અધૂરું સ્વપ્ન Ravi Yadav દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરું સ્વપ્ન

અધૂરું સ્વપ્ન

Ravi Dharamshibhai Yadav

Part – 2

પોલીસ ઉર્વીલને લઈને અંદર આવી ગઈ અને ઉર્વીલને અંદર બેસાડી અને ચાલી ગઈ. ઉર્વીલ મનમાં વળીવળીને એ ઘટનાને યાદ કરી રહ્યો હતો જયારે તે રિપોર્ટરએ દુઃખતો સવાલ કર્યો. તેની નજર સામે થોડા કલાકો પહેલા બનેલી એ બધી ઘટના એક ફિલ્મની જેમ ચાલવા લાગી. અંબરનો એ નિસાસો નાખતો ચેહરો જેમાં આંખો હજુ પણ ગુસ્સેથી લાલ હતી. અઢળક સવાલો હતા. શું જવાબ દેશે અંબરને ? કેટકેટલા ખુલાસા કરવા પડશે ? એ ખુદ ઉર્વીલ પણ નહોતો જાણતો પરંતુ તેમ છતાય તેને એકવાર અંબરને ફોન કરવાનું ઠીક સમજ્યું અને અંબરને ફોન લગાવ્યો.

૪ રીંગ કરી હોવા છતાય અંબરનો ફોન રીસીવ નાં થયો એટલે ઉર્વીલએ ઘરના નંબર પર ફોન લગાવ્યો પરંતુ ઘરનો ફોન પણ કોઈએ ઉચક્યો નહિ. થોડીવાર માટે ઉર્વીલને થયું કે અંબર ગુસ્સે હશે એના કારણે ફોન નહિ ઉપાડતી હોય એટલે થોડીવાર માટે શાંતિથી ત્યાં જ બેઠો રહ્યો પરંતુ અચાનક નેગેટીવ વિચારોએ ઉર્વીલના મગજમાં ભરડો લીધો. જેમ અત્યારે થયું એમ કદાચ અંબરને પણ થયું હશે કશુય ? શુ હશે ? અને ત્યાં જ તેણે તેના ઘરમાં રાખેલા નોકરને ફોન કર્યો. નોકરે જણાવ્યું કે તે આજે રજા પર છે. અંબરભાભીએ મને આજે રજા લેવાનું કહી દીધું એટલે તે તો સાંજ પહેલા જ નીકળી ગયા હતા. હવે ઉર્વીલનું ટેન્શન વધ્યું હતું. એટલી જ વારમાં નર્સ ઓપરેશન થીયેટરમાંથી બહાર નીકળી અને ઉર્વીલ ઉભો થઈને સીધો જ નર્સ પાસે જાણવા ઉભો થઇ ગયો કે તે ઠીક તો થઇ જશે ને ?

“સર ! હજુ ઓપરેશન ચાલુ છે. ડોક્ટર અંદર છે. હું તો ફક્ત મારી ડ્યુટી કરું છું સર. પણ આશા રાખો, તેમને કશું નહિ થાય.”

ઉર્વીલ એકદમ ઠંડોગાર બની ગયો. એકતરફ અહિયાંનું ટેન્શન અને બીજી તરફ અંબર ફોન નથી ઉપાડતી એનું ટેન્શન...

***

“ઉર્વીલ !! ઉર્વીલ !! ચલ જલ્દી બેટા ! ઉભો થા. કેટલુક સુવું છે તારે ? આમ જો બેટા તારે ઓફીસ જવાનું લેટ થઇ જશે દીકરા. ચલ જોઈ ઉભો થા.”, ઉર્વીલની મા તેને સવાર સવારમાં જગાડી રહી હતી.

“અરે મા સુવા દે ને, હું કેટલું સરસ મજાનું સપનું જોઉં છું.”, ઉર્વીલ ઊંઘમાં જ બબડ્યો.

“દીકરા ! સવારના ૧૦ વાગ્યા અને તારે ૧૦.૩૦ એ ઓફીસ પહોચવાનું છે બેટા”, ઉર્વીલની મા તેને હલબલાવીને બોલી.

૧૦.૩૦ સાંભળીને અચાનક જાણે મિલેટ્રીનો સૈનિક ટટ્ટાર ઉભો હોય એવી રીતે ઉર્વીલ પોતાની પથારીમાં બેઠો થઇ ગયો અને ફટાફટ બાથરૂમ તરફ ભાગ્યો.

ઉર્વીલ એકદમ સામાન્ય પરિવારનો છોકરો હતો. પિતા એક સરકારી બેંકમાં ક્લાર્ક અને માતા ગૃહિણી હતા. બંનેનું એક માત્ર સંતાન એટલે ઉર્વીલ પંડ્યા. ગ્રાફિક્સ ડીઝાઈનરનું ભણીને પોતાની એક એજંસી ખોલવા માગતો હતો. ગ્રાફિક્સ ડીઝાઈનરમાં તેનું ફોકસ એટલું બધું હતું કે તેના દ્વારા તે આર્ટ ડીરેક્ટર બનવાનું સપનું સેવી રહ્યો હતો. ઘરમાં ભણવા બાબતની ફૂલ છૂટછાટથી તે પોતાની મરજીથી ભણ્યો હતો અને ગ્રાફિક્સ ડીઝાઈનરનો કોર્સ કરવા માટે સ્પેશીયલ કેનેડા ગયો હતો. પિતાની મર્યાદિત આવક છતાય પિતાએ ક્યારેય તેને રોક્યો નહોતો. પિતાએ પોતાનું ઘર ગીરવે મુકીને તેને કેનેડા મોકલ્યો હતો અને ઉર્વીલ ત્યાં ભણતો જતો હતો અને જોડે કશીક પાર્ટ ટાઈમ જોબ કરીને પોતાનો ખર્ચો જાતે જ કાઢતો જતો હતો જેથી પિતાના ખભા પર ક્યારેય પૂરી જવાબદારી આવી જ નહોતી. ડીઝાઇનીંગનો ૩ વર્ષનો ફૂલ પ્રૂફ કોર્સ કરીને ઉર્વીલ એકદમ તૈયાર થઇ ચુક્યો હતો. ભણવામાં હોશિયાર હોવાના લીધે તેમાં સારા એવા માર્ક્સ સાથે ક્લીયર હતો આથી તેને ત્યાં કેનેડામાં જ જોબ મળી હતી પરંતુ તેને ભારતમાં આવીને મમ્મી પાપા જોડે રહેવાની ઈચ્છા હોવાથી ત્યાંથી જોબને ઠુકરાવીને ભારત આવી ચુક્યો હતો. ઉર્વીલના આ નિર્ણયને તેના પિતાએ રાજીખુશીથી સ્વીકારી લીધો હતો કારણ કે બહાર રહેલો હોવાથી અને પોતે પોતાની જાતને સંભાળી શકતો હોવાથી તેણે કશુક વિચારીને જ નિર્ણય લીધો હશે એવું માની લીધું હતું.

શરૂઆતમાં તો ઉર્વીલની માર્કશીટના આધારે મુંબઈમાં જ સારી એવી જોબ મળી ગઈ હતી પરંતુ ઉર્વીલના દરરોજ મોડા જવાના કારણે તેની ઇમ્પ્રેશન કંપનીમાં ખરાબ હતી. આજે પણ એવું જ કાંઇક બન્યું હતું. ઉર્વીલ સપનાઓ જોવામાં જ રહ્યો અને ઓફીસનો ટાઈમ નીકળી ચુક્યો હતો. ઓફીસમાં પહોચતાની સાથે જ આજે તેના બોસે તેને પાણીચું પકડાવી દીધું હતું. જોબમાંથી છૂટો કરી દીધો હતો અને ઉર્વીલ કશું પણ બોલ્યા વગર બિન્દાસ્ત ત્યાંથી ઘરે પાછો આવતો રહ્યો હતો. જોબ જતી રહેવાનું સહેજ પણ દુઃખ કે નીરાશાના ભાવ તેના ચહેરા પર દેખાતા નહોતા. તે તો બસ બિન્દાસ્ત ઘરમાં બેસીને ટીવી જોઈ રહ્યો હતો એમાં જ એના પિતા દાખલ થયા અને બનેલી ઘટના વિષે ખબર પડી. થોડા ગુસ્સે થઈને તેઓ ચુપચાપ પોતાના રૂમમાં ચાલ્યા ગયા અને ઉર્વીલ ટીવી બંધ કરીને તેની પાછળ પાછળ ગયો.

“પાપા ! એક વાત કહેવી હતી. હું આ નાની-મોટી નોકરીઓ કરવા માટે નથી સર્જાયો પાપા. મારે કશુક સર્જન કરવું છે. કશુક નવું બનવું છે. આ રૂટીન ટાઈમવાળી નોકરી મારાથી નહિ થાય પાપા, હું તમને નારાઝ કરવા નથી માંગતો પરંતુ હું પોતે આ નોકરીથી ખુશ નહોતો એટલા માટે જ હું એના પર પૂરું ધ્યાન નહોતો આપતો.”, ઉર્વીલ એક સમજદાર વ્યક્તિની જેમ બોલી રહ્યો હતો.

“બેટા ! તારા ભણવામાં અને તને સેટ કરવા માટે થઈને આ ઘર ગીરવે મુકીને જે લોન લીધી છે એ કોણ ભરશે ? આવતા વર્ષે તો હું રીટાયર થઇ રહ્યો છું. હું પેન્શન પર આવી જઈશ અને તું આવી રીતે કરીશ તો ઘર કેવી રીતે ચાલશે બેટા ? તે એ વિચાર કર્યો છે કોઈ દિવસ ?”, ઉર્વીલના પિતા શાંતિથી બોલ્યા.

“પાપા, તમારી વાત સાચી છે. પરંતુ મને સંતોષ થાય એવી નોકરી મને મુંબઈમાં નથી દેખાઈ રહી. મને કશુક ક્રિયેટીવ કામ કરવું છે. કશુક એવું કામ કરવું છે કે જેનાથી લોકો મને ગુગલમાં શોધે, ફેસબુકમાં નહિ. અને એવું કોઈ કામ હું કરીને રહીશ. પરંતુ અત્યારે તમારી એ ચિંતાને દુર કરવાની જવાબદારી મારી બને છે. હું એ પૂરી કરીશ પાપા. હું બેંગ્લોર જવા ઈચ્છું છું. ત્યાં મને એક સારી મલ્ટીનેશનલ કંપનીમાં જોબ મળી શકે તેમ છે. હું ત્યાં જતો રહું ? મહિનામાં એક – બે વાર હું તમને બંનેને મળવા મુંબઈ આવતો રહીશ.”, ઉર્વીલ એવી રીતે બોલી રહ્યો હતો કે એના પિતાએ કોઈ પણ પ્રકારનો સવાલ ઉઠાવાની જરૂરિયાત જ નહોતી.

પાપાએ ખુશ થઈને હા પાડી અને તેને રજા આપી દીધી હતી. આખરે ઉર્વીલ બેંગ્લોર જતો રહ્યો.

***

જુહુ બીચ પાસે આવેલા કોફી કાફેમાં ઉર્વીલ આજે રાહ જોઈ રહ્યો હતો તેની થનાર ભાવી પત્નીની. મમ્મી પાપાએ પસંદ કરેલી છોકરી જોડે ઉર્વીલએ કશું પણ બોલ્યા વગર સગાઇ તો કરી લીધી હતી પરંતુ હજુ સુધી તે અંબરને પૂરી રીતે ઓળખતો નહોતો. ઇનફેક્ટ, હજુ સુધી તેણે ફક્ત એક થી બે વાર માંડ વાતો કરી હતી. આથી આજે બંનેએ એકબીજાને મળવાનું નક્કી કર્યું હતું.

થોડી જ વારમાં સ્કાયબ્લુ કલરનું ટોપ અને જીન્સ પહેરીને એક છોકરી દાખલ થઇ. હાથમાં મીની બેગ સાઈઝનું પર્સ, કાનમાં ઈમિટેશનવાળી એરિંગ અને ગળામાં સ્ટોન અને છીપલાંનો બનાવેલો નેકલેસ, આંખોમાં કરેલું કાજળ અને હોઠ પર કરેલી એકદમ લાઈટ લીપ્સ્ટીક, કર્લી કરેલા વાળ અને ચેહરા પરનું એ કુદરતી રીતે ઉપસી આવતું નુર અંબરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યું હતું. અંબર ત્રિવેદી એકદમ સરળ અને શાંત સ્વભાવની છોકરી હતી જે પ્રાઈમરી સ્કુલમાં શિક્ષકની નોકરી કરતી હતી. સ્વભાવથી થોડી સંકોચાયેલી, પોતાની આડે મર્યાદાઓના પુલ બાંધેલી તેમ છતાય પહેલી નજરે ગમી જાય તેવું વ્યક્તિત્વ હતું.

ઉર્વીલ દુરથી જ તેને ઓળખી ગયો હતો અને તરત ઉભો થઈને હાથ મિલાવીને અંબર માટે ખુરશી સરખી કરી અને બેસવા માટે આમંત્રણ આપ્યું. થેંક્યુંના ભાવ સાથે અંબર ત્યાં બેસી ગઈ અને ઉર્વીલ પણ ગોઠવાયો. થોડી જ વારમાં કોફી પણ આવી ગઈ અને બંને વાતોએ વળગ્યા. બેઝીક પૂછપરછથી શરુ થયેલી વાતો ધીમે ધીમે આગળ વધતી જતી હતી. પોતાના શોખ, ફેમીલી, ટેવ – કુટેવ, આદતો, ભવિષ્યના સપનાઓ વગેરે બાબતોમાં ખુબ બધી ચર્ચાઓ થઇ ચુકી હતી અને બંને એકબીજા વિષે ખાસું એવું જાણી ચુક્યા હતા. બંને એકબીજાને ઓળખવાની કોશિશ કરી રહ્યા હતા એટલામાં જ અંબર બોલી ઉઠી.

“અહિયાં બેસીને જ બધી વાતો કરવી જરૂરી છે ? શું આપણે બીચ પર ચાલતા ચાલતા વાતો કરીશું તો તમને કશો વાંધો છે ?”

“નો, નોટ એટ ઓલ. ચાલો ત્યાં જઈએ. આમ પણ અહિયાં બેસી બેસીને હવે થાકી ગયા. થોડા પગ છુટા કરીએ.”, ઉર્વીલ એકદમ કેઝ્યુંઅલી બોલી ઉઠ્યો.

ઢળતી સાંજ થઇ ચુકી હતી. બીચ પર ફરવા આવેલા લોકો ધીમે ધીમે પોતાના ઘરે જવા માટે નીકળી રહ્યા હતા અને બીચ ખાલી થતો જતો હતો. ઉર્વીલ અને અંબર શાંતિથી દરિયાકિનારે ચાલતા હતા અને ચાલતા ચાલતા ક્યારેક બંનેના હાથ એકબીજાને સ્પર્શ કરી જતા હતા પરંતુ બેમાંથી કોઈ કશું બોલતું નહોતું. આખરે અંબરએ વાત શરુ કરવા એમ જ પૂછ્યું.

“ઉર્વીલ શબ્દનો અર્થ શું થાય ?”

“સમુંદર, દરિયો”, ઉર્વીલે જવાબ આપ્યો.

“અને અંબર એટલે આકાશ, બંને ક્યારેય મળતા નથી.”, અંબર જાણે કોઈ કોયડા રચતી હોય એ રીતે બોલી.

“અચ્છા ?”, અને અચાનક ઉર્વીલે અંબરનો ખભો પકડીને તેને દરિયામાં દુર સુધી નજર કરવા કહ્યું.

“ત્યાં જોઈ રહી છે અંબર ? સામે દુર... શું દેખાઈ છે તને ? આંખોથી દુર જ્યાં આપણી નજર પૂરી થઇ જાય છે ત્યાં તો સમુંદર અને આકાશ પણ મળી જાય છે, જેમ નસીબે આપણને મેળવ્યા છે”, ઉર્વીલએ એકદમ રોમેન્ટિક અદામાં જવાબ આપ્યો જે અંબરને ખુબ જ ગમ્યો. પરંતુ તે એમ આસાનીથી વાત પૂરી કરવા માંગતી નહોતી એટલે તેણે ઉર્વીલને વધુ ગૂંચવી નાખવા માટે ફરી બોલી ઉઠી.

“જ્યાં આકાશ અને સમુંદર મળી જાય છે ત્યાં દુનિયા ખતમ થઇ જતી હોય છે ઉર્વીલ”, અંબર એકદમ હળવેથી પોતાના શ્વાસ વડે બોલી.

ઉર્વીલે ફરીવાર પોતાની સેન્સ ઓફ હ્યુમરનો પરચો બતાવવા સીધો જ રોમેન્ટિક થઈને જવાબ આપ્યો, “શું તું પહેલેથી જ આટલી ખુબસુરત અને રોમેન્ટિક છે કે પછી વક્તને કિયા કોઈ હસી સિતમ ફિલ્મી ટાઈપ ?”

“પહેલેથી જ”, અંબર હસતા હસતા ઉર્વીલને ધક્કો મારીને દોડવા લાગી અને ઉર્વીલ તેને પકડવા માટે પાછળ દોડ્યો.

***

ઉર્વીલની તંદ્રા તૂટી જ્યારે ડોકટરે તેને હલબલાવી નાખ્યો. અને સફાળો ઉભો થઈને ડોક્ટરને પૂછવા લાગ્યો.

“જુવો મિસ્ટર ઉર્વીલ, અત્યારે અમે તેના ગળામાં ટ્યુબ તો ફીટ કરી દીધી છે જેથી તે હવે ટ્યુબ વડે શ્વાસ તો લઇ શકશે પરંતુ હજુ એની પરિસ્થિતિ વિષે કશું પણ કહી શકાય તેમ નથી. તેને હજુ હોશમાં આવતા ૪-૫ કલાક લાગી શકે એમ છે. એ પછી જ પૂરેપૂરો ખ્યાલ આવી શકશે.”, ડોક્ટર આટલું કહીને જતા રહ્યા.

ઉર્વીલ ત્યાં જ ફસકી પડ્યો. દીવાલ સાથે માથું ટેકવીને ઉર્વીલ ત્યાં જ સુઈ જવા માટે મહેનત કરી રહ્યો હતો. એટલામાં જ ફોન વાગ્યો અને જાણે ઉર્વીલ માટે એ બીજો ભૂકંપ લઈને આવ્યો.

“વ્હોટ !”

વધુ આવતા અંકે...