Bhoja Bhagat MB (Official) દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Bhoja Bhagat


ભોજાભગત



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

પરીચય

ભોજાભગત કે સંત ભોજલરામ તરીકે ઓળખાતા ગુજરાતી કવિએ સમાજની કુરૂઢીઓ અને અંધશ્રદ્ધા પર કટાક્ષમય પ્રકારે જે રચનાઓ લખી છે તે ’ચાબકા’ કે ’ચાબખા’ તરીકે પ્રસિદ્ધ છે. શબ્દકોશમાં ’ચાબકા’ કે ’ચાબખા’ શબ્દનો અર્થ’શિખામણરૂપે રજૂ થયેલું માર્મિક કટાક્ષ કાવ્ય (એક સાહિત્યપ્રકાર)’ એવો અપાયો છે.

અહીં તેમાંની કેટલીક રચનાઓ આપવામાં આવી છે. આ રચનાઓ "બૃહત્ કાવ્યદોહન" નામક, "ગુજરાતી" પ્રીંટીંગ પ્રેસ, મુંબઈ દ્વારા, સનેઃ ૧૯૦૮માં પાંચમી આવૃતિ લેખે પ્રસિદ્ધ થયેલાં પુસ્તકમાંથી લેવામાં આવી છે.

અનુક્રમણિકા

૧.પદ-૧, દેસિ સંતતણી લાવી રે

૨.પદ-૨, ભેખ તો ભાવર થકી ભુંડા રે

૩.પદ-૩, જોઈ લો જગતમાં બાવા રે

૪.પદ-૪, ભરમાવી દુનિયાં ભોળી રે

૫.પદ-૫, મૂરખો રળી રળી કમાણો રે

૬.પદ-૬, મૂરખો માની રહ્યો મારૂં રે

૭.પદ-૭, ભક્તિ શિશતણું સાટું રે

૮.પદ-૮, દુનિયાં દીવાની કહેવાશે રે

૯.જીવને શ્વાસ તણી સગાઈ

૧૦.પ્રાણિયા ભજી લેને કિરતાર

૧૧.ભક્તિ શૂરવીરની સાચી રે

૧૨.સંતો ભાઈ ભુવન જીત્યા ભવ સારા

૧૩.હરિજન હોય તેણે

પદ-૧

દેસિ સંતતણી લાવીરે

દેસિ સંતતણી લાવીરે, ભેળાં ફરે બાવો ને બાવી. - ટેક.

મોટાં કપાળે ટિલાં કરે ને, વળી ટોપી પટકાવી;

કંથો ને ખલતો માળા ગળામાં, કાને મુદ્રા લટકાવીરે. દેસિ.

સંત સેવામાં સુખ ઘણુંને, કરે સેવા મન ભાવી;

તન મન ધન સોંપો એ સંતને, પ્રીતિયો લગાવીરે. દેસિ.

એવું ને એવું જ્જ્ઞાન દિયે, બહુ હેતે બોલાવી;

ભોજો ભગત કહે રાખ્યા ચાહુમાં, ભેખે ભરમાવીરે. દેસિ.

પદ-૨

ભેખ તો ભાવર થકી ભુંડારે

ભેખ તો ભાવર થકી ભુંડારે, મેલા અંતરમાં ઉંડા. - ટેક.

ટકો પૈસો ટેલ ગામ ગામ નાંખે, વળી ખેતર ખેતર ડુંડાં;

જેની વાંસે ધાય તેનો કેડો ન મેલે, જેમ કટકનાં લુંડારે. ભેખ.

ત્રાંબિયા સારૂ ત્રાગું કરે ને વળી, કામ ક્રોધના ઉંડા;

ધન ધુતવા દેશ દેશમાં ફરે, જેમ મલકમાં મુંડારે. ભેખ.

ગામ બધાની ચાકરી કરેને, ઘેર રાખે અગન કુંડા;

ભોજો ભગત કહે કર્મની કોટી, પાપતણાં જુંડારે. ભેખ.

પદ-૩

જોઈ લો જગતમાં બાવારે

જોઈ લો જગતમાં બાવારે, ધર્યા ભેખ ધુતિને ખાવા. - ટેક.

જ્યાં પ્રેમદા ઘણી પાણી ભરે, જ્યાં જાય નિત નિત નાવા;

રાંડી છાંડી નારનો નર ઘર ન હોય ત્યારે, બાવોજી બેસે ગાવા રે. જોઈ લો.

લોકનાં છોકરાંને તેડી રમાડે, વળી પરાણે પ્રીત થાવા;

ગૃહસ્થની સ્ત્રી રીસાવી જાય ત્યારે, બાવોજી જાય મનાવારે. જોઈ લો.

રૂપ કરે ને બાવો ધ્યાન ધરે, ભોળા લોકને ભરમાવા;

ભોજો ભગત કહે ભાવેસું સેવે એને, જમપુરીએ જાવારે. જોઈ લો.

પદ-૪

ભરમાવી દુનિયાં ભોળીરે

ભરમાવી દુનિયાં ભોળીરે, બાવો ચાલ્યો ભભુતી ચોળી. - ટેક.

દોરા ધાગા ને વળી ચીઠ્‌ઠી કરીને, આપે ગણકારૂ ગોળી;

જીવને હણતાં દયા ન આણે, જેમ ભીલ કાફર કોળીરે. ભરમાવી.

નિત નિત દર્શન નીમ ધરાવે, ઘેર આવે ત્રિયા ટોળી;

માઈ માઈ કરીને બાવો બોલાવે, હૈયે કામનાની હોળીરે. ભરમાવી.

સઘળા શિષ્યને ભેળાં કરી ખાય, ખીર ખાંડ ને પોળી;

ભોજો ભગત કહે ભવસાગરમાં, બાવે માર્યા બોળીરે. ભરમાવી.

પદ-૫

મૂરખો રળી રળી કમાણો રે

મૂરખો રળી રળી કમાણો રે, માથે મેલસે મોટો પાણો. - ટેક.

ધાઈ ધુતીને ધન ભેળું કીધું, કોટિધ્વજ કહેવાણો;

પુણ્‌યને નામે પા જૈ ન વાવર્યો, અધવચેથી લૂટાણોરે. મૂરખો.

ભર્યા કોઠાર તારા ધર્યા રહેશે, નહિ આવે સાથે એક દાણો;

મસાણની રાખમાં રોળઈ ગયા કઈક, કોણ રંકને કોણ રાણોરે. મૂરખો.

મંદિર માળિયાં મેલી કરીને, નીચે જઈ ઠેરાણો;

ભોજો ભગત કહે મુવા પુઠે જીવ, ઘણો ઘણો પસ્તાણોરે. મૂરખો.

પદ-૬

મૂરખો માની રહ્યો મારૂં રે

મૂરખો માની રહ્યો મારૂં રે, તેમાં કાંઈયે નથી તારૂં. - ટેક.

સાત સાયર જેની ચોકી કરતા, ફરતું નીર ખારૂં;

ચૌદ ચોકડીનું રાજ્ય ચાલ્યું ગયું, રાવણાદિક વાળું રે. મૂરખો.

દુઃખને તો કોઈ દેખે નહીં, ને સુખ લાગે સારૂં;

વેળા વેળાની છાંયડી તારી, વળિ જાશે વારૂં રે. મૂરખો.

હરિ ભજનમાં હેત જ રાખો, સ્મરણ કરો સારૂં;

ભોજો ભગત કહે રાખો હૃદયમાં, પ્રભુનું ભજન પ્યારૂં રે. મૂરખો.

પદ-૭

ભક્તિ શિશતણું સાટુંરે

ભક્તિ શિશતણું સાટુંરે, આગળ વસમી છે વાટુ. - ટેક.

એક દિવસ તો આવી બની, રાજા મૂરધ્વજને માથે;

કાશિએ જઈને કરવત મુકાવ્યું, હરિજનને હાથે રે. ભક્તિ.

સત્યને કાજે ત્રણે વેચાયાં, રોહિદાસ ને રાણી;

ઋષિને વાસ્તે રાજા વેચાણો, ભરવાને પાણી રે. ભક્તિ.

પેરો પટોળાં પ્રેમનાં રે તમે, શૂરવિર થઈ ચાલો;

ભોજો ભગત કહે ગુરૂ પરતાપે, આમરાપર માલોરે. ભક્તિ.

પદ-૮

દુનિયાં દીવાની કહેવાશેરે

દુનિયાં દીવાની કહેવાશેરે, ભુંડી ભિતોમાં ભટકાશે. - ટેક.

પાપ જ્યારે એનું પ્રગટ થશે ત્યારે, ભૂવા જતિ ઘેર જાશે;

ધુણી ધુણી એની ડોક જ દુઃખસે, ને લેનારો લેઈ ખાશેરે. દૂનિયાં.

સ્વર્ગમાં નથી સૂપડું ને, નથી ખાંડણિયો ને ઘંટી;

દુધ ચોખાના જમનારા તમે, કેમ કરી જમશો બંટીરે. દૂનિયાં.

ઢોંગ કરીને ધુતવાને આવે ત્યારે, હાથ બતાવા સૌ જાશે;

ક્યારે આના કર્મનું પાનુંરે ફરશે, અને ક્યારે પુત્ર જ થાશેરે. દૂનિયાં.

કીમિયાગર કોઈ આવી મળે ત્યારે, ધનને વાસ્તે ધાશે;

ભોજો ભગત કહે ભ્રમણામાં ભમતાં, ગાંઠની મૂડિ ગમાશેરે. દૂનિયાં.

જીવને શ્વાસ તણી સગાઈ

જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ના રાખે ભાઈ

બાપ કહે બેટો અમારો માતા મંગળ ગાય

બેની કહે બાંધવ મારો ભીડ પડે ત્યારે ધાય

જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ના રાખે ભાઈ

લીંપ્યું ને ગૂંપ્યું આંગણું ને કાઢવાની વેળા થઈ

અડશો ના અભડાશો તમે એમ લોક કરે ચતુરાઈ

જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ના રાખે ભાઈ

ઘરની નાર ઘડી ન વિસરે તે અંતે અળગી થઈ જાય

ભોજો ભગત કહે કંથ વળાવી પંથ પોતાને હાલી થાય

જીવને શ્વાસ તણી સગાઈ ઘરમાં ઘડી ના રાખે ભાઈ

પ્રાણિયા ભજી લેને કિરતાર

પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

ધન દોલત ને માલ-ખજાના, પુત્ર અને પરિવાર

તે તો તજીને તું જઈશ એકલો, ખાઈશ જમનો માર રે

પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

ઊંંચી મેડી ને અજબ ઝરૂખા, ગોખ તણો નહીં પાર

કોટિધ્વજ ને લક્ષપતિ, એનાં બાંધ્યાં રહ્યાં ઘરબાર રે

પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

ઉપર ફરેરાં ફરફરે ને , હેઠે શ્રીફળ ચાર

ઠીક કરીને ઠાઠડીમાં ઘાલ્યો, પછે વાંસે પડે પોકાર રે

પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

સેજ-તળાયું વિના સૂતો નહિ, ને કરતો હુન્નર હજાર

ખોરી ખોરીને ખૂબ જલાયો, જેમ લોઢું ગાળે લુહાર રે

પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

સ્મશાન જઈને ચેહ ખડકી, ને માથે છે કાષ્ઠનો ભાર

અગ્નિ મેલીને ઊંભાં રહ્યાં, અને નિશ્ચય ઝરે અંગાર રે

પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

સ્નાન કરીને ચાલી નીકળ્યાં, નર ને વળી નાર

ભોજો ભગત કે’ દશ દી રોઈને, પછે મેલ્યો વિસાર રે

પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર

ભક્તિ શૂરવીરની સાચી રે

ભક્તિ શૂરવીરની સાચી રે, લીધા પછી નહીં મેલે પાછી. (ટેક)

મન તણો જેણે મોરચો કરીને; વઢિયા વિશ્વાસી રે;

કામ-ક્રોધ-મદ-લોભ તણે જેણે ગળે દીધી ફાંસી રે.ભક્તિ૦

.

શબ્દના ગોળા જ્યારે છૂટવા લાગ્યા, મામલો ગઢ માચી રે;

કાયર હતા તે કંપવા લાગ્યા, એ તો નિશ્ચે ગયા નાસી રે.ભક્તિ૦

.

સાચા હતા તે સન્મુખ ચડયા ને, હરિસંગે રહ્યા રાચી;

પાંચ પચીસથી પરા થયા, એક બ્રહ્‌મ રહ્યા ભાસી રે.ભક્તિ૦

.

કર્મના પાસલા કાપી નાખ્યા, ભાઈ ઓળખ્યા અવિનાશી,

અષ્ટ સિદ્‌ધિને ઈચ્છી નહીં, ભાઈ, મુક્તિ તેની દાસી રે. ભક્તિ૦

.

તન-મન-ધન જેણે તુચ્છ કરી જાણ્‌યાં, અહોનિશ રહ્યા ઉદાસી;

ભોજો ભગત કહે ભડ થયા, એ તો વૈકુંઠના વાસી રે. ભક્તિ૦

સંતો ભાઈ ભુવન જીત્યા ભવ સારા

સંતો ભાઈ ભુવન જીત્યા ભવ સારા. ટેક૦.

અનંત લોચન અંતર ઊંઘડિયાં; નીરખ્યા નાટ નિરાળા. સંતો૦

મનમંદિર દીપક દરશાના, ઊંઘડી ગયાં તનતાળાં;

રંગ લાગ્યો ને રવિ પ્રગટિયો, અનેક દિશે અજવાળાં. સંતો૦

કરણ વર્ણ જેણે મરણ મિટાયા, ચરણ ગ્રહ્યાં છોગાળા;

છૂટી ગયાં ચેન ઘેન, ઘનઘોરા, ભાસ્યા બ્રહ્‌મ રસાળા. સંતો૦

ગગન ગાજે ત્યાં અનહદ વાજે, સદ્‌ગુરૂકી સાન શિખાયા;

ભોજો ભગત કહે પ્રેમ પિયાલો, પીતાં નયને નીર ઝલકાયા. સંતો૦

હરિજન હોય તેણે

હરિજન હોય તેણે હેત ઘણું રાખવું,

નિજ નામ ગ્રાહી નિર્માત રહેવું;

ત્રિવિધના તાપ તે જાપ જરણા કરી,

પરહરિ પાપ રામનામ લેવું.

સૌને સરસ કહેવું, પોતાને નરસ થવું,

આપ આધિન થઈ દાન દેવું.

મન કરમ વચને કરી નિજ ધર્મ આદરી,

દાતા ભોક્તા હરિ એમ રહેવું.

અડગ નવ ડોલવું, અધિક નવ બોલવું,

ખોલવી ગૂજ તે પાત્ર ખોળી;

દીન વચન દાખવું, ગંભીર મતું રાખવું,

વિવેકીને વાત નવ કરવી પહોળી.

અનંત નામ ઉચ્ચારવું, તરવું ને તારવું,

રાખવી ભક્તિ તે રાંક દાવે,

ભક્ત ભોજો કહે ગુરૂપરતાપથી

ત્રિવિધના તાપ ત્યાં નિકટ ના’વે.