સત્યા
સત્યા આજ સવારથી કાંઈક ગડમથલમાં હતી. ઘડીક તેના ચહેરા પર હાસ્ય છલકાતું હતું તો ઘડીક તેની આંખો અશ્રુને સંઘરવાનો વ્યર્થ પ્રયત્ન કરતી હોય એવું લાગતું હતું. સત્યા કામ કરતા કરતા વિચારે ચડી જતી હતી. હા, આજ સત્યા પોતાની લાગણીને અંકુશમાં રાખવામાં અસફળ થતી હતી. કદાચ એ બે દિવસ પછી આવતી ભાદરવા વદ ચૌદશ ના વિચારે પોતાની લાગણીને સાચવી નહોતી શકતી.
ભાદરવા વદ ચૌદશ ના આજથી આઠ વર્ષ પહેલાં સત્યાએ એક સુંદર સુશીલ રૂપવાન પુત્રને જન્મ આપ્યો હતો. પરંતુ તે પુત્રને સાત વર્ષ સુધી જ પોતાનો પ્રેમ આપી શકી હતી. પતિ પત્નીના અણબનાવમાં સત્યા પોતાના પુત્ર અંશથી વિખૂટી પડી ગઈ હતી. જ્યારે સત્યા પોતાના અંશથી વિખૂટી પડી ત્યારે અંશના જન્મદિવસે અવશ્ય અંશને મળવા આવવાનું વચન આપીને આવી હતી. સત્યા આજ એ વચન ના લીધે જ મૂંઝવણમાં હતી. કેટલાય દિવસોથી એ અંશના જન્મદિવસની રાહ જોઈ રહી હતી. અંશના જન્મદિવસને આજ બે જ દિવસ બાકી હતા.
દુઃખ, વેદના, સંયમ અને પોતાના પુત્રને મળવાના હર્ષમાં ફરી તેને જીવન જીવવાની આશા સળવળતી હતી. સત્યા જમતી હતી ત્યારે એને અચાનક વિચાર આવ્યો કે, એ અંશના જન્મદિવસના આગલા દિવસે એ જન્મદિવસની શુભેચ્છા પાઠવશે. એ સૌ પ્રથમ પોતાના અંશને અભિનંદન આપશે એવો વિચાર આવતા જ એ પોતાનું ભોજન અધૂરું મૂકીને અંશ માટે ભેટ લેવા નીકળી પડી. સત્યાએ અંશ માટે ચોકલેટ,રમકડાં,કપડાં વગેરે ભેટની ખરીદી કરી. પુત્ર માટે મા થી વિશેષ શુ હોય એ જાણતી હોવા છતા સત્યા ચીજવસ્તુઓથી પોતાના પ્રેમની પૂર્તિ કરવાનો પ્રયત્ન કરે છે. એ ગિફ્ટ પૅક કરતા ફરી વિચારે ચડી. એ વિચારવા લાગી કે, "હું અંશને જણાવીશ કે તને તરછોડવો એ મારો ધ્યેય ન હતો. પરંતુ સંજોગોએ આપણને અલગ કર્યા છે. અને ફરી એવા સંજોગો અવશ્ય આવશે કે, દીકરાને માનો અપાર પ્રેમ મળશે." સત્યા ફરી સ્વસ્થ થઈને ગિફ્ટ પેકનું કામ પૂરું કરે છે.
આજ દિવસ સુધી સત્યાને એ મૂંઝવણ સતાવ્યા કરતી હતી કે, અંશ સત્યાની હાજરી વિના કેમ રહેતો હશે? કેમ પોતાની દિનચર્યા, હોમવર્ક, મસ્તીમજાક વગેરેમાં સત્યાના ફાળાને શોધતો હશે? કેમ એ અણસમજુ, નાદાન પોતાની હાલની પરિસ્થિતિનો સામનો કરતો હશે? આવા અનેક પ્રશ્નોના ઉત્તર મેળવવાની આશા અને જન્મદિવસની શુભેચ્છા-આશિર્વાદ-પ્રેમ અને પ્રેમને દર્શાવવા સમજાવવાના હેતુથી રાત્રે લક્ઝરી સ્લીપર કોચ બસમાં બેસીને અંશના ગામ જવા નીકળે છે.
સત્યા બસમાં બેસવાની સાથે જ વધુ એક મૂંઝવણમાં સપડાઈ જાય છે. પતિ સાથેના અણબનાવના લીધે ઘરે તો વગર બોલાવે સત્યા જશે જ નહીં તો હવે અંશને મળવું ક્યાં? ખૂબ મનોમંથનના અંતે સત્યાએ અંશને શાળાએ મળવાનું નક્કી કર્યું. સત્યા અંશના શાળાએ પહોંચવાના સમય પહેલા જ એ ત્યાં પહોંચી જશે એવું નક્કી કરે છે.
બસની મુસાફરીમાં સત્યા નતનવા વિચારના ચકડોળે ચડી જાય છે. એક બાજુ અંશને મળવાનો હરખ થાય છે તો બીજી બાજુ અનેક પ્રશ્નો એને વિવશ કરી રહ્યા હતા.
સત્યાને થતું હતું કે, અંશના પ્રશ્નોના એ શું જવાબ આપશે? અંશ પૂછશે કે, "માં, તું મારા વગર કેમ જીવી શકે છે?" તો સત્યા શું કહેશે..?
સત્યાની આંખમાંથી અશ્રુઓની ધારા વહેવા લાગી હતી. થોડું પાણી પીને તે પોતાની જાતને સાચવવાનો પ્રયત્ન કરે છે.
સત્યા પોતાના મનમાં ને મનમાં ગણગણાટ કરે છે કે, "હું અંશને કહીશ કે, આજે હું તારાથી દૂર છું પણ મારા દરેક શ્વાસમાં આજ એ જ પ્રાર્થના છે કે, પ્રભુ મારા બાળકને સમય સામે જીતવામાં મદદરૂપ થજો." આમ આવા વિચારોના ચકરાવામાં રાતની મુસાફરીમાં સત્યા આખી રાત આંખનું મટકું માર્યા વગર ગુજારે છે.
સત્યા વહેલી સવારે અંશના ગામ પહોંચે છે. હવે સત્યા જાણે મૂંઝવણ મુક્ત થઈ ચૂકી હતી. હરખ તેના ચહેરા પર છલકવા લાગ્યો હતો. તે અંશને મળવાની રાહ જોતી હતી એ ઘડી હવે થોડા જ કલાકોમાં પૂર્ણ થવાની હતી. સત્યા અંશને મળશે અને ભેટીને ખૂબ વહાલ વરસાવશે. એના માથાને ચુંબન કરીને એના માટે લાવેલ ગિફ્ટ એને આપશે. એવા વિચારોમાં જાણે સત્યા હરખઘેલી થવા લાગી હતી. ખુશીઓના વિચારે સત્યા જાણે ઝડપથી અંશની શાળાએ પહોંચી ગઈ હોય એવું તેને લાગવા લાગ્યું.
સત્યાના ધબકારા હવે વધી ગયા હતા. સવારના 7:20 વાગી ચુક્યા હતા. પાંચ મિનિટમાં જ અંશને એ મળવાની હતી. અંશની સ્કૂલવાનને જોઈને એ એકીટશે આતુરતાથી વાનને જોવા લાગી. વાન સ્કૂલ ગ્રાઉન્ડમાં ઉભી રહે છે. સત્યા પણ ત્યાં જઈને ઉભી રહે છે. મહિનાઓ પછી અંશનું મોઢું જોઈને જાણે સત્યાની વાચા જ સ્તબ્ધ થઈ ગઈ હતી. એને શુ બોલવું શુ ન બોલવુંનું ભાન ન રહ્યું, એને એ પણ ભાન ન હતું કે આંખમાંથી આંસુ સરીને બાળકને પ્રેમનો આવકાર આપી ગયા.. પણ આ એ શું એ જોવે છે? અંશ સત્યાથી ગભરાય છે??? સત્યાને જોઈને એ મા શબ્દ પણ ઉચ્ચારતો નથી!! મા ને ભેટવાને બદલે અંશને સ્કૂલમાં પહોંચવાની ઉતાવળ છે...અંશ સ્કૂલ તરફ જવા લાગ્યો અને સત્યા એને જોતી જ રહી ગઈ.
સત્યાની બધી જ લાગણી સપના અંશના વર્તનથી અધૂરા રહી ગયા. સત્યાને મહેસુસ થવા લાગ્યું કે, એ પોતાના આટલા વર્ષો સુધી વરસાવેલ વ્હાલની સામે અમુક મહિનાનો વિખૂટો પડેલો સમય મા ના માતૃત્વને જ હરાવી રહયો હતો.
સત્યા રિસેસમાં અંશને ફરી મળશે અને અંશના દરેક પ્રશ્નના ઉત્તરને એ આપશે એવું વિચારી સત્યા થોડી સ્વસ્થ થાય છે. રિસેસમાં અંશને મળવા માટે સત્યાને મંજૂરી લેવી પડશે એ વેદના સાથે સત્યા પ્રિન્સીપાલને મળે છે. સત્યા પ્રિન્સીપાલને પોતાની બધી જ આપવીતી જણાવી અંશને મળવા માટે દસ મિનિટનો સમય માંગે છે. પણ જાણે આજ સત્યા સમય સામે હારી ગઈ હતી. એ અંશને રિસેસમાં નહીં મળી શકેની સૂચના સાંભળી જાણે જિંદગીમાં એ અંશને ખોઈ ચુકી છે ની દુઃખની લાગણી સાથે એ પ્રિન્સીપાલની ઓફિસમાંથી ભારે હૃદયે બહાર નીકળી જાય છે.
હવે એક જ આશા હતી કે, શાળાએથી છૂટીને અંશ બહાર આવે ત્યારે તેને આલિંગનમાં લે અને પુછે કે, તું મા ને સમજી તો શકે છે ને? સત્યા કેવા કુમળા બાળક પાસે આટલી મોટી વાતને પચાવવાની ઝંખના રાખે છે. સાચે જ મા આવી લાચારીને આધીન બની જાય એવી તકદીર વાળી હોઈ શકે એ આજે સત્યા અનુભવી રહી હતી.
સત્યાને જે ડર હતો એ જ થયું. પ્રિન્સિપાલ એ અંશના પિતાને સત્યા સ્કૂલમાં આવી છે એની જાણ કરી દીધી હતી. સત્યાની ઈચ્છા આજે અધુરીની અધૂરી જ રહી ગઈ. જ્યારે અંશના પિતાએ બે મિનિટની પણ સત્યાને અંશ સાથે મળવાની મંજૂરી ન આપી. પિતા કરતા મા નો પ્રેમ નવ મહિના વધુ હોય છે છતાં આજ સત્યા અંશ માટે લાચાર બની ગઈ હતી. સત્યા ના કાન મા શબ્દ સાંભળવા માટે તડપતા હતા. હૃદયના ધબકારા પણ જાણે મા શબ્દ સાંભળવા આતુર હતા. સત્યા ખૂબ રડી.. રડી રડીને એની આંખના આસું પણ સુકાઈ ગયા હતા.જાણે આસુંઓમાં પણ જીવ હોય અને એ પણ ન કહેતા હોય કે , બસ કર બહુ રડી હવે તારે તારા અંશમાટે જીવવાનું છે, જ્યારે એ સત્ય હકીકતને સમજતો થશે ત્યારે એ અવશ્ય તારી પાસે આવશે અને કહેશે મા હું તારી સમીપ રહી શકું??
સત્યા આજ પણ મા શબ્દ સાંભળવા જ જીવી રહી છે. સમયને જીતીને એ સક્ષમ છે દરેક પરિસ્થિતિમાંથી પાર ઉતારવા માટે...