલ.
***
રાતનો સમય હાથમાંથી રેતીની જેમ સરકી રહ્યો હતો. રોમી ઘણા લાંબા સમયથી ગાડી ચલાવી રહ્યો હતો. તે તાજમહેલની ઇમારતમાં જોયેલી દરેક વસ્તુઓને પોતાના મગજમાં ફરી ફરીને રીવાઈન્ડ કરી રહ્યો હતો. તેને કોઈ એવી વસ્તુ યાદ ન આવી જે કોઈ પ્રથમ લેન્ડિંગનો પુરાવો હોય. પ્રોફેસર તેની બાજુની સીટમાં સુઈ રહ્યા હતા. તે હવે ખંડેર સુધી જેમ બને તેમ જલદી પહોંચી જવા માંગતો હતો.
સૂરજના પેહલા કિરણને જયારે પૃથ્વી આવકારી રહી હતી ત્યારે રોમી ખંડેરની જગ્યાએ પોહચી ગયો. તે ઝડપથી ગાડીમાંથી ઉતર્યો. પ્રોફેસર પણ તેની પાછળ પાછળ ઉતર્યા. રોમી દોડીને જે રેતીના ટીલા પરથી આખું ખન્ડેર દેખાતું હતું ત્યાં પોહચી ગયો. સામે નું દ્રશ્ય જોઈને તેને આંચકો લાગ્યો. પ્રોફેસર પણ સામેનું દ્રશ્ય જોઈને આઘાત પામ્યા.
તાજમહેલનું આખું ખંડેર ગાયબ હતું. હજારો ટનનું ખંડેર જાણે પેહલા ત્યાં કંઈ હોય જ નહીં તેમ હવામાં ઓગળી ગયું હતું.
અચાનક રોમીને તેના શરીરમાં વીજળીના ઝટકા લગતા હોય તેવો અનુભવ થયો. કોઈ જાણે રીમોટ કન્ટ્રોલના બટન દબાવીને તેને પેરેલાઈઝ કરી રહ્યું હોય તેમ લાગ્યું. તેના હાથ અને પગ જકડાઈ ગયા અને તે નિર્જીવ લાશની જેમ પડ્યો. થોડે દૂર તેણે પ્રોફેસરને પણ જમીન પર પડતા જોયા. તેની આંખો બંધ થાય તે પેહલા તેને વિચિત્ર અવાજ સંભળાયો અને તે ગાઢ નિંદ્રામાં સરી પડ્યો.
(ક્રમશ:)