kamini - 2 books and stories free download online pdf in Gujarati

કામિની ૨

કામિની -૨

સ્વાતિ શાહ

સવારે ઉઠતાં વેંત બેલાને થાય છે કે લાવ હવે કામિનીને પુછું . પછી બેલા પોતેજ વિચારે છે કે એને ઈચ્છા હશે ત્યારે કહેશે , બહુ આગ્રહ રાખે મતલબ નથી . કામિની અને બેલા બંને કોલેજ જવા નીકળ્યાં તો ખરા પણ એક પ્રકારનો મૌન ભાવ બંને વચ્ચે નડ્યાં કરતો હતો . કામિની નાં મનમાં એક અવઢવ ચાલ્યા કરતી હતી કે બેલાને હમણાં વાત કરું કે પછી ? તુરંત વિચાર આવ્યો કે હોસ્ટેલ સમાન મુકી ને ત્યાં રૂમ પર બેઠાં વાત કરીશ . કોલેજ આવતાં બંને પોતપોતાની ક્લાસમાં ચાલી ગયાં .

બેલાના મગજમાંથી કામિની ખસતી નહોતી ,જેમતેમ લેક્ચર્સ પતાવ્યાં ને જેવાં છુટ્યા તેવી ઝડપ ભેર બેલા કામિની પાસે પહોંચી ને કહેવા લાગી ,” કામિની ચાલ હવે મને જલ્દી કહે રાતે શું કહેવાની હતી ને ના કીધું ?” . હાથ છોડાવી કામિની કહે ,”અરે યાર ,કંઇ ખાસ નથી , ચાલ આપણે હજી ઘરે પહોંચી સામાન લઇ હોસ્ટેલ પહોંચવાનું છે . પછી બધી વાત .” બેલાને ઘણું અજુગતું લાગ્યું પણ પછી મનમાં જ નક્કી કર્યું કે એવું નથી કે કામિનીએ હું પુછું એટલે જવાબ આપવોજ જોઈએ ! ઠીક છે .

સામાન લઇ હોસ્ટેલ પર પહોંચ્યાં અને રુમમાં બેસી કામિની બેલા ને કહેવા લાગી ,” મને એમ હતું કે ગુજરાતી મીડીયમ લઈશ તો સહેલું પડશે , આપણી કોલેજનું વાતાવરણ મારી કલ્પના કરતાં ઘણું જુદું છે . ઈંગ્લીશ નો ઉપયોગ ઘણો છે . મને એક પ્રકારનો મુંઝારો થાયછે .” બેલા એ સાંત્વન આપતાં કીધું ," કામિની તું ચિંતા ના કર ઈંગ્લીશ પર જરા વધારે ધ્યાન આપીશ તો સરળ થઇ જશે , તને લાગતું હોય તો બેચાર મહિના ટ્યુશન લઈલે . એમાં કઈં મુંઝાવાનું નહીં . મમ્મી બધું ગોઠવી દેશે . "

કામિની ને ગળે વાત ઉતરી અને અઠવાડિયામાં બે દિવસ સાહેબ બેલાને ત્યાં ટ્યુશન માટે આવવા લાગ્યા . હોસ્ટેલમાં કામિનીને કંપની સારી થઇ જવાથી વાંધો ના આવ્યો . બેદિવસ માસીને ત્યાં કામિની જતી અને બાકી ભણવામાં સમય ખાસો જતો . હોસ્ટેલમાં સાંજના સાડાસાત વાગે દરવાજો બંધ થઇ જતો . હોસ્ટેલની મેસ માં ખાવાનું બહું સરસ મળતું એટલે મહિનામાં એકાદવાર બેલા બપોરે કામિની સાથે એની ગેસ્ટ તરીકે ત્યાં જમવા જતી.

કોલેજ આઇકાર્ડ માટે ફોટા પડાવવા જતાં “કામિની, તું દેખાવમાં નાજુક તો છે અને ચહેરો એકદમ ફોટોજેનિક છે . તારા ફોટા સરસ આવશે . ” ભાવનાનાં આવાં શબ્દ સાંભળી કામિની ને ક્ષણિક જરા સંકોચ થયો . જેમ દરેક વ્યક્તિને પોતાનાં વખાણ ગમે તેમ કામિનીને પણ ગમ્યું .

એ દિવસથી કામિની પોતાનાં દેખાવ માટે થોડી વધારે સજાગ થઇ . સવારે કોલેજ જવાની ઉતાવળમાં હોય પણ અરીસા સામે બે વાર પોતાની જાતને જોઈ કામિની કોલેજ જવા નીકળતી, એ બાબતે નીકળવાનું મોડું થાય તો ઘણીવાર ભાવના ટકોર કરતી . કામિની જેનું નામ ભાવનાનાં શબ્દોની જરા પણ અસર ના થાય .

વર્ષ આગળ વધવાં લાગ્યું . પરીક્ષાનો સમય નજીક આવતાં કામિની એકબે દિવસ માસીને ત્યાં રહેવાં પણ જઇ આવી જેથી મુશ્કેલી હોય તો એ અને બેલા સાથે ભણીને સોલ્વ કરી શકે . આનંદીબેન ક્યારેક ફોન કરતાં અને મહિને એક રવિવારે પતિ સાથે અમદાવાદ આવી કામિનીને મળી જતાં .

પ્રથમ પરીક્ષા આપીને બે દિવસ કામિની ભાવના સાથે ઘરે જઇ આવી . હવે તેને ઘરે જવું બહુ ગમતું નહીં . પરીક્ષાનું પરિણામ સારું આવ્યું તેથી કામિનીનો આત્મવિશ્વાસ વધ્યો . કોલેજમાં કામિનીનું અને બેલાનું અમુક કોમન ગ્રુપ હતું જે રિસેસમાં સાથે સમય ગાળતાં . કામિની અને બેલા બંને બહુ મોટાં ગ્રુપથી દૂર રહેતાં અને એમના જેવીજ બીજી ત્રણ ફ્રેન્ડ મળી . જેમાંની રૂપા સાથે કામિનીને વિશેષ બનતું . રૂપાનાં ઘરે પણ કામિની અવારનવાર જતી . આમને આમ એક વર્ષ કયાં પતી ગયું તેનો ખ્યાલ પણ ના રહ્યો . વાર્ષિક પરીક્ષા પતાવી કામિની ઘરે ગઈ . આ પહેલું વર્ષ એવું હતું કે વેકેશનમાં કામિની વધારે સમય ઘરે રહી . માતા અને પિતા સાથે સમય ગાળવાની એને ઈચ્છા થઇ અને ઘરમાં આરામ કરવાનું મન થયું . બેલા અને સાહિલે ઘણો કકળાટ કર્યો પણ કામિનીએ સમજાવ્યું ," આખું વર્ષ અમદાવાદ રહું છું . ઘરે થોડું રહું ને ! "

ઘરે ગઈ ત્યારે એક સાંજે કામિની અને આનંદીબેન વાતો કરતાં બેઠાં હતાં ને કામિની બોલી , “મમ્મી માસી સાચું કહેતાં હતાં કે છોકરીઓને થોડું કામ આવડવું જોઈએ . આપણા ઘરે કોઈ દિવસ કપડાં ધોયાં નહોતાં . માસીએ વેકેશનમાં નાના મોટાં કામ શીખવાનું ઘણું કહ્યું પણ ત્યારે રમતમાં જીવ હતો . હોસ્ટેલમાં થોડાં દિવસ બહુ આકરું લાગ્યું . મોટાં કપડાં તો ધોબીને આપતી પણ નાના તો હાથે ધોવા પડે . આતો ભાવના હતી તે સારું રહ્યું . શરૂઆતમાં આકરું પડ્યું . પછી ટેવાઈ ગઈ . હવે તો ઘણાં કપડાં હાથે ધોઉં છું . ધોબીનું બિલ જોઈ વધારે બચત કરવાનું મન થાય છે .” આનંદીબેનને મનમાં ઘણી ખુશી થઇ . થોડી ઘણી આવી વાતો કરે ને બાકી સમયમાં આરામ .

વાર્ષિક પરીક્ષા ક્યાં આવી ગઈ તેનો કોઈ ખયાલ ના રહ્યો . વર્ષતો એક ચપટી માં પુરું થઇ ગયું . યુનીવર્સીટી નું પરિણામ ના આવે ત્યાં સુધી કામિની કલોલ રહેવાની હોવાથી સાહિલ જરા અકળાયો હતો દર બે દિવસે ફોન કરી કામિનીને કહેતો,“ હવે ક્યારે પાછી આવે છે ? ” . કામિનીએ કીધું , “ સાહિલ, આ વખતે કોલેજ ખુલવાના બે દિવસ પહેલાં આવવા નો વિચાર છે. બુક્સ ને બધું ખરીદી લઉં તો સારું પડે .”

કામિની અને ભાવના ની દોસ્તી સારી વળી હોસ્ટેલમાં બીજી થોડી ફ્રેન્ડ થઇ ગઈ . બેલાને પણ ક્લાસની બેહેનપણી સાથે હરવાફરવા ની મજા આવતી હતી .વાર્ષિક પરીક્ષા માં કામિનીનું પરિણામ જોઈએ તેવું સારું ના આવ્યું . ઈંગ્લીશ ના ટ્યુશન સરે કહ્યું હતું કે બીજા વર્ષ સુધીમાં કામિની તૈયાર થઇ જશે . કામિનીને પણ એ વાતનો વિશ્વાસ હતો કે હવેના વર્ષે મહેનત કરી સારું રીઝલ્ટ લાવશે .

બીજા વર્ષની શરૂઆત માં કંઇ નવીન ના રહ્યું . એજ હોસ્ટેલ લાઈફ ને એજ કોલેજ લાઈફ . ક્યારેક મોર્નીગ શો માં પિક્ચર જોવાં જતાં . બાકીતો ભણવામાં સમય જતો . કામિની સાયકોલોજી વિષય કાફી રસપૂર્વક ભણતી પણ ઘણીવાર લોજીક અઘરું લાગતું તો સાહિલ ને તેણે વાત કરી,“ સાહિલ, આ લોજીકમાં મારી ચાંચ ડૂબતી નથી , શું કરી શકાય ? ” સાહિલનો એક મિત્ર આર્ટસ ના છેલ્લાં વર્ષમાં હતો . એટલે તેણે વાત કરી અને અઠવાડિયે એકાદવાર જો મુશ્કેલી હોય તો તે સાહિલને ત્યાં આવી સોલ્વ કરાવતો . કામિની કોલેજનાં પહેલાં વર્ષ કરતાં સ્વભાવે ઘણી છુટી થઇ ગઈ હતી . ક્યારેક હોસ્ટેલ ની ફ્રેન્ડ સાથે પિકચરમાં જતી તો ક્યારેક બેલા ની સાથે . કોલેજમાં કોઈ છોકરાની નજર બે વાર કામિની પર પડે એટલે કામિની પોતાના દેખાવ પ્રત્યે સભાન રહેતી .

એકવાર કામિની અને બેલા કોલેજ પતાવી બેલાના ઘરે પાછા આવતાં હતાં ત્યારે બે છોકરા મોટરસાયકલ પર બેલા અને કામિની ની આગળ પાછળ આંટા મારતાં હોય તેવું લાગ્યું . બેલા એ કામિનીને પુછ્યું , “ કામિની આ તારા ક્લાસમાં ભણે છે ?” કામિની એ હકારમાં ખાલી માથું હલાવ્યું . “ તું ઓળખે છે ?” તો કામિની બોલી , “ હા , ક્લાસમાં હાય હલો કરીએ છીએ . હજીસુધી વાત નથી કરી .” “ કરતી પણ નહિ , જે છોકરામાં તમીઝ ના હોય તેવાથી આઘા રહેવું સારું . ઝાઝી માથાકુટ થી દુર રહેજે .” કામિની ને બેલાની આ વાત આમ સાચી લાગી પણ મનમાં ખુશી થઇ કે હવે છોકરા તેની આગળ પાછળ ફરતાં થયાં ! તે પોતે એટલી સારી લાગે છે !

ટ્યુશન પતાવી હોસ્ટેલ જતાં રસ્તામાં કામિનીને પોતાના દેખાવ વિશે વિચાર આવ્યાં કર્યાં . કામિની મનમાં સમજી ગઈ . આવાં બનાવ તો પછી ઘણાં કામિનીના ધ્યાનમાં આવવા લાગ્યાં . કંઇ કહે તો કોને ! આવતાં વિચાર અને મન ને કોણ કાબુમાં રાખીશકે ? એમાં પાછી ઉમંર પણ એવી . બેલાએ રંજનબેન ને કાને વાત તો નાખી હતી કે કામિનીની આગળ પાછળ છોકરા ચક્કર મારે છે . બીજીવાર જ્યારે કામિની રંજનબેનને મળી ત્યારે એમણે પણ કામિનીને સજાગ રહેવા સૂચન કર્યું . કામિની તુરંત બોલી ,” માસી તમે ચિન્તા ના કરો , મને પણ ખ્યાલ આવી ગયો છે . હું એ બાબતે સજાગ રહું છું . આ છોકરાઓની તો ઐસીકીતૈસી .”

બેલા અને કામિની બંને નું આ વર્ષ ભણવામાં કઠીન હતું કારણ બેઉ ને પહેલાં વર્ષ કરતાં વધારે સારું પરિણામ લાવવાનું હતું . કામિની ક્યારેક રૂપા ને ત્યાં સાયકોલોજી સમજવા જતી . રૂપા કામિનીને ઘણી વાર કહેતી ,“ કામિની હોસ્ટેલમાં એકલાં ભણવાનો કંટાળો આવે તો મારા ઘરે આવી જવું .” કોલેજનાં પહેલાં વર્ષે પરીક્ષા આવે ત્યારે કામિની બેલાની સાથે ભણતી પણ પછી સાહિલ સાથે વાતો અને રંજનબેન સાથે વાતો માં સમય બહુ બગડતો હોવાથી હોસ્ટેલ પર રહી ભણતી.

ક્યારેક રૂપાને ત્યાં જતી તો તેની પડોશમાં રહેતો માલવ રૂપાને ત્યાં આવતો જતો રહેતો . ત્રણે જણા બેસી ગપ્પાં મારતાં . માલવ ઉમંરમાં આઠ વર્ષ મોટો એટલે રૂપા તેમને મોટાં ભાઈ જેવાં ગણતી . માલવ પોતાના પિતાનો સાડી સ્ટોર સંભાળતો . એટલે કામ પર જવાનો ખાસ સમય બાધ નહિ . કામિની , રૂપા અને માલવને ઘણું સારું બનવા લાગ્યું .

કોલેજમાં સમય ક્યાં પસાર થઇ જતો તેનો ના બેલાને ખ્યાલ આવ્યો કે ના કામિનીને. જોતજોતામાં પ્રથમ પરીક્ષા આવી ગઈ . હોસ્ટેલમાં એકદમ ભણવાનું વાતાવરણ . આનંદીબેનને પણ કામિનીએ હમણાં અમદાવાદ આવવાની ના પાડી હતી . બેચાર દિવસે ફોન પર વાત કરી લેતાં .

કોલેજમાં એક દિવસ રૂપા થોડી ઉદાસ હતી . કામિનીએ તેને પુછ્યું ,” કેમ રૂપા , આજે ઉદાસ છું? તનય સાથે ઝગડો થયો કે શું ?” રૂપા એ તનય નો અંગત મિત્ર હતો . રૂપાની આંખ માંથી આંસુ ટપક્યાં . કામિની એ રૂપાને કહ્યું ,” બહુ મન પર ના લે , આવાં ઝગડા તો થતાં રહે . અત્યારે સામી પરીક્ષા એ બધાં વિચાર પડતાં મુક અને ભણવા પર ધ્યાન દે . થોડાં દિવસમાં તનય આપો આપ સામેથી બોલવા આવશે . ” રૂપાને કામિની ની વાત ઘણી સાચી લાગી , પણ મન તો મરકટ જેવું , એને વિચારતું કેમ રોકવું ? રૂપના એ દુઃખી દિવસ દરમ્યાન કામિની એનાં ઘરે વધારે જતી અને એ અને માલવ મળી ને રૂપાને સમજાવતાં .

ઘણીવાર કામિનીને હોસ્ટેલ પહોંચવા નું મોડું થઈ જાય તો માલવ કામિનીને પોતાની ગાડીમાં હોસ્ટેલ મુકી આવતો . કામિની જ્યારે માલવની ગાડીમાંથી ઉતરતી ત્યારે આજુબાજુ જોઈ લેતી કે કેટલી આંખો એ કામિની ના આમ આવવાની નોંધ લીધી ! પોતે ગાડીમાં આવવાની ખુશી ભર્યો ચહેરો સ્વસ્થ કરી ફટાફટ હોસ્ટેલમાં ચાલી જતી . કામિનીનું ભણવાનું સારું ચાલતું . બેલા પણ ભણવામાં ખાસી મહેનત કરતી . એક રીસેસ દરમ્યાન બેલા, કામિની અને બીજી બે ફ્રેન્ડ કેન્ટીન પાસે ઉભા હતાં તેવામાં માલવ જઈ પહોંચ્યો ને બોલ્યો ,“ રૂપા ,ઘરે આવવું છે ? આજે જરા આબાજુ થી નીકળ્યો તો તમારી કોલેજ જોવાનું મન થઇ આવ્યું . હું ઘરે જ જાઉં છું . તારે ખાસ લેક્ચર ના હોય તો ચાલ સાથે જઈએ . ” રૂપા એ બધી ફ્રેડસ ની ઓળખાણ માલવ સાથે કરાવી અને ઘરે જવા માલવ સાથે નીકળી ગઈ .

બેલાના ઘરે રંજનબેન નો કાયદો કે જે નવા મિત્રો થાય તે બધાને ઘરે મળવા લઇ આવવા . રંજનબેન માણસ બહુ જલ્દી પારખી લેતાં . પરીક્ષા પૂરી થઇ ને તુરંત કામિની કલોલ ગઈ . રોજ બેલા સાથે વાત થતી પણ હવે રૂપાને પણ રોજ ફોન કરતી . વેકેશનમાં બેલા અને રૂપા કામિનીના ઘરે રોકવા ગયાં ત્યારે ઘણો આનંદ કર્યો . આનંદીબેન ખુબ ખુશ થયાં . સાંજ પડે રૂપા , બેલા , કામિની અને ભાવના સોસાયટીમાં બાંકડા પર બેસી અલકમલક ની વાતો કરતાં તો અંધારું ક્યાં થઇ જતું તેનો ખ્યાલ ના રહેતો .

વેકેશન પતતા પાછું અમદાવાદ ક્યારે જવાશે તે સ્વપ્ન કામિની જોતી . કામિનીને હવે કલોલ માં રહેવું બહુ ગમતું નહિ . કોલેજ પિકનિક, કલ્ચરલ ફેસ્ટીવલ ની મજા બધું બહુ યાદ આવતું . વર્ષ તો જાણે ક્યાં પતી ગયું પણ વેકેશન કામિનીને ઘણું લાબું લાગ્યું . વેકેશન દરમ્યાન બહેનપણી ભેગી થઇ માઉન્ટ આબુ ચાર દિવસ ફરી આવી . કામિની અને બેલાનું એક ગ્રુપ હોવાથી આનંદીબેન ને બહુ ચિન્તા ના થતી . છોકરીઓ મોટી થતાં તેમનામાં વિશ્વાસ રાખવો એવો રંજનબેન નો સદાય આગ્રહ આનંદીબેન પર રહેતો . પિક્ચરની શોખીન કામિની ઉપર હિન્દી પિક્ચરની હિરોઈન ની ફેશન ની અસર હવે કામિનીના પહેરવેશ પર દેખાવા લાગી .

કોલેજની વાર્ષિક પરીક્ષાનું પરિણામ બેલા અને કામિની નું ઘણું સારું આવ્યું . આ વર્ષે ખુલતી કોલેજે રૂપા એ બેલાને સારા રીઝલ્ટ આવવા બદલ શુભકામના આપતી વખતે કહ્યું ,” કામિની કોલેજનાં આટલાં વર્ષ દરમ્યાન તેં ક્યારે તારા જન્મદિવસ ની પાર્ટી નથી આપી તો હવે આ લાસ્ટયર માં તો આપ .” કામિનીને પણ થયું કે પાર્ટી તો બનતી હૈ . બેલા ,રૂપા અને બધી ફ્રેન્ડ ને પિક્ચર અને હોટેલમાં પાર્ટી આપી કામિનીએ તેનો જન્મદિવસ ઉજવ્યો .

બેલા અને કામિની અભ્યાસ પ્રત્યે ધ્યાન આપતી એટલે બન્ને ની ઘરે બહુ ચિન્તા નહોતી . રૂપા ને ત્યાં કામિનીને જવાનું ઘણું થતું . ખાસ કરીને પરીક્ષા નજીક આવે ત્યારે . વધારે ભણવાનું હોય ત્યારે કોઈક વાર કામિની રંજનબેન ની ચિઠ્ઠી લઇ હોસ્ટેલમાંથી રાતે માસીને ત્યાં રહેવાની પરવાનગી લઇ લેતી . એક દિવસ કામિનીએ બેલાને કહ્યું ,” આજે હું તારા ઘરે રાત રહેવા આવીશ . મને થોડું ઈંગ્લીશ ગ્રામર શીખવું છે ! પણ કદાચ આવતાં થોડું મોડું થઇ જાય. હું જમીને ગેઇટ બંધ થાય ત્યારે આવીશ . જેથી મારું રુટીન ભણવાનું પુરું થઇ જાય .”

રાતે બેલા કામિનીની રાહ જોતી એનાં રુમમાં બેઠી હતી ત્યાં કામિની આવી પહોંચી . કામિનીના કપડાં ચોળાયેલા , માથું વિખાયેલું ....

બીજા રસપ્રદ વિકલ્પો