અધૂરું સ્વપ્ન
ભાગ – ૮
રવિ યાદવ
ઉર્વીલનો મેસેજ પહેલા પહોચી ગયો અને હયાતી હજુ સેન્ડ કરવા જાય ત્યાં જ ઉપર નોટીફીકેશન બ્લીંક થયું અને હયાતીની આંગળીઓ અટકી ગઈ. આખરે એક ઘાત ઉર્વીલ માથેથી ટળી ગઈ. હયાતી મેસેજ વાંચતાની સાથે જ ઉછળી પડી. આખરે પોતાના પ્રેમની જીત થઇ એવું સમજીને હયાતી તે રાત્રે શાંતિથી સુઈ ગઈ. બીજી તરફ ઉર્વીલ તેની આ ભૂલ માટે ગીલ્ટ ફિલ કરી રહ્યો હતો. ગુસ્સામાં અને ઉતાવળમાં તેણે હયાતીને મેસેજ કરી દીધો કે તે લગ્ન કરવા તૈયાર છે અને હવે તેને અંબરના પાપાને આપેલું વચન અને તેના માં બાપના જોયેલા સપનાઓ આખરે તેના માનસપટ પર ફરી રહ્યા હતા. આથી ઉર્વીલે નક્કી કર્યું કે સવાર થતા ઉર્વીલ ફરીથી હયાતીને સમજાવશે અને આ વાતનો ઉકેલ લાવશે.
ઉર્વીલની ઊંઘ વહેલી સવારની ઉડી ગયેલી હતી આથી તે મનોમન વાક્યો ગોઠવી રહ્યો હતો કે તે હયાતીને શું કહીને સમજાવશે. ફટાફટ તૈયાર થઈને તે હયાતીના ઘરે ગયો. હયાતી હજુ આરામથી સુઈ રહી હતી, ઉર્વીલના આવવાથી તે જાગીને સીધી જ દોડીને દરવાજે જ ઉર્વીલને વળગી પડી અને ઉર્વીલના ગળા ફરતે ચુંબનોનો વરસાદ કરી દીધો. પરંતુ ઉર્વીલનું કોઈ રીએક્શન નાં મળતા તે થોડી ખચકાઈ અને છૂટી પડીને ઉભી રહી.
“હયાતી ! હું તને અત્યારે એક અગત્યની વાત કરવા માટે આવ્યો છું.”, ઉર્વીલ શાંતચિત્તે વાત શરુ કરી.“હા બોલને જાન ! શું કહેવું છે તારે ? હવે તો તું જે પણ કહીશ એ બધું જ માનવા તૈયાર છું. તે મને તારી જિંદગી મને આપવાનો નિર્ણય કરી લીધો છે એના બદલામાં તું કઈ પણ માંગી શકે છે.”, હયાતી એકદમ ખુશમિજાજમાં બોલી રહી હતી. “હયાતી ! આ લગ્ન નહિ થઇ શકે. રાત્રે મેં અંબર જોડે ઝઘડો થવાના કારણે મેં તને મેસેજ કરી દીધો હતો કે હું અંબર જોડે જ લગ્ન કરીશ પરંતુ આખરે એના પાપાને આપેલું વચન હું તોડી શકું તેમ નથી.”, ઉર્વીલ નીચે પગના અંગુઠાથી જમીન ખોતરતો હોય એ રીતે નીચું મોઢું રાખીને બોલ્યો. “ઓહ્હ આઈ સી ! મતલબ તેના પાપાને વચન આપ્યું એ તારા માટે મહત્વનું છે પરંતુ મેં આપેલું વચન તને કશું જ નથી લાગતું ?”, હવે હયાતી થોડી અગ્રેસીવ થઈને બોલી રહી હતી. “લિસન હયાતી, તું પ્લીઝ મારી સિચ્યુએશન સમજવાની કોશિશ કર. હું તારી સાથે મારી લાઈફ નથી જીવી શકું એમ. હું પ્રેમ તને જ કરું છું પરંતુ મારે મારી ઈચ્છા વિરુધ જઈને લગ્ન કરી રહ્યો છું. મારા હૃદયમાં તારા પ્રત્યેની લાગણી હમેશા રહેશે. તું આજે પણ મારો પ્રેમ છે અને આવતી કાલે પણ રહીશ જ. હું તને નહિ ભૂલી શકું પણ સાથે પણ નહિ રહી શકું. માણસની જિંદગીમાં દરેક નિર્ણયો માણસના પોતાના નથી હોતા. તેમાં ફેમીલીના અને આસપાસના પરિબળો પણ ભાગ ભજવતા જ હોય છે. “ઓકે, યુ મેં લીવ નાવ”, હયાતીએ કશી જ દલીલ કર્યા વગર ઉર્વીલને ત્યાંથી જવા માટે કહી દીધું. આ સાંભળીને હવે ઉર્વીલ કશું પણ બોલવા જેવો નહોતો રહ્યો આથી તે તરત જ ત્યાંથી જતો રહ્યો અને આમ પણ તેની ફ્લાઈટ માટે તેને નીકળવાનો ટાઈમ થઇ જ ગયો હતો આથી વધુ કોઈ દલીલ કર્યા વગર હયાતીને ગળે વળગાડી અને કપાળ ચૂમીને ચુપચાપ ત્યાંથી નીકળી ગયો.
***
આખરે ઉર્વીલનો લગ્ન દિવસ આવી ચુક્યો હતો. ઘરમાં દરેક લોકો ખુશ હતા અને એ સિવાય બહારના પણ ખુબ બધા મહેમાનોની હાજરી ત્યાં હતી કેમ કે હવે તો ઉર્વીલ એક સેલીબ્રીટી હતો આથી તેનો લગ્નપ્રસંગ પણ ધામધૂમથી જ ઉજવવાનો છે એ વાત પણ નક્કી જ હતી. ચેહરા પર હાસ્યનો મુખવટો પહેરીને ઉર્વીલ જાણે આ લગ્નથી ખુબ ખુશ હોય એ રીતે દરેક લોકો સાથે વર્તી રહ્યો હતો. લગ્નગીતો ગવાઈ રહ્યા હતા. અંબર આજે કોઈ અપ્સરાથી કમ નહોતી લાગી રહી. તેની જિંદગીનો સૌથી ખુશીનો દિવસ આજે હતો જેના કારણે તે તો એક નવોઢાના સપનાઓની દુનિયામાં ખોવાયેલી હતી. અંબરના પિતાને ત્યાં વ્હીલચેર પર લાવવામાં આવ્યા હતા. લગ્નની સાથે સાથે ઉર્વીલની નવી બુકનું લોન્ચિંગ અને નવી ફિલ્મની જાહેરાતનો કાર્યક્રમ પણ જોડે જ હતો. ઉર્વીલે પણ એકદમ પરફેક્ટ માર્કેટિંગ સ્ટ્રેટેજી વિચારીને દરેક નાના મોટા ઓળખીતા ફ્રેન્ડ સર્કલને ત્યાં બોલાવ્યા હતા જેથી કરીને તેની સામે તે પોતાની બુકનું લોન્ચિંગ પણ કરી શકે અને લગ્નનો પ્રસંગ પણ સચવાઈ જાય. ઉર્વીલની પાંચમી નોવેલની પબ્લીશ, પોતાની બુક પર બેઝ રાખીને બની રહેલી નવી મુવી અને તેના લગ્નનો પ્રસંગ ધામધૂમથી આખરે ઉજવાઈ ચુક્યો હતો.
દીકરીને નાનેથી ઉછેરીને મોટી કરનાર બાપની આંખોમાં આજે આંસુઓની ધોધમાર વર્ષા થઇ રહી હતી અને સામે અંબરને પણ હવે પોતાના પિતાનું આ દુઃખ અને તેને આવી હાલતમાં છોડીને જવાનું ખુબ જ કપરું લાગી રહ્યું હતું. હાજર રહેલી દરેક વ્યક્તિના ચેહરા પર અશ્રુધારા રેલાયેલી હતી. અંબરના પિતાએ ઉર્વીલને ત્યાં જ કહ્યું, “મારી દીકરીનો હાથ ક્યારેય મુકીશ નહિ, કોઈ પણ સંજોગો આવે, ગમે તેવી વિકટ પરિસ્થિતિ તમારી વચ્ચે ઉભી થાય પણ ક્યારેય આવું નહિ કરતો.” “તમે બિલકુલ ચિંતા નહિ કરો પાપા, હવેથી એ તમારી ચિંતા નથી, અંબરની દરેક જરૂરિયાતો માટે હવે હું એની જોડે હોઈશ.”, ઉર્વીલે ધરપત આપતા કહ્યું.
આખો રૂમ ગુલાબના ફૂલોથી ભરચક હતો. હાર્ટ શેઈપના ફુગ્ગાઓ અને સુગંધિત રૂમ ફ્રેશનરના કારણે વાતાવરણમાં રોમાન્સ છવાયેલો હતો. અંબર કાજુબદામ વાળું દૂધ લઈને ઓલરેડી રૂમમાં આવી ચુકી હતી અને ઉર્વીલ હજુ બહાર મહેમાનોને વળાવવામાં બીઝી હતો. તે પોતાના લગ્નના ફોટોસ ફેસબુક પર અપલોડ કરી રહી હતી અને બેંગ્લોરમાં બેઠેલી હયાતી આજે ખુબ જ રડી હતી. ખુબ જ અપસેટ હતી અને બળતામાં ઘી સમાન એ અંબરના ફોટોસ ફેસબુકમાં જોઇને તેના મગજનો પારો હવે સાતમાં આસમાને પહોચી ગયો હતો. ફરીથી તેને મગજમાં વિચારોનો વંટોળ ચડ્યો અને તે હાર્ડ ડિસ્કમાં રહેલા ફોટોસ અને વિડીયો કાઢીને મોબાઈલથી અંબરના વોટ્સેપમાં મોકલવાની તૈયારી કરવા લાગી. ઉર્વીલ પણ હવે પોતાનું કામ પૂરું કરીને રૂમમાં આવ્યો હતો અને અંબરની પાસે બેસીને વાતો કરી રહ્યો હતો. ઉર્વીલ આવતાની સાથે જ અંબર પોતાના ઘરેણા તેની જાતે જ કાઢીને અને તરત જ નાહવા માટે જતી રહી. એટલામાં જ અંબરના ફોનની મેસેજ ટોન વાગી અને ઉર્વીલનું ધ્યાન ગયું તો કોઈ અજાણ્યા નંબર પરથી ઢગલો ફોટોસ અંબરના ફોનમાં આવ્યા હતા. ઉર્વીલનું ધ્યાન નંબર પર જતા જ તેને મગજમાં સ્પાર્ક થયો કેમ કે તે નંબર હયાતીનો હતો. ઉર્વીલે ફટાફટ મોબાઈલ ઓપન કર્યો અને ફોટોસ જોઇને દંગ રહી ગયો કારણ કે તે ફોટોસ હયાતી અને ઉર્વીલની અંગત પળોના ફોટો હતા. ઉર્વીલે કશુય જોયા વગર પહેલા તે ફોટોસ ડીલીટ કરવાનું કામ કર્યું અને આખી ચેટ ડીલીટ કરી અને ફરી પાછો સ્વસ્થ થઈને બાથરૂમના દરવાજા પાસે ગયો અને બાથરૂમનો દરવાજો નોક કર્યો.
“અંબર ! શું કરે છે ?”, ઉર્વીલે મજાક કરતા કહ્યું. “ડાન્સ કરું છું.”, અંબરે પણ તેની મજાક ઉડાવતા કહ્યું. “લેટ્સ ડુ કપલ ડાન્સ ! ઇટ્સ મોર ઇઝી એન્ડ જોયફુલ.”, ઉર્વીલે રોમેન્ટિક અંદાઝમાં કહ્યું.બાથરૂમના બારણા પાસે કાન રાખીને અંબરના રીપ્લાયની રાહ જોતા ઉર્વીલને ખબર નહોતી કે અંબર શું કરવાની હતી. અચાનક જ બાથરૂમનું લોક ખુલ્યું અને સીધો જ ઉર્વીલ અંદર ખેચાઈ ગયો. “અરે અરે પણ હું પડી જઈશ ?”, ઉર્વીલ થોડો પોતાની જાતને સાચવતા બોલ્યો. “હા તે તારે પડવું હોય તો પડી જા, પણ મારી ઉપર પડજે.”, અંબર એકદમ નોટી મજાક કરીને આંખ મિચકારીને બોલી. ઉર્વીલે સહેજ પણ રાહ જોયા વગર તરત જ અંબરના ભરાવદાર હોઠ પર પોતાના હોઠ બીડી દીધા. ઠંડા પાણીના ફુવારા નીચે બે યુવાન બદનની ગરમી એકબીજાના શરીરને ભરડો લઇ રહી હતી. ધીરે ધીરે એકબીજાના વસ્ત્રો પાણીમાં પલળીને અંદરના આકારો સ્પષ્ટ કરી રહ્યા હતા. ઉર્વીલે તરત જ અંબરને પોતાના બંને હાથે ઊંચકી લીધી અને બાથરૂમમાંથી બહાર લઇ ગયો અને સીધી જ બેડ પર સુવાડીને ફરી પોતાની બાહોની આગોશમાં અંબરને ખોઈ બેઠો. આખરે બંને વચ્ચેના દરેક બંધનો તૂટી ગયા અને લગ્નના બંધનમાં બંધાયેલા એ બે વ્યક્તિઓ શરીરથી પણ એક થઇ ગયા.
***
સવાર પડતા જ ઉર્વીલ ફરીવાર બેંગ્લોર જવા માટે નીકળી ગયો. આ વખતે તે કોઈ કામથી નહોતો ગયો પરંતુ ગઈકાલે અંબરના ફોનમાં આવેલા હયાતીના મેસેજનો જવાબ દેવા માટે તેને ફરજીયાતપણે બેંગ્લોર જવાની ફરજ પડી હતી.
“હયાતી ! હયાતી !”, ઉર્વીલ આજે સીધો જ એરપોર્ટથી હયાતીના ઘરે ગયો હતો અને ત્યાં અંદર જતાવેત જોરજોરથી ચિલ્લાઈ રહ્યો હતો. “ઓહ્હો વેલકમ વરરાજા વેલકમ, તમારી ધર્મપત્નીને સાથે નાં લાવ્યા કે પછી ગઈકાલે સુહાગરાતને બદલે કોઈ બીજી રાત ઉજવાઈ ગઈ છે ?”, હયાતી સારી રીતે જાણતી હતી કે ઉર્વીલ અહિયાં તેના મેસેજના કારણે આવ્યો છે. “આ બધું શું છે હયાતી ? તે કહ્યું હતું કે તું હવે ક્યારેય મારા રસ્તામાં નહિ આવે તો હવે શું કામને મારું લગ્નજીવન બગાડવા બેઠી છે ?”, ઉર્વીલ ગુસ્સામાં બોલી રહ્યો હતો. “સોરી ડાર્લિંગ ! પણ તારા ગમના કારણે ગઈ રાત્રે થોડા વધુ પેગ મરાઈ ગયા તો એની અસર મગજ પર ચડી ગઈ હતી.”, હયાતીતો હજુય બિન્દાસ્ત જવાબ આપી રહી હતી. “હું તને આ લાસ્ટ વોર્નિંગ આપી રહ્યો છું હયાતી, જો હવે પછી મારા અંગતજીવનમાં કોઈ દખલ કરી છે તો હું ભૂલી જઈશ કે મેં તને ક્યારેય પ્રેમ કર્યો હતો.”, ઉર્વીલના મગજની ગરમી તેના શબ્દોમાં અંગાર બનીને વરસી રહી હતી. હયાતીએ આટલું સાંભળીને ઉર્વીલની સામે જ તેના ફોનમાંથી દરેક ફોટોસ અને વિડીયો ડીલીટ કરી નાખ્યા અને કહ્યું કે આજ પછી તે ક્યારેય ઉર્વીલના રસ્તામાં નહિ આવે. ઉર્વીલ ચુપચાપ આખરે ત્યાંથી નીકળી ગયો અને તે સમજી રહ્યો હતો કે આ સબંધ હવે હમેશ માટે ખત્મ થઇ ગયો. પરંતુ હકીકતનું તોફાન તો હવે આવી રહ્યું હતું જે કેટલો ઝંઝાવાત લાવશે તે અંદાઝ ઉર્વીલને સહેજ પણ નહોતો.
***
સમય વીતતો જતો હતો અને ઉર્વીલ અને અંબર વચ્ચે સુખી લગ્નજીવનના બદલે ઝઘડાઓ વધતા જતા હતા. વાતેવાતે અંબર હયાતી વચ્ચે નાનો તણખો પણ મોટા ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લેતો. ઉર્વીલ રોજેરોજની મગજમારીથી કંટાળી ચુક્યો હતો પરંતુ પોતાના માં-બાપનાં કારણે કશું બોલી શકતો નહોતો. અંબર અને ઉર્વીલ વચ્ચે કોઈ વાતનો મેળ નહોતો. એક ઉત્તર હતું તો બીજું દક્ષીણ. એટલે મોટેભાગે ઉર્વીલ કશી લાંબી માથાકૂટ કરવાના બદલે શાંતિથી પોતાની નોવેલ લખતો. આમને આમ ૮ મહિના જેવું પસાર થઇ ગયું એ દરમિયાન ઉર્વીલની ૨ નોવેલ પણ આવી ચુકી હતી જેમાં લગ્ન બાદ રીલીઝ કરેલી નોવેલ ફ્લોપ આવી હતી જેના કારણે તે ખુબ અપસેટ થયો હતો પરંતુ હિંમત હાર્યા વગર તરત જ બીજી નોવેલનું કામ ઉપાડી લીધું હતું જેના કારણે ફરીવાર તેને પોતાની સાતમી નોવેલમાં સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો હતો.
ઉર્વીલે લખેલી નોવેલ પરથી બનેલી મુવી સુપરહીટ રહી હોવાના કારણે તેની બીજી નોવેલના રાઈટ મશહુર ફિલ્મ ડાયરેક્ટર અભિનય ચોપરાએ ખરીદી લીધા હતા અને તેના પર બોલીવુડના સુપરસ્ટાર લઈને મુવી પણ બનાવી ચુક્યો હતો જે સુપરડુપર હીટ રહી ચુક્યું હતું. બીજી ફિલ્મ પર હીટ જતા ફરીથી બેક ટુ બેક હીટની ગણતરીમાં અભિનય ચોપરાએ ત્રીજી મુવી બનાવવાનું વિચાર્યું પરંતુ તેમાં ઉર્વીલ પંડ્યા પોતે ફિલ્મને ડાયરેક્ટ કરવા માંગતો હતો અને આખરે અભિનય ચોપરાએ તેને મોકો આપતા ડાયરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું અને “દિલ કા ખ્વાબ” બનાવી અને અભિનય ચોપરાએ રમેલો જુગાર આખરે ફળ્યો અને તેમાં પણ તે સારા એવા રૂપિયા કમાયો હતો અને તેના કારણે હવે ઉર્વીલ પર જાણે પૈસાનો વરસાદ થઇ રહ્યો હતો. આર્ટ ડાયરેક્ટર બનવાનું સપનું જોતા ઉર્વીલને તેની લાઈફમાં ધાર્યા કરતા વધુ મળી રહ્યું હતું. બીજી ૨ બુકના ફિલ્મ રાઈટ માટે વાતો ચાલી રહી હતી અને સમજી વિચારીને ઉર્વીલ હવે પાક્કો બીઝનેસમેન બનતો જતો હતો. ફક્ત લેખક નહોતો રહ્યો પરંતુ એક મોટો રાઈટર કમ બીઝનેસમેન બની ચુક્યો હતો. દીકરાની આટલી સફળતા જોઇને તેના માં-બાપ તો ખુબ જ ખુશ હતા પરંતુ હવે તેણે પોતાના ગામડે જઈને રહેવાની ઈચ્છા વ્યક્તિ કરી હતી જેને કારણે તે ત્યાં શાંતિથી પોતાનો સમય પસાર કરી શકે. ઉર્વીલે તેના માતા પિતા માટે ગામડે ઘર બનાવી દીધું હતું જેથી ત્યાં પણ તેમને કોઈ અગવડ પડે એમ નહોતી. હવે તો ઉર્વીલ અને અંબર બે જ મુંબઈમાં રહેતા હતા અને રોજના કજિયાકંકાસવાળો તેમનો સંસાર ચલાવી રહ્યા હતા.
***
વર્તમાન સમય :-
હયાતીને હજુ હોશ નહોતું આવ્યું તે હજુ પણ બેભાન અવસ્થામાં જ હોસ્પિટલમાં હતી અને ઉર્વીલ કશુય ખાધા પીધા વગરનો ત્યાં જ આખી રાત બેઠો રહ્યો હતો અને આખો ભૂતકાળ તેની નજર સામે તરવરી ચુક્યો હતો અને અંતે તો હજુય કશું સારું થઇ જ નહોતું રહ્યું. એક તરફ હયાતી આવું પગલું ભરી બેઠી હતી અને બીજી તરફ અંબર હવે તેની સાથે વાત કરવા પણ તૈયાર નહોતી અને ફોન પણ નહોતી ઉપાડી રહી. આમને આમ સવાર પડી ચુકી હતી જે ઉર્વીલ માટે ભયાનક રૂપ ધારણ કરીને આવી હતી. વહેલી સવારે જ્યારે નોકર ઉર્વીલના ઘરે આવ્યો ત્યારે ઘરનો દરવાજો અંદરથી લોક હતો આથી તેણે ફટાફટ ઉર્વીલને ફોન કર્યો કે મેમસાબ દરવાજો નથી ખોલી રહ્યા તમે જલ્દી આવો. આ વાત સાંભળતા જ ઉર્વીલના મનમાં ધ્રાસકો પડ્યો, “વ્હોટ ?”
ડોક્ટરને તેણે સાચી પરિસ્થિતિની વાત કર્યા પછી જ ઉર્વીલ પોતાના ઘરે જવા તૈયાર થયો હતો. ડોકટરે ફૂલ સ્યોરીટી આપ્યા બાદ વિશ્વાસ આવ્યા પછી જ ઉર્વીલ ત્યાંથી નીકળ્યો હતો. રસ્તામાં ગાડી ચલાવતો ચલાવતો હવે તે અંબરને કઈ રીતે મનાવશે તેના વાક્યો મનમાં ગોઠવી રહ્યો હતો. આખી રાતના ઉજાગરાનો થાક તેના ચેહરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. લઘરવઘર કપડા, માથાના વાળ વિખરાયેલા ઉર્વીલને અત્યારે કોઈ ઓળખી પણ નાં શકે એવો થઇ ગયો હતો. હયાતીની ચિંતાએ તેને અંદરથી નબળો કરી નાખ્યો હતો.
પોતાની ચાવી વડે ઉર્વીલે ઘરનો દરવાજો ખોલ્યો અને અંદર ગયો. ડ્રોઈંગ રૂમના સોફા પાસે રાખેલી ટીપોઈનો કાચ તૂટીને વિખરાયેલો પડ્યો હતો. આથી ઉર્વીલને થયું કે કદાચ અંબરએ ગુસ્સે થઈને કાચ તોડ્યો હશે પરંતુ અચાનક તેનું ધ્યાન કિચનના પાછળના દરવાજાના કાચ પર પડ્યું તો ત્યાં પણ કાચ તૂટેલા હતા આથી ઉર્વીલને કશુક અજુગતું થયાની લાગણી થઇ આવી એટલે તે ફટાફટ ઉપરના માળે બેડરૂમ તરફ ભાગ્યો અને અંદર જઈને જોયું તો આરામખુરશી પર એકદમ શાંતિથી સુતેલી અંબર દેખાઈ આથી તેને ધરપત થઇ.
“અંબર આ બધું શું છે ? ઘરની બધી વસ્તુઓ અસ્તવ્યસ્ત કરી નાખી છે. કાચ તોડી નાખ્યા છે. ઘરનો ફોન કે મોબાઈલ કેમ નથી ઉપાડતી ?”, ઉર્વીલ ત્યાં જ ઉભો ઉભો સવાલ પૂછી રહ્યો હતો. તેના સવાલોનો કોઈ જવાબ નાં આવતા તે ચેર પાસે ગયો અને અંબરને ખભેથી પકડીને હલાવી અને જાણે પુતળું કોઈના ટેકાથી નીચે પડી જાય એવી જ રીતે અંબર સીધી જ નીચેની તરફ નમી ગઈ. હા ! અંબરના શરીરનું પ્રાણ પંખેરું હવે ઉડી ચુક્યું હતું.
અંબર મૃત્યુ પામી હતી.
વધુ આવતા અંકે...