કામિની – ૩
સ્વાતિ શાહ
વિખરાયેલા વાળ અને ચોળાયેલા કપડાં સાથે કામિની બેલાના ઘરે આવી પણ તેનો ચહેરો ખુશખુશાલ હતો , અલબત્ત રંજનબેન થી નજર ચુકવી ફટાફટ ઉપર બેલા પાસે ચાલી ગઈ . રંજનબેન ને કંઇક અજુગતું લાગ્યું . આખી રાત રંજનબેન ને કામિની ના વિચાર આવવાં લાગ્યાં. છોકરીઓ મોટી થાય એટલે મનમાં હજાર વિચાર આવે . સવારે બેલા અને કામિની કોલેજ જતાં હતાં ત્યારે રંજનબેન કંઇ બોલ્યાં નહિ .
સવારે રંજનબેન નું મન કામ કરવામાં લાગ્યું નહિ એટલે તેમણે આનંદીબેન ને ફોન કર્યો , “કેમ છે બેન , મઝામાં ને ? ” આનંદીબેન ને પણ આટલી ફોર્મલ વાત રંજનબેન કોઈ દિવસ કરતાં નહિ એટલે જરા નવાઈ લાગી . ત્યાં રંજનબેન જરા હિંમત કરી ગઈકાલે રાતે કામિની આવી ત્યારે કેવાં હાલ હતાં તે વાત કરી . આનંદીબેન કહે ,” હું કામિની સાથે વાત કરીશ . મારી છોકરી ઘણી સીધી છે .” રંજનબેને કહ્યું ,” હમણાં ફોન પર ના પૂછીશ . પરીક્ષા પતે પછી વાત . હવે બહુ દિવસ નથી . નકામું અત્યારે પૂછીશ તો ડીસ્ટર્બ થઇ જશે . આતો જરા તારું ધ્યાન દોર્યું.”
પરીક્ષાના પેપર સારી રીતે પુરા થઈ ગયાં . કામિનીની ઈચ્છા અમદાવાદ રહેવાની હતી પણ આનંદીબેન ના આગ્રહ ને કારણે કામિનીએ કલોલ જવું પડ્યું . આમ પણ અઠવાડિયા નું જ વેકેશન હતું . કલોલ પહોંચી ત્યારથી કામિની ઊખડેલ ઊખડેલ રહેતી હતી . મોકો જોઈ આનંદીબેને કામિનીને પોતાની પાસે બેસાડી પુછ્યું ,” બેટા કેમ આમ ઉદાસ રહે છે ? આ વખતે તારો જીવ અહીં નથી લાગતો !”
કામિનીને થયું હવે કહ્યાં વગર છુટકો નથી . તે બોલી , “ મમ્મી મેં એક છોકરો શોધ્યો છે . સારા ઘરનો છે . માલવ તેનું નામ . પેલી મારી બહેનપણી રૂપા ખરીને એની બાજુમાં રહે છે . આપણી જ નાતનો છે . રૂપા તેને ભાઈ માને છે . તમે એને મળી જુવો . મારું મન અડગ છે .” આનંદીબેને પતિ ને વાત કરી અને બીજાજ દિવસે માલવને કલોલ બોલાવી દીધો . કામિની અને માલવની ઉંમર માં વધુ ડીફરન્સ હતો. જોડી દેખાવમાં પરફેક્ટ લાગતી હતી .
માલવને એક બહેન અને એક ભાઈ . બંને તેના કરતાં મોટાં અને પરણેલા . એકજ દિવસમાં કુટુંબ વગેરેની તપાસ કરી સંતોષકારક લાગ્યું . આનંદીબેનને હતું કે આટલું સારું ઠેકાણું કામિનીને મળે તો ઘરમેળે નક્કી કરી લેવું વધારે સારું . બીજે જ દિવસે બંને કુટુંબ ફરી મળ્યાં અને ગોળધાણા ખવાઈ ગયાં . કામિનીની ફાઈનલ પરીક્ષા પતે એટલે સગાઈની રસમ પતાવવી તેમ નક્કી થયું .
આ વખતે કામિનીને અમદાવાદ મુકવા આનંદીબેન સાથે આવ્યાં જેથી રંજનબેનને વાત કરી શકે. કામિનીને હોસ્ટેલ મુકી આનંદીબેન રંજનબેનના ઘરે આવ્યાં ને ચા પીતા કહેવા લાગ્યાં ,” બહેન કામિનીએ એક છોકરો પસંદ કર્યો છે . અહીં અમદાવાદ નો છે . નાતનો છે અને ઘર પણ સારું . માલવ નામ છે . કાલે એ લોકો આપણા ઘરે આવેલાં . બધું સારું લાગતાં ગોળધાણા ખાધા .” રંજનબેન ને મનમાં જરા થયું કે મને કીધું પણ નહિ ?
આનંદીબેન ગયાં એટલે રાત્રે જમવાના ટેબલ ઉપર રંજનબેને વાત કાઢી ,” કામિની નું નક્કી કર્યું . બેલા તને ખબર હતી ? માલવ નામ છે .” બેલા કહે ,” આ એજ માલવ હશે જે રૂપા ની પડોશમાં રહે છે . મને ખબર નહિ કે કામિની આ કારણે રૂપાને ઘરે વધારે જતી હશે ! મને તો એણે કઈ કીધું નથી .” બેલા અને રંજનબેન નાં મોઢાં જોઈ નરેશભાઈ સમજી ગયાં કે બંને ને ખરાબ લાગ્યું છે . વાત વાળી લેતાં બોલ્યાં ,” હશે હવે , ચાલો છોકરી ઠેકાણે પડી . આપણે પણ હવે માલવને આપણા ઘરે બોલાવવો જોઈએ .”
બીજે દિવસે બેલા ખુબ હોંશભેર કામિનીને મળી તેને કોન્ગ્રેચ્યુલેશન કહ્યાં . કામિની પણ ઘણી ખુશ હતી . હવે છુપાઈને ફરવાનું બંધ .. કોલેજ છુટવા ના સમયપર માલવ કામિનીને લેવાં પહોંચી ગયો ત્યારે બેલાની ફરી કામિનીએ ઓળખાણ કરાવી . માલવ પણ ઉમળકાભેર બેલાને મળી કહે , “ ચાલો સાળી ને મળી ઘણો આનંદ થયો . હવે મળતાં રહીશું . કામિની આપણા પિકચરના શો નો સમય થઇ જશે , નીકળીએ આપણે ?” બીજા દિવસે સાંજે ચાર વાગે બેલાને ત્યાં મળવાનું નક્કી કરી છુટા પડ્યા .
બેલાએ ઘરે પહોંચી રંજનબેન ને કીધું , “ કાલે માલવભાઈ ને ઘરે આવવાનું આમંત્રણ આપ્યું છે. બહુ સારા છે . કામિની અને તેમની જોડી સરસ લાગે છે .” રાત્રે એજ વાત પાછી સાહિલ અને નરેશભાઈ ને પણ કરી અને તેઓ ચાર વાગે ઘરે રહેશે તે પાકું કરી લીધું . પિક્ચર પતાવી કામિની હોસ્ટેલ પહોંચી એટલે તેણે ભાવનાને વાત કરી અને તેની ખુશી વર્ણવી .
ઓગણીસ વર્ષની હિન્દી પિક્ચરની શોખીન કામિની રાતના સ્વપ્ન માં માલવ ને જોતી હતી , આજે તો તેની ખુશી બેવડાઈ હતી . રાત ક્યાં પૂરી થઇ તેનો ખ્યાલ ના આવ્યો . સવારે ભાવનાએ ઢંઢોળી ને ઉઠાડી ત્યારે જાણે કેમ રાત પૂરી થઇ ગઈ ના ભાવ સાથે કામિનીને ઉઠવું પડ્યું . કામિની અને માલવ નું ઓફીશીયલ નક્કી થઇ ગયું હતું પણ લેડીઝ હોસ્ટેલ પાસે માલવ બહુ ના આવે તેવું હવે કામિનીને લાગ્યું હતું . બને ત્યાં સુધી સાંજે માર્કેટ પાસે બંને મળતાં તેવીજ રીતે ભેગા થઇ બેલાને ઘરે ગયાં .
માલવ ની ઓળખાણ માસા અને માસી ની કરાવતાં કામિની જરાક સંકોચાઈ ને બોલતી હતી એટલે માલવ સમજી ગયો અને વાતનો દોર પોતાના હાથ માં લઇ પોતાની ઓળખાણ આપી દીધી . પછીતો ઘણી વાતો ચાલી .. સાહિલ , રંજનબેન , નરેશભાઈ બધાં ને બહુ આનંદ રહ્યો . બધાને આવજો કહી કામિની ગાડીમાં બેસતાં બોલી ,“ હાશ , ગંગા નાહ્યાં .. હવે મને શાંતિવળી. માસા અને માસીને તું ગમી ગયો ને મારો સંકોચ દુર થયો .” માલવ બસ કામિની સામે જોઈ હસ્યાં કરતો રહ્યો . માસીને ઘરે ઘણો નાસ્તો કર્યો હોવાથી કામિનીએ સીધા હોસ્ટેલ પાસે ઉતારવાની માલવને વાત કરી . હોસ્ટેલ નજીક આવતાં કામિની થોડી દુઃખી થઇ . હવે તેને માલવથી છુટા પડવું ગમતું નહોતું . છુટકો પણ નહોતો . માલવ તરત બોલ્યો ,” ડાર્લિંગ હવે થોડો સમય છે પછી તો સાથે જ છીએ ને !”
ગોળધાણા ની વિધિ થઇ ગઈ હોવાથી કોલેજ પછી ઘણીવાર માલવ કામિની ને પોતાને ઘરે લઇ જતો . માલવ ની મોટી ભાભી સોહોણી સાથે કામિની ઘણી ભળી ગઈ હતી . હવે જ્યારે કામિની માલવને ત્યાં જતી ત્યારે સીધી ઘરમાં બધાને મળવા જતી , આ જોઈ રૂપાને ઘણું લાગી આવતું . એકવાર લીફ્ટમાં રૂપા અને કામિની ભેગાં થઇ ગયાં ત્યારે રૂપા બોલી ,“ કામિની હવે તો તું મારો દરવાજો ભુલી ગઈ છું . કોલેજમાં મળી લીધું એટલે શું હવે નહિ મળવાનું ? મમ્મી પણ તને યાદ કરે છે . ક્યારેક આવ .” માલવ દરવાજામાં જ કામિની ની રાહ જોતો ઉભો હતો એટલે રૂપાને બાય કહી કામિની ઘરમાં જતી રહી . માલવ લોકો હવે ઘર બદલી મોટાં ફ્લેટમાં રહેવાં જતાં રહ્યાં એટલે કામિનીની રૂપા ને ત્યાંની મુંઝવણ આપોઆપ દુર થઇ .
કામિનીએ રૂપા અને તનય ના સંબંધમાં બહુ ના પડતાં રૂપાનું કામિની સાથે બોલવાનું ઓછું થઇ ગયું હતું તેમાં વળી કામિનીનું માલવ સાથે નક્કી થવું . બળતાં સંબંધમાં ઘી હોમાયું . કામિની અને બેલા કોલેજમાં મળતાં વળી ક્યારેક કામિની માલવને લઇ માસીના ઘરે જઈ આવતી . આનંદીબેન અવારનવાર કામિની ને ટકોર્યા કરતાં કે હરવાફરવા માં બહુ સમય ના બગાડે . ભણવામાં ધ્યાન આપે . જુવાની અને પ્રેમ નો રંગ કામિની પર બરાબર ચઢી ગયો હતો . બેલા પણ અવારનવાર કામિનીને પરીક્ષા ની યાદ અપાવી દેતી ને બે ચાર દિવસ કામિની ભણવામાં થોડું ધ્યાન આપતી . પરીક્ષા નજીક આવી એટલે કામિનીએ માલવ ને કીધું,” માલવ હવે મારે ભણવામાં વધારે સમય આપવો જોઇશે .” માલવ હસતાં બોલ્યો ,” હવે બહુ ભણી ને શું કરવું છે . વધારે માર્ક આવે કે ઓછા ! પાસ થવાથી મતલબ છે ને . તારે કયાં હવે છોકરો જોવાનો છે ! મારી સાથે રહે ત્યારે પ્રેમ સિવાય વાત નહિ .”
કામિની મનમાં હરખાતી . પરીક્ષા પતાવી બે દિવસ કામિની કલોલ જઈ આવી . હવેતો મુકવા અને લેવાં માલવ જતો . કલોલ ક્યાં દુર હતું , ફરવા અને સાથે વધારે રહેવા માટે એક બહાનું મળી રહેતું . સાંજે જ્યારે આનંદીબેન અને કામિની બેઠાં હતાં ત્યારે તેમણે કામિની ને કહ્યું ,”બેટા હવે માલવના ઘરની રહેણી પ્રમાણે તારે તારી જાત ને ઢાળવી પડશે . માલવ ના ઘરનાં સભ્યો સાથે બોલવામાં જરા ધ્યાન રાખજે . તું બે વર્ષ શહેરમાં રહી પણ શહેરની ભાષા બરાબર અપનાવી લેજે .” આનંદીબેન વધારે બોલે તે પહેલાં કામિની નારાજ થઇ પગ પછાડતી પોતાના રૂમમાં ચાલી ગઈ . કામિનીના પપ્પાએ જ્યારે જાણ્યું તો તરત આનંદીબેન ને ટોક્યું ,” એક બે દિવસ છોકરી રહેવા આવે એમાં પણ તું એને નારાજ કરે છે . આ તમારી ટેવ ક્યારે સુધરશે ખબર નહિ .”
સોહિણી ભાભી માલવ ને જમવાનું પીરસતાં હતાં ત્યારે દિયરની મજાક કરતાં બોલ્યા ,”ખાઈ લો હવે ભાભીના હાથનું , પછી તો કામિની કામિની થશે ને ! હવે દુકાને ક્યારથી નિયમિત થાઓ છો ? ના ના હજી થોડું ફરી લો પછી તો એ અમરા જેવી જીન્દગી ...” “ તમે પણ શું ભાભી , મજાક કરો છો ? શાંતિ થી જમવા દોને ” આમ દિયર ભોજાઇ ની ગમ્મત ચાલતી રહેતી.
કામિની ને કોલેજ સાથે માલવ નો પ્રેમ ને પિક્ચર જોવાનું ચાલ્યાં કરતું જેની અસર પરીક્ષા ના પરિણામ ઉપર દેખાઈ . ફેર કોને પડે ? દિવસો ક્યાં પસાર થવા લાગ્યાં તેનો બે માંથી એકે ને ખ્યાલ ના રહ્યો . માલવ મય કામિનીને હવે ભાવના સાથે બહુ સમય ના મળતો અથવાતો કહી શકાય કે કામિની થોડું ભાવનાને અવોઇડ કરતી . એક બે વાર બેલાએ પુછ્યું ,” કામિની હવે તારી ભણવા માં ડીફીકલ્ટી માલવભાઈ સોલ્વ કરાવે છે ?” કામિનીએ કહી દીધું ,” ના રે , જે ના આવડે તે છોડી દેવાનું . બે માર્ક ઓછા આવશે તેટલું જ ને !”
સાહિલ અને બેલાને બહુ નવાઈ લાગતી . સાહિલે બેલાને કહ્યું ,” બેલા , હવે કામિની ને કંઇ કહેવાનો મતલબ નથી . કરવા દે જે કરવું હોય તે . આમ પણ આપણું કહ્યું હવે તેનાં મગજમાં ઉતારવાનું નથી . તું તારે તારા ભણવામાં ધ્યાન આપ . પરીક્ષા પતે એટલે ફાઈનલ યર પતિ જશે ને તે કલોલ જશે . તું કેમ આટલું વિચારે છે ?”
બન્યું પણ તેવું પરીક્ષા પછી તુરંત આનંદીબેને કામિનીને કલોલ બોલાવી લીધી . સગાઈની તૈયારી કરવાની હતી . કામિનીએ હોસ્ટેલની રૂમ ખાલી કરવા ની હતી એટલે સમાન પણ ઘણો, માલવ મુકવા ગયો ત્યારે આનંદીબેને સગાઇ ની વાત કરી એટલે માલવ બોલ્યો ,” પપ્પા સાથે વાત કરાવીશ . તમે વડીલ નક્કી કરો તે માન્ય .” રાત આખી કામિનીએ માલવને યાદ કરી પસાર કરી .
માલવ ઘરે પહોંચ્યો એ રાતે જમતી વખતે તેણે તેનાં પપ્પાને વાત કરી ,” કામિની ના ઘરનાં સગાઈ ની તારીખ નું પૂછતા હતાં તો વાત કરી લેજો ને !” સોહિણી બોલી ,” પપ્પાજી , સગાઇ કરવાં કલોલ જઈએ એનાં કરતાં તેઓ અહીં આવે તેમજ વાત કરજો ને ! ઘર મેળે પતીજાય .” માલવ ના ઘરનાં બધાનો એક જ સૂર હતો . તે રાત્રે જ ફોન પર વાત કરી . પંદર દિવસ પછી કામિનીના ઘરનાં સગાઇ કરવા આવશે તેમ નક્કી પણ થઇ ગયું .
સગાઈના દિવસે બેલા અને સાહિલ બંને જાણે કામિનીના સગાં ભાઈ અને બહેન . સગાઈની રસમ પતાવી માલવ ના પપ્પા એ કીધું ,” આપણે લગ્ન આ ડીસેમ્બર માં લઇ લઈએ તો સારું . ઉનાળાની ગરમી માં લગ્ન લેવાનો સવાલ નથી થતો .” માલવ અને કામિની ને પણ હવે લગ્નની ઉતાવળ આવી હતી . બધું એકજ બેઠકે નક્કી કરી કામિનીના મમ્મી અને પપ્પા કલોલ ભેગા થઇ ગયાં . બેલા અને માલવ ના આગ્રહ થી કામિની થોડાં દિવસ રોકાઈ ગઈ .
આનંદીબેન ને દિવસ ટૂંકા ને વેશ ઝાઝા લાગવા માંડ્યા . કામિનીને લગ્નની તૈયારી કરવાં બોલાવી લીધી . રાત પડે માલવ ફોન કરતો , ને રવિવારે કલોલ કામિની ને મળવા જતો . માલવના કલોલ ના આંટા વધી ગયાં હતાં . ઘણાં દિવસ તો સવારથી સાંજ કામિની સાથે રહેવા કલોલ રોકાઈ જતો . બંને ને બસ પ્રેમ પ્રેમ ને પ્રેમજ દેખાતો . દિવસો ક્યાં પસાર થઇ જતાં તેનો કામિનીને કોઈ અંદાજ ના રહ્યો અને લગ્નનો દિવસ આવી ગયો .
રંજનબેન , સાહિલ અને બેલા તો લગ્નના ત્રણ દિવસ અગાઉ કલોલ પહોંચી ગયાં હતાં . જાન નું સ્વાગત સુંદર રીતે કરી લગ્ન ખુબ સરસ અને સાદાઈથી પુરા કરી સાંજે જાન વળાવી દીધી. એ સાંજે જાન અમદાવાદ પાછી આવી અને એજ રાતના માલવ નાં પપ્પા એ રીસેપ્શન ગોઠવ્યું હતું તેથી કામિની અને માલવને એકાંત માં વાત કરવાનો સમય ના રહ્યો . લગ્ન પહેલાં ઘણો સમય કામિની અને માલવ સાથે રહેતાં પણ લગ્નના ચાર ફેરા એ જાણે નવી જિંદગી શરુ થતી કામિનીને લાગી . રીસેપ્શન માટે સોહિણી ભાભી નાં સુચન પ્રમાણે બ્યુટીપાર્લર વાળા બહેને કામિનીને તૈયાર કરી . રીસેપ્શન માં આવતાં દરેક લોકો કામિનીની સુંદરતાના વખાણ કરતાં. કામિની અને માલવ રીસેપ્શન પછી ખુબ થાક્યા . સોહિણી ભાભીએ માલવને કહ્યું ,“હવે કામિનીને લઇ રુમમાં જાવ . કામિની ઘણી થાકી હશે .”
મધુરજની નાં શમણાં આંખમાં આંજી કામિની અને માલવ રુમમાં ગયાં ને મધુર રજની ક્યાં પસાર થઇ ને ક્યાં સવાર પડી તેનો કામિનીને કોઈ ખ્યાલ ન આવ્યો . સવારે ઉઠી કામિની સાસુ સસરા ને પગે લાગી રસોડામાં સોહિણી ભાભી ને મદદ કરવાં ગઈ .
માલવ પણ ઉઠી ને બધાં સાથે ચા નાસ્તો કરવાં બેઠો . સોહિણી ને માલવ નો ચહેરો થોડો ઉદાસ લાગતો હતો તેથી માલવને એક બાજુ મળવાનો ઈશારો કરી ત્યાં થી ખસી ગયાં ...