પુસ્તક અને પુસ્તકાલય અને આપણે સૌ જ તો ! NarenSonar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પુસ્તક અને પુસ્તકાલય અને આપણે સૌ જ તો !

પુસ્તક અને પુસ્તકાલય

અને આપણે સૌ જ તો !

પુસ્તક

જીવન ભવ્ય છે તો પુસ્તક દિવ્ય છે !અને એ દિવ્ય પુસ્તક જયારે પુસ્તકાલયમાં સ્થાન પામે છે ત્યારે એ દેવી શારદાના મંદિરમાં જાણે પ્રતિમાની જેમ સ્થાપિત થઈ જતું હોય છે.તેથી જ એવું પણ કહી શકાય કે પુસ્તકાલય એ એક દેવાલય છે જ્યાંથી જ્ઞાન આશીર્વાદ સ્વરૂપ મળે છે ગ્રંથપાલ જે આ દેવાલય સમાન પુસ્તકાલયનો દ્વારપાલ છે અને એ પ્રત્યેક પુસ્તકો નાની મોટી પ્રતિમા સમાન છે અને એ પ્રતિમા સમાન પુસ્તકો લખનાર લેખકો એક એવા શિલ્પકાર છે જેના શબ્દો એક પ્રેરણાનું કામ કરે છે અને એ પ્રતિમાનું દર્શન કરનાર (વાચન કરનાર) વાચક એક ભક્તના સ્થાને છે.

એક મિત્રએ મને સવાલ કર્યો કે એવું તે કયું વ્યક્તિત્વ છે જે તમને ક્યારે પજવતું નથી ?

મારો જવાબ હતો “પુસ્તક” અહી પુસ્તકને એક વ્યક્તિત્વ તરીકે સંબોધીને વિવેકનો અતિરેક ઉપયોગ કર્યો હોય તો માફ કરજો પણ એ નક્કી કે પુસ્તક ક્યારેય તમને પજવતું તો નથી જ ! ઉલટાનું તમે એનો યોગ્ય ઉપયોગ કરો તો લોકોની પજવણીથી દૂર એમાંથી મારગ મળી જાય છે!

તમને ખબર છે પુસ્તક મિત્ર સમાન કોઈ મિત્ર નથી એવું કેમ સૌ કહેતા હોય છે ? એની પાછળ પણ એક તથ્ય છે કે આપણી સાથે રમનારો , જમનારો તથા મસ્તી કરનારો મિત્ર કંઈ કાયમ તમારી સાથે રહે એવું ન પણ બને કારણ કે એની પણ પોતાની એક અંગત જિંદગી હોય છે પરિવાર હોય છે તથા એવા ઘણા બધા કાર્યો કે જેમાં એને તમારાથી દૂર રહી કરવા પડતા હોય છે. એ હમેશા તમારી સાથે જ રહે એવું ન પણ બને અને બને તો પણ કેટલીક એવી ક્ષણો હોય છે જયારે તમને પણ એકાંતની જરૂર પડતી હોય છે. પણ પુસ્તક તો કયારેય પણ તમારા એકાંતને ખલેલ પહોંચાડતું નથી અને ચુપચાપ તમે તમારી મરજી મુજબ એને જ્યાં મુકો ત્યાં પડ્યું રહે છે.

કદાચ એક દિવસ તમે તમારા એ મિત્રને ન મળો તો તે તમને ન મળવાનું કારણ પૂછી શકે છે , તમે કેમ ના મળવા ગયા એના વિષે તમને અનેકો સવાલ પણ પૂછી શકે છે, શક્ય હોય તો તે મિત્ર તમારાથી નારાજ થઈ અબોલા પણ પાળી શકે છે ! જયારે આ બાપડું પુસ્તક ! તમે એને વરસ સુધી શું વર્ષોના વર્ષ ન વાચો તો પણ તમને ફરિયાદ નથી કરે, મ્હેણાં નહી મારે, તમારું જાહેરમાં કોઈની સામે અપમાન પણ નહી કરે !!

અહી આપણે આપણા હકીકતના મિત્ર અને પુસ્તક મિત્રની કોઈ તુલના કરતા જ નથી અને એ કરવી પણ જરૂરી લાગતી નથી કારણ બંને આપણા માટે એટલા જ મહતવનાં છે એ બંને મિત્રોનું આપણા જીવનમાં અનેરું સ્થાન છે અને તેથી એ બંને મિત્રનો સાથ સૌ કોઈને મળતો રહે એવી જ મહેચ્છા આપણે રાખી શકીએ. આ બંને મિત્રની વાત જ સાવ અનોખી હોય છે.

આ તો જસ્ટ વાત છે કોઈ લાંબા પ્રવાસે જવાનું થાય અનેતમારી સાથે તમારો મિત્ર પણ આપવાનો હોય કે તમારી સાથે તમારા પરિવારનું સદસ્ય આવવાનું હોય પણ એનું તમારી સાથે પ્રવાસમાં આવવાનું અચાનક રદ્દ થાય તો તમે થોડા નર્વસ થાવ એ સ્વાભાવિક છે પણ ત્યાં જ તમારી નજર તમે તમારી બેગમાં બિરાજમાન પુસ્તક મિત્ર પર પડે છે અને તમે તુરંત મૂડમાં આવી જાવ છો ..કે ચાલો એક મિત્ર તો છે સાથે જે મને સાથ આપવા મારી સાથે પ્રવાસ ખેડે છે.

ખરા અર્થમાં સવાર સવારમાં સ્ફૂર્તિ માટે જેમ “ચા” કે “કોફી”ની અને ભોજન પછી મુખવાસની જરૂર હોય છે તેમ દિવસની શરુઆત , મધ્યમાં કે દિવસના અંતે આપણા મસ્તિસ્કને સારા વિચારો આપવા માટે વાચનની જરૂર તો નહી કહી શકાય પણ વાચનની ટેવ કેળવવી જરૂરી બની જાય છે. મેં ઘણા બધા એવા વડીલોને જોયા છે જેઓ પુસ્તક માત્ર ઊંઘ સારી આવે એ માટે લઇ જતા હોય છે ...તેઓનું કહેવું એવું હોય છે કે રાતના ઊંઘ ના આવે ત્યારે થોડીવાર આડા પડ્યા પડ્યા પુસ્તક વાચો તો થોડી જ વારમાં ઊંઘ આવી જાય છે !!! લે બોલો !!! જે કામ સ્લીપિંગ પિલ્સ ના કરી શકે એ કામ “પુસ્તક” કરી બતાવે છે અને એ પણ કોઈ આડ અસર વિના !!! તો પછી તો આ “પુસ્તક” દવા તરીકે પણ કામ આપે છે એવું પ્રતિત થાય છે !!!

તમને પુસ્તકના મહાત્મ્ય વિષે બીજી એક ખાસ વાત જણાવવી રહી કે પુસ્તક તમને સારા નરસા વ્યક્તિની ઓળખ કરવી આપવામાં પણ સહકાર પૂરો પાડે છે.

પુસ્તક એ લેખકની મનની વાત શબ્દો સ્વરૂપે પ્રસ્તુત કરવાનું એક ઉત્તમ માધ્યમ છે. એક લેખક જે સ્વય પણ એક મનુષ્ય છે એની ખરી છબી પ્રસ્તુત કરે છે. એના વિચારો કેવા છે ? એ બંધુ જ લેખક એના વિચારો સાથે પુસ્તકમાં પ્રગટ કરે છે અને મનુષ્યને એને ગમતા વિચારો એ પુસ્તકમાંથી તારવે છે પોતાના અનુભવો સાથ એ પણ સરખાવે છે. ક્યારેક એને એ પુસ્તકમાં લખેલા વિચારો ખુદના જીવન સાથે સુસંગત છે એવી અનુભૂતિ પણ થતી જ હોય છે અને એ અનુભૂતિ એનામા એક રોમાંચ, એક પ્રકારની સાંત્વના આપનાર પણ બની શકે છે.

આજ તો પુસ્તકની ખરી ઓળખ છે જે આપણને આપણી સાથે ઓળખ કરાવનાર બને છે.

પુસ્તકનું કામ ચાણક્ય જેવું છે જે રાજા બનવાની બધી જ ખૂબીઓ ધરાવે છે છતાં પણ એ રાજા બનતો નથી પણ એનામાં અન્યને રાજા તરીકે પ્રસ્થાપિત કરવાની અદભૂત ક્ષમતા જરૂર છે .

પુસ્તકાલય

પુસ્તકાલય એ એક સાક્ષાત દેવી શારદાનું મંદિર છે ખરેખર જોવા જઈએ તો કોઈ પૂછે કે વિશ્વમાં સૌથી વધારે મંદિર કોના છે તો મારો જવબ છે “ દેવી શારદાના” પૂછો કેમ ? એ એમ કે દરેક નિશાળ, દરેક પુસ્તકાલય, દરેક કળા અને સાહિત્ય કેન્દ્રો, દરેક જ્ઞાન પીરસતા મઠો, જ્ઞાનનું પુસ્તક છાપતા પ્રકાશન કેન્દ્રો ...અને ઘણું બધું સજીવ અને નિર્જીવ જે જ્ઞાન સાથે યેનકેન પ્રકારે સંકળાયેલ છે તે. હવે તમે જ વિચારો છે ને સાચી વાત !

તમે તમારા પુસ્તક પ્રેમને માન આપી મનગમતા પુસ્તકો લઇ આવશો જ એની નાં નહી ! પણ કેટલા ? ચાલો એ વાત પણ જવા દઈએ તમે તમારું અંગત પુસ્તકાલય ઘરમાં જ વસાવો છો પણ બધી જ માહિતી ધરાવતા બધા જ વિષય આધારિત પુસ્તકો તો નહી જ હોય ! એમ માટે તમારે પુસ્તકાલયના પગથીયા ચઢવા પડે તો ગર્વ જ અનુભવજો કારણ એ પુસ્તકાલયમાં જે સારા પુસ્તકો છે એવા જ પુસ્તકો તમે પણ તમારા અંગત સંગ્રહમાં ઉમેરી શકો છો.

રજાના દિવસે એકાદ કલાક પુસ્તકાલયમાં ગાળી આવો તમે જે જ્ઞાન ધરાવો છો એમાં જરૂર ઉમેરો થયો જ હશે. અરે મારું તો એટલે સુધી કહેવું છે કે તમે પુસ્તકાલયમાં જઈને એક પણ પુસ્તક કે સમાચાર પત્ર નહી વાચો ખાલી એમને એમ એ પુસ્તકાલયની મુલાકાત લઇ પાછા આવો તો પણ તમારામાં કંઇક એવી ઉર્જાનો સંચાર થશે જે તમને ઉત્તમ આનંદનો અનુભવ કરાવશે જ જો ખાતરી હોય તો રજામાં એક અનુભવ કરી જુઓ !

આધુનિક યુગ પ્રમાણે હવે પુસ્તકાલયની સેવામાં પણ ઉત્તમતા આવી છે. પુસ્તકાલય આધુનિક યુગની જરૂરિયાત પ્રમાણે કામગીરી કરતા અને સેવા આપતા થયા છે. જે પહેલા પુસ્તક આપલેનું કેન્દ્ર હતું તે હવે વિવિધ પ્રકારની ઉત્તમ સેવામાહિતી આપતું વિચાર વિમર્શનું માર્ગદર્શક કેન્દ્ર બન્યું છે. હવે પુસ્તકાલયમાં વિવિધ વિષયો પર આધારિત સેમિનારો થયા છે, સાહિત્ય શિબિરો યોજાય છે, કવી સંમેલનો થયા છે, બાળકો અને યુવાનોને ઉપયોગી થઈ પડે એવા વક્તવ્યો યોજાતા હોય છે.

અને ખાસ એ કે હવે પુસ્તકાલયમાં જો વાચક ન આવી શકતો હોય તો પુસ્તકાલય વાચક સુધી પહોચી જાય છે અને એને પુસ્તક વાંચવા પ્રેરિત કરે છે આમે ઘરબેઠા પુસ્તક વાચક સુધી પહોંચાડતા પુસ્તકાલયો પણ સારા એવા શરુ થયા છે જે વાચકની વાચન તરસને સંતોષે છે.

ઈ - બુક્સનું ચલણ ભલે વધ્ય છે પણ હજુ પણ એવો વર્ગ છે જે પુસ્તકાલયમાં જવાનું પસંદ કરે છે. પહેલા શરુ શરુમાં જયારે ટીવી આવ્યું હતું ત્યારે સૌ એવું કહેતા હતા કે હવે રેડિયોનો જમાનો ગયો ...રેડિયો હવે એક ડબ્બો જ થયો સમજો !..એવું નથી બન્યું પણ એવું બન્યું છે કે લોકો રેડિયો અને ટીવી એમ બંને માધ્યમનો લાભ લેતા થયા ! હજી પણ રેડિયો સાંભળનાર શ્રોતાઓ ઓછા નથી થયા અને થયા નહી ...! બસ એવું જ છે પુસ્તક અને પુસ્તકાલયનું જેવી ઈ - બુક્સનું ચલણ આવ્યું એટલે બધાને ડર હતો કે હવે પ્રિન્ટેડ પુસ્તકો કોઈ નહી ખરીદે કે વાચે પણ તમે જયારે દર વર્ષે યોજાતા પુસ્તકમેળામાં પુસ્તક પ્રેમીઓને જુઓ છો તો એ ડર માત્ર ભ્રામક હતો એ વાત પ્રતિત થાય છે.

પુસ્તક અને પુસ્તકાલય વિષે હજુ જણાવીશ ....ત્યાં સુધી આ લેખ સાથે પુસ્તકાલયના સંદર્ભમાં લખાયેલ રચના સાદર કરી છે !

હે વ્હાલા મિત્ર તું હવે દુન્વીયી ચર્ચામાંથી જરા બહાર આવ!

જા તું મન હળવું કરવા પુસ્તકાલયમાં જઈ પુસ્તક વાંચી આવ !

પુસ્તક તને સાચી સમજ અને યથા યોગ્ય મર્ગદર્શન આપશે !

તારામાંથી કાવાદાવ આચરનારા વિચારો ઉભી પૂછડીએ ભાગશે !

જેથી તારામાં અંતરમનમાં ખરેખરી કરુણામય માનવતા જાગશે !

પુસ્તકના ઉત્કૃષ્ટ ઉત્તમ વિચારો નક્કી જ જાત તારી જ સુધારશે !

પણ સાથે સાથે સુધરેલા તારા વિચારો બીજાને પણ તો સુધારશે !

વિવેકમય વર્તન જ મનુષ્યની પ્રતિભા છે એ સમજ તને થતી જશે!

તું ઉત્તમ પુસ્તકો વાંચી જ્ઞાનઅનુભવ સદાકાળ મેળવતો થઈ જશે !

માટે મારું માન અને આવી દુન્વીયી ચર્ચામાંથી જરા બહાર આવ !

પુસ્તકનું અમુલ્ય જ્ઞાન તું તારામાં પચાવ ને તારી જાતને બચાવ!

ખરી મનાવતા પરોપકારભાવી સેવામાં જ છે વાત વિશ્વને બતાવ !”

© નરેન કે સોનાર " પંખી "